સાપ સીડી - 20 Kamlesh K Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાપ સીડી - 20

પ્રકરણ ૨૦
યે હૈ ગુમરાહો કા રસ્તા..
મુસ્કાન જૂઠી હૈ.. પહચાન જૂઠી હૈ..


ગાંધીનગરના સિક્રેટ ઈન્ટેલીજન્સ ઓફિસ એરિયામાં ઉચાટ ફેલાયેલો હતો. એનાથી વધુ તોફાન માલતી, મંથન અને આલોકના દિમાગમાં મચ્યું હતું. મિશન રૂમમાં બ્રિટીશ સાધ્વી લીઝાની આશ્ચર્યજનક કેફિયતનો આંચકો હજુ શમ્યો ન હતો. ત્યાં સંજીવના ફરી ગાયબ થઇ જવાની સૂચનાએ બીજો ઝટકો આપ્યો હતો. બ્યુરો ચીફ શશીધરને તરત જ એક પછી એક હાઈ લેવલના ઓર્ડર્સ ઇસ્યુ કરી અધિકારીઓને ચોતરફ દોડાવ્યા હતા.
બરોબર ત્યારે જ આલોકના જાસુસી દિમાગમાં એક ઝબકારો થયો હતો. ગઈકાલે પેલી સાધ્વી અને યાકુબની ગાડીનો પીછો કરી રહ્યા હતા ત્યારે પોતે ગાડી ચલાવી રહ્યો હતો અને મંથને મોબાઈલ પરના ન્યુઝ વાંચી કહ્યું હતું. “આપણો દેશ કેવો ઊંઘમાં છે અત્યારે? એક તરફ ગરીબી અને ભૂખમરો છે, ત્યારે દિલ્લીમાં દેશના વડાપ્રધાન અત્યારે બ્રિટનના પ્રમુખ ડોનાલ્ડ રીગન સાથે ફાઈટર પ્લેનના સોદા કરી રહ્યા છે.”
“હા દોસ્ત.. કેવા અચાનક જ બ્રિટનના પ્રમુખ ભારતની વિઝીટે આવ્યા નહીં?” આલોકે મંથનની વાત સાંભળી આપેલો રિસ્પોન્સ અત્યારે આલોકને યાદ આવ્યો. તો શું બ્રિટનના પ્રમુખની ઇન્ડિયા વિઝીટને નાથુદાદા સાથે અને સંજીવના ગાયબ થવા સાથે કોઈ સંબંધ હોઈ શકે ખરો? આલોકને આ પ્રશ્ન હાસ્યાસ્પદ લાગ્યો. પણ પછી બીજી જ સેકન્ડે એના દિમાગમાં ખતરાની ઘંટડી વાગી. જો સંબંધ હોય તો? તો સંજીવને ગાયબ કરી બ્રિટનના પ્રમુખના ચાર્ટડ પ્લેનમાં.
અને આલોક શશીધરન સાહેબની ઓફીસ તરફ ભાગ્યો હતો. એની પાછળ માલતી અને મંથન પણ દોડ્યા હતા. ચોમેર પોલીસ સાયરનો ગૂંજી રહી હતી. આલોક હજુ સાહેબની ઓફિસવાળી લોબીમાં પહોંચ્યો ત્યાં સુખદેવસિંહ ઓફિસ બહાર નીકળતા દેખાયા. “અરે.. તમે લોકો?” એ બોલ્યા. “હું તમને જ બોલાવવા આવતો હતો. એક નવો ફણગો ફૂટ્યો છે, ચાલો અંદર.” સુખદેવસિંહના શબ્દે ત્રણેને ચોંકાવ્યા અને ત્રણેય સુખદેવસિંહનો પાછળ ઓફિસમાં દાખલ થયા. ઓફિસમાં શશીસાહેબ ફોન પર વ્યસ્ત હતા. સામે એક જુવાનીયો ઇન્સ્પેકટર ઊભો હતો. એની બાજુમાં એક બીજો ખડતલ, ઊંચો પોલીસ જેવો જ દેખાતો પણ થોડો વેર-વિખેર થઇ ગયેલો શખ્સ ઊભો હતો. આલોકને યાદ આવ્યું. આજ સવારે સંજીવ ગાયબ થયાની સૂચના મળી. પછી ભાગમ-ભાગ મચી અને પોતે મંથન અને માલતી સાથે સામેના ગેસ્ટ રૂમમાં જઈ રહ્યો હતો. ત્યારે આ જ શખ્સને પેલો જુવાનીયો બાવડું પકડીને ખેંચી લાવતો હતો. બીજા એક શખ્સને પણ એની પાછળ ખેંચી લવાઈ રહ્યા હતા. આ ઊંચા બાંધાવાળો શખ્સ મંથનને જોઈને ચોંક્યો હતો અને ઝહેરીલું મુશ્કુરાયો પણ હતો.
“આ સબ ઇન્સ્પેકટર પ્રતાપ છે.” સુખદેવસિંહે એ ઊંચા શખ્સની ઓળખ આપી ત્યાં એ શખ્સ મંથન તરફ નજર ટેકવી બોલ્યો. “આવો.. મંથન... નરોતમદાસ ગાંધી...!” એની બોલવાની રીતમાં માન કરતા મજાક વધુ હતી. અને પિતાના નામનો ઉલ્લેખ મંથનને થોડો ખૂંચ્યો પણ ખરો. પણ આ આદમી પોતાને કેવી રીતે ઓળખે? એ ન સમજાતા મંથનની આંખમાં આશ્ચર્ય ઉપસ્યું. એ ઘડીક સુખદેવસિંહ તરફ તો ઘડીક માલતી તરફ તો ઘડીક પેલા ઇન્સ્પેકટર પ્રતાપ તરફ તાકી રહ્યો. “અબ આયા ઊંટ પહાડ કે નીચે.” પ્રતાપના હોઠ પર ઝેરીલી મુશ્કુરાહટ હતી. શશીધરન સાહેબ કોઈ ગહેરી સાજીશનો પર્દાફાશ થાય અને એ સાજીશના મુખ્ય સુત્રધાર છટકી ન જાય એ માટે સાવચેતીથી ફૂંકી-ફૂંકીને કદમ ઉઠાવી રહ્યા હતા. એમને એક ફોનનો પણ ઈન્તેજાર હતો.
અને ત્યાં ફોનની ઘંટડી રણકી.
એમણે ફોનનું રીસીવર ઊંચકી કાન પર ધર્યું. સામા છેડેથી ખુફિયા ઈન્ટેલીજન્સ ઇન્ડિયાના સર્વોચ્ચ અધિકારી રામેશ્વર દત્તનો અવાજ હતો. “ગુડ જોબ શશી.. આઈ પ્રાઉડ ઓફ યુ. પી. એમ. ઓફિસમાંથી સૂચના છે કે યુ જસ્ટ વેઇટ ફોર નેક્સ્ટ ઇન્સટ્રકશન.”
“ઓકે સર.. આઈ એમ વેઈટીંગ. બટ વિ હેવ નો ટાઈમ..”
“આઈ નો.. હું હમણાં જ પાછો ફોન કરું. ત્યાં સુધી થોભો અને રાહ જુઓ.”
બોલતી વખતે ઉચ્ચ અધિકારી રામેશ્વર દત્તે દિલ્હીમાં પોતાની ઓફિસ સામે જ આવેલી પી. એમ. ઓફિસમાં ફરીથી બ્રિટીશ એમ્બેસેડર ડોમનિક ટ્રમ્પની ગાડી નીકળતી જોઈ અને પી. એમ. ઓફિસમાંથી દત્ત સાહેબને હાજર થવાનું ફરમાન મળ્યું.
સાતમી જ મિનીટે દત્ત સાહેબ ભારતના પ્રાઈમ મિનીસ્ટર સમક્ષ હાજર થયા.
“હી વોઝ શોકડ મિસ્ટર દત્ત..” પ્રાઈમ મિનીસ્ટરના શબ્દોમાં ગૌરવ છલકતું હતું. “એ લોકોને એમ હતું કે કોઈને કશી ખબર નહીં પડે પણ મેં એમને બોલાવીને જેવો બોમ્બ ફોડ્યો કે “તમે બ્રિટનથી આવ્યા ત્યારે સત્યાવીસ હતા અને પાછા કેમ અઠ્યાવીસ જઈ રહ્યા છો?” એ સાંભળતાવેંત જ બ્રિટીશ એમ્બેસેડર ડોમનિકના હોશ ઉડી ગયા.
“સર.. વિ વેર અબાઉટ ટુ ઇન્ફર્મ યુ. (અમે આપને જાણ કરવાના જ હતા) બટ..” એની જીભ ગલ્લા- તલ્લા કરવા લાગી અને મેં એમને બ્રિટીશ પ્રમુખનું પ્લેન દિલ્હી એરપોર્ટ પરથી ઉપડે નહીં એવું કહેવા આદેશ આપ્યો. એની ભૂલ હતી. પ્લેન રનવે પર દોડવા માંડ્યું હતું. એ પાછુ ફર્યું અને એણે, ટ્રમ્પે હાથ જોડી, માફી માંગતા આખી કેફિયત કહી સંભળાવી કે ઇન્ડિયાના કોઈ સિદ્ધ યોગી નાથુદાદાને તેઓએ બ્રિટનના ખુફિયા પ્રદેશમાં સહીસલામત રાખ્યા છે. એમનો પ્રિન્સ આપના બાબાની શક્તિથી પેરેલાઈઝડ થઇ બે વર્ષથી ખાટલામાં પડ્યો છે. એ પ્રિન્સની સલામતી માટે અહીંના બીજા કોઈ સિદ્ધને લઇ જવા ફરજીયાત હતા. કરોડો ડોલર પ્રિન્સ પાસેથી બ્રિટન પ્રમુખની પાર્ટીને ડોનેશન પણ આપવામાં આવ્યું છે એટલે એ અઠ્યાવીસમા પેસેન્જર તરીકે સંજીવ નામના કોઈ સિદ્ધને લઇ જઈ રહ્યા છે. ટ્રમ્પે સંજીવ અને સિદ્ધબાબાની સંપૂર્ણ સલામતીની ખાતરી આપી એટલે મેં એમને પરમીશન આપી છે. અઠ્યાવીસમા પેસેન્જરને લઇ જવાની.” કહી પ્રધાનમંત્રી સહેજ અટક્યા અને ગૌરવપૂર્ણ નજરે દત્ત સાહેબ સામે જોઈ કહ્યું. “યુ એન્ડ યોર ટીમ ડીડ ગ્રેટ જોબ ફોર ઇન્ડિયા.”
અને ફરી ગાંધીનગરમાં શશીધરનનો ફોન રણક્યો. સર્વોચ્ચ અધિકારી દત્ત સાહેબે શશીને પી.એમ.ઓ.માં પ્રધાનમંત્રી સાહેબે કહેલી વાતને કહી સંભળાવી ત્યારે શશીધરન, સુખદેવ સિંહ, આલોક, મંથન સૌની સામે માનથી જોઈ રહ્યા. એક નવી યશકલગી શશીની સર્વિસ બુકમાં એડ થઇ ગઈ હતી.
સવારે સાધ્વીની વાત પૂરી થઇ અને સંજીવ ગાયબ થયાના સમાચાર મળ્યા ત્યારે શશીધરન સાહેબ પણ એક વાર હચમચી ગયા હતા. હાઈ સિક્યુરીટીમાંથી સંજીવને કોઈ ગાયબ કરી જ કેવી રીતે શકે? એ પ્રશ્ન એમને સતાવી રહ્યો હતો. એમણે ચારે બાજુ નાકાબંધી તો કરી પણ એક કલાક સુધી કોઈ સગડ ન મળ્યા. એટલે એમણે દિમાગને જોર દીધું હતું અને એમના મનમાં પણ આલોકની જેમ બ્રિટીશ પ્રમુખની મુલાકાતના ન્યુઝ ઝબક્યા હતા. અને એક પછી એક કડી જોડી એમણે તરત જ આખી ઘટના દિલ્હી હેડ દત્ત સાહેબ સમક્ષ મૂકી હતી.
એક વાર્તાનો છેડો આવ્યો હતો પણ ત્યાં બીજી કહાની સામે જ ઉભી હતી.
જામનગરથી રતનપરના જુનીયર ઇન્સ્પેકટર રાજદીપ દ્વારા અમદાવાદ લવાયેલા સબ-ઇન્સ્પેકટર પ્રતાપે નવો જ ફણગો ફોડ્યો હતો. “મેં જે કઈ પણ કર્યું એ એમ.એલ.એ. ગાંધીસાહેબના આદેશથી કર્યું છે. એકવાર એની સાથે ફોન પર મને વાત કરાવો.” લગભગ સાતેક વાર પ્રતાપે આ વાક્ય કહ્યું ત્યારે શશીસાહેબે ગાંધીસાહેબનો નંબર જોડ્યો હતો. એમના પી.એ. ગૌતમે ફોન રીસીવ કર્યો હતો. ગાંધીસાહેબે શશીસાહેબને જવાબ આપ્યો હતો. “સાહેબ.. અમે જાહેર જીવન જીવનારા લોકો શું તમે માનો છો કે આવા કોઈ કાંડ કરીએ?” એક પાકા રાજકારણીની જેમ જ ગાંધી સાહેબે શબ્દો ઉચ્ચાર્યા હતા. સ્પીકર પર પ્રતાપ પણ સાંભળી રહ્યો હતો. “અમારા દુશ્મનોનું કોઈ કાવતરું હશે. તમે તો જાણો જ છો, ઈલેકશન આવી રહ્યા છે. આરોપ-પ્રત્યારોપ થશે. તમારે તમારી રીતે જ સમજી જવું જોઈએ. અમે તો સાંભળ્યું છે કે શશીસાહેબ તો બહુ પાવરધા અધિકારી છે. અને તમે ક્યાં આવા મવાલીઓની વાતમાં ઉલજી રહ્યા છો? બીજો કોઈ હુકમ હોય તો કહો. હું આજકાલમાં જ ગાંધીનગર આવવાનો છું.”
અને માફા-માફી સાથે ફોન પૂરો થયો.
પ્રતાપ હચમચી ગયો. એને સમજાઈ ગયું કે હવે કોઈ એનો હાથ નહીં જાલે. અચાનક એના દિમાગમાં એક વિચાર ઝબકયો અને એના ચહેરા પર મુસ્કાન આવી ગઈ. “સાહેબ.. હમણાં તમે મને પકડી લાવ્યા ત્યારે મેં આ ગાંધીસાહેબના છોકરાને બહાર નીકળતો જોયો. પેલો, શું નામ? હા.. મંથન ગાંધી.. જો એકવાર મંથનને મારી સામે લાવો તો હું તમને ખાતરી આપું છું કે તમે અસલી ગુનેગાર સુધી પહોચી જશો.” પ્રતાપના અવાજમાં વિશ્વાસ હતો. “સાહેબ.. હું તો મારા ગુના કબૂલ કરું જ છું પણ હું તો મહોરું છું. અસલી ગુનેગાર છટકી જાય એ તમારા જેવા અધિકારીને મંજૂર હોય એમ હું નથી માનતો.”
અને શશીસાહેબે સુખદેવસિંહને મોકલ્યા હતા. આ ત્રણેયને બોલાવવા એ ગયા એવા જ પાછા આવ્યા. પોતે દિલ્હીના ફોન પૂરા કરી પ્રતાપ સામે જોયું. “બોલ.. શું કહેવું છે તારે?
“ફરી.. ફોન લગાડો ગાંધીસાહેબને.” પ્રતાપે કૈંક ગોઠવતા કહ્યું.
ફોન લગાડવામાં આવ્યો. ગાંધીસાહેબ નું હેલ્લો સંભળાયું એટલે પ્રતાપે સીધી મેઈન વાત જ કહી.
“સાહેબ.. હું પ્રતાપ.. પણ તમે મને નહીં ઓળખો.” એ સહેજ અટક્યો.. “પણ તમારા દીકરા મંથનને તો ભૂલ્યા નથી ને?” કહી પ્રતાપ ફરી અટક્યો. સામા છેડે મૌન પથરાયેલું રહ્યું એટલે પોતાના વાક્યની ધારી અસર થતી જોઈ. પ્રતાપે આગળ ચલાવ્યું. “સાહેબ.. એ મંથન અહીં જ છે અને હું પેલા સંજીવનો ખુલાસો, પેલી બળાત્કારની ઘટનાનો ખુલાસો તમારા એ મંથનની હાજરીમાં શશીસાહેબ સમક્ષ કરવા જઈ રહ્યો છું.”
પ્રતાપના આ વાક્યે મંથન, માલતી અને આલોકની આંખ ઝીણી થઇ. જ્યારથી રાજસ્થાનના પેલા જતીનના મોઢે અને અમદાવાદના પેલા અરવિંદના મોઢે સંજીવ દ્વારા પેલી ચંદન પરમાર નામની કોલેજ પ્યુનના બળાત્કાર અંગેની વાત સાંભળી ત્યારથી ત્રણેય જણા સંજીવના ચરિત્રના આ પાર્ટ અંગે ચિંતિત હતા. અત્યારે પ્રતાપના મુખે આ વાક્ય સાંભળી ત્રણેય જણાના દિમાગમાં ઉત્તેજના વ્યાપી ગઈ. હૃદયમાં ધબકાર વધી ગયા..
“શશીસાહેબ.. તે દિવસોમાં હું જામનગરના સીટી બી ડીવીઝનમાં નવો-સવો સબ-ઇન્સ્પેકટર બન્યો હતો. બહુ થોડા જ દિવસોમાં મને ખ્યાલ આવી ગયો. ગાંધીસાહેબ જામનગરના બહુ મોટા રાજકારણી હતા. અને રતનપરવાળા રાજકારણી સુબોધભાઈના એ હરીફ હતા.” પ્રતાપ શશીસાહેબ સામેની ખુરશી પર બેઠો- બેઠો જાણે ટેબલની ઉપલી સપાટી પર દ્રશ્ય ભજવાઈ રહ્યું હોય તેમ ત્યાં નજર ચોંટાળેલી રાખી બોલતો હતો. અને આસપાસ ગોઠવાયેલા તમામ એના ફફડતા હોઠ તરફ તાકી રહ્યા હતા. “પ્રેમાળ પિતા અને પ્રેરણા સમી પ્રેમિકાને ગુમાવ્યા પછી મારો ભરોસો ભગવાન, સજ્જનતા અને ઈમાનદારી પરથી ઉઠી ગયો હતો. જ્યાં મળે ત્યાં જેટલા મળે તેટલા રૂપિયા હું મારા ગજવામાં નાખ્યે જતો હતો.
વાત આજથી સાત-આઠ વર્ષ પહેલાની છે. એક દિવસ એક ગામમાં ગાંધીસાહેબની સભા હતી. ગામલોકોએ ગાંધીસાહેબ હાય-હાયના નારા લગાવ્યા. જે મેં મારી પિસ્તોલની એક જ ગોળીથી ખામોશ કરી નાખ્યા. તે જોઈ ગાંધીસાહેબ અને મારી વચ્ચે ટ્યુનીંગ સધાયું. એમનો હાથ મારા પર હતો એટલે હું વધુ પૈસા ભેગા કરવા માંડ્યો.
એક દિવસ ગાંધી સાહેબના રતનપર વાળા ફાર્મ હાઉસ પર મને બોલાવવામાં આવ્યો. ત્યાં મેં પહેલી વખત સંજીવ, તેના પિતા સુબોધભાઈ વિષે વાતો સાંભળી. સરસ્વતી પુલથી શરુ કરી ડોક્ટર અમૃતલાલનો મને પહેલી વખત પરિચય થયો.”
પોતાના સજ્જન પિતા ડોક્ટર અમૃતલાલનું નામ સાંભળી માલતી ચમકી. જે પ્રતાપની ચબરાક નજરે પકડી પડ્યું. અને એણે વાત આગળ ચલાવી. “આ માલતી અને સંજીવ એક-બીજાના ગળાડૂબ પ્રેમમાં હતા.” સાંભળી માલતીની આંખમાં થોડો ગુસ્સો ઉભરાયો. એણે ધારદાર નજરે પ્રતાપ સામે જોયું. પ્રતાપે પણ એક નજર તેના પર નાખી શશીસાહેબ સામે જોયું. “આ માલતીના પિતા ડોક્ટર અમૃતલાલને સંજીવ પસંદ ન હતો. કેમ કે એને સંજીવના પિતા માસ્ટર સુબોધ જોશી પસંદ ન હતા. જેમણે સતા પર આવતાવેંત જ ડોક્ટર અમૃતલાલનું રતનપરનું ગાંધીસાહેબે બંધાવી આપેલું દવાખાનું બંધ કરાવ્યું હતું. કેમ કે એ દવાખાનું ગેરકાયદેસર હતું. ના ડોક્ટર અમૃતલાલ તો સાચા જ ડોક્ટર હતા પણ એમણે જે જગ્યા પર દવાખાનું બાંધી નાખ્યું હતું એ જગ્યા રતનપર પંચાયતની હતી. જાહેર જગ્યા હતી એટલે ડોક્ટર અને જોશીસાહેબ વચ્ચે ખટાશ આવી ગઈ હતી.” કહી પ્રતાપે માલતી સામે જોયું તો માલતી ગુસ્સાથી મોં ફેરવી ગઈ એટલે પ્રતાપે આગળ ચલાવ્યું. “ગાંધીસાહેબને તો સુબોધભાઈ આંખમાં કણાની જેમ ખૂંચતા હતા. એટલે ખંધા રાજકારણી ગાંધીસાહેબે એક જોરદાર કાવતરું ઘડી કાઢ્યું. ગાંધીસાહેબની ભલામણથી સંજીવની કોલેજમાં પ્યુન બનેલી ચંદન પરમારને એ કાવતરામાં સામેલ કરવામાં આવી. એના એક ભાગરૂપે એક દિવસ હું સંજીવની કોલેજમાં ગયો અને મેં એને પ્યુન ચંદન પરના બળાત્કારના કાંડ બદલ અરેસ્ટ કરવાનું નાટક શરુ કર્યું.” કહી પ્રતાપે તે દિવસે કોલેજમાં બનેલી તમામ વિગતો ઝીણવટથી સંભળાવી. સૌ એકાકાર બની ગયા હતા. “સંજીવ ગભરાઈ ગયો હતો. પણ એ જાણતો હતો કે એણે બળાત્કાર કર્યો નથી. છતાં એની પાસે એ બળાત્કારની કબૂલાત કરાવવા અમે નાટકનો એક બીજો અંક ભજવ્યો. ગાંધીસાહેબે જામનગરના એના બંગલે સંજીવને બોલાવ્યો. હું અને ગાંધીસાહેબ બેઠા હતા. સંજીવ આવ્યો એટલે ગાંધીસાહેબે એને જુઠ્ઠી કહાની સંભળાવી. ‘જો સંજીવ.. મેં અત્યારે તો આ ઇન્સ્પેકટર પ્રતાપ ને રોકી રાખ્યો છે. અને પેલી ચંદન પરમારને ગઈકાલે મેં આપણા ડોક્ટર અમૃતલાલના કલીનીકમાં બળાત્કારના રિપોર્ટ તપાસવા મોકલી આપી છે. એકવાર ડોક્ટર સાહેબ કહી દે કે છોકરી પર બળાત્કાર થયો નથી. એટલે પછી આ પ્રતાપના બચ્ચાને અને આખા પોલીસ ડીપાર્ટમેન્ટને જો હું કેવી રીતે એની નાની યાદ અપાવું છું.’ બિચારો સંજીવ ગાંધીસાહેબની વાત માની ગયો અને યોજના મુજબ જ ડોક્ટર અમૃતલાલ ત્યાં હાજર થયા. તેમણે રીપોર્ટ આપ્યો કે ચંદન પરમાર પર બળાત્કાર તો થયો જ છે. અને સંજીવના હોશ ઉડી ગયા. પણ અંગત પરિચિત ડોક્ટર અમૃતકાકાના રિપોર્ટને ખોટો કેમ કહેવો? ખંધા ગાંધીસાહેબે સંજીવને પૂરે-પૂરો ક્લચમાં લેવા ડોક્ટરને કહ્યું. “ડોક્ટર સાહેબ.. ક્યાંક તમારી ભૂલ તો નથી થતી ને?” અને ડોકટરે તરત જ કહ્યું “હું પણ માની ન શક્યો એટલે મેં પોતે બે વાર ચન્દનના સેમ્પલ ટેસ્ટ કર્યા. અને મારા એક મિત્ર ડોક્ટર પાસે પણ એ ચેક કરાવ્યું, પણ જવાબ એક જ મળ્યો. સી વોઝ રેપ્ડ...” સંજીવને પોતાની જિંદગી વેરવિખેર થતી લાગી. એની બુદ્ધિ બહેર મારી ગઈ. ત્યાં ગાંધીસાહેબે ફરી પ્રશ્ન કર્યો. “ચાલો માની લઈએ કે ચંદન પર બળાત્કાર થયો છે. પણ એનાથી એ તો સાબિત નથી થતું ને કે બળાત્કાર સંજીવે જ કર્યો છે?” ગાંધીસાહેબની વાત સાંભળી સંજીવની આંખમાં ચમક આવી. અમૃતલાલે “હા.. એ વાત સો ટકા સાચી કે સંજીવે જ બળાત્કાર કર્યો છે, એ સાબિત થતું નથી.” બંને વડીલો પોતાની વડીલાઈનો, ઉંમરનો અને સંજીવના ભરોસાનો બેફામ દુરુપયોગ કરી રહ્યા હતા. “બસ.. તો હવે ચંદન પર ભલે બળાત્કાર થયો. આપણે એ સાબિત કરીએ કે બળાત્કાર સંજીવે નથી કર્યો.” ગાંધી સાહેબે સંજીવના હમદર્દની જેમ ડોક્ટર અમૃતલાલને કહ્યું. “હેં ડોક્ટરસાહેબ.. એવો કોઈ ટેસ્ટ છે કે જેથી સાબિત થાય કે બળાત્કાર સંજીવે નથી કર્યો?”
“છે ને..” ડોકટરે તરત જ કહ્યું “એ માટે સંજીવના સેમ્પલ આપણે લેબમાં મોકલી ટેસ્ટ કરાવવા પડે.” અને ફરી એક નાટક શરુ થયું. નાટકનો ચોથો અંક ખતરનાક હતો. તે દિવસે ડોક્ટર અમૃતલાલે સંજીવને એકલો જ ક્લીનીકે બોલાવ્યો. સંજીવના પિતા સુબોધભાઈ પણ જામનગર જ રહેતા હતા. સંજીવની સાથે જ અમૃતલાલને એમના માટે વેરભાવ છે એ વાતથી અજાણ સુબોધભાઈ ડોક્ટર પાસે જ બ્લડપ્રેશરની સારવાર લેતા હતા. ડોક્ટર અમૃતલાલે અને ગાંધીસાહેબે સંજીવને એકલો બોલાવી આખી વાત કરી.
“જો સંજીવ.. વાત થોડી વધુ ગંભીર છે. એટલે જરા પણ લીક ન થાય. પેલા ઇન્સ્પેકટર પ્રતાપને જાણ ન થાય એટલે મેં તને અહીં એકલો બોલાવ્યો છે.” કહી અમૃતલાલે સંજીવને એક કાગળ પકડાવ્યો, જેમાં સંજીવનો રિપોર્ટ હતો. સંજીવે કાગળ પર નજર તો ફેરવી પણ મેડીકલની ભાષા એને સમજાઈ નહીં. “યુ આર એબ્સોલ્યુટલી ઇનોસન્ટ. તું નિર્દોષ છે. તારા સેમ્પલ અને ચંદનના સેમ્પલ મળતા નથી પણ..” સંજીવના મનમાં હરખ તો થયો. ડોક્ટરકાકાએ પણ પાસે વાક્ય અધૂરૂ છોડ્યું એટલે એ ફરી ગૂંચવાયો. “ચંદનને મેં ધમકાવીને પૂછ્યું તો એણે કહ્યું કે મારા પર સંજીવે નહીં એના પિતા સુબોધભાઈએ બળાત્કાર કર્યો છે.” સંજીવની આંખ ફાટી ગઈ. કોલેજનું કામ કર્યા પછી ચંદન સંજીવનું ઘરકામ પણ કરવા આવતી. “અને તારા પિતાના સેમ્પલ સાથે ચંદનના સેમ્પલ પૂરે-પૂરા મેચ આવ્યા.” સંજીવને ડોક્ટર અંકલની ચેમ્બર ગોળ-ગોળ ફરતી લાગી. એની આંખમાં આંસુ આવી ગયા.
“સંજીવ આ સમય રડવાનો નથી. બાજી સંભાળવાનો છે.” હમણાં જ આવી પહોંચેલા ગાંધીસાહેબે હમદર્દી બતાવી. સંજીવે આંસુભરી આંખે ગાંધીસાહેબ સામે દયામણી નજરે જોયું. “આપણે આ વાત દબાવવી પડશે. હું પેલા ઇન્સ્પેકટર પ્રતાપ અને ચંદન સાથે વાત કરું છું. તું કોઈ કરતા કોઈને આ વાત કરતો નહીં.”
એ બિચારો સાન-ભાન ભૂલી ગયો હતો.
એક દિવસ બાદ ફરી એને બોલાવવામાં આવ્યો. ત્યારે ત્યાં હું, ચંદન પરમાર, ગાંધીસાહેબ અને ડોક્ટર અમૃતલાલ મૌજૂદ હતા. સંજીવ એક ગુનેગારની જેમ બેઠો. મેં એની સામે ગુસ્સાથી જોયું અને મારો ડાયલોગ ફેંક્યો. “ડોક્ટર સાહેબ.. હજુ બે દિવસ પહેલા તમે કહ્યું કે સંજીવના રિપોર્ટ ચંદનના રિપોર્ટ સાથે મેચ નથી થતા અને આજે તમે કહો છો કે સંજીવના રિપોર્ટ ચંદનના રિપોર્ટ સાથે મેચ થઇ ગયા. હું કેમ માની લઉં? મારે અમારા ગવર્મેન્ટ ડોક્ટર પાસે ફરી રિપોર્ટ કરાવવા પડશે. હવે આ આદમીને મારે હવાલે કરો.”
ફરી રિપોર્ટ કરાવવાની વાતથી સંજીવ ડઘાઈ ગયો. જો પિતાનું નામ ઉછળે તો? ત્યાં ગાંધીસાહેબ બોલ્યા. “જો પ્રતાપ.. એમ ગરમી પકડવાથી કોઈના હાથમાં કંઈ નહીં આવે. તું મારી સામે જો. મારું કૈંક માન રાખ અને આ મામલો આપણે અહીં જ સુલજાવી નાખીએ. આ બિચારી ચંદન પણ કોર્ટ-કચેરીમાં લાંબી થઇ જશે.”
નાટક-નાટકમાં ચંદનને પાંચ લાખ રૂપિયા આપવાનું, મને ત્રણ લાખ રૂપિયા આપવાનું અને સંજીવે કોલેજ છોડી, જામનગર છોડી ચાલ્યા જવાનું નક્કી કર્યું. મેં છેક સુધી સંજીવને જીવતો ન છોડવાની જીદ પકડી એટલે સંજીવ ગભરાઈને ચક્રવ્યૂહમાં ફસાઈ ગયો. અને ગાંધીસાહેબે સંજીવ પાસેથી પાંચ લાખ રૂપિયા કઢાવ્યા. જેમાંથી ચંદનને પચાસ હાજર આપ્યા. દોઢ લાખ મને આપ્યો અને ત્રણ લાખ તેઓએ પાર્ટી ફંડના નામે પોતાની પાસે રાખી લીધા.
સંજીવને જલ્દી ગામ છોડાવવા એ પોતે જ પછીની અર્ધી રાત્રે સંજીવને પોતાની ગાડીમાં પડધરી મૂકી ગયા. અને મેં ત્યાં સંજીવને ખુબ ધમાર્યો. હું તો એને પતાવી જ નાખવાનો હતો, પણ કોણ જાણે ક્યાંથી સુખદેવસિંહ પ્રગટ્યા અને સંજીવને મોતના મોંમાંથી છોડાવી ગયા.” કહી પ્રતાપ સહેજ અટક્યો.
સુખદેવસિંહને પડધરી પેટ્રોલિંગવાળી તે રાત યાદ આવી.
સંજીવ અને સુખદેવસિંહ માસ્ટર ડીગ્રી દરમિયાન વલ્લભ વિદ્યાનગરની કોલેજમાં સાથે હતા અને બ્રાહ્મણીયા હોસ્ટેલમાં સાથે રહેતા. ઈમાનદાર સુખદેવસિંહ અને ધ્યાનનો સાધક સંજીવ પાકા મિત્રો બની ગયા હતા. રતનપરની માલતી અને સંજીવ વચ્ચે પ્રેમની શરૂઆત ત્યાં જ થઇ હતી. એ સુખદેવસિંહને ખબર હતી. પણ પ્રેમને પ્રાર્થના, પૂજા જેવો પવિત્ર દરજ્જો આપતા સંજીવે કદી માલતી વિષે કે એમના હળવા મળવા વિષે માંડીને સુખદેવસિંહને વાત નહોતી કરી. એક દિવસ સુખદેવસિંહના હાથમાં સંજીવની પર્સનલ ડાયરી આવી ગઈ હતી. અને એમાં સંજીવે માલતીનો ઉલ્લેખ કર્યો હતો.
“મારી દૃષ્ટિએ લગ્ન એ માત્ર બે વ્યક્તિઓનો સંબંધ નથી.” સંજીવે લખેલી વાત સુખદેવસિંહને યાદ હતી. “મિત્રતા કે પ્રેમ બે વ્યક્તિ વચ્ચેનો સંબંધ હોઈ શકે છે, લગ્ન નહીં. કેમ કે જો બે વ્યક્તિ મિત્ર બને તો તેઓના એક-બીજાના માતા-પિતા એક-બીજા સાથે કોઈ સંબધથી જોડતા નથી. પણ જો બે વ્યક્તિ લગ્ન કરે તો તેઓના એક-બીજાના માતા-પિતા પણ સાસુ-સસરાના નવા સંબંધમાં બંધાય છે. માટે લગ્ન હંમેશા પરિવારોના થાય છે વ્યક્તિઓ ના નહીં. માલતીને મેં જયારે આ વાત કરી ત્યારે એ કેટલીયે ક્ષણો સુધી મારી સામે તાકી રહી હતી અને પછી અમે કોલેજની લાયબ્રેરી તરફ ગયા હતા.”
સુખદેવસિંહના મનમાં સંજીવના વિચારોની બહુ ઊંડી છાપ હતી. જો સંજીવ ના મળ્યો હોત તો જિંદગીની એક પવિત્ર દિશા એમને માટે અજાણી બની રહેત. અને એટલે જ તે દિવસે પડધરીના રેલ્વે સ્ટેશન પાસેથી સંજીવને છોડાવી સુખદેવસિંહ એને પોતાના ઘરે લઇ જવા માંગતા હતા. પણ સંજીવે એમાં બહુ મોટી ગરબડ થઇ જવાની આશંકા વ્યક્ત કરી. એ બહુ ગભરાયેલો હતો. એટલે હાઈવે પરની એક હોટેલમાં લઇ જઈ એને જમાડ્યો અને થોડો સાજો-સમો કર્યો. પણ સંજીવ કોઈ પણ ભોગે બહુ દૂર ભાગી જવા માગતો હતો. એટલે સુખદેવસિંહે એને વડોદરા જતી ટ્રેનમાં બેસાડ્યો અને વડોદરામાં રહેતા પોતાના અંગત મિત્રને ફોન પર સંજીવને વડોદરામાં સેટ કરી આપવાની સૂચના આપી હતી.
એ પછી.. વડોદરાથી સવારે મિત્રના ઘણા ફોન આવ્યા. કેમ પેલા સંજીવ ભાઈ રેલ્વે સ્ટેશન પર દેખાયા નહીં? કેમ એમણે મને ફોન ન કર્યો? સુખદેવસિંહ પાસે આ પ્રશ્નોના કોઈ જવાબ ન હતા. દિવસો સુધી પોતે સંજીવને વડોદરા એકલો જવા દીધા બદલ સુખદેવસિંહ ખુદને કોસતા રહ્યા. ધીમે-ધીમે બધું વિસરાઈ ગયું. પણ બે દિવસ પહેલા સંજીવ અને આજ સવારે આલોક, મંથન માલતી અને રતનપરના નામ સામે આવ્યા ત્યારથી સુખદેવસિંહને પારકો લાગતો આખો કેસ પોતાનો ખુદનો લાગવા માંડ્યો હતો.
“એ દિવસે.. પડધરીથી પરત આવ્યા પછી..” પ્રતાપ ફરી બોલ્યો. એટલે સુખદેવસિંહ વર્તમાનમાં પટકાયા. “મેં પેલી ચંદન પરમારને શોધી કાઢી. એની આબરૂ લૂંટી અને અમદાવાદમાં વેચી નાખી. જે અત્યારે જુબેદાના નામે અમદાવાદના દોલતપરામાં નાચ-ગાન કરી દિવસો કાઢે છે. અઠંગ રાજકારણી ગાંધીસાહેબની ચાલથી તેનો રાજકીય પ્રતિસ્પર્ધી સુબોધ જોશી પેરેલાઈઝ થઇને બિસ્તર પર પટકાઈ ગયો. એટલે ગાંધીસાહેબનો રસ્તો સાફ થઇ ગયો અને સંજીવ ગાયબ થઇ ગયો એટલે ડોક્ટર અમૃતલાલને પણ દીકરી માટેની ચિંતા ટળી ગઈ. ત્રીજી બાજુ લાખ-લાખ રૂપિયા પણ ઘર ભેગા કરી લીધા.”
પ્રતાપના છેલ્લા વાક્ય પછી કેટલીયે વાર ઓફિસમાં શાંતિ ફેલાયેલી હતી.
આલોકને સંજીવની નિર્દોષતા માટે માન થયું. પણ માલતી પોતાના પિતા ડોક્ટર અમૃતલાલ માટે અને મંથન પોતાના પિતા ગાંધીસાહેબ માટે બેહદ ઘૃણા અનુભવી રહ્યા.
ફરી પ્રતાપ બોલ્યો. “સાતેક દિવસ પહેલા મારા આ પરમારે મને સંજીવના પરત ફરવાની વાત કરી. એટલે મેં ફરી એકવાર એને ખોખરો કરવા રતનપરનો ધક્કો ખાધો. હું હજુ ત્યાં પહોચું એ પહેલા સંજીવને કોઈ ઉઠાવી ગયું અને મારા હાથમાં આ રફીક અને ચંદન આવ્યા અને ચંદનના જિસ્મને માણું એ પહેલા આ તમારો ઇન્સ્પેકટર રાજદીપસિંહ આવી પહોંચ્યો. અને મને તમ્મર આવી ગયા.”
પહેલીવાર સૌએ પેલા જુવાનીયા ઇન્સ્પેકટર રાજદીપ સામે જોયું.
રાજદીપ એટલે પેલી જમના ફૈબાવાળી ઈલાની જેની સાથે સગાઇ થઇ એ કુલદીપસિંહ શિક્ષકનો નાનો ભાઈ. જામનગરથી પ્રતાપ એન્ડ કમ્પનીને લઇને રાજદીપ અને એની ટીમ આવી રહી હતી. ત્યારે રસ્તામાં રફીક પાસેથી રાજદીપને જાણવા મળ્યું કે સંજીવ એ એ જ સાધુ હતો, જેને જામનગરમાં વટેમાર્ગુ તરીકે ઈલાના ઘરે ભોજન આપવામાં આવેલું. હજુ ગઈકાલે જ ઈલાભાભીએ રતનપરના જ્યોતિષ શારદાબહેનના ઘરે આ વટેમાર્ગુએ આપેલા આશીર્વાદની વાત કરેલી. અને રાજદીપને યાદ આવ્યું કે આ જ સાધુએ પોતે જયારે ટ્રેનમાં હતો, ત્યારે અચાનક જ પોતાના કપાલ સામે જોઈ કહ્યું હતું કે “બેટા.. તમારે લીધે તમારા મોટાભાઈએ કોઈ મોટો નિર્ણય બદલ્યો છે. એમાં વગર વાંકે કોઈ નિર્દોષને અન્યાય થઇ રહ્યો છે. માટે.. પહેલા તમારા ઘરે જઈ મોટાભાઈ અને પિતાને સમજાવો કે તેઓ ફરી વિચાર કરે.” રાજદીપ એની વાત તો નહોતો માનવાનો પણ જેવું એ સંજીવ સાધુએ કહ્યું કે “બાકી.. તમે અત્યારે સવારે વડોદરાથી નીકળતી વખતે ગાયને સો રૂપિયાનું ઘાસ નાખ્યું એ તમારો દયાભાવ તમારી હંમેશા રક્ષા કરશે.” ત્યારે જ રાજદીપને એ સાધુ ચમત્કારી લાગ્યા હતા.
એટલે જ એણે રાજકોટ ઉતરી પિતા પાસે મોટા નિર્ણયની વાત કાઢી. તો ઈલાભાભી જેવા લાયક પરિવાર સાથે નો સંબંધ મારા એકસીડન્ટને લીધે તોડ્યાનો તાળો મળ્યો હતો. અને તરત જ, તે જ સાંજે જટુભાના પરિવાર સાથે મોટાભાઈના વિવાહની મીઠી જીભ અપાઈ હતી.
“જો કે.. હવે હુંય થાકી ગયો છું.” પ્રતાપે ફરી કહ્યું. એટલે રાજદીપસિંહની પણ તંદ્રા તૂટી. “એટલે મેં મારી તમામ કબૂલાતો આપી દીધી.”
અને ફરી વાર.. કમરામાં શાંતિ પથરાઈ.
માલતીથી અચાનક ડૂસકું મૂકાઈ ગયું. એટલે શશીસાહેબે તરત જ કહ્યું. “માલતી.. પ્લીઝ ડોન્ટ ક્રાય.. સંજીવ મળી ગયો છે અને સલામત છે.” સામે બેઠેલા સૌ ચોંકી ઉઠ્યા. ત્યારે શશીસાહેબે સૌને પી.એમ.ઓ. સાથે થયેલી આખી વાત જણાવી. અને સૌને જ્યાં સુધી નેક્સ્ટ આદેશ ન મળે ત્યાં સુધી આ સિક્રેટ વાત ગુપ્ત રાખી ગેસ્ટ હાઉસમાં જ રહેવા અને રાહ જોવાનો આદેશ આપ્યો.
સૌના મનમાં થોડી ધરપત હતી, તો થોડો ઉચાટ પણ હતો.
બ્રિટનમાં સંજીવનું શું થશે?
બરોબર એ જ સમયે અંદરના કમરામાંથી દોડી આવેલી એક મહિલાના શબ્દે સૌને ચોંકાવ્યા. એ શશીસાહેબને કહી રહી હતી. “સર, એક બ્રેકિંગ ન્યુઝ છે. પ્લીઝ સ્વિચ ઓન ધિ ટીવી...” અને સૌની નજર શશીસાહેબના ટેબલની જમણી તરફના ટીવી પર ચોંટી ગઈ.

=============