પ્રશ્ન: ષષ્ટ સંપતિ શું છે?
શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, સમાધાન, અને શ્રદ્ધા આ છ ગુણો ષષ્ટ સંપતિ કહેવાય છે. વિવેક અને વૈરાગ્ય પછી વ્યક્તિએ આ ૬ ગુણોને આધાર બનાવી કર્મો કરવા જોઈએ. વાસ્તવમાં જે વ્યક્તિ પાસે આ ૬ રત્નો છે તેના જેવો ધનવાન વ્યક્તિ બીજો કોઈ નથી. જે વ્યક્તિ પાસે આ ૬ રત્નો નથી તેના જેવો દુર્ભાગ્યશાળી બીજો કોઈ નથી. આથી મુક્તિની ઈચ્છા રાખનારી જીવાત્માઓ આ ૬ ગુણો ગ્રહણ કરવા જોઈએ.
શમ – જીવાત્મા અને બુદ્ધિને અધર્મથી (મુક્તિ તરફ ન લઇ જતા કર્મો) સતત દુર રાખવાની વૃત્તિનું નિર્માણ.
દમ – ઇન્દ્રિયો અને અંગો દ્વારા પાપકર્મોનો (મુક્તિ તરફ ન લઇ જતા કર્મો જેવા કે વાસના, દંભ, અધમતા, ધ્રુણા, હતાશા વગેરે) ત્યાગ અને આત્મ-સંયમ, શાંતિ, લાગણી જેવા સત્કર્મોની કેળવણી.
ઉપરતિ – પાપી, કપટી, અને અનૈતિક લોકોથી દૂર રહેવું તે.
તિતિક્ષા – લાભ-હાની, માન-અપમાન, સુખ-દુઃખ વગેરેથી વિચલિત થયા વગર મુક્તિ માર્ગ પર અડગતાથી ચાલવું.
શ્રદ્ધા – વિવેક દ્વારા મૂલ્યાંકન કર્યા પછી આત્માના અવાજમાં, ઈશ્વરમાં, વેદોના જ્ઞાનમાં, વૈદિક સાહિત્યોમાં અને મહાપુરુષોમાં સંપૂર્ણ શ્રદ્ધા હોવી.
શ્રદ્ધાનો અર્થ માન્યતાઓમાં આંધળો વિશ્વાસ કરવો એવો નથી. પણ સત્યનું જ્ઞાન થયા પછી તેના તરફ ઉત્સાહ પૂર્વક આગળ વધવું એવો થાય છે. બિનજરૂરી શંકાઓ એ વિનાશની નિશાની છે. ભલેને તમને અંતિમ લક્ષ્ય (અહીં મુક્તિ) ની અવસ્થા વિષે શંકા હોય પણ મુક્તિ પ્રાપ્ત કરવા માટેના સિદ્ધાંતો અને મુક્તિ માટે જરૂરી સત્કાર્મોને શંકાની નજરે ન જોવા જોઈએ. કારણ કે મુક્તિ તરફ લઇ જતા આ રસ્તાઓ અને કર્મો પણ આપણાં માટે કલ્યાણકારી જ છે. જયારે આપણે પ્રાથમિક શાળામાં ભણતા હોઈએ છીએ ત્યારે સ્નાતક બન્યા પછી આપણી કારર્કીર્દી કેવી હશે તેનું જ્ઞાન હોતું નથી. પણ એનો અર્થ એ કે નથી આપણે પ્રાથમિક શાળામાં પ્રમાણિકતાથી અભ્યાસ કરવો ન જોઈએ.
સમાધાન – મન નિયંત્રણ માટેનો અભ્યાસ.
પ્રશ્ન: મુમુક્ષુત્વ શું છે?
જે વ્યક્તિએ તેના વિવેકનો થોડો પણ યોગ્ય ઉપયોગ કર્યો છે તેના માટે મુક્તિ સિવાયની બધી જ ઇચ્છાઓ નિરર્થક છે. પણ મુક્તિ માટેની તીર્વ ઈચ્છાને દ્દઢતાપૂર્વક વળગી રહેવું ખુબ જ જરૂરી છે. મુક્તિ માટેની આ તીર્વ ઈચ્છા મુક્તિ-અભિલાષીના દરેકેદરેક વિચારો અને કર્મોને બળ આપે છે. આથી જેમ ભર ઉનાળામાં ઘણાં દિવસો સુધી ભૂખ્યા અને તરસ્યા માણસને ભોજન અને પાણીની તીર્વ ઈચ્છા હોય છે તેવી જ તીર્વ ઈચ્છા આપણને મુક્તિ માટે હોવી જોઈએ.
કોઈ વ્યક્તિ જ્યારે પાણીમાં તેનું માથું થોડી વાર ડુબાડી રાખે છે ત્યારે થોડા સમય પછી તે વ્યક્તિને શ્વાસ લેવાની તીર્વ ઈચ્છા જાગે છે. તેને શ્વાસ લેવા સિવાય આ દુનિયામાંથી કંઈ જ મેળવવાની ઈચ્છા બાકી રહેતી નથી. મુક્તિ માટે આવી જ તીર્વ ઈચ્છા જાગે ત્યારે જ જીવાત્માને મુક્તિ મળે છે અને પરમ આનંદના સ્ત્રોતના દ્વાર તેના માટે ખુલે છે.
મુમુક્ષુત્વ તમારી જીવાત્મા અને વ્યક્તિત્વને એટલું બળ આપે છે કે તે બીજા લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે. મુમુક્ષુત્વ પોતે જ એક અદ્દભુત અવસ્થા છે. અને તેનું નિર્દિષ્ટ સ્થાન (મોક્ષની અવસ્થા) તેનાથી પણ વધુ અદ્દભુત છે!
પ્રશ્ન: મુક્તિ મેળવવાનું માળખું હજુ સરળતાથી સમજાવી શકાય?
મુક્તિ મેળવવાનાં માળખાને કંપનીના વિધાનની જેમ લખીએ:
દૂરદર્શિતા – પરમ આનંદનો સ્ત્રોત ઈશ્વરના સાનિધ્યમાં રહેવું. એટલે કે મુક્તિ મેળવવી.
લક્ષ્ય – બધા જ દુ:ખો અને બંધનોમાંથી મુક્ત થઇ આ જ ક્ષણેથી પરમ આનંદ મેળવવાની શરૂઆત કરવી.
યોગ્યતા – એ વ્યક્તિ કે જેનામાં વિવેક, વૈરાગ્ય, ષષ્ટ સંપતિ અને મુમુક્ષુત્વ જેવા ગુણ હોય.
કાર્યનીતિ – મુક્તિ સિદ્ધાંતોને સમજીને ઉદ્યમશીલતાથી વેદનાં ઉપદેશો અનુસાર સત્કર્મો કરવા.
પ્રશ્ન: મુક્તિ માટે હું કેવી રીતે અભ્યાસ કરી શકું?
આ માટે શ્રવણ ચતુષ્ટયનું જ્ઞાન હોવું જરૂરી છે. આમ તો કોઈપણ વિષયના અભ્યાસ માટે શ્રવણ ચતુષ્ટયનું જ્ઞાન જરૂરી છે. પણ મુક્તિનો સિદ્ધાંત સમજવા માટે શ્રવણ ચતુષ્ટય પદ્ધતિ દ્વારા અભ્યાસ કરવો જરૂરી છે.
શ્રવણ – વિષયને કોઈપણ પ્રકારની ખલેલ વગર ખુબ જ ધ્યાનથી સાંભળવો કે વાંચવો.
મનન – સાંભળી કે વાંચીને જે જ્ઞાન ગ્રહણ કર્યું છે તેનું વિશ્લેષણ કરવું. જો કોઈ શંકા હોય તો તેનું સમાઘાન કરવું. શ્રવણ અને મનન એક સાથે જ ચાલતા હોવાં જોઈએ.
નિદિધ્યાસન – જે જ્ઞાનનો અભ્યાસ કે વિશ્લેષણ કર્યું છે જ્ઞાનનું ધ્યાન અવસ્થામાં ચિંતન કરવું. આના માટે મન પર નિયંત્રણ હોવું બહુ જરૂરી છે. આ અવસ્થામાં જ્ઞાનની અનુભૂતિ થાય છે અને વિષય વધુ ઊંડાણમાં સમજાય છે.
સાક્ષાત્કાર – ઉપર જણાવેલા ત્રણ મુદ્દાઓની ઊંડી સમજણ અને તેનું વ્યવહારિક જીવનમાં આચરણ.
પ્રશ્ન: મુક્તિ મેળવવા માટેની બીજી કોઈ ઉપયોગી રીતો?
ઉપર જણાવેલી રીતો અને સિદ્ધાંતોને બીજા દ્રષ્ટિકોણથી સમજવા અને તેનો અભ્યાસ કરવા માટે પતંજલિ યોગનો અભ્યાસ કરો. અહીં પતંજલિ યોગનો અર્થ યોગના નામ પર કરાવવામાં આવતી કસરતો અને શ્વાસોશ્વાસના નિયંત્રણની રીતો એવો થતો નથી.
તમોગુણથી (ક્રોધ, મેલા વિચારો, આળસ, નિષ્ક્રિયતા) અને રજોગુણથી (ઈર્ષા, વાસના, ખોટો અહં, દ્વેષ) દુર રહો અને સત્વગુણને (શાંતિ, મિત્રતા, શુધ્ધતા, નિર્ભયતા, બુદ્ધિ, કર્મયોગ) જીવનમાં ઉતારો.
સુખી અને આનંદી લોકો સાથે મિત્રભાવ રાખો. દુ:ખી અને પીડિત લોકો પ્રત્યે દયા રાખી તમને મદદરૂપ બનો. કર્તવ્યનિષ્ઠ ઉમદા લોકો માટે આનંદ અનુભવો અને ખુશ રહો અને દુષ્ટ લોકો પ્રત્યે દ્વેષ ન રાખી માત્ર તેમની દુષ્ટતા દુર કરવા માટે પ્રયત્નો કરો.
મન નિયંત્રણની શક્તિ ખુબ જ અદ્દભુત છે. સામાન્ય લોકો આ શક્તિનો ૧% જેટલો લાભ પણ ઉઠાવતા નથી. મુક્તિ માટે વ્યક્તિએ દિવસમાં ઓછામા ઓછા ૨ કલાક ધ્યાન કરવું જોઈએ. આમ કરવાથી તેની વિવેકી બુદ્ધિ વધે છે અને તેની ઈચ્છાશક્તિ પ્રબળ બને છે.
જો ૨ કલાક બહુ વધારે લાગતા હોય તો તમારી યોગ્યતા અને સમય અનુસાર (પણ ઓછામાઓછી ૧૫ મીનીટ સુધી) ધ્યાન કરવાનું શરું કરો અને પછી ધીમે ધીમે ધ્યાનનો સમય વધારતા જાઓ. પ્રયત્નથી જ પરિપૂર્ણ બનાય છે. પણ ધ્યાન કરવું એ કોઈ યાંત્રિક પ્રક્રિયા નથી. તે કોઈના પર થોપી ન શકાય. આથી ધ્યાનના સમય કરતાં ધ્યાનની ગુણવત્તા પર વધુ ધ્યાન આપો.
મુક્તિ સંસારમાં રહીને જ મળી શકે છે. દેશ અને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારીઓમાંથી ભાગી એકાંતવાસમાં જઈ મુક્તિ મેળવવાનો પ્રયાસ કરવો મૂર્ખતા છે. આથી મુક્તિ માટે દેશ અને સમાજમાં સકારાત્મક પરીવર્તન લાવવા માટે કર્મ કરો.
મુક્તિ માટેની તમારી કાર્ય કુશળતા વધારવા માટે દેશ અને સમાજ સામે આવેલા પડકારોને ઝીલો અને અન્યાય, અનૈતિકતા, આતંકવાદ, ભ્રષ્ટાચાર સામે લડો.
પોતાની ક્ષમતાને સંકુચિત કે સીમિત ન રાખી પોતાની જાતને વધારે મજબુત બનાવો કે જેથી કરીને દેશ અને સમાજના મોટામાં મોટા પડકારોને ઝીલી શકો. પણ તમારી લડાઈની પસંદગી હોશિયારીથી કરો. હોશિયાર મુક્તિ-અભિલાષી બધું જ કરવાનો પ્રયત્ન કરતો નથી. તે તેના કાર્યક્ષેત્રની પસંદગી પરિસ્થિતિની માંગ અને તેના સ્વભાવ અને ક્ષમતા અનુસાર કરે છે. પછી તે અભ્યાસ અને મન નિયંત્રણ દ્વારા તેની ક્ષમતા વધારતો રહે છે. અને સમગ્ર માનવજાતિ આર્ય (આદર્શ મનુષ્ય) બને તે પ્રાર્થના સાથે મુક્તિ તરફ આગળ વધતો રહે છે.
પ્રશ્ન: એ વાતની શી સાબિતી છે કે તમે જે કહ્યું એ બધું સાચું જ છે? હું કેમ વિશ્વાસ મુકું કે આના સિવાય બોજો કોઈ સિદ્ધાંત નથી.
વિશ્વાસ વૈદિક કર્મફળના સિદ્ધાંત અનુસાર કર્મ કરવાથી આવશે. હું તમારી એ પ્રક્રિયામાં દખલ ઉભી ન કરી શકું.
હું એ આગ્રહ રાખું કે સંસારના બીજા સિદ્ધાંતોનું પણ અવલોકન અને વિશ્લેષણ કારો. પછી તમારી જાતેને પૂછો કે મારે આ સિદ્ધાંતોમાં કેમ માનવું જોઈએ. નાસ્તિકવાદના સિધ્ધાંતનું પણ વિશ્લેષણ કરો. પછી આ સિદ્ધાંતો વૈદિક સિદ્ધાંતોથી વધુ યોગ્ય કેમ છે તેનું મૂલ્યાંકન કારો. એ પણ જુઓ કે જો કોઈ એક સિધ્ધાંત વધુ આકર્ષિત લાગતો હોય તો બીજો કેમ નહીં? એ પણ ચકાસો કે કોઈ સિધ્ધાંતની પસંદગી પાછળ તર્ક છે કે નહીં?
જીવનનું અવલોકન કરવાથી પણ ઘણી સહજ રીતે વૈદિક સિદ્ધાંતોનું જ્ઞાન થઇ જાય છે. આપણને જ્ઞાન છે કે આપણું અસ્તિત્વ છે. આપણને એ પણ જ્ઞાન છે કે આ સંસાર અને આપણાં શરીરનું સંચાલન એક મહાન સત્તા કરી રહી છે. આપણે જાણીએ છીએ કે સત્કર્મો આનંદ આપે છે. જેમ જેમ સત્કર્મો કરી આપણે કુસંસ્કારોને બળતા જઈએ છીએ તેમ તેમ આ સિદ્ધાંતો વધુ સહજ બનતા જાય છે.
વૈદિક સિદ્ધાંતો અત્યંત સહજ છે. જીવનનું ઉપરછલ્લુ અવલોકન કરવાથી પણ આ સિદ્ધાંતો કામ કરતાં જોવા મળશે. વૈદિક સિદ્ધાંતો આંખ બંધ કરીને જાદુઓનો આંધળો સ્વીકાર કરવાનું કહેતા નથી. કર્મનો સિદ્ધાંત બધી જ જગ્યાએ કાર્ય કરતો જોઈ શકાય છે. આના માટે કશે દૂર જવાની જરૂર નથી. માત્ર ૩૦ દિવસ સકારાત્મક, પ્રસન્ન અને ઉત્સાહી બનીને જુવો. નકારાત્મક અને પાપકર્મોથી દુર રહો. અને પછી જુવો કે તમને કેવું લાગે છે. આ નાના પ્રયોગથી જ તમારા આનંદનું સ્તર ઘણું વધી જશે. જેમને કોઈએ કદી જોયા નથી એવા ચમત્કારોની વાતોથી કે પછી ઉત્ક્રાંતિવાદના વિવાદાસ્પદ સિદ્ધાંતથી સરખામણીમાં વૈદિક સિદ્ધાંતો વધુ વિશ્વાસનીય છે.
જે તત્વ જ્ઞાન (વૈદિક સિદ્ધાંતો) એવું કહેતા હોય કે “ઈશ્વર હંમેશાથી આપણું રક્ષણ અને પાલન કરતો આવ્યો છે અને કરતો રહેશે. ઈશ્વર આપણી ઈચ્છા-સ્વતંત્રતાનું માન રાખીને અને તેના ગુણ, કર્મ અને સ્વભાવ બદલ્યા વગર આપણાં કલ્યાણ માટે હંમેશા કાર્ય કરે છે”, તેનાથી વધારે તાર્કિક, સહજ અને પ્રેરણાદાયક જ્ઞાન બીજું કોઈ ન હોય શકે તે વાત સાથે તો તમારે સહમત થવું જ પડશે.
અંતમાં, હું વેદોનો કે વૈદિક સિદ્ધાંતોમાં આંધળો વિશ્વાસ કરવાનું કહેતો નથી. આથી જ્ઞાનપૂર્વક સત્યનો સ્વીકાર અને અસત્યનો ત્યાગ કરી આગળ મુક્તિ માર્ગ પર વધતા રહો.
પ્રશ્ન: વૈદિક સિદ્ધાંતનો સાર ટુકમાં વર્ણવશો?
ઈશ્વર, પ્રકૃતિ અને જીવાત્મા આ ત્રણેય શાશ્વત છે. તે હંમેશાથી હતી અને હંમેશા રહેશે. આ ટ્રીનીટીનો સિદ્ધાંત છે.
ઈશ્વર, પ્રકૃતિ અને જીવાત્મા એકબીજા ઉપર પ્રભાવ પાડે છે. આ ત્રણમાંથી એકપણ સત્તાનું સર્જન કે વિનાશ થતો નથી.
પ્રકૃતિ સત્ છે. જીવાત્મા સત્ અને ચેતન છે. ઈશ્વર સત્ ચિત અને આનંદ છે.
ઈશ્વર સર્વ આનંદનો સ્ત્રોત છે. ઈશ્વરના દિવ્ય ગુણ ક્યારેય બદલાતા નથી. ઈશ્વર સર્વવ્યાપી છે. આકાશમાં તેનું કોઈ સિંહાસન નથી. તે આપણી અંદર અને બહાર એમ સર્વત્ર વ્યાપેલો છે.
ઈશ્વર શૂન્યમાંથી શ્રુષ્ટિનું સર્જન કરતો નથી. ઈશ્વર સર્જક છે તેનો અર્થ એ છે કે ઈશ્વર મૂળ પ્રકૃતિમાંથી શ્રુષ્ટિનું સર્જન કરે છે.
તે જીવાત્માઓને તેના પૂર્વ જન્મના કર્મફળ અનુસાર શ્રુષ્ટિ પર જન્મ આપે છે. જીવાત્માઓ કર્મ કરી શકે તે માટે ઈશ્વર શ્રુષ્ટિનું પાલન પણ કરે છે. અને અંતે તે શ્રુષ્ટિનો વિનાશ કરી શ્રુષ્ટિ સર્જનની પ્રક્રિયા ફરીથી શરું કરે છે. જેમ દિવસ પછી રાત અને રાત પછી દિવસ આવે છે તેમ આ શ્રુષ્ટિમાં સર્જન, પાલન અને વિનાશનું ચક્ર નિરંતર ચાલતું જ કરે છે. એવો કોઈ સમય ન હતો કે જયારે આ પ્રક્રિયા થતી ન હતી અને આ પ્રક્રિયા થતી બંધ થઇ જશે એવો કોઈ સમય આવશે પણ નહીં. આ જ કારણે તે બ્રહ્મા (સર્જક), વિષ્ણુ (પાલનહાર) અને મહેશ (પ્રલયકર્તા) કહેવાય છે.
ઈશ્વર પ્રકૃતિ કે જીવાત્માનું સર્જન કે વિનાશ કરતો નથી. ઈશ્વર માત્ર એક ઉત્કૃષ્ઠ પ્રબંધકની જેમ કાર્ય કરે છે. તે જીવાત્મા અને પ્રકૃતિનું સંયોજન એવી રીતે કરે છે કે જેથી જીવાત્મા કર્મ કરવા માટે સક્ષમ બને અને પરમ આનંદના માર્ગ (મુક્તિ માર્ગ) પર આગળ વધે.
આપણે (જીવાત્મો) અવિનાશી અને ચેતન છે. આપણે આપણાં મન, શરીર, બુદ્ધિ, જ્ઞાન અને કર્મ ઇન્દ્રીયો અને પ્રકૃતિથી અલગ છે. આપણો ઈશ્વર સાથે સીધો અને નિત્ય સંબંધ છે. આપણી અને ઈશ્વરની વચ્ચે કોઈ અવતાર કે દેવદૂત નથી.
જીવાત્મા પાસે ઈચ્છાની સ્વતંત્રતા હોય છે. આ સ્વતંત્રતા તેના જ્ઞાન પર આધારિત છે. અને જ્ઞાન તેના કર્મો પર આધારિત છે. આ જ્ઞાન, કર્મ અને સ્વતંત્રતા કર્મના સિદ્ધાંતનો મૂળ આધાર છે.
જીવાત્માનો ઉદ્દેશ કર્મના સિદ્ધાંત અનુસાર સત્કર્મો કરી મુક્તિ પ્રાપ્ત કરવાનો છે.
આપણું ભાગ્ય ઈશ્વર લખતો નથી. આપણી સાથે જે બને છે અને આપણાં જીવનમાં જે પરિસ્થિતિઓ પેદા થયા છે તે આપણાં કર્મોનું જ ફળ છે. આપણું ભાગ્ય આપણાં કર્મો દ્વારા બદલી શકાય છીએ.
મૃત્યુ પૂર્ણવિરામ નથી પણ અલ્પવિરામ છે. મૃત્યુ પછી જીવાત્માની મુક્તિ તરફની મુસાફરી પાછી શરું થાય છે.
સંસારિક અને લૌકિક સુખ પ્રાપ્ત કરવા માટે અને મુક્તિ મેળવવા માટે જે જ્ઞાની જરૂર પડે છે તે જ્ઞાન છે વેદ. પણ ઈશ્વર વેદમાં આંધળો વિશ્વાસ રાખવાનું કહેતો નથી. પણ મુક્તિ માટે પ્રમાણિક રીતે પ્રયત્ન કરતી કોઈપણ જીવાત્મા તર્ક અને વિશ્લેષણ દ્વારા એ જ નિષ્કર્ષ પર આવશે કે વેદ જ ઈશ્વરીય જ્ઞાન છે.
ઈશ્વર હંમેશા આપણી સાથે જ રહે છે અને મુક્તિનું લક્ષ્ય પામવામાં આપણી સહયતા કરતો રહે છે. આપણે હંમેશા આત્માના અવાજને (ઈશ્વરનું માર્ગદર્શન) અનુસરવો જોઈએ અને દરેક ક્ષણે સત્યનો સ્વીકાર અને અસત્યનો ત્યાગ કરતાં રહેવું જોઈએ.
સત્યની શોધ એ જ દરેક જીવાત્માનો સ્વાભાવ છે. સત્યની શોધથી જ જીવન અને શ્રુષ્ટિ સર્જનનો ઉદ્દેશ સિદ્ધ થાય છે. અને જ્યારે આપણે સત્યની શોધ માટે કર્મો કરીએ છીએ ત્યારે આપણે પરમ આનંદ - મોક્ષ - તરફ ઝડપથી આગળ વધીએ છીએ.
જે ક્ષણથી આપણે જીવાત્માના ગુણ, કર્મ અને સ્વાભાવને સમજીને સત્યનો સ્વીકાર અને અસત્યનો ત્યાગ કરવાનું શરુ કરીએ છીએ, તે જ ક્ષણેથી આપણો આત્મવિશ્વાસ, ઉત્સાહ, આનંદ અને સંતોષ વધતો જાય છે. આપણે દુનિયાને ચકિત કરી દે તેવા મહાન કર્મો કરીએ છીએ. આપણે સમાજ અને દેશ સામેના પડકારો ઝીલવામાં સક્ષમ બનીએ છીએ. આપણી સિદ્ધિ, ખ્યાતિ, સમૃદ્ધિ અને આનંદમાં વધારો થતો રહે છે.
પણ આ પ્રક્રિયા ક્યારથી શરુ કરવી તે આપણાં પર છે. આ માટે આપણે કોઈના સમર્થન કે મંજુરીની રાહ જોવાની હોતી નથી. સત્યની શોધ જેટલું ઉપયુક્ત દુનિયામાં બીજું કશું જ કામ નથી.
સત્યની શોધે જ રામ અને કૃષ્ણ જેવા આદર્શ મહાપુરુષોનું સર્જન કર્યું. સત્યની શોધ દ્વારા આપણે પણ આવાં આદર્શ મહાપુરુષ બની શકીએ છીએ.
આપણે આ ચર્ચા પૂરી કરીએ તે પહેલાં ઋગ્વેદના ઐતરેય બ્રાહ્મણ ૭.૧૫ માંથી બધી જ જીવાત્માઓ માટે એક ઉત્તમ સંદેશ:
જે મનુષ્ય ઉત્તમ કર્મો કરવા માટે નિરંતર અને અથાગ પ્રયત્ન કરતો નથી તે મનુષ્ય કીર્તિ અને સમૃદ્ધિને પામતો નથી. આળસુ મનુષ્ય કે જે માત્ર વિચારશીલ જ રહે છે અને મહત્વપૂર્ણ અને સાર્થક કર્મો કરતો નથી તે તેના આળસરૂપી પાપને કારણે એક દિવસ નાશ પામે છે. ઈશ્વર તેને જ સહાય કરે છે જે નિરંતર ઉત્તમ પ્રયાસ કરતો રહે છે.
આથી ચાલતા રહો, ચાલતા રહો.
પુરુષાર્થી મનુષ્ય પોતાનું શરીર મજબૂત બનાવે છે. તેની જીવાત્મા સુખરૂપી કર્મ ફળનો ભોગ કરવાની અધિકારી બને છે. અથાગ પુરુષાર્થ જીવનપથની બધી જ બધાઓને દુર કરે છે.
આથી ચાલતા રહો, ચાલતા રહો.
ભાગ્ય શું છે? જે મનુષ્ય બેઠેલો રહે છે એનું ભાગ્ય પણ બેઠેલું રહે છે. જે મનુષ્ય ઊંઘતો રહે છે એનું ભાગ્ય પણ ઊંઘતું રહે છે. પણ જે મનુષ્ય જીવનપથ પર ચાલતો રહે છે એ તેના ભાગ્યને પણ આગળ ધપાવતો રહે છે.
આથી ચાલતા રહો, ચાલતા રહો.
જ્યારે મનુષ્ય ઊંઘતો રહે છે, ત્યારે તેના માટે કળયુગ છે, જયારે તે જાગે છે ત્યારે તેના માટે દ્વાપરયુગ છે, જયારે તે કર્મ કરવા માટે ઉભો થાય છે ત્યારે તેના માટે ત્રેતાયુગ છે, પણ જ્યારે મનુષ્ય ઉત્તમ કર્મો કરે છે ત્યારે તે સતયુગનું સર્જન કરે છે.
આથી ચાલતા રહો, ચાલતા રહો.
નિરંતર કર્મ કરવામાં મગ્ન રહેનાર મનુષ્યને જ કર્મફળરૂપી આનંદ પ્રાપ્ત થાય છે. સૂર્યને જુવો, તે કયારેય થોભતો નથી.
આથી ચાલતા રહો, ચાલતા રહો.
હે ઈશ્વર! મારો દેશ અને માનવમાત્ર ધર્મયુક્ત કર્મોની સાચી દિશામાં આગળ વધે, સૂર્યની જેમ તેઓ પ્રકાશિત થાય અને સતયુગનું નિર્માણ કરે. હે ઈશ્વર! અમારો આ ધ્યેય ઝડપથી પરિપૂર્ણ કરવા અમને પ્રયત્નશીલ અને કાર્યક્ષમ બનાવ.