સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું
64 સમરહિલ
લેખકઃ ધૈવત ત્રિવેદી
પ્રકરણ - 61
'તને ખબર છે, બિકાનેર આર્મી હોસ્પિટલમાંથી તું ભાગી ત્યારે...'
'અ લિટલ કરેક્શન...' પવનના સૂસવાટા વચ્ચે તેણે ગરદન જરાક તિરછી કરીને સ્હેજ ઊંચા અવાજે રાઘવનું વાક્ય તોડયું, 'હું ભાગી ન હતી, પણ છટકી ગઈ હતી એમ કહે..'
'ઓહ.. ઓકે... રાઈટ...' રાઘવ મરકી પડયો.
બપોર થતા સુધીમાં તેમણે કરિમનગર થઈને આંધ્રપ્રદેશની બોર્ડર વટાવી દીધી હતી અને શ્રીનગર-કન્યાકુમારીને જોડતા વિશાળ, ચકચકતા નેશનલ હાઈ-વે પર થન્ડરબર્ડ એકધારી ગતિએ ઢગઢગાટી કરતું ભાગી રહ્યું હતું. ક્યાંય સુધી રાઘવ ચૂપચાપ બેસીને તેનું સફાઈદાર ડ્રાઈવિંગ જોતો રહ્યો હતો. પાવર બાઈકની સાંકડી સીટ પર લગોલગ બેઠેલી આ અજીબ છોકરીના વિચાર તેના દિમાગને ય પવનના સૂસવાટા સાથે ઝકઝોરી રહ્યા હતા.
'વેલ, તું છટકી ગઈ એ પછી...' તેણે 'કરેક્શન' કરીને વાત માંડી, 'એ પછી હું ઈન્કવાયરી કરી રહ્યો હતો ત્યારે એક સિક્યોરિટી ગાર્ડે તારા માટે બહુ જ રસપ્રદ કમેન્ટ કરી હતી. આઈ થિન્ક, તારા માટેનું એ બેસ્ટ કોમ્પ્લિમેન્ટ હશે'
'અચ્છા, શું કહ્યું હતું તેણે?'
'તારો હુલિયો, દેખાવ, બાંધો સમજવા માટે મેં તેને પૂછ્યું કે એ છોકરી કોના જેવી લાગતી હતી, દીપિકા પદુકોણ જેવી, વિદ્યા બાલન કે આયેશા ટકિયા જેવી? તેણે સાલાએ તરત જવાબ વાળ્યો હતો કે.. વો તો પતા નહિ સર, પર ઐસી લગતી થી કિ કૈસે ભી ઉસે છૂને કા મન હો જાવે!'
એ ઠહાકાભેર ખડખડાટ હસી પડી અને રાઘવ આ પહેલીવારના મુક્ત, પ્રફુલ્લિત હાસ્યમાં ફોરી રહેલો તેનો ચહેરો મુગ્ધપણે જોઈ રહ્યો.
રસ્તા પરથી પસાર થતાં હેવી ટ્રક અને પૂરપાટ વેગે ભાગતી ગાડીઓને એ બહુ જ સલુકાઈથી ઝિગઝેગ ટર્ન વડે ઓવરટેક કરતી જતી હતી. કોઈ વાહન સાઈડ ન આપે કે ખોટી રીતે ઓવરટેક કરે ત્યારે દબાયેલા અવાજે એ બિન્ધાસ્ત ગાળ બોલી નાંખતી હતી. સામેથી એ ભાગ્યે જ કશું પૂછતી હતી અને રાઘવ કંઈક પૂછે તો તેનો ટૂંકમાં જવાબ આપી દેતી હતી.
વર્ધાથી સ્હેજ આગળ પહોંચ્યા પછી વરસાદ શરૃ થયો હતો. તેમણે એક ઢાબા પર ગાડી થોભાવી. પોતાનું વિન્ડચીટર કાઢીને રાઘવને થમાવીને તે વોશરૃમમાં ગઈ. રાઘવને વિન્ડચીટર જરાક વધારે વજનદાર લાગ્યું એટલે તેણે સહજ કુતુહલવશ હાથ ફંફોસ્યો એ સાથે જ તે થીજી ગયો.
વિન્ડચીટરના સાઈડ પોકેટમાં ગન હતી. સાડા સાતસો કિલોમીટર લાંબી જર્નીમાં એ બેખૌફપણે કમરમાં ગન ખોસીને ફરતી હતી તેના અહેસાસથી રાઘવ તંગ થઈ ગયો. પોલીસ અફસર તરીકે તેણે અનેક નમૂના જોયા હતા. ગુનેગારોની માનસિકતામાં ઊંડે સુધી જવાની તેને હરહંમેશ ઉત્સુકતા રહેતી.
આઈપીએસની તાલીમ વખતે ક્રિમિનલ સાયકોલોજીમાં એ શીખ્યો હતો કે, માણસમાત્ર મૂળભૂત રીતે ગુનો કરવાની વૃત્તિ ધરાવે છે. માણસો બે પ્રકારના હોય, કેટલાઈક એન્ડ ડોગલાઈક. બિલાડી બને ત્યાં સુધી માણસની હાજરી હોય ત્યાં બાજુ પર તરીને ચાલે. સામેથી કદી ઘૂરકાટો ન કરે. દરેક દિશાએથી એ ભીંસાઈ જાય અને ક્યાંય ભાગવાપણું જ ન રહે ત્યારે એ છંછેડાઈને હુમલો કરે. એ વખતે ય તેનો હેતુ તો ભાગવા માટેનો રસ્તો ઊભો કરવાનો જ હોય.
મોટાભાગના લોકો કેટલાઈક હોય. કાયદાથી, પોલિસથી ચેતીને રહે. અડફેટે ન ચડે. ગંભીર ગુનામાં સંડોવાવાનું ટાળે, કારણ કે તેમને ભયની ઓળખ હોય છે. સમાજમાં પોતાનો માન-મરતબો કે દરજ્જો જોખમાવાનો ડર હોય છે માટે પોલિસથી, કાનૂનના સકંજાથી છેટા રહે અને કોઈ છૂટકો ન રહે ત્યારે જ ગુનો કરી બેસે.
બીજા પ્રકારના લોકોની માનસિકતા શિકારી કૂતરા જેવી હોય. પોતાના લક્ષ્ય કે માન્યતા કે અહંકાર સામે તેમને દુનિયાનો દરેક કાયદો તુચ્છ લાગતો હોય. આવા પ્રકારના લોકો શિકારી કૂતરાની માફક જરૃર ન હોય તો પણ સતત ભસતાં જ રહે. હુમલાખોરી માટે તેમને છંછેડાવાની જરૃર જ ન હોય. હુમલો કરવો એ જ તેમની વૃત્તિ હોય. જોખમની તેમને ગણતરી જ ન હોય અને પોતાનું લક્ષ્ય હાંસલ કરવા કંઈપણ કરી શકે.
ક્રાઈમની પરિભાષામાં આવા ગુનેગાર વધુ જોખમી અને ભયજનક ગણાય.
હિરનની બેખૌફી, બેપરવાઈ તેને અત્યંત ખતરનાક લાગતી હતી. કેકવાના ઢાબા પર એક છોકરી આવી ત્યાંથી લઈને આર્મી હોસ્પિટલમાં ત્રીજા માળેથી ચાર ફૂટની પાળી કૂદીને એક છોકરી નાસી ગઈ ત્યાં સુધીના દરેક વર્ણનના આધારે તેના મનમાં એ છોકરીનું એક કલ્પનાચિત્ર ઘડાયું હતું. પછી એ જ છોકરી સિમેન્ટનું વજનદાર છાપરું હડસેલીને તેમના પર ઝિંકાઈ એ તેનો પહેલો પરિચય અને પછી અત્યાર સુધીમાં તેણે કરેલા તમામ કારનામાઓનો આછો અંદાજ મેળવ્યા બાદ તેના મનમાં સતત ઘંટડીઓ વાગતી હતી.
આવડી-અમથી માંડ ૨૨-૨૪ની લાગતી નાજૂક છોકરી કઈ રીતે આટલી ચુસ્તીથી આવા ભેદી કામને અંજામ આપી શકી હશે? આખા દેશને આવરી લેતું આવડું મોટું કમઠાણ પાર પાડવા માટે તે કેટલું ભટકી હશે, વાહનોની જરૃર પડી હોય, એ જ વાહન પાછા રઝળતા ય મૂકી દેવા પડયા હોય, પોતાની હાજરી ક્યાંય છતી ન થાય, કોઈને ક્યાંય પોતાની ઓળખનો અણસાર ન મળે તેની તકેદારી ય રાખવાની હોય, હથિયારો ય જોઈએ અને ખપ પડયે હથિયારોનો ઉપયોગ પણ કરવો પડે... કઈ રીતે તેણે આ બધું કર્યું?
તેણે વિન્ડચીટરની અંદર હાથ નાંખીને ચેક કર્યું. એ બ્રાઉનિંગ પિસ્તોલ હતી. તરત તેના દિમાગમાં ઝબકારો થઈ ગયો. ખુબરાના જંગમાં ખૂબ જ મુશ્કેલ સ્થિતિમાં ય પરિહારનો ખભો આબાદ વિંધી ગયેલી બુલેટ પણ બ્રાઉનિંગ પિસ્તોલની જ હતી. ધગધગતો અંગારો પકડાઈ ગયો હોય તેમ તેણે ઝાટકાભેર ગન છોડી દીધી.
'ઈટ્સ માય ફેવરિટ બ્રાઉનિંગ..' પીઠ પાછળથી હિરને ખભે હાથ મૂકીને કહ્યું એથી રાઘવ ચોંકી ઊઠયો, 'તેનું વાઈડ એન્ડ સ્મૂધ ગ્રીપર મારી હથેળીને બહુ માફક આવે છે'
'નો... આઈ મિન..' તે ઓચિંતી આવી ચડી તેનો ચોંકાટ રાઘવની જબાન પર હિચકિચાઈ રહ્યો હતો, 'વિન્ડચીટર જરા વજનદાર લાગ્યું એટલે મને થયું...'
'યસ...' તેણે એટલી જ સહજતાથી કહ્યું, 'મને પણ વિન્ડચીટર કે જેકેટ વજનદાર હોય એ બહુ ફાવતું નથી' તેણે નજીક ખસીને બિન્દાસ્તપણે ટોપ સ્હેજ ઊંચું કર્યું, 'એટલે જ આ બીજી ગન હું જીન્સમાં ખોસેલી રાખું છું'
માય ગ્ગ્ગોડ... એક ગન ઓછી હતી તો આ બીજી ય રાખે છે... રાઘવનો ધૂંધવાટ હેલે ચડયો હતો.
'વાહ.. આ તો ઉઝી છે...' સહજતાથી તેને બોલતી કરવા તેણે પ્રયત્નપૂર્વક પોતાના ભાવ પર અંકૂશ રાખ્યો, 'ઉઝી અને બ્રાઉનિંગમાં શું ફરક પડે?'
'કેમ, તેં વેપન ટ્રેનિંગ નથી લીધી?' બાઈક સ્ટાર્ટ કરતાં તેણે સામો સવાલ કર્યો.
'કમ ઓન... અમારે તો ટ્રેનિંગમાં કોલ્ટ પિસ્તોલ હોય. સ્પેશ્યલ કમાન્ડો ટ્રેનિંગમાં લેટેસ્ટ વેપન્સ હોય. એ સિવાય ઉઝી, રગર, વોલ્થર જેવી ગન સાથે અમારે બહુ પનારો ન હોય. બહુ શોખ હોય તો પર્સનલ વેપન તરીકે વસાવીએ બાકી નોકરીમાં તો કોલ્ટ પાયથન જિંદાબાદ'
'ઉઝીનું નોઝલ હેવી ગન મેટલનું હોય છે એટલે કોન્સ્ટન્ટ ફાયર માટે તે બહુ કામની. બીજું કે, તેનો ફાયર પણ વધારે નોઈઝી છે. બીજી પિસ્તોલ કરતાં ઉઝી વધારે મોટો, તીણો અવાજ કરે. ધડાધડ ફાયર કરીને ટાર્ગેટને સ્તબ્ધ કરી દેવું હોય ત્યારે ઉઝી યુઝફૂલ. પણ એક કે બે જ ફાયર કરીને નિશાન પાડી દેવા માટે તો મને બ્રાઉનિંગ જ ફાવે'
'યસ્સ્સ... યુ આર રાઈટ' રાઘવે તેના કાન પાસે મોં લાવીને ધીરેથી કહી દીધું, 'બીએસએફ કમાન્ડન્ટ વિશ્વનાથ પરિહારના ખભા પર જિંદગીભર રહી જનારૃં એ નિશાન તેનો પૂરાવો છે'
એ કશું બોલી નહિ. તેના ચહેરાના ભાવ પણ રાઘવ જોઈ શકે તેમ ન હતો એટલે તેનો મિજાજ પારખવા રાઘવે આગળ ચલાવ્યું.
'તારા એ ફાયરથી ખુદ પરિહાર સ્તબ્ધ હતો... ઈટ વોઝ રિઅલી એક્સલેન્ટ શોટ. તેં વેપન્સની આટલી શાર્પ ટ્રેનિંગ ક્યાં લીધી છે?'
'ખડકવાસલા.. દહેરાદુન અને રેવાડી...' તેણે બુલેટની ગતિ વધુ તેજ કરી અને ઉમેર્યું, 'તને જાણવું ગમશે કે હું નેશનલ ડિફેન્સ એકેડેમીની રેન્કર કેડેટ હતી...'
થન્ડરબર્ડની એકધારી ઢગઢગાટી, કાન પાસેથી સિસકારા બોલાવતો જતો વેગીલો પવન, ઓવરટેક થતા જતા વાહનોની ચિચિયારી અને રાઘવના ચહેરા પર વિંઝાતો અચંબો...
આ છોકરી લશ્કરી અફસર બનવા માટેની સઘન તાલીમ લઈ ચૂકી હતી...
રાઘવ અનાયાસે જ બુલેટની બેકસીટ પર પાછળની તરફ જરાક વધારે ખસ્યો. તેના તમામ સવાલો, તમામ ઉત્સુકતાનો જવાબ તેને આ એક જ વાક્યમાં મળી રહ્યો હતો.
જગતના સર્વશ્રેષ્ઠ સૈન્ય પૈકીની એક ભારતીય સેનામાં ટોચના અફસર તરીકેની સઘન તાલીમ આ છોકરી મેળવી ચૂકી હતી.
પોતાનો પનારો કોની સાથે પડ્યો છે તેના અહેસાસથી રાઘવ, પોતે IPS અફસર હોવા છતાં થીજી રહ્યો હતો.
(ક્રમશ:)