Swastik - 25 books and stories free download online pdf in Gujarati

સ્વસ્તિક (પ્રકરણ 25)

સત્યજીત અને જીદગાશાના ઘોડા જયારે મહેલના પ્રેમીસમાં દાખલ થયા જશવંત અને બીજા સિપાહીઓ બેબાકળા બની એમની રાહ જોતા હતા.

“જશવંત...” સુબાહુએ ઘોડા પરથી ઉતરી લગામ જસવંતના હાથમાં આપી, “આ માર્કા વગરના ઘોડા કોના છે અને ક્યા વેપારી પાસેથી ખરીદાયેલા છે એની તપાસ ચલાવવાની છે..”

“આપ ગયા પવન પર અને પાછા આવ્યા અજાણ્યા ઘોડા પર..?” જશવંતે સુબાહુએ કહેલા સ્ટેટમેન્ટને ધ્યાનમાં ન લેવા માંગતો હોય એમ બીજો જ મુદ્દો આગળ ધરી દીધો. જશવંત પોણા છ ફૂટનો જાડી મૂછોવાળો માણસ હતો. તેના ગોળ ચહેરામાં કુદરતે ગોઠવેલી આંખોની ચમક જોઇને જ ખ્યાલ આવે કે તે ઘોડાનો જાણકાર હતો. અલબત્ત ગમે તેવા ઘોડાને કે ઘોડીને તે કાબુમાં લઇ શકે તેવો હતો. બીમાર ઘોડાની દવા કરવાનું કામ પણ તેનું જ હતું. અલબત્ત તેની આંખોમાં જાણે કોઈ જાદુ હોય તેમ તે ગમે તે ઘોડાને જોઇને જ કહી દેતો કે તે કેટલો મજબુત છે અને કેટલા માઈલ દોડી શકશે.

“પવન મારા વિના એકલો પાછો આવ્યો એટલે જ તો હું આ અજાણ્યા ઘોડા પર આવ્યો છું..” સુબાહુએ જશવંતની આંખમાં આંખ પરોવી, જશવંત નજર ફેરવી લેવા માંગતો હતો પણ અર્ધનાગ તરીકે સુબાહુની વાદળી કીકીવાળી આંખોમાં ગજબ સંમોહીની હોય એમ એ નજર ન ફેરવી શક્યો, “રાજમાતાને તું જ સમાચાર આપી આવ્યો હતો કે સુબાહુ જોખમમાં છે..?”

“માલિક...” જશવંત જાણી ગયો કે સુબાહુના હાથમાં કોઈક રહસ્ય તો આવ્યું જ છે, “મેં પવન એકલો પાછો આવ્યાની વાત દિવાનજીને જ કહી હતી...”

“હું હવે એમને જ મળવા જઈ રહ્યો છું..” સુબાહુએ રહસ્યમય સ્મિત ફરકાવતા કહ્યું, “આજે એ દિવાનના બચ્ચાને ઘણા સવાલોના જવાબ આપવા પડશે..” સુબાહુને બધાએ લાડમાં ઉછેર્યો હતો એટલે તે કોઈને માન ન આપતો. રાજમહેલના દરેકે દરેકને સુબાહુ પોતાના પરિવારના સભ્ય ગણતો.

“જી માલિક...” જશવંત વધુ કઈ બોલ્યો નહી એ જાણતો હતો ચિતરંજન બધા સવાલ જવાબ સંભાળી લેશે.

“જીદગાશા..” સુબાહુએ મહેલના દરવાજા તરફ જતા પહેલા કહ્યું, “તું સત્યજીત, અખંડ અને સુર્યેશ્વરને ગામના મંદિરે આવવાનું રાજ તેડું મોકલ..”

“એની જરૂર નથી...” જશવંતે વચ્ચે જ કહ્યું.

“કેમ?” સુબાહુ નવાઈથી બબડ્યો.

“નવરાત્રી ચાલે છે એટલે એ બધા આમ પણ સાંજે મંદિરે જ હશે..”

“ઓહ! જશવંત.. યુ આર ગ્રેટ..” એ રાજ તેડા વિના જ ત્યાં આવ્યા હશે તો ઓર મજા આવશે..”

“જી..” જશવંત સુબાહુના શબ્દોનો અર્થ સમજ્યો નહિ પણ જીદગાશાના એ શબ્દોનો મર્મ જાણતો હતો એના હોઠ પર એક આછું સ્મિત ફરક્યું.

“જીદગાશા.. સાંજે તું પણ મારી સાથે આવવાનો છો. એ જીતનો બચ્ચો પુરાવા વિના વાત નહિ સ્વીકારે...” સુબાહુએ કહ્યું અને જીદગાશા શું જવાબ આપે છે એ સાંભળ્યા વિના જ મહેલમાં દાખલ થયો. આમ પણ જીદગાસા પાસે કોઈ જવાબ હતો જ નહી એ ચુપચાપ જ ઉભો રહ્યો હતો.

“રાજમાતા એમના કક્ષમાં આપની રાહ જુએ છે..” દિવાનખંડમાં પ્રવેશતા જ મહેલના જુના સેવક દુર્ગેસે કહ્યું, એ મહેલમાં જ ઘરડા થયેલા જુના અને વફાદાર સેવક હતા.

“મારે પણ એમને જ મળવું હતું...” સુબાહુએ કહ્યું, “અને ચિતરંજન કયા છે?”

તેના પ્રશ્નથી દુર્ગેસની કરચલીવાળી જીણી આંખો જરાક પહોળી થઇ ગઈ પણ એમણે પોતાની નવાઈ છતી ન થવા દીધી. તેમને નવાઈ એ બાબતની હતી કે પહેલા તો જયારે કુમાર ક્યાય આજ્ઞા વિના જતો રહે તો રાજમાતા સામે જતા પણ ગભરાતો હતો તો આજે એકાએક કેમ એને પોતાના એક સાહસ પછી રાજમાતાને મળવાની ઉતાવળ હતી જે સાહસ માટે એને ઠપકો મળવાનો હતો.

ક્યાય સુબાહુને કોઈ રહસ્ય તો હાથ નથી લાગી ગયું ને? એ સવાલ મનમાં આવતા જ ઘરડા સેવકની આંખો એક પળ માટે પહોળી થઇ ગઈ પણ બીજી જ પળે સ્થિતિને સંભાળી લેતા એમણે કહ્યું, “એ દંડનાયક કર્ણસેન સાથે કોઈ ચર્ચામાં વ્યસ્ત છે.”

“એમને રાજમાતા કક્ષમાં મોકલો...” સુબાહુએ હુકમ કર્યો અને રાજમાતાના કક્ષ તરફ જવા લાગ્યો. એણે દુર્ગેસની આંખો પહોળી થતા નોધી લીધી હતી. શું એ પણ મહેલના બધા રાજ જાણતા હશે..?

સુબાહુનો ચહેરો ફિક્કો પડી ગયો. એવું તે શું રહસ્ય છે કે મહેલના વૃદ્ધ સેવકો પણ જાણે છે? શું રાજમાતા મને એમના જેટલો પણ કાબિલ નથી સમજતા?

ફિક્કા ચહેરા સાથે એ રાજમાતાના કક્ષમાં પ્રવેશ્યો અને રાજમાતાની ખુરશી સામેની ખુરશીઓમાંથી એક પર ગોઠવાયો.

“એ ખુરશીઓ સામાન્ય લોકો અને અધિકારી વર્ગ માટેની છે..” રાજમાતાએ ગુસ્સાભરી નજરે સુબાહુ તરફ જોયું, “આપ જાણો છો આપના માટે રાજમાતાની ખુરશી પાસેની ખુરશી છે.”

“એ ખુરશી રાજકુમાર માટે છે..” સુબાહુએ કહ્યું, “હું એને લાયક નથી..”

રાજમાતાની આંખો ચમકી, તે આજે જંગલમાં જે થયું એ જાણતા હતા. ચિતરંજને એમને સમાચાર આપ્યા જ હતા.

“આપ નાગપુરની સીમા બહારના જંગલમાં કેમ ગયા હતા?” રાજમાતાએ પૂછ્યું.

“એ બધા સવાલ જવાબો હું ચિતરંજનની હાજરીમાં કરવા માંગું છું.”

“કેમ?”

“આપના દરેક સવાલનો જવાબ હું એ આવે પછી જ આપીશ...” સુબાહુએ મક્કમપણે કહ્યું અને તેની આદત મુજબ તેના વાળ સરખા કરવા લાગ્યો.

“આપણે ફરી ક્યારેક એ બધા સવાલ જવાબો કરીશું...” રાજમાતાએ ચર્ચા ટાળવાના ઈરાદે વાત બદલી, “ભોજન કક્ષમાં આપણા માટે સેવકો રાહ જોઈ રહ્યા છે..”

“મને ભૂખ નથી...” તેણે મોઢું ફેરવી લીધું.

“આપ સવારે સાત વાગ્યે નીકળ્યા હતા અને સાંજના ચાર થયા છે છતાં આપને ભૂખ નથી..?” રાજમાતાએ નવાઈથી પૂછ્યું.

“ના, મને ભૂખ નથી...” સુબાહુ જીદગાશા આગળ જ અકડું હતો એમ ન હતું એ રાજમાતા સામે પણ જીદ્દી જ હતો.

“સુનયના આપની રાહ જોઈ રહી છે..” રાજમાતાએ એનું ધ્યાન બીજી તરફ વાળવા કહ્યું, “એ સવારથી ચિંતામાં અડધી થઇ ગઈ છે..”

“હું આ ચર્ચા પછી એને મળી લઈશ..” સુબાહુએ જવાબ આપ્યો એ પછી તરત જ ચિતરંજન કક્ષમાં દાખલ થયો. રાજમાતાના કક્ષમાં પ્રવેશ માટે એ દિવાન તરીકે ચપરાસીના ગોંગ વિના છૂટ ધરાવતો હતો.

ચિતરંજન અંદર આવતા જ સમજી ગયો કે આજે કઈક વધુ જ સવાલો થશે કેમકે ભડકેલો સુબાહુ સામાન્ય અધિકારીઓને બેસવાની ખુરશી પર બેઠો હતો.

“હવે હું જવાબો આપવા તૈયાર છું..” સુબાહુએ કહ્યું, “આપનો પહેલો સવાલ હતો કે હું નાગપુર જંગલની હદ બહાર કેમ ગયો..?”

“હા...” રાજમાતાએ હકારમાં માથું હલાવ્યું.

“હું જીદગાશા સાથે નાગપુર નદીને પેલે પાર જવા નીકળ્યો હતો પણ એકાએક હોડી ઉંધી વળી ગઈ અને અમે અજાણ્યા ભાગમાં તણાઈ ગયા..” તેણે વાત બનાવીને કહ્યું અને પછી ચાલાકીથી સોગઠું ફેક્યું, “પણ આપને શી ખબર કે હું નાગપુર જંગલની હદ બહાર ગયો છું?”

રાજમાતા આ યુવાન પુત્રની વાકપટુતાના પાસાથી પહેલી જ વાર પરિચિત થયા હોય તેમ શબ્દો સુજ્યા નહી. તે રાજકુમારના ચહેરાને જોઈ રહ્યા.

“આપનો પવન એકલો પાછો આવ્યો માટે અમે તપાસ કરાવી હતી...” રાજમાતાને મુઝાયેલા જોઈ ચિતરંજને જવાબ આપ્યો.

“અને આપે ખાતરી કરી કે અમે પીંઢારાઓના પ્રદેશમાં જતા રહ્યા હતા..” સુબાહુ જાણે બધા સવાલો રસ્તામાં જ તૈયાર કરીને આવ્યો હોય તેમ દિવાન તરફ ફર્યો અને સીધો જ સવાલ કર્યો.

“જી...” રાજમાતાને બદલે ચર્ચાનો દોર ચિતરંજને જ હાથમાં લઇ લીધો.

“અને અમને ત્યાંથી નીકાળવા અસેસીન મોકલ્યા...?”

“કેવા અસેસીન..?” ચિતરંજન નવાઈથી તેને જોઈ રહ્યો, “આપને કોઈ ગેર સમજ થઇ છે. આપની શોધમાં ગયેલા રાજ સિપાહીઓ હજુ પાછા આવ્યા જ નથી અને એમના સિવાય કોઈએ તમારી મદદ કરી હોય એવું બની શકે..”

“કોઈ અજાણ્યું મારી મદદ કેમ કરે..?”

“કેમકે નાગપુરને આસપાસના રજવાડાઓ સાથે સારા સબંધ છે...” ચિતરંજન જવાબ આપવામાં પાછો પડે એમ ન હતો.

“સારા સબંધ છે કે એ બધા નાગપુરના વજ્ર-ખંજર અને એવા તિલસ્મી હથિયારોથી ડરીને નાગપુરને માન આપવાનો ઢોંગ કરે છે?” રાજકુમારે ચિતરંજનની આંખોમાં જોયું, “મને નથી લાગતું જે રાજય ગોરાઓની કઠપુતળી હોય એને બીજા રજવાડા સમ્માન આપતા હોય..”

“રાજકુમાર આપ નાગપૂરનું અપમાન કરી રહ્યા છો?” રાજમાતાથી એ સહન ન થયું હોય અમ બોલી ઉઠ્યા.

“હા અને બાગીઓ ગમે ત્યારે ખુલ્લે આમ નાગપુરમાં આવી કતલ કરી જાય એ નાગપુરનું અપમાન નથી.?”

“એમને પકડવા તપાસ ચાલી રહી છે..” ચિતરંજને વચ્ચે દખલ કરી.

“એમને પકડવા કે એમને બચાવવા..?”

“આપ હોશમાં નથી રાજકુમાર...” રાજમાતા ગુસ્સા સાથે ખુરશીમાંથી ઉભા થઇ ગયા, “આપ જઈ શકો છો.”

“હું આજે જવા માટે નથી આવ્યો...” સુબાહુએ મોટા અવાજે કહ્યું, “મારે જાણવું છે કે રાજ પરિવાર રાજના જ સિપાહીઓની હત્યા કેમ કરાવે છે..?”

“આપ જઈ શકો છો...” રાજમાતા કક્ષના અંદરના બીજા ખંડ તરફ જવા લાગ્યા.

“હું જઈશ તો બીજીવાર આ મહેલમાં ક્યારેય પાછો નહિ આવું...” સુબાહુ પણ ખુરશીમાંથી ઉભો થઇ ગયો, “આપના એ બુકાનીધારી મદારીઓ પણ શોધી નહિ શકે ત્યાં ચાલ્યો જઈશ...”

સુબાહુના શબ્દો સાંભળી રાજમાતાના પગ જમીન સાથે ચોટી ગયા, ચિતરંજન પણ ગભરાઈ ગયો. બંને જાણતા હતા કે સુબાહુ જીદ્દી છે અને સૌથી નવાઈની વાત એ હતી કે સુબાહુ એમને ઓળખી કઈ રીતે શક્યો.

“સુબાહુ...” સુબાહુ કક્ષના દરવાજે પહોચ્યો એ સાથે જ રાજમાતાના શબ્દો સંભળાયા, “હજુ ચર્ચા પૂરી નથી થઇ...”

રાજમાતા ફરી એમની ખુરશી પર ગોઠવાયા, સુબાહુએ પણ એ જ સામાન્ય માણસોએ બેસવાની ચેર પર જગ્યા લીધી, ચિતરંજને ઉભા રહેવાનું જ પસંદ કર્યું. રાજમાતાએ ગોંગ વગાડ્યું. થોડાક સમયમાં દુર્ગેશ અંદર દાખલ થયા.

“દંડનાયક અને પરાસરને અંદર મોકલો અને એ પછી કોઈને પણ મહેલમાં પ્રવેશવા પર નિષેધ જાહેર કરો...”

“જી માતા...” દુર્ગેસ માથું નમાવી બહાર ચાલ્યા ગયા.

“નાગપુરમાં શું થઇ રહ્યું છે એ હું જાણવા માંગું છું..” સુબાહુએ કહ્યું, “મને મારા જ મહેલમાં અંધારામાં કેમ રાખવામાં આવે છે?”

“અંધારામાં તો આખો દેશ છે..” રાજમાતાએ કહ્યું, “ક્યાય આપની આ જીદ એમને અજવાળામાં આવતા રોકી ન બેસે...”

“રાજમાતાને મારા પર વિશ્વાસ ન હોય તો મારું આ મહેલમાં કઈ કામ નથી...” સુબાહુએ કહ્યું, “હું સ્વેચ્છાએ મહેલ અને નાગપુરના રાજનો ત્યાગ કરવા તૈયાર છું..”

“આપને ખબર છે કે નાગપુર રાજગાદીનો બીજો કોઈ વારીશ નથી માટે આ શબ્દો બોલી રહ્યા છો..?” રાજમાતા હજુ એને કઈ જણાવવા માંગતા ન હોય એમ લાગતું હતું.

“રાજગાદી...?” સુબાહુએ તિરસ્કાર સાથે કહ્યું, “આ ગુલામીની સાંકળને આપ રાજગાદી કહેતા હો તો હું આ પળે જ એનો અસ્વીકાર કરું છું. જ્યાં સુધી ગોરાઓની કઠપુતલી બની રાજ કરવાનું હશે ત્યાં સુધી હું એ નહી સ્વીકારું..”

“આપની આ બાલીશ જીદ નાગપુરને જોખમમાં મૂકી દેશે..” રાજમાતાએ એને ચેતવણી આપી.

“ગુલામોને કોઈ જોખમ નથી હોતું..” સુબાહુ ગુસ્સામાં હતો તે મનની વરાળ કાઢતો રહ્યો, “ગુલામો જ્યાં સુધી ગુલામી કરે જાય ત્યાં સુધી એમને કોઈ જોખમ નથી હોતું..”

“આપ...” રાજમાતા કઈક બોલવા જતા હતા પણ એ જ સમયે પરાસર અને દંડનાયક અંદર દાખલ થયા. પરાસર ચહેરાથી અને શરીરથી તદ્દન જીદગાશા જેવો જ હતો. બસ તેને વાળ ટૂંકા અને સફેદ હતા. દંડનાયક બેઠી દડીનો ભારે શરીરવાળો એક આધેડ મુચ્છડ હતો. તેનું શરીર જોતા કોઈ કલ્પી ન શકે તેવી ચપળતા અને સ્ફૂર્તિ તેના શરીરમાં હતી. તે મલયુદ્ધમાં જશવંતને પણ ઘણી વાર પછાડી દેતો.

“દંડનાયક રાજકુમાર સુબાહુ હવે રાજ સંભાળવા લાયક બની ગયા છે. આ દશેરાની આયુધ પૂજા પછી તેઓ મહારાજની ગાદી સંભાળશે એની જાહેરાત રાજમાં કરાવો.” રાજમાતાએ બંને આગંતુકોને આદેશ આપ્યો.

“નહિ માતા...” સુબાહુ ખુરશીમાંથી ઉભો થઇ ગયો, “હું ગાદી મેળવવા નહિ જવાબો મેળવવા આવ્યો છું.”

“એ બધા જવાબો આપને રાજગાદી પર બેઠા પછી મળી રહેશે.”

“તો ગાદી પર બેસતા જ મારો પહેલો નિર્ણય ગોરાઓને નાગપુરમાંથી હાંકી કાઢવાનો રહેશે જે આપને ક્યારેય મંજુર નહિ હોય.” સુબાહુએ કહ્યું. એને રાજ મહેલ ગોરાઓ સાથે મિત્રતા રાખે છે એ વાત ક્યારેય પસંદ ન હતી.

“મને ખાતરી જ હતી કે આપ એવી બાલીશ મૂર્ખતા કરશો માટે જ બધી બાબતોથી આપને દુર રાખવામાં આવે છે..” રાજમાતાએ કહ્યું, “શું આપને ૧૭૫૭ અને ૧૭૬૪માં થયેલા પ્લાસી અને બક્સરની લડાઈ વિશે માહિતી નથી..? તેના પરિણામો વિષે માહિતી નથી...? નવાબ સીરાજ ઉદ દૌલાની તોપો પણ એમને જીતી શકી નહોતી.”

રાજકુમાર સુબાહુ જાણતો હતો કે ૧૭૫૭માં લડાયેલા એ પ્લાસીના લોહિયાળ યુદ્ધનું શું પરિણામ આવ્યું હતું. હિંદના ઇતિહાસની ગોરાઓ સામેની પહેલી લડાઈ જેમાં નવાબના ત્રણ સેના નાયક એના દરબારીઓ અને રાજ્યનો અમીર જગત સેઠ કલાઈવ સાથે ષડ્યંત્રમાં જોડાઈ ગયા હતા અને લડાઈ શરુ થઇ એના ફોરન સમયમાં જ મીર જાફરના પુત્ર મીરન દ્વારા નવાબની હત્યા કરાઈ હતી. એ યુદ્ધ ભારતના ઇતિહાસમાં ખુબ જ દુર્ભાગ્ય પૂર્ણ ગણાય છે કેમકે એ યુદ્ધથી જ હિન્દની ગુલામ-એ-દાસતાનની કહાની શરુ થઇ હતી.

એ લડાઈએ વેપાર માટે આવેલા ગોરાઓને રાજા બનાવી નાખ્યા. સીરાજ ઉદ દૌલાની હાર પછી જે સંસાધનો અને હથિયારો કબજે થયા હતા એનો ઉપયોગ કરી કંપનીએ કર્નાટકની ફ્રાંસ કંપનીને ત્રીજા યુદ્ધમાં હરાવી નાખી. પછી તો ડચ કંપનીને પણ બેદરાની લડાઈમાં હરાવી નાખી. હિન્દના હથિયારોથી જ હિન્દને ગોરાઓ માત આપતા ગયા. સીરાજ ઉદ દૌલાના અઢાર હજાર સિપાહીઓ સામે માત્ર ત્રણસો ગોરા સિપાહીઓ જીતી ગયા. પણ કેમ? કેમકે આપણા લોકો જ દગાબાજ નીકળ્યા હતા.

અને પછી ૨૨ ઓક્ટોમ્બર ૧૭૬૪ એટલે કે આજથી છ વર્ષ પહેલા લડાયેલા બક્સરના યુદ્ધનું પરિણામ પણ સુબાહુ જાણતો હતો. હેક્ટર મુનરોની આગેવાની હેઠળ કંપનીએ બંગાળના નવાબ મીર કાસીમ, અવધના નવાબ અને મુઘલ એમ્પેરર શાહ આલમ બીજાના સંયુક્ત લશ્કરને પણ માત આપી હતી.

ગંગા નદીના કિનારે લડાયેલી એ લોહીયાળ જંગે ગોરાઓને પ્રત્યક્ષ રૂપે રાજાનું બિરુદ આપ્યું હતું. દુરાની અને રોહિલા જેવાના લડાઈમાં સીધા ભાગ લેવા છતાં એ લડાઈમાં હાર મળી હતી.

“નવાબના ચાલીસ હજાર સિપાહીઓ ગોરાઓનું કઈ ન બગાડી શક્યા તો આપણા ચાર હજાર સિપાહીઓથી શું વળવાનું છે સુબાહુ..?” રાજમાતાના પ્રશ્ને સુબાહુને બકસર અને પ્લાસીના પરિણામો બહાર ખેચી લાવ્યો.

“કઈ ન થઇ શકે તો પણ એમની જેમ શહીદ થઇ માનભેર મરી તો શકીશું ને..?” સુબાહુએ સવાલ કર્યો, “ગુલામીની વર્ષો લાંબી જિંદગી કરતા આઝાદીની ચાર પળ પણ મહત્વની હોય છે..”

“અને પછી...” રાજમાતાએ કહ્યું, “એ પછી હિન્દને હજારો વર્ષોની ગુલામી ભેટમાં આપીને જવાની...?”

“તો શું રસ્તો છે મા..?” સુબાહુ ગૂંચવણમાં પડ્યો. એ જાણતો હતો કે પ્લાસી અને બક્સરના યુદ્ધ પછી હિન્દી રાજાઓની હિમ્મત તૂટી ગઈ હતી અને એ પછી જો નાગપુર પ્રિન્સલી સ્ટેટ પણ ગોરાઓ લડાઈમાં જીતે તો આસપાસના રહ્યા સહ્યાં રજવાડા અને બાગીઓની હિમ્મત તૂટી જાય. એ પછી હિંદને ગુલામીથી મુક્ત કરવા કોઈ માથું ઊંચકવાની હિમ્મત ન કરી શકે - અનેક વર્ષો સુધી ન કરી શકે.

“એ જ જે નાગપુર રાજ પરીવારે અપનાવ્યો છે..” રાજમાતાએ કહ્યું, “એ જ જેની શરૂઆત આપના સ્વર્ગવાસી પિતાએ કરી હતી..”

“શું હું એ જાણી શકું..?”

“હા, પણ આપના આ ગરમ ખૂનને કાબુમાં રાખી શકો તો..” રાજમાતાએ શરત મૂકી.

“હિન્દને આઝાદી મળતી હોય તો હું મારા ખૂનને પાણી પણ બનાવી શકું એમ છું..” સુબાહુ હિંદની આઝાદીનું મહત્વ જાણતો હતો એ મેળવવા માટે એ ગમેં તે કરવા તૈયાર હતો.

“એ ખૂનને પાણી નથી બનાવાવનું પણ ધગધગતો લાવા બનાવવાનો છે.. બસ યોગ્ય સમય ન આવે ત્યાં સુધી એ લાવાને બહાર આવવા નથી દેવાનો પણ જયારે સમય આવે એ લાવા જવાળામુખી બની બહાર આવવો જોઈએ..” રાજમાતાના શબ્દોમાં કોઈ વીરાંગના જેવો ભાવ હતો. ગોરાઓ પ્રત્યે એમને કેટલી નફરત હશે એ એમના ચહેરાના ભાવો પરથી દેખાઈ રહ્યું હતું.

“હું એ માટે તૈયાર છું મા...” સુબહુએ કહ્યું તે ભાવાવેશમાં બધાની હાજરીમાં પણ માતાને બદલે મા શબ્દો બોલી નાખતો, “આજ દિવસ સુધી હું રાજ મહેલને ગોરાઓની ગુલામી કરતા જોઈ અંદર જ સળગી રહ્યો હતો. બસ એકવાર મને સત્ય જાણવા મળે હું ગમે તે કરી છૂટીશ.”

“દંડનાયક કર્ણસેન રાજકુમારને હકીકતથી વાકેફ કરવાનો સમય આવી ગયો છે. એમને પાતાળ ઝરણા અને ત્યાંની દરેક ચીજથી વાકેફ કરાવો..” રાજમાતાએ ચિતરંજન તરફ જોયું, “રાજકુમારને જ્ઞાન પર્વતનું રહસ્ય બતાવો અને વજ્રની દંતકથા પાછળની હકીકત સમજાવો. અને હા થ્રોન હોલના દરવાજા આજથી ખોલી નાખો. ત્યાંના બંને આસન સુબાહુ અને સુનયના માટે તૈયાર કરો. આજ આ પળથી મહારાજે ઉપાડેલા આઝાદીના યુદ્ધની દોર રાજકુમાર સુબાહુ સંભળાશે.”

દંડનાયક અને ચિતરંજનના ચહેરા પર ખુશીનું મોજું ફરી વળ્યું. તેઓ હમેશાથીં ઈચ્છતા હતા કે રાજકુમાર એમના પિતાની જગ્યા સંભાળે. રાજમાતા રાજનો ભાર તો સાંભળતા હતા પણ એમણે થ્રોન હોલના દરવાજા બંધ કરાવી નાખ્યા હતા કેમકે જે હોલમાં પોતે મહારાજની પડખે સિહાસન પર બેઠા હતા એ હોલ એમની ગેરહાજરીમાં એમને ખાવા દોડતો હતો.

“રાજ સેવક પરાસર...” રાજમાતાએ છેલ્લો હુકમ કર્યો, “રાજકુમારને એમના પિતાની દરેક હકીકતથી વાકેફ કરો...”

“જી રાજમાતા...” પરાસરે માથું નમાવી કહ્યું.

સાંજે રાજકુમાર સુબાહુને દંડનાયક દ્વારા પાતાળ ઝરણા અને ત્યાં નાગ પહાડી તળે ચાલતી ગુપ્ત ભઠ્ઠીઓ વિશે દરેક વિગતો આપવામાં આવી. ચિતરંજને સુબાહુને મહેલના દરેક ગુપ્ત માર્ગો, ગુપ્ત ભોયરાઓ, રાજના વફાદારો અને ગદ્દારો, હથિયાર ગૃહ, અરણ્ય સેના, સેના નાયકો, ઘોડાઓની સંખ્યા, માર્કા વગરના ઘોડા ક્યાં છુપાવીને રખાય છે, મદારી કબીલા, રાજના ગુપ્તચર વિભાગ અને એના વડા ભોમેશ, કેમ મંદિર પર રાજના જ સિપાહીઓની હત્યા કરાવવામાં રાજમાતાએ સાથ આપ્યો. રાજ માટે અસેસીનનું કામ કરતા અશ્વાર્થ, ચિત્રલેખા, સત્યજીત, સુરદુલ, અને અન્ય કેટલાક મદારીઓની હકીકત જણાવી. લીલા પહાડને કેમ જ્ઞાન પર્વતને નામે ઓળખવામાં આવે છે અને એ પહાડ શાપિત હોવાની અફવાઓ ફેલાવી કેમ સામાન્ય લોકોને એનાથી દુર રાખવામાં આવે છે? દશેરાના ઉત્સવ પાછળ અસલ હેતુ શું છે? કર્ણિકા અને મલિકા જેવાની હત્યા કરવી કેમ જરૂરી હતી? બિંદુ જેવા રાજ ભક્તો, મીરામાં, જસીમાં, અને મૃણા જેવી બની બેઠેલી સાધ્વીઓ અને તેમને કેમ રાજ પરિવાર મદદ કરે છે એ બધી વિગતો આપી.

એ બધા કરતા પણ વધુ નવાઈ પમાડનાર અને ચોકાવનાર હકીકતો રાજ સેવક પરાસરે આપી. અસલમાં મહારાજ બીમારીને લીધે નહિ પણ બાબા ચંદનદાસના આશ્રમ પર એમની ગંભીર બીમારીના ઈલાજ દરમિયાન કઈ રીતે દગા પૂર્વક રસાયણોથી બનેલા ઝેર દ્વારા મારવામાં આવ્યા હતા. નાગપુર જંગલ બહાર અંધ પહાડ પરની ભૈરવ ગુફામાં રહેતા અઘોરી ધ્વજરાજ વગેરે હકીકતો રાજકુમાર માટે ચોકાવનારી અને એને દુખ, શોક અને વેદનામાં શેકાવનારી હતી.

*

ભલે હું એ બધું બેભાન અવસ્થામાં મણીની શક્તિઓ દ્વારા જોઈ શકતો હતો એ છતાં મારા એ જન્મના બીમાર પિતાજીને કઈ રીતે ઔષધિઓ સાથે રસાયણ ઝેર આપી મારવામાં આવ્યા હતા એ સાંભળતા અને જોતા મારી બંધ આંખોમાંથી આંસુ મારા ગાલ પર વહેવા લાગ્યા. હું એ આંસુ લુછી શકું એમ ન હતો કેમકે હું બેહોશ અવસ્થામાં હતો. મેં નયનાના હાથને મારા ગાલ પરથી એ આંસુ લૂછતાં અનુભવ્યો. મેં જે જોયું એ હું એ બધાને કહેવા માંગતો હતો પણ હું હોઠ કે આંખો ખોલી શકું એમ ન હતો. મણીની શક્તિઓ હજુ મને ઘણું બધું બતાવવા માંગતી હતી.

*

મેં એ સાંજે સત્યજીત, અખંડ, સૂર્યમ, અને સુબાહુની દોસ્તી મંદિર પાછળના મેદાનમાં ઉભા નિહાળી. તેમની દોસ્તી અમર હતી. તેઓ એકબીજા માટે જીવ પણ આપી શકે એમ હતા. પણ એ રાતે દોસ્તી અને વફાદારી જેમ મેં દગો અને ગદ્દારી પણ જોયા.

એ જ રાતે મેં જાગીરદાર જોગસિંહને અંધારી રાતે એક કાવતરા માટે જતો જોયો.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED