સાપ સીડી - 19 Kamlesh K Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાપ સીડી - 19

પ્રકરણ ૧૯
યે દુનિયા યે મહેફિલ મેરે કામ કી નહીં ...


“આઈ એમ લીઝા સેમ્યુઅલ. માય સુપર ગ્રાન્ડફાધર વોઝ એન એમ્પ્લોયી ઓફ બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કમ્પની.” બ્રિટીશ સાધ્વીનો અવાજ સૌ એક ધ્યાને સાંભળી રહ્યા હતા. ગાંધીનગરના સર્કીટ ઈન્ટેલીજન્સ બ્યુરોના મિશન રૂમમાં અત્યારે સાત વ્યક્તિ મૌજૂદ હતી. બોસ શશીઘરન સાહેબ, સુખદેવસિંહ, યાકુબખાન, આલોક, મંથન, માલતી અને બ્રિટીશ સાધ્વી લીઝા. જે અત્યારે થોડી ગમગીન હતી, ચિંતિત હતી અને ભારત સરકારના અધિકારીઓ સમક્ષ પોતાની કબૂલાત આપી રહી હતી.
ગીરના પેલા સંજીવની આશ્રમથી યાકુબખાનની કારનો પીછો કરતા અહીં સુધી આવી પહોંચેલા આલોક, મંથન અને માલતી જયારે સુખદેવસિંહ સમક્ષ આવ્યા અને તેઓએ સમગ્ર ઘટનાક્રમ સાથેનો પોતાનો સંબંધ સુખદેવસિંહને સમજાવ્યો ત્યારે સુખદેવસિંહે પહેલા તો એમને ત્યાંથી ચાલ્યા જવા અને પછી તેમને અરેસ્ટ કરવાનો વિચાર કર્યો હતો. પણ આલોકે પોતાની પત્રકાર તરીકેની ઓળખ આપી, જો આ સ્ટોરીને હજુ ગુપ્ત જ રાખવી હોય તો પોલીસ તપાસમાં પોતાને સાથે રાખવા વિનંતી કરી ત્યારે સુખદેવસિંહે એમને સાથે લીધા હતા.
શશીઘરન સાહેબને આ બ્રિટીશ સાધ્વીનું કેરેક્ટર રહસ્યમય લાગ્યું હતું. અને એ જ રહસ્ય પરથી અત્યારે પરદો ઊંચકાઈ રહ્યો હતો. “તમે લોકોએ તમારી હિસ્ટ્રીમાં બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કમ્પનીનું નામ તો સાંભળ્યું જ હશે?” એણે પ્રશ્ન પૂછ્યો અને સામે બેઠેલા તમામના દિમાગમાં ઈતિહાસના એ કાળા દિવસોની યાદ તાજી થઇ ગઈ. જયારે ભારત પર અંગ્રેજોનું શાસન હતું. બસો વર્ષ સુધી ભારતને ગુલામીની જંજીરોમાં જકડી તેનું બેફામ શોષણ કરનાર અંગ્રેજી શાસનની શરૂઆત ઇસ્ટ ઇન્ડિયા કમ્પનીના વેપારથી થઇ હતી. પણ લીઝા સેમ્યુઅલ એની વાત અત્યારે કેમ કરી રહી હતી?
“મારા સુપર ગ્રાન્ડ ફાધર, જેને તમે લોકો પરદાદા કહો. એ જોન સેમ્યુઅલ પેલા લોર્ડ મેકોલે સાથે આજથી એકસો ચાલીસ વર્ષ પહેલા લગભગ ઈ.સ. ૧૮૮૦ની આસપાસ ભારત આવ્યા હતા. મેં મારા ફાધર અને ગ્રાન્ડ ફાધર પાસેથી મારા પરદાદાની વાતો સાંભળી છે. મેકોલે એક ક્રૂર માણસ હતો. મીઠું-મીઠું બોલવાની ગજબ આવડતવાળો એ આદમી બહુ બારીકાઇથી ભારતના જુદા-જુદા પ્રદેશોમાં ફરતો. અહીંના લોકોની ખુમારી, બહાદુરી, ગર્વ અને પરંપરાની માહિતી એકઠી કરી રહ્યો હતો. મારા પરદાદા પણ તેની સાથે એક આસીસ્ટન્ટ તરીકે ઘૂમતા અને એ જે કંઈ પણ નોટ લખાવતો, એ લખવાનું કામ કરતા હતા.
મારા પરદાદા થોડા સ્પિરિચ્યુઅલ હતા, આધ્યાત્મિક હતા. ઇન્ડિયાના લોકોની સ્પિરિચ્યુઅલ સેન્સનો તેમણે બારીકાઇથી અભ્યાસ કર્યો હતો. મેકોલે સાથે અહીં તેઓ ત્રણેક વર્ષ રહ્યા. એ દરમિયાન ગીરનારના જંગલોમાં અને હિમાલયની ગુફાઓમાં તેમણે ઘણા ચમત્કારી સાધુઓના ચમત્કારો જોયા હતા. ખાસ તો નાથુભાઈ નામના એક સજ્જન વિષે એમણે બહુ છણાવટ કરી હતી.
એમનો પર્સનલ નોટ્સમાં નાથુભાઈ સાથેની એમની પહેલી મુલાકાત વિષે લખ્યું હતું કે આઈ વોઝ ઇન ફ્રન્ટ ઓફ ગોડ. ફેસ ટુ ફેસ મેં મારી સગી આંખે ભગવાનને જોયા. મારી સામે જ..” કહી એક ક્ષણ લીઝા અટકી અને સામે બેઠેલા સૌ ની તંદ્રા તૂટી “આજના જમાનામાં આ વાત માની શકાય તેવી નથી. પણ મારા દાદાએ મારા પરદાદાની એ વાતને સમર્થન આપ્યું ત્યારે બ્રિટનના મુખ્ય ચર્ચના મુખ્ય પાદરી ફાધર મારા દાદાને વેટિકન લઇ ગયા હતા. આ વાત આજથી સો વર્ષ પહેલા બની હતી. લગભગ ૧૯૧૦-૨૦ની આસપાસ. મારા દાદાજીની વાતને વેટિકનના એક પાદરીએ ચકાસી અને એ પછી તેઓએ નાથુભાઈ કે જે ત્યારે નાથુદાદા તરીકે ઓળખાતા હતા તેમના કેટલાક ચમત્કારો જોયા. નાથુદાદાને જયારે વેટિકનના એ પાદરી મળવા આવ્યા ત્યારે દાદા સમાધિમાં બેઠા હતા. ગીરનારની એક ગુફામાં દિવસો સુધી પાદરીએ રાહ જોઈ. અઢાર દિવસ બાદ દાદાની સમાધિ તૂટી અને પાદરીને દાદા સમક્ષ બીજા દિવસે હાજર કરવામાં આવ્યા. દાદાએ પાદરીને જોતા જ સામેથી પૂછ્યું હતું. “તમે આજ તમારી દવાનું પેકેટ સાથે કેમ નથી રાખ્યું?” અને પાદરીએ પોતાના કાયમીના થેલાના ખાનામાં તપાસ કરી તો પેકેટ ન હતું. બીજું આશ્ચર્ય પાદરીને એ પણ થયું કે અઢાર દિવસ સુધી તેઓ આ દવા વિના રહ્યા છતાં પણ રોજ સાંજે ઉઠતું એ બ્લડપ્રેશરનું દર્દ અઢાર દિવસમાં એકય વાર ન ઉઠ્યું.
મારા દાદાએ નાથુદાદાનો એ સંવાદ ડાયરીમાં નોંધી રાખ્યો છે. નાથુદાદાએ વેટિકનના ફાધરને ઈંગ્લીશમાં કહેલું. “આઈ નો.. યુ કમ હિયર ટુ વેરીફાય માય સ્પિરિચ્યુઅલ લેવલ. બુટ ઇસ યોર લેવલ, સો હાઈ ધેટ યુ કેન મેઝર માય લેવલ?” ફાધર તો ચક્કર ખાઈ ગયેલા. “ના.. ડોન્ટ બી સરપ્રાઈઝડ. ઇન્ડીયન કલ્ચરમાં એવી અનેક પ્રક્રિયાઓ છે જેના દ્વારા તમે તમારા અનેક જન્મો યાદ રાખી શકો. મી. સ્મિથ.” ફાધર ફરી ચોંક્યા. એમનું ફાધર બનતા પહેલાનું નામ મી. સ્મિથ હતું. ફાધર બન્યા પછી તેઓ છેલ્લા પિસ્તાલીસ વર્ષથી ફાધર ક્રાઈસ્ટ જ કહેવાતા હતા. જે નામ ખુદ ફાધર પોતે જ લગભગ ભૂલી ગયા હતા, એ બ્રિટનથી હજારો કિલોમીટર દૂરના અજાણ્યા પ્રદેશનો ફક્કડ માણસ કેવી રીતે જાણી શકે? ફાધર નાથુદાદા ના પગમાં પડી ગયા. એમની આંખમાં આંસુ આવી ગયા. તેઓના મનમાં અહોભાવ પ્રગટ્યો. આ ઘટનાઓ લગભગ એ સમયની છે જયારે ગાંધીજી આફ્રિકાથી ભારત પ્રથમ વખત આવ્યા હતા. ત્યારે ભારતમાં આઝાદીના આંદોલનોને તેજ ગતિ મળી હતી. આજથી લગભગ સો વર્ષ પહેલા..
એ પછી ફાધર ક્રાઈસ્ટે પોતાના અનુભવો ચર્ચમાં શેર કર્યા અને ત્યાંથી બધી વાતો બ્રિટનના અખબારોમાં છપાઈ. એક દિવસ ત્યાંના વૈજ્ઞાનિકોનું એક ડેલીગેશન ઇન્ડિયા આવ્યું. નાથુદાદાની તેમણે ખાનગી મુલાકાત લીધી અને તેઓ સ્તબ્ધ થઇ ગયા. “યુ હેવ રીઝ્ન્ટલી ફાઉન્ડ ધ ટ્રુથ અબાઉટ બીગ બેંગ.” નાથુદાદાએ બિગબેંગની થીયરીનો ઉલ્લેખ કર્યો. જે ત્યારે નવી-સવી હતી. હજુ વૈજ્ઞાનિકોએ એને પૂરી સ્વીકારી ન હતી. નાથુદાદાએ એ થીયેરીનો ઉલ્લેખ કરી કહ્યું હતું. “કે તમે વૈજ્ઞાનિકો મોટા ધડાકામાંથી સૂર્યો અને આકાશગંગાઓ બની. તેમાંથી પહાડો, નદીઓ અને જંગલો બન્યા ત્યાં સુધી પહોંચી શકશો. પણ વ્હોટ અબાઉટ ધ બ્રીધીંગ મીકેનીઝમ? શ્વાસ, જીવ, ચેતના, મન, વિચાર અને આત્મા કઈ મેટરના બનેલા છે? ત્યાં સુધી તમારી પહોંચ છે ખરી? ડોન્ટ સ્ટોપ એટ મેટર. ત્યાંથી આગળ વધો. એન્ડ કોન્સન્ટ્રેટ ઓન ઈમમટીરીયલ. અભૌતિક. ધિ સોફ્ટવેર નોટ ધિ હાર્ડવેર. એ જગ્યાએ સૂર્યના વાયુઓ નહીં સૂર્યનો આત્મા છે. સૂર્યનું સૂક્ષ્મ સ્વરૂપ. જો વિજ્ઞાન ત્યાં પહોંચે તો સૂર્ય પણ તમને બોલતો સંભળાય.
અમારા કૃષ્ણએ ગીતામાં કહ્યું કે હું સૂર્ય છું. એ હું એટલે સૂર્ય સાથે ડાયરેક્ટ કનેક્ટેડ. કૃષ્ણનું સૂક્ષ્મ સ્વરૂપ. આપણે સૌ અલ્ટીમેટલી સૂર્ય છીએ. પણ નો... યુ ડોન્ટ બીલીવ ઇટ. એકચ્યુઅલી યુ કાન્ટ.”
અને ફરી લીઝા અટકી ત્યારે સૌ ફાટી આંખે તેની સામે તાકી રહ્યા હતા. જાણે સામે લીઝા નહીં, ખુદ નાથુદાદા બેઠા હોય. લીઝા અટકી પણ સૌ એને તાકતા જ રહ્યા. એટલે એણે ફરી આગળ કહ્યું. “હવે હું મૂળ વાત પર આવતા પહેલા તમને ચોખવટ કરી દઉં. હું બ્રિટનની એક બહુ પ્રખ્યાત સોફ્ટવેર કંપનીમાં ચીફ સોફ્ટવેર એનાલીસ્ટ તરીકે ત્રણ વર્ષ પહેલા એક લાખ ડોલરના પગારે કામ કરતી હતી. સાયન્સમાં માસ્ટર્સ કર્યા પછી મેં ત્રણ વર્ષ કમ્પ્યુટર શીખ્યું છે. એટલે મારી વાતોને અવૈજ્ઞાનિક કે બકવાસ સમજવાની ભૂલ તો તમે નહીં જ કરો.” કહી લીઝાએ ફરી મૂળ વાત આગળ વધારી. “મારા બોસ બ્રિટનના સૌથી મોટા શાહુકાર છે. પંદર ટાપુ, સાત જહાજ અને એકવીસ ફાઈવ સ્ટાર હોટલ તો એમની અમેરિકામાં છે. એમને મારી સ્પિરિચ્યુઅલ સેન્સ પર ભરોસો છે. એક વખત એમણે મને પૂછ્યું. “લીઝા.. ડૂ યુ બીલીવ ઇન ગોડ? અને મેં એમની મુલાકાત મારા પિતા સાથે કરાવી મારા પિતાએ નાથુદાદાની વાત મારા બોસને કરી. વૈજ્ઞાનિકોના ડેલીગેશન સાથેની નાથુદાદાની વાત મારા બોસને ગમી. એમણે પૂછ્યું. “પછી શું થયું? એ વૈજ્ઞાનિકોના પ્રતિભાવો કેવા રહ્યા?” મારા પિતાએ ગમગીન અવાજે કહ્યું. “એમના પ્રતિભાવો મને બીજા દિવસે બ્રિટનના છાપામાં વાંચવા મળ્યા. એકદમ બકવાસ. એ લોકોએ ઇન્ડીયન સાધુની વાતોની ઠેકડી ઉડાડતા અભિપ્રાયો આપ્યા.” બોસને પણ વૈજ્ઞાનિકોની આ વાત ન ગમી. “એ પછી તમે પેલા નાથુદાદાને મળવાની કોશિશ ન કરી?” મારા બોસે મારા પપ્પાને પૂછ્યું. “પપ્પાએ કહ્યું. હું બે-ચાર વાર ઇન્ડિયા ગયો. પણ નાથુદાદાનો કોઈ પત્તો નથી મળતો. નથી પેલી ગુફાઓમાં જોવા મળતા કે નથી એમના કોઈ આશ્રમમાં જોવા મળતા. એમના સાધકો ગીરમાં અને હિમાલયમાં આશ્રમોમાં સાધનાઓ કરે છે. પણ નાથુદાદાનું શું થયું એ મને કયાંયથી જાણવા ન મળ્યું.” બોસને આશ્ચર્ય થયું. ઇન્ડિયાનો સંત ખોવાઈ ગયો અને ઇન્ડિયાના લોકોને ખબરેય નથી? એક જીવતો-જાગતો ગોડ ગાયબ થઇ ગયો અને કોઈને કશી પડી નથી? પણ બોસના પછીના વાક્યે અમને બાપ-દીકરીને ચોંકાવ્યા. “વિ વિલ ફાઈન્ડ આઉટ હિમ...” બોસ બોલ્યા. અને અમે ચોંકીને તેમની સામે જોયું. “તમે તો જાણો છો મિસ્ટર સેમ્યુઅલ. આપણે બ્રિટીશરો બોલીએ કૈંક અને કરીએ કૈંક. મને લાગે છે કે નાથુદાદાના ગાયબ થવા પાછળ કૈંક કાવતરું છે. આપણે ફાધર ક્રાઈસ્ટથી શરૂઆત કરીએ.” અને અમે ફાધર ક્રાઈસ્ટ પાસે પહોંચ્યા. “આઈ વોન્ટ ટુ સી ગોડ. એટ એની કોસ્ટ..” બોસની અઢાર ગાડીઓ ચર્ચની બહાર ઉભી હતી. અને બોસનું વાક્ય ફાધરને બહુ વજનદાર લાગ્યું. “સર.. એના માટે તમારે બ્રિટીશ સાયન્સ લેબના ઝેડ સેવન ઝોનનો દરવાજો ખોલાવવો પડશે. અને અમે ત્રણેય ચોંકી ઉઠ્યા. વૈજ્ઞાનિકોએ દુનિયાને ગુમરાહ કરી હતી. બોસે રૂપિયા પાણીની જેમ વાપર્યા અને અમે બ્રિટીશ સાયન્સ લેબના ઝેડ સેવન ઝોનના સાઉથ બ્લોકના સિક્રેટ હોલના મોટા સ્ક્રીન સામે ગોઠવાયા. પરદા પર લાઈવ દ્રશ્ય ઝબુક્યું. એ નાથુદાદા હતા. અદભૂત દ્રશ્ય હતું એ. ધ્યાનસ્થ અવસ્થામાં બેઠેલા દાદાની ફરતે એક પ્રકાશિત આભામંડળ હતું. હાઈ રેઝોલ્યુશન કેમેરા એમના દેહની બહુ બારીક વિડીયોગ્રાફી કરી પરદા પર દેખાડી રહ્યા હતા. ચારે બાજુથી તેમનો પ્રજ્વલિત દેહ દેખાઈ રહ્યો હતો. એમના શ્વાસ એકધારા ચાલતા હતા. અન બિલીવેબલ.. મારા દિમાગમાં એક ગણતરી.. મારી સામે લગભગ એકસો પાંત્રીસ વર્ષના આયુષ્યવાળા નાથુદાદા લાઈવ હતા. ચીફ સાયન્ટીસ્ટ ગ્રેહામ ફોર્ડે અમને માહિતી આપી. “આ રૂમથી બરોબર એક કિલોમીટર પાછળ બેઠા છે આ મહાન ઇન્ડીયન ગોડ. લગભગ અર્ધા કિલોમીટરની રેડીયસ વાળો બાગ છે. ફુલ્લી પ્રોહીબીટેડ એરિયા. યુ વિલ નોટ બીલીવ. એ લગભગ બે વર્ષથી આમ જ આંખ બંધ કરી સમાધિમાં બેઠા છે.” ફોર્ડના વાક્યે અમે હચમચી ગયા અને લગભગ ચાલીસેક વર્ષથી અહીં છે. સીન્સ એઇટી ફાઈવ.”
“આઈ વોન્ટ ટુ મીટ હિમ.” મારા બોસે ખૂબ એક્સાઈટમેન્ટ સાથે કહ્યું.
“ઈમ્પોસીબલ સર.. વિથ ડ્યુ રીસ્પેકટ.” ફોર્ડે તરત જ કહ્યું. “બે વર્ષ પહેલા પ્રિન્સ વિન્ચીએ અતિ દુરાગ્રહ કર્યો અને એમને મળવા ગયા ત્યારે એમની સામે ઊભા રહી ગુડ મોર્નિંગ શબ્દ ઉચ્ચાર્યો. સામે કશી જ અસર ન થઇ. દાદા સમાધિમાં બહુ દૂર પહોંચી ગયા હશે. પ્રિન્સે બે-ત્રણ વાર ગુડ મોર્નિંગ કહ્યું ત્યારે દાદાના ચહેરાની રેખાઓ થોડી ખેંચાઈ અને એમણે આંખ ખોલી. ત્યાં પ્રિન્સને તો ન દેખાયું પણ અહીં કેમેરામાં એક લાલ રંગનું તરંગ પ્રિન્સ તરફ ફેંકાયું અને પ્રિન્સને પેરેલીસીસ થઇ ગયું. હજુ તેઓ પથારીવશ છે.”
અમે ત્રણેય.. હું, મારા બોસ અને મારા ડેડી અવાચક થઇ ગયા.
“એ પછી દાદાએ ફરી આંખ બંધ કરી લીધી. અમે માંડ-માંડ ઓનરેબલ પ્રિન્સના જમીન પર પડેલા દેહને ત્યાંથી બહાર લીધો. એ પછી ત્યાં જવાની અમે હિમ્મત કરી નથી.” કહી સહેજ અટકી ફોર્ડે ફરી કહ્યું. “ત્યાંનું વાતાવરણ દાદાના કન્ટ્રોલમાં છે. એવું નથી કે ત્યાં કોઈ જઈ શકતું નથી. અમે અહીં સ્ક્રીન પર જોઈએ છીએ. ક્યારેક ત્યાં કોઈ પતંગિયું ઉડતું હોય છે, તો ક્યારેક કોઈ ભમરો પણ ત્યાં હોય છે.”
‘તો શું હવે તેમને કોઈ દિવસ કોઈ મળી કે સાંભળી નહીં શકે?” મારા બોસે ફોર્ડને વચ્ચે જ પૂછ્યું.
“પ્રિન્સ વિન્ચીનો કેસ બન્યા પછી તેમને ફરી સાજા કરવા ડોકટરોની મોટી ટીમ કામે લાગી. ઇન્ડિયાના ડોક્ટર સુબ્રમણ્યમે પ્રિન્સ વિન્ચીને તપાસીને કહ્યું હતું કે “તમે લોકો કૈંક છુપાવી રહ્યા છો. પ્રિન્સને કૈંક અસાધારણ થયું છે. ખાલી લથડી પડ્યા નથી. એમના હાર્ટના લેફ્ટ પાર્ટની એક જ પાતળી નસનો કેવળ એ ભાગ થીજ્યો છે, જે એ નસનો પણ ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો થ્રી પરસેન્ટ છે. પહેલા એ ભાગ થીજ્યો અને પછી પ્રિન્સ લથડ્યા છે.”
“એમનું આટલું સચોટ નિદાન સાંભળી રાજમહેલમાં ખળભળાટ મચી ગયો અને મને ડોક્ટર સુબ્રમણ્યમ સાથે ચર્ચા કરવા બોલાવવામાં આવ્યો. સિત્તેર વર્ષના ડોક્ટરનું વિશ્વ લેવલે મોટું નામ છે. રશિયાના પ્રેસિડેન્ટનું ઓપરેશન એમણે કર્યું ત્યારથી એમની સર્જરીનો ડંકો દુનિયામાં વાગી રહ્યો છે. ડોક્ટર કોઈ ફી નથી લેતા. રોજ બે કલાક ધ્યાન કરે છે. એમનો બાયોડેટા વાંચ્યા બાદ મેં એમને પૂરા વિશ્વાસમાં લઇ નાથુદાદાની વાત કરી, તો તેઓ ભડકી ગયા. ‘વ્હાય યુ બ્રોટ હિમ હિઅર?’ કહી એમણે અમને ઘણું કહ્યું પણ છેલ્લે હું એમને કન્વીન્સ કરી શક્યો કે ઇન્ડિયામાં આ ઉર્જાશક્તિને સમજી શકે એવું ક્યાં કોઈ છે? ત્યાં તો દાદાને બાવો સમજી લોકો લગ્ન ક્યારે થશે? અને નોકરી ક્યારે મળશે? જેવા ફાલતુ સવાલોમાં આ દાદાને ગૂંચવી નાંખશે. મારી વાતો ડોક્ટર ના ગળે ઉતરી. તેઓએ આ વાત સદાય ગુપ્ત રાખવાનું વચન આપ્યું. અને દાદાની રક્ષા માટે કંઈ પણ કરવાની તૈયારી બતાવી.”
“દાદાનું એનર્જી લેવલ જીરવવાની તાકાત સામાન્ય માણસમાં નથી. આ સામાન્ય માણસમાં પ્રિન્સ વિન્ચી જ નહીં, ફાધર ક્રાઈસ્ટ પણ આવી જાય. હું ખાલી નથી કહેતો. ડોક્ટર સુબ્રમણ્યમે એક સ્પેશ્યલ તકનીક વિકસાવી છે. જેના દ્વારા માણસનું ઉર્જા લેવલ માપી શકાય છે. અહીં બેઠેલા તમામ દાદાના ઉર્જા લેવલના અડધે પણ પહોંચી શકે તેમ નથી.”
“ઇન્ડિયામાં બે-પાંચ સદી પહેલા આવી ઉર્જાવાળા હજારો માણસો હતા. એનું કારણ ત્યાંની ગુરુકુળ શિક્ષણ વ્યવસ્થા અને કુટુંબપ્રથા હતી.” ડોક્ટર સુબ્રહ્મણ્યમે આગળ કહ્યું. “શિક્ષણ વ્યવસ્થાને તો તમારા મેકોલે એન્ડ કમ્પનીએ તોડી નાખી અને કુટુંબ પ્રથા ધીમે-ધીમે અમે ઇન્ડિયાના લોકો સમજ્યા વિચાર્યા વિના તોડી રહ્યા છીએ. ખેર.. પ્રિન્સને ફરી બેઠા કરવા હોય તો દાદાની ફરી એક પ્રેમાળ નજર એમના પર પડવી જોઈએ. તો જ પ્રિન્સનું પેરાલીસીસ ઠીક થશે. આવી પ્રેમાળ નજર માટે હાઈ ઉર્જા લેવલવાળા માનવને દાદા સામે મૂકવો પડશે એવું નિદાન ડોકટરે કર્યું.”
“મારા બોસ અને હું અને મારા પિતા કોઈ રોમાંચક રહસ્યકથા સાંભળતા હોઈએ એમ થીજી ગયા હતા. મને ઊંડે-ઊંડે મથામણ ચાલુ થઇ. અને મેં ઇન્ડિયા જઈ, સાધના કરી મારું ઉર્જા લેવલ વધારવાનો અથવા એવા ઊંચા ઉર્જા લેવલવાળા કોઈ ઇન્ડીયનને શોધી કાઢવાનો નિર્ણય કર્યો અને હું ઇન્ડિયા આવી.”
ફરી લીઝા અટકી અને સામે બેઠેલા સૌની સામે જોયું. સૌ કોઈ દિગ્મૂઢ બની સાંભળી રહ્યા હતા. તેઓને થોડું-થોડું સમજાવા માંડ્યું હતું.
“ઇન્ડિયા આવી, હું એક વરસ રખડી. કાશી, બનારસ, હિમાલય, હરિદ્વાર. એકવાર તો હું એક ગ્રુપ સાથે હિમાલયના કાશ્મીર છેડા બાજુ જઈ રહી હતી. ત્યાં પાકિસ્તાની આતંકવાદીઓની એક ટોળકી અમારા પર તૂટી પડી. આ યાકુબખાન પણ એમાં શામેલ હતા. અમારા બધા પૈસા લૂંટી લીધા પછી અમને એક કમરામાં પૂરી રાખવામાં આવ્યા. ત્યાં યાકુબ સાથે મારે વાતચીત થઇ. મેં મારો ઉદ્દેશ તેને કહ્યો. એને પણ પોતાની અફઘાનિસ્તાન અને ગઝનીવાળી દાસ્તાન મને સંભળાવી. એ હિંદુપ્રેમી હતો. એણે મને સલામત જવા દીધી. અને અમે બંનેએ એક-બીજાને બનતી મદદ કરવા વચન આપ્યું.”
સૌએ એક નજર યાકુબ પર નાખી અને ફરી લીઝા સામે જોયું.
“મારી શોધ સંજીવની આશ્રમવાળા સિદ્ધબાબા આગળ અટકી. લગભગ બેએક વર્ષ પહેલા હું એમના સંપર્કમાં આવી. તેઓ નાથુદાદાના સાધક હતા. મેં છાના-માના એના ફોટા પાડી ડોક્ટર સુબ્રમણ્યમને મોકલ્યા. ડોકટરે એમને નાપાસ કર્યા એવામાં સિદ્ધબાબા જુનાગઢના અમારા બીજા આશ્રમમાંથી એક નવા સાધક તરીકે સંજીવને લાવ્યા. સંજીવે અહીં રહી જોરદાર સાધના કરી. મને એ રહસ્યમય સાધનાનો ગજબ અનુભવ થયો. સમાધિના એક લેવલે સાધક વિચલિત ન થઇ જાય એ માટે એના જ્ઞાનચક્ર પર જો પુરુષ સાધક હોય તો કોઈ સ્ત્રી દ્વારા પ્રગાઢ ચુંબન કરવામાં આવે તો જ એની સમાધિ અવસ્થા સરળતાથી સામાન્ય અવસ્થામાં ફેરવાઈ શકે. એવા કોઈ રહસ્યમય નિયમ માટે સિદ્ધબાબા એ મને પ્રસ્તાવ મુક્યો. મારા માટે એમાં કશું ખરાબ કે ખોટું ન હતું. હું તૈયાર થઇ ગઈ અને દોઢ વર્ષના પ્રયોગો બાદ સંજીવ ત્રણ-ત્રણ મહિના સમાધિસ્થ રહી ઉર્જાના બહુ ઊંચા લેવલે પહોંચી ગયો. મેં મારી સામે ઈશ્વર સર્જનના એક-એક સ્ટેપ જોયા. પણ કોણ જાણે કેમ છેલ્લા પગથિયે સંજીવ પહોંચી શકતો ન હતો. અને એક દિવસ સિદ્ધબાબાએ સંજીવને પોતાના પૂર્વાશ્રમના અમુક બંધનોમાંથી મુક્ત થવા પરત મોકલ્યો.
મારા માટે સૌથી મોટા ન્યૂઝ એ હતા કે ડોક્ટર સુબ્રમણ્યમે સંજીવના ફોટાને પેલા ઉર્જા યંત્ર પર ચેક કરી મને સમાચાર આપ્યા કે “ધિ મેન.. ઇસ ધિ મેન...”
સંજીવ એ જ હતો. જેની અમને તલાશ હતી.
ક્યાંય સુધી બ્યુરોના આ સિક્રેટ રૂમમાં સન્નાટો છવાયેલો રહ્યો.
થોડી વારે લીઝા જ બોલી. “હું પણ સંજીવને બ્રિટન જ લઇ જવા માંગતી હતી. પણ મારી ઈચ્છા હતી કે રતનપર ગયેલો સંજીવ સંપૂર્ણ મુક્તિ મેળવી, સિદ્ધબાબા પાસે પરત આવે. પછી ત્યાં છેલ્લું લેવલ પૂરું કરી એનામાં ઈશ્વરત્વ પ્રગટે પછી બાબાએ એને બધી સાચી વાત જણાવવી અને નાથુદાદા પાસે એને લઇ જવો. પણ લાગે છે મારા બોસ અને પ્રિન્સ કૈંક જુદી જ યોજના ઘડી બેઠા છે.”
લીઝાએ બોલવાનું પરું કર્યું ત્યાં બહારથી દોડતો ચીફ સિક્યોરીટી ગાર્ડ અંદર આવ્યો. “સર.. સંજીવ હોસ્પિટલમાં ક્યાંય મળતો નથી.” અને એક સાથે સૌના હૃદયમાં હળવી ઘ્રુજારી છૂટી ગઈ.

============