પ્રકરણ ૧૬
ના કોઈ ઉમંગ હૈ, ના કોઈ તરંગ હૈ,
મેરી જિંદગી હૈ ક્યાં એક કટી પતંગ હૈ..
ટ્રેનની ભાગવાની ઝડપ કરતા જુબેદાના દિમાગમાં મચેલી હલચલ વધુ તેજ હતી. અમદાવાદના દોલતપરાની પોતાની બિમાર અકા ફાતિમાબેગમના શબ્દો હજુયે જુબેદાના કાનમાં ગૂંજતા હતા. “આ અંધેરી ગલીઓ છે બેટી. અહીંથી આગળ રસ્તો ક્યાંય જતો નથી. તું મારી બેટી સમાન છે. તારા માટે આ કોઠી હંમેશા ખુલ્લી છે. જયારે જવું હોય ત્યારે જતી રહેજે.”
વર્ષો પહેલા આ કોઠીની પાછલી ઓરડીમાં દિવસો સુધી પોતે રડતી રહી હતી. ફાતિમા બેગમે કોઈ જોર-જબરદસ્તી નહોતી કરી. અને એક દિવસ એના આંસુ સુકાઈ ગયા. ફાતિમા બેગમના ખોળામાં જ મોં છુપાવી એ છેલ્લા આંસુ એણે સારી લીધા અને હળવી બની પાછલી જિંદગી, પાછલો અવતાર જાણે સમેટાઈ ગયો. અને એણે નવો અવતાર ધારણ કર્યો. ફાતિમા બેગમે એને નામ આપ્યું હતું જુબેદા. એક મુસ્લિમ નામ...
“અહીં કોઈ અસલી નથી.” એવું જયારે ફાતિમા બેગમે કહ્યું હતું ત્યારે જુબેદાએ એમની સામે શંકાથી જોયું હતું. એની શંકા સમજી જતા ફાતિમા બેગમે કહ્યું હતું. “હા.. હુંય અસલી ફાતિમા બેગમ નથી.” બસ આટલું કહી જાણે ફાતિમા બેગમે પોતાના ભૂતકાળમાં જઈ રહેલા મનને અટકાવ્યું હતું.
અહીં ફાતિમા બેગમનો રૂઆબ હતો. મર્દોના દિલ બહેલાવવા અહીં ઔરતોનો નાચ થતો, પણ કોઈ મરદ આજ સુધી એવો નહોતો પાક્યો કે જેણે ઔરતની મરજી વિરુદ્ધ મર્યાદા ઓળંગી હોય. શરૂઆતમાં ફાતિમા બેગમે આવી અનેક ધરપત જુબેદાને આપેલી છતાં જુબેદા માટે આ નાચગાન અને એ પણ ભુખાળવા મર્દોની સામે અંગોના ખુલ્લા ઉલ્લાળા એ ‘ગંદુ કામ’ કે ‘અપરાધ’ કે ‘પાપ’ હતું. આ નાચા-નાચી અને પોતાની ગામના મંદિરમાં પોતે કરેલા નૃત્ય વચ્ચે જમીન આસમાનનો તફાવત હતો.
ટ્રેન અમદાવાદની બહાર નીકળી અને જુબેદાએ જાણે જુબેદાનો લિબાસ ત્યજી સાત વર્ષ પહેલાના પોતાના પૂર્વજન્મ, પૂર્વ અવતાર તરફ પ્રયાણ શરુ કર્યું.
“ઓહો જુબેદારાણી.. કિસ્મત ખૂલી ગયા અમારા કે તમે અમને સામેથી ફોન જોડ્યો.” રફીકના શબ્દો હજુયે જુબેદાને તાજા હતા. ગઈકાલ સાંજે નાચના બે કલાક પહેલા જુબેદા કોઠીના પોતાના કમરામાં બેઠી હતી. અને અચાનક એને રફીક યાદ આવ્યો. પોતાને ભૂખાળવી આંખે આખે-આખી ચૂંથનારા મર્દો કરતા રફીક સહેજ જુદો હતો. એની આંખમાં વાસના તો હતી, પણ એનાથી વધુ તાજુબી હતી. એ જુબેદાને એકીટશે તાકી રહેતો. અને નાચ પૂરો થયા પછી કેટલીયે મિનીટો ખોવાયેલો રહેતો. એટલે જ તો જુબેદા એને નાચ પછીયે કોઠીના અકાના કમરામાં મળતી, એની સાથે વાતો કરતી. એનાથી રફીકનું તો કિસ્મત ખુલી જતું અને જુબેદાને થોડી રાહત થતી.
“ક્યાં ગાયબ થઇ ગયો? મુંબઈ કે વડોદરા?” જુબેદાએ રફીક સાથે ક્યારેક ફોનના વ્યવહાર રાખ્યા હતા.
“ના રે ના.. મેરી જાન... અપુન તો સૌરાષ્ટ્ર બાજુ આયેલા હે. જામનગર કે પાસ.. રતનપર ગાવ મેં પડેલા હૈ..”
અને જુબેદાના આખા દેહમાંથી જાણે કરંટ પસાર થઇ ગયો. વર્ષો બાદ એણે રતનપર ગામનું નામ સાંભળ્યું. અને જાણે હૃદયનો એક જામી ગયેલો હિસ્સો સહેજ પીગળ્યો. તેને રતનપરનો સરસ્વતી ડેમ, અન્નપુર્ણા મંદિર, પૂજારી રતિલાલ મારાજ, શારદા માસી આંખ સામે ઉપસી ગયા. એ સાથે જ એને પોતાની વાત્સલ્યમૂર્તિ મા યાદ આવી. ભોળા-ભલા, ગભરુ પિતા યાદ આવ્યા.
નાચનો સમય થઇ ગયો હતો. અકાનું તેડું આવી ગયું હતું. પણ જુબેદાનું મન આ કોઠીથી ચારસો કિલોમીટર દૂર અને દસ-પંદર વર્ષ પહેલાના સમયમાં જઈ બેઠું હતું. નાનકડી છોકરી મંદિરના પડથારમાં ગોળ-ગોળ ઘૂમતી નાચી રહી હતી, એ પોતે હતી. અને જમણી બાજુ શારદાબા વાજું વગાડતા હતા, રતિલાલ મારાજ તબલા વગાડતા હતા અને માલતી નામની છોકરી પોતાના મીઠા અવાજે “યશોમાતી મૈયા સે બોલે નંદલાલા..” ગાઈ રહી હતી. પોતે નાચવામાં મગ્ન હતી.
“કહાં ખો ગઈ જુબેદા રાણી?” બે-ત્રણ વાર કાને લગાડેલા ફોન પર રફીકે પૂછ્યું. અને જુબેદા સામેનું ભૂતકાળનું રંગીન દ્રશ્ય અદ્રશ્ય થયું. અને જુબેદા કાળા ડિબાંગ વર્તમાનમાં પટકાઈ. નીચે કોલાહલ સંભળાતો હતો. બે જ ક્ષણમાં જુબેદાએ ખુદને સંભાળી અને સાતમી જ મિનીટે નીચેના હોલમાં એનો નાચ શરુ થયો. નશીલી આંખે ભુખાળવા મર્દોની શરીરને આરપાર જોતી નજરથી આજ ફરી એકવાર જુબેદાને ડર લાગ્યો. જમણા ખૂણે જુમ્મન ચાચા તબલા વગાડતા હતા, અકા હાર્મોનિયમ વગાડતી હતી અને નૂરજહાં ચાચી ગીત ગાઈ રહી હતી. “ઇન આંખો કી મસ્તી કે મસ્તાને હજારો હૈ.”
જુબેદાનું મન કોઠી અને મંદિર વચ્ચે જોલા ખાઈ રહ્યું હતું. અંગ પ્રદર્શનના બદલે ઈશ્વર દર્શનનો ભક્તિ ભાવ એના દિલો-દિમાગ પર હાવી થઇ રહ્યો હતો.
“આપણે ઔરત જાત છીએ, જુબેદા.. એ કદી ભૂલતી નહિ.” દિવસો પહેલા એક રાત્રે ફાતિમા બેગમે ખોળામાં સુતેલી જુબેદાને સમજાવેલું. “એમાંયે આપણે તો ઔરતોમાંય સાવ નીચલા સ્તરની તવાયફો, નાચનારીઓ છીએ. આપણી પાસે એક જ તાકાત છે અને એ છે આપણા રૂપાળા અંગોના ઠુમકા.” કહી એક શ્વાસ અટકી ફાતિમા બેગમે નિશ્વાસ નાખતા કહ્યું હતું. “આપણે કાયર પુરુષોની પેદાશ છીએ. કાયર સમાજની કાયરતાનો આપણે જીવતો જાગતો પુરાવો છીએ... સમાજ ની તમામ ફિશિયારીઓ.. મોભી માણસોના તમામ આડંબર પર સણસણતો તમાચો છીએ. આપણી આંખમાં આંખ નાખવાની હિમ્મત સમાજમાં નથી, છતાં નફફટ સમાજ આપણને કચરામાં ખપાવી રહ્યો છે.” ફાતિમા બેગમના અવાજમાં આક્રોશ હતો. “તું જ કહે.. કોઈ દીકરી જન્મે તવાયફ, નાચનારી કે વેશ્યા બનવાના કોડ સાથે જન્મે છે?”
જુબેદા ફાતિમા બેગમની આંખમાં ક્રોધ અને આંસુ બંને જોઈ રહી. ફાતિમાએ તવાયફોના જીવનનું આખરી સત્ય કહ્યું. “દુનિયાના તમામ વેશ્યાલયોમાં ખરેખર તો સમાજની કાયરતા, સમાજની નફ્ફટાઈ અને સમાજની હેવાનિયત નાચી રહી છે, નગ્ન થઇ રહી છે અને મૂર્ખ સમાજ વેશ્યાલયોને ગંદકી કહી ગાળો આપે છે. એ એ કબુલવા તૈયાર જ નથી કે આ ગંદકી એમણે પોતે સર્જેલી વ્યવસ્થામાંથી જન્મેલી છે. એની પોતાની ખુદની ભીતરની સાથે જોડાયેલી એક કમજોરીનું પરિણામ છે.”
ટ્રેન રાજકોટ સ્ટેશને ઉભી રહી અને જુબેદાને યાદ આવ્યું. તે દિવસે રાજકોટથી તેને માટે માંગું આવેલું.
પોતે નવ ધોરણ સુધી ભણી હતી અને છોકરો બાર ધોરણ પાસ હતો. રાજકોટમાં એની પાનની દુકાન હતી. પણ હતો ભારે ઉત્સાહી અને આશાવાન.
“મને નાનપણથી વાંચનનો શોખ.” એણે રતનપરના બે ઓરડીવાળા ઘરની આગલી ઓરડીમાં શારદામાસીને ત્યાંથી માંગી લાવેલી પ્લાસ્ટિકની ખુરશી પર બેઠા-બેઠા કહ્યું હતું જે પોતે અંદરના રસોડામાં સાંભળી રહી હતી. તરત જ મા બોલેલી. “અમારી ચંદનને નાનપણથી ગરબે રમવાનો, નૃત્ય કરવાનો બહુ શોખ. ગામના મંદિરમાં દર પૂનમે દકુંએ કૈંક તો પેશ કરવું જ પડે.”
“એટલે નાચવા-ગાવાનો શોખ?” છોકરાના તોછડા માતુશ્રીએ કહ્યું અને મા ઉકળી ઉઠેલી. “નાચવા-ગાવાનો એટલે? મોં સંભાળો રમીલા બહેન.. આતો વ્યવહારુ કામે આવ્યા છો નહિંતર મારા મોંમાંથી પણ નીકળત..”
અને મહેમાન જતા રહ્યા હતા.
મા જ બધો વ્યવહાર સંભાળતી. પિતા બિચારા ગભરુ અને સાવ ઓછાબોલા. ગામમાં નાના-મોટા કડિયાકામ કરી માંડ ઘરનું ગુજરાન ચાલતું. એવામાં અચાનક જ માનો સ્વર્ગવાસ થઇ ગયો. માના સ્વર્ગવાસ પછી ઘરની દયનીય હાલત, પિતાની કરુણ પરિસ્થિતિ અત્યારેય જુબેદા ઉર્ફ ચંદનના હૃદયમાં પીડા જગાવી ગઈ. જોઈ હતી પોતે પિતાની કથળી રહેલી સ્થિતિ. અને એટલે જ ગાંધીસાહેબના જામનગરના બંગલાનું બાંધકામ શરુ થયું ત્યારે એમણે પિતાને ત્યાં કામે આવવા, રહેવા-ખાવાની સગવડની વાત કરી ત્યારે બાપ દીકરી બંને જરા હરખાઈ ગયા હતા.
જામનગર ચંદન ઘણી વખત આવી હતી. મા સાથે, પિતા સાથે. અહીંની કપડા, ચપ્પલની મુખ્ય બજાર જેવો બર્ધન ચોક, દિલીપના પ્રખ્યાત ઘૂઘરાની પ્લેટ, સંઘાડિયા બજારના વાસણો, લીંડી બજારની કટલેરી. મા સાથે એ ઘણી વાર આ બધી જગ્યાએ ફરી હતી.
મા ના ગયા પછી પિતા સાથે ગાંધીસાહેબના બંગલાના ચણતર કામ કરતા-કરતા બાપ-દીકરીના બે વર્ષ નીકળી ગયા. ત્યાં એક દિવસ પિતાનો પગ કડિયાકામ કરતી વખતે ફેકચર થયો અને કડિયાકામ છૂટી ગયું. રતનપરના જ ડોક્ટર અમૃતસાહેબે પાટા-પીંડી કરી દીધી અને બે મહિનાનો ખાટલો પિતાને આવ્યો. ત્યારે ગાંધીસાહેબે જ પોતાને કોલેજમાં પટાવાળાની નોકરી અપાવેલી. પિતા કમને માન્યા હતા.
ટ્રેન બે વખત સીટી વગાડી થંભી એટલે ચંદેન જોયું જામનગર સ્ટેશન હતું. સમય બપોરના સાડાબાર-એકનો હતો. આમ તો આ સમય ભોજન માટેનો હતો. પણ ચંદનના મગજમાં ચાલી રહેલી કશ્મકશ આગળ ભૂખ મરી ચૂકી હતી. એણે સાવચેતીપૂર્વક સ્ટેશન પર નજર દોડાવી. યાત્રીઓ ઉતરી-ચઢી રહ્યા હતા. ક્યાંક ટ્રોલીમાં હમાલ સમાન ગોઠવી રહ્યો હતો, તો ક્યાંક ‘ટાટા.. બાય-બાય..” થઇ રહ્યું હતું. દૂર કેન્ટીન પાસે ઊભેલ પોલીસ કોન્સ્ટેબલ ભજીયા ખાઈ રહ્યો હતો. ચંદન સાવચેતીથી ટ્રેનના દરવાજે પહોંચી, હળવેકથી ઉતરી અને એક્સીટ તરફ આગળ વધી. ટિકીટચેકરે લાલચુ નજરે ચંદનના દેહ પર અછડતી નજર ફેરવી. ટિકીટ લીધી અને ચંદન ગેટ વટાવી ગઈ. બહાર રિક્ષાવાળાઓ એને ઘેરી વળ્યા. ત્યાં દૂર ઊભેલો રફીક એને દેખાયો. એ હાથ હલાવી રહ્યો હતો. ચંદન ઝડપથી તેની નજીક પહોંચી.
“જુબેદા.. આઈ એમ હેપી કે તું મારી આટલી ફિકર કરી મને મળવા છેક અમદાવાદથી આવી. આજ મારી જિંદગીનો સૌથી ખુબસુરત દિવસ છે.” એ બોલ્યો અને ચંદને એની સામે મારકણી નજરે જોઈ કહ્યું. “બકવાસ કર્યા વિના બાઈક સ્ટાર્ટ કર. જો પેલો પોલીસ કોન્સ્ટેબલ દૂરથી તને અને મને તાકી રહ્યો છે.” ચંદને કહ્યું ત્યારે ખરેખર દૂર ઊભેલો કોન્સ્ટેબલ તેમને તાકી રહ્યો હતો.
અને રફીકે બાઈક સ્ટાર્ટ કર્યું. જુબેદા એની પાછળ ગોઠવાઈ અને બાઈક દોડવા માંડ્યું. પિતાને મળવા માટે ઉત્સુક બનેલી ચંદન મનમાં પ્લાન ગોઠવી રહી હતી. રફીકને આખી વાત કરવી કે નહીં? પોતાની ઓળખ છુપાવવી કે બતાવવી?
જામનગરમાં ચંદને જીવનના ત્રણ વર્ષ ગુજાર્યા હતા. જો પેલી દુર્ઘટના બની ન હોત તો પોતે જામનગરમાં પિતા સાથે અને કદાચ પતિ સાથે પણ સેટલ થઇ ગઈ હોત. પણ..
“ક્યાં ખોવાયેલા છો મેડમ?” રફીકના પ્રશ્ને ચંદનને ચેતવી. ઓહ.. વિચાર-વિચારમાં પોતે રફીક સાથે એક રેસ્ટોરન્ટમાં આવી બેસી ગઈ હતી. એને આમ ચારે બાજુ નવાઈથી જોતી જોઈ રફીકે કહ્યું. “મારા દોસ્ત અકબરની રેસ્ટોરન્ટ છે. પહેલા થોડો બ્રેકફાસ્ટ કે લંચ લઇ લઈએ અને હું મારી અહીંની દાસ્તાન કહું પછી હું તને જામનગરની શેર કરાવું.” કહેતા રફીકે વેઈટરને વાનગીઓ લખાવી.
રફીકે ટ્રેનવાળા સાધુમાંથી વેશ પલટો કરનાર સંજીવનો ઉલ્લેખ કર્યો ત્યારથી ચંદન કોઈ ખતરાના એંધાણ પામી ગઈ. સંજીવનું નામ સાંભળતા જ એના જીગરમાં એક ઊંડી પીડા સળવળી. ચંદનને આટલું બધું ધ્યાનથી સાંભળતી જોઈ રફીકે બધી કહાની લંબાણપૂર્વક કહી. કશું જ છુપાવ્યું નહીં. યાકુબખાનનો પરિચય પણ એમાં આપ્યો. અને છેલ્લે દગડુ ચાચા સાથે થયેલી ડીલનો પણ ઉલ્લેખ કર્યો.
“એન્ડ જુબેદા..તને સરપ્રાઈઝ લાગશે.” કહી રફીકે અવાજ ધીમો કર્યો. “દગડુ ચાચાના એ મળતિયાએ મને જે અસાઈન્મેન્ટ માટે શિકારનો ફોટો આપ્યો એ ફોટો સંજીવ સાધુડાનો હતો.”
અને ચંદન એકવાર ફરી કંપી. તો શું ગઈ કાલે રફીકે સંજીવને પતાવી નાખ્યો?
“અને હું ધર્મસંકટમાં મુકાયો.” રફીકે આગળ ચલાવ્યું. “મારા મેઇન પ્રોજેક્ટનો શિકાર કરતા પહેલા મારે બોસ યાકુબભાઈને તો જાણ કરવી કે નહીં? એ વિચારતો હતો ત્યાં તારો ફોન આવી ગયો. યુ આર કમિંગ એટલે હું તારા ઈન્તેજારમાં પડી ગયો.”
“તો શું એ સાધુ સંજીવ હજુ જીવે છે?”
“હા..પણ આજ રાત લગી. આજ રાત્રે હું એનો ખેલ ખતમ કરી નાખીશ. અને આપણે અમદાવાદ ફુર્ર થઇ જઈશું.” રફીકે આંખો નચાવતા કહ્યું અને અચાનક ગંભીર થતા એણે પૂછ્યું. “બટ.. માય ડીયર ફ્રેન્ડ તું કેમ અહીં આવી? સાચું કહેજે. યુ મિસ મી?”
બે ક્ષણ ચંદને રફીક સામે જોયું. પછી કહ્યું. “હું મારા બાપુને મિસ કરતી હતી. એટલે અહીં આવી.” રફીક અવાચક બની ગયો. થોડીવારે બાઈક જામનગરની સડકો પર દોડવા માંડ્યું. નવા બની ગયેલા કાચના ઊંચા-ઊંચા બિલ્ડીંગો જોવામાં ચંદનને રસ ન હતો. એ તો પિતાને જોવા માંગતી હતી.
ગાંધીસાહેબના બિલ્ડીંગનું કામ અધવચ્ચેથી છૂટી ગયું અને પિતાની સારવાર ચાલુ રાખવા
ચંદને એક સસ્તા વિસ્તારમાં ખોલી શોધી કાઢેલી. દિવસો વીતતા ગયા. ચંદનને કોલેજમાંથી અઢી હજાર રૂપિયા પગાર અપાતો હતો. એમાંથી આઠસો રૂપિયા ખોલીનું ભાડું ભર્યા પછી વધતા સત્તરસો રૂપિયામાં ઘર ચાલે તેમ ન હતું. એટલે એણે કોલેજની નોકરી પત્યા પછીના ફ્રી સમયમાં પારકા ઠામ-વાસણ માંજવા શરુ કર્યા. સંજીવ પણ એની જ કોલેજમાં સાહેબ હતો. તેઓનો પરિચય તો છેક રતનપરથી હતો અને ચંદનને સંજીવના ઘરે પણ કામ મળી ગયું.
ધીરે-ધીરે પિતાનો પગ સાજો થયો. દીકરીની ચિંતામાં પિતાની આંખો દયનીય લાગતી હતી. એક-એક દિવસ માંડ-માંડ વીતતો હતો.
બાઈકને બ્રેક લાગી એટલે ચંદનની તંદ્રા તૂટી. એ જ પુલિયા નીચેથી બાઈક પસાર થયું. હવે ચંદનની ખોલી ત્રણ જ મિનીટ દૂર હતી. ચંદનના હૃદયમાં ધ્રુજારી વ્યાપી ગઈ. પોતાને જોઈને પિતા શું કહેશે? પિતાની હાલત કેવી હશે?
“ભાગી જા દીકરી.. એ કુત્તો તને લૂંટવા ફરીવાર આવે એ પહેલા ભાગી જા.” પિતાના એ આખરી શબ્દો ચંદનને યાદ આવ્યા અને એ આ જ પુલિયા નીચેથી ભાગી હતી. પણ એ કુતો એના સુધી પહોંચી જ ગયો હતો. અને આખી જિંદગી રગદોળાઈ ગઈ હતી.
રફીક હજુ અસમંજસમાં હતો અને ચંદને બાઈક રોકવા કહ્યું.
અહીં-તહીં જોતા રફીકે બાઈક રોક્યું. સામેની ખોલી પર ચંદનની નજર હતી. ખોલી બંધ હતી. સાંકળ ચઢાવેલી હતી અને ત્યાં તાળું હતું. અચાનક એક ડોસો એ ખોલીની નજીક ગયો. ડગમગતું ચાલતો એ ખોલી પાસે પહોંચ્યો. તાળામાં ચાવી ભરાવી, તાળું ખોલ્યું. સાંકળ ખોલી અને દરવાજાને ધક્કો માર્યો. ખોલીમાં પ્રવેશી ગયો ચંદન દોડી.
“બાપુ..” દરવાજે ઊભી એ બોલી અને અંદર પહોંચેલા ડોસાને વળગી પડી. ચંદનની પાછળ-પાછળ ખોલીમાં પહોંચેલો રફીક જોતો જ રહી ગયો. બાપ-દીકરી વળગીને ઊભા હતા. ડૂસકા ભરી રહ્યા હતા અને ડોસાના શબ્દોએ રફીકને આશ્ચર્યનો જોરદાર આંચકો આપ્યો. “ચંદન દીકરી.. તું આવી? મારી દકું.. તું.. આવી? અને આસ-પાસમાં રહેતા બે-પાંચ લોકો ત્યાં ડોકા તાણવા લાગ્યા. રફીક માની નહોતો શકતો. “શું જુબેદા હિંદુ હતી? ચંદન?”
મિનીટો બાદ ડૂસકા શમ્યા. ચંદને રફીકને અંદર આવવા અને બેસવા કહ્યું. રફીક બાપાના ખાટલા પર જ ગોઠવાયો. નાનકડી ખોલી હતી. પાણીઆરે એક ગોળો હતો. સ્ટીલનો એક ગ્લાસ હતો. ખાટલાએ અર્ધી ખોલી રોકી લીધી હતી. ડોકું તાણી રહેલી એક બાઈને બાપાએ કહ્યું. “જયામાસી.. આ મારી દીકરી ચંદન છે.”
“જય શ્રી કૃષ્ણ..” બાપાનું કાયમ ધ્યાન રાખનારા જયામાસી દીકરી ચંદન અને અજાણ્યા પુરુષને તાકી હાથ જોડ્યા પછી.. “બેસો.. હું ચા મોકલું.” કહી ત્યાંથી જતા રહ્યા.”
“બાપુ..” ચંદન બોલી.
“દીકું...” ડોસો બોલ્યો.
“બાપુ.. તમે તો સાવ નંખાઈ ગયા.”
“હા બેટા.. તારા ગયા પછી મારું કોણ હતું અહીં? પાંચેક વર્ષ રીક્ષા ચલાવી, ગુજરાન ચલાવ્યું. પછી આંખે દેખાતું ઓછું થયું એટલે એય બંધ થઇ ગયું. બસ એક તારો ઈન્તેજાર હતો અને એક મોતનો. સારું થયું તું આવી ગઈ. હવે મારોય તારી બા પાસે જવાનો સમય આવી ગયો છે. હવે સોરવતું નથી. જેમ-તેમ દિવસો કાઢું છું. બધું સાવ વિખેરાઈ ગયું. તારી બા જો આમ અડધેથી ચાલી ન ગઈ હોત તો સારું હતું. હું તો બુદ્ધુનો બુદ્ધુ જ રહ્યો. ન વે’વાર સમજાય કે ન કંઈ ભાન પડે. તારી બા હતી ત્યાં સુધી બધું સમું-સુતરું હાલ્યું. પેલા અન્નપુર્ણા મંદિરે કેવી તું રમતી! પેલા ડોક્ટરની છોકરી ગાતી અને પૂજારી ધણી-ઘણીયાણી વાજા વગાડતા.” દૂર-દૂર કૈંક ઝાંખું-ઝાંખુ દેખાતું હોય તેમ આંસુભરી આંખે બાજુમાં બેઠેલી દીકરીના હાથ પર પોતાનો કરચલીવાળો હાથ ફેરવતા બાપ બોલ્યે જતો હતો.
“દીકરી.. તું પછી સહી-સલામત..” બાપુ બોલ્યા તો ખરા પણ અજાણ્યા શખ્સ રફીકની હાજરી યાદ આવતા અટકી ગયા.
“હા બાપુ..” ચંદન તરત જ બોલી. એ ખોટું બોલી. “બધું સરસ ગોઠવાઈ ગયું.” દીકરીના વાક્યે ડોસાની આંખમાં ચમક ઉપસાવી. એ સહેજ હરખાયો. સત્યથી અજાણ ડોસો જાણે દીકરીની રક્ષા કરવામાં સફળ થયો હોય તેવા ખોટા સંતોષ સાથે બોલ્યો. “હાશ..તો તો બસ દીકરી.” પછી પેલા અજાણ્યા પુરુષ તરફ નજર કરતા.. “આ ભાઈ કોણ?” પૂછ્યું.
“એ ડ્રાઈવર છે.” ચંદને તરત જ જુઠ્ઠાણું ઉપજાવી કાઢ્યું. રફીક સહેજ ચમક્યો. પણ સંજોગોની નાજુકતા એ સમજી ગયો હતો એટલે ચૂપ રહ્યો, પણ ડોસાને બીજો પ્રશ્ન થયો. “ડ્રાઈવર? એટલે?”
“બાપુ.. હું અમદાવાદમાં મોટો બિઝનેસ કરું છું. એટલે કમાણી પણ સારી છે. આપણે એક ગાડી પણ વસાવી છે.”
“તું ત્યાં સાહેબ બની ગઈ છે?” ડોસાને પોરસ થયો.
“ના બાપુ.. સાહેબ નહિ. માલિક.. આપણે કપડાનો શો રૂમ કર્યો છે.” ચંદન કોઈ પણ ભોગે બાપુને ખુશ કરી સાજા કરવાનો મનસુબો ઘડવા માંડી હતી. ત્યાં બાજુવાળા માસી ચાની કીટલી અને ત્રણ રકાબી લઈ આવ્યા. સૌને ચા પીરસ્યો. “જયામાસી.. હું નો’તો કહેતો કે હું તો બહુ હુશિયાર નથી પણ મારી દકું એની માની જેમ બહુ હુશિયાર છે. જોઈ લ્યો.. એણે અમદાવાદમાં નામ કાઢ્યું છે.” ડોસાએ ચાનો ઘૂંટ ભરતા જયામાસી પાસે હરખ વ્યક્ત કર્યો, પણ જ્યામાસીને ગળે ઉતર્યું નહીં.
“માસી..” ચંદને લાગણીભર્યા અવાજે કહ્યું. “મારા બાપુનું તમે સગ્ગી દીકરીની જેમ ધ્યાન રાખ્યું છે, તમારો ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું.” કહી પર્સમાંથી બે હજારની પાંચ-છ નોટો ચંદને જયામાસી સામે ધરી ત્યારે જયામાસીને છોકરીની રહીસીનો અહેસાસ થયો. જો કે એણે નોટો તો ન લીધી, પણ સહેજ હરખથી કહ્યું. “દીકરી બાપની સેવા કરે એના કંઈ રૂપિયા લે કદી?” અને જયામાસી જતા રહ્યા. ગરીબની આ અમીરી ચંદન અને રફીક બંનેને સ્પર્શી ગઈ.
બરોબર એ જ સમયે ખોલીની સામે જ્યાં રફીકે બાઈક રાખ્યું હતું ત્યાં એક બાઈક આવી થંભ્યું અને તેમાંથી ઉતરતા કોન્સ્ટેબલ પરમારને જોઈ ચંદન અને રફીકની આંખમાં રહસ્યમય ભાવો ઉપસ્યા. ચંદન અત્યારે સાપ-સીડીના ક્યા પગથિયે હતી અને જો પરમારનું ધ્યાન તેના પર પડે તો ક્યાં પહોંચી જવાની હતી એ વિચારી ને જ એ કંપી ગઈ.
=============