Featured Books
શ્રેણી
શેયર કરો

મુક્તિના સિદ્ધાંત પરની પ્રશ્નોત્તરી - ભાગ ૩

પ્રશ્ન: મને એ સમજાય ગયું કે અજ્ઞાનતા દુર કરવાથી જ મુક્તિ મળે છે. શું આ કારણે મોક્ષ મેળવવા માટે આપણે કોઈ દુર એકાંત સ્થાને જઈને ધ્યાન કરવું જોઈએ?

વૈદિક જ્ઞાનનો અર્થ એ નથી કે અમુક મંત્રોને યાદ રાખવા અને કેટલાંક વૈદિક સિદ્ધાંતો સમજી લેવા. વૈદિક જ્ઞાનના માળખામાં જ્ઞાન, કર્મ અને મનનનો સમાવેશ થાય છે. આથી જ્યાં સુધી જ્ઞાન પ્રમાણે કર્મ કરવામાં ન આવે ત્યાં સધી મુક્તિ મળવી શક્ય નથી

ઉદાહરણ તરીકે, સાયકલની રુપરેખા જોતા રહેવાથી કે તેના પર લખાયેલી કોઈ પુસ્તક વાંચી સાઈકલનું જ્ઞાન મેળવી લેવાથી આપણને સાઈકલ ચલાવતા આવડવાની નથી. એ જ્ઞાન પ્રમાણે જ્યાં સુધી આપણે પોતે સાઈકલ ચલાવવાનો પ્રયત્ન નહીં કરીએ ત્યાં સુધી આપણને સાઈકલ ચલાવતા આવડવાની નથી. બીજા શબ્દોમાં કહીએ તો જ્ઞાન અનુસાર કર્મ કરવું જ પડશે. ત્યાર પછી જ આપણને સાઈકલ ચલાવવાનો સાચો આનંદ મળશે. આમ કામ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

આ જ પ્રમાણે મુક્તિ મેળવવા તમારે આ કાદવરૂપી સંસારમાં કમળની જેમ રહેવું પડશે. જેમ કમળ કાદવમાં ખીલી ને પણ ગંદુ થતું નથી તેમ આપણે પણ આ સંસારની ગંદકી (અન્યાય, ગરીબી, આતંકવાદ, વગેરે..) સાફ કરીને કમળની જેમ ખીલવું પડશે. જયારે આ સમાજ અને દેશને આપણી જરુરુ હોય ત્યારે જવાબદારીમાંથી ભાગી છુટી એકાંતમાં ધ્યાન કરવાથી મુક્તિરૂપી સ્વર્ગ તો નહીં મળે, ઉલટાનું આપણે દેશ અને સમાજ ને નર્ક બનાવવામાં આપણે ભાગીદાર બનીશું.

હા મનોબળ વધારવા માટે એકાંતમાં થોડા સમય માટે ધ્યાન કરીએ તે વાત અલગ છે. પણ મુક્તિ તો બીજી જીવાત્માઓના સહયોગ વિના શક્ય નથી. વેદમાં ઘણાં સૂક્ત મુક્તિ માટે સહયોગ અને સહકારીતાનું મહત્વ સમજાવે છે.

જે લોકો વેદોના આ મૂળભૂત સિદ્ધાંતોની અવગણના કરી મુક્તિ મેળવવાનો પ્રયત્ન કરે છે તે દુઃખ અને ઉદાસીનતાના અંધકારમાં ખોવાય જાય છે.

પ્રશ્ન: તો પછી જંગલમાં તપ કરતાં સન્યાસીઓ અને મુનીઓનું શું? શું તેઓ પલાયનવાદી છે?

જે સન્યાસીઓ કે મુનીઓ પોતાની શારીરિક શક્તિનો સંચાર કરવા કે પછી આત્મબળ વધારવા માટે ધ્યાન કરવા માટે થોડા સમય જંગલમાં જતા હોય, અથવા ઘરડાં આયુષ્યને કારણે દેશ કે સમાજના હિતમાં કર્મ કરવા માટે સક્ષમ ન હોવાને કારણે જંગલમાં જતા હોય તો તેમાં કશું ખોટું નથી.

પણ જો તેઓ સશક્ત હોવાં છતાં પોતાની જવાબદારીઓમાંથી છુટકારો મેળવવા માટે કાયમી એકાંતવાસ શોધતા હોય તો હા તેઓ પલાયનવાદી અને મૂર્ખ છે. તેઓ વૈરાગી નથી. કારણ કે વૈરાગ્યનો અર્થ છે મોહથી દુર રહેવું અને નહીં કે કર્મોથી.

આવો બનાવટી એકાંતવાસ એ ઈશ્વરનું અપમાન છે. જો ઈશ્વરને એવું લાગ્યું હોત કે જીવાત્મા માત્રા માટે એકાંતવાસમાં રહી ને મુક્તિ મેળવી શકે તો, ઈશ્વરે જીવાત્મઓને કોઈ એકલવાયા ગ્રહ પર જન્મ આપ્યો હોત, અને નહીં કે પૃથ્વી જેવા ગ્રહ પર કે જ્યાં બધી જ જીવાત્માઓને કોઈને કોઈ સમસ્યાઓનો અને પડકારોનો સામનો કરવાનો હોય છે. વધુમાં, આ સંસારમાં જ્ઞાનની પ્રાપ્તિ પણ અન્ય જીવાત્માઓના પરસ્પર સહકાર અને સહયોગ વગર શક્ય નથી. આથી મુક્તિ માટે એકાંતમાં રહેવાથી બીજી જીવાત્માઓ સાથેની તમારી ક્રિયા-પ્રતિક્રિયા બંધ થઇ જાય. આથી તમે જ્ઞાન વૃદ્ધિની તક પણ ગુમાવો અને એટલે મુક્તિ પણ ન મળે.

જો તમે કોઈ આદર્શ સમાજ કે દેશમાં જન્મ્યા હોત કે જ્યાં દરેક જીવાત્મા પોતપોતાની જવાબદારીઓ યોગ્ય રીતે પૂરી કરતી હોય અને જ્યાં કોઈ પડકાર કે અન્યાય ન હોય, ત્યારે લોકોની ચહેલપહેલથી દુર જઈ ધ્યાન અને સાધના માટે જંગલમાં જતા રહેવું યોગ્ય ગણાય.

પણ આજે જ્યાં આપણો દેશ ભ્રષ્ટાચાર, અસહિષ્ણુતા, વેરભાવ, ગરીબી, દુ:ખ, અનૈતિકતા, આતંકવાદ જેવા રોગથી પીડાય છે ત્યાં કોઈ અસ્થિર મગજવાળો, નપુંસક કે કોઈ દેશ્ધ્રોહી જ આવાં પડકારોમાંથી ભાગી છૂટવાનો વિચાર કરે. વાસ્તવમાં, વૈરાગી થઇ આ પડકારો સામે લડવાથી (કર્મ કરવથી) મુક્તિનો માર્ગ ખુલે છે.

એ ખુબ જ શરમજનક વાત છે કે આધ્યાત્મિકતાના નામ પર આપણાં કર્મયોગી દેશના મોટા ભાગના લોકો રાષ્ટ્ર અને સમાજ તરફની પોતાની ફરજોમાંથી નાસી છુટે છે. આમ કરવાથી તેઓ માત્ર મુર્ખ બની પોતાની પ્રગતિ જ નથી અવરોધતા પણ દેશ અને સમાજને મોટું નુકસાન પહોચાડે છે. દેશદ્રોહનો આ ખુબ જ પીડાદાયક ચહેરો છે.

જો તમે ભારતીય ઇતિહાસના પાનાં પલટાવો તો, ખ્યાલ આવી જશે કે જ્યારે ભારત વિદેશી આક્રન્તોના હુમલાથી લોહીલીહાણ હતું ત્યારે દેશના દંભી બાબાઓ, સાધુઓ અને ગુરુઓ એકાંતવાસમાં મનની શાંતિ શોધવામાં વ્યસ્ત હતા અથવા તો આધ્યાત્મિકતાના નામે જાદુઈ યુક્તિઓ કરી રહ્યાં હતા. આમ કરી તેઓને આધ્યાત્મિકતાના ખુબ જ ખોટા દ્રષ્ટાંતો સ્થપિત કર્યા હતા.

દુર્ભાગ્યે આપણાં દેશમાં આવાં દંભી બાબો ગલીએ ગલીએ જોવા મળે છે. આ લોકોની કરતુતોને કારણે જગતગુરુ ગણાતો એક સમયનો આપણો ભારત દેશ હજારો વર્ષોથી આક્રન્તાઓના પગ નીચે કચાડતો આવ્યો છે.

પ્રશ્ન: તો પછી આપણાં આદર્શ કોણ હોવાં જોઈએ?

રાષ્ટ્ર અને સમાજ સામે આવી પડેલી ચુનોતીઓનો જે મહાપુરુષોએ હિંમતપૂર્વક સામનો કર્યો હતો અને દેશ રક્ષા માટે જેઓએ પોતાના પરિવાર અને પોતાના જીવનું બલિદાન આપ્યું હતું એ મહાપુરુષો જ આપણાં સાચા આદર્શો છે. તેઓ જ સાચા અર્થમાં મુક્તિના હકદાર છે. કારણ કે તેમણે જ વિદ્યા અને વૈરાગ્યના અટલ સિદ્ધાંતોને પોતાના કર્મોમાં ઉતારી આપણાં માટે આદર્શ દ્રષ્ટાંતો સ્થાપિત કર્યા હતા. તેઓ જ સાચા અર્થમાં યોગી છે. હું અહીં શિવાજી, રાણા પ્રતાપ, રામ પ્રસાદ બિસ્મિલ, અશ્ફાકુલ્લા ખાન, નેતાજી, આઝાદ અને સ્વામી દયાનંદ જેવી મહાનાત્માઓ વિષે વાત કરી રહ્યો છું.

સ્વામી દયાનંદ દરરોજ ઘણાં માઇલ સુધી દોડતા હતા. તે કસરત કરતાં અને મગદળનો અભ્યાસ કરતાં. તેઓ જીવનભર સખત તાલીમ લેતા રહ્યાં હતા. અહીં મારો કહેવાનો અર્થ એ છે કે મુક્તિ માત્ર મજબુત માનોબળવાળા કર્મયોગી માટે જ છે.

પ્રશ્ન: પણ મુક્તિ તો ઘણાં યુગો પછી મળે છે. અને ત્યાં સુધી આપણાં બધાએ ખુબ જ દુઃખ અને પીડા સહેવા પડે છે. મારામાં આટલી બધી ધીરજ નથી. હું શું કરું?

ઘણાં દુઃખ અને તખલીફો સહન કર્યા પછી જ મુક્તિ મળે છે એ વાત ખોટી છે. ઘણાં લાંબા સમય સુધી દુઃખ અને પીડાઓ સહન કરીને મૃત્યુ પામ્યાં પછી જ તમને કાલ્પનિક સ્વર્ગની પ્રાપ્તિ થશે એમ માની લેવું પણ યોગ્ય નથી.

આનાથી ઉલટું, મુક્તિ માટેની કેટલીક રીતો અહીં સૂચવવામાં આવી છે તે સુખના ભંડારની ચાવી છે. આ રીતો તમને સુખના ભંડારમાં અધિકારપૂર્વક પ્રવેશ આપશે. સંસારમાં બનતી કોઈપણ ઘટના તમને સુખના ભંડાર સુધી જતા અટકાવી નહીં શકે. હું અહીં એવા બિનશરતી આનંદની વાત કરી રહ્યો છું કે જે આનંદ તમે જ્યાં સુધી તમે મુક્તિરૂપી અપાર આનંદના ભંડારમાં સંપૂર્ણ પ્રવેશ ન મેળવી લો ત્યાં સુધી વધતો જ જાય છે. આમ, મુક્તિમાર્ગ પર તમારું સ્વર્ગ દરેક ક્ષણે તમારી સાથે રહેશે.

મુક્તિ પ્રાપ્તિની પ્રક્રિયા શરુ કરતાં જ આનંદ આવવા લાગે છે અને આ આનંદ જ્યાં સુધી મુક્તીરુપી અપાર આનંદ ન મળે ત્યાં સુધી નિરંતર વધતો જ રહે છે. સંસારની બીજી કોઈપણ વસ્તુમાંથી આવો આંનદ મળવો શક્ય નથી.

યજુર્વેદ ૩૧.૧૮ ખુબ જ સુંદર રીતે કહે છે કે: સંપૂર્ણ અને સ્થાયી આનંદ મેળવવા માટેનો આના સિવાય બીજો કોઈ રસ્તો નથી!

વાસ્તવમાં આધ્યાત્મિકતા, પરોપકાર, સત્કર્મો વગેરે વિષે સૌથી મોટી ગેરસમજ એ છે કે આનંદ ઘણી બધી નિષ્ફળતાનો સામનો કર્યા પછી અને ઘણાં દુઃખ સહન કર્યા પછી જ મળે છે. ઘણીવાર કેટલાંક લોકો એવું તર્ક પણ આપે છે કે આવો આનંદ મળે છે કે નહીં તે જોવા માટે આપણે જીવતા પણ રહેતા નથી.

પણ વાસ્તવમાં આધ્યાત્મિકતા, પરોપકાર, સત્કર્મો વગેરે વિષેના આવાં તર્ક (મારા મતે વિતર્ક) ખામી ભરેલા છે. આપણે આવી નિરર્થક વાતો અને નિરર્થક લોકોથી દૂર રહેવું જોઈએ.

ઈશ્વરનો ન્યાય તત્કાળ જ મળે છે. ઈશ્વરની આ ન્યાય પ્રક્રિયામ કોઈ અંતરાલ નથી. એટલે કે ઈશ્વર ન્યાય આપવામાં તે સહેજ પણ મોડું કરતો નથી. તમે જયારે કોઈ સત્કર્મ કરો છો ત્યારે આનંદ અને સંતોષના રૂપમાં તરત જ તમને તે કર્મનું ફળ મળે છે. આવાં જ આનંદ અને સંતોષની શોધમાં સત્કર્મો કરતાં રહી તમે આગળ વધતા રહો છો અને અંતે મુક્તિ રૂપી પરમ આનંદ પ્રાપ્ત કરો છો.

યજુર્વેદ ૧૯.૩૦ ખુબ જ સરસ વાત કહે છે: “જયારે તમે સત્કર્મો કરવાનો દ્રઢ સંકલ્પ કરો છો તે જ ક્ષણે તમે તે સંકલ્પ પૂર્ણ કરવાની યોગ્યતા મેળવો છો. જયારે સત્કર્મો દ્વારા તમે તમારી યોગ્યતા જાળવી રાખો છો ત્યારે તેનું પરિણામ સુખ, સમૃદ્ધિ અને સંતોષના રૂપમાં મળે છે. જ્યારે તમે આવાં સુખદ પરિણામો જુઓ છો ત્યારે ઈશ્વર અને કર્મના સિદ્ધાંતમાં તમારી શ્રદ્ધા વધે છે અને તમે વધુ સત્કર્મો કરવા પ્રેરિત થાવ છો. જયારે તમારી આ શ્રદ્ધા વિચલિત થયા વગર દરેક પરિસ્થતિમાં અડગ રહે છે ત્યારે તમે પરમ સત્ય એટલે કે પરમ આનંદ એટલે કે ઈશ્વરને પામો છો.”

પ્રશ્ન: તો પછી સ્વતંત્રતા સેનાનીઓ, મહાપુરુષો કે પછી મુક્તિ મેળવવા માટે પ્રયત્નો કરતાં બીજા લોકોને શા માટે આટલું બધું દુઃખ સહન કરવું પડે છે?

આમાં બને છે એવું કે જ્યારે કોઈ વ્યક્તિ મુક્તિ માર્ગમાં આગળ વધવાની શરૂઆત કરે છે ત્યારે આ સંસારની પ્રતિકુળ પરિસ્થિતિઓની તેના પર કોઈ અસર થતી નથી. તે આ પ્રતિકુળ પરિસ્થિતિઓની સ્વતંત્ર રહી કર્મ કરે છે. આથી જે નાની નાની અગવડો અને સમસ્યાઓ સામાન્ય લોકોને ચિંતામાં નાખી દે છે, તે નાની નાની સમસ્યાઓની મુક્તિ પર ચાલનાર પર કોઈ જ અસર થતી નથી. તે વ્યક્તિ સ્વયંમાં રહેલ આનંદના ભંડારને પ્રાપ્ત કરે છે અને આમ થવાથી તેને આનંદ માટે બહારની દુનિયા પર આધાર રાખવો પડતો નથી.

કારણ કે મુક્તિ માર્ગ પર ચલાવતી તેનું મનોબળ વધારે મક્કમ બની ચૂકેલું હોય છે. તેનામાં શક્તિનો સાચાર થયેલો હોયે છે. તેનો આત્મવિશ્વાસ પણ વધેલો હોય છે. મુક્તિ પ્રાપ્તિની તેની તીર્વ ઈચ્છા અને મહત્વાકાંક્ષાને કારણે કે બીજા સામાન્ય લોકોની સરખામણીમાં તે ઘણાં મોટા પડકારોને ઝીલી શકે છે. બીજા લોકોને આ વાત આશ્ચર્યજનક લાગે છે. કારણ કે મુક્તિ માર્ગનો પથિક તેનો માર્ગ પોતે જ નક્કી કરે છે. તે બીજા લોકોનું આંધળું અનુકરણ કરતો નથી. બીજી વ્યક્તિઓ અને પરિસ્થિતિઓ તેના માટે સમસ્યાઓ અને અવરોધો પેદા કરવાનો પ્રયાસ કરે છે. પણ જેમ આગમાં ઘી હોમવાથી આગ વધુ ભડકે છે તેમ આ બધી સમસ્યાઓ તેના હદયમાં લાગેલી મુક્તિ મેળવવાની આગમાં ઘી હોમવાનું કામ કરે છે.

અંતે મુક્તિ માર્ગના પથિકને આ સંસાર અને શરીર છોડવાનો સમય આવે છે. તે આ સંસાર અને શરીર છોડી મુક્તિ તરફની તેની મુસાફરી ચાલુ રાખવા ફરીથી જન્મ લે છે. મુર્ખ લોકો એમ સમજે છે કે તેને આટલું બધું દુઃખ અને પીડાઓ સહન કરીને શું મળ્યું? પણ કર્મફળ સિદ્ધતને સાચા અર્થમાં સમજનારા લોકો જાણે છે કે મુક્તિ માર્ગનો પથિક, તેના જીવનકાળ દરમિયાન, હસતું મોઢું રાખી, કર્મફળની ચિંતા કર્યા વગર અને વર્તમાન પરિસ્થિતિઓને પોતાના પર હાવી થયા દેવા વગર સફળતાના માર્ગ (મુક્તિ માર્ગ) પર આગળ વધતો રહ્યો.

આમ સાચો યોગી, મુક્તિ મેળવવા માટે, ઈશ્વર તેને જે પરિસ્થિતિમાં મુકે છે તે તેનો શ્રેષ્ઠત્તમ ઉપયોગ કરે છે. સાચો યોગી મુક્તિ તરફની તેની મુસાફરી નિરંતર ચાલુ રાખી આપણાં માટે એક આદર્શ સ્થાપિત કરતો જાય છે.

એ વાત સાચી નથી કે મુક્તિ-અભિલાષીને હંમેશા બીજા લોકો કરતાં વધારે દુ:ખ સહન કરવું પડે છે. અંતર માત્ર એટલું જ છે કે મુક્તિ માર્ગનો પથિક બીજા સામાન્ય લોકોની સરખામણીમાં વધારે મોટા પડકારો ઝીલી શકે છે. પડકાર ઝીલવાની તેની આ ક્ષમતા બીજાને આશ્ચર્યમાં પાડી દે છે. વાસ્તવમાં, મુક્તિ માર્ગનો પથિક બીજા સામાન્ય લોકોની સરખામણીમાં જીવનની દરેક ક્ષણેનો ૧૦૦૦ ઘણો વધારે આનંદ માણે છે. અને આ આનંદ જ તેને મુક્તિ તરફ ઝડપથી આગળ વધવા માટે પ્રેરિત કરતો રહે છે.

નાનું બાળક તો એક મચ્છર કરડવાથી રડે છે. પણ એક ખડતલ અને શક્તિશાળી શરીર કરાટે કે કુસ્તીબાજીમાં માર સહન કરીને પણ આનંદ મેળવે છે.

મુક્તિ મેળવવા માટેની પ્રક્રિયા તમને નાની નાની વસ્તુઓ માટે રડતાં કમજોર બાળકમાંથી આ સંસારરૂપી યુદ્ધભૂમિમાં હંમેશા વિજય થનાર એક શક્તિશાળી યોધ્ધો બનાવી દે છે!

પ્રશ્ન: આ ખુબ જ રોમાંચક લાગે છે! મારે પણ મુક્તિ માર્ગમાં આગળ વધવું હોય તો શું કરવું પડે?

કષ્ટદાયી કંઈ નહીં! જો તમે મુક્તિ મેળવવાનો સંકલ્પ કરી લીધો છે હોય તો મુક્તિ મેળવવાની તમારી પ્રક્રિયા શરું થઇ ગઈ છે. બાકીનું બધું હવે એકદમ સરળ છે. બસ મુક્તિના મૂળ સિદ્ધાંતને ધ્યામાં રાખી સત્કર્મો કરતાં રહો.

મૂળ સિદ્ધાંત હંમેશા યાદ રાખો: “સત્યનો સ્વીકાર અને અસત્યનો ત્યાગ”.

કારણ કે અસત્ય એ દુ:ખનું કારણ છે અને સત્યએ આનંદનું. પાપકર્મો (અધર્મ) દુ:ખને આમંત્રણ આપે છે જયારે સત્કર્મોથી (ધર્મ) સુખ મળે છે.

કારણ કે અસત્ય એ દુઃખનું કારણ છે અને સત્ય એ સુખનું મૂળ છે. સત્કર્મો (ધર્મ) મુક્તિ તરફ લઇ જાય છે જ્યારે પાપકર્મો (અધર્મ) મુક્તિથી દુર

પ્રશ્ન: સત્ય અને અસત્યનો નિર્ણય કેવી રીતે કરી શકું?

નીચે કેટલાંક સૂચનો આપ્યા છે જેના પરથી સત્ય અને અસત્યનો નિર્ણય કરી શકાય:

૧. તે વિસંગત એટલે કે પરસ્પર વિરોધી ન હોવું જોઈએ. ઉદાહરણ તરીકે, જો કોઈ એવું કહે કે ઈશ્વર કસોટી કરે છે અને એમ પણ કહે કે ઈશ્વર બધું જ જાણે પણ છે તો આ બે વાતો પરસ્પર વિરોધી છે.

૨. તે કારણ-અસરની તાર્કિક પ્રક્રિયા અનુસરતું હોવું જોઈએ. ઉદાહરણ તરીકે, જો કોઈ એવું કહે કે સ્ત્રીનો જન્મ પુરુષની પાંસળીમાંથી થયો હતો તો આ વાતમાં કોઈ તર્ક નથી.

૩. તે સામાન્યકરણનો સિદ્ધાંત અનુસરતું હોવું જોઈએ. ઉદાહરણ તરીકે, જો કોઈ મને નુકસાન પહોચાડે તો મને દુઃખ થાય છે. આથી બીજાને નુકસાન પહોંચાડવાથી તેને પણ આમ જ દુઃખ થતું હોવું જોઈએ. આથી આપણે કોઈને નુકસાન પહોચાદનું ન જોઈએ.

૪. તે આદર્શોપુરુષો એ જે દ્રષ્ટાંતો સ્થાપિત કરેલા હોય તે પ્રમાણેનું હોવું જોઈએ. પણ અહીં એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, વ્યક્તિ આદર્શ છે કે નહીં તે તેના કર્મો સત્યની કસોટીના માપદંડ પર ખરા ઉતરે છે કે નહીં તેના પરથી નક્કી થવું જોઈએ, અને નહીં કે તેની લોકપ્રિયતા પરથી.

૫. તે વિવેકબુદ્ધિ અને આત્માના અવાજ પ્રમાણેનું હોવું જોઈએ. એટલે કે જો કોઈ કામ કરવાથી શરમ કે પસ્તાવો થતો હોય તો તે કામ સત્કર્મ નથી.

૬. તે પ્રમાણ, તર્ક અને સરખામણીની કસોટી પર ખરું ઉતરવું જોઈએ.

આ જ પ્રમાણે સત્યની કસોટી કરવાના બીજા માપદંડ પણ હોય શકે છે. પણ એ વાત સમજી લેવી જોઈએ કે કોઈ વાત સાચી છે કે ખોટી તેનો નિર્ણય સત્તા કે લોકપ્રિયતાની લાલચમાં કે પછી કોઈપણ જાતના દબાણમાં આવીને ન થવો જોઈએ.

જો કોઈ વ્યક્તિ સત્યની શોધમાં તેના પ્રમાણિક પ્રયત્નો મુકે તો તેની પ્રગતિ ઈશ્વર નિશ્ચિત કરે છે.

પ્રશ્ન: બરાબર છે. મને સત્ય કેવી રીતે શોધવું અને તેને કેવી રીતે અનુસરવું તેનો ખ્યાલ આવી ગયો. હવે પછી શું?

તમારા મન, વચન અને કર્મમાં સત્યનું અનુસરણ કરો. સ્વાધ્યાય, અભ્યાસ અને ચિંતન દ્વારા સત્યને પામવાનો પ્રયત્ન કરો. આમ થવાથી તમારી પાસે સફળતાની એક રૂપરેખા તૈયાર થાય છે. પણ સફળતાની રૂપરેખા તૈયાર કરવા માટે નીચેલી કેટલીક બાબતોનો ખ્યાલ આવવો બહુ જરુરી છે. જેમ કે

૧. એવી શક્યતા જ નથી કે આ સંસારનો કોઈ સર્જક કે સંચાલક નથી અને સંસારની ઉત્પત્તિ અને તેનું સંચાલન આપમેળે અનિયંત્રિત રીતે થયા કરે છે.

૨. તમે આ શ્રુષ્ટિનું સર્જન, સંચાલન કે વિનાશ કરતાં નથી.

૩. એક સર્વોચ્ચ શક્તિ (સત્તા) આ શ્રુષ્ટિનું સર્જન, સંચાલન કે વિનાશ કરે છે અને તે સત્તા (ઈશ્વર) સમગ્ર માનવજાતિને શ્રુષ્ટિના ઉત્પત્તિ સમયથી જ માર્ગદર્શન આપી રહી છે.

૪. વેદો સર્વશ્રેષ્ઠ ગ્રંથો છે અને તે કોઈપણ પ્રક્ષેપ વગર આદિકાળથી સુરક્ષિત રખાયા છે.

૫. વેદના જ્ઞાન (માર્ગદર્શન) વગર માત્ર તમારી બુદ્ધિથી મુક્તિમાર્ગ પર આગળ વધવું શક્ય નથી.

૬. ઈશ્વર ભૌગોલિક સ્થાનના ભેદ વિના બધા જ લોકો પર એક સરખી દયા અને કૃપા રાખે છે. આથી વેદોનું જ્ઞાન માત્ર મંત્રો ગોખવાથી નહીં મળે. વેદના જ્ઞાનને જીવનમાં ઉતારવું પડશે. વેદનાં ઉપદેશો અનુસાર કર્મો કરવા પડશે. ગોખેલું કે વાંચેલું જ્ઞાન જો વેદ અભ્યાસને આગળ વધારવામાં સહાયરૂપ ન બને તો તે ગોખેલા જ્ઞાનનો કશો અર્થ નથી.

આમ આ બાબતોનો ખ્યાલ આવી જવાથી તમારી પાસે ઝડપથી સફળતા (મુક્તિ) મેળવવાની એક રૂપરેખા તૈયાર થઇ જશે.

પ્રશ્ન: તો પછી મારે વેદને અનુસરવા કે મારા આત્માના અવાજ ને?

એક તરફ તો સત્યને વાસ્તવિક જીવનમાં ઉતારવા માટે તમારે તમારી આત્માના અવાજને અનુસરવું જોઈએ. અને બીજી તરફ વૈદિક સિદ્ધાંતોને આત્મસાત્ કરવા માટે અભ્યાસ અને અધ્યયન કરવું જોઈએ. આ વૈદિક સિદ્ધાંતોને આત્માના અવાજની સાથે (સુમેળમાં) લાવી કર્મ કરવા જોઈએ. આમ કરવાથી આત્માનો અવાજને વધુ પ્રબળ બને છે. જ્યારે વૈદિક જ્ઞાન અને આત્માનો અવાજ એક બને છે ત્યારે સમજવું કે તમારો ધ્યેય સિદ્ધ થઇ ગયો.

પણ જો કોઈ કારણવશ તમને વેદ ન મળી શકતા હોય અથવા તો તમારી હાલની ફરજો તમને વેદોનો ગહન અભ્યાસ કરતાં રોકતી હોય તો એમાં ચિંતા કરવા જેવું કંઈ નથી. આવી પરિસ્થતિમાં બસ તમારા આત્માના અવાજને અનુસરતા રહી મુક્તિ માર્ગ પર આગળ વધતા રહો. પણ જ્યારે વેદનું જ્ઞાન મેળવવાની તક મળે ત્યારે આળસુ કે શંકાશીલ ન બની એ તકને તરત જ ઝડપી લો.

વેદના અભ્યાસની તક ને ઝડપી લેવાની આદત તમારા વ્યક્તિત્વનો એક ભાગ હોવો જોઈએ. એક વાર જો આપણે મુક્તિના આ મૂળભૂત સિદ્ધાંતો અને તેની રૂપરેખાને સમજી લઈએ તો મુક્તિ તરફની આપણી મુસાફરી ખુબ સરળ બની જાય છે.

પ્રશ્ન: મોક્ષ મેળવવા માટે તરત જ અનુસરી શકાય એવું પાયાનું માળખું કયું?

૧. વિવેક – સત્ય અને અસત્યને ઓળખવાની બુદ્ધિ

૨. વૈરાગ્ય – મોહ અને બંધનનો ત્યાગ

૩. ષષ્ટ સંપતિ– છ ગુણોનો વિકાસ (શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, સમાધાન, અને શ્રદ્ધા)

૪. મુમુક્ષુત્વ – મુક્તિ મેળવવાની તીર્વ ઈચ્છા

પ્રશ્ન: વિવેક શું છે?

સત્ય અને અસત્યને જુદાં પાડવાની ક્ષમતા એટલે વિવેક. જો તમે વિદ્યા પર કરેલી ચર્ચા યાદ કરો તો તમને ખ્યાલ આવી જશે કે વિવેક એ વિદ્યા ગ્રહણ કરવાની ક્ષમતા છે.

વિવેક દ્વારા મનન અને આત્મનિરીક્ષણ કરી વ્યક્તિએ સ્વયમને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. આના માટે ઋષિ મુનિઓએ પંચો કોષ, ત્રણ અવસ્થા, પાંચ શરીર જેવા સંકેતો આપ્યા છે. જો સંકેતો ને સમજવામાં મુશ્કેલી આવતી હોય તો ચિંતા કરવા જેવું કાઈ નથી. કારણ કે આ જ્ઞાન ગોખવાથી નહીં પણ અભ્યાસ કરવાથી આપમેળે જ સમજાશે.

પ્રશ્ન: પણ મારે પાંચ કોષ વિષે ટુકમાં જાણવું છે.

પંચકોષ જીવાત્માથી અલગ તેની ઉપરના પાંચ સ્તરો છે.

અન્નમય કોષ – ચામડી, માંસ અને હાડકાનું બનેલું બાહ્ય શરીર.

પ્રાણમય કોષ – પ્રાણવાયુના અવરજવરની માટે જવાબદાર વ્યવસ્થા. આમાં ૧૦ પ્રકારના પ્રાણનો સમાવેશ થાય છે.

મનોમય કોષ – મન, અહં, બોલવાની, સમજવાની, ઉત્સર્જંન અને પ્રજનન જેવા કાર્યો કરવાની સહજ શક્તિ.

વિજ્ઞાનમય કોષ – બુદ્ધિ, ચિત્ત (સ્મરણશક્તિ), દ્રષ્ટિ, શ્રવણ-શક્તિ, સ્પર્શ, સુગંધ અને સ્વાદ માણવાની સહજ શક્તિ.

આનંદમય કોષ – આનંદની અનુભુતી અને લાગણીઓ.

આપણે એ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ કે જીવાતમા આ પાંચેય કોષોથી કેવી રીતે ભિન્ન છે અને ઈશ્વર આ પાંચેય કોષોને જીવાત્મા સાથે કેવી રીતે એકીકૃત કરે છે કે જેથી કરીને જીવાત્મા કોઈપણ પ્રકારના અવરોધ વગર નિરંતર તેની પ્રવૃત્તિઓ કરતી રહે. આપણે એ પણ સમજવું જોઈએ કે મુક્તિ મેળવવા માટે આપણે આ જ્ઞાન અને સિદ્ધાંતોનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ.

આ ઉપરાંત જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ એમ ત્રણ અવસ્થાઓ પણ છે.

પ્રશ્ન: ચાર શરીરો કયા છે?

સ્થૂલ શરીર – જે દેખાય છે તે સ્થૂલ શરીર.

સુક્ષ્મ શરીર – આ શરીર પાંચ પ્રાણ, પાંચ જ્ઞાનેન્દ્રીયો, પાંચ સુક્ષ્મભૂત, મન અને બુદ્ધિ એમ સત્તર તત્વોનો “સમુદાય” છે. આ સૂક્ષ્મ શરીર મૃત્યુ પછી પણ બીજા જન્મમાં જીવાત્મા સાથે રહે છે. જયારે મૃત્યુ સમયે સ્થૂલ શરીરનો નાશ થાય છે ત્યારથી જ બીજા જન્મમાં મોક્ષ તરફ આગળ વધવામાં જીવાત્મા આ સૂક્ષ્મ શરીરનો પ્રયોગ કરે છે.

સુક્ષ્મ શરીરનો અમુક ભાગ પ્રકૃતિનો બનેલો હોય છે અને અમુક ભાગ જીવાત્માના સહજ ગુણોનો બનેલો હોય છે. મુક્તિ સમયે સુક્ષ્મ શરીરમાંથી પ્રકૃતિનો ભાગ અલગ થઇ જાય છે અને માત્ર જીવાત્માના સહજ ગુણો જ બાકી રહે છે. આમ મુક્તિ અવસ્થામાં જીવાત્મા તેના “સંકલ્પથી” જ કાર્ય કરે છે.

કારણ શરીર – આ શરીર ગાઢ નિંદ્રા માટે જવાબદાર છે. આ શરીર પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલું હોય છે અને બધી જીવાત્માઓ માટે એક સરખું જ હોય છે.

તુરીય શરીર – આ શરીર આપણને ઈશ્વર સાથે જોડવા માટે ઉપયોગી છે અને ઈશ્વરીય આનંદમાં પ્રવેશ આપે છે. મુક્તિ અવસ્થામાં આ શરીર જીવાત્મા સાથે રહે છે અને ઈશ્વરીય સુખનો ભરપુર આનંદ માણે છે.

પણ આ બધું જ જડ છે અને જીવાત્માથી ભિન્ન છે.

જયારે ઈશ્વર આ શરીરોને જીવાત્મા સાથે સાથે જોડે છે ત્યારે જ તે કાર્યરત બને છે. વ્યક્તિએ તેના વિવેકનો ઉપયોગ કરી આ બધા જડ શરીરોથી અલગ જીવાત્મા તરીકેની તેની સાચી ઓળખની સમજ કેળવી લેવી જોઈએ. આથી વ્યક્તિએ, શરીરને નહીં પણ જીવાત્માને બધા જ કર્મોનો કર્તા સમજાવી જોઈએ.

જે આ પાંચ શરીરો અને જીવાત્મા વિષેનું જ્ઞાન સમજી શકે છે તે આત્માના અવાજના રૂપમાં મળતું ઈશ્વરનું માર્ગદર્શન પણ સમજી શકે છે. ઈશ્વરનું માગદર્શન જીવાત્મા સાથે હંમેશા રહે છે. જયારે જીવાત્મા સત્કર્મ કરે છે ત્યારે તેને આનંદ, આત્મવિશ્વાસ અને ઉત્સાહનો અનુભવ થાય છે. જયારે જીવાત્મા પાપકર્મ કરે છે ત્યારે તે શંકા, ડર અને શરમ અનુભવે છે. આ ઈશ્વર દ્વારા જીવાત્માને નિરંતર અપાતું માર્ગદર્શન જ છે. જે જીવાત્મા ઈશ્વરના માર્ગદર્શન, એટલે કે આત્માના અવાજ, અનુસાર કર્મ કરે છે તે જીવાત્મા આ જ ક્ષણથી મુક્તિ સુધી અપાર આનંદનો અનુભવ કરતી રહે છે. અને જે જીવાત્મા આત્માના અવાજની અવગણના કરે છે જીવનભર બંધન અને દુ:ખમાં રહે છે.

આ બધી વાતનું પુનરાવર્તન થતું હોય તેમ કદાચ તમને લાગતું હશે. પણ આ સિદ્ધાંતો મુક્તિ મેળવવાની ચાવી છે. આથી આ વાતોનું પુનરાવર્તન થાય તે યોગ્ય જ છે.

આ જ પ્રમાણે વ્યક્તિએ જીવાત્મા, પરમાત્મા અને પ્રકૃતિનો એકબીજા સાથે સંબંધ કેવો છે તે સમજવા માટે પણ વિવેકનો પ્રયોગ કરવો જોઈએ અને તે અનુસાર કર્મો કરવા જોઈએ. વ્યક્તિએ આત્મનિરીક્ષણ કરવું જોઈએ, આ જ્ઞાનને વ્યવહારમાં ઉતારવું જોઈએ. અને ચિંતન કરી બુદ્ધિનો વિકાસ કરવો જોઈએ.