Swastik - 16 books and stories free download online pdf in Gujarati

સ્વસ્તિક (પ્રકરણ 16)

“હું માર્કા વગરના ઘોડા અને એ બાપ-બેટો કર્ણિકાની કોઠી પર હારી શકે એ માટે રાજની મોહર વિનાના સોનાના સિક્કા માટે આદેશ મોકલાવું..” દંડનાયકે કહ્યું અને એ ગુપ્ત સભા બરખાસ્ત થઇ.

*

કર્ણિકાના કોઠા આગળ બ્રુચ જેવી દેખાતી ઘોડાગાડી ઉભી રહી પણ એ લેન્ડું હતી. લેન્ડું મોટાભાગે ઉપરથી ખુલ્લી અને બંધ બંને પ્રકારે જોવા મળતી. ખાસ છત ફોલ્ડીંગ કરી શકાય એવી જ હોતી પણ કોઠીના દરવાજે થોભેલી લેન્ડું પર પરમાનેન્ટ વુડન છત અને કાચની બારીઓ હતી. ગોરાઓ એ બારીઓને કવાટર લાઈટ કહેતા જે જરાક અજીબ લાગતું.

તેમણે પોતાની બુદ્ધિમતા મુજબ ઘોડાના પાછળના પગને લીધે ઉડતા કીચડ અને ધૂળથી બચવા ગાડીના આગળના ભાગે એક પાટિયા જેવો આડસ ગોઠવેલો હતો. એ લેન્ડુંનું ડેશબોર્ડ હતું. તેમાં ચડવા ઉતરવા માટે પગથીયા લોખંડ કે બીજી ધાતુના બનેલા હતા જેને પણ એ લોકો એક અલગ જ નામ આપતા - ફૂટ પ્લેટ. ત્યારે હિન્દુસ્તાનમાં લોકોને એ શબ્દો બોલવા ન ફાવતા.

ફૂટ પ્લેટ પર હોલ બુટ સાથેનો પગ મુકાયો. વિદેશી લેધરની સ્મેલ ફૂટ-બોર્ડે અનુભવી અને જાણે એ બુટ પોતાની એ જ સ્મેલ જમીન પરની ધૂળમાં ભેળવી દેવા માંગતું હોય એમ બીજો પગ જમીન પર મુકાયો.

કેપ્ટન ઓબેરી કોઠીના દરવાજે ઉતર્યો. એ વિચિત્ર માણસ હતો. મોટા ભાગે શોખીન ઘોડા અને શાનદાર કોચ કે લેન્ડુંમા ફરવું એ એનો શોખ હતો. આજે કોઠી પર એક ખાસ મુલાકાત માટે એને જનરલ વેલેરીયસે બોલાવ્યો હતો. એક એવા રહસ્યને સમજવા એને બોલાવવામાં આવ્યો હતો જે મેળવવું જનરલ વેલેરીયસ માટે જનુન બનું ગયું હતું.

એ ખાનગી મીટીંગમાં જોહન કેનિંગ, હેન્રી ઈલ્ગીન, સર ડેનીસન, મિસ્ટર નોર્થ બ્રુક, મેથ્યુ બાર્લો, ડેવિડ મેસી અને ખુદ જનરલ વેલેરીયસ સાથે લેડી લીટોન પણ હાજર રહેવાની હતી.

“ફૂટમેન... ટેક ધ લેન્ડું ટુ બીહાઈન્ડ...” ગોરાઓના એમના પોતાના નામ જેમ એમની ચીજોના નામ પણ વિચિત્ર રહેતા. બગી ચલાવનાર વ્યક્તિને તેઓ ફૂટમેન કહેતા જે ડ્રાયવર સીટ એટલે કે એક પરચ જેવું બોક્ષ બનાવેલ હોય એના પર ગોઠવાતો. એને ગોરાઓ ડીક્રી બોક્ષ કહેતા. એના બેસવાની રમ્બલને લેધરથી શણગારવામાં આવતી. કેટલાકમાં તો ખસેડી શકાય એવી જંપ સીટો અને કેટલાકમાં પાછળ ટેકો લઇ શકાય એવી લેઝીબેક સીટોની વ્યવસ્થા ફૂટમેન માટે રહેતી.

“સર...” ફૂટમેને આદરમાં માથું નમાવ્યું. ફૂટમેન પણ એ ઉતરનાર જેમ ગોરી ચામડીનો જ બનેલો હતો. કદાચ એ મીટીંગ વિશે કોઈ કાળી ચામડીને જાણ થવા દેવાની ન હતી - સિવાય કે મલિકા અને કર્ણિકા - રંગરલીયા મનાવતી વખતે ગોરાઓ એ ચામડીના ભેદને ભૂલી જતા.

ઓબેરી ઘડી ભર ઉભો રહ્યો. તેનો કાળો લાંબો ઢીંચણ સુધીનો કોટ સરખો કર્યો. તેના રતુંબડા સફેદ ચહેરા ઉપર પૂળા જેવી મૂછો પર હાથ ફેરવ્યો અને તેની ભૂરી આંખોમાં ચમક આવી. તે કોઠીના પાછળના દરવાજાથી અંદર તરફ જવા રવાના થયો અને ફૂટમેને લેન્ડુંને લોટ તરફ દોડાવી. ભવ્ય સાફટ સાથેની એ બગીમાં આવનાર વ્યક્તિ કેટલો મહત્વનો હશે એ અંદાજ તો એની બનાવટ પરથી જ આવી જતો હતો. બગીની સાફટ બનાવવા માટે મજબુત લેન્સવુડ જેવા લાકડાનો ઉપયોગ થયો હતો. ગોરા એ સાફ્ટને પણ અલગ જ નામ આપતા - લીમ્બર. સાફ્ટ પર હોલ્ડબેક અને લોખંડના કેચ સેફટી માટે ગોઠવાયેલા હતા.

ફૂટમેન જાણતો હતો ઓબેરી એ સ્થળે રાત રોકાયા વિના નીકળવાનો નથી - એ તેના માલિકને સારી રીતે જાણતો હતો એટલે બગી લોટમાં છેક સૌથી અંદર લીધી. ત્યાં ઉભેલી બીજી કોચ જોતા જ એ સમજી ગયો કે લેડી લીટોન સ્થળ પર હાજર થઇ ચુકી હશે. આછા કથ્થઈ રંગના ઘોડા સાથેની એ એક્કા જેવી બનાવટની કોચ લેડી લીટોન ખાસ પસંદ કરતી એ બાબત લગભગ મલિકાના કોઠા પર આવનાર દરેક જાણતા.

ફૂટમેને શાફ્ટ પરના લુપ સ્ટ્રેપની મદદથી ઘોડાને વિહિકલ સાથે પાછળ લીધું. એણે લેન્ડું કોચની પાસે પાર્ક કરી.

એ હોર્નેસ કોલર પાસે જઈ ઉભો કઈક વિચારવા લાગ્યો. કદાચ કોઠીમાં શેની ગુપ્ત ચર્ચા થઇ રહી છે એ વિચારતા એ બગીના કેરેજની તંગના અંત ભાગ પર ઉડીને પડેલી ધૂળ ખંખેરવા લાગ્યો.

એ પોતાના માલિક વિશે જાણતો હતો એ પાછો આવે ત્યાં સુધી લેન્ડું સાફ ન દેખાય તો ડ્રાયવરનું આવી જ બને. કદાચ એ ફૂટમેન બીચારો ફરી ક્યારેય પોતાના ફૂટ જમીન પર માંડી ન પણ શકે.

એ હોર્નેસ કોલર વડે જોડતો ભાગ જેને યોક કહેતા અને ટ્રેનસના અંત ભાગને કોકી કહેવાતો એ બંને વચ્ચે સફાઈ કરવા લાગ્યો. ભવ્ય કોચમાં બરસ અને થ્રુબરસ જેવા લેધર પટ્ટાઓ જોડાયેલા રહેતા જે સાફ કરવામાં એને અડધોએક કલાક થઇ જાય એમ હતો કેમકે બરસના લેધર પર પડેલી જીણી ભંભી એને કપડાથી લુછીને કે જાટકીને નીકાળવી પડે એમ હતી. જોકે એને ચિંતા ન હતી કેમકે એને ખાતરી હતી કે અંદર કોઈ એવી ચર્ચા ચાલી રહી હતી જે એને લેન્ડું સાફ કરવા માટે પુરતો સમય અપાવી શકે એમ હતી અને આમ પણ એ રાત એમને ત્યાજ ગાળવાની હતી. તેમ છતાં કર્ણિકાના દરબારની શોભા જોવા એ ઉતાવળો બની સફાઈ કરતો હતો. એને અંદરથી સંભળાતા આહલાદક સંગીતના સુરો અને કલ્પના કરેલી યુવતીઓના ચહેરા – ભર્યા ભર્યા વેશ્યાઓના માંસલ દેહ અંદર જવા માટે ખેચી રહ્યા હતા.

અંદર મીટીંગ માટેના ગોળ ટેબલ ફરતે જોહન કેનિંગ, હેન્રી, ડેનીસન, નોર્થબ્રુક, મેથ્યુ, ડેવિડ મેસી અને લેડી લીટોનની નજીકની ચેર પર જનરલ વેલેરીયસ ગોઠવાયેલા હતા.

કેપ્ટન ઓબેરી એના પહોળા ખભા ઝૂલાવતો, અંગ્રેજી કોટના ખિસ્સામાં હાથ નાખી ડોલતો મીટીંગ હોલમાં દાખલ થયો. જનરલ વેલેરીયસ સામે પણ એક ઉછાછળા રોગ જેવી અદાથી ચાલતો એ ઓબેરી કેટલો બેઅદબ વ્યક્તિ હશે એનો ખ્યાલ ત્યાં બેઠેલા બધાને એકી નજરે આવી ગયો પણ કદાચ જનરલે એને ખાસ બોલાવ્યો હતો મતલબ એ કઈક એવું કરી શકે એમ હશે કે એની બેઅદબી પણ ચલાવી લેવી પડે એમ હતી.

“જેન્ટલમેન...” વેલેરીયસે ઉભા થઈને સંબોધનથી શરૂઆત કરી, “આજની મીટીંગ એક અલગ જ હેતુથી બોલાવાઈ છે. એવું નથી કે હું તમે કરેલી પ્રગતિથી ખુશ નથી પણ મારે પરિણામ જોઈએ...”

વેલેરીયસ અટક્યો અને બધાના ચહેરા પર લાલટેનના અજવાળા એક નજર ફેકી. લેડી લીટોન સિવાય કોઈના હોઠ પર સ્મિત ન હતું. તેની નજર લીટોનની ગોલ્ડન બૃચ પર ગઈ જેના પર અમોર વેંકીટ ઓમનિયા લેટીન અક્ષરોમાં કોતરેલુ હતું.

“શું કોઈના પાસે પરિણામ છે?” વેલેરીયસે લીટોન પરથી નજર હટાવી ગોરી જુબાનમાં બોલ્યો અને તેના બટનવાળા ડગલામાં હાથ નાખ્યા. તે હમેશા ડગલો પહેરી રાખતો. ખાસ કરીને સફેદ શર્ટ ઉપર કાળો ડગલો. તેના ગોળ વૃદ્ધ ચહેરા ઉપર ઉમરની કરચલીઓ પડી હતી છતાં તે વાત દરમિયાન ઉભો જ રહેતો.

જોન કેનિંગ એની જાત મુજબ લુચ્ચો હતો. કદાચ એટલે જ હિન્દી લોકો એને પીઠ પાછળ કેનિંગને બદલે કનિંગ (કપટી) નામે સંબોધતા હતા. એની પોતાની જમાતમાં પણ એ ધ જેકલના (શિયાળ) નામે ઓળખાતો હતો. એણે હાથ ઉપર ઉઠાવ્યો. એ ગોરાઓમાં એક ચીજ ગજબ જોવા મળતી - શિસ્ત. જોકે ઓબેરી એમાં અપવાદ હતો.

“યસ મિસ્ટર જેકલ...” વેલેરીયસે એના બોલવા માટે અનુમતિ આપી.

“નાગપુરના ફોર્જમેન ધનાને મારા માણસોએ એક અઠવાડિયા પહેલા ઉઠાવ્યો હતો. એના પર થર્ડ ડીગ્રી કરતા પણ વધુ ટોર્ચર કરાયું છે જો એ કઈ જાણતો હોય તો એ મો ખોલ્યા વિના રહે એ શક્ય નથી..”

“મતલબ..?” લેડી લીટોનની આંખો જીણી થઇ, “શું એ ખંજરની કહાની ખોટી છે? મેં સગી આંખે એ હથિયાર લોખંડને કાપી શકે એ જોયું છે.”

“હું એમ નથી કહેતો કે એ વાત ખોટી છે. આપની આંખો જુવે એ ખોટું હોઈ જ કઈ રીતે શકે?” ખંધો જોન કેનિંગ હસ્યો, એટલે જ એને જેક્લ કહેતા, “પણ એ રહસ્ય નાગપુર ફોર્જમેન નથી જાણતા.. એ બ્લેક સ્મિથના બચ્ચા એ વાત નથી જાણતા મતલબ એ ખંજરો જયારે ભઠ્ઠીમાં બને ત્યારે સામાન્ય હોય છે.. ત્યાં કામ કરતા કોઈને એ રહસ્યની જાણ નથી..”

“એક ફોર્જમેને પોતાનું મો ન ખોલ્યું એનો મતલબ એ નથી કે ત્યાં કોઈ રહસ્ય નથી..” લેડી લીટોન અટકી, “જેક્લ આપને કદાચ હિંદીઓની સ્વામી ભક્તિનો પરચો નથી, તેઓ આખા પરિવાર સાથે કુરબાન થઇ શકે છે પણ રાજ પરિવાર સાથે ગદ્દારી નથી કરતા. એ અભણ પ્રજામાં ગજબ વફાદારી હોય છે.. ફૂલ ઇલીટરલ ઇન્ડિયન્સ..”

હેન્રી ઈલગીને લેડી લીટોનના શબ્દો પુરા થતા જ હાથ ઉંચો કર્યો.

“પ્રોસીડ..” વેલેરીયસે એને હકારમાં માથું હલાવી ઈશારો આપ્યો.

“જમીનદાર જોગસિહે આપણી સાથે હાથ મિલાવી લીધો છે. જેમ હિન્દીઓમાં કેટલાક રાજપરિવાર માટે લોહી આપવા તૈયાર છે એ જ રીતે કેટલાક એમનું લોહી પીવા હમેશા તત્પર રહે છે. જમીનદાર જોગસિહની દીકરી મેનાબા રાજકુમાર સુબાહુને ચાહવા લાગી હતી પણ જયારે જાગીરદારે એ પ્રસ્તાવ રાજમાતા સમક્ષ મુક્યો ત્યારે રાજમાતા એ એકપળના પણ વિલંબ વિના એ ઠુકરાવી નાખ્યો હતો કેમકે રાજમાતા જમીનદાર જોગસિંહને સારી પેઠે ઓળખે છે. તમને ખબર છે કે એની સંપતિ કઈ રીતે ઉભી કરાયેલી છે. એ દિવસથી જોગસિંહ રાજ પરિવાર માટે પાગલ જુનુન લઈને ફરે છે..”

“બટ હાઉ કેન હી ટુ યુઝ ફોર અસ..” લેડી લીટોન હાથ ઉપર કરવાની પરવા કર્યા વિના જ બોલી ગઈ.

“એ નહિ પણ કર્ણિકા... આ કોઠાની માલકીન એ એના હાથ નીચે કામ છે.. કર્ણિકા આપણને ખુબ જ ઉપયોગી સાબિત થઇ છે.”

“હાઉ?” આ વખતે વેલેરીયસ પોતે પણ ઉત્સુકતા દબાવી શક્યો નહિ.

“કર્ણિકા પચીસ વર્ષની વેશ્યા છે. તે ફેમસ વાઈટ સ્લેવ મલિકાની મદદનીશ છે. મલિકાનું અસલ નામ કોઈને ખબર નથી. પણ એ અત્યારે જમીનદાર જોગસિંહ સાથે કર્ણિકાને લીધે જોડાઈ ગઈ છે. નાગપુર રાજ પરિવાર એના માટે હમેશા કનડગત રૂપ રહ્યો છે કેમકે એના રાજકુમારો બીજા રાજવીઓ જેમ વ્યભિચારી નથી. એ પોતાના ફાયદા માટે આપણી સાથે ભળી છે. કર્ણિકાની જીભ તેજ તલવાર જેવી છે અને રૂપ કટાર જેવું. રાજપુર દરબારના એક માણસને ફસાવવામાં એનું રૂપ ધન કરતા પણ વધુ કામ લાગ્યું છે અને એણે મેળવેલી માહિતી મુજબ રહસ્ય ફોર્જમાં નથી. કર્ણિકાનું રૂપ અને આંખો કોયડાથી પણ વધુ તકલીફદાયક છે એની સામે કોઈ પુરુષ ખોટું બોલી શકતો નથી..”

કેપ્ટન ઓબેરી એ વાત સાથે સહમત હતો માટે કશું બોલ્યો નહી. એ જાણતો હતો કે પોતાનો જેવો ગોરો એનો ગુલામ બની ગયો હોય તો હિન્દી માણસ કઈ રીતે કર્ણિકા સામે રેજિસ્ટ કરી શકે..?

“કર્ણિકા રાજના કોઈ નોબલ મેન સુધી પહોચવા કામ આવી શકે એમ છે?”

“જી એ કામ માટે મલિકા ઉપયોગી થશે. એ આ કોઠાની માલકિન છે પણ એનો ધંધો અલગ છે. કર્ણિકાએ લાવેલી કુમારીઓને એ કામે લગાડે છે. એ લલના ચાલાક છે. નાગપુરના મોટાભાગના નોબલમેન એના પગ તળે છે. તે કામવિધા અને કુમારીઓના દેહવિક્રણમાં માહિર છે. નાગપુરને છોડી આસપાસના રાજાઓના હેરમમા પણ સુંદર કન્યાઓ એ જ મોકલે છે. “

“એમના દંડનાયકને ફોડી શકાય એમ નથી?”

“એ અશક્ય છે.. એ રાજ ભકત છે.”

“ગ્રીન માઉન્ટેન આસપાસ રહેતા જંગલીઓ...” મેથ્યુ ક્યારનોય ચુપ હતો તે બોલ્યો.

“ધેય આર યુઝલેસ.. લોકો એમને સુપર નેચરલ માને છે પણ એ જંગલી લોકો માત્ર લુંટારા છે જેમકે દિલ્હી આસપાસ ઠગ... એવી જ આ જાતીને લોકો નાગા કહે છે જે જંગલમાં પસાર થતા ટ્રાવેલર્સને લૂટીને મારી નાખે છે. એ પણ રાજાના દુશ્મન છે કેમકે એમને મારવા રાજ પરિવારે મદારી જાતિના લોકોને બોલાવ્યા છે જે એમના કરતા પણ વધુ જંગલી અને વાઈલ્ડ છે. એ બંને જાતિઓ આપણા માટે નકામી છે.” ઈલગીને પોતે મેળવેલી માહિતીને આધારે કહ્યું.

“તો પરિણામ શું છે?” વેલેરીયસ ગુંચવાયો, “એ રહસ્ય કઈ રીતે હાથ લાગશે..?”

“એ માટે હું મલિકાને કામે લગાડીશ, એ પીમ્પ ગમે તે રોયલ મેનને એના પલંગ પર આવ્યા પછી પોતાનો બનાવી લે છે..” કેનિંગે એના લુચ્ચા સ્મિત સાથે કહ્યું.

“મલિકાથી કામ ન થાય અને ગોરી ચામડીની જરૂર પડે તો ગોરી ચામડીનો ઉપયોગ કરો પણ એ રહસ્યને જાણતા કોઈક માણસને કંટ્રોલ કરો.” વેલેરીયસ એ રહસ્ય માટે અધીરો હતો, “હિન્દી રાજકુમારો ગોરી મેમો માટે ઘેલા બનેલા છે કોઈકને તો ફોડી શકાશે ને..?” એનો અવાજ અને એના શબ્દો પરથી એની અધીરાઈ દેખાઈ આવતી હતી.

“એ દાવ નાગપુરમાં અજમાવી શકાય એમ નથી, નાગપુરનો રાજકુમાર એ પેતરામાં આવે એમ નથી...”

“કેમ એ યુવાન નથી..?” વેલેરીયસ બરાડ્યો, “એની રગોમાં પુરુષાતન નથી દોડતું..?”

“કેમકે એ એક યુવતીના પ્રેમમાં છે અને એના સિવાય દુનિયાની કોઈ ઓરત તરફ જુવે એમ પણ નથી...” લેડી લીટોન બબડી, “ઇવન ગોરી મેમો કે ગોરા શિક્ષણમાં પણ એને રસ નથી..”

ગોરાઓએ રાજ પરિવારની રગે રગની માહિતી એકઠી કરી હતી.

“નાગપુરના ઈંગ્લીશ પ્રતિનિધિ તરીકે મેં પ્રિન્સને ઇંગ્લેન્ડ સ્ટડીની લાલચ આપી હતી પણ એને વિદેશો ફરવામાં પણ રસ નથી...” મેકલે કહ્યું, “કોઈ રીતે નાગપુર જાળમાં ફસાય એમ નથી નહિતર એ પ્રિન્સલી સ્ટેટ હાલ સ્વતંત્ર રહ્યું ન હોય પણ એ રાજમાતા તરીકે ઓળખાતી ઓરત ચાલાક છે અને એનો મીનીસ્ટર ચિતરંજન પણ એવો જ ખંધો માણસ છે.”

કેપ્ટન ઓબેરી એમ જ બેઠો રહ્યો. એને જાણે એ ચર્ચા સાથે કોઈ સબંધ ન હોય એવી બેફિકરાઈ એની આંખોમાં છલકાતી હતી.

“કેપ્ટન ઓબેરી, તમારો વ્યુ શું છે...?” લેડી લીટોને સહ સ્મિત પૂછ્યું. એ ખંધુ સ્મિત ઓબેરી ઝટ પારખી ગયો.

તેણે લેડી લીટોનની ઉપસેલી છાતી ઉપર એક ભૂખી નજર નાખીને ગળું સાફ કર્યું, “મારા રહેવા માટે ઈંગ્લીશ કેન્ટોનમેન્ટમાં વ્યવસ્થા કરો અને એક પાણીદાર ઘોડાની પણ...” એના અવાજમાં પણ એ જ લાપરવાહી હતી, “એક અઠવાડિયામાં એ રહ્સ્ય તમારા હાથમાં હશે..”

“આજથી જ કેન્ટોનમેટની દરેક ખાલી કેબીન પર તમારો હક છે..” લેડી લેટોનના શબ્દો સિમ્બોલિક હતા.

“હું આજે કર્ણિકાનો મહેમાન બનીશ..” ઓબેરીની ગંદી નજરો લેડી લીટોન પર જડાઈ, “આપની મહેમાન ગતી તો આખું અઠવાડિયું માણવાની જ છે..” એ લીટોનની પીન પરના સોનેરી અક્ષરો તાકી રહ્યો, અમોર વિકીટ ઓમનિયા અને એની આંખો સામે ઈગલની પાંખો ધરાવતી કયુપીડની નગ્ન પ્રતિમા દેખાવા લાગી.

“એ રહસ્ય કઈ રીતે આપણા હાથમાં આવશે..?” કેનીગે ધારદાર પર્શ્ન રજુ કર્યો.

“બસ નાગપુર સાથે મારો પરિચય કરાવવાની જવાબદરી આપની રહેશે, મિસ્ટર કેનિંગ... બાકીનું કામ સહેલું જ છે.” ઓબેરીએ બડી ચાલાકીથી એનો પ્રશ્ન હવામાં ઉડાવી દીધો.

કેનિંગ પણ એ વાત સમજી ગયો હતો પણ ફરી એ જ સવાલ પૂછવાનો કોઈ અર્થ ન હતો, “મલિકા, કર્ણિકા અને એના પુરા ગણને આપની સેવામાં લગાવી દઈશ બસ આશા છે કે આપ જનરલને નિરાસ નહિ કરો..”

“જો ઘોડો પાણીદાર હશે તો.. અને એ મલિકાના હુસ્નમાં એ આગ હશે જે એક આગ સાથે રમતા માણસને ગરમી આપી શકે..”

“તો આજની આ મુલાકત અહી બરખાસ્ત થાય છે પણ આવતા મહિનાની નવી તારીખો તમને મળે એ સમયે પરિણામ નહિ મળ્યું હોય તો આ કોઠી બહાર કોઈ જીવતા નહિ જાય...” વેલેરીયસ લેડી લીટોનનો હાથ હાથમાં લઇ ઉભો થયો, “અને પરિણામ મળ્યું હશે તો તમારા હાથમાં એટલા મોટા રજવાડાની સત્તા સોપી દઈશ જેટલી મોટી જગ્યા તમે ઈંગ્લેન્ડમાં જોઈ પણ નહી હોય..”

વેલેરીયસના એ મીટીંગ પરના છેલ્લા શબ્દો હતા. એ બહાર નીકળ્યો ત્યારે એની બ્રોચ સાથે ડ્રાયવર એની રાહ જોઈ રહ્યો હતો. લેડી લીટોનના હાથને ચૂમી એણે વિદાય લીધી. લેડી લીટોન ઘડીભર એની એ સ્ટાઈલીશ કેરેજને તાકી રહી.. તે વજનમાં એકદમ હળવી અને નાના વિલ સાથેની મજબુત કાર્ટ હતી. એમાં ચાર માણસો બેસી શકે એટલી ક્ષમતા હતી પણ જનરલ વેલેરીયસના એકલા માટે જ એ ભવ્ય બૃચનો ઉપયોગ થતો. ડ્રાયવર માટે સેપરેટ સીટ અને ફોલ્ડીંગ ટોપની વ્યવસ્થા હતી. તે ગોરોમાં એક શાનદાર અને મોધી કાર્ટ તરીકે પ્રસિદ્ધ હતી. આંખી કેરેજને સી સ્પ્રિંગથી સસ્પેન્ડેડ કરેલી હતી અને લેધર સ્ટ્રેપ્સ એને ઓર શોભા આપતા હતા. તે ઘોડાની પેર વડે ખેચાતી. ખાસ ઉનાળામાં વપરાતી અંગ્રેજી બગીને ગોરા પોતાની શાન અને પ્રતિષ્ઠા સમજતા.

પોતાની પાસે કથ્થઈ ઘોડાવાળી એક્કા જેવી બગી હોવા છતાં એ બગી જોઈ લેડી લીટોનને પણ ઈર્ષા ઉપજી આવી. માથાના વાળને સરખા કરી, એક જાટકે વિચારોને ફંગોળી નાખ્યા હોય એમ તે પાતળી કેડ લાચકાવતી લોટમાં પોતાની બગી તરફ જવા લાગી. એ ઓબેરીની રાહ જોવા રોકાઈ નહી કેમકે એ જાણતી હતી કે ઓબેરી એક રાત કર્ણિકાની મહેમાનગતિ માણ્યા વિના એ સ્થળ છોડે એમાંનો નથી. જોકે એને અંદાજ નહોતો કે એ રાત એના ચાંચીયા પ્રેમીની આખરી થવાની હતી. એનો એ વહેસી જાનવર ફરી એની બૃકના લવ કોનક્યુર ઓલ શબ્દો વાંચવા તેની સિક્રેટ ચેમ્બરમાં ક્યારેય આવવાનો નથી.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED