વોયેજર – ૧ ની વાપસી !!! Umang Chavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વોયેજર – ૧ ની વાપસી !!!

પ્રોફેસર જેમ્સે બગાસું ખાધું ! એણે એની સામે પડેલા મોનીટર પર ચમકતા અસંખ્ય ટપકાઓ તરફ જોયે રાખ્યું ! કંટાળીને એણે એની બાજુમાં પડેલા અર્ધખવાયેલ પીઝાના ટુકડા તરફ જોયે રાખ્યું ! ત્રિકોણ પીઝા હવે આગળથી ખવાઈને વિચિત્ર શેપનો થઇ ગયો હતો. જેમ્સે ટેબલ પર માથું ઢાળી દીધું અને એ વિચિત્ર નજરે ઠંડા થઇ ગયેલા પીઝાના ટુકડાને તાકી રહ્યો હતો. ૪૨ – ૪૨ વર્ષો વહી ગયા હતા વોયેજર ૧ ને લોન્ચ કર્યાને. હવે તો એના મંદ મંદ સિગ્નલ કોઈ કોઈ વાર આવતા હતા ! હજુ પણ એ કાર્યરત હતું અને એ જ મોટો ચમત્કાર હતો ! ૪૨ વર્ષો માં એણે બહુમૂલ્ય એવો ડેટા નાસાને આપ્યો હતો અને હજુ પણ આપી રહ્યું હતું ! આ એક અદભુત અને રહસ્યમયી વાત થઇ હતી ! માત્ર થોડાક વર્ષો માટે બનેલું વોયેજર યાન હજુ પણ કાર્યરાત હતું અને કોઈને આશા પણ નહોતી કે એ એક દિવસ માનવસર્જિત ઇન્ટરસોલાર સિસ્ટમને છોડીને જનારું પહેલું યાન બની જશે ! એનો મૂળભૂત આશય જ્યુપીટર, સેટર્ન અને સેટર્નના ચંદ્ર ટાઈટનનો અભ્યાસ કરવાનો અને એના ફોટાઓ ખેંચીને વધારે માહિતી આપવાનો હતો.

પણ એક ચમત્કાર થઇ ગયો હતો ! વોયેજારે આ કાર્યને બખૂબી નિભાવ્યું જ હતું પણ એ આગળ આગળ વધી રહ્યું હતું અને એણે નાસા માટે અને માનવજાત માટે માહિતીઓનો અદભુત ભંડારો ખોલી દીધો હતો ! હવે એનું મિશન પૂરું થયું હતું અને એ અનંત બ્રહ્માંડમાં લગભગ ૬૧૦૦૦ કિલોમીટરની ઝડપે પૃથ્વીથી ૧૮.૮ બિલિયન કિલોમીટર દુર જતું રહ્યું હતું અને સતત દુર થઇ રહ્યું હતું ! માનવ ઈતિહાસે રચેલી કોઈપણ વસ્તુ આટલે દુર ગઈ નહોતી ! આ એક આશ્ચર્ય હતું અને એક ગર્વ લેવાય એવી વસ્તુ પણ !

હજુ પણ એના મંદ મંદ ડેટા સિગ્નલો આવી રહ્યા હતા પણ દુખની વાત એ હતી કે આટલે દુર ગયા પછી નાસાના વૈજ્ઞાનિકોનું એના પર નિયંત્રણ રહ્યું નહોતું ! આ અફાટ અને અનંત બ્રહ્માંડમાં એ એકલું અટુલું આગળ આગળ વધી રહ્યું હતું ! ખબર નહિ ક્યા જઈને એ રોકાશે કે કોઈ વસ્તુ જોડે અથડાઈને એ નાશ પામશે ! કોઈ ખાતરી પૂર્વક કઈ જ કહી શકે તેમ નહોતું ! નાસાએ વોયેજર ૧ માં (અને વોયેજર ૨ માં પણ કે જે અલગ દિશામાં છોડવામાં આવ્યું હતું) એક ગોલ્ડન રેકોર્ડ મુકેલી હતી, એમાં પૃથ્વી સુધી પહોંચવાનો નકશો, માનવ આકારો, આપણી ગેલેક્ષીની દિશા અને અન્ય સાઉન્ડ રેકોર્ડ કરેલા હતા તેમજ એલિયન્સને લક્ષીને શુભેચ્છા સંદેશો પણ મુકેલો હતો, એ આશામાં કે કોઈ દિવસ કોઈ ઉન્નત સભ્યતા વોયેજરને પકડી લેશે અને એમાં રહેલી માહિતીને શોધીને આપણા ગ્રહ પૃથ્વી પર આવી પહોંચશે ! અફસોસ ! માનવોનો એ પ્રયાસ અત્યાર સુધી નિષ્ફળ રહ્યો હતો ! વર્ષોના વર્ષો સુધી પ્રયાસ કર્યા પછી પણ એમને આ અફાટ અન્તરિક્ષમાંથી કોઈ સિગ્નલ કે જવાબ મળ્યો નહોતો. પણ માનવજાત એમ જલ્દી હાર માને એમ નહોતી અને એમના ભરપુર પ્રયાસો ચાલુ હતા !

***

એક મહાન સાયન્ટીસ્ટે કહ્યું હતું કે શિશુ જન્મે એટલે થોડા વર્ષોમાં એણે વિકાસ સાધવો હોય તો એનું પારણું છોડી દેવું જોઈએ અને આગળ ડગલા માંડવા જોઈએ ! માનવજાત માટે પણ આ લાગુ પડતું હતું. પૃથ્વી અસંખ્ય એવા ભયજનક પરિબળોથી ઘેરાયેલી હતી કે એક દિવસ એનો નાશ થઇ જાય એ પહેલા માનવજાતે પોતાની જાતને અને સંસ્કૃતિને બચાવા માટે પારણા રૂપી પૃથ્વી છોડીને વહેલા માં વહેલી તકે અન્ય રહેવા અને વસવા લાયક ગ્રહની શોધ કરવી જોઈ એ ! બે મુખ્ય અડચણ હતી ! એક કે આટલા અફાટ બ્રહ્માંડમાં જ્યારે એક તારા કે ગ્રહથી બીજા તારાની દુરી હજારો કે લાખો પ્રકાશવર્ષમાં હોય ત્યારે અત્યારની ટેકનોલોજીથી પૃથ્વીથી નજીકમાં નજીક આવેલા ગ્રહ (પ્રોક્સીમા સેન્ટુરી) પર જવામાં પણ માનવ જાતને ૪૦ હજાર વર્ષ (હા, બરોબર જ લખ્યું છે !!!) લાગી જાય એવું હતું ! બીજી મુખ્ય અડચણ હતી કે અત્યારે પ્રકાશની ગતીના દસ ટકા જેટલી સ્પીડ પકડે એવું વાહન બનાવવું, પણ એમાં પણ એને થ્રસ્ટ આપે એવું ઇંધણ ક્યાંથી લાવવું ? ખેર ! માનવજાત પાસે બે વિકલ્પો હતા, એક કે ઉત્તરોતર પ્રગતિ કરતા રહેવું અને થોડાક હજારો વર્ષોમાં એવી ટેકનોલોજી ડેવલપ કરવી અથવા તો લગાતાર સંદેશો મોકલાવીને કોઈ ઉન્નત એલિયન જાતીની શોધ કરવી અને એની મદદ લેવી !

***

“બીપ બીપ બીપ” અચાનક મોનીટર પર સિગ્નલો આવવા લાગ્યા ! અર્ધજાગૃત જેમ્સ ચમકી ગયો ! એણે આંખો ફાડીને સ્ક્રીનની સામે જોયું તો એ આભો બની ગયો ! વોયેજર ૧ ના સિગ્નલો હવે વધારે ઝડપથી આવી રહ્યા હતા ! આ શું છે ! એ એના અન્ય સીનીયર સાથીઓને બોલાવા દોડ્યો !

***

અમેરીકાના પ્રેસિડેન્ટ રાષ્ટ્રજોગી કે જે આખા વર્લ્ડમાં પણ પ્રસારિત થઇ રહ્યું હતું એવું પ્રવચન કમ સમાચાર આપી રહ્યા હતા ! આખી દુનિયામાં રોમાંચ અને ભય વ્યાપી ગયો હતો ! બધા જ અધ્ધર જીવે પ્રેસિડેન્ટને સાંભળી રહ્યા હતા !

“મારા વ્હાલા દેશ વાસીઓ અને પૃથ્વીવાસીઓ, આજે એક અદભુત અને અચંભિત ઘટના ઘટી રહી છે ! આવું માનવ ઇતિહાસમાં પહેલા ક્યારેય નથી થયું અને કદાચ થશે કે નહિ એની આપણને ખબર નથી ! જી હા, આજથી લગભગ ૪૨ વર્ષો પહેલા નાસાએ છોડેલું વોયેજર ૧ યાન અચાનક પાછુ આવી રહ્યું છે ! અમે લોકો અચંભિત છીએ ! કોઈએ – કોઈ ઉન્નત પ્રજાતિએ એને પાછું પૃથ્વી તરફ વાળી દીધું છે અને એ ભયાનક ગતિથી, ખરેખરતો પ્રકાશની ગતિથી આપણી પૃથ્વી તરફ ધસી રહ્યું છે ! અમે લોકો અચંભિત છીએ કે આવું કેવી રીતે શક્ય બને ? આ વસ્તુ ઘણા દ્વાર ખોલી નાખે છે, અને લગભગ એ વસ્તુ તરફ ઈશારો કરે છે કે કોઈ ઉન્નત એલિયન સભ્યતાએ વોયેજરને પકડીને એમાં આપણે મુકેલી ગોલ્ડન રેકોર્ડ જોઈ હશે અને પછી એણે એને આપણી પૃથ્વી તરફ પોતાના કોઈ યાન પર સવાર કરાવીને પાછું ધકેલી દીધું છે ! હા, એ ખુબ જ ઝડપથી પાછું આવી રહ્યું છે અને શક્ય છે કે એની સાથેના યાનમાં એલિયન સભ્યતાના કોઈ હોય અને આપણી મુલાકાત લે ! બધા જ એક્સાઈટ છીએ પણ સાથે સાથે આપણે એ ના ભૂલવું જોઈએ કે એ કોઈ એવા પણ હોય કે જે ઉતરતા વેંત આપણી પર હુમલો કરે ! એટલે આપણે હવે તૈયાર રહેવું જોઈએ અને હું તમામ દેશોને અને એના વડાઓને અપીલ કરું છું કે બધા એક મેક સાથે હળીમળીને રહે અને આ આવનારી વસ્તુ-ઘટનામાં એકબીજાનો સાથ આપે ! પ્રભુ આપણી પૃથ્વીને અને આપણને બચાવે અને એને ઉન્નત બનાવે”

સોપો પડી ગયો બધે ! બધાની નજર આપોઆપ આકાશ તરફ જઈ રહી હતી ! શું થશે એની ઉત્તેજનામાં લોકો આવી ગયા હતા અને જાત જાતની અફવાઓ ફેલાવા માંડી હતી. અમેરિકાએ નાસાના હેડક્વાટરથી થોડે દુર એક મોટા સંકુલમાં વોયેજર ૧ને લગતી તમામ માહિતી અને એને ટ્રેસ કરવાની સગવડતા ગોઠવી હતી અને ભારત સહીત જગતના મોટા મોટા દેશોના વૈજ્ઞાનિક વડાઓને પણ એમાં સામેલ કર્યા હતા ! બધા એકીટશે દર કલાકે વોયેજર ૧ ને મોનીટર થતું જોઈ રહ્યા હતા ! એમાંથી મળતા સિગ્નલો મુજબ વોયેજર ૧ અતિ ઝડપથી પૃથ્વી પર પાછુ ફરી રહ્યું હતું અને નિષ્ણાતોના મંતવ્ય મુજબ જો આ જ સ્પીડે એ આવતું રહે તો આવતા આઠ મહિનામાં એ પૃથ્વી પર ટપકી પડવાનું હતું ! તમામ દેશોએ સાથે મળીને એમના ન્યુક્લિયર વેપનો સાબદા કરી દીધા હતા, રખે જો કોઈ એલિયન પ્રજાતિ પૃથ્વી પર એટેક કરે તો એને પહોંચી વળવા માટે ! કેટલાકે તો એવું પણ મંતવ્ય આપ્યું કે વોયેજર ૧ને પૃથ્વી સુધી પહોચવા જ ના દેવું અને અન્તરિક્ષમાં જ એના પર અણુબોમ્બનો એટેક કરીને એને ભસ્મ કરી દેવું ! પણ મોટેભાગે લોકો આની વિરુદ્ધ હતા, એમને ખાતરી હતી કે જે લોકોએ વોયેજર ૧ ને પકડ્યું હશે અને આટલી ઝડપે પોતાના યાન પર મૂકીને પૃથ્વી પર રવાના કર્યું હશે એ લોકો પૃથ્વી પર એટેક તો નહિ જ કરે અને એમની ઉન્નત ટેકનીકની સહાયથી કદાચ માનવજાત પણ પ્રગતિના હરણફાળ ભરે ! ખેર ! ચર્ચાઓ ઉગ્ર બની ગઈ હતી અને બે ભાગોમાં વહેંચાઇ ગઈ હતી ! શું થશે એની દિવસે દિવસે ઉત્તેજના વધતી જતી હતી !

***

પૂનમના દિવસે અદભુત અને અવિશ્વસનીય દ્રશ્ય ઉભું થયું હતું ! પૃથ્વી પર જે દેશોમાં રાત્રી હતી એ લોકોએ અનુભવ્યું કે આખો ચંદ્ર ઢંકાઈ ગયો હતો અને કોઈ ગોળાકાર વિચિત્ર એલિયન સ્પેસયાન જેવી વસ્તુ દેખાઈ રહી હતી ! જ્યાં દિવસ હતો ત્યાના લોકોને સ્પષ્ટ રીતે સુરજ ઢંકાયેલો દેખાતો હતો અને એની આગળ કોઈ વિચિત્ર ગોળ સ્પેસયાન જેવી વસ્તુ તરતી હોય એવું લાગતું હતું ! હા ! એ દિવસ આવી ગયો હતો ! બધાજ અધ્ધર જીવે આકાશ તરફ તાકી રહ્યા હતા ! એ વિશાળકાય સ્પેસયાન કે જે લગભગ ચંદ્ર કરતા પણ મોટું હતું એ પૃથ્વીની પાસે ઝળુંબી રહ્યું હતું ! નાસાના લોકોના તમામ મોનીટર ખોટકાઈ ગયા હતા ! અરે સ્પેસમાં આવેલું નાસાનું સ્પેસ સ્ટેશન પણ કોઈ પ્રકારની માહિતી આપી શકતું નહોતું અને એમાં રહેલા ચાર લોકોને પણ એમની આજુબાજુ ઘોર અંધકાર છવાઈ ગયો હોય એવું લાગી રહ્યું હતું ! બધા જ ભયભીત નજરે ઉપર આકાશ તરફ જોઈ રહ્યા હતા ! નાસાના ખાસ કંટ્રોલરૂમમાં ભેગા થયેલા લોકોએ જોયુ તો અચાનક એક મોટો ધડાકો થયો અને પૃથ્વીના વાતાવરણમાં એક ગોળાકાર વસ્તુ પ્રગટી અને એ ધીરે ધીરે અરબી સમુદ્રમાં પડવા લાગી. એક વિશાળકાય પેરેશુટ ખુલ્યું અને એ વસ્તુ સમુદ્રમાં તરવા લાગી !

અચાનક જાણે કે ચમત્કાર થયો હોય એમ એક મોટા ધડાકા સાથે પૃથ્વી હલબલી ઉઠી અને લોકોએ જોયું કે ઉપર આકાશમાં ચંદ્ર પાછો ધીરે ધીરે દેખાવા માંડ્યો ! એ યાન ઝડપથી પૃથ્વીથી દુર જવા લાગ્યું અને કોઈ કઈ સમજે કે કરે એ પહેલા એ ઝડપથી ગાયબ થઇ ગયું ! અચાનક નાસાના તમામ યંત્રો ચાલુ થઇ ગયા ! અધિકારીઓ એ ઝડપથી એના માણસોને એ ગોળાકાર વસ્તુ જ્યાં પડી હતી ત્યાં જવા કહ્યું.

***

“હા સર, એ જ છે ! કોઈ અજીબ ગોળાકાર યાનમાં સરસ રીતે સચવાયેલું છે ! વોયેજર ૧ પાછું મળી ગયું છે સર ! અમે લોકો એને સાચવીને પાછા ત્યાં લઇ આવીએ છીએ” એક અધિકારીએ સમુદ્રમાં તરતા જહાજ પરથી રીપોર્ટ કર્યો !

***

જેમ્સની આંખોમાં આંસુ આવી ગયા ! વોયેજર ૧, એ જ્યારે ૨૦ વર્ષનો તરવરીયો નવજુવાન હતો ત્યારે એણે જોયું હતું એવું ને એવું જ અત્યારે એની સમક્ષ પડ્યું હતું ! આટલા વર્ષો વીતી ગયા, એ નાસામાં પ્રમોશન પામીને સીનીયર અધિકારી બની ગયા પછી એ પાછું એને જોઈ રહ્યો હતો ! અદભુત ઘટના ઘટી હતી !

વોયેજર ૧ ને ખોલવામાં આવ્યું ! એમાં અધિકારીઓને એક અલગ ગોલ્ડન ડિસ્ક મળી ! એમણે જે ડિસ્ક અંદર મૂકી હતી એ અત્યારે ગાયબ હતી અને એની જગ્યાએ બીજી ગોલ્ડન ડિસ્ક મુકેલી હતી ! બધાની કુતુહલતાનો પાર નહોતો ! આ શું ! બધાજ એ ડિસ્કને જોવા અને સાંભળવા આતુર હતા !

***

“ખરર ખરર ખરર,,, તમામ પૃથ્વીવાસીઓને એમના પૂર્વજોના નમસ્કાર ! હા, અમે તમારા પૂર્વજો છીએ, જે અહી જન્મેલા અને મૃત્યુ પામેલા એ બધા જ અમે લોકો છીએ, તમારા માં બાપે સાચું જ કહ્યું હતું કે મૃત્યુ પછી લોકો સ્ટાર થઇ જાય છે પણ સાચી હકીકત એ છે કે મૃત્યુ પછી એક અનંત અને લાંબી ઠંડી અને ભેંકાર યાત્રા શરુ થાય છે અને એ અમારા ગ્રહ પર આવીને પૂરી થાય છે ! અમારો ગ્રહ કરોડો પ્રકાશવર્ષ દુર છે એટલે અહી આવવાની કે પહોંચવાની કોશિશ બેકાર છે ! અમે તમારું પ્રતિબિંબ જ છીએ. અમે લોકો મૃત્યુ પછીના દેશમાં વસીએ છીએ. અમારી ટેકનીકલ પ્રભુતા અપાર છે, અમે કદાચ આ વિશાળ બ્રહ્માંડમાં વસતા અનેક બુદ્ધિજીવીઓમાં સર્વોપરી છીએ. જીવન અને મૃત્યુનો કદી મેળાપ થતો નથી ! જીવન એક બહુમૂલ્ય વસ્તુ છે જે એક જ વાર મળે છે અને મૃત્યુ એક અનંત ભેંકાર અને અંધકાર ભરી યાત્રા છે કે જેનો અનુભવ તમને મૃત્યુ પછી થઇ જશે ! આજે અમે તમારી આગળ મૃત્યુ પછી શું થાય છે એનો ખુલાસો તો કરી દીધો છે પણ અમે પણ આ ભેંકાર અને અનંત બ્રહ્માંડીય મહાસાગરમાં તરી રહ્યા છીએ અને “એ” કોણ છે કે જેણે આ સઘળું બનાવ્યું છે, જે એનું સંચાલન કરે છે એ જાણવાની કોશિશ કરી રહ્યા છીએ ! અમે મૃતાત્માઓ પ્રકાશની ગતિ કરતા પણ વધારે એવી મનની શક્તિથી પ્રવાસ કરી શકીએ છીએ ! પણ હજુ સુધી અમને કોઈ જ જવાબ મળ્યો નથી ! અમારી તમને તમારા યાનને પકડવાની અને આ મેસેજ મોકલવાની ઈચ્છા એટલે થાય છે કે આ પૃથ્વી બહુમૂલ્ય છે ! કરોડો પ્રકાશવર્ષ દુર દુર સુધી અમે મનની ગતિથી પ્રવાસ કર્યો છે પણ અમને એક પણ એવો પૃથ્વી જેવો -તમારા જેવો- અને હા અમારા જુના ઘર જેવો- ગ્રહ મળ્યો નથી ! આ એક અદભુત સંયોજન છે અને અમને નથી લાગતું કે આટલું ભવ્ય, અદભુત, અવર્ણીય, અસંખ્ય જીવોથી ભરપુર એવું ક્યાય પણ હોય ! એને સાચવો પૃથ્વીવાસીઓ, એનો ઉપયોગ કરો પણ એ નાં ભૂલો કે તમારા કારણે પૃથ્વી નાશ પામી રહી છે ! પ્લાસ્ટિક, અણુઉત્સર્જીત કચરો, ન્યુકલીયર વેપન્સ, કાર્બનડાયોકસાઈડ છોડે એવી વસ્તુઓ, જીવન માટે અતિ ઉપયોગી એવું જળને પ્રદુષિત કરતા તમારા કારખાનાઓ, આ બધું ટૂંક સમયમાં જ પૃથ્વીનો નાશ કરી નાખશે ! ઉલ્કાઓ અને અન્ય કુદરતી આપત્તિઓથી પણ વધારે જોખમી આ વસ્તુઓ છે ! એને રોકો નહીતો અમારે ત્યાં અમાપ જગ્યા છે-મૃતાત્માઓને સમાવવા માટે ! પણ એ કાજળ ઘેરા ભેંકાર, અંધકારમાં ડૂબેલી છે અને એ તમને સતત વજનહીન દિશામાં એક ધારો અનંત બ્રહ્માંડમાં પ્રવાસ કરાવશે ! તમે જ નક્કી કરો કે શું કરવું છે !? જો તમે લોકો પૃથ્વીને સાચવશો તો એક દિવસ આપણે બધા ત્યાં પાછા ફરી શકીશું ! હા ! એ શક્ય બનશે પણ જો પૃથ્વી હયાત હોય તો ! તો હે પૃથ્વીવાસીઓ, નક્કી કરો કે અનંત બ્રહ્માંડમાં તરતા રહેવું છે કાયમ માટે કે આપણી સુંદર પૃથ્વીને સાચવવી છે અને ત્યાં એક દિવસ પાછા ફરવું છે ? જવાબ તમારા હાથમાં છે ! અમે લોકો રાહ જોઈશું ! આમ પણ આ ઠંડા વજન વિહીન અને દ્રશ્યવીહીન અન્તરિક્ષમાં અમારે કોઈ બીજું કામ પણ નથી ! બસ, પૃથ્વીને બચાવી લો ! આ જ એક માત્ર ઉપાય છે ,,,,ખરર ખરર ખરર,,,”

સંદેશો વાંચીને બધા જ સડક થઇ જાય છે ! આ બધું શું હતું ! શું ખરેખર એ આપણા પૂર્વજોનો સંદેશો છે !? કોને ખબર પણ જે કઈ પણ હતું એ એકદમ સાચું અને નગ્ન સત્ય હતું અને એનો સામનો કરવો જ પડે એમ હતું ! ઘર ને બચાવો પછી બીજા ઘર તરફ નજર માંડો ! આ એક સનાતન સત્ય છે અને એનો બીજો કોઈ ઉપાય પણ નથી !

***