રાતે અંધકાર પછેડી ઓઢેલી હતી. એ કોઈ વિજોગણની જેમ આંસુ વહાવી રહી હતી. એના જેમ જ લેખાના આંસુ પણ બંધ થવાનું નામ લેતા નહોતા.
આકાશને જાણે નાગપુરનો વિનાશ જોવાની ઈચ્છા થઇ આવી હોય એમ પવનના સુસવાટા સાથે ભયાનક તોફાનની આગાહી આપી રહ્યો હતો. પવન વૃક્ષો અને પહાડોને પણ ચીરીને કયાય નીકળી જવા માંગતો હતો.
લેખાએ ઘોડા પર બેઠા જ પાછળ જોયું - ભેડાઘાટ પરના ઘમાસાણના અવાજો સંભળાઈ રહ્યા હતા. એ જાણતી હતી ત્યાં કોઈ બચવાનું નથી.
અશ્વાર્થને મદદ માટે પાછળના રસ્તે નીકાળી દેવાયો હતો પણ લેખા જાણતી હતી કે એના પિતા અશ્વાર્થ મદદ લઇ આવવામાં સફળ રહે તો પણ કોઈ અર્થ ન હતો. એ જાણતી હતી એ સત્યજીતને ગુમાવી ચુકી છે.
એની આંખો સામે સત્યજીતના અંતિમ શ્વાસ ચાલતા હતા એ પળ દેખાવા લાગી. સત્યજીતની યાદ તાજી થતા જ લેખાએ ઘોડો રોકયો. એને ભેડાઘાટ પર થતા ગનશોટ અને ચીસોના અવાજ સંભળાતા હતા.
એ ધોધમાર વરસતા વરસાદમાં પણ એની પાસેના ઘોડા પર સવાર એની મા તેના ગાલ પર વહેતા એના આંસુઓને અલગ ઓળખી શકતી હતી. સત્યજીતની અંતિમ ઈચ્છા પૂરી કરવા અને એના નામના શપથ આપી સુબાહુ, અખંડ અને સુનયનાએ લેખા અને એના પરિવારને ત્યાંથી નીકાળ્યો હતો.
લેખા ત્યાંથી બચીને નીકળવા તૈયાર ન થાત. સત્યજીતના ગયા પછી એ જીવવાનું પસંદ ન કરી શકે પણ એની પાસે જીવવાના બે કારણ હતા. એક તો એની મા સાથે ઘોડા પર સવાર થયેલ એનો ભાઈ પ્રતાપ – એ માત્ર બાર વર્ષનો હતો. અને બીજું મદારી કબીલાનું એ રહસ્ય જે કબીલાના મુખિયા તરીકે એના પિતા જાણતા હતા.
“બધું ખતમ થઇ ગયું છે. લેખા...” એની માએ ઘોડો એના નજીક લીધો જેથી એ વરસાદમાં લેખા એનો અવાજ સાંભળી શકે, “લેખા, ચાલ હવે કઈ બચ્યું નથી.. એક તરફ આખી પલટન છે અને બીજી તરફ આંગળીના વેઢે ગણી શકાય એટલા માણસો આજે ભેડો એમને ગળી જવાનો, દીકરા...”
લેખા પણ જાણતી હતી તેની મા સાચી છે. ગોરા વેલેરીયસની ટુકડીએ ઘેરો ઘાલ્યો હતો. વેલેરીયસની હન્ટર ટીમ આજે મરણીયા બની હતી. એમની જર્મન પિસ્તોલોનો મુકાબલો તીર કમાનથી થઇ શકે એમ નહોતો. ભેડો ત્યાં બધાને ભરખી જવાનો હતો.
“હજુ મોડું નથી થયું...” લેખાએ કહ્યું, “હજી મોડું નથી થયું...”
એ એક જ વાકય દોહારાવતી રહી.
“તું શું બોલે છે લેખા...” તેની મા અધીરી બની ગઈ, “તું પાગલ થઇ ગઈ છો.”
“મારે એ રહસ્ય જોઈએ જેના માટે ગોરાઓએ કબીલો સળગાવ્યો હતો.”
લેખાની મા સત્બધ બની ગઈ. પ્રતાપ ખામોશ સાંભળતો રહ્યો.
“મારે એ રહસ્ય જોઈએ...” એ બરાડી, “એ રહસ્ય જે બધાનો જીવ લઇ ગયું..”
“એ રહસ્ય માટે આ નથી થયું..”
“તો...?”
“આપણી તલવાર બનાવવાની રીત માટે થયું છે..” એનો અવાજ ગૂંગળાઈ ગયો, “જે ખંજર આકશની વીજળીમાં શેક્યા હતા અને ક્રૂર નાગોના શિકાર માટે વાપર્યા હતા એમાંથી એક ગોરાના હાથમાં આવી ગયું. એને એ ખંજર વડે એમની લોખંડી નાળોવાળી બંદુકો કપાઈ જતા જોઈ અને એનું રહસ્ય સમજવા એને એના દેશના હિંદમાં રહેતા એક વિજ્ઞાની પાસે મોકલી હતી.”
“એ હથિયાર જે નાગમંદિરથી આયુધ પૂજા કરીને આવતા અરજીત અને એના સિપાહીઓને મારીને લુટાયા હતા...?”
“હા, એ જ...”
“મા, હું એ જાણતી હતી છતાં અટકાવી ન શકી...”
“એ ગોરો કોણ હતો..?”
“જનરલ વેલેરીયસ..”
“પણ એ ખંજર માટે..” લેખાને વિશ્વાસ થઇ શકતો ન હતો, “એ ખંજરનું રહસ્ય જાણવા માટે એણે આખો કબીલો સળગાવી નાખ્યો.”
“હા, કોઈ મદારીએ જ દગો કર્યો છે. એણે ગોરાને કહ્યું કે એ ખંજરનું રહસ્ય કોઈ પુસ્તકમાં છે એટલે એ મેળવવા એ પાગલ થઇ ગયો હતો.”
“તો એ પુસ્તકમાં ખરેખર શું છે?”
“મદારી જાતિના રહસ્યો.. મદારીનું જાદુ અને કેટલીક એવી વિધાઓ જેનો ઉપયોગ ક્યારેય નથી થયો.”
“જેમકે મરેલાને જીવતા કરતો સ્વસ્તિક શ્લોક..” લેખાએ પૂછ્યું.
“હા, પણ એ વાપરવો યોગ્ય નથી... અત્યારે સ્વસ્તિક મુહુર્ત છે એમાં એ...”
“મને માત્ર એ કયાં છે એ કહે...?”
“તું સમજતી નથી..”
“હું સમજુ છું, આપણી પાસે હવે ખોવા માટે કઈ નથી..”
“તું શું માંગે છે એનું તને ભાન નથી..”
“તું મને પુસ્તકનું ઠેકાણું આપ નહિતર હું ભેડા તરફ પાછી વળી જઈશ..” લેખાએ કહ્યું, “હું માત્ર એ પુસ્તક માટે સત્યજીતને મરતો જોઈને ત્યાંથી કાયરની જેમ ભાગી નીકળવા તૈયાર થઇ છું.”
“મા, એને કહી દે... એને ભેડા પર ન જવા દઈશ.. એ લોકો એને પણ મારી નાખશે..” ત્યારનો ચુપ બેઠો પ્રતાપ બોલ્યો, એ હજુ બહુ નાનો હતો ખાસ કઈ સમજી શકવા સમર્થ ન હતો.
“એ લીલા પહાડ પર છે..”
“લીલા પહાડ પર...?” લેખાની આંખો પહોળી થઇ ગઈ.
“હા તને શું લાગ્યું તારા પિતા તને એકવાર ત્યાં કેમ લઇ ગયા હતા?”
“કેમ..?”
“કેમકે કબીલાનો મુખિયા એકલો એ રહસ્ય ક્યારેય નથી સાચવતો એના વંશજોને એનો ઈશારો આપી દે છે જેથી તેને આકસ્મિક કઈ થાય તો પણ રહસ્ય નાશ ન પામે..”
લેખાને જયારે ખબર પડી કે એ પુસ્તક કયાં છે, એને રાહત થઇ એ તેજ ગતિએ તેની મા સાથે ઘોડો દોડાવવા લાગી. પ્રતાપ મા સાથે જ ઘોડા પર હતો, લેખા એમને મદારી કબીલા પાસે પહોચાડી લીલા પહાડે જવા માંગતી હતી.
*
આકાશમાં કાળા વાદળો જાણે કોઈ વિધવા શોગીયું પહેરી ફરી રહી હોય એમ દોડ લગાવી રહ્યા હતા. રાતનો ઘેરો અંધકાર છવાયેલો હતો. પણ એ અંધકાર લેખાના હૃદય જેટલો ઘેરો ન હતો. એના માટે એ રાતનું અંધારું હોય કે દિવસનો ઉજાસ હોય બધું એક જેવું બની ગયું હતું. એનું શરીર તો જીવતું હતું પણ એનો આત્મા હાજર ન હતો - એનો સત્યજીત દુનિયા છોડી ચુક્યો હતો.
ગોળી એના હૃદયની નજીકના ભાગે ઉતરી ગઈ હતી. હસ્તીમુદ્રાના એક વારથી મદમસ્ત હાથીને પછાડી નાખનાર સત્યજીત જેવા વીર માટે પણ એ ધગધગતું શીશુ જાન લેવા નીવડ્યું હતું. આકાશી નક્ષત્રો એમનું કામ કરી ગયા. સત્યજીતે છાતીના ભાગે વજ્ર કવચ પહેર્યું હતું પણ ગોળી એની પીઠ પાછળથી ઘુસી એના કોમળ દિલ પાસે પહોચી ગઈ હતી. રાજવૈધની મદદ લઇ શકાય એટલો સમય ન હતો. અશ્વાર્થે એ ગોળી નીકાળવાનો પ્રયાસ કર્યો પણ હૃદયની નજીક પહોચી ગયેલા એ શીશાને બહાર નીકાળવું અશક્ય હતું.
રાજકુમારે સત્યજીતને વચન આપ્યું હતું કે એ લેખા અને એના પરિવારનું ધ્યાન રાખશે. એમને સલામત નાગપુરના જંગલ બહાર નીકાળી દેશે. એ વચન પાલન કરવું શકય દેખાતું ન હતું. અખંડની અખંડ છાતી ખંડિત થઈ ચુકી હતી. સૂર્યમ, વિજયા અને પરાસર એ ત્રણને તો એમણે કેન્ટોનમેન્ટ પર જ ગુમાવી નાખ્યા હતા. અંખંડ ભેડાઘાટ પર સુર્યમના મોતનો બદલો લેવા પાગલ બની ગોરાઓના ટોળામાં સામે ધસી ગયો હતો પણ અંગ્રેજી બંદુકો શીશુ ઓકતી હતી. એમની ઝડપ ધડીના આંખના પલકારા જેવી ગતિની હતી. એમનો સામનો કરવો મુશ્કેલ હતો. અખંડની છાતીમાં ગોળી વાગી હતી.
કેન્ટોનમેન્ટ પરનો જંગ અલગ હતો ત્યાં લડાઈ આમને સામને થઇ હતી પણ ભેડાઘાટ પર લડાઈ દુરથી લડાઈ હતી. વળી વેલેરીયસ અને એની હન્ટર ટીમ પાસે જર્મન પિસ્તોલો પણ હતી.
સુનયના ઘાયલ થઇ ચુકી હતી. એ નાગલોકથી આવી હતી પણ એના પિતાના શ્રાપને લીધે એની નાગિન તરીકેની મોટા ભાગની શક્તિઓ છીનવી લીધી હતી.
રાજકુમાર સુબાહુ સમજી ગયો હતો કે જનરલ વેલેરીયસની સામે એ જંગલના ઘમાસાણમા જીત મેળવવી મુશ્કેલ છે. તેઓ ઘાયલ સત્યજીતને લઇ ભેડાઘાટ પહોચ્યા પણ બદનશીબે વેલેરીયસ અને એની હન્ટર ટીમ કેન્ટોનમેન્ટ પરના હિન્દી સિપાહીઓનો સફાયો કરી કેન્ટોનમેન્ટ પર જે બન્યું એનું વેર વાળવા આવી પહોચ્યો હતો. જંગલમાં આદમખોર વાઘના શિકારે નીકળેલ વેલેરીયસની હન્ટર ટીમે એમને ભેડા પર આંતરી લીધા હતા. ત્યાં જે ભયાનક જંગ લડાયો એ વર્ણવવો મુશ્કેલ છે.
સત્યજીતનો ઘોડો હાથીની સુંઢના ફટકાથી બચી ગયો હતો પણ ભેડા પરનો જંગ એને ભરખી ગયો. એ લેખા માટે આવેલી જર્મન પિસ્તોલની ગોળીને અટકાવતા માર્યો ગયો હતો કદાચ સત્યજીતની જેમ એનો વાયુજીત પણ એવો જ વીર હતો. સત્યજીતની છાતી એ શીશાએ ચીરી નાખી હતી. એમાંથી દડદડ વહી જતું લોહી બંધ થવાનું નામ લેતું ન હતું.
એ વચન પાલન મુશ્કેલ લાગતા રાજકુમાર સુબાહુએ કબીલાના મુખિયા અશ્વાર્થને પરિવાર સાથે પાછળની ભેખડથી ઉતારી અંગ્રેજોના ઘેરામાંથી બહાર કાઢી નાખ્યા હતા.
લેખા કોઈ હિસાબે જવા તૈયાર થાય એમ ન હતી પણ અશ્વાર્થે એને સમજાવ્યું હતું કે એકવાર અહીંથી નીકળ્યા પછી લેખાએ એની માતા અને ભાઈને લઈને જંગલમાં ભાગી છુટેલા મદારી કબીલાના સ્ત્રીઓ અને બાળકો સાથે ભળી જવું જયારે અશ્વાર્થ મદારી કબીલામાં લાગેલી આગમાં જે મદારીઓ સત્યજીતે છોડાવ્યા હતા એ ઉતરની પહાડીઓમાં જે બાગી બની ઉતરી ગયા હતા એમને મદદ માટે લઇ ભેડાઘાટ પાછા ફરશે.
લેખા કચવાતે મને એ વાત સ્વીકારવા તૈયાર થઇ પણ એકઝોડસ કરતા મદારી કબીલામાં તેની મા અને પ્રતાપને મૂકી એ જુદા રસ્તે નીકળી ગઈ. એ જાણતી હતી ભલે પિતાજી મદદ લઈને આવવામાં સફળ રહે તો પણ ભેડા પર કોઈ બચે એમ નથી.
સત્યજીતનો ઘા જીવલેણ હતો. એ અમૃતસ્ત્રનયીતા કે નવ પલ્લિતથી બચી શક્યો નહોતો. એ પોતાના મૃત સત્યજીતને ફરી નવપલ્લિત કરવા માંગતી હતી. એને બચાવવાનો માત્ર એક જ રસ્તો હતો
એ એકમાત્ર રસ્તો જે મોતના મુખમાંથી પસાર થતો હતો. એ એકમાત્ર રસ્તો જે એના સત્યજીતને કાળના મુખમાંથી પાછો લાવી શકે એમ હતો. લેખા એ રસ્તે જવાનું નક્કી કરી ચુકી હતી. એ કાજળ જેવી કાળી રાત એના હૈયાને આછેરો થડકાટ પણ આપી શકે એમ ન હતી. ન એને અંધકારનો ડર હતો ન મૃત્યુનો. એના હૃદયમાં એક જ ચીજ હતી - વિષાદ. સત્યજીત માટે એ સતી સાવિત્રીએ જે કર્યું એની પણ હદ વટાવી જવાની હતી. એ ઘોડાના દરેક લર્ચ સાથે હમણાં સંતુલન ગુમાવી પડી જશે એમ ઘોડો દોડાવી રહી હતી.
રસ્તો એકદમ પેરીલીસ હતો. એક તરફ જંગલ અને બીજી તરફ પહાડીઓ - એને લીલા પહાડની ટોચ પર જવું હતું. ઓવર હેન્ગીંગ બ્રાન્ચો એના ચહેરા સાથે અથડાઈ રહી હતી પણ એ ઘોડાને હિલ તરફના ચડાણ પર દોડાવી રહી હતી. એના ચહેરા પર કયાંક કયાંક ઝાંખરાળી ડાળી અથડાવાથી લોહી વહેવા માંડ્યું હતું. એના ગાલ પર ડાબી તરફ એક ચીરો પડી ગયો હતો પણ જાણે દર્દ એટલે શું એ એનું હ્રદય અને શરીર બંને ભૂલી ગયા હતા.
સત્યજીતના શરીરમાંથી હરપળ ઘટી રહેલા લોહીએ, એના મોમાંથી ન નીકળી શકેલા શબ્દોએ અને એની આંખોમાં લોહી બની જામી ગયેલા પ્રેમના આંસુઓએ એને પથ્થર બનાવી નાખી હતી.
શું તું ખરેખર ત્યાં જવા ઈચ્છે છે? એના મને એને આ પહેલીવાર નહોતું પૂછ્યું. હમણાં સુધીના માર્ગમાં એનું મન એને અનેક વાર એ સવાલ પૂછી ચુક્યું હતું.
મન વાર-વાર એ જ સવાલ કર્યાં કરતુ હતું અને લેખા સવાલનો જવાબ આપવાને બદલે સવાલને મનમાંથી દુર હડસેલી રહી હતી.
ધીમે ધીમે ગાઢ જંગલ ઘટી ગયું અને એના બદલે નાના થોરની પ્લાન્ટ સાથેની જાડીઓ શરુ થઇ. એ એના મનને કોઈ જવાબ આપવા માંગતી ન હતી. એ જાડીઓ વચ્ચેથી પસાર થઇ એનો પ્રવાસ આગળ ખેડવા લાગી.
આખરે એ હિલ પર પહોચી. થોરની ઝાંખરા વચ્ચેથી શરુ થતો પથ્થરના પગથીયાવાળો રસ્તો હવે ઘોડાના ચડાણ માટે અશક્ય હતો. એ સ્થળે કોઈ ઘોડો ક્યારેય ગયો પણ નહિ હોય. લગભગ એ સ્થળે કોઈ માણસ પણ જવાનું પસંદ કરતુ ન હતું.
એ ઘોડા પરથી ડીસ માઉન્ટ થઇ પથ્થરના પગથીયા પર ચાલવા લાગી. એ જાણે કોઈ હિંસક પ્રાણીના મુખમાં જવા આગળ વધી રહી હોય એવી લાગણી અનુભવવા લાગી. એના પગ એ સ્ટીપ પાથ પર પગલા મુકતા ખચકાઈ રહ્યા હતા જે એને લીલા પહાડની છેક ટોચના ભાગે દેખાતી ગુફા સુધી લઇ જતો હતો.
મારે પાછા ફરી જવું જોઈએ. એના અંદરથી જાણે છેક ઊંડાણમાંથી અવાજ આવ્યો.
અશકય.
એ હવે શકય નથી. એનું મન પણ જાણતું હતું કે લેખાએ લીધેલ નિર્ણય અફર હોય છે કદાચ વિધિના લેખમાં બદલાવ આવી શકે પણ લેખાના લેખમાં નહિ. તેણીએ પોતાના હોઠ ભીંસ્યા. એને પોતાની જાત પર જ ગુસ્સો આવ્યો.
એકદમ ઢોળાવવાળા રસ્તે જતા એના ચાલવાથી પથ્થરો ખસીને નીચે ગબડ્યા. એના તરફ એનું ધ્યાન ન ગયું નહિતર એ જોઈ શકી હોત કે એ ગબડેલા પથ્થરો નીચે સો કરતાય વધુ ફૂટ જેટલી ઊંડી ખીણમાં જઈ નાનકડો ધબાકો કરી છપી ગયા હતા. જો સહેજ પગ લથડે તો એ માર્ગ પર ચાલનારની હાલત પણ એ જ થાય એમ હતી. જેમ જેમ એ ઉપર ચડતી ગઈ ચડાણ વધુને વધુ મુશ્કેલ બનતું ગયું. લગભગ અડધો એક કલાક ચાલીને તેને વહેતા ઝરણાનો નાદ સંભળાવા લાગ્યો.
મંજિલ હવે દુર નથી. મનમાં બોલતી એ આગળ વધતી રહી. જયારે પણ એની હિમ્મત ખૂટે, એનું મન આગળ જવાની ના પાડી દે એ સમયે એનું હ્રદય એની આંખો સામે છેલ્લા શ્વાસ લેતા સત્યજીતનો લોહીથી ખરડાયેલો ચહેરો રજુ કરી દેતું હતું.
આંખોમાં આંસુ, હૃદયમાં વેદના અને મનમાં બદલાની ભાવના સાથે એ આગળ વધતી રહી પણ એકાએક જાણે આગળનો રસ્તો પૂરો થઈ ગયો. રસ્તો પૂરો થયો પણ એની હિમ્મત નહિ, એના મનમાં એ રસ્તાની યાદો હતી. એને યાદ હતું એ જયારે નાની હતી - વર્ષો પહેલા એના પિતા એને એકવાર જ્ઞાન પર્વત લઇ ગયા હતા. એના મનમાં આછી યાદો હતી. ત્યાં કોઈક માર્ગ હતો જે એને યાદ હતું. રસ્તો એકાએક પૂરો થયા પછી દેખાતો માર્ગ શોધવા એની આંખો અંધકારમાં આમતેમ ફરવા લાગી.
એને ઝરણું દેખાયું. પહાડીના ઉપરના ભાગેથી આવતું એ ઝરણું પહાડના એ નાનકડા અંતથી નીચે પછડાતું હતું. અને પહાડીનો આ તરફનો ભાગ એને લીધે અલગ પડતો હતો.
જ્ઞાન પહાડ એ ઝરણાને લીધે અધવચ્ચેથી ચિરાઈ જતો હતો, એક તરફથી બીજી તરફ જવા જવા માટે કોઈ પગથીયા ન હતા.
થોડીક વાર અંધકારમાં લેખાની આંખો ટેવાતા એની નજર અંધકારમાં કયાંક સ્થિર થઇ. માત્ર, એક માર્ગ હતો - લાકડાનો બનેલો જુનો ખખડધજ પુલ. એ પુલ કહી શકાય એમ હતો જ નહિ. એ બે રસ્સાની મદદથી હવામાં ઝૂલી રહ્યો હતો અને એમાં પણ પુલમાંના કેટલાક લાકડા ગાયબ હતા.
પહાડને ચીરતી એ ડીચ પાર કરવી અશક્ય હતી. છતાં લેખા ધીમા પગલે એ લાકડાના પાટિયા પર ચાલવા લાગી. એ સંતુલન જાળવવા માટે પુલ જે રસ્સીઓની મદદથી ટકેલો હતો એનો ઉપયોગ કરવા લાગી. પુલના અધવચ્ચે પહોચતા એકાએક એનો પગ પાટિયા પર મુકાવાને બદલે ઊંડા અંધકારમાં ગયો, એ સંતુલન ગુમાવી બેઠી અને નીચેની ડીચ તરફ પડવા લાગી, ખીણમાં વહેતા ઝરણાના અવાજમાં એના મોમાંથી નીકળેલી ભયની ચીસ ભળી ગઈ.
એનું આખું શરીર હન્ગીંગ બ્રીજની નીચે ચાલ્યું ગયું હતું પણ એનો એક હાથ બ્રિજના પાટિયાને પકડી લેવામાં સફળ રહ્યો. એ બ્રિજના એક જુના પાટિયાના સહારે લટકી રહી જે કયારે તૂટીને બ્રિજથી અલગ થઇ જશે એ કહી શકાય એમ ન હતું. તેના પગ છોલાઈ ગયા.
એ પાટિયા પર હાથ બદલી સરકતી બ્રિજના એક ભાગ તરફ થઇ અને રસ્સી પકડી ફરી બ્રીજ પર પહોચી, પણ આગળ જવા માટે હવે પાટિયા ન હતા બ્રીજ વચ્ચેથી તૂટેલો હતો.
તે ચારેક કદમ પાછી હટી અને અંધકારમાં એક ચિત્તા જેમ લીપ કરી ગઈ - એને કોઈ અંદાજ નહોતો કે કેટલા સુધી એ પાટિયા ખૂટતા હતા, પુલ કેટલો લાંબો હતો અને પોતાનામાં કેટલું કુદી શકવાની શકતી હતી. બસ એના મનમાં એક જ ચીજ હતી જ્ઞાન પર્વતની ટોચ પર રહેલું રહસ્ય એનો સત્યજીત પાછો લાવી શકે એમ હતું. એને ગમે તે ભગે એ મદારીઓની પ્રાચીન ભાષા મીસાચીમાં લખાયેલ રહસ્ય સુધી પહોચવું હતું. એ માટે એ અંધારાના એ કુવામાં કુદી ગઈ.
એની તેજ ગતિ પૂરી થતા એ અંધકારને ચીરતી પડવા લાગી. એ પાટિયા પર પડી નહોતી. એ બ્રિજના છેક પેલી તરફના છેડે પહોચી ગઈ હતી. બ્રિજના અંત ભાગના બસ કેટલાક પાટિયા જ ખૂટતા હતા.
લેખાના શરીર પર પથ્થર પર પછડાયાની જાણે કોઈ અસર ન થઇ હોય, એનું નર્વે સીસ્ટમ પીડા અનુભવી શકવું બંધ થઇ ગયું હોય એમ એ ઉભી થઇ અને આગળ પહાડ ચડવા લાગી.
આકાશમાં સ્વસ્તિક આકારનું મુહુર્ત રચાતા સિતારાઓના ચમકાટ સિવાય ત્યાં એકદમ અંધકાર ફેલાયેલો હતો. કદાચ એ સિતારા એના પર હસી રહ્યા હતા કેમકે એ એનાથી જીતને છીનવી લેવામાં સફળ રહ્યા હતા.
***
ક્રમશ:
લેખકને અહી ફોલો કરો
ફેસબુક : Vicky Trivedi
ઇન્સ્ટાગ્રામ : author_vicky