બિંદુને પણ એ જ અંધકાર નડતો હતો. અંધકારને લીધે એને દિશા સુજતી નહોતી. પોતે યાદ રાખવાનો ઘણો પ્રયાસ કર્યો હતો છતાં નાગપુર કઈ દિશામાં હતું એ અંદાજ આવી શકે એમ ન હતો. એ જાણતી હતી કેપ્ચર મીન્સ ડેથ. પકડાઈ જશે તો મોત નિશ્ચિત છે કેમકે ગોરાઓ ક્યારેય જાસુસને બક્ષતા નથી.
જોકે પછી એ જ અંધકાર એના માટે વરદાન પણ બન્યો. અંધકારમાં ઓગળી ગયેલી બિંદુ કઈ તરફ ઉતરી હશે એ અંદાજ આવી શકે એમ ન હતો. બિંદુ રાજમાતાની ખાસ દાસીની પુત્રી હતી. એના માટે રાજમાતા એના માતા પિતા બધા કરતા મહત્વના હતા.
પોતે જાણી લીધેલા ષડ્યંત્રનું રહસ્ય રાજમાતા સુધી પહોચાડ્યા પહેલા એ મરવા માંગતી ન હતી. એ ઢાળમાં કુદી પડી હતી અને ત્યાંથી ઘસડાઈને જ તળેટી સુધી પહોચી હતી. ટેકરીના ફૂટ પાસે જ બગીઓ ઉભી રાખેલી હતી. બગી પાસે પહોચતા જ બિંદુએ બગીથી ઘોડાઓ છોડી નાખ્યા. એ જોઈ શકતી હતી કે એની પાછળ તળેટી ઉતરી એને કેદ કરવા માટે ગોરાઓ અને અઘોરી આવી રહ્યો હતો પણ ઘોડા છોડ્યા વિના નીકળી શકાય એમ ન હતું.
એ અંધકારમાં મશાલ સાથે તળેટી ઉતરતા ઓળાઓને જોઈ શકતી હતી પણ સદનશીબે બીદુના ઓચિતા હુમલાથી તેઓ ડઘાઈ ગયા હતા. બિંદુ કુદી પડ્યા પછી બધા સુન્ન થઇ ગયા હતા અને શું કરવું એનો નિર્ણય લે ત્યાં સુધીમાં બીદુ તળેટી સુધી પહોચી ગઈ હતી - જોકે તે ઘસડાઈને નીચે પડવાને લીધે ઘાયલ થઇ ગઈ હતી. એની ચામડી ઠેક ઠેકાણેથી છોલાઈ ગઈ હતી. ત્યાંથી લોહી વહી રહ્યું હતું અને પારાવાર વેદના થઇ રહી હતી.
વેદનાના સણકાને ગણકાર્યા વિના નાગમતીનું નામ લઇ બિંદુએ ઘોડાઓ બગીથી અલગ કર્યા, એક ઘોડાની લગામ પોતાના હાથમાં પકડી રાખી અને બગીઓ પર લટકતી ફાનસ સળગાવી હાથમાં લીધી.
બિંદુ કુદીને ઘોડા પર ગોઠવાઈ અને ફાનસનો છુટ્ટો ઘા જોગસિંહની બગી પર કર્યો. રજવાડી શોભાવાળી એ લાકડાની બગી અને એના રેશમી પરદા કેરોસીન અડતા જ ભડકે બળવા લાગ્યા. એ આગથી ગભરાઈ બધા ઘોડા ભડકી આમતેમ ભાગવા લાગ્યા.
બિંદુ જે ઘોડા પર સવાર થઇ હતી એને એડી કે વિપની જરૂર ન પડી એ પણ ભડક્યો અને દોડવા લાગ્યો. બીદુ માંડ સંતુલન જાળવી પોતાની જાતને ઘોડા પર ટકાવી રાખી શકી. ઘોડો કઈ દિશામાં દોડ્યો એ એના ધ્યાનમાં રહ્યું નહી. પાછળ શું થાય છે એ જોવા રોકાવાનો સમય ન હતો. બસ એને એક વાતની શાંતિ હતી કે બગીથી પોતે ઘોડા છોડી નાખ્યા હતા અને ઘોડા આગથી ભડકી ભાગી ગયા હતા માટે કોઈ પાછળ આવી શકે એમ ન હતું.
મેકલ, ડેવીડ મેસી, હુકમ અને કેનીગે ક્યારેય કલ્પના પણ કરી ન હતી કે એ સામાન્ય લગતી છોકરી એમનો પ્લાન ચોપટ કરી નાખશે. જો એ નાગપુર મહેલ સુધી પહોચે તો એમના માથે મોટું જોખમ ઉભું થઇ શકે એમ હતું.
“બાસ્ટર્ડ ગર્લ.... શી બર્નડ પોઅચ..” મેકલ, અઘોરી અને એમના અન્ય સાથીઓ અધવચ્ચે આવ્યા ત્યારે તેમણે આગની જવાળાઓમાં બગીઓ લપેટાતા દેખાઈ અને એ આછા ઉજાસમાં બિંદુને તેઓ ઘોડા પર સવાર થઇ નીકળી જતી જોઈ રહ્યા.
“શીટ....” મેસી બરાડ્યો, “સી એસ્કેપ્ડ...”
“વી કાન્ટ ચેઝ હર વિધાઉટ હોર્સિસ એન્ડ પોઅચ..” મેક્લના કપાળ પરના સળમાં વધારો થયો. તે ગીન્નાયો.
“એ રાજ મહેલ સુધી પહોચી ગઈ તો આપણે નહિ બચી શકીએ..” હુકમના પગ ઢીલા પડી ગયા. એ જંગલનો સર સેનાપતિ હતો એ જાણતો હતો કે એ જંગલમાં એક ઘોડે સવારને ઘોડા વિના પહોચી શકવું અશક્ય હતું.
“યસ, ઇવન જનરલ વેલેરીયાસ કેન્ટ હેલ્પ અસ..” મેસી બબડ્યો, “હી વિલ રેઈઝ હીઝ હેન્ડ ફ્રોમ ધ મેટર..”
“એ મહેલ સુધી ન પહોચે એવું કઈક કરવું પડશે...” મેકલે અઘોરી તરફ ફરી હિન્દી જુબાનમાં કહ્યું.
“એ મહેલ નહિ જાય...” અઘોરીના હોઠ મલક્યા.
“કેમ?” હુકમ બરાડ્યો, “આપનું જાદુ એને ત્યાં સુધી જતી અટકાવી શકે એમ હોય તો અત્યારે એને અટકાવી દો હું ત્યાં જઈ એના ટુકડા કરી આવું..”
“એ જે કારણે ભાગી છે એ જ કારણ એને મહેલમાં જતું રોકશે..”
“એ કયા કારણે ભાગી છે..?” મેકલને પણ એ કારણ સમજાયું ન હતું.
“મને જોઇને...” સુનયનાએ કહ્યું, “એ જાણે છે કે હું મહેલમાં હોઈશ અને મારી વિરુદ્ધ એની વાત કોઈ નહિ સાંભળે...” સુનયનાના હોઠ પર એક ગંદુ સ્મિત ફરક્યું અને બીજી પળે મશાલના અજવાળામાં મેકલ, મેસી અને હુકમે જે જોયું એના પર એમની આંખો વિશ્વાસ ન કરી શકી.
સુનયનાનો ચહેરો જાણે એકાએક તરડાવા લાગ્યો, એનો ચહેરો ભયાનક રીતે હલન ચલન થયો અને એ એકદમ બદલાઈ ગયો. થોડાક સમય પહેલા એમની સામે ઉભેલી સુનયના કોઈ બીજી સ્ત્રી બની ગઈ. એ સુનયના ન હતી.
“હાઉ ઈઝ ધીસ પોસીબલ..?” મેસીને પોતાની આંખો પર વિશ્વાસ ન થયો.
એ જ હાલત મેક્લની પણ થઈ.
“આઈ હેવ ટોલ્ડ યું ધીસ ઈઝ ઇન્ડિયા...” કેનિંગે અઘોરી પર ગર્વ લેતાં કહ્યું, “ઇન ધીસ લેન્ડ ઓફ મેજિક એવરીથીંગ ઈઝ પોસીબલ...”
“એ એક નાગિન છે...” હુકમના ધબકારા એકદમ વધી ગયા હતા, એણે સાંભળ્યું હતું કે નાગ જાતિના અમુક બાળકો ખાસ શ્રાપ સાથે જન્મતા હતા તેઓ માણસ અને નાગ એમ બે રૂપ બદલી શકતા હતા. કબીલો એવા બાળકોને છુપાવી રાખતો હતો અને એમની રૂપ બદલાવાની શક્તિને તેઓ શ્રાપ સમજતા હતા, “રૂપ બદલી શકતી નાગિન...”
“હા, એ બાળકી જેને ઉઠાવવા બદલ મારે નાગપુર જંગલ છોડવું પડ્યું હતું. એ મુર્ખ નાગ આદિવાશીઓ જેને શ્રાપ માને છે એ એક ચમત્કારી આશીર્વાદ છે..” અઘોરી બોલ્યો, “એ લોકો એવા બાળકોને છુપાવી રાખે છે કા’તો એમની શક્તિઓથી એમને અજાણ રાખે છે પણ મેં મારી આ દીકરીને એની અસલ શક્તિઓથી વાકેફ કરાવી છે.. એને ગમે તે રૂપ બદલાવાની તાલીમ આપી છે..”
“અને એ મુર્ખ આદિવાશીઓ એમ સમજતા હતા કે પિતાજીએ મને મારી નાખવા માટે ઉઠાવી છે...” હમણાં સુધી સુનયનાના રૂપમાં હતી તે છોકરીએ અઘોરીના ચરણ સ્પર્શ કર્યા, “એમને શું ખબર પિતાજી કેટલા દયાળુ છે.. એ પોતાના બાળકોને એમની અસલ શક્તિઓ અર્પણ કરે છે..”
“પણ.. એમાં બિંદુ કેમ ભાગી..” મેકલ હજુયે કઈ સમજ્યો નહી.
“બિંદુ રાજ પરિવારની ગુપ્તચર છે એ બાબત સુનયના જાણતી હશે અને અઘોરી બાબાએ જયારે સુનયનાને ગુફા બહાર બોલાવી ત્યારે એ ડરી ગઈ કે એની હકીકત સામે આવી જશે માટે એકાએક હુમલો કરી ભાગી ગઈ..” કેનિંગે સમજાવ્યું.
“તો હવે એ ભાગીને મહેલ કેમ નહિ જાય..?” હુકમે પૂછ્યું.
“કેમકે એને થોડીવાર પછી ઠંડા મને વિચાર્યા પછી એમ લાગશે કે મહેલમાં રહેતી રાજમાતાની પુત્રવધુ જ આ ષડ્યંત્રમાં સામીલ છે માટે મહેલ હવે એના માટે જોખમી છે. એ મહેલ જવાનું જોખમ નહિ લે..” એ અજાણ્યી યુવતીએ કહ્યું અને ફરી એનો ચહેરો બદલાયો - એ સુનયના બની ગઈ.
“પણ તું... આપ...” હુકમ એ યુવતીને શું કહી સંબોધવી એ નક્કી કરી શક્યો નહિ.
“મારું એક નામ છે જે મારા પિતાએ આપ્યું છે..” એ યુવતી એ હુકમની વ્યથા પારખી લીધી હોય એમ કહ્યું, “મીનાક્ષી...”
“પણ મીનાક્ષી સુનયનાના રૂપમાં જ કેમ આવી હતી..?” હુકમે પૂછ્યું.
“બાબા આપને ચમત્કાર બતાવવા માંગતા હતા. આગળના બીજા પ્લાન મુજબ જો પહેલા પ્લાનમાં સફળતા ન મળે તો પણ મહેલની પૂજામાં મીનાક્ષી સુનયના બનીને જશે અને ત્યાં જે વજ્ર ખંજરની પૂજા થતી હશે એ મેળવી લેશે..” કેનિંગે કહ્યું, “એ સુનયનાનું કેવું હુબહુ રૂપ લઇ શકે છે એ બતાવવા માટે એ સુનયના રૂપે આવી હતી. બાબા જોવા માંગતા હતા કે કોઈ એને ઓળખી શકે છે કે કેમ?”
“બિંદુએ ખાતરી આપી દીધી કે મને કોઈ ઓળખી શકે એમ નથી..” મીનાક્ષીના હોઠ પર ફરી સ્મિત ફરક્યું, “પિતાજીએ મને બખૂબી શ્રેષ્ઠ તાલીમ આપી છે..”
“પણ જે થયું એ...?” હુકમે કહ્યું, “આપણે આપણા વિશ્વાસુ માણસો ગુમાવ્યા અને બિંદુ હજુ આપણા માટે જોખમ બનીને બેઠી છે. એ હવે શું કરશે એ કોણ કહી શકે?”
“એ છતી ન થઇ હોત તો ક્યારેક આપણા બધાના ગાળામાં ફાંસીનો ફંદો પહેરાઈ ગયો હોત આપણને ખબર પણ ન પડોત..” મેકલે કહ્યું, “જે થયું એ સારું જ થયું છે..”
“પણ બિંદુ શું કરશે એ કઈ રીતે જાણવું..?” હુકમે એ જ સવાલ ફરી કર્યો.
“એ આપણા આયોજનને નિષ્ફળ બનાવાવનો પ્રયાસ કરશે..” અઘોરી બોલ્યો, “એ મહેલ જવાનું જોખમ નહિ લે પણ આપણને રોકવાનો પ્રયાસ કર્યા વિના પણ નહિ જ રહે અને આમ પણ બીજી યોજના સાંભળ્યા પહેલા જ એ નાશી ગઈં છે માટે એ બાજુ કોઈ જોખમ નથી.”
હવે મેસી અને મેકલને પણ અઘોરીની ચમત્કારી શક્તિઓનો પરિચય થઇ ચુક્યો હતો માટે તેમને એની વાત પર વિશ્વાસ બંધાઈ આવ્યો.
“હું જંગલમાં સિપાહીઓ પાસે તપાસ ચલવાડાવીશ..” હુકમે કહ્યું, “જો એ જંગલમાં જ છુપાઈ આપણી યોજના બરબાદ કરવા માંગતી હશે તો એ નહિ બચી શકે.”
બધાના ચેહરા પર ફરી ઉત્સાહ દેખાવા લાગ્યો. તેઓ ધીમી ગતિએ ટેકરી ઉતરવા લાગ્યા કેમકે ઉતાવળા થવાનો કોઈ અર્થ ન હતો. બિંદુ નીકળી ગઈ હતી.
*
દશેરાની આયુધપૂજાની તૈયારીઓ મહેલમાં જોરશોરથી ચાલવા માંડી હતી. મહેલના વિશાળ પ્રેમીસમાં કેટલાય ટેમ્પરરી ટેન્ટ લગાવવામાં આવ્યા હતા. અલગ અલગ લોકો માટે અલગ અલગ ટેન્ટની વ્યવસ્થા કરવામાં આવી હતી. મોટાભાગના ટેન્ટ સામાન્ય જનતા અને સિપાહીઓ માટેના હતા. એક કિલ્લે બંધી જેવી વ્યૂહ રચના સાથે ત્યાં સો કરતા પણ વધુ સિપાહીઓ ગોઠવી દેવાયા હતા.
આયુધ પુજાના મુહૂર્તના સમય સુધી મનોરંજન માટે કલાકારો અવનવા કરતબ બતાવી રહ્યા હતા. દશેરાની આયુધ પુજા એ બધા માટે આશીર્વાદ સમાન હતી કારણ વર્ષો વર્ષ તે દરેકને રાજ પરિવાર તરફથી સારો એવો શિરપાવ મળી રહેતો.
આયુધ પુજાના સ્થળથી ત્રણેક ગજ દુરના ટેન્ટ પાસે નાટકના કલાકારો મહાભારતના પ્રસંગને નાટક સ્વરૂપે ભજવી રહ્યા હતા. દ્રોપદી બનેલી સ્ત્રી બધાના આકર્ષણનું કેન્દ્ર હતી. એ આબેહુબ દ્રોપદીની જેમ વર્તન કરી રહી હતી. કેટલાક લોકો એમના પાસે મુકેલ કાપડમાં સિક્કાઓ મૂકી એમની કળાને બિરદાવતા હતા. રાજ પરિવારમાંથી મળવાના શિરપાવ સિવાય પણ એમના માટે ત્યાં એ દિવસે સારી કમાણી હતી.
મોટા ભાગે સુરક્ષાની આટલી મોટા પાયે સાવધાની લેવાતી ન હતી પણ રાજ્યના ગુપ્તચર વિભાગે જંગલમાં બે બગીઓના સળગી જવાના બનાવની ઘટના રાજમાતા સમક્ષ રજુ કરી હતી અને એ રાજ સુરક્ષાનો મુદ્દો હોવાની શકયતા રજુ કરી હતી. હથિયાર ગૃહનો રક્ષક રાજોસીહ છેલ્લા ત્રણ દિવસથી ગાયબ હતો - એની ભાળ મેળવવામાં ગુપ્તચરોને હજુ સફળતા સાપડી ન હતી.
બીજી તરફ આશ્રમની કેટલીક સ્ત્રીઓએ બિંદુના રાતે એકાએક ગુમ થઇ જવાના સામચાર પણ રાજ મહેલ પહોચાડ્યા હતા. એ રાતે શું બન્યું હતું એનાથી બિલકુલ બેખબર રાજમાતા એ બિંદુની જંગલ વિસ્તારમાં શોધ ચલાવવાનું કામ અરણ્ય સેના નાયક હુકમને જ સોપ્યુ હતું. કારણ તેઓ જાણતા ન હતા કે હુકમ ગદ્દાર છે.
હુકમે એ ખબર મેકલ અને અન્ય ષડ્યંત્રખોરો સુધી પહોચાડ્યા હતા. જયારે એમને સમાચાર મળ્યા કે બિંદુ અઘોરીના મત મુજબ મહેલ નથી ગઈ ત્યારે એમને હાશકારો થયો હતો. એમનું ષડ્યંત્ર બહાર નથી આવ્યું એના આનંદમાં અને આજે આયુધ પુજામાં જે બનવાનું હતું એ બાબતમાં એમના પર કોઈ શક ન કરે એ માટે મેકલ મહેલના ટેન્ટમાં હાજર રહ્યો હતો. મેકલના ટેન્ટથી થોડેક દુરનો ટેન્ટ ખાલી હતો ત્યાં રોકાયેલા બધા જ ગાયકો અને વાદકો ભીડને મનોરંજન આપી રહ્યા હતા. મેકલ ગોરાઓ માટે બાંધેલા સ્વતંત્ર ટેન્ટમાં હતો.
બિંદુ ક્યા હતી એ પતો કોઈનેય ન હતો. દશેરાના દિવસ સુધી હુકમે એની તપાસ એ જંગલમાં કરી હતી પણ દશેરાના દિવસે અરણ્ય ફોજને હટાવી લેવાના હુકમ મુજબ એણે ફોજ સાથે ત્યાંથી ખસી જવું પડ્યું હતું. એ છતાં છુપી રીતે એણે પોતાના ખાસ સિપાહીઓને બિંદુની શોધમાં જંગલમાં લગાવેલા જ હતા. બિંદુ મહેલ સુધી પહોચી ન હતી એ નક્કી હતું તો બીજી તરફ જંગલના એક એક વિસ્તાર એમણે ફેદી નાખ્યા હતા પણ બિંદુનો ક્યાય પતો ન હતો.
બિંદુ ક્યા ગઈ એ બધાના માટે એક કોયડો બની ગયો હતો. જોકે રાજ પરિવાર અને આશ્રમની યુવતીઓ માટે બિંદુની સલામતી માટે બિંદુ એક કોયડો બની હતી તો હુકમ અને એના સિપાહીઓ માટે બિંદુનું કાશળ કાઢી નાખવું જરૂરી હતું પણ એમના માટેય બિંદુ જાણે કોઈ નાનકડું બિંદુ બની જંગલમાં અદ્રશ્ય થઇ ગઈ હતી.
કદાચ પહાડીના ઢોળાવ પરથી પડવા અને ઘાયલ થવાથી ઉપરાંત બે દિવસના થાક અને ભૂખથી એ ક્યાય મરી પરવારી હશે અને જંગલી શિયાળવા કે કુતરાઓ એ એની મિજબાની ઉડાવી લીધી હશે એવો મત હુકમે બાંધ્યો હતો.
રાજમાતા અને રાજકુમાર સુબાહુ બંને હવે રાજનીતિમાં ભાગ લેવા માંડ્યા હતા. જીદગાશાએ કુમારને હકીકત જણાવ્યા પછી સુબાહુ પણ રાજનીતિનો એક ભાગ બની ગયો હતો.
એ મહેલના પ્રેમીસમાં બહાર લાવી ગોઠવેલા મોટા આસન પર બેસી જંગલમાં મળેલી બે અર્ધ જવલિત બગીઓ અને બિંદુનું રહસ્ય મેળવવાનો તાગ સાધી રહ્યો હતો. એની બાજુમાં બેઠી સુનયના એના મનમાં ચાલતા કલેશને અનુભવી શકતી હતી.
ખાસ સિપાહીઓની હાજરીમાં આયુધ પૂજાનો કાર્યક્રમ આરંભ થવાની શરૂઆત હતી. ત્રંબકેશ્વર રાજ પુરોહિતનું આસન સંભાળી મંત્રોચ્ચાર કરી રહ્યા હતા. એમના સાથે એમના મદદનીશ તરીકે બેઠેલા પાંચ છ બ્રાહ્મણ યુવકો એ યજ્ઞકુંડ જેવી રચના તૈયાર કરી હતી. જેમાં અગ્નિ પ્રગટાવવામાં આવી હતી. ચંદનના લાકડા બળવાની અને એમાં હોમાતા ઘીની સુવાસથી મહેલ પ્રેમીસ મહેકી રહી રહી હતી.
લોકો અજબ ઉલ્લાસ સાથે ભેગા થયેલા હતા. જોકે એમની સંખ્યા વિશાળ પ્રમાણમાં ન હતી. નાગપુરની કેટલીક પ્રજા રાજ પરિવારને ગોરાઓની કઠપુતળી સમજવા લાગી હતી અને રાજ પરિવાર પર્ત્યે એક ઠંડી સુગ ધરાવવા લાગી હતી. એવા લોકો એ આયુધ પુજાના ઉત્સવમાં ભાગ ન લેવાનું પસંદ કર્યું હતું. રાજમાતાએ દંડનાયક કર્ણદેવને સુચન આપેલ હતું એ મુજબ કોઈને એ ઉત્સવમાં જોડવા દબાણ કરવામાં આવતું ન હતું છતાં પોતાની સ્વેચ્છાએ જોડાનારાની સંખ્યા પણ હજારોમાં હતી. રાજમાતા સુબાહુ અને સુનયનાથી થોડેક દુર ગોઠવેલા મહા આસન પર બેસી એ ભીડને જોઈ આંખ ઠારી રહ્યા હતા. સફેદ વસ્ત્રોમાં સજ્જ રાજમાતા ધૈર્યવતીના ગોળ ચહેરા ઉપર ગજબની ચમક હતી.
હજુ લોકોનો રાજ પરિવાર પર વિશ્વાસ ટકી રહેલો છે એ જોઈ એમની આંખો ભાવુક બની ગઈ હતી. નાગપૂરમાં છેલ્લા કેટલાક વર્ષોમાં કેટલાય નિર્દોષ બાગીઓને જાહેરમાં ગોરાઓએ ફાંસી આપી હતી અને એ સમયે રાજ પરિવાર એ બાગીઓની કોઈ મદદ કરી શક્યો ન હતો એ છતાં લોકોને હજુ રાજ પરિવાર પર્ત્યે ઊંડે ક્યાંક લાગણી હતી એ જોઈ રાજમાતા ધૈર્યવતી આનંદ વિભોર હતા. રાજમાતાએ દીકરા અને પુત્રવધુ તરફ નજર કરી. લાંબા વાળ સુબાહુના ખભા ઉપર પથરાયેલા હતા. તેની સોનેરી આંખો ચમકતી હતી. લંબ ગોળ ચહેરા ઉપર તેની પાતળી હડપચી તેના ચહેરાને ઓર દેખાવડી બનાવતી. સુબાહુએ પગમાં કાળી મોજડી અને આસમાની કલરની પીળી કોરવાળી ધોતી પહેરી હતી. તેના ઉપર અંગવસ્ત્રમાં તેના આરસપહાણના ચોસલા જેવા બાહુ અને ખભા દેખાતા હતા. રાજમાતા કેટલીયે વાર તેને જોઈ રહ્યા.
ભોમેશ અને એના ગુપ્તચરો મહેલ અને એની પ્રેમીસના દરેક ભાગમાં ફેલાયેલા હતા. એ બધા સામાન્ય જનતા જેવા કપડામાં ડીસગાઈઝ (વેશ પલટો કરીને) થઇ નાગપુર આવામમાં એ રીતે ભળેલા હતા કે એમને ઓળખી શકાય એમ ન હતા. લગભગ એકાદ કલાક સુધી આયુધ પુજાના આરંભના શ્લોકો ગવાયા.
આયુધ પૂજા શરુ થવાની તૈયારી હતી.
“રાજકુમાર સુબાહુના હાથે આયુધપૂજા આરંભ થવા જઈ રહી છે.” ત્રંબકેશ્વર સ્વામીના ગાળામા કોઈ અદભૂત શક્તિ હોય એમ એમનો અવાજ સાંભળતા જ લોકોનું ધ્યાન એ તરફ દોરાયું.
સુબાહુએ રાજમાતા તરફ એક નજર કરી. રાજમાતાએ હકારમાં માથું હલાવી એને આંખોથી પુછેલા સવાલનો જવાબ આપ્યો. સામાન્ય લોકોનું ધ્યાન હથિયાર તરફ હતું પણ અખંડેશ્વર (અખંડ )અને સુર્યેશ્વરનું (સૂર્યમ) ધ્યાન એ તરફ હતું. તેઓ જાણતા હતા એ ઈશારો શેને માટે હતો.
રાજકુમારે સુનયના સાથે હજુ વિવાહ કર્યા ન હતા પણ નાગપુર આખું જાણતુ હતું કે તેઓ એકબીજા સાથે વિવાહના બંધનમાં જોડાવાના હતા. સુબાહુ સુનયનાને એ આયુધ પૂજામાં પોતાની સાથે જોડવા માટે રાજમાતા પાસે પરવાનગી માંગી રહ્યો હતો એ જોઈ અંખંડ અને સૂર્યમની આંખોમાં સ્મિત મલક્યું.
“સુનયના...” રાજકુમારે આસન છોડી ઉભા થઇ પોતાનો હાથ આગળ લંબાવ્યો.
સુનયનાએ મોટી ગોળ આંખોવાળી પાંપણ નીચી રાખી એનો હાથ પોતાના હાથમાં લીધો અને આસન પરથી ઉભી થઇ. બંનેએ એક નજર રાજમાતા તરફ કરી, માથું નમાવ્યું. રાજમાતા એ આંખોથી એમના પર આશીર્વાદ વરસાવ્યા. સુનયનાના લાંબા કાળા વાળ રાજમાતાએ ખુદે જ ગૂંથ્યા હતા. તેના માટે સોનેરી કોરવાળા સફેદ વસ્ત્રો પણ રાજમાતાએ જ પસંદ કર્યા હતા.
“રાજમાતા...” લોકોની ભીડે રાજમાતાની જયનાદનો અવાજ ઉઠાવ્યો, “અમર રહે...” નો પડઘો હવામાં ફેલાયો.
“રાજકુમાર સુબાહુ...” રાજમાતાના જયનાદનો પડઘો પ્રેમીસમાંથી સમ્યો એ પહેલા ભીડમાંથી ભીજો જયઘોષનો અવાજ ગુંજી ઉઠ્યો. તે સાથે જ સિપાહીઓએ હથીયાર જમીન ઉપર પછાડી સુબાહુનું સમ્માન કર્યું.
“રાણી સુનયના...” ઉત્સાહિત થયેલી ભીડ જાણતી હતી કે સુનયના રાજકુમાર સાથે વિવાહિત નથી છતાં એને રાણી તરીકે સંબોધી એનો જયનાદ કરવા લાગ્યા. એના બે કારણો હતા એક તો એમને રાજમાતાનો પ્રજાપ્રેમ જોયો હતો માટે એમને શાશક મહિલા તરફ આદર ભાવ હતો ઉપરાંત સુનયનાએ મહેલમાં આવ્યા પછી પણ સામાન્ય માણસ જેવું જીવન પસંદ કર્યું હતું.
લોકોને એ ખબર ન હતી કે એ નાગલોકની રાજકુમારી છે. મહેલમાં પણ બધા એ બાબતથી અજાણ હતા. રાજકુમાર સુબાહુ સિવાય એ વાતની કોઈને જાણ ન હતી પણ સુનયનાએ નાગલોક છોડ્યું હતું ત્યાના સંસ્કારો નહી.
એ નાગલોક જેમ જ નાગપુરમાં સામાન્ય માણસની જેમ ફરતી અને લોકોના સુખ દુઃખની પરવાહ કરતી જે બાબત લોકોના દિલોમાં વસી ગઈ હતી. રાજમાતા અને સુબાહુને પણ એ બહુ ગમ્યું હતું.
સુબાહુ અને સુનયના એમના આસનથી આયુધ પુજાના સ્થળ સુધી પાથરેલા મખમલી પટ્ટા પર ચાલી પહોચ્યા ત્યારે રાજ ઢોલીએ આયુધ રાગ વગાડ્યો અને એ રાગ સાથે શરણાઈ, વિણા અને મૃદંગના રાગો ભળ્યા. વાતાવરણમાં એક અજબ શુરાતન પ્રસરી ગયું.
દુર ઉભેલા રાજના ભાટે સુબાહુના પૂર્વજોના પરાક્રણને વર્ણવતો દુહો લલકાર્યો અને રાજ ચારણે આખી કવિતા ગાઈ નાખી. શિવ તાંડવ સાંભળી જેમ મનમાં યુદ્ધ રાગ ઉદભવે એ જ રાગ જગાવતી એ લલકારની લીટીઓ સાંભળી કેટલાક શુરા સિપાહી જોમમાં આવ્યા હોય એમ ત્રંબકેશ્વર નજીક જઈ માથું નમાવી ઉભા રહ્યા. રાજ પુરોહિતે એમના કપાળે તિલક કર્યા અને એમના હાથમાં એક એક તલવારો સોપી.
કુમકુમથી રંગાયેલી તલવારો હાથમાં લઇ એમણે તાલવારોને નમન કર્યું અને આયુધ પુજાના સ્થળથી એકાદ ગજ દુર જઈ એમણે તલવારબાજીની કળાનું પ્રદર્શન શરુ કર્યું.
રાજ ઢોલીએ ઢોલના શૂરોને બદલાવ્યા. એની દાંડી ઢોલ પર વિઝાતી હતી અને એની અસર જાણે એ તલવાર બાજો પર થતી હોય એમ હવામાં કુદી તેઓ એકબીજા પર વાર કરતા હતા અને એકબીજાના વારને રોકતા હતા. તલવારોના ટકરાવના અવાજથી પ્રેમીસ ગુંજવા લાગી. પ્રેમીસમાં ઉભી જનતા એ તલવાર બાજીની કળાને નીહાળવા ટોળે વળી.
સુનયના અને સુબાહુ પણ એ તરફ જોવા લાગ્યા. એ પ્રાચીન તલવાર બાજીની કળા હતી જે દક્ષિણના કેટલાક રાજ્યો અને નાગપુરના રાજ મહેલમાં હજુ સચવાઈને રહી હતી.
“રાજમાતા..” દિવાન ચિતરંજન રાજમાતા નજીક પહોચ્યા અને હળવા આવજે કહ્યું, “સવારી નીકળી ગઈ છે.”
“નાગદેવ મંદિર સુધી આપણા સિપાહીઓ પણ પહોચી જ ગયા હશે.” રાજમાતાએ પોતાની નજર આયુધ પૂજા તરફ જ રાખતા જવાબ આપ્યો.
“પણ ત્રણ સવારી છે માતા...” દિવાન ચિતરંજને મુશ્કેલી જણાવી. તેની નજર આસપાસ ફરતી હતી, એમની વાતચિત ગુપ્ત હતી અને કોઈનું ધ્યાન એ તરફ નથી એની ખાતરી દિવાન વાર-વાર કરી લેતો હતો.
“મીરામાં બધું સાંભળી લેશે....” રાજમાતાએ હવે દિવાન તરફ એક આછી નજર ફેરવી, “એ સ્ત્રીને એમ પણ કલાકો સુધી નાટક ચલાવવાની આદત છે.”
“ખબર નહિ લોકો એને કેમ સહન કરે છે..?” મીરામાં નામ સાંભળતા જ દિવાનના ચહેરા પર જરાક કચવાટ દેખાયો પણ પળવારમાં તે સ્વસ્થ થઇ ગયો.
“આપના મુખે આ સવાલ બાલીશ લાગે છે..” રાજમાતાના મુખ પર હળવું સ્મિત ફરક્યું.
દિવાને જવાબ આપવાને બદલે એ જ સ્મિતનું પ્રતિબિંબ પોતાના ચહેરા પર દેખાવા દીધું. દિવાન જાણતો હતો પોતાનો સવાલ બાલીશ હતો. મીરામાંનો પતિ નાગપુરમાં એક ભોપા તરીકે પ્રતિષ્ઠા પામેલ વ્યક્તિ હતો. એ અવ્વલ નંબરના શરાબીને એમ તો લોકો પસંદ કરતા નહી પણ જયારે કોઈની પત્નીના શરીરમાં ભૂત પ્રેતનો વહેમ દેખાય ત્યારે લોકો એની પાસે પહોચી જતા અને એ લોકો પાસેથી ચાંદીના જેટલા સિક્કા પડાવી શકાય એટલા પડાવી એ ભૂત નીકાળી આપતો. એનો ધંધો સારો ચાલતો હતો પણ શરાબની વધુ પડતી લત એના ફેફસા ખાઈ ગઈ હતી.
એક રાતે ક્યાય ભૂત નીકાળવાની વિધિ દરમિયાન એ મૃત્યુ પામ્યો. એની પત્ની મીરાંએ એ મોકાનો ફાયદો ઉઠાવી જે પરિવારનું ભૂત નીકાળતા એનો પતિ મર્યો હતો એને ગભરાવી નાખ્યો કે એના ઘરમાં પિશાચી તાકાત ઘણી ભયાનક છે એ ભોપાજીનો જીવ લઇ ગઈ.
ગભરાયેલા પરિવારે મીરાંને એ બાબત દબાવી દેવા અઢકલ ધન આપ્યું મીરાએ એ વાત દબાવી પણ સાથે સાથે પોતે એ પીશાચિક શક્તિને ત્યાંથી નીકાળી દેશે એવું વચન પણ આપ્યું. થોડાક દિવસમાં પતિની જેમ ધૂણતા શીખી ચુકેલી મીરાં મીરાંમા બની ગઈ. અને પોતાનું ધુણવાનું કામ એ ભેડાઘાટ પરના નાગ મંદિરે ચલાવવા લાગી હતી. આજ દશેરો હતો માટે રાજની હથિયાર પૂજા સમયે એ ધૂણી ધતિંગ કરી બની શકે એટલા સિક્કા પડાવી શકે એમ હતી.
રાજ પરિવારને એ પસંદ ન હતું પણ અભણ લોકો અંધ બનેલા હતા. મીરામા વિરુદ્ધ કોઈ પગલા લેવાતા એ રાજ પરિવાર સામે વધુ ખફા થઇ શકે એમ હતા. આપણા ભારતની આ એક ભયાનક કરુણતા હતી.
“પ્રથમ સવારી રવાના થઇ ચુકી છે..” દંડનાયકે આવતા જ રાજમાતાને પ્રણામ કર્યા, “ત્રણસો વજ્ર ખડક લઇ એ ત્રણ ઘોડાની સવારી સલામત બે કલાકમાં ગુપ્ત સ્થળે પહોચી જશે..”
“એના રક્ષકો કોણ છે?” રાજમાતાએ પણ હવે એક ચકોર નજર ચારે તરફ ફેરવી. રાજકુમાર સુબાહુ અને સુનયના પંડિતો સાથે આયુધપૂજામાં વ્યસ્ત હતા. ગોરાઓ તો મોટે ભાગે એમના કેમ્પમાં આરામ ફરમાવતા હતા જોકે સામાન્ય લોકોને રાજના સિપાહીઓ દ્વારા ખેલાતા તલવાર બાજી અને પટ્ટા બાજીના પ્રદર્શનમાંથી આંખ પલકારવાની પણ ફુરસદ ન હતી.
રાજના મુખ્ય ઢોલી જોગડા સાથે અન્ય ત્રણ મોઘો, ભેરો અને ચતુરાના હાથમાં રહેલી વાંકડી દાંડીઓ પણ ઢોલ પર પડતી હતી, શરણાઈ અને મૃદંગના એ શોરો વચ્ચે એમની વાતચીત સલામત હતી એની ખાતરી રાજમાતાએ કરી લીધી.
“આપણા ખાસ વિશ્વાસુ જીત અને એના પિતા સુરદુલ...” કર્ણસેને જવાબ આપ્યો.
સત્યજીત અને સુરદુલનું નામ સાંભળતા રાજમાતાને એ સવારીની કોઈ ફિકર ન રહી.
“અને અન્ય સવારીઓ માટે..?”
“અસ્વાર્થ અને એની પુત્રી લેખા બીજી સવારી સંભાળશે અને ત્રીજી સવારી નાગીશ અને દંશકને સોપવામાં આવી છે..”
“આપે એ બંને નાગને ભરોસા પાત્ર કઈ રીતે ગણ્યા છે માતા?” દિવાને પૂછ્યું.
“એ બંને મહારાજના ખાસ હતા. મહારાજ એમના પર ભરોષો મુક્તા હતા માટે ફિકર જેવી કોઈ બાબત નથી...”
મહારાજના વિશ્વાસુ નાગ પર ભરોષો મુકવો દિવાનને પણ યોગ્ય લાગ્યો. મહારાજ સાથે નાગમંદિર પર અમુક ભક્ત નાગ જાતિના લોકો કાયમી હોતા. કદાચ એ બન્ને એ લોકોમાંના ખાસ માણસો હતા બાકી ચિતરંજનને નાગ જાતિના લોકો પર ખાસ વિશ્વાસ ન હતો. મદારી કબીલા જેટલો વિશ્વાસ એમના પર ન જ મૂકી શકાય.
“એક ખાસ કારણ પણ છે કદાચ કોઈ ગફલત થઇ શકે કે કોઈ એ જંગલમાં જાસુસી કરતુ હોય તો પણ એને એમ જ લાગે કે નાગ અને મદારી જાતિના લોકો વચ્ચેની સંધી મુજબ નાગલોકો મદારીઓને વર્ષાસન આપવા જઈ રહ્યા છે.” રાજમાતાએ કહ્યું.
દિવાને સંતોષ પામી માથું હલાવ્યું. તેને રાજમાતાની ચાલાકી પર માન થયુ. રાજમાતાએ કોઈને શક ન થાય એ માટે એક અજબ અફવા નાગપુરમાં ફેલાવી હતી કે નાગલોકો અને મદારીઓ એકબીજાના દુશ્મન છે અને નાગલોકોએ જંગલના એક ભાગમાં રહેવા બદલ મદારીઓને એ પ્રદેશમાં થતી જંગલ પેદાશો દર વર્ષે વર્ષાસન તરીકે પહોચાડવી અને કોઈ સામાન્ય માનવને નુકશાન પહોચાડવું નહિ.
એ સંધી માત્ર અફવાઓ હતી જેને ગોરાઓ પણ સાચી સમજતા હતા. એની પાછળનો મુખ્ય હેતુ કોઈની જાણમાં ન હતો.
“ત્યાનું બધું કામ સંતોષપૂર્વક પાર થયું હોય તો અહીના કામમાં ધ્યાન આપો..” રાજમાતાએ દિવાન તરફ જોઈ આદેશ કર્યો.
“જી માતા..”
દિવાન અને કર્ણસેન આયુધ પુજાના સ્થળ તરફ ચાલવા લાગ્યા. તેઓ આયુધ પૂજામાં હાજર ન હોય તો ગોરાઓના પ્રતિનિધિ મેકલને શક થઇ શકે પણ રાજના દરેક મુખ્ય વ્યક્તિઓ ત્યાં હાજર હોય તો કોઈને શક થઇ શકે નહિ.
ચિતરંજન અને કર્ણસેન સુબાહુ અને સુનયના સામેની કાર્પેટ પર ગોઠવાયા ત્યાં સુધીમાં સામાન્ય તલવારોની પૂજા થઇ ચુકી હતી.
હવે ગોરાઓ તરફથી નાગપુર પ્રિન્સ્લી સ્ટેટને મોભા રૂપ આપવામાં આવેલી બંદુકોને તિલક કરવાનો વારો હતો.
દિવાન બંદુકો પર તિલક થતા જોઈ મનોમન હસ્યો. એના હાસ્ય પાછળનું કારણ કર્ણસેન જાણતો હતો - ગોરાઓની એ બંદુકો થોડાક સમયમાં નકામી બની જવાની હતી. વજ્ર ખડકનો જથ્થો પુરતો તૈયાર થઇ જાય એ પછી ગોરાઓને એમની બંદુકો કોઈ કામ આવી શકે એમ ન હતી.
ચિતરંજન અને કર્ણસેન એકબીજા સામે જોઈ મલક્યા પણ એમને ખબર ન હતી કે એમનાથી થોડેક દુર સામાન્ય જનતામાં ઉભેલી એક યુવતીનું ધ્યાન એમના તરફ હતું. એ યુવતી બીજી કોઈ નહિ મીનાક્ષી હતી. અઘોરીએ રૂપ બદલવાની કળામાં માહિર બનાવેલી મીનાક્ષી જે આજે મહેલના વજ્ર ખંજરને ઉડાવી જવા આવી હતી.
એ ધીમે પગલે મહેલ તરફ જવા લાગી એ પહેલા એની નજર બાળકોની ભીડ જે તરફ એકઠી થયેલી હતી એ તરફ ગઈ. ત્યાં કઠપુતળીનો ખેલ ચાલી રહ્યો હતો. દશેરાનો પ્રસંગ હતો. પપેટીર રામલીલા બતાવી રહ્યો હતો. રામ સીતા હનુમાન અને જયારે આખરી યુદ્ધ બતાવવા પપેટીયરે એક દશ માથાવાળી કઠપૂતળી બહાર નીકાળી એ કઠના હાથમાં નાનકડી તલવાર નાચી રહી હતી એ દ્રશ્ય જોઈ બાળકો છળી ગયા હોય એમ એકાદ બે ડગલા પાછળ હટી ગયા પણ મીનાક્ષીના હોઠ પર એક ઘાતકી સ્મિત ફરકયું.
એ ફરી મહેલ તરફ ચાલવા લાગી. મહેલના દરવાજા પાસે એ પહોચી ત્યારે એનો ચહેરો દિવાન ચિતરંજનનો બની ગયો હતો. ત્યાં ઉભેલા સિપાહીઓએ એને દિવાન સમજીને સલામ કરી.
“આજે ખાસ ઉત્સવ છે ચોકીમાં કોઈ કસર ન રહે.. ચારે તરફ ચાપતી નજર રાખજો..” દિવાન બનેલ મીનાક્ષીએ સિપાહીઓએ હકારમાં માથું હલાવ્યું એ જોવા રહ્યા વિના જ મહેલના ફોયરમાં દાખલ થઇ.
જોકે એને એકવાર પાછળ ફરીને જોવું જોઈતું હતું - એ સિપાહીઓ તરફ નહિ તો કમસે કમ જે કઠપુતલીના દશ માથા અને એની દુષ્ટતા જોઈ છળી જતા બાળકો જે ખેલ નિહાળી રહ્યા હતા એ તરફ એક નજર કરી લેવી જોઈતી હતી - એ દશ માથાવાળી કઠપૂતળીના શરીર પર હવે એક પણ માથું ન હતું - રાજા રામ બની આવેલી બીજી કઠપુતળીની તલવાર એ દશાનન બનેલી પુતળીના દશે માથા કાપી નાખ્યા હતા - એ સીમ્બોલીક હતું.
***
ક્રમશ:
લેખકને અહી ફોલો કરો
ફેસબુક : Vicky Trivedi
ઇન્સ્ટાગ્રામ : author_vicky