Featured Books
શ્રેણી
શેયર કરો

મુક્તિના સિદ્ધાંત પરની પ્રશ્નોત્તરી - ભાગ ૧

પ્રશ્ન: મુક્તિ અથવા તો મોક્ષ કોને કહે છે?

મુક્તિનો અર્થ થાય છે સ્વતંત્રતા. મુક્તિ એટલે એ સ્વતંત્રતા કે જેની તીવ્ર ઈચ્છા દરેક જીવાત્મા કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો દરેક પ્રકારના દુઃખ, પીડા અને બંધનોમાંથી મુક્ત થવાથી મળતી સંપૂર્ણ સ્વતંત્રતા એટલે “મુક્તિ.”

પ્રશ્ન: મુક્તિ મળ્યાં પછી જીવાત્મા કોને પ્રાપ્ત થાય છે અને ક્યાં રહે છે?

મુક્તિ મળ્યાં પછી જીવાત્મા પરમ આનંદનો અનુભવ કરે છે અને ઈશ્વરના સાનિધ્યમાં રહે છે. જીવાત્મા માટે આનાથી અધિક સુખદાયક અને સંતોષકારક અવસ્થા બીજી કોઈ ન હોઈ શકે.

ઘણાં લોકો એવું માને છે કે મુક્તિ એ નિંદ્રા જેવી અથવા તો સુષુપ્ત અવસ્થા છે. પણ વાસ્તવમાં મુક્તિ એ નિંદ્રાથી તદ્દન વિરુદ્ધ એવી સર્વોત્તમ સ્તરની ચેતનાની અવસ્થા છે.

પ્રશ્ન: પણ ઈશ્વર તો આમેય હંમેશાથી આપણાંમાં જ વસેલો છે. આથી આપણે ઈશ્વરના સાનિધ્યમાં પહેલેથી રહેતા આવ્યાં છીએ. તો પછી આ મુક્તિ વિષે એવું તો ખાસ શું છે?

જો તમે જીવાત્મા અને ઈશ્વર વિષે કરેલી પહેલાંની ચર્ચા યાદ કરો તો આપણે એ નિષ્કર્ષ પર આવ્યાં હતા કે જીવાત્મા પાસે ઈચ્છાની સ્વતંત્રતા હોય છે અને મર્યાદિત જ્ઞાન હોય છે. જેમ જેમ જીવાત્મા તેની ઈચ્છાશક્તિના યોગ્ય ઉપયોગથી અજ્ઞાનતા દૂર કરતી રહે છે અને શ્રુષ્ટિ-સર્જનના ઉદ્દેશની સાથે સુમેળ થઇ કર્મ કરતી રહે છે, તેમ તેમ તે વધુ ને વધુ આનંદ મેળવતી જાય છે. આથી દરેક જીવાત્મા (અહીં મનુષ્ય) ઈશ્વરના દિવ્યગુણોને પોતાના જીવનમાં ઉતારી તે પ્રમાણે કર્મ કરે અને શ્રુષ્ટિ-સર્જનના ઉદ્દેશને સાર્થક બનાવવામાં સહયોગી બને તેની ભલામણ વેદમાં કરવામાં આવી છે.

જીવનનો ઉદ્દેશ જીવાત્માને એવા ઉત્તમ કર્મો કરવા માટે સક્ષમ બનાવવાનો છે કે જે કર્મો જીવાત્માને શ્રુષ્ટિ-સર્જનના ઉદ્દેશને સાર્થક બનાવવામાં સહાયતા કરે. જયારે આ ઉત્તમ કર્મો તેની ચરમ સીમાએ પહોચે છે ત્યારે જીવાત્મા પાસે બીજો જન્મ લેવાનું કોઈ કારણ બાકી રહેતું નથી. જીવાત્મા જન્મ-મરણ અને સુખ-દુઃખના ચક્રમાંથી મુક્ત થઇ પરમ આનંદને પ્રાપ્ત કરે છે.

આમ, મુક્તિનો અર્થ શ્રુષ્ટિ-સર્જનના ઉદ્દેશને સાર્થક કરવા માટે કર્મ કરવાનો છે. આમ કરવા માટે ઈશ્વર આપણને આત્માના અવાજ રૂપે હંમેશા પ્રેરણા આપતો રહે છે. અને જ્યારે આપણે આત્માના અવાજ રૂપી ઈશ્વરની પ્રરણા અનુસાર કર્મો કરીએ છીએ ત્યારે આપણને મુક્તિ મળે છે.

પ્રશ્ન: પણ આ જ ક્ષણે આપણને મુક્તિ મેળવતા કોણ રોકી રહયું છે? ઈશ્વર આપણને મુક્તિ હમણાં જ કેમ નથી આપી દેતો?

બીજા પ્રશ્નનો પહેલાં જવાબ આપું છુ: ઈશ્વર હંમેશા શ્રેષ્ઠત્તમ કર્મ જ કરે છે. તે નિયમ વિરુધ્ધ કે મનફાવે તેમ વર્તન કરતો નથી.

અજ્ઞાનતાને દૂર કરીને મુક્તિ મેળવવી એ જીવાત્માની પ્રકૃતિ છે. સત્કર્મો એ અજ્ઞાનતા દૂર કરવા માટેનો એક માત્ર રસ્તો છે. પણ આપણે સત્કર્મો ત્યારે જ કરી શકીએ કે જ્યારે આપાણને જન્મ લેવાની તક અને યોગ્યતા પ્રમાણેનું વાતાવરણ મળે. જ્યાં સુધી આપણે સત્કર્મો કરવામાં નિપુણ થઇ મુક્તિ ન મેળવી લઈએ ત્યાં સુધી ઈશ્વર આપણને કર્મ કરવા માટે યોગ્ય વાતાવરણ આપતો રહે છે. આમ ઈશ્વર આપણને ઝડપથી મુક્તિ મળે તે માટે ઉત્તમ રીતે કાર્ય કરતો રહે છે.

પહેલાં પ્રશ્નનો જવાબ: જીવાત્માના ગુણ, કર્મ અને સ્વભાવની સરખામણી ઈશ્વર અને પ્રકૃતિના ગુણ, કર્મ અને સ્વભાવ સાથે કરીએ.

પ્રકૃતિ સત્ છે. – પ્રકૃતિની સત્તા છે.

જીવાત્મા સત્ અને ચિત્ છે – જીવાત્માની સત્તા છે અને તે ચેતન છે.

ઈશ્વર સત્, ચિત્ અને આનંદ છે – ઈશ્વરની સત્તા છે, તે ચેતન છે અને પરમ આનંદનો સ્ત્રોત પણ છે. આથી જ આપણે ઈશ્વરને સચ્ચિદાનંદ કહીએ છીએ.

આનંદ જીવાત્માનો સહજ સ્વભાવ કે ગુણ નથી. જીવાત્માએ આનંદ પ્રાપ્ત કરવા માટે પ્રયત્નો કરવા પડે છે. હવે જ્યારે ઈશ્વર જ આનંદનો સ્ત્રોત છે આથી જીવાત્માએ ઈશ્વરને પામવાનો પ્રયત્ન કરવો પડે છે.

વૈદિક તત્વજ્ઞાનનો બીજો પાયાનો સિદ્ધાંત છે, “સત્ય જ્ઞાન = આનંદ”.

ઈશ્વર સર્વજ્ઞ હોવાથી, તે પરમ આનંદનો સ્ત્રોત છે.

પણ જીવાત્મા પાસે તો સીમિત સામર્થ્ય ને મર્યાદિત જ્ઞાન છે. જીવાત્માની આ મર્યાદા, ઈશ્વર દ્વારા સંચાલિત કર્મના સિદ્ધાંત અનુસાર, જીવાત્માએ કરેલા કર્મ પ્રમાણે વધતી-ઘટતી રહે છે.

આમ, જીવાત્મા માટે પરમ આનંદ મેળવવાનો એક માત્ર રસ્તો એ જ છે કે તે સત્કર્મો દ્વારા પોતાનું જ્ઞાન વધારતી રહે અને પોતાની સીમાઓ દૂર કરતી રહે.

પ્રશ્ન: આ આખી પ્રક્રિયાને વિસ્તારમાં સમજાવશો

કર્મો સંસ્કારનું સર્જન કરે છે અને સંસ્કાર જીવાત્માના સામર્થ્યની સીમા નક્કી કરે છે. તમે જે ક્ષણે કોઈ કર્મ કરો છો એ જ ક્ષણે સંસ્કારનું સર્જન થાય છે. સંસ્કાર શું છે? સંસ્કાર એટલે એક સરખી પરિસ્થિતિઓમાં એકખાસ પ્રકારનું કર્મ વારંવાર કરતાં રહેવાની વધતી જતી સંભાવના.

આમ, તમે જો તમે છેતરપીંડી કે ચોરી જેવા પાપકર્મો કરો તો ભવિષ્યમાં આવાં પાપકર્મો કરવાની તમારી સંભાવના વધે છે. આમ થવાથી તમારી જીવાત્માના સામર્થ્યમાં ઘટાડો થાય છે અને જીવાત્મા જ્ઞાનથી દુર અજ્ઞાનતા તરફ ધકેલાય છે. એટલે કે જીવાત્મા પરમ આનંદ મુક્તિથી દૂર જાય છે.

પણ જ્યારે તમે દયા દાખવવી, સત્યની શોધ કરવી, ચરિત્રનું નિર્માણ કરવું જેવા સત્કર્મો કરો છો ત્યારે ભવિષ્યમાં આવાં સત્કર્મો કરવાની તમારી સંભાવના પણ વધે છે. આમ થવાથી તમારૂ આત્મબળ વધે છે. જીવાત્મા અજ્ઞાનથી દુર જ્ઞાન તરફ આગળ વધે છે. એટલે કે જીવાત્મા પરમ આનંદ સ્વરૂપ મુક્તિની વધુ નજીક પહોચે છે.

આ પ્રક્રિયામાં તમારા દરેક કર્મોની સાથે સાથે તમારા વિચારો અને લાગણીઓનો પણ સમાવેશ થાય છે. એ વાત યાદ રાખો કે જયારે તમે કોઈ કર્મ પહેલી વાર જ કરો છો ત્યારે તે કર્મ ફરી કરવાની સંભાવનાની સાથે સાથે તમારા વધારે જ્ઞાની કે અજ્ઞાની બનવાની સંભાવના પણ વધે છે.

એક સાધારણ જીવાત્મા દરેક ક્ષણે સારા અને ખરાબ કર્મોની વચ્ચે લોલકની જેમ ડોલતી રહે છે. તે થોડાં સત્કર્મો કરે છે અને થોડા પાપકર્મો કરે છે. એટલે કે તે મુક્તિ તરફ બે ડગલાં આગળ વધે છે અને એક ડગલું પાછું ભારે છે. આથી મુક્તિ મળતા તેને જન્મો-જન્માંતર લાગી જાય છે.

પણ યોગી તેની ઈચ્છાશક્તિના ઉપયોગથી કોઈપણ પાપકર્મ કરવાથી દુર જ રહે છે. તે હંમેશા સત્કર્મો જ કરે છે. આમ થવાથી તેના પાપકર્મોથી બનેલા ખરાબ સંસ્કારો નબળા પડતા જાય છે અને તેનું સ્થાન સત્કર્મોથી બનેલા સારા સંસ્કારો લે છે. ધીરે ધીરે તેના સારા સંસ્કારોના એટલા પ્રબળ બની જાય છે કે તે કોઈપણ પરિસ્થિતિમાં પાપકર્મ કરતો નથી. તે પાપકર્મો માટે પ્રેરિત કરતાં ખરાબ સંસ્કારોના બધા જ બીજ બાળી નાંખે છે અને કુસંસ્કારોની જાળમાંથી હંમેશના માટે મુક્ત થાય છે. આમ યોગી એક સૈનિકની જેમ પીછેહઠ કર્યા વિના મુક્તિમાર્ગ પર સતત આગળ વધતો રહે છે. તે ઈશ્વરને સંપૂર્ણપણે સમર્પિત થઇ પરમ આનંદ મેળવે છે.

પાપકર્મ કરવા માટે પ્રેરિત કરતાં કુસંસ્કારોના બીજ બાળી નાંખવાની આ પ્રક્રિયા ઉત્સાહ અને આત્મવિશ્વાસપૂર્વકનો સતત અભ્યાસની સાથે સાથે ઈશ્વરમાં શ્રદ્ધા માંગી લે છે.

કુસંસ્કારોને બાળી નાખવાની આ આખી પ્રક્રિયાનું નિયંત્રણ આપણી “ઈચ્છાશક્તિ” દ્વારા થતું રહે છે.

મોટા ભાગના લોકો પોતાની ઈચ્છાશક્તિનો સાચી દિશામાં ઉપયોગ કરતાં નથી અને આથી જ તેઓને કઠપૂતળીની જેમ પરિસ્થિતિઓને આધીન થઈને બેસી રહેવું પડે છે. આથી તેઓ પોતે જ પોતાની પ્રગતિ અવરોધે છે. પણ યોગી આનાથી વિરુદ્ધ રીતે કાર્ય કરે છે.

આથી જ ગીતામાં કહયું છે કે સાધારણ મનુષ્ય માટે જે દિવસ છે તે યોગી માટે રાત છે અને સાધારણ મનુષ્ય માટે જે રાત છે તે યોગી માટે દિવસ છે.

જેટલી વધારે દ્રઢતાથી તમે ઈચ્છાશક્તિનો ઉપયોગ કરશો, તેટલી વધારે ઝડપથી તમને મુક્તિ મળશે.

પ્રશ્ન: તમે કહ્યું કે મુક્તિ મેળવવા માટે જ્ઞાન જરૂરી છે. તો શું એનો એ અર્થ છે કે મુક્તિ મેળવવા માટે આ સંસારમાં જે શક્ય છે તે બધાનું જ્ઞાન મને હોવું જોઈએ?

જીવાત્મા ઈચ્છે તો પણ તમે બધું જાણી ન શકે. કારણ કે જીવાત્મા પરમાત્માની જેમ સર્વજ્ઞ નથી.

અહીં જ્ઞાનનો અર્થ છે અનુભૂતિ અને નહીં કે ભૌતિક જ્ઞાન. અહીં જ્ઞાનનો અર્થ છે અન્તઃભૂર્ત અને સ્વાભાવિક જ્ઞાન તરફ લઇ જતા મૂળભૂત સિદ્ધાંતો અને નહીં કે પુસ્તકોનું ગોખણીયું જ્ઞાન.

યાદ રાખવાનું કે ગોખવાનું ત્યારે જ સાર્થક છે કે જ્યારે તે કોઈ સિદ્ધાંતને સમજવામાં મદદરૂપ થાય.

યજુર્વેદ ૪૦.૧૪ આ વાતને ખુબ જ સુંદર રીતે સંક્ષિપ્ત કરે છે: જે વ્યક્તિ વિદ્યા અને અવિદ્યાના સિદ્ધાંતને સ્પષ્ટપણે સમજે છે તે કર્મો દ્વારા પોતાને જનમ-મૃત્યુના બંધનમાથી મુક્તિના પરમ આનંદ તરફ દોરી જાય છે.

પ્રશ્ન: વિદ્યા અને અવિદ્યાનું સ્વરૂપ સમજાવશો?

યોગ દર્શન ૨.૫ વિદ્યા અને અવિદ્યાના સ્વરૂપને ખુબ જ સુંદર રીતે સમજાવે છે:

વિદ્યા અને અવિદ્યાના ચાર ભાગ છે.

૧. અનિત્ય પદાર્થોને નિત્ય જાણવા, નિત્ય પદાર્થોને અનિત્ય જાણવા.

ઉદાહરણ તરીકે, મનુષ્ય શરીર અનિત્ય છે. તે કાયમ રહેવાનું નથી. અવિદ્યાને કારણે મનુષ્ય તેને નિત્ય માને છે. તે એવી ઈચ્છા રાખે છે કે મારું આ શરીર અનંતકાળ સુધી બની રહે. મનુષ્ય ધન-સંપતિ, પરિવાર તથા પૃથ્વી, સૂર્ય જેવા પદાર્થોને નિત્ય માની બસે છે તે અવિદ્યાનો જ ભાગ છે.

આજ પ્રમાણે અવિદ્યાને કારણે મનુષ્ય જીવાત્મા અને પરમાત્માની નિત્ય સત્તાને અનિત્ય માની બસે છે.

એમ માનવું કે આપણું શરીર અને આ શ્રુષ્ટિ કાયમ રહેવાની છે અને કાયમ રહેતી જીવાત્મા અને પરમાત્માને ક્ષણિક (અનિત્ય) સમજવા એ અજ્ઞાનતા છે.

મોટા ભાગના લોકો આવુ માનીને જ કર્મો કરે છે અને આથી તેઓ અવિદ્યામાં જકડાયેલા રહે છે.

૨. શુદ્ધ પદાર્થોને અશુદ્ધ માનવા, અશુદ્ધ પદાર્થોને શુદ્ધ માનવા.

ઉદાહરણ તરીકે, લોહી, માંસ, અને મળ-મૂત્રથી ભરેલા આપણાં શરીરને શુદ્ધ ગણી તેની તરફ વાસના, મોહ કે આકર્ષણ રાખવું, અને સત્ય, બ્રમ્હચર્ય, નૈતિકતા અને આત્મસંયમ જેવા ગુણોને અશુદ્ધ સમજવા.

૩. સુખને દુ:ખ સમજવું, દુ:ખને સુખ સમજવું.

ઉદાહરણ તરીકે, વાસના, ગુસ્સો, લોભ, ભ્રમ, મોહ, ઈર્ષ્યા, શોક, પસ્તાવો, દ્વેષ, આળસ, અજ્ઞાનતા વગેરે આપણને સુખ આપશે એવી ખોટી આશા રાખીને કર્મ કરતાં રહેવું.

અને આત્મસંયમ, દયા-કરુણા, શાંતિ, ઉદ્યમશીલતા, નિષ્ઠા, સાદગી જેવા ગુણો દુ:ખના મૂળ કારણો છે તેમ માની તેમને ગ્રહણ ન કરવા.

૪. ચેતન પદાર્થને જડ માનવો, જડ પદાર્થને ચેતન માનવો.

ઉદાહરણ તરીકે, શરીર અને મન જેવા જડ પદાર્થોને ચેતન સમજવા. અને ચેતન જીવાત્મા અને ઈશ્વરની અવગણના કરવી.

અવિદ્યાનો વિરોધી શબ્દ વિદ્યા(જ્ઞાન) એવો થાય છે.

જયારે વિદ્યા સ્પષ્ટપણે ગ્રંથિત થઇ જાય છે ત્યારે જીવાત્માને જન્મ અને મૃત્યુના બંધનમાં રહેવાની કોઈ જરૂર રહેતી નથી. આથી જીવાત્મા સંપૂર્ણ સ્વંત્રત બને છે અને મુક્તિ એટલે કે અપાર આનંદ મેળવે છે.

પ્રશ્ન: દુ:ખ અથવા તો પીડાનો અર્થ શો થાય છે?

યોગ દર્શન ૨.૩-૯ દુ:ખને તેના કારણો સહીત સંક્ષિપ્તમાં સમજાવે છે. તે કહે છે પાંચ પ્રકારના કલેશ અથવા તો દુઃખ હોય છે.

૧. અવિદ્યા: અવિદ્યા એટલે કે અજ્ઞાનતા. અવિદ્યા બીજા બધા જ દુઃખોનું મૂળ છે. બીજા બધા દુ:ખો અવિદ્યાને કારણે પેદા થાય છે.

૨. અસ્મિતા: પોતે જ મન, બુદ્ધિ અને શરીર છીએ તેમ માની તેના પર ખોટું અભિમાન રાખવું અને સર્વોપરીતા અથવા તો લઘુતાગ્રંથી હોવી. અભ્યાસ, વિવેક અને વૈરાગ્યથી આ અજ્ઞાનતાનો નાશ કરી શકાય છે.

૩. રાગ: ઇન્દ્રિયો દ્વારા ભોગ કરી અસ્થાયી આનંદ મેળવવાની વૃત્તિ હોવી અને આમ કરવાનો લોભ હોવો.

૪. દ્વેષ: જે પરિસ્થિતિઓ અને વસ્તુઓએ આપણને ભૂતકાળમાં દુઃખ આપ્યું છે તેના માટે તિરસ્કાર હોવો.

૫. અભિનિવેષ: અમર રહેવાની તીવ્ર અભિલાષા હોવી. દરેક જીવને મૃત્યુનો ડર હોય છે. મૃત્યુનો સામનો ન કરવો પડે તે માટે લોકો હંમેશા પ્રયત્ન કરતાં રહે છે. અહીં જ પુનઃજન્મનું પ્રમાણ મળે છે. જયારે મનુષ્ય એ વાત સમજી લે કે માત્ર શરીર જ મૃત્યુ પામે છે અને જીવાત્મા ઈશ્વરના આશીર્વાદથી સદા સુરક્ષિત રહે છે ત્યારે આ દુઃખનો નાશ થાય છે.

પ્રશ્ન: તો આપણે મુક્તિ કે મોક્ષ કેવી રીતે મેળવી શકીએ?

મુક્તિના સિદ્ધાંતને અને તેના તથ્યને આપણે અગાઉ જાણી ચુક્યા છીએ. પણ ટૂંકમાં કહીએ તો,

· “આત્માના અવાજ” રૂપી ઈશ્વરના માર્ગદર્શનને અનુસરીને અને અહંને બાજુ પર મૂકી પ્રમાણિકતાથી સત્યની શોધ કરવાથી,

· પાપકર્મો, ગુસ્સો, હતાશા, રંજ, ખરાબ સંગત, ખરાબ આદતો, નશો, વ્યસન જેવી ખરાબ વૃત્તિઓથી દૂર રહેવાથી,

· દયા દાખવવાથી, બધાનું કલ્યાણ ઈચ્છવાથી, શિસ્તબદ્ધ અને સ્વસ્થ રહેવાથી, ઈશ્વરની પૂજા અને ઉપાસના કરવાથી, ધ્યાન કરવાથી,

· પ્રમાણિક અને નિખાલસ રહેવાથી અને પક્ષપાતી ન બનવાથી,

· સમાજ અને દેશ તરફની આપણી જવાબદારીઓ માંથી ભાગી ન છૂટવાથી મુક્તિનો માર્ગ ખુલે છે.

પ્રશ્ન: મુક્તિ મળ્યાં પછી જીવાત્માની અવસ્થા શી હોય છે? શું તે સમુદ્રમાંના પાણીની બુંદની જેમ તેની ઓળખ ખોઈ બેસે છે?

જો મુક્તિ અવસ્થામાં જીવાત્મા તેની ઓળખ કાયમ માટે ગુમાવતી હોત તો આવું ક્યારનુંય બની ગયું હોત અને આપણે આજે અરસપરસ એકબીજા સાથે ક્રિયા-પ્રતિક્રિયા ન કરી રહ્યાં હોત. હવે સમયની કોઈ શરૂઆત નથી. આથી અનંત સમય પસાર થવા છતાં જીવાત્માએ (આપણે) પોતાની ઓળખ ગુમાવી નથી. આથી ભવિષ્યમાં જીવાત્મા પોતાની ઓળખ ખોઈ દેશે તેની શક્યતા સંપૂર્ણ શૂન્ય છે.

જે રીતે અગ્નિની જ્વાળામાં લોખંડનો ગરમ ટુકડો પોતે અગ્નિની જ્વાળા બની જાય છે, તેવી રીતે મુક્તિ મળ્યાં પછી જીવાત્મા ઈશ્વરના સાનિધ્યમાં રહે છે પણ પોતાની ઓળખ ગુમાવતી નથી. જ્યારે આપણે કોઈ કામમાં ધ્યાનથી પરોવાયેલા હોઈએ છીએ ત્યારે આપણે પોતાને પણ ભૂલી જઈએ છીએ, પણ આપણો નાશ થતો નથી. ઠીક આવી જ રીતે જીવાત્મા પણ મુક્તિ મળ્યાં પછી ઈશ્વરમાં લીન થઇ જાય છે પણ જીવાત્માની ઓળખનો સંપૂર્ણ નાશ થતો નથી.

પ્રશ્ન: મુક્તિની અવસ્થામાં જીવાત્મા ક્યાં રહે છે?

મુક્તિ મળ્યાં પછી જીવાત્મા સર્વવ્યાપી ઈશ્વરના સાનિધ્યમાં રહે છે. આ અવસ્થામાં જીવાત્મા સર્વજ્ઞ ઈશ્વરના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ હોવાથી તેના સ્થાન અને અવરજવર માટે કોઈ બંધન હોતા નથી.

પ્રશ્ન: મુક્તિ સમયકાળ દરમિયાન શું જીવાત્મા શરીર ધારણ કરે છે?

મુક્તિની અવસ્થામાં જીવાત્માને શરીરની કોઈ જરૂર રહેતી નથી. માત્ર મુક્તિ મેળવવા માટે કર્મ કરવા માટે જ જીવાત્માને શરીરની જરૂર પડે છે, મુક્તિ મળ્યાં પછી નહીં.

પ્રશ્ન: તો પછી શરીર વગર જીવાત્મા ઈશ્વરીય આનંદ કેવી રીતે માંણી શકે?

મુક્તિ મળ્યાં પછી પણ શરીરની કર્મ ઈન્દ્રિયોને ઉપયોગમાં લાવતી એવી જીવાત્માની મૂળ શક્તિ જીવાત્મા પાસે જ રહે છે. જીવાત્મા માત્ર તેની ઈચ્છાશક્તિથી જ સાંભળી શકે છે, સ્પર્શ કરી શકે છે, જોઈ શકે છે, સ્વાદ માંણી શકે છે અને વિચારી શકે છે. જેણે મુક્તિ મેળવવા માટે જેને સત્કર્મો કરી જીવનના બધા જ બંધનો તોડી નાખ્યા હોય તે જીવાત્માને મુક્તિ પછી શરીરરૂપી બંધનની જરૂર રહેતી નથી.

પ્રશ્ન: શું મુક્તિ કાયમી અથવા તો અનંતકાળ માટે છે?

ના. મુક્તિ કાયમી નથી. જો મુક્તિ કાયમી હોત તો આપણે બધાએ ક્યારનીય મુક્તિ મેળવી લીધી હોત અને આ પૃથ્વી પરની એકપણ જીવાત્મા મુક્તિ મેળવવા માટે પ્રયત્ન ન કરી રહી હોત. જો મુક્તિ અનંતકાળ માટે હોય તો શ્રુષ્ટિ સર્જનની સમગ્ર પ્રક્રિયા નિરર્થક નીવડે.

અને જો અત્યાર સુધીમાં આપણે મુક્તિ મેળવવામાં અસમર્થ રહ્યાં તો, ભવિષ્યમાં મુક્તિ મેળવવાનું પણ અશક્ય બની જાય. કારણ કે જીવાત્મા અજન્માં છે અને સમયની કોઈ શરૂઆત નથી. વેદો, ગીતા, ઉપનીષદો જેવા ગ્રંથો પ્રમાણે આપણે (જીવાત્માઓ) અનંતકાળથી અસ્તિત્વમાં છીએ. આથી જો આપણે અનંતકાળથી મુક્તિ નથી મેળવી શકતા, તો આપણે ક્યારેય મુક્તિ ન મેળવી શકીએ.

આથી, મુક્તિનો સમયગાળો પુરો થયા પછી જીવાત્મા આ શ્રુષ્ટિમાં પાછી આવે છે અને મુક્તિ તરફની તેની મુસાફરી ફરીથી શરુ કરે છે. આમ મુક્તિ એ કાયમી કે અનંતકાળ માટે નથી.