કપિલ કથાનક
સોમર અંકલ પાછળ હું પણ આયનામાં દાખલ થયો જયારે મેં આયનામાં બીજો પગ મુક્યો હું ફરી બાબુ જાદુગરના ઘર બહારના માણસથી અડધા કદના પુતળામાંથી નીકળ્યો.
“આપણે થોડાક હથિયારની જરૂર પડશે..” સોમર અંકલ મારી બાજુમાં ઉભા હતા.
“બાબુનો વિશ્વાસ કરી શકાય?” મેં પૂછ્યું, “એણે જે કહ્યું એ સાચું જ હશે?”
“એની જાદુઈ તાકતો છીનવી લીધા પછી એ સાચું બોલ્યો હતો કે ખોટું એ જાણતા મને એક પળ પણ ન થાય. એ સાચું બોલ્યો કે નહિ એ ચોક્કસ ન કહી શકાય પણ એ જે બોલ્યો એને એ સાચું માનતો હતો. કદાચ એની કોઈ ભૂલ પણ હોઈ શકે કેમકે એની પાસે કામ કરાવનાર તાંત્રિક એની સામે ખુલ્લો કેમ આવે?”
“તો આપણે એની વાતને કેટલી ગંભીરતાથી લઇ શકીએ..?”
“આપણે હવે દરેક બાબતને ગંભીરતાથી જ લેવી પડશે.” સોમર અંકલે કાર તરફ ચાલવા માંડ્યું, “આપણે હોલી શોટગનની જરૂર પડશે. કોઈ તાંત્રિક હશે તો એની સામે લડવા એ એક હથિયાર જ કામ આવી શકે.”
“એ ગન આપણને કયા મળશે?” મેં કારનો ફ્રન્ટ ડોર ખોલ્યો.
“કપિલ તું ડ્રાઈવ કર.” જવાબ આપવાને બદલે અંકલે મને કાર ચલાવવાનું કહ્યું. હું ઝડપથી ડ્રાયવર સીટ પર ગોઠવાયો. સોમર અંકલ બાજુમાં બેઠા, “મારે એક ફોન કરવો પડશે.”
સોમર અંકલે મોબાઈલ નીકાળી એક નંબર ડાયલ કર્યો અને મેં કાર સ્ટાર્ટ કરી.
“હલો, વેદ?”
“યસ..”
“જાદુગર સોમર હિયર... આઈ નીડ અ હોલી શોટગન..”
“અત્યારે?”
“યસ, ઈમીજીએટલી..”
“આઈ હેવ બટ ઓન્લી વન..”
“વેર આર યુ?”
“એટ એન્ટીક શોપ ઓફ ડેડ ઈન્વેન્ટર..”
“કાર ઓલ્ડ એડમંડ સ્ટ્રીટ લઇલે..” સોમર અંકલે ફોન કાપતા કહ્યું.
“હોલી શોટગન કેમ તાંત્રિકને મારી શકે છે?” મેં કારનો લેફ્ટ ટર્ન લીધો, અમે જ્યાં હતા ત્યાંથી ઓલ્ડ એડમંડ સ્ટ્રીટ બાય કાર દસેક મીનીટ દુર હતું.
“એ ગન પર મીસાચી ભાષામાં પવિત્ર શ્લોકો લખેલા છે. તે કદાચ એક નાનકડા તાવીજ પર આખા હનુમાન ચાલીસા લેખેલા હોય કે પછી એક વીંટી પર ગ્રહ દોષ નિવારણના સંસ્કૃત શ્લોકો લેખેલા હોય એ વાત સાંભળી હશે.”
“હા,” મેં નજર રોડ પર જ રાખી અને સવાલ જવાબ કરતો ગયો.
“બસ, એ જ રીતે હોલી શોટગનની બુલેટ પર મદારી લોકોના ખાસ ફોર્જમેન દ્વારા મીસાચી ભાષાના એ શ્લોકો લેખેલા છે જે તાંત્રિકોની તંત્ર શક્તિનો નાશ કરી શકે છે.”
“બુલેટ પર શ્લોકો?”
“કેમ મણીયજ્ઞએ તને નથી બતાવ્યું કે મદારી ફોર્જમેન નેનો ટેકનોલોજી જાણતા હતા. એની જ કેટલીક સચવાયેલી તકનીકથી એ બુલેટ બને છે.”
“એ બુલેટ ચાંદીની બનેલી હોય છે?” સામે એન્ટીક શોપનું બોર્ડ દેખાતા મેં કાર ધીમી કરી.
“નહિ, એ બધી ફિલ્મી ચીજો છે, એ બુલેટ પંચધાતુની બને છે. ધાતુ-પરીક્ષણ એ પ્રાચીન ભારતીય વિધા છે જેના નિયમો મુજબ એ બુલેટ બને છે. એ જ ધાતુ-શાસ્ત્ર જેનો ઉપયોગ કરી રાજા વિક્રમાદિત્યએ બનાવેલ દિલ્હીના વિજય સ્તંભને બે હજાર વર્ષથી તડકો અને વરસાદમાં ખુલ્લો રહેવા છતાં હજુ કાટ નથી લાગ્યો. આજ પણ આ પશ્ચિમી વિજ્ઞાનીઓ એનામાં વપરાયેલા ધાતુના સયોજનને સમજવા મથે છે.”
“તાંત્રિકો એ વિધાથી અજાણ છે?” મેં કાર એન્ટીક શોપ સામે પુલ ઓફ કરી.
“હા, તેઓ અજાણ છે કેમકે એમનું લક્ષ માત્ર એમના માટે ફાયદાકારક ચીજો પર જ રહે છે જયારે મદારી જાતિના લોકો દ્વારા વિકસાવેલી એ રીતો લોક કલ્યાણ માટે અને લોકોને એવી અસુરી શક્તિઓથી બચાવવા માટે હતી. એટલે જ તો ગોરાઓ આપણા દેશને મદારીઓ અને વાંદરાઓની દેશ કહેવા લાગ્યા હતા.” સોમર અંકલ ડોર ખોલી બહાર નીકળ્યા, હું પણ બીજી તરફનો ડોર ખોલી બહાર આવ્યો.
“સોમર - ધ ગ્રેટ સોર્સેરર્સ...” વેદ અમને દરવાજે જોતા જ ઉભો થયો, “યોર વેપન ઈઝ વેઈટીંગ ફોર યુ...”
અમે દુકાનમાં દાખલ થયા. સોમર અંકલે ફરી સિગારેટ કાઢી અને સળગાવી.
“વેર ઈઝ ઈટ વેઈટીગ?”
“હિયર..” વેદે લાકડાની શેલ્વમાંથી એક શોટગન કાઢી. એ ગન પર અજીબ સાંકેતિક ભાષાના અક્ષરો કોતરેલા હતા. જેવા અક્ષરો મેં મણીયજ્ઞ દરમિયાન વજ્ર ખંજર અને વજ્ર ખડગ પર જોયા હતા એવા જ અક્ષરો. એ મીસાચી ભાષાના શ્લોકો હતા.
સોમર અંકલે એના હાથમાંથી એ ગન લઇ આમ તેમ ફેરવી જોઈ.
“બુલેટ્સ..” વેદે શાળાના વિધાર્થીઓના કંપાસ બોક્ષ જેવા કદનું એક બોક્ષ આગળ ધર્યું.
“હાઉ મેની?” સોમર અંકલે બોક્ષ એના હાથમાંથી લઇ કોટના ખિસ્સામાં સરકાવ્યુ.
“ઈનફ ફોર અ ટ્રૂપ..” વેદના સુકલકડી ચહેરા પર ગંભીર ભાવ હતા, “ટ્વેંટી.”
“આઈ નીડ મોર ગન એન્ડ એમ્યુનેશન..”
“આઈ વીલ ટ્રાય....”
એ બંને વાત કરતા હતા ત્યાં એકાએક મારા ફોનની ઘંટડી રણકી ઉઠી. મેં મોબાઈલ નીકાળી જોયું તો ઘરનો નંબર હતો.
“હલો, મમ્મી.” મેં ફોન કાને ધર્યો.
“નયના ઇન્સ્પેકટર રૂકસાના સાથે ભૈરવ ગુફા ગઈ છે મને ચિંતા થાય છે. તમે ક્યારે આવો છો?”
“અમે સીધા જ ત્યાં જઈએ છીએ..” મેં ફોન કાપી નાખ્યો. તે એને કેમ જવા દીધી. તારે એને ત્યાં ન જવા દેવાય એવી ખોટી દલીલો કરીને સમય બગાડવાનો કોઈ અર્થ ન હતો.
“કપિલ, લેટ્સ ગો.” સોમર અંકલે ગન એમના લોંગ કોટમાં છુપાવી દુકાન બહાર આવતા કહ્યું. ફોનમાં મેં શું વાત કરી હતી એ સોમર અંકલ જાણતા હતા.
હું કાર સુધી પહોચ્યો ત્યાં સુધીમાં તો સોમર અંકલે કારને સ્ટાર્ટ કરી લીધી હતી. હું એમના બાજુમાં બેઠો અને દરવાજો બંધ કર્યો એ સાથે જ એમણે કારને ફર્સ્ટ ગિયરમાં લીધી.
વીસેક મિનીટમાં સોમર અંકલે કાર કાળા પહાડના ફૂટ આગળ પુલ ઓફ કરી. અમે લગભગ દોડતા જ ભૈરવગુફા પહોચ્યા - પૂરી ગુફા પોલીસોથી ભરાઈ ગઈ હતી. એ અંધારી ગુફામાં ચારે તરફ પોલીસ ટોર્ચનો ઉજાસ ફેલાયેલો હતો. ભૈરવ ગુફાએ ક્યારેય ન જોઈ હોય એટલી ભીડ ત્યાં જમા થયેલી હતી.
“નયના, તું ઠીક છે ને?” સોમર અંકલે ગુફામાં પહોચતા જ પૂછ્યું. એમને સૌથી વધુ ફિકર નયનાની હતી.
નયના તરફથી હકારમાં જવાબ મળતા તેઓ રૂકસાના તરફ ગયા, “તારા જેવી સમજદાર છોકરી આ લોકોને ગુફામાં લઇ આવવાની ભૂલ કરે એ માન્યામાં નથી આવતું.” સોમર અંકલ કઈક ગુસ્સામાં બોલ્યા.
“હું બધું પછી સમજાવીશ..” રૂકસાના ત્યાં કોઈ વાતચીત કરવા માંગતી ન હોય એમ મને લાગ્યું.
હું નયના પાસે ગયો, એની બાજુમાં જઈ ઉભો રહ્યો, અને ઠપકા ભર્યા અવાજે પણ હળવે રહી પૂછ્યું કે એ ઠીક તો છે ને અને નયનાએ પણ ઈશારામાં હું ઠીક છું એમ જવાબ આપ્યો.
પોલીસ ટીમ સાથે એમ્બ્યુલન્સ આવી હતી. સરલકર અને કુરકુડે હોશિયાર અફસરો હતા. તેઓ પોલીસ ફોર્સ સાથે એમ્યુલન્સ અને ડોકટરને લઈને આવ્યા હતા. ડોકટરો અરુણની સારવારમાં વ્યસ્ત હતા. જોકે વિવેકનો એ એપ્રેન્ટીસ તો ઈલાજની જ ના પાડતો હતો પણ રૂકસાનાએ ડોક્ટરને આદેશ આપ્યો હતો કે એની પાટાપીંડી કરે. એ કોઈ દીવાલ સાથે અથડાયો હોય અને જમીન પર પડ્યો હોય એમ એનું શરીર ખાસું એવું છોલાઈ ગયું હતું. ડોકટર એના હાથ અને માથા પર પટ્ટી કરી રહ્યા હતા.
“અહી શું થયું હતું?” સોમર અંકલે રુક્સનાથી નારાજ હોય એવું એમના ચહેરા અને અવાજ બંનેમાં ચોખ્ખું વર્તાઈ રહ્યું હતું. રૂકસાનાએ ભૂલ પણ કઈક એવી કરી હતી.
“આપણે ઘરે જવું જોઈએ..” રૂકસાનાએ એમને જવાબ આપવાને બદલે ઘરે જવાનું કહ્યું.
સોમર અંકલ જાણે રૂકસાના શું કહેવા માંગે છે એ સમજી ગયા હોય એમ વધુ સવાલો ન કર્યા. રૂકસાના ઝડપથી ઇન્સ્પેકટર પાસે ગઈ. તે નજીક જ ઉભો હતો. હું તેને ઓળખતો હતો. તે અશ્વિની અને રોહિતની બોડી મળી ત્યાં આવ્યો હતો.
“સરલકર.. અહી જે એક મહિલાની લાશ મળી છે એને ઓટોસ્પી માટે મોકલો અને રીપોર્ટ અવાતા જ મને તરત ઇન્ફોર્મ કરો કે એ કયા કારણથી મરી છે.”
“પણ અહી થયું શું હતું મેડમ..?” સરલકરે પૂછ્યું.
“એ રીપોર્ટ હું તૈયાર કરાવું છુ.” રૂકસાનાએ જવાબ આપ્યો અને બીજા પોલીસ અધિકારી તરફ ફરી, “કુરકુડે..”
“જી મેડમ..”
“નાગપુરની દરેક હોસ્પિટલમાં તપાસ કરાવ, કોઈ હોસ્પટલમાંથી લાશ ગુમ થઇ છે?” રૂકસાના એક પળ માટે અટકી અને કહ્યું, “બધા સ્ટેશન પર પણ તપાસ કરાવ કે કોઈ મુર્દાઘરમાંથી લાશ ગુમ થઇ છે. અને અહીંથી જે પણ ચીજો મળી છે એ દરેક ઓરગેનીક ચીજને ફોરેન્સિક લેબમાં રીપોર્ટ માટે મુકવાની છે.”
સરળકર અને કુરકુડેને સૂચનાઓ આપીને રૂકસાના સોમર અંકલ તરફ ફરી, “જઈશું અંકલ..?”
“એ પહેલા હું એક નજર ગુફામાં કરી લઉં..” સોમર અંકલે મને એમની સાથે આવવા ઈશારો કર્યો. હું અને સોમર અંકલ ગુફામાં ટોર્ચ લઇ આગળ વધ્યા, એ બહુ મોટી અને અંધારી ગુફા હતી. એની દીવાલો પર ઠેક ઠેકાણે વાંચી ન શકાય એવી ભાષામાં શ્લોકો લખેલા હતા.
“શું આ મીસાચી ભાષા છે અંકલ..?”
“નહિ એ કોઈ અલગ ભાષા છે, લગભગ અઘોરીઓએ વિકસાવેલી કોઈ ગુપ્તભાષા હોવી જોઈએ.” સોમર અંકલે કહ્યું, “એ ભાષા હું સમજી તો નથી શકતો પણ અક્ષરો અને ચિહ્નોના વળાંક દેખતા એ બધા શ્લોકો અંધકારને લગતા દેખાઈ રહ્યા છે, મોટે ભાગે શ્લોકોમાં વક્ર સ્વસ્તિક છુપાયેલો છે.”
હું ટોર્ચ સાથે દીવાલ તરફ સરક્યો અને ધ્યાનથી એ શ્લોકોને જોવા લાગ્યો, ખરેખર એ દરેક શ્લોકમાં કોઈને કોઈ રીતે વક્ર સ્વસ્તિક છુપાયેલો હતો.
“દીવાલ પરના કોઈ શ્લોકને હાથ ન લાગવીશ, બસ એ બધાનું આંખોથી જ અવલોકન કરજે..”
“હા, અંકલ..”
દીવાલોનું અવલોકન કરી અમે આગળ વધ્યા. ગુફામાં અંદરના ભાગે મોટો વિસ્તાર હતો. ત્યાં સ્ટોન ટેબલ પર એક મહિલાની લાશ પડી હતી, એના શરીર પર એના લગન હોય એમ શણગાર કરેલા હતા. એને એમણે એક ગુફામાં લાવી કેમ મારી નાખી હશે એ મને સમજાયું નહિ.
“એને કેમ મારી નાખી હશે?”
“એને મારી નથી..” મારા સવાલનો જાવાબ સોમર અંકલને બદલે અમારી પાછળ આવેલી રૂકસાનાએ આપ્યો, “એને મરેલીને જ અહી લાવવામાં આવી છે. એના શરીર પર કોઈ ઘા નથી. આસપાસ જે લોહી દેખાય એ કોઈ બીજાનું છું.”
“કોનું?”
“ફોરેન્સિક લેબમાં નમુના મુકતા જ એ બધી ખબર પડી જશે.” રૂકસાનાએ કહ્યું, “અત્યારે આપણે જવું જોઈએ. સરલકર અને કુરકુડે અહીનું બધું સંભાળી લેશે.”
“કઈ છૂટે નહિ...” સોમર અંકલે કહ્યું.
“એ બાબતે આપ નિશ્ચિત રહો..”
રૂકસાના પર સોમર અંકલને પૂરો વિશ્વાસ હોય એમ અમે મને લાગ્યું. અમેં બધા ભૈરવ ગુફા બહાર નીકળી પહાડી ઉતર્યા અને કારમાં ગોઠવાયા.
***
ક્રમશ:
લેખકને અહી ફોલો કરો
ફેસબુક : Vicky Trivedi
ઇન્સ્ટાગ્રામ : author_vicky