આયોજન Prafull shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આયોજન

આયોજન

જીવન જીવવા માટે જિંદગીમાં આયોજન અર્થાત પ્લાનીંગ જરૂરી છે. સામાન્ય રીતે આપણે આપણી જિંદગી આયોજન વગર પસાર કરી નાખીએ છીએ. પડશે તેવા દેવાશે એ ખ્યાલમાં રચીએ છીએ. પરિણામે આપણે સતત કારણ વગરનો ભાર, કારણ વગરની ચિંતા લઈને ફરીએ છીએ. જે ખરેખર હોતી નથી.

મારી જ વાત કરું તો મારાં ટેબલ પર ફાઇલોના ઢગલાં રહેતાં હતાં.એક સમય એવો આવ્યો કે વિઝીટર્સ ચેર પર ફાઈલો મુકાવવા લાગી.મારા ટેબલ પર ધૂળનાં થર જામવા લાગ્યાં.ધૂળ ખંખેરવા જાઉં તો ફાઈલો નીચે પડી જાય એ અલગ. સવારથી સાંજ મુલાકાતી આવે અને તેઓને સમજાવવામાં દિવસ પૂરો થઈ જાય. કરવું શું? આખરે એક દિવસ મેં મારા પ્યુનને કહી દીધું કે જે કોઇ આવે તેને બીજા દિવસે બપોરનો સમય આપવો.ત્રણ થી પાંચ.અને મારી કેબીનની બહાર બોર્ડ લગાવી દીધું.

સવારે દસ થી એક એક પછી એક ફાઈલ તપાસી જરૂરી ખાતામાં મોકલતો રહ્યો , વિગતવાર નોંધ રાખી, સમય સમયે જરૂરી ખાતામાંથી માહિતી મંગાવી વાતનો નીવેડો લાવતો રહ્યો.અને એક સમય એવો આવ્યો કે મારા ટેબલ પર ના તો ફાઈલોનો ઢગલો થવા લાગ્યો ન તો કોઈ પેંડીગ કામ રહેવા લાગ્યું અને મારા કામમાં કંટાળા જેવી ચીજે નિવૃતિ લીધી. કહેવાનો આશય આપણે આપણા કામનું આયોજન કરીએ તો વગરફોગટનો ભાર માથા પરથી ઊતરી જાય છે.

આવી જ રીતે આપણે રોજનું કામ રોજ કરીએ તો કામનો બોજો માથા પર રહેતો નથી.સામાન્ય રીતે આળસ નામની જીવાત આપણને કામ કરવા દેતી નથી.અરે આ તો પાંચ મિનિટનું કામ છે , કાલે કરશું.અને આ કાલ કદિયે આવતી નથી. પરિણામે પાંચ મિનિટની ધૂળ ચક્રવૃધ્ધિ વ્યાજની જેમ વધતી જાય છે .રોજનું કામ રોજ કરવાથી આપણાં કામમાં ચોકસાઈ રહે છે, નાનીમોટી ભૂલ થવાનો સંભવ રહેતો નથી, સામેની વ્યક્તિએ જો કોઈ ભૂલ કરી હોય તો પકડાઈ જાય છે.

આવું જ વિદ્યાર્થીઅવસ્થામાં થાય છે.રોજનું રોજ વાંચવું,અભ્યાસ કરવો આપણા માટે કંટાળો છે.ન કામની ઈતર પ્રવૃત્તિમાં આપણે આપણો સમય વેડફી નાખીએ છીએ.પરીક્ષાનું સમય પત્રક આવે ત્યારે શું વાંચવું, કેમ વાંચવું જેવાં પ્રશ્નો, પ્રતિપ્રશ્નો ઊભાં થાય છે.કારણ વગર મૂંઝાઈ જવાય છે. પણ આવા સમયે આપણે આપણું વાંચવાનું સમય પત્રક બનાવીએ દ્રઢ સંકલ્પ સાથે આપણો અભ્યાસ કરીએ તો આપણે આપણી કારણ વગરની ઊભી કરેલી મૂંઝવણમાંથી મુક્ત થઈ જઈએ છીએ.

આવી જ રીતે નાનાંમોટાં પ્રસંગો ઘરમાં આવે છે.જેવાં કે લગ્ન પ્રસંગ તથા વહેવારિક પ્રસંગો જ્યાં કુટુંબનાં કે આપણા ઓળખીતા મિત્રો આવવાનાં હોય ત્યારે તેમની આગતાસ્વાગતા કરવી પડે છે. ત્યારે કેટલી વ્યક્તિઓ આવવાની છે તેનું લીસ્ટ નોટબુકમાં બનાવવું જરૂરી છે. શક્ય હોય તો ફોન કરીને પૂછી લેવું કે તેઓ આવશે કે નહીં.કેટલાં સભ્યો આવશે તે પણ પૂછવું જરૂરી છે. અને આવનારા સભ્યોનો સમાવેશ થઈ શકશે કે નહીં તેનો અંદાજ બાંધવો જરૂરી છે. જો આપણને આ વિશે સમજણ ના પડતી હોય તો વડીલ કે આ બાબતની જાણકાર વ્યક્તિનો સંપર્ક સાધવો જોઈએ. એથીય વિશેષ અમૂક દિવસો ઉપવાસનાં હોય છે તો તેની ચોખવટ કરી લેવી જરૂરી છે. સામાન્ય રીતે આપણે આવાં પ્રસંગોને હળવાશમાં લઈએ છીએ.સભ્યોની પાકી ગણતરી કરવાને બદલે અડસટ્ટો મૂકીએ છીએ. પરિણામે ધણીવાર જમણ વધી પડે છે અથવા ખૂટી પડે છે. જગ્યા નાની હોય તો આખા પ્રસંગની મજા બગડી જાય છે.પરિણામે આપણી મહેનત પર પાણી ફરી વળી છે.

આ જ પ્રમાણે આપણી યાત્રા કે બહાર ગામ ફરવા જઈએ ત્યારે આ વાત લાગું પડે છે. જ્યાં જવાનું છે તે સ્થળની ભૌગોલિક પરિસ્થિતિની જાણકારી મેળવી લેવી જરૂરી છે. તે અનુસાર કપડાંની, નાસ્તાની , દવાદારૂની, પસંદગી કરી લેવી જરૂરી છે. જ્યાં ઉતરવાનું છે ત્યાંની વ્યવસ્થા કરવી જરૂરી છે . જેથી કરીને આપણે આપણાં બજેટમાં પ્રવાસનો આનંદ માણી શકીએ.

પણ ખરી કટોકટી આપણે ગૃહસ્થાઆશ્રમમાં પ્રવેશીએ ત્યારે થાય છે.ભણીગણીને આપણે આપણી આશાઓ,આકાંક્ષા સાથે કશું ક કરવાનાં આપણે સ્વપ્નો સેવીએ છીએ. જેમકે આગળ ભણવું છે પણ આર્થિક સ્થિતિ આપણા શમણાંને અવરોધે છે.ધણાં આવા સંજોગોમાં નાસીપાસ થઈ જાય છે.હતાશા ધેરી વળે છે.શું કરવું શું ન કરવું વચ્ચે ઝોલાં ખાય છે.

આવી એ વ્યક્તિની વાત જોઈએ. તેને શમણાં સેવ્યા હતાં એન્જીનીયરીંગ લાઈનમાં જવાનાં. ઘરની આર્થિક પરિસ્થિતિ તેને માટે અનુકૂળ ન હતી. ઘરમાં મોટો હતો.આર્થિક સ્થિતિ સાવ સાધારણ.તેનાં પિતાનું શારિરીક સ્વાસ્થ્ય નબળું.આમેય તે શાળાનાં અભ્યાસ દરમિયાન આર્થિક સ્થિતિ સામે ઝઝૂમવા કંઈ ને કંઈ નાનામોટા કામ કરતો.જેમકે ટ્યૂશન.હિતેચ્છુઓએ સમજાવ્યો કે જો તે સાયન્સની લાઈન લે છે તો નાનીમોટી નોકરી કે કામ નહીં કરી શકે .આખરે સમય સમજી કોમર્સ લાઈન લીધી.અને પાર્ટ ટાઈમ નોકરી કરી ઘરની આર્થિક સ્થિતિને સુધારવામાં પોતાનો ફાળો આપ્યો.

આમ ધણીવાર સમયને અનુરૂપ આયોજન કરવું પડે છે.જે. સમયને અનુરૂપ બને છે તેની ગાડી પાટા પર સરળ ચાલે છે.

આવું જ આપણે જાહેર જીવનમાં પ્રવેશીએ ત્યારે બને છે.શું કરવું? આ પ્રશ્ન નો જવાબ શોધવો મુશ્કેલ બને છે. સમાજ સેવા કરવા ક્યું ક્ષેત્ર અપનાવવું? રાજકારણમાં પડવું? કોઈ સામાજિક સંસ્થામાં જોડાવવું કે ઘર બેઠાં આપણાથી જે થાય તે સમાજ સેવા કરવી? મોટે ભાગે સમાજ સેવાનો લાભ બહુ ઓછી વ્યક્તિઓને ભાગે આવે છે. કારણ જિંદગીમાં બે પાંદડાં ભેગાં કરવામાં ચાલી જાય છે.મોંધવારીને પહોંચી વળવા રાતદિવસની કાળી મજૂરી માનવીને તન મન થી થકવી નાખે છે. સમાજ સેવા કરવા માટે અમુક પ્રકારના ગુણો હોવા જરૂરી છે. જો તે ન હોય તો સમાજ સેવા કરવી આપણને બહુ અધરી પડે છે.કારણ વગર આપણે સાચાં હોવા છતાં બદનામીનો ભોગ બનીએ છે. કેટલાંક ગુણો સમાજ સેવા માટેનાં જોઈએ.

સૌ પ્રથમ તો સૌને સાથે રાખીને કામ કરતાં આવડવું જોઈએ.આપણને જે ગમે છે તે બીજાને અથવા સૌને અથવા આપણી ટીમમાં જે કોઇ હોય તે સૌને ગમવું જોઈએ. જેઓનો વિરોધ હોય તેમને સમજાવાની કળા આપણામાં હોવી જોઈએ. છતાં સૌનો વિરોધ હોય તો તેમાં પીછેહટ કરવાની નમ્રતા હોવી જોઈએ.તે સાથે સૌને સાંભળવાની ધીરજ હોવી પણ એટલી જ જરૂરી છે.બને તેટલું ઓછું બોલવું જોઇએ.જે કાંઈ બોલીએ તેનું વજન પણ પડવું જોઈએ.લવારા કરવાની આદતને સદંતર તિલાંજલિ આપી દેવી જોઈએ. કાચા કાનનાં ન બનવું જોઈએ.દરેકને સાંભળવું પણ નિર્ણય એવો લેવો જોઇએ કે કોઈનાં અહમ્ ને ઠેસ ન પહોંચે.ઓછું બોલવું, યોગ્ય સમયે બોલવું, વખત આવે ત્યારે એવું બોલવું કે સામેવાળો આભો બની જાય. આ માટે જે તે વિષયનો અભ્યાસ જરૂરી છે.આ અભ્યાસ ત્યારે આપણે કરી શકીએ જ્યારે આપણાંમાં આયોજન કરવાની આવડત હોય. સમય અને શક્તિનો ભોગ આપવાની તૈયારી હોય. આ બધું આપણાંમાં ન હોય તો સમાજ સેવા કરવા જતાં આપણે હાસ્યાપદ પરિસ્થિતિમાં મુકાઈ જઈ છીએ.

આવું જ રાજકારણમાં બને છે.અહીં સ્વાર્થ હંમેશા પ્રથમ હોય છે. અહીં ના દોસ્ત, ના દુશ્મન કાયમી હોય છે. એટલે જે કોઈ લાગણી પ્રધાન હોય તેનું રાજકારણમાં સ્થાન નથી. અહીં સૌ જાડી ચામડીના હોય છે. ધૈર્યતા રાખવી મૂળભૂત ગુણ છે. અહીં આક્ષેપો, પ્રતિઆક્ષેપો કરવા,લગાવવા સામાન્ય વાત છે.જેને મૌન રહેતાં આવડે છે, પોતાની વાત પોતે ના બોલી બીજા દ્રારા બોલાવી જાણે છે તે રાજકારણમાં ટકી જાય છે.સ્વચ્છ ,પારદર્શકતા જે પોતાના કામમાં રાખી શકે છે તે કામયાબ નીવડે છે. જે પવન પ્રમાણે પોતાની ચાલ બદલતો રહે છે તે પોતાની વિશ્વનીયતા ખોઈ નાખે છે અને ટૂંક સમયમાં તે સફળતાની સીડી પરથી નીચે ગબડી જાય છે .

છેવટે પાયાની જરૂરીયાત એટલે અચાનક આવી પડતી બીમારી માટેનું ,તથા પાછળની જિંદગી શાંતિથી પસાર થાય તે માટેનું આયોજન એટલે મેડીક્લેઈમ તથા લાઈફ ઈન્સ્યુરન્સ પણ એટલું જ જરૂરી છે.

આમ જીવન જવવા પ્લાનીંગ એટલે કે આયોજન અતિ મહત્વનાં હોય છે.સૌથી મહત્વનુ આયોજન એટલે આપણું શરીર મૃત્યુ પર્યંત સ્વસ્થ રહે તે માટે ઉમરે ઉંમરે આપણી આપવાની ટેવ ને સુધારવા મહેનત કરવી. પડેલી ખોટી ટેવો, આદતમાંથી મુક્તિ મેળવી જેટલું ધારીયે તેટલું સહેલું નથી. એક સાથે ટેવ ન છૂટે તો એક પછી એક સમયબધ્ધ એમાંથી છૂટવા પ્રયત્ન કરીશું તો સૌની સાથે આપણે પણ સુખી થઈશું.

સમાપ્ત. પ્રફુલ્લ આર શાહ