સફરમાં મળેલ હમસફર
ભાગ-37 (અંતિમ)
લેખક : મેર મેહુલ
:: ગઈ કાલની રાત ::
શુભમ સમયસર રેકોર્ડિંગ લઈને પહોંચી ગયો હતો.રુદ્રએ લાઈટ ઑફ કરી રોકોર્ડિંગ મુખ્ય LED સાથે કનેક્ટ કર્યું. અચાનક એક LED શરૂ થતાં સૌનું ધ્યાન એ તરફ ખેંચાયું.વાવ પાસેનો એ નજારો હતો.
"કોણે શરૂ કર્યું આ?"તળશીભાઈએ મોટેથી બૂમ પાડી. રુદ્ર બે ડગલાં આગળ આવ્યો.
"જી દાદાજી,આ કૃત્ય કરનાર બીજું કોઈ નહિ હું પોતે જ છું"રુદ્રએ ખંધુ હસીને કહ્યું.તળશીભાઈ રુદ્ર તરફ વળ્યા,રુદ્ર પાસે આવીને તેણે રુદ્રને કાનમાં કહ્યું, "આ દ્રશ્ય દેખાડીને તું કશું નહીં કરી શકે,ગામના લોકો આવા કામોને પુણ્ય સમજે છે, હું કહું છું રોકી લે આ બધું."
રુદ્રએ ગળું સાફ કરવા ઉધરસ ખાધી.થોડી ક્ષણ વિચારી ઊંચા અવાજે વાત શરૂ કરી.
"તમે સાચું કહ્યું દાદાજી,ગામના લોકો આવા કામોને પુણ્ય સમજે છે.પણ આજ પછી નહિ સમજે.મારી પાસે એવા સત્તાવાર પુરાવા છે જેથી આજ પછી કોઈ પણ આવા કામોને પાપ સિવાય કશું જ નહીં સમજે."રુદ્રએ શુભમને વીડિયો પ્લે કરવા ઈશારો કર્યો.વીડિયોમાં,
'રાતનો સમય હતો,વાવના કિનારે અંધારમાં બે ઓળા ત્રણ પ્રાણીઓ સાથે આવ્યા.નાઈટ વિઝન કેમેરાને કારણે તેઓના ચહેરા સાફ જોઈ શકાતા હતા.તળશીભાઈએ હાથમાં રહેલું પનિયુ, નીચે બિચાવ્યું અને તેમાં થોડાં ઘઉંના દાણા રાખ્યા.જીણાએ ખભે રહેલું પનિયુ ઓઢી લીધું અને બાજુમાં બેસી ગયો.થોડીવારમાં જીણાનું શરીર ડોલવા લાગ્યું.
તળશીભાઈ અને જીણાના શરીર વચ્ચે વાર્તાલાપ થયો.ત્યારબાદ જીણાએ બાજુમાં રહેલી કંકુ ડબ્બી હાથમાં લીધી.જમણા હાથમાં પુરી ડબ્બી ઠાલવી જીણો ડોલતો ડોલતો ઉભો થયો.જ્યાં ત્રણ જાનવર(પ્રાણી) બાંધ્યા હતા તેની પાસે આવ્યો.ત્રણેય પ્રાણીઓ ડરને કારણે હિલચાલ કરતા હતા પણ ગળામાં રહેલ બંધનને કારણે તેઓ વિવશ હતા.
જીણાએ વારાફરતી ત્રણેયના માથા પર કંકુનો થાપો માર્યો.ત્યાં સુધીમાં તળશીભાઈ હાથમાં તલવાર લઈ જીણા પાસે પહોંચ્યા. જીણાએ વારાફરતી ત્રણેય પ્રાણીઓના ધડ માથાથી જુદા કરી દીધા.'
"સ્ટોપ શુભમ"રુદ્રએ શુભમને આદેશ આપ્યો એટલે શુભમે વિડીયો અટકાવી દીધો.
"પુરા ગામને મારો એક સવાલ છે"રુદ્રએ ગુસ્સા મિશ્રિત ઊંચા અવાજે ગર્જના કરી, "આ બોલી ન શકનારા પ્રાણીઓને મારવા તમે પુણ્યનું કામ સમજો છો?"
"પણ માતાજીને પ્રસાદ તો ચડાવવો જ પડેને અને જ્યાં સુધી તેઓને પ્રસાદ નથી મળતો ત્યાં સુધી તેઓ અમારા કામ નથી કરી આપતા અને તમે લોકો બે-ચાર ચોપડી શું ભણી ગયા ભગવાન બનવા ચાલ્યા છો.માતાજીને શું જોઈએ શું ના જોઈએ તમને શું ખબર હોય?"તળશીભાઈએ સ્વબચાવ કરતાં કહ્યું, "તમને શું લાગે છે, મેં મારી માનતા પુરી કરવા આ જાનવર ચડાવ્યા તો મેં કોઈ ભૂલ કરી છે?,માતાજીએ મને કહ્યું હતું.આ છોકરાની વાતોમાં આવીને મારે માતાજી સામે પડવું?"
"ક્યાં ભગવાને એવું કહ્યું છે કે કોઈનો જીવ આપશો તો જ હું તમારું કામ કરીશ?"રુદ્રએ પૂછ્યું.
"તમે શહેરવાળા લોકો નહિ સમજી શકો"બાજુમાં ઉભેલા એક ચાડિયાએ કહ્યું, "આ ગામ શ્રાપિત છે અને જો વિઘ્ન ન આવે એ માટે આ એક જ રસ્તો છે.તળશીભાઈ તમે બરોબર જ કર્યું છે.અમે લોકો તમારી સાથે છીએ"
"કોણે બરાબર કર્યું છે? આ આદમીએ" રુદ્રએ તળશીભાઈ તરફ આંગળી ચીંધીને કહ્યું, "તમને તો એ પણ ખબર નથી કે છેલ્લા કેટલાય વર્ષથી અંધશ્રદ્ધાનો સહારો લઈ એ તમારું શોષણ કરે છે,મારે એ વાતથી કોઈ મતલબ નથી.મને બસ એટલી ખબર છે કે પ્રાણીઓ પ્રત્યે આ ગામ જે દ્રષ્ટિકોણ રાખે છે એ બદલવો પડશે"
"અને ના બદલ્યો તો?"તળશીભાઈએ ભવા ચડાવ્યા.
શુભમ સહેજ હસ્યો,તેની પાસે પોતાના અપમાનનો બદલો લેવાનો યોગ્ય સમય હતો, "ભારતના સંવિધાનની કલમ-48 મુજબ પ્રાણી કત્લને ગુનો ગણવામાં આવે છે અને અને તમારું કૃત્ય તો સૌની નજર સમક્ષ છે."
તળશીભાઈને સાંપ સૂંઘી ગયો.તેણે ધાર્યું હતું તેના કરતાં પરિસ્થિતિ વણસતી જણાતા તેઓએ રંગ બદલ્યો.
"જાણતા અજાણતા મારાથી ભૂલ થઈ ગઈ હશે એ વાત હું સ્વીકારું છું પણ મારી દીકરીઓના લગ્ન પ્રસંગે સૌની સામે આ વાત કરવાનો શું મતલબ છે?, લગ્ન પુરા થયાં પછી પણ આપણે આ વાત વિશે વાત કરી શકીએને?"
"એ હવે શક્ય નથી તળશીભાઈ"ટોળામાં રહેલા થાનેદાર કેયુરસિંહે કડક અવાજે કહ્યું અને રુદ્ર તરફ આવ્યા, "તારો આભાર છોકરા,આજ સુધી કોઈએ પણ આવી હિંમત નથી કરી.તારું સાહસ બિરદાવવા લાયક છે"
"એવું ના કહો સર,હું તો મારી ફરજ બજાવતો હતો"રુદ્રએ કહ્યું.
"તો ચાલો તળશીભાઈ હવે લગ્નની વિધિ જેલમાં જ પુરી કરજો"કેયુરસિંહે તળશીભાઈ તરફ આગળ વધતા કહ્યું.
"એક મિનિટ સર"રુદ્રએ કેયુરસિંહને અટકાવ્યા, "હું તેઓ સાથે એકાંતમાં વાત કરવા ઈચ્છું છું જો તમારી પરવાનગી હોય તો..!"
કેયુરસિંહે હામી ભરી એટલે રુદ્રએ તળશીભાઈને હવેલના ઓરડા તરફ આવવા ઈશારો કર્યો.તળશીભાઈ અને રુદ્ર ઓરડામાં પ્રવેશ્યા.
"જુઓ દાદા મારે તમારી સાથે કોઈ દુશ્મની નથી પણ પ્રકૃતિના નિયમ વિરુદ્ધ જે કરી રહ્યા હતા એ ગલત હતું અને તમને રોકવા માટે મારે આ બધું કરવું પડ્યું"રુદ્રએ બની શકે તેટલા નરમ અવાજે કહ્યું.
"હવે શા માટે હમદર્દી જતાવે છે,તું પહેલા પણ મને રોકી શક્યો હોત. સૌની સામે મારી પાઘડી ઉછાળી તે તારા દોસ્ત શુભમનો બદલો લઈ લીધો"તળશીભાઈએ કહ્યું.
"કેવો બદલો?,શેનો બદલો?,મને તો એ વાતની ખબર પણ નહોતી.હું તો....."રુદ્ર અટકી ગયો.
"તને તો શું???,તને સપનું આવ્યું હતું કે અહીંયા આ બધું થઈ રહ્યું છે એટલે રક્ષક બની જાનવરને બચાવવા આવી પહોંચ્યો."
"તમે ભૂલો નહિ મારા મોબાઈલમાં રેકોર્ડિંગ શરૂ છે.જો તમે ઊંધુંચત્તું બકી દીધું તો તમે જ ફસાશો"રુદ્રએ મોબાઈલ તરફ ઈશારો કરી કહ્યું.
"તું શું ઈચ્છે છે એ તો કહે?" તળશીભાઈ ફરી ભોળા માણસની જેમ વર્તવા મંડ્યા.
"હવે મુદ્દા પર આવ્યા" રુદ્રએ હસીને કહ્યું, "હું ચાહું તો તમને જેલ જતા અટકાવી શકું છું સાથે તમારી ઉછળેલી પાઘડીને પણ બચાવી શકું..પણ..."
"પણ શું??"તળશીભાઈએ અધિરાઈથી પૂછ્યું.
"મારી ત્રણ શરત છે.જો તમને એ શરત મંજુર હોય તો જ હું તમને બચાવી શકું"
"શું શરત છે તારી?"
"એક,તમે આ જે અંધશ્રદ્ધાના નામ પર ગામને ગુમરાહ કરો છો એ બંધ કરી દો અને ગામના સરપંચ હોવાના નાતે ગામના વિકાસના કર્યો કરો"
"મંજુર છે મને..બીજી?"
"જ્યોતિના લગ્ન કાલે નહિ થાય,તમારે તેના લગ્ન જ્યોતિની અને તેના મમ્મી-પપ્પાની મંજૂરીથી શુભમ સાથે કરાવવા પડશે"
"એ શક્ય નથી,સામેવાળાને હું શું જવાબ આપીશ અને એ મહેશનો દીકરો ક્યાં અને મારી દીકરી ક્યાં..."તળશીભાઈએ નાક દ્વારા જોરથી શ્વાસ છોડી ભવા ચડાવ્યા.
"તો તમે જેલ જવા તૈયાર છો બરાબર"રુદ્રએ કહ્યું, "આમ પણ તમારાં જેલ ગયાં બાદ એ જ થવાનું છે હું તો ઇચ્છતો હતો કે તમે પણ તેના લગ્નમાં હાજર રહો પણ જેવી ભગવાનની ઈચ્છા"રુદ્ર નિસાસો ખાતો ચાલવા લાગ્યા.
"મને મંજુર છે"તળશીભાઈએ શરણાગતિ સ્વીકારતા કહ્યું, "ત્રીજી શરત???"
રુદ્ર ફર્યો,તળશીભાઈ તરફ આગળ વધ્યો.તેના ચહેરા પર આછું ગુલાબી સ્મિત રમતું હતું.
"હું સેજુને પ્રેમ કરું છું, એ પણ મને પ્રેમ કરે છે. જો તમારી મંજૂરી હોય તો હું તેની સાથે લગ્ન કરી શકું?"રુદ્રએ અચકાતા અચકાતા કહ્યું, "જો તમારી મંજૂરી હોય તો જ,હું દબાણ નથી કરતો"
તળશીભાઈ હસવા લાગ્યા.
"ખરો શાણો છે તું,દોસ્ત સાથે તું પણ..??"
"શું કરું દાદા તમારું મેન્યુફેક્ચરિંગ જ એવું છે"રુદ્રએ હસીને કહ્યું.
"શું..શું..કહ્યું.મેન્યુ..મેન્યુ. .શું??"તળશીભાઈએ પૂછ્યું.
"કંઈ નહિ... આપણે ક્યાં હતા?..હા..પહેલી બે શરત મંજુર હોય તો કહો નહીંતર બહાર થાનેદાર ઉભા છે તમે જઈ શકો છો"
"મંજુર છે ભાઈ મંજુર છે.. તારી બે નહિ ત્રણેય શરત મંજુર છે"તળશીભાઈએ હસીને કહ્યું, "પણ મારી એક વાત હંમેશા યાદ રાખજે.તારી નજરમાં મારી જેટલી ખરાબ છાપ છે હું એટલો ખરાબ નથી.હા થોડો અંધશ્રદ્ધામાં માનું છું પણ બાકી તું ગામમાં કોઈને પણ પૂછી શકે છે હું હંમેશા ગામની ભલાઈ માટે અગ્રેસર રહ્યો છું"
"દાદા..દાદા..દાદા...તમારી આ અંધશ્રદ્ધા દૂર કરવા જ હું અહીંયા આવ્યો હતો બાકી મારું અહીં શું કામ હતું?"રુદ્રએ તળશીભાઈના ખભે હાથ રાખીને કહ્યું.
" તને પહેલેથી જ બધી ખબર હતી તો મને પહેલાં કેમ ના અટકાવ્યો?"
"જો પહેલાં તમને હું વાત કરેત તો તમે મારી વાતોને ભાષણ સમજીને અવગણેત અને મારું કામ અધૂરું રહી જાત"
"એ બધું તો ઠીક છે પણ ગામના લોકો સામે તે મારી ઈજ્જતના ધજાગરા ઉડાવી દીધા.હવે હું ક્યાં મોઢે તેઓ સામે જઈશ?"
"ચિંતા ના કરો દાદા એ લોકોને પહેલેથી જ મેં પઢાવી લીધા હતા.તેઓને ખબર હતી કે તમને કોઈ સમજાવી નથી શકવાનું એટલે જ તો આ બધું નાટક કરવું પડ્યું."
"અને પેલો થાનેદાર કોણ છે?પહેલાં તો તેને મેં જોયો નથી"
"એ મારો દોસ્ત કેયુર છે.થાનેદાર જ છે પણ સિહોરનો નથી. નાટકમાં શામેલ કરવા મારે છેલ્લી ઘડીએ તેને તેડાવવો પડ્યો હતો"
"ઓહ..તમે શહેરી લોકો પણ બોવ હોશિયાર હોવ છો.બધું આગળનું વિચારી લો છો"તળશીભાઈ ફરી હસવા લાગ્યા.
"દાદા કોઈ શહેરી અને કોઈ ગામડાનું નથી હોતું..સૌ સરખા છે.હવે કોઈ દિવસ આવું ના કહેતાં"
"પણ મને એક સવાલ થાય છે.તે એકલાં હાથે આ બધું કેવી રીતે કર્યું? મતલબ મારી જાણ બહાર ગામના લોકોને સમજાવવા અને આ શૂટિંગ અને આ બધું કેવી રીતે??"
"બસ દાદા કેટલું પૂછશો હવે? બાકીની વાત પછી કરશું.ચાલો બહાર સૌ રાહ જોઇને ઉભા છે."રુદ્રએ તળશીભાઈનો હાથ પકડ્યો અને બહાર ખેંચી લાવ્યો.
***
"તો આવી રીતે તેઓને સબક પણ શીખવ્યો અને શુભમનું ઉદાસીનું કારણ દૂર કર્યું"રુદ્રએ તેની મમ્મીના ગાલ ખેંચી કહ્યું.
"તું ત્યાં તારા દોસ્તની બહેનના લગ્ન કરાવવા ગયો હતો કે તોડવવા અને તે આટલું બધું કર્યું તો તારા દોસ્તોને કેવું લાગ્યું હશે અને તે પુરા ગામવાળાને કેવી રીતે સમજાવ્યા?" જિંકલે રુદ્ર પર પ્રશ્નોનો મારો કર્યો.
"તમને શું લાગે મમ્મી?,મને સપનું આવ્યું હશે કે ત્યાં આવું બધું થઈ રહ્યું છે અને મારે ત્યાં જવું પડશે"રુદ્રએ નાખુશ અવાજે કહ્યું.
"શું કહે છે તું મને કંઈ નથી સમજાતું"જિંકલે માથું ખંજવાળ્યું.
"હું કહું તમને"મેહુલ જિંકલના હાથ પર હાથ રાખી કહ્યું.
"તમને યાદ છે એક મહિના પહેલા સંદીપ,જે.ડી. અને રુદ્ર મને ડિનર માટે બહાર લઈ ગઈ ગયા હતા.એ દિવસે સંદીપે અને જે.ડી.એ મને આ બધી વાત કરી હતી.તેઓ તેમનાં દાદાને સમજાવી સમજાવી થાક્યા હતાં પણ તેના દાદા કોઈની વાત સમજવા તૈયાર નહોતા.આપણા કુંવરે સંદીપ અને જી.ડી.ને કહ્યું હશે કે મારા પપ્પા પાસે કોઈ ઉપાય હશે.બસ પછી શું મેં પ્લાન બનાવી આપ્યો.જે.ડી.એ અને સંદીપે પોતાનું કામ કર્યું અને રુદ્રએ પોતાનું.દાદાની નજરમાં બંને ભાઈઓ પણ ના આવ્યા અને કામ પણ થઈ ગયું"
"એ બધી વાત તો ઠીક છે પણ સેજુવાળી વાત મને ના સમજાયું.આ બધું કેવી રીતે થયું?"મેહુલે એક નેણ ઉંચો કરીને કહ્યું.
રુદ્ર હસ્યો, "શું કરું પાપા,દીકરો તો તમારો જ રહ્યોને"
રુદ્રની સાથે જિંકલ અને મેહુલ પણ હસવા લાગ્યા.એટલામાં ખભે થેલો લટકાવેલ ભરતભાઇ અને નિલાબેન ગેટમાં પ્રવેશ્યા.રુદ્ર દોડીને ભરતભાઇ પાસે પહોંચ્યો.
"દાદા,તમે ક્યાં ગયા હતા?તમને ખબર છે મેં કાલે કેવા પરાક્રમ કર્યા. તમે સાંભળશો તો તમારી છાતી ફૂલી નહિ સમાઇ"રુદ્ર ભરતભાઇ સાથે વહાલ કરવા લાગ્યો.
"એ બધી વાત તો પછી પણ તને એવું નથી લાગતું કે તું કંઈક ભૂલીને આવ્યો છે?"ભરતભાઈએ હસીને પૂછ્યું.
"હું શું ભૂલીને આવ્યો?"રુદ્રએ પૂછ્યું.
"દરવાજા તરફ નજર કરતો"ભરતભાઇ દરવાજા તરફ આંગળી ચીંધી.
દરવાજા પર પ્લૅન વાઈટ ડ્રેસમાં સેજુ ઉભી હતી.તેની પાછળ સંદીપ,જે.ડી. અને તળશીભાઈ ઉભા હતા.
"દાદા તમે?"શુભમનું મોં ખુલ્લું રહી ગયું.
"હા,અમે ત્યાં જ હતા.મારો દીકરો આટલું સરસ કામ કરે અને અમે જોઈ ના શકીએ તો અમારી જેવા અભાગીયા કોઈ ના કહેવાય.જો મને પણ ગામડાની ભાષા ફાવી ગઈ હાહાહા."ભરતભાઈ હસ્યાં, "મને લાગ્યું તું ભૂલી ગયો હશે એટલે તારા લગ્નની વાત કરવા હું પણ તેઓને સાથે લેતો આવ્યો"
"તો બીજી બહેનોના લગ્ન?"
"તેઓનું એમ કહેવું છે કે એક સાથે ચાર બહેનના લગ્ન થશે એટલે તારીખ આગળ ધપાવી છે"
"ઓહ દાદા,તમે પણ"રુદ્ર હસતો હસતો ભરતભાઈને ભેટી ગયો.
"બસ હવે મને જ ભેટીશ કે તેઓને આવકારો પણ આપીશ?"
રુદ્ર દોડ્યો.તળશીભાઈ,જે.ડી. અરે સાંદિપની હાજરી સુધ્ધાંને પણ અવગણી રુદ્ર સેજુને ભેટી ગયો.
(સમાપ્ત)
.
.
.
એક…એક મિનિટ આગળ શું થયું તે જાણવું નહિ?
પચીસ વર્ષ પછી મિષ્ટિએ વિશ વર્ષ પુરા કર્યા,એક દિવસ મિષ્ટિ રુદ્રને ડિનર માટે લઈ ગઈ.જ્યાં તેની સહેલીઓ ક્રિષ્ના અને રાધા પણ આવી હતી.મિષ્ટિએ ખાસ હેતુ માટે આ ડિનર એરેન્જ કર્યું હતું.
ડિનર કરતાં કરતાં મિષ્ટિએ કહ્યું, "પાપા,આપણો દેશ સ્વચ્છતા અભિયાન થકી સ્વચ્છતા તરફ જાગૃત થઈ રહ્યો છે પણ મારી સહેલી રાધના ગામમાં....."
રુદ્ર હસ્યો અને મનમાં બોલ્યો, “આ બધું તો સાંભળેલું છે, લાગે છે હવે મિષ્ટિને પણ મિશન પર મોકલવી પડશે..હાહાહા ”
Mer Mehul