Swastik - 14 books and stories free download online pdf in Gujarati

સ્વસ્તિક (પ્રકરણ 14)

કપિલ કથાનક

મને મણીયજ્ઞ એ જીવન બતાવવા લાગ્યો જે જન્મે હું સુનયનાને મળ્યો. તે જન્મે મારું નામ સુબાહુ હતું. પણ હું સુનયના જેમ નાગલોકમાં જન્મ્યો ન હતો. હું મૃત્યુલોકનો નાશવંત માનવ હતો.

હું એક મંદિર જેવા સ્થળે ઉભો હતો જયાં લોકોની ઘણી મોટી ભીડ જમા થયેલી હતી. સિપાહીઓ આમતેમ કોઈને શોધતા હતા. સિપાહી જેમને શોધતા હતા એ વ્યક્તિઓ તરફ મારું ધ્યાન ગયું - એ બે બુકાનીધારી માણસો હતા. હું અત્યારે જાણે ત્યાં હોઉં તેમ બધું અનુભવવા લાગ્યો. બાકી એ સમય તો વર્ષો જુનો હતો.

મને એ બુકાનીધારી યુવક અને વૃદ્ધની વાતચીત સંભળાતી હતી.

“આપણે નીકળવું પડશે...” વૃદ્ધની આંખો ભીડ ચીરી એમની તરફ આવતા સિપાહીઓ તરફ હતી, “જીત..”

વૃદ્ધ બાગીના પોશાકમાં હતો. એના શરીર પર કંતાનના જાળીદાર કાપડની ઝોળી લટકતી હતી જે મદારીઓ આજ કાલ રાખે છે એવી હતી પણ કમર પર લટકતું ખંજર ધ્યાનમાં આવે તો સમજાઈ જાય એમ હતું કે એ કોઈ મદારી ન હતો. એ બાગી હતો.

થોડાક સમય પહેલા જંગલના એ છેવાડાના ભાગે ધમાસાણ થયું હતું.

“આઝાદીના નામ પર...” યુવકની આંખોમાં હળવું વિજય સ્મિત ફરક્યું. એ યુવાન આંખોમાં આમ પણ એક અજબ ચમક હતી. આજે એ બંનેએ જે કામમાં સફળતા મેળવી હતી એ પછી એની આંખોની ચમક વધી ગઈ હતી.

એનો ચહેરો જોતા એને કોઈ સામાન્ય બાગી યુવક કહી શકે એમ ન હતો, એના પ્રિન્સ્લી ચહેરા પર એક રાજકુમાર જેવો પ્રભાવ હતો. એનો શારીરિક બાંધો એક પહેલવાનને શરમાવે એવો હતો. એના બાજુ પર કાળું કપડું બાંધી એણે ત્યાં બનાવડાવેલું શિવનું ચિલમ પિતા પોઝનું છુંદણું છુપાવી રાખ્યું હતું.

તેઓ જે કામ માટે આવ્યા હતા એ કામ જોખમી હતું. કહી ન શકાય ક્યારે કોઈના ધ્યાનમાં એ છુંદણું આવી જાય અને બીજી સવારે ગોરાઓ આખા જંગલમાં એને શોધવા નિકળી પડે એ એને પસંદ ન હતું. એ જોખમ લઇ શકાય એમ ન હતું.

યુવક અને વૃદ્ધ આસપાસની ભીડને ચીરતા આગળ વધ્યા. બંનેના ચહેરા કાળી બુકાનીથી સલામત છુપાવેલા હતા. કોઈ એમને ઓળખી શકે એમ ન હતું. છતાં મને અંદરખાને ક્યાંક ક્યાંક લાગતું હતું કે તેઓ મદારી હતા - કદાચ એ બુકાની ન હોય તો હું એમને જાણતો હતો.

મંદિર બહારની ભીડ પોતાનામાં વ્યસ્ત હતી. હજુ કોઈના ધ્યાનમાં આવ્યું ન હતું કે સિપાહીઓ ત્યાં ઘુસી આવેલા બે બાગીઓને શોધી રહ્યા છે. કદાચ એમના ધ્યાનમાં આવ્યું હતું પણ તેઓ બાગીઓ આસાનીથી છુપાઈ શકે એ માટે એ ધ્યાનમાં ન આવ્યું હોય એવો ડોળ કરી રહ્યા હતા. મંદિરના પાછળ જ હમણાં લડાઈ થઇ હતી એના કોલાહલથી લોકો અજાણ કઈ રીતે હોઈ શકે?

જો તેઓ જાણતા હતા તો અજાણ બની બગીઓને સાથ કેમ આપી રહ્યા હતા? સામે ગોરા સિપાહીઓ હોત તો કદાચ એમ માની શકાય કે લોકોને ગોરાઓ પ્રત્યે રોષ હતો પણ સામે નાગપુર રાજના સિપાહીઓ હતા - રાજકુમાર સુબાહુના સિપાહીઓ હતા.

યુવક અને વૃદ્ધ ભીડને ચીરીને મંદિરના પ્રાગણ બહાર નીકળ્યા. દુર દેખાતા ઈંગ્લીશ કેન્ટોનમેન્ટ તરફ નજર જતાં જ યુવકની આંખોમાં લાલી તરી આવી. એના લમણાની નશો તંગ થઇ અને એનો ચહેરો તપી ઉઠ્યો.

“આપણે નીકળવું પડશે.. એ સમય પણ આવશે..” વૃદ્ધે યુવકના ખભા પર હાથ મુક્યો, “કોઈ સિપાહીની નજર આપણા પર પડે એ પહેલા નીકળી જવું પડશે..”

યુવકે ભીડ તરફ એક છેલ્લી વાર નજર કરી. મંદિરના પ્રાગણની ભીડને ચીરીને આવતા સિપાહીઓના હાથમાંની ઢાલ ઉપર સૂરજના કિરણો પડતા ચમકી અને જાણે એનો જબકારો એ યુવકની આંખોમાં થયો હોય એમ એ સચેત બની ગયો.

“પિતાજી... બહુ મોડું થઇ ગયું છે.. તેઓ આવી રહ્યા છે..” તેનો અવાજ ભારે હતો.

ભક્તો અને શ્રદ્ધાળુ લોકોની ભીડને ધક્કા આપતા, બુમો પાડતા નાગપુરના રાજ સિપાહીઓ યુવક અને વૃદ્ધ પર નજર રાખી આગળ વધવા લાગ્યા. લોકો ડરને લીધે એમની સામે માથું નમાવવા લાગ્યા તો કેટલાક ચીસો પાડી પાછળ હટી જવા લાગ્યા.

સ્ત્રીઓ અને બાળકો જાણે કાળ જોઈ ગયા હોય એમ આમ તેમ દોડવા લાગ્યા. એક સિપાહીએ ભાગતી વૃદ્ધાને રસ્તામાંથી હટાવવા ધક્કો આપ્યો અને એ સમતુલન ગુમાવી જમીન પર પછડાઈ. સિપાહી જમીન પર તરફડતી ઉભા થવા ફાંફા મારતી વૃદ્ધાને લાત ઝીંકવા આગળ વધ્યો.

“સેખા...” એ જે ટોળામાંથી અલગ પડી વૃધ્ધા તરફ જતો હતો એ ટોળામાંના બીજા સિપાહીએ અવાજ આપ્યો.

સેખાએ પ્રશ્નાર્થ નજરે એની તરફ જોયું. એનો ચહેરો ખુંખાર અને નિર્દય હતો.

“એ બંનેને પકડવાના છે..” એ બીજો સિપાહી બોલ્યો, “એ નકામી ડોશી ક્યાય જવાની નથી..” તેની ભાષા પણ તોછડી હતી.

એ બીજો સિપાહી એમનો સેના નાયક હશે એવું એના શબ્દો અને એના ચહેરાની કઠોરતા પરથી દેખાઈ આવતું હતું. સેખાએ ગુસ્સા ભરી નજર એ વૃદ્ધા તરફ ફેકી અને ટોળામાં ભળી ગયો. એને એ જરાય પસંદ આવ્યું ન હતું પણ એ જાણતો હતો વર્ધનની વાત ન માનનાર સિપાહીનો શું અંજામ થાય છે. એણે વર્ધનની વિરુદ્ધ જનારા કેટલાય સિપાહીઓના માથા ધડથી અલગ થતા જોયા હતા અને એ આજે કોઈનું માથું ધડથી અલગ કરવાના મૂડમાં હતો પણ પોતાનું માથું - એ વિચાર માત્ર એને ડરાવી નાખે એમ હતો.

સેખા, વર્ધન અને પાંચ સાત જેટલા અન્ય સિપાહીઓ ભીડને ચીરી યુવક અને વૃદ્ધ તરફ આગળ વધવા લાગ્યા. એમને પણ નવાઈ લાગી કે એ બંને બાગીઓ ત્યાંથી ભાગ્યા કેમ નહિ.

સિપાહીઓને ભીડ ચીરી એમના તરફ પહોચતા વાર લાગી. તેઓ એટલા સમયમાં છટકી શકે એમ હતા. વૃદ્ધે યુવકનો હાથ પકડી એને બીજી તરફના રસ્તે જ્યાં નાનાં અને લાકડાની છજવાળા મકાનો હતા એ તરફ ખેચી જવાનો પ્રયાસ કર્યો હતો પણ યુવકની આંખો કઈક અલગ જ જોઈ રહી હતી અને તેનું મન ભાગવાને બદલે કઈ અલગ જ વિચારી રહ્યું હતું.

યુવક એના પિતા સાથે જે કામ માટે આવ્યો હતો એ પૂરું કરી નીકળી જવાનો હતો. એમણે વધારે લોહી વહાવવાની જરૂર ન હતી. જોકે એમણે ઓછું લોહી વહાવ્યું ન હતું. મંદિરના પાછળને ભાગે કાગડાઓ સવારથી વધેલા પ્રસાદને ફેકી દેવાય અને એમને કઈક ખાવાનું મળી રહે એની રાહ જોવાને બદલે પાંચેક જેટલા સિપાહીના શરીર પર મિજબાની ઉડાવી રહ્યા હતા જે યુવક અને વૃદ્ધની જ મહેરબાની હતી.

એ સિપાહીને મારવાનું ફરમાન જ્ઞાન પર્વતથી આવ્યું હતું. મુખિયાએ મોકલેલા સંદેશ મુજબ એ લોકોને રહસ્યની ગંધ આવી ગઈ હતી. રહસ્યની સાચવણી માટે એમનું મરવું જરૂરી હતું પણ મંદિરના આગળના ભાગે ચોકી કરતા સેખા અને વર્ધન કે એના સાથીઓને મારવાની કોઈ જરૂર ન હતી કેમકે તેઓ રહસ્યથી બિલકુલ અજાણ હતા પણ એમણે એક ભૂલ કરી નાખી. ભીડને ભગાડવા એમણે વૃદ્ધાને આપેલો હડસેલો યુવકની આંખમાં કંકરની જેમ ચુભી ગયો હતો એના પગ જમીન પર જાણે ચોટી ગયા હતા.

એની સાથેના વૃદ્ધે એને ગુસ્સા પર નિયંત્રણ રાખતા શીખવ્યું હતું પણ જયારે એની આંખો સામે કોઈ અન્યાય થતો એ વૃદ્ધની શિખામણ ભૂલી જતો હતો.

સિપાહીઓ નજીક આવી ગયા. વૃદ્ધ સમજી ગયો કે હવે લડ્યા સિવાય ત્યાંથી નીકળવાનો કોઈ માર્ગ નથી.

સેખા, વર્ધન અને અન્ય સિપાહીઓ એક ગોળ ઘેરો બનાવી એમની તરફ ગોઠવાઈ ગયા. જવાબમાં યુવકના હાથમાં તલવાર અને વૃદ્ધના હાથમાં ખંજર સૂર્યના કુણા કિરણોમાં ચમકયા.

“હથિયાર મૂકી શરણાગતિ સ્વીકાર....” વર્ધને તલવારની ટીપ એમની તરફ લંબાવતા સંભળાવ્યું, “નાગપુર રાજ સિપાહીની હેસિયતથી આપેલો આ આદેશ નાગપુર રાજનો ગણાશે..”

“મને તો નાગપુરમાં ક્યાય કોઈ રાજા દેખાતો નથી..” યુવક હસ્યો, “બસ મહેલમાં કેટલીક કઠપુતળીઓ દેખાય છે..” યુવકે એમ કહ્યું કારણ તે સિપાહીઓને અને ત્યાં હાજર લોકોને માત્ર એમ સંભળાવવા માંગતો હતો. તેનો આશય રાજ પરિવાર માટે અપશબ્દો બોલવાનો ન હતો.

મંદિર આગળની ભીડ ઓછી થઈ ગઈ હતી. કેટલાક લોકો મંદિરના ગર્ભ ગૃહમાં ચાલ્યા ગયા હતા તો કેટલાક ઉત્તર અને પશ્ચિમ તરફ દેખાતા લાકડા અને નળીયાના છજાવાળા નાનકડા મકાનો તરફ ચાલ્યા ગયા હતા. એ મકાનો એકદમ અલગ હતા. લગભગ બસો ત્રણસો વર્ષ પહેલાની બનાવટના. એમાના મોટાભાગના માટીની દીવાલ અને ખપરેલોના છાજનથી બનેલા હતા તો ક્યાંક ક્યાંક મજબુત અને પાકા મકાનો પણ એમાં ભળેલા હતા.

પણ ભીડમાં જે બહાદુર માણસો હતા એ ત્યાં શું થાય છે એ જોવા હજુ રોકાયા હતા, એમની નજરો એ બાગીઓ અને સિપાહીઓ તરફ મંડાયેલી હતી. એમના કાન સરવા બની એ તરફથી જે સંભળાય એ સાંભળી લેવા આતુર હતા.

“ઘેરાયેલા અને સંખ્યાબળમા નહિવત હોવા છતાં આ હિંમત...?” સેખાથી બાગીએ રાજ પરિવારનું જે અપમાન કર્યું એ સહન ન થયું હોય તેવો ઢોંગ કરીને બરાડ્યો અને એમની તરફ આગળ વધ્યો.

સેખા ગુસ્સા અને સંખ્યાબળના ઘમંડમાં ઘેરાની કતાર છોડી એમના નજીક પહોચ્યો એ જ સમયે વૃદ્ધ જાણે પાગલ થઇ ગયો હોય એમ એકાએક ઉછળ્યો, એના દુર્બળ દેખાતા શરીરમાં એ શક્તિ ક્યાંથી આવી હશે એ કલ્પના થઇ શકે એમ ન હતી. લીડીંગ સોલ્જર સેખાને પ્રતિકાર કરવાનો સમય ન મળ્યો. તે ગૂંચવાઈ ગયો. એને અંદાજ ન હતો કે આટલા સિપાહીઓ સામે આ વૃદ્ધ એ હરકત કરવાની હિંમત કરશે. એ યુવક અને વૃદ્ધની હિમ્મતને એ ઓછી આંકવાની ભૂલ કરી બેઠો અને પરિણામ રૂપ વૃદ્ધનું ખંજર એના બખતરને ચીરી એના હૃદયમાં ઉતરી ગયું.

જયારે વૃદ્ધે પાગલ જેમ ઉછળી ખંજર વીંઝ્યું સેખાએ પ્રતિકાર માટે તલવાર હવામાં વીંઝવાનો પ્રયાસ કર્યો પણ એ વૃદ્ધ માની ન શકાય એટલો ઝડપી હતો. વૃદ્ધે ખંજર એની છાતીમાંથી ખેચી કાઢ્યું અને ગોળ ફરીને એને હળવો ધક્કો આપ્યો. સેખા જમીન પર પડ્યો. એની છાતીમાંથી વહેતું લોહી જમીનને ભીંજવવા લાગ્યું.

મંદિરના પ્રાગણ બહાર આ સિપાહીઓનો સામનો થયો એ સારું નહિતર એમના લોહીથી મંદિર અપવિત્ર બનાવવાનું પાપ મારા નામે લખાઈ ગયું હોત. વૃદ્ધે બાગીએ વિચાર્યું.

વર્ધન અને બાકીના સિપાહીઓ જાણે પુતળા બની ગયા. પોતાની આંખો પર વિશ્વાસ કરવો એમના માટે અશક્ય હતું. નાગપુર રાજ સિપાહીના શરીર પરનું બખતર રાજ્યના ફોર્જમેન તૈયાર કરતા હતા. એ બખતર તીર કે તલવારથી ભેદવું પણ અશકય હતું એને બદલે એ વૃદ્ધે એક નાનકડા ખંજરથી એને ભેદી એમની આંખો સામે સેખાના હૃદય સુધી એ ઉતારી નાખ્યું.

“વજ્ર ખંજર...” વર્ધનના બાજુમાં ઉભેલા સિપાહીમાંથી એકે ચીસ પાડી અને એ સાથે જ બધા જાણે જીવંત બની ગયા.

“કોઈ બચીને ન જવું જોઈએ..” વૃદ્ધ યુવક તરફ જોયા વિના જ તાડૂક્યો અને સિપાહીઓ તરફ ધસ્યો.

યુવકે વૃદ્ધના શબ્દો સાંભળ્યા પહેલા જ વૃદ્ધે જે કહ્યું હતું એ જાણી લીધું હતું. એ જાણતો હતો એ સિપાહીઓ એ જે જોયું હતું એ જાણ્યા પછી એમનું જીવતા રહેવું જોખમી હતું.

એ વૃદ્ધ પહેલા સિપાહીઓ સુધી પહોચી ગયો હતો. વર્ધનની તલવાર એની તરફ વિઝાઈ, જાણે રાજ સિપાહી કરતા પણ વધુ તાલીમ પામેલ હોય એમ એ યુવક જરાક નમી ગયો, તલવાર એના માથા પર બાંધેલા એના વાળના અંબોડાથી એકાદ ઇંચ ઉપરથી પસાર થઇ ગઈ.

વર્ધન માટે એ ઘા ચુકી જવું બહુ મોઘું પડ્યું. યુવકે નીચે નમેલા રહીને જ પોતાની કમર પર બાંધેલુ નાનકડું ખંજર બહાર ખેચી કાઢ્યું અને વર્ધનની ટાર્ગેટ મિસ કરી ગયેલી તલવાર પૂરી સ્વીંગ થઇ કાબુમાં આવે એ પહેલા જ યુવકે એ ખંજર એના બખતરમા છાતીના ભાગ અને પેટના ભાગને અલગ પાડતી સાંકળો જેના લીધે સિપાહીને બખતર ધારણ કર્યા પછી આગળ પાછળ નમવામાં તકલીફ ન પડે એ ભાગને નિશાન બનાવી ત્યાં ભોકી નાખ્યું. એ ખંજર પણ જાણે વજ્ર ખંજર જેમ કોઈ અલૌકિક ધાતુમાંથી બનેલું હોય એમ બખતરના ચેઈન મેઈલને કાપી વર્ધનના ઉરોદર પટલમા ઉતરી ગયું.

વર્ધનની બાજુમાં ઉભેલા બંને સિપાહીઓ ગૂંચવણમાં પડી ગયા કે સામે ઉછળીને આવતા વૃદ્ધ તરફ ખસવું કે યુવકનો સામનો કરવો. તેમની દ્રિધા એમનો જીવ લઇ ગઈ.

યુવકની ભુજા એક સર્કલમાં ફેરવાઈ, એનું ખંજર હવાને ચીરતું કોઈ બેફીકર ગોવાળિયો વગડામાં ઢોર ચારતી વખતે સીટી વગાડતો હોય એવા અવાજ સાથે હવામાં આગળ વધ્યું અને પોતાનું નિશાન મેળવતું એક સિપાહીના ગાળાની ભૂંગળી કાપી પોતાનો સ્વીંગ પૂરો કરવા આગળ નીકળી ગયુ.

ખંજરે સ્વીંગ પૂરો કરવા નીકળ્યું એ સાથે કોઈ નુત્યકાર નૃત્યમા કદમ તાલ મિલાવે એમ એ યુવકે એક પગ ઉપાડી એક ડગલું જમણી તરફ લીધું, ખંજર હજુ એનો સ્વીંગ પૂરો કરે તે પહેલા જ યુવકના એક કદમે એના અને બીજા સિપાહી વચ્ચેનું અંતર એકદમ ઓછું કરી નાખ્યું. બીજો સિપાહી હજુ એની સામે થઇ રહેલી હિંસાના આઘાતમાંથી બહાર આવે એ પહેલા ખંજર એની આંખમાં પરોવાઈ ગયું.

દુર ઉભેલા એક સિપાહીએ ડરને કાબુમાં લેતા પોતાનો ભાલો એની તરફ આગળ વધી રહેલા વૃદ્ધ તરફ ફેક્યો. વૃદ્ધ એક ડગલું પણ ખસ્યો નહિ જાણે એ જાણતો હોય કે એ ભાલો એનું નિશાન નહિ મેળવી શકે એમ ભાલો એના ચહેરાથી એક બે ઇંચના અંતરેથી પસાર થઇ પાછળની તરફ નીકળી ગયો.

ત્યાં સુધીમાં યુવકે એ ભાલો ફેકનાર સિપાહીના ધ્યાનમાં આવ્યા વિના એના તરફ બે ત્રણ ડગલા ભરી લીધા. કમર પરથી તલવાર ખેંચીને વીંઝી, સિપાહીનું પૂરું ધ્યાન વૃદ્ધ તરફ હતું એ જ સમયે યુવકે એની લાંબી તલવાર ખોસી, તલવાર સિપાહીના બખતરના બ્રેસ્ટ પેલેટને વીંધી એની છાતી પાર કરી ગઈ, એનો છેડો એના પીઠના ભાગે બખતર વીંધી એકાદ ઇંચ જેટલો બહાર નીકળતો જોઈ વૃદ્ધે પોતાના હાથમાં રહેલું ખંજર કમર પર ભરાવ્યું. હવે એની જરૂર ન હતી.

કોઈ સિપાહી બચ્યો ન હતો. એમણે નાગપુરની પવિત્ર જમીન પરથી અન્ય પાંચ અપવિત્ર લોકોને ઓછા કરી નાખ્યા હતા. વૃદ્ધ અને યુવાને સિપાહીના લોહીથી ભીંજાયેલી રેત તરફ એક નજર કરી.

“વધુ સિપાહીઓ આવે એ પહેલા નીકળી જવું જોઈએ..” વૃદ્ધે કહ્યું.

યુવકે મંદિર તરફ માથું નમાવી પ્રણામ કર્યા. ભીડ એમને જોતી રહી અને તેઓ જંગલમાં દાખલ થવાના રસ્તા તરફ જવા લાગ્યા.

કદાચ આજે મદિર વધુ બલી માંગતું હોય તેમ એમને ઘોડાના ડાબલા સંભળાયા. બંનેએ પોતાની પૂરી ઝડપે દોડવા માંડ્યું પણ વૃદ્ધને દોડવામાં તકલીફ થવા લાગી.

યુવકે પાછળ નજર કરી. બે ઘોડેસવાર સિપાહીઓ મારતે ઘોડે એમની પાછળ આવતા હતા. ઘોડાના પાછલા પગ ધૂળની ડમરીઓ ઉડાવી પાછળ દેખાતી ભીડને ઝાંખી બનાવતી હતી.

“તું નીકળી જા...” વૃદ્ધે હાંફતા કહ્યું, એનાથી હવે દોડી શકાય એમ ન હતું. એ પોતાના ઘૂંટણ પર હાથ મૂકી હાંફવા લાગ્યો.

“બાબા આપને એકલા મુકી કદાપી નહિ..” યુવક પણ દોડતો અટકી ગયો.

“તું ક્યારેય મારી વાત માનીશ ખરો..?” વૃદ્ધના કપાળ પરની કરચલીઓમાં ગુસ્સો નાગમતી નદીમાં રચાતા પાણીના વમળની જેમ ભમરી લેવા લાગ્યો.

વૃદ્ધને યુવકનો કોઈ જવાબ ન સંભળાયો. એના કાન પાછળથી અવાતા ઘોડાઓની ખરીનો થંડરીંગ અવાજ સંભળાયો. સૂરજ હજુ ખાસ ઉંચો ન હતો માટે પડછાયા લાંબા ખેચાયેલા હતા. વૃદ્ધની આંખો ઘોડેસવારનો પડછાયો જોઈ શકી. એને ઘોડેસવારના હાથમાં જે તિક્ષ્ણ અણીયાળો ભાલો હતો તેની અણી દેખાઈ.

‘હર હર મહાદેવ... જય નાગમતી...’ વૃદ્ધે મૃત્યુ પહેલા બે પવિત્ર નામો ઉચ્ચાર્યા.

વૃદ્ધ આંખો બંધ કરી મૃત્યુના શરણે જવા માંગતો હતો પણ એની આંખો બંધ થાય એ પહેલા એ પડછાયાના ભલાને એણે અધવચ્ચે કપાઈ જતા જોયો. ભાલાની ટીપ કપાઈને જમીન પર પડ્યાનો અવાજ સંભળાતા જ વૃદ્ધે જાણે આજે મોતને શરણે થવાનો ઈરાદો માંડી વાળ્યો હોય એમ પોતાના એક ઘૂંટણને વાળીને જમીન પર બેસી અર્દ્ધ ચક્રાકાર ફરી એની પીઠને છેદવા આવતા ભાલાની ટીપ જમીન પરથી ઉઠાવી અને એ જ સમયે એ ઘોડેસવારનું માથું જમીન પર પડતા જોયું.

યુવકે એની તલવારને વિજળી વેગે વીંઝી હતી એ ભાલાને કાપી અટકી ન હતી. સિપાહીની ગરદન એનું અંતીમ લક્ષ હોય એમ સ્વીંગ થઇ એની ગરદન કાપી ગઈ હતી. સિપાહીનું માથું કપાયા પછી યુવક અને એની તલવાર બંનેએ જમીન પર સંતુલન જાળવ્યું. મરેલા સિપાહીનો ઘોડો તેનું ધડ લઈને આગળ નીકળી ગયો અને થોડેક આગળ જઈને બોદા અવાજ સાથે તેની ધડ જમીન ઉપર પટકાયું.

એ બધામાં બીજા ઘોડેસવારને સમય મળી ગયો. યુવક તલવાર સાથે જમીન પર લેન્ડ થયો. એના પગ જમીનને અડ્યા ન અડ્યા એ જ સમયે બીજા ઘોડે સવારે પાછળથી હુમલો કર્યો.

વૃદ્ધે જમીન પર પડેલી ભાલાની કપાયેલી ટીપ હાથમાં લઇ લીધી હતી. ઉભા થવાનો સમય ન હતો. યુવક પાછળના ઘોડે સવારના હુમલાથી બિલકુલ બે ખબર તો ન હતો પણ સમય ન હતો. યુવક પાછળ ફરી એના ઘાને બ્લોક કરી શકે કે ક્રોચ કરી શકે એટલો સમય ન હતો.

વૃદ્ધ જાણી ગયો એને અવાજ આપી સચેત કરવાનો સમય નથી. વૃદ્ધે ભાલાની ટીપ ઘોડે સવાર તરફ ફેકી. બુમરેંગ ફેકવામાં મહારથ પ્રાપ્ત કરેલ હોય એમ એ વૃદ્ધે ફેકેલી ભાલાની ટીપ ગોળાકાર ફરતી સિપાહીના ગળા આરપાર થઇ ગઈ. એ ઢગલો થઇ જમીન પર પડ્યો. એના ઘોડાએ એક હણહણાટી આપી, માલિક પર્ત્યે વફાદાર ઘોડાએ આગળના બે ડાબલા ઊંચા કર્યા પણ યુવકે લગામ પકડી લીધી.

ઘોડો શાંત થઇ ગયો. યુવકે એના ચહેરા પર હાથ ફેરવ્યો અને જાણે ઘોડો એ યુવકના મનના ભાવ સમજી શકતો હોય તેમ શાંત થઇ ગયો.

‘નાગપુર સાથે ગદ્દારી કરનાર સિપાહી સાથે વફાદારી કેમ?’

યુવકના મનને વાંચી શકતો હોય એમ ઘોડો માથું નમાવી ઉભો રહ્યો. યુવક ઘોડા પર સવાર થયો. વૃદ્ધે પણ બીજા ઘોડાની લગામ હાથમાં લીધી અને તેના પર રાંગ વાળી.

“યાદ રાખજે મેં આજે ફરી તારો જીવ બચાવ્યો છે..” ઘોડાને ભગાવતા વૃદ્ધે કહ્યું.

“સુરદુલ... મેં એ ભાલો કાપ્યો એ કોઈ લોકોને બતાવવાનું કરતબ ઓછું જ હતું?” યુવકે ઘોડો વૃદ્ધના ઘોડાની લગોલગ લીધો.

“વૃદ્ધ બાપ તરફ જતા ભાલાની ટીપ કાપવી એ યુવાન પુત્રની ફરજ છે..”

“અને બાપની?” યુવકે પૂછ્યું, “સુરદુલ.. તું મારો બાપ છો, તારી શું ફરજ છે?”

“તને તાલીમ આપી એ લાયક બનાવવાની..”

વૃદ્ધ અને યુવક બંનેના ચહેરા કાળી બુકાનીમાં ઢંકાયેલા હતા છતાં એ ચહેરા પર સ્મિત સ્પસ્ટ દેખાઈ આવ્યું.

એમના ઘોડાના પાછળના પગથી ઉડતી ધૂળની ધીમી ડમરી તેજ બની ઘોડે સવારો ઝાંખા થવા લાગ્યા અને જંગલ આવતા જ જાણે અદ્રશ્ય થઇ ગયા.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED