સ્વસ્તિક (પ્રકરણ 20) Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્વસ્તિક (પ્રકરણ 20)

સત્યજીતે ગુપ્તમાર્ગ બહાર નીકળતા પહેલા ચહેરા પર કાળી બુકાની બાંધી લીધી અને સુરદુલનો ચહેરો પણ બુકાનીમાં ઢંકાઈ ગયો પણ એમના ધ્યાનમાં ન હતું કે જયારે બીદુએ એના ખભા પરના કાળા મખમલી કપડામાં છુપાવેલું નાનકડું ખંજર ખેચી કાઢ્યું એ સમયે એ કાપડનો ટુકડો કપાઈને નીચે પડી ગયો હતો.

સત્યજીતના બાજુ પર બનાવેલું ચિલમ પિતા શિવનું છુંદણું દેખાવા લાગ્યું હતું. બહારના માર્ગે કોઈ નહિ હોય એમનો એ અંદાજ પણ ખોટો પડ્યો હતો. અંદર થયેલા શોર બકોરને લીધે બહાર પહેરો ભરતા ગોરાઓ અને હિન્દી સંત્રીઓ સચેત થઇ ગયા હતા. એમણે અંદર આવવાનો પ્રયાસ કર્યો હતો પણ તેઓ અંદર દાખલ થઇ શક્યા નહી.

મલિકા ખતરો જોતા જ ખંડમાંથી નાશી છૂટી હતી પણ બિંદુએ એક પળ પણ બગાડ્યા વિના એનો પીછો કર્યો હતો.

મલિકા ખંડ બહાર નીકળી અંધારા કોરીડોરને વટાવી આગળ દોડી. એ ફાનસના ઉજાસમાં ઝળહળતા ભાગને વટાવી બહાર દરવાજા સુધી પહોચી ગઈ હતી. એ કયો દરવાજો ખોલી બહાર નીકળી એ બિંદુએ જોઈ લીધુ હતું. મલિકાએ બહારથી દરવાજો બંધ કરી લીધો માટે એ નિશ્ચિત હતી.

એ નીશ્ચિત બની દરવાજાના બહારના ભાગે ઉભી હાંફી રહી હતી. એને અંદાજ ન હતો કે બિંદુ પાસે અંદરથી દરવાજો ખોલવા માટે કુંચીઓ હતી. બિંદુ દરવાજો ખોલી એના કક્ષમાં પ્રવેશી ત્યારે એને પોતાની ભૂલ સમજાઈ પણ મોડું થઇ ગયું હતું. ફરી ભાગવા સિવાય કોઈ માર્ગ ન હતો.

એ પાગલની જેમ દોડી પણ બીદુ યુવાન હતી, મલિકા તંદુલપાન, દેશી મદિરા અને ગોરાઓની વિદેશી શરાબ પી પીને અંદરથી ખવરાઈ ગઈ હતી. એના પગમાં એ જોમ ન હતું જે બિંદુ જેવી રાજ ભકતના પગમાં હોઈ શકે. બિંદુએ એને એના ક્ક્ષ બહાર નીકળતા પહેલા આંતરી લીધી અને એ પછીનું કામ બિંદુની ગુપ્તીએ કરી દીધું. નાગમતી નદીનું નામ લઇ બિંદુએ એના પેટમાં ગુપ્તી હુલાવી દીધી હતી.

એ જ સમયે ખુલ્લા દરવાજેથી સુરદુલ દાખલ થયો અને બીદુ તથા સુરદુલ સત્યજીત પાસે પાસાની રમત જ્યાં રમાઈ હતી એ કક્ષમાં ગયા હતા.

બિંદુએ પોતાની જાણકારી મુજબ બહાર કોઈ સિપાહી નહિ હોય એની ખાતરી આપી હતી. આગળના દરવાજાને પણ બિંદુએ મલિકાના ક્ક્ષને અંદરથી બંધ કરી સીલ કરી નાખ્યો હતો પણ એ દરવાજો નહિ ખુલે તો માંધોસિંહ પાછળના ગુપ્ત એક્ઝીટ આગળ પહોચી જશે એ અંદાજ બિંદુને ન હતો. કદાચ ગભરાહટમાં એ નજર અંદાજ કરી ગઈ હતી.

સત્યજીત અને સુરદુલ એ ગુપ્તમાર્ગે બહાર નીકળ્યા ત્યારે માંધોસિંહ અને એના સિપાહીઓ એમની રાહ જોઈ રહ્યા હતા.

સત્યજીત ત્યાંથી નીકળવાનો માર્ગ શોધવા લાગ્યો. બંને તરફથી ઘેરાઈ ગયાની સ્થિતિમાં એ સ્થળથી નીકળવું મુશ્કેલ હતું. જો દરવાજો ખોલી પાછા જાય તો ગોરા સિપાહીઓ એ બહારથી મલિકાના ક્ક્ષનો દરવાજો તોડી અંદર દાખલ થવામાં સફળતા મેળવી લીધી હશે એ ખાતરી હતી. એ તરફ જવું મૂર્ખાઈ હતી. બીજી તરફ ગોરાઓ, માંધોસિહ અને એના સિપાહીઓ હતા.

‘એક દિવસ આ રાજ ભક્તિ તને ભારે પડશે જીત...’ એને લેખાના શબ્દો યાદ આવ્યા. લેખા સાચું જ કહેતી હતી રાજ ભક્તિમાં આજે એ કેવો ફસાયો હતો?

એક તરફ માધોસિહ અને તેના ખાસ સિપાહીઓની ટુકડી એને શોધી રહી હતી તો બીજી તરફ ગોરાઓની એક નોખી ટુકડી એમના જીવ માટે ફરી રહી હતી. જોકે ગુપ્ત માર્ગ બહાર નીકળ્યા પછી એ દરવાજો એણે બહારથી લોક કરી નાખ્યો હતો. ગોરાઓ એ તરફથી એને ઘેરી લેશે એવો ડર ન હતો. પણ સુરદુલ ઘાયલ થઇ ચુક્યો હતો.

સુરદુલના નામનો અર્થ વાઘ એવો થાય છે. ભલે એ વૃદ્ધ હતો પણ એને ઘાયલ કરવું અશક્ય હતું પણ દગો ગમે તેવા વીરને પણ ઘૂંટણ પર લાવી શકે છે. કર્ણિકા એમ એકાએક હુમલો કરશે એ કલ્પના બહાર નીકળ્યું હતું.

એક ભૂલ પણ લડાઈમાં કેટલી ભારે પડી જતી હોય છે. જો તેઓ કર્ણિકાથી સાવધ રહ્યા હોત તો? પણ આ જો અને તો ને ક્યા પહોચી શકાય છે? જો અને તો જ ઈતિહાસ બદલી નાખતા હોય છે. જો ગોરાઓ પર વિશ્વાસ કરી એમને વેપારનો પરવાનો જ ન આપ્યો હોત તો...? તો હિંદના ઇતિહાસમાં ગુલામીના અનેક વર્ષો ન લખાયા હોત. પશ્ચિમી સંસ્કૃતિ ન આવી હોત.

પણ જો અને તો નો અફસોસ કરવો નકામો હતો. સામે જે પરિસ્થિતિ હતી એ જોતા લડીને નીકળવા સિવાય કોઈ રસ્તો ન હતો.

“સત્યજીત તું નીકળી જા..” સુરદુલે આગળ બોલવાનો પ્રયાસ કર્યો પણ એ શબ્દો તૂટક તૂટક બહાર આવ્યા, “ઓબેરીનું માથું કબીલા સામે લઇ જવું જરૂરી છે.. મારું નીકળવું એટલું મહત્વનું નથી...”

“તને લીધી વિના નહિ બાબા...” સત્યજીતે માધોસીહ તરફથી નજર હટાવી સુરદુલ તરફ જોયું.

સુરદુલની રહી સહી તાકાત પૂરું થઇ ચુકી હતી. ખભાના ઘા પરથી ખાસ્સું એવું લોહી વહી ગયું હતું. ગરદનના પાછળના ભાગે અને બાજુમાં ચક્રએ ઊંડો ઘા પાડ્યો હતો. ત્યાંથી વેદનાના સણકા ઉપડી રહ્યા હતા. એ મજબુત બની લડવા માંગતો હતો પણ એના મગજને ખબર હતી કે હવે એ પીડા સહન કરવી અશક્ય હતી. જો મગજ બેભાન અવસ્થા પ્રાપ્ત ન કરે તો એ દર્દ મગજની નશોને ફાડી નાખે એમ હતું. સુરદુલનું શરીર એકાએક ઢીલું પડી ગયું. એના પગ ઘૂંટણમાંથી વળી ગયા. એણે પોતાની જાતને સ્થિર રાખવા મરણીયો પ્રયાસ કર્યો પણ એ સફળ ન થયો.

બીજી તરફ માધોસિહે પેતરો ગોઠવી લીધો હતો. એના સિપાહીઓએ ઘોડા રસ્તામાં ઉભા રાખી રસ્તો બ્લોક કરી નાખ્યો હતો. માધોસિહ કુદીને એની બગીની સારથીના બેસવાની જગ્યાએ આવ્યો અને ત્યાં બેઠેલા વ્યક્તિને ધક્કો આપી નીચે ફેકી દીધો.

એણે ઘોડાઓને ચાબુક ફટકારી અને બગી કોઈ પાગલ જાનવરની જેમ સત્યજીત તરફ આગળ વધી. સત્યજીતે એક પળ બગાડ્યા વિના જમીન તરફ નમી પડેલ સુરદુલને બાજુ પર ખસેડ્યો અને ટ્રેનની માફક ધસી આવતી બગીની માર્ગની એક તરફ થઇ રાહ જોતો રહ્યો.

એકાદ પળમાં બગી એને આંબી ગઈ. બગી એનાથી ત્રણેક મીટર દુર રહી અને સત્યજીતે પોતાના ખભા પર કાળી બળતરા અનુભવી. માંધોસીહે બગીની ડ્રાયવર સીટ પરથી કોયડો ફટકાર્યો હતો. બગી સાથે જોડેલા ઘોડાની ગરદન સુધી પહોચે એટલા સાતેક મિટર લાંબા એ કોયડાએ સત્યજીતના ખભા પર ચિલમ પિતા શિવના છુદણાના ઉપરના ભાગેથી ચામડી ઉખાડી નાખી. ત્યાંથી લોહીની છોળ ઉડી. પણ એ તરફ ધ્યાન આપવાનો સમય ન હતો.

રાજ માટે એણે કઈ પહેલીવાર લોહી વહાવ્યું ન હતું. કોયડો વળતો થયો તો ખરા પણ જીતે એને વળતો ન જવા દીધો. તેણે કોયડાને પોતાના મજબુત હાથની પકડમાં લઇ મુઠ્ઠી બંધ કરી પોતાના કાંડા ફરતે એક આંટો લઇ લીધો. એ કૂપ બગી આગળ નીકળી એ પહેલા સત્યજીતે આપેલા આંચકા સાથે માંધોસિંહ કૂપ પરથી જમીન પર ફસડાઈ પડ્યો.

મધોસીહે કોયડાનો પોતાની તરફનો છેડો છોડી દિધો અને ઉભા થઇ તલવાર નીકાળી. એનું પૂરું ધ્યાન ઉભા થવા અને તલવાર નીકાળવામાં હતું. સત્યજીતે કૂપ પૂરી પસાર થઇ એ સમયે કૂપમાં પાછળના ભાગે પડેલો ભાલો ઉઠાવી લીધો હતો એ એના ધ્યાન બહાર નીકળી ગયું હતું.

માંધોસીહની તલવાર મ્યાન બહાર નીકળી એ સાથે જ સત્યજીતે ચાબુકની જેમ ગોળ ફેરવી ફટકારેલો ભાલાનો લાકડી જેવો ઘા એને એકાદ ગજ દુર ઉછાળી ગયો.

ફૂટમેન વિનાની કૂપ થોડાક કદમ આગળ જઈ ઉભી રહી ગઈ હતી. ઘોડાઓના પગ થંભી ગયા કેમકે આગળ સત્યજીતે બહારથી બંધ કરેલો ગુપ્ત દરવાજો હતો અને બીજી કોઈ તરફ જવા માટે માર્ગ ન હતો. સત્યજીતે એક હાથમાં ભાલો રાખી, એક હાથથી સુરદુલને ખભા પર નાખી કૂપ તરફ દોટ મૂકી.

માંધોસીહ મહામહેનતે ઉભો થયો. એ ભાલાના આડો ઘા ખાઈને ઉભા થવું મુશ્કેલ હતું પણ એની રગોમાં નાગપુરનું લોહી વહેતું હતું. એ બળવાન હતો. બસ ગોરાઓની ચમક-દમકે એને નમક-હરામ બનાવી નાખ્યો હતો. એ ઉભા થઇ સત્યજીતની વિરુદ્ધ દિશમાં જે તરફ સિપાહીઓ ઘોડા આડા કરી રસ્તો રોકી ઉભા હતા એ તરફ દોડ્યો.

સત્યજીતે કૂપ પાસે પહોચી સુરદુલનો કૂપમાં કોઈ મજુર ગુણ નાખે એમ છુટ્ટો ઘા કર્યો અને કુદીને કૂપ પર ચડ્યો એટલામાં માંધોસીહે સિપાહીઓ એ જે ઘોડા વડે રસ્તો રોક્યો હતો એ ઘોડાઓને સત્યજીત તરફ ભડકાવી ભગાડ્યા.

માંધોસીહ અશ્વદળી હતો. ઘોડાનો ઉપયોગ કરી એણે અચ્છો પેતરો અજમાવ્યો હતો. સત્યજીત કૂપ તરફ સુરદુલને લઈ દોડ્યો એ પરથી એને અંદાજ આવી ગયો હતો કે એ શું કરવા માંગે છે.

સત્યજીતે કુપને ફેરવી. સદનશીબે રસ્તો એકદમ સાંકડો ન હતો પણ હવે કામ કપરું હતું. માંધોસીહ અને બીજા સિપહિઓએ ભડકાવી માર્ગમાં એની તરફ દોડાવેલા ઘોડા ગાંડા થઇ ગયા હોય એમ કૂપ તરફ ધસી રહ્યા હતા. સત્યજીતે પણ ઘોડાને ભગાવ્યા. માંધોસીહ મનમાં મલક્યો કેમકે એનો પેતરો આબાદ હતો. માર્ગમાં કૂપના ઘોડા અને ભડકેલા ઘોડા એકબીજા સાથે ભટકાય એટલે કામ તમામ - સત્યજીત ત્યાંથી બહાર ન જ નીકળી શકે.

માંધોસિંહ અને સિપાહીઓ એ અથડામણ જોવા ઊંચા શ્વાશે રાહ જોવા લાગ્યા. બંને તરફના ઘોડાઓ વચ્ચે અમુક અંતર બચ્યું ત્યારે સત્યજીતે ઘોડા સાથે કૂપ કુદાવી. કુપને જોતરેલા ઘોડાઓ જાણે વર્ષોથી સત્યજીતની આજ્ઞા લેવા ટેવાયેલા હોય એમ ઉછળ્યા અને ભડકેલા ઘોડાઓને કુદીને કૂપ બીજી તરફ પડી.

માંધોસીહ અને એના સિપાહીઓ માટે જીવ બચાવવા માટે ખસી જવા સિવાય કોઈ રસ્તો ન હતો. તેઓ ગભરાહટમાં વિખેરાયા, અડધા માર્ગની એક તરફ તો અડધા માર્ગની બીજી તરફ થઇ ગયા. કૂપ એમની વચ્ચેથી પસાર થઇ માર્ગમાં આગળ દોડવા લાગી. સિપાહીઓ એક ધ્યાને એ તરફ જોઈ રહ્યા પણ કોઈક ચીજ જમીન પર પછડાવાનો અવાજ સાંભળી એમનું ધ્યાન ભંગ થયું.

એમણે અવાજ તરફ જોયું, એમના મોમાંથી રાડ નીકળી ગઈ.

સત્યજીતે કૂપ સિપાહીઓએ આંધળાની જેમ પાડેલા બે ભાગ વચ્ચેથી પસાર કરી એ સમયે પોતાની કમર પર છુપાવેલ પટ્ટા તલવાર કાઢી વિંઝી દીધી હતી. એ તલવારના એક જ ઘાએ માંધોસિંહનું માથું કઈ તરફ ઉછાળી નાખ્યું એ દેકારામાં કોઈના ધ્યાનમાં આવ્યું નહી પણ કૂપ પસાર થયા પછી માંધોસીહનું ધડ જમીનદોસ્ત થયું એ અવાજ સિપાહીઓને ચોકાવી ગયો.

એ બધું એક પળમાં થઇ ગયું. શું કરવું કોઈને કઈ સમજાયું નહી. સિપાહીઓ એક બીજા તરફ પ્રશ્નાથ નજરે જોઈ રહ્યા પણ કોઈની પાસે જવાબ ન હતો.

કૂપ ટેકરીઓ સુધી એ જ ગતિએ દોડ્યે ગઈ. જંગલ વિસ્તાર શરુ થતા સત્યજીતે કૂપ રોકી અને નાગમતીનું પવિત્ર પાણી એક મસકમાં ભરી લાવી સુરદુલના ચહેરા પર રેડ્યું.

ભાનમાં આવ્યા પછી કલાકો સુધી સુરદુલને વિશ્વાસ થયો નહી કે એ બચી ગયો હતો. એણે અનેક લડાઈઓ લડી હતી પણ જે પરિસ્થિતિમાં પોતે હોશ ગુમાવ્યો હતો એ જોતા જીવિત નીકળવું અશક્ય હતું.

*

રાજમાતાએ આપેલા વચન મુજબ બીજી સવારે આદિવાશીઓમાં આનંદની લહેર ફેલાઈ ગઈ હતી. ભેડાઘાટ પરના નાગદેવતાના મંદિર આગળ સેવનના ઝાડ સાથે કોયડાથી બાંધેલું કેપ્ટન હેનરી ઓબેરીનું માથું લટકતું હતું. આદિવાસીઓની ભીડ અને એટલા અવાજ વચ્ચે પણ જ્યાં સુધી નાગપુરના સિપાહીઓ અને ગોરાઓની એક ટુકડી ત્યાં પોહોચી ત્યાં સુધીમાં કાગડાઓ એ પોતાની મિજબાની માણી લીધી હતી.

હન્ટર કુતરાઓની ટીમની મદદથી ગોરાઓએ હેનરીનું માથું પાછુ મેળવ્યું હતું. હન્ટર કુતરાઓ એમને એ સ્થળ સુધી લઇ ગયા હતા. એમણે કુતરાઓને ઓબેરીનું બાકીનું શરીર સુંઘાડી દોડાવ્યા હતા. ગોરાઓને ઓબેરીનું માથું પાછું મળ્યું ત્યારે એમાંથી ઘણી ચીજો કાગડાઓના પેટમાં પહોચીં ચુકી હતી. ઓબેરીનીં બંને આંખો અને એક કાન વિનાનું માથું ગોરાઓ એ એના પરિવારને કઈ રીતે સોપ્યું હશે એ વિચારવા માટે કોઈની પાસે સમય ન હતો કેમકે આદિવાસી કબીલાના બચી ગયેલા લોકો માટે એ એક તહેવાર જેવો પ્રસંગ હતો. એમના ગામઠી ઢોલના અવાજથી નાગપુરના છેવાડે આવેલું આખું જંગલ ગાજી ઉઠ્યું હતું - એમના માટે એ મેળા જેવો પ્રસંગ હતો.

ઓબેરીની હત્યા કોણે કરી એ રહસ્ય ગોરાઓ માટે રહસ્ય જ રહી ગયું કેમકે સત્યજીતના હાથ પરનું છુદણુંનું માંધોસીહ સિવાય કોઈની નજરમાં આવ્યું ન હતું અને માંધોસીહ માથું શોધતા રાજના સિપાહીઓને પુરા ત્રણ કલાક થઈ હતી - એ રાજનો સિપાહી હતો માટે દેખાવ ખાતર એનું માથું શોધાવનું કામ રાજમાતાએ અન્ય સિપાહીઓને સોપ્યું હતું.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky