છગન - નમસ્કાર હરેશભાઈ
હરેશભાઈ- એ નમસ્કાર છગન, તારી છાસ તો બહુ ખાટી છે રે
છગન- નો બને બાપુ, એ તો દરેક મુવી માં શેરડી ના સાંઠા ચાવી ચાવી ને તમારી જીભ એવી છોલાઈ ગયી છે કે તમને ક્યાં કઈ ટેસ્ટ જ આવે છે
હરેશભાઈ - એ વાત તો હાચી હો તારી, બોલ બોલ કેમ આજે અહી ભૂલો પડ્યો?
છગન- એ હરેશભાઈ, તે તમને હેમલતાબેન ના સોગંધ, હાચું કેજો કે સમાચાર છે કે તમે હવે ની નવી ફિલ્મ માં સ્પાઈડરમેન નો રોલ કરવાના છો ?
હરેશભાઈ- એલા એ, તને કોને કીધું ? અને એમાં હેમા ને વચ્ચે કેમ લાવશ ? હા ભાઈ હા, મને બહુ ફોર્સ કર્યો એ મારા રોયા ડીરેક્ટરએ એટલે હું આમ તો બહુ બીઝી (?!) છું પણ તોય હા પાડી દીધી.
છગન- તો તમે એમાં લીડ રોલ કરવાના છો ?
હરેશભાઈ - એલા છગનીયા, તું ગાંડો થઇ ગયો છે ? હરેશભાઈ હમેશા લીડ રોલ જ કરે ભાઈ, છેલ્લા ૪૦ વર્ષ થી લોકો જાણે છે આ વાત !
છગન - હા હો એ તો ભૂલી ગયો, તે તમારી આ મુવીનું લોકેશન ક્યાં નું છે ?
હરેશભાઈ - એમ તો સાલું ડીરેક્ટર ને કીધેલું કે આ વખતે બજેટ થોડું મોટું છે, તો શહેર માં શૂટિંગ રાખો પણ સાલો માન્યો નહિ અને ચોટીલા ના ડુંગરા માં લોકેશન રાખ્યું છે, લે બોલ હવે સાલું એને કોણ હમજાવે ? એલા ન્યા શૂટિંગ નો રખાય, સ્પાઈડરમેન રોયો ન્યા વળી ક્યાં દોરડાઓ લાંબા કરી ને કુદશે અને લટકશે ? એમાં પાછી મારી તો ઉમર થઇ, સાલું એની જાત ને હવે તો વાંકા પણ વળાતું નથ અને એમાં એ હાહરીનો મને સ્પાઈડરમેન બનવા નીકળ્યો છે !
છગન - તે બાપુ તમારા સુપુત્ર ને તમે આ તક ના આપી ?
હરેશભાઈ - છે ને, એ પણ છે આમાં, એ મારા બાપ ના રોલ માં છે !!!
છગન - ઓહો !!! એટલે જીતુભાઈ તમારા બાપ નો રોલ કરવાના છે ?
હરેશભાઈ - હાસ્તો એમાં શું નવાઈ છે ? જયારે અમિતાભ બચન ના બાપ નો રોલ અભિષેક કરી શકે તો મારો દીકરો જીતુ મારા બાપ નો રોલ કેમ ના કરી શકે ? અમે તો સાથે "પા" ના ગુજરાતી કોપીરાઈટસ લઇ લીધા છે અને એને ગુજરાતી માં "બાપ રે બાપ" નાં નામે બનાવાના છીએ.
છગન- વાહ વાહ હરેશભાઈ, તમે તો ગુજરાતી ફિલ્મો ની આન બાન અને શાન છો.
હરેશભાઈ - સવાલ જ નથી, જરા એક બીજો ગ્લાસ છાશ તો લાવ, સાલી ગરમી બહુ છે, ઠંડી આપજે ભાઈ.
છગન- જુવો હરેશભાઈ, અમારા કાર્યક્રમ ના બજેટ માં એકજ છાશ ની જોગવાઈ છે એટલે તમે તમારી માંગણી ઓ પર કાબૂ રાખો અને ઇન્ટરવ્યુમાં ધ્યાન આપો.
હરેશભાઈ- સાલું એની જાત ને, ગુજરાતી ફિલ્મો ના સુપરસ્ટાર ની કોઈ ઈજ્જત જ નથી !!!
છગન- તો હરેશભાઈ, આપણે મૂળ વાત પર પાછા આવી એ, તમારા શૂટિંગ ના અનુભવો ની વાત તો કરો તમારા ફેન્સ ને !
હરેશભાઈ- હા ભાઈ હા, કેમ નહિ, આમ પણ સાલું આપણે ક્યાં બીજું કઈ કામ પણ છે ...તો ભાઈ શૂટિંગ ના પેલા દિવસ ની વાત કરું, અમે તો ચોટીલા ના ડુંગરા માં આવેલા એક નાનકડા ગામ માં ડેરો નાખી ને બેઠા, સવાર નો પહોર હતો અને હું મારા સ્પાઈડરમેન નાં કોસચ્યુમ ની રાહ જોતો હતો !
છગન- વાહ, એટલે તમારો કોસચ્યુમ હોલીવૂડ થી અવાનો હતો ?
હરેશભાઈ- અરે ના રે ભાઈ ના, મારા રોયા ડીરેક્ટર એ ગામ ના કાનજી દરજી ને દીધેલો મારો ડ્રેસ સીવડાવવા, એક તો કાનજી સાલ્લો એક આંખે કાણો અને એમાં પાછા બેતાલા, તોય જીદ કરી કે ડ્રેસ તો હુજ સીવીશ !
છગન - પછી ?
હરેશભાઈ- શું ધૂળ પછી ? સાલ્લો એવો ડ્રેસ સીવીને આવ્યો કે વાત જ ના પૂછો !
છગન- કેમ કેમ ? શું થયું ?
હરેશભાઈ - હે ભગવાન, કેમનું વર્ણન કરું તને છગન, સાલાએ સ્પાઈડરમેન ના ડ્રેસ માં માથે સાફો, અને કમર માટે કેડિયું અને પગ માં મોજડી નું સેટિંગ કર્યું !!! હવે તું જ કહે, સ્પાઈડરમેન માથે સાફો, કેડિયું અને મોજડી માં કેવો લાગે ?
(છગન હસતા હસતા ખુરશી પરથી નીચે પડી જાય છે)
છગન- હા હા હા, સોરી હો હરેશભાઈ, પણ હું હસવું ના રોકી શક્યો !
હરેશભાઈ- હસી લે તું સાલા, પણ વિચાર કર જયારે આખા ગામે મને ઈ ડ્રેસ માં જોયો તો કેવા હસ્યા હશે ? સાલું ગુજરાતી ફિલ્મો ના એકમાત્ર સુપરસ્ટાર નો કચરો થઇ ગયો,,,
છગન - ઓહોં ! પછી ... ?
હરેશભાઈ- અરે પછી શું ? સાલા ડીરેક્ટર રોયાએ, મને, હરેશકુમાર ને, ગુજરાતી ફિલ્મો ના એક માત્ર સુપરસ્ટાર ને ઈ કોસચ્યુમ પહેરાવી ને પેલો શોટ લીધો !
છગન- વાહ, શું વાત છે ! થઇ ગયું મુર્હત વીર કરોળિયા નું !!!
હરેશભાઈ- વાત જ જવા દે તું છગન, સાલા એ મને માથે સાફો, કમર માં કેડિયું અને પગ માં મોજડી પહેરાવી ને એક સાલી સાવ ગમાર અભણ ઘોડી પર બેસાડી હાથ માં તલવાર આપી દીધી !!!
છગન - વાહ ! શું વાત છે હરેશભાઈ, સ્પાઈડરમેન નીકળ્યો ઘોડી માથે, પણ તમે ઘોડી ને અભણ કેમ કીધી ?
હરેશભાઈ- ગમાર અને સાવ અભણ, સાલી ને ખબર નહિ હોય કે હું કોણ છું !!! જેવો હું બેઠો કે એણે તો ગામ ભણી દોટ મૂકી દીધી ! એક હાથે સાફો, બીજા હાથે તલવાર પકડી માંડ માંડ બેલેન્સ જાળવી રાખ્યું, સાલા ગામ ના છોકરાઓ તો તાલી પાડી ને પાછળ દોડ્યા પણ એની જાત ને સાલા ગામ ના કુતરાઓ એ પણ ઈજ્જત ના રાખી, ભસતા ભસતા પાછળ દોડ્યા અને એ સાલી ગધેડા જેવી ઘોડી ભડકી ને વધારે ભાગી ! એની જાત ને, ગુજરાતી પિક્ચર ના એક માત્ર સુપરસ્ટાર નો કચરો,,,
છગન- થઇ ગયો બાપુ થઇ ગયો,,,પણ તમે તો જુના જોગી છો, આવા તે કેટલાય ઘોડા અને ગધેડા ઓ ને સંભાળ્યાં હશે !
હરેશભાઈ- ખાલી ઘોડાઓ ને, ગધેડાઓ ને નહિ, સાલા ગધેડા ! સાલી ઘોડી એવી તે દોડી એવી તે દોડી કે મારી આંખો પર સાફો લટકી પડ્યો, તલવાર પડી ગયી, એક મોજડી પણ નીકળી ગયી, અને એમાં કઈ દેખાયું નહિ અને આગળ આવતા એક ઝાડ ની ડાળી એ હું લટકી ગયો ! ચાર તો ગોળ આંટા ફરી ગયો, વોય માડી રે !
છગન- (તાલી પાડી ને) જોર છે મારા બાપુ ને, રંગ રાખ્યો તમે તો, ગમે તેમ તોય લટક્યા તો ખરા ને, એ સાલો સ્પાઈડરમેન તો દોરડાઓ કાઢી કાઢી ને લટકે છે બાપુ, તમે તો વગર દોરડા કાઢે લટક્યા ને ?
હરેશભાઈ- હવે હહરીના, તારી છાસ માં લીંબુ જાય, શું વગર દોરડે લટક્યા ? અહી સાલો મારો જીવ ગળા માં અટક્યો હતો અને હું ઉંધા માથે લટક્યો હતો ! સાલા ડીરેક્ટર ને એની પણ પડી નહોતી, સાલાઓ એ તે પણ શૂટ કરી લીધું અને એને ફિલમ નો પેલો સીન બનાવી દીધો !
છગન- ઓહો સોરી સોરી, તમને વાગ્યું તો નહોતું ને ?
હરેશભાઈ- એલા ઘાન્ઘલીના, પડો ભાંગી ગયો, વાહો છોલાઈ ગયો અને સાલા કાનાજી એ સીવેલો ડ્રેસ પણ પાછળ થી ફાટી ગયો અને મેં એની અંદર પહેરેલી ચોયણી પણ ફાટી ગયી અને તું પુછશ કે વાગ્યું નહોતું ને ? આખું ગામ હી હી કરી ને હસ્યું અને ફજેતો થયો એ જુદો પાછો !
છગન- હરેશભાઈ, તમે સ્પાઈડરમેન ના ડ્રેસ ની અંદર ચોયણી પહેરેલી ?
હરેશભાઈ- હાસ્તો વળી, બહાર થી આપણે ભલે ગમે તેવા વિદેશી ડ્રેસ ચડાવીએ પણ અંદર થી તો આપણે ગુજરાતી જ છીએ ને, એટલે મેં તો પેલા ચોયણી પેરી અને એની ઉપર હાહરીનો સ્પાઈડરમેન નો ડ્રેસ ચડાવ્યો. એ શું કે સાલું જૂની ટેવ જાય નહિ જલ્દી એટલે.
છગન- કમાલ છે તમારો તો, પછી શું થયું ?
હરેશભાઈ- અરે પછી શું, શુટિંગ તો કેન્સલ કર્યું એ દિવસ પુરતું અને બીજા દિવસ માટે છુટા પડ્યા.એ તો ખાસ દિવસ હતો, ફિલમ ની હિરોઈન આવાની હતી ભાઈ, અને એની આગળ કચરો ના થાય એટલે મેં બધા ને ખાસ કઈ રાખેલું કે આજ ના દિવસ ની કોઈ વાત એને કરવી નહિ !
છગન- વાહ હરેશભાઈ, હિરોઈન ની એન્ટ્રી પડી ખરી આખરે. પછી ? કોણ હિરોઈન હતી ?
હરેશભાઈ - હવે એ તો આપણી જૂની ને જાણીતી જ હોય ને, હેમલતા, બીજું કોણ ?
છગન- હા એ તો બીજું આ ઉમરે હા પણ કોણ પાડે ?
હરેશભાઈ- શું બોલ્યો ?
છગન- એ કઈ નહિ બાપુ, આગળ બીજા દિવસ ની વાતો તો કરો.
હરેશભાઈ- સાલા બધું મફત માં સાંભળવુ છે, એક ગ્લાસ છાસ પિવડાવ નહિ તો હું આ ચાલ્યો...
છગન- અરે ના ના, એમ ના જાઓ, મંગાવું છું, બાપુ તમે ગરમ ના થાવ, આગળ વાત તો કરો,,,
હરેશભાઈ- (એક જ ઘૂંટડે છાશ નો ગ્લાસ ખાલી કરી ને) હાશ ! હા તો હવે સાંભળ બીજા દિવસ ની વાત,
છગન- હા, તો પછી હેમલતાબેન આવ્યા અને પછી ?
હરેશભાઈ- એ ડોબા, બેન હશે તારી, મારી તો હિરોઈન છે, તો બીજા દિવસે સવારે અમે બધા એની રાહ જોતા બેઠેલા, ત્યાં દૂર થી ધૂળ ઉડાડતી એમ્બેસેડર કાર આવી ને ઉભી રહી અને એમાં થી હેમલતા ઉતરી, સાલું કેવું પડે હો, આટલા વર્ષો વીતી ગયા, પણ હજી એણે વજન તો એવું જ જાળવ્યું છે, હજી સાલું દુર થી ગોરી ગોરી ભેંસ આવતી હોય એવા ગલ ગલિયા કરાવે હો છગન ! શું એની ચાલ, શું એની અદા, સાલી એક એક ડગલે જમીન માં ખાડા પડી દે એવી, પણ એના જેવી બીજી કોઈ નહિ હો ભાઈ !!!
છગન- હા એ તો આપણી સૌરાષ્ટ્ર ની ધરતી માં પડેલા ખાડે ખાડા એના સાક્ષી છે, ધન્ય છે એ સોરઠી ધરતી ને જે આવી ભારે નારી ઓ ને જનમ આપે છે ! જય સોરઠી માતા ની !!!
હરેશભાઈ- હવે વધારે વાયડી નો થા માં, તો પછી, જેવી એ આવી, ડીરેક્ટર એ એને સીન સમજાવી દીધો અને પછી અમારું શૂટિંગ આગળ ચાલ્યું !
છગન- વાહ, સ્પાઈડરમેન અને એની હિરોઈન નો પેલો સીન, મજા આવશે, ચાલુ રાખો બાપુ,,,
હરેશભાઈ- હવે શું ચાલુ રાખે, સાલો સીન પણ એવો રાખેલો મારા રોયા એ. કે ચાર જણા હેમા ને પકડી ને ઉભા છે અને ત્યાં હું ઝાડ ની ડાળીએ થી લટકી ને નીચે આવું છું ! સાલું, આપણને એક તો આની પ્રેક્ટીસ નહિ અને હું તો જેવો ઝાડ પર થી લટકી ને કુદવા ગયો એમાં ડાળી તૂટી ગયી અને હું સીધો હેમા ઉપર પડ્યો !!!
છગન- હાય હાય ! બિચારા હેમલતાબેન, પછી ?
હરેશભાઈ- હવે શું ધૂળ ને ઢેફા બિચારી ?, એણે તો મને ઉપર આવતો જોઈ ને બે હાથ લાંબા કર્યાં અને મને નાના છોકરા ની જેમ પકડી ને ઝૂલાવી દીધો ! એની જાત ને પણ સાલી મર્દ બાઈ હો, નીચે પાડવા નો દીધો !
છગન- વાહ વાહ, રંગ છે સોરઠ ની નારી ઓ ને ! ભાઈ ભાઈ,,,
હરેશભાઈ- ચુપ રહે રંગ વાળી નાં જોયી હોય તો મોટી, સાલું, ફિલમ નો હીરો હું અને મને એણે ઝૂલાવી દીધો આખો ને આખો, અને સાલા દુર શૂટિંગ જોવા ઉભેલા નખોદિયા ગામવાળા પાછા, તાળીઓ પાડે, સીટી મારે અને હેમાબેન ની જ્ય જ્યકાર કરે ! સાલા ગુજરાતી પિક્ચર ના એક માત્ર સુપરસ્ટાર નો કચરો થઇ ગયો,,, !!!
છગન- ઓહો, આતો પાછો બાપુ નો કચરો થઇ ગયો, પછી ???
હરેશભાઈ- હવે પછી તો શું, સાલું મને પણ ચાનક ચડી, કે આ બધા ને બતાવી દઉં કે હરેશભાઈ શું ચીજ છે ! આવા દો બીજો સીન પછી બતાવું છું ! પછી તો બીજા સીન માં બંદા એ ચારે જણા ને મારી મારી ને ધૂળ ચાટતા કરી દીધા અને પછી હેમા પાસે જઇ ને એને ઊંચકવા નો પ્રયાસ કર્યો ! સાલું એક તો એ ભારે, બે બે ટન ની અને એમાં પાછો આખા ગામ ની સામે આપણી ઈજ્જત તો સવાલ !!!
છગન - (શ્વાસ રોકી ની) ભારે કરી તમે તો બાપુ, પછી ?
હરેશભાઈ- અરે સાલી ભેંસ ની જાત ની, એક ઇંચ પણ હાલે નહિ અને આજુ બાજુ ના જુવાનીયા ઓ અને ગામવાળાઓ મને પાનો ચડાવે, "એ બાપુ જરા જોર થી", "તમને દેવતા ના હમ", "એ છોડતા નહિ બાપુ", "જો જો જરા જાળવી ને બાપુ", "ઉંચકો ઉંચકો એને તો તમને ઘેર શીરો ખવડાવું ચોખા ઘી નો", સાલા ઓ ને રમત સુજતી હતી અને અહી આપણો જીવ જાય અને ઈજ્જત નો ફાલૂદો થાય !
છગન- ગમાર સાલા, ગુજરાતી ફિલ્મો ના એક માત્ર સુપરસ્ટાર ને નહિ જાણતાં હોય ! પછી ?
હરેશભાઈ- હવે પછી શું, જેટલું હતું એટલું જોર કરી ને હેમા ના પગે પડ્યો એને ઊંચકવા અને સુમડી માં જૂની અમે કરેલી બધી ફિલ્મો ના સોગંધ દીધા ત્યારે માતાજી જરા ઊંચા થયા અને જેવા મેં એને ઊંચક્યા કે હું નીચે ધૂળ માં બેસી ગયો !!!
છગન- (હસતા હસતા) હી હી હી, ગમે તેમ આપણા દેસી સ્પાઈડરમેન એ આટલું તો કર્યું, સાલો જો ઓરીજીનલ હોય તો હેમાબેન ના વાળ ને પણ ના ઊંચકી શકે હો ! ધન્ય છે તમને હરેશભાઈ !!!
હરેશભાઈ- સાલું કમર નીચે નો બધો ભાગ જાણે કે સુન્ન થઇ ગયો હોય એમ લાગ્યું, પેલા ચાર નાલાયકો એ એને ઉભી કરી મારા ઉપર થી ત્યારે મારો પાર આવ્યો !
છગન- હાશ છૂટ્યા તો ખરા ને ! તે હરેશભાઈ એક વાત તો કરો, આપણા આ ફિલમ માં કોઈ ગીત નથી રાખેલું તમે ?
હરેશભાઈ- હોયજ ને, એના વગર ચાલે કઈ ? આ સીન પછી તરતજ ગીત હતું,,,સાંભળ...એ ગીત નો સીન - હરેશભાઈ સ્પાઈડરમેન ના વેશ માં માથે સાફો, કમરે કેડિયું, પગ માં મોજડી અને હાથ માં ઢોલ લઇ ને ગોળ ગોળ ફૂદાકડી ફરે છે,,, અને હેમલતા ગીત ઉપાડે છે... “કરોળિયા ઢોલ રે વગાડ મારે દોરડે લટકવું છે ! દોરડે લટકવું છે ને મારે ઝાડવે જુલવું છે ! કરોળિયા જાળ રે બીછાવ મારે દોરડે લટકવું છે” !
છગન- (ઉભો થઇ ને ગોળ ગોળ ફરતા ગાય છે) ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી છે ! વાહ વાહ હરેશભાઈ, શું ગીત લખ્યું છે ભાઈ !!!
(હરેશભાઈ ખુશ થઇ ને હોઠ થી ફૂંક મારી ને પોતાના વાળ ઉડાડે છે અને જોડાય છે છગન સાથે ગાવામાં,,,)
અરે કરોળિયા જાળ રે બીછાવ મારે દોરડે લટકવું છે, દોરડે લટકવું છે ને મારે ઝાડવે જુલવું છે રે ભાઈ,,,,
એટલામાંજ દુર થી હેમલતા આવે છે અને બેસે છે !
છગન- એ રામ રામ હેમલતાબેન !
હેમા (આંખો પટપટાવી ને) - પ્લીઝ કોલ મી હેમા ઓન્લી !!!
છગન- ઓહો સોરી સોરી, હેમા, તમારી જ વાત થતી હતી
હેમા- (હરેશભાઈ તરફ ગુસ્સા થી જોઈ ને) કેમ હરેશ, મારા વિષે કઈ આડા અવળું તો નથી કીધું ને આને ?
હરેશભાઈ- (એકદમ ઝંખવાઈને) અરી ના ડીઅર ના, આ તો આપણી ફિલમ વિષે વાતો થતી હતી !
છગન- અરે હેમા, આપ ના રોલ વિષે હરેશભાઈ ખુબજ વખાણ કરતા હતા. આપ છાશ પીશો ને ? મંગાવું ?
હેમા- ના રે ના, હું તો ડાઈટીંગ પર છું ! (પાસે રાખેલા ટોકરા માં થી ચાર કેળા, બે સફરજન, છ ચીકુ, એક મોટું તરબૂચ કાઢે છે) !
છગન- ઓહો ઓહો, સોરી, તે હેમાજી તમને આ રોલ કેવો લાગ્યો ?
હેમા- મૂવો ડીરેક્ટર રોયો નવો નવો છે, મારા આ ફિલમ માં ખાલી ૬ ગીતો જ રાખ્યા છે, અને ખાલી પાંચ જ રડવાન સીન બોલો એમાં શું મજા આવે !!!!
હરેશભાઈ- અરે કેમ ભૂલી ગઈ, તારા ડબલ રોલ પણ છે ને આમાં ? એક મારી સાથે અને એક જીતુ સાથે !
હેમા- (છણકો કરતા) તે એમાં શું ! જીતુ તો ઉમર માં મારા કરતા પણ મોટો લાગે છે, પણ ચલાવી લીધું મેં તો,
છગન- જીતુભાઈ તમારા કરતા મોટા લાગે છે ? તો તો પછી હરેશભાઈ,,??!!
હેમા- (હરેશભાઈ તરફ આંખો નચાવીને) એ તો અમારી જૂની જોડી છે ને એટલે, બાકી તો હું એમની છોકરી નો રોલ કરવાની હતી !
છગન હરેશભાઈ તરફ જુવે છે, હરેશભાઈ નીચું જોવે છે, હેમા તરબૂચ ની એક મોટી ચીરી ખાઈ ને નીચે ફેંકે છે જે હરેશભાઈ ના પગ ની મોજડી માં ભરાઈ જાય છે, હરેશભાઈ ચીડ થી એ ચીરી ને ઉપાડી ને હેમા ના માથે છત્રી લઇ ને ઉભેલા કરસન પર ફેંકે છે, કરસન ચમકીને ઘા ચૂકવે છે અને ચીરી છત્રી ને અડી ને હેમાના ખોળા માં પડે છે, અને કોઈ કશું કહે / સમજે એ પેહલા, આખું તરબૂચ ખાઈ ચુકેલી હેમા કઈ પણ સમજ્યા વગર એ ચીરી ઉપાડી ને એને પણ કાચે કાચી ખાઈ જાય છે !!!
છગન- (આ બધો તમાશો જોઈ ને બે હાથ જોડી ને) ધન્ય છે સોરઠી નારી ને, ધન્ય છે રે લોલ !
હેમા- ચાલ હરેશ, આપણે હજુ તો આપણા ફિલમ ના પ્રીમિયર ના કાર્ડ વહેંચવાના છે!
છગન- અરે ક્યાં ચાલ્યા હેમાબેન ? શું અમને તમારા પ્રીમિયર માં નહિ બોલાવો ?
હેમા- કેમ નહિ ? હરેશ, એક કાર્ડ આમને પણ આપ ને.
હરેશભાઈ- હા હા કેમ નહિ ? લ્યા છગન લે તું પણ શું યાદ કરીશ, (હરેશભાઈ એક અપર ક્લાસ નું કાર્ડ કાઢી ને છગન ને આપે છે)
છગન- બાપુ, કેમ અપર ક્લાસ ? બાલકની ની તો આપો ! ?
હરેશભાઈ- સાલા તે મને કંજુસાઈ થી છાશ પીવડાવી તો તું હવે અપર ટિકિટ જ રાખ !
છગન- શું જમાનો આયો છે સાલો ! ખેર, આપણું કામ તો લોકો ને મજ્જા કરાવવાનું છે ! અપર તો અપર પણ સાલું ફિલમ નો રીવ્યુ તો હું જ લખવાનો છું ને !
હરેશભાઈ- ચલ ભાઈ હવે મને અને હેમા ને જવા દે, અમારે હજુ તો ગામડે ગામડે ફરી ને લોકો ને ભેગા કરવા ના છે !
***
રાજકોટ ના ગેસ્ફોર્ડ સિનેમા માં લાઈન લાગી છે, ચાલીસ થી પચાસ જણા ઉભા છે, એમના ચેહરા તરડાઇ ગયા છે, મોઢા પર ઉકળાટ છવાયેલો છે, ગરમી માં હેરાન પરેશાન છે, ૩ થી ૬ ના પ્રીમિયર "વીર કરોળિયા" માટે આટલા વ્યાકુળ લોકો ને જોઇને છગન હરખાય છે કે આ પિક્ચર તો હીટ જવાનું છે ભાઈ, વિચારે છે કે લાવ એક બે જણા ની સાથે વાત કરું,
લાઈન માં છેલ્લા ઉભેલા એક કાકા બીડી પર બીડી ફૂંકી રહ્યા છે, એમના કરચલી વાળા ચેહરા પર પરસેવો વળી ગયો છે, છગન એમની પાસે જાય છે,
છગન- હેલ્લો કાકા, કેમ છો ?
કાકા બીડી ના ઠૂંઠા નો જોર થી ધા કરી ને જોર થી જમીન પર થુંકે છે - હાક થૂઉ !!! અને તરડાયેલા સાદે - હવે હહરીના કેમ શું હોય ? જોતો નથી ક્યારનો આ લાઇન માં ઉભો છું આવા તડકા માં ! ?
છગન- ધન્ય છે તમને કાકા, આવા તડકા માં પણ તમે ગુજરાત ની ભવ્ય અસ્મિતા જાળવો છો અને ગુજરાતી ફિલ્મો ને નિહાળવા ઉભા છો !
કાકા- અલ્યા છગન તું છાશ છોડી ને ભાંગ પર આવી ગયો છે ? શેની અસ્મિતા અને શેનો ગુજરાતી ફિલમ પ્રેમ ?
છગન - (આશ્ચર્ય થી) અરે કાકા કેમ આમ બોલો છો ? લાગે છે કે તમને તડકો ચડી ગયો છે, બાકી આજ કાલ ના જમાના માં તમારા જેવા સીને રસિક ક્યાં જોવા મળે ?
છગન આગળ વધે છે અને લાઇન માં ઉભેલા એક બીજા ભાઈ તરફ જાય છે.
છગન- નમસ્કાર વડીલ, કેટલા સમય થી ઉભા છો તમે પણ ?
વડીલ તિરસ્કાર થી છગન તરફ જુવે છે અને પૂછે છે - કેમ ભાઈ બીજી કોઈ નાની લાઇન પણ છે ? ખુબજ ઉતાવળ છે યાર !
છગન (પોરસાઈ ને મનોમન હરેશભાઈ ને યાદ કરી ધન્યવાદ આપતા) ના કાકા એ તો ખબર નથી પણ ચિંતા ના કરો, મળી જશે તમને પણ ટીકીટ.
વડીલ-અલ્યા ટીકીટ તો ઠીક ભાઈ, જલ્દી છુટકારો થાય તો સારું, નખોદ જાય સાલા સિનેમા વાળા નું, આખા ગામ માં પ્રચાર કરશે અને મફત માં ટીકીટ વેચશે અને પબ્લિક ને લલચાવશે પણ પાછળ થી ખબર પડે કે કેવા ઉલ્લુ બનાવે છે !
છગન - શું વાત કરો છો કાકા ? મફત માં ? તો પછી આ લાઇન શેની છે ?
કાકા- કોડીના, આંધળો છે ? દેખાતું નથી ? ટીકીટ બારી તો ઓની કોર છે, આતો સાલી પેશાબ કરવાની લાઇન છે !
છગન- અરે બાપ રે, આટલી બધી લાઇન ?
કાકા- સાલા ફિલમ થીયેટર વાળા ની ભેંસ ને મારો પાડો ભગાડી જાય, ફિલમ મફત માં પ્રીમિયર છે એમ કરી ને દેખાડે છે અને પેશાબ કરવા ના એક એક જણા પાસે થી ૨૦ - ૨૦ રૂપિયા લે છે, બોલો, છે ને પાક્કા સાલાઓ ? અને પાછા મારા વાલીડાઓ એ એકજ મુતરડી રાખી છે, એક વાર તમે અંદર આવો એટલે તમને મીનીમમ ૨૦ રૂપિયા નો ચાંદલો તો ચોંટે જ !
છગન- ઓહો ઓહો , સોરી સોરી કાકા, સાલું કેવું પડે આજ કાલ ના માર્કેટિંગ વાળા નું પણ !
ફજેતા થી ઝંખ્વાયેલો છગન બીજી તરફ નજર દોડાવે છે.
પાર્કિંગ માં ચોકીદાર નો કોલર પકડી ને ચાર પાંચ જણા ઉભા છે, ચોકીદાર બૂમો પાડે છે, છગન ત્યાં જાય છે,,,
છગન- અરે અરે, છોડી દો ભાઈ, એ ચોકીદાર શું થયું રે ?
ચોકીદાર- અરે સાહેબ આમને સમજાવો ને, સાલું પાર્કિંગ માં પેહલા થી ચોટીલા થી આવેલા ૧૦-૧૨ ટ્રેક્ટર પડેલા છે અને હજુ આ લોકો ને એમના ગાડા અને છકડા રીક્ષા પાર્ક કરવા છે ! મેં ના પડી તો મને મારવા લીધો છે !
છગન- ભાઈ એમને તું પાર્ક કરવા દે, આ પિક્ચર નું શૂટિંગ પણ એમના ગામ માં જ થયેલું છે, એટલે એ લોકો નહિ માને,
છગન ત્યાં થી આગળ વધે છે અને થીયેટર માં અંદર બેસી ને પ્રીમિયર ચાલુ થવાની રાહ જોવાનું નક્કી કરે છે ! થીયેટર ના પડદા આગળ સરસ શણગાર કરેલો છે, હરેશભાઈ અને હેમલતા ના મોટા ફોટા સાઈડ માં લગાવેલા છે, આગળ સ્ટેજ ઉપર ખુર્શીયો મુકેલી છે અને મહેમાન આવે એની રાહ જોવાય રહી છે, લોકો ધીરે ધીરે ભરતા જાય છે ! અપર ક્લાસ માં અમુક જગ્યા એ ખુર્શીયો ની બાજુમાં ખાટલા ઢાળી ને ઉપર ગોદલા નાખી ને ગામડા થી આવેલા લોકો ગોઠવાય ગયા છે, પુછાતા કહે છે કે, આપણને આમજ ફાવે, અમે તો જ્યાં જઇ એ ત્યાં ખાટલા અને ગોદલા લઈને જ જઇ એ છીએ.હવા માં ચારેકોર શોર બકોર અને હુક્કા-બીડી નો ધુમાડો છવાયેલો છે...
એવા માં હરેશભાઈ અને હેમલતા ની એન્ટ્રી થાય છે,,,
પ્રથમ ભાગ સમાપ્ત.
Like it ? Want more laughter riot and exclusive coverage by Chhagan ? Please do let me know.