આઇ એમ હીરો ઓફ ધીસ બ્યુટીફુલ વર્લ્ડ Jainil Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આઇ એમ હીરો ઓફ ધીસ બ્યુટીફુલ વર્લ્ડ

આઈ એમ હીરો ઓફ ધિસ બ્યુટીફુલ વર્લ્ડ
- જૈનિલ કે.જોષી
આજે દસમા ધોરણનું રિઝલ્ટ આવ્યું ને હૈયુ હરખાઈ ગયું. આવ્યા હતા મીત ને માત્ર 62% પણ ખુશીનો પાર ન હતો. મીત ના ઘરના નિરાશ હતા પણ મીત ના હૃદય માં તો ખુશીની લહેર હતી. કારણ કે મીત જાણતો હતો કે ભલે તેના માબાપે તેના માટે સપના જોયા હોય પણ તે દસમા ધોરણમાં પણ પાસ થઈ શકે તેમ નહોતો. પણ મીત ને જોઈને કોઈ એમ ન કહે કે તે ડફોળ વિદ્યાર્થી હશે. આશાઓ પણ ઘણી હતી. પણ શું કરવાનું મીત આ વખતે માતા પિતાની આશાઓ પુરી ન કરી શક્યો.
થોડા દિવસ પછી ઓછા ટકા આવવાના લીધે નક્કી થઈ જાય છે કે મિતને ધોરણ 11માં સામાન્ય પ્રવાહ જ લેવાનો છે. માટે તેને નવી શાળામાં મૂકવામાં આવે છે.
નવી શાળા જુની શાળા કરતાં ઘણી બધી રીતે અલગ હતી. જૂની શાળામાં તો માત્ર ચાર ઓરડા હતા જ્યારે નવી શાળામાં ચાર માળ હતા. જૂની શાળામાં તો બધા મીત ને ઓળખતા હતા પણ નવી શાળામાં તો મીત ને કોઈ ઓળખતું ન હતું.
જૂની શાળાનો હીરો હતો મીત પણ નવી શાળાનો હાલ તો ઝીરો હતો મીત.મીત વર્ગ ખંડ માં જેવો પ્રવેશે છે તેવું તેનું સ્વાગત ફાટેલા કાગળના ટુકડાં થી કરવામાં આવ્યું.
પણ બીજા મિત્રો ને ક્યાં ખબર હતી કે મીત તો બહાદુર અને સત્ય નો સામનો કરે તેવો હતો. તેણે તો પોતાની બેગ માંથી નવો ચોપડો કાઢ્યો ને ફાડીને બધા છોકરાઓ પર નાખી દીધા.બધા છોકરાઓ તેને મારવા જાય છે,એટલા માં શિક્ષક આવી જાય છે ને મીત ને બચાવી લે છે.
મીત એટલો હોંશિયાર હતો કે ૧૬ વર્ષ ની ઉંમર માં તેને ખબર હતી કે આ દુનિયામાં જો કોઈ વ્યક્તિ માટે પહેલા રૂપિયા ખર્ચવામાં આવે તો તેના મિત્રો વધી જાય છે.એટલે રિશેસ પડે છે તેવો મીત શાળા કેમ્પસ ની બહાર જાય છે જ્યારે આ બાજુ બીજા છોકરાઓ રીસેશ પૂરી થાય એટલે મીત ને મારવાનું વિચારે છે.
મીત જેવો વર્ગખંડ માં આવે છે તેવો બધા છોકરા તૂટી પડશે એવું મીત ને હતું જ માટે તે પહેલા નાસ્તા ની થેલી ને વર્ગખંડ માં નાખી દે છે ને પછી તે અંદર જાય છે. બધા મિત્રો જોઈ જ રહે છે,ત્યારે મીત બધા ને કહે છે," ચાલો મિત્રો આવી જાવ.નાસ્તો કરવા.હું તમારા માટે કચોરી, પફ લાવ્યો છું.સાથે કોલ્ડ ડ્રિંક પણ."
પછી તો શું થવાનું હતું ખાવાનું મળે ને કોઈ છોડતું હશે? તૂટી પડ્યા બધા મિત્રો ખાવા માટે. જલસા પડી ગયા બાકી. માત્ર ૨૦૦ રૂપિયાના નાસ્તામાં મિત્રોના દિલ જીતી લીધા. ત્યારે મીત મનમાં વિચારે છે," દુનિયામાં માત્ર દિલ જીતવાનો જ હેતુ રાખજો,કારણ કે દુનિયા જીતીને પણ સિકંદર ખાલી હાથે જ ગયો હતો."આ કહેવત આજે સાર્થક થઈ.ખરેખર મીત ની હોંશિયારી ના વખાણ કરવા પડે. જૂની સ્કૂલમાં તો છવાયેલો હતો પણ નવી સ્કૂલમાં તો જાણે એમ છવાયો કે જાણે રાજ્યાભિષેક થયો. ખરેખર હવે તો મીતને પહેલા દિવસથી જ નવી સ્કૂલ ગમવા લાગી. મીત જાણે બધા ને કહેતો હોય," ક્યારેક આવજો મારી પાસે,તમને દિલ પણ દિલ થી જીતતા શીખવાડીશ."
મીત ના મમ્મી-પપ્પા તો બધી વસ્તુ લઇ આપતા માટે મીતને પૈસાની કિંમત નહોતી.
મીત ને એમ જ લાગતું હતું કે દુનિયા તો બસ આમ જ જીવાય. બસ પૈસા ખર્ચવાના અને મિત્રો બનાવવાના. પણ મીત અજાણ હતો કે આ દુનિયામાં પૈસા કમાવવા શું શું કરવું પડે?
એમ કરતા અગિયારમું ધોરણ પતી ગયું. અને આવી ગયું ગોલ્ડન વર્ષ કારણ કે ધોરણ 12 મીત ની જિંદગી નો ફેંસલો કરવાનું હતું.
મીતના મમ્મી પપ્પા તેને ઘણું કહેતા હતા પણ મીત તો તરુણાવસ્થાની જિંદગીને માણી રહ્યો હતો.આખી દુનિયા તેની આગળ નતમસ્તક છે તેમ લાગતું હતું.
પણ એક દિવસ મીત જ્યારે તેના ઘેર આરામ કરતો હતો ત્યારે તેના પપ્પાને મળવા કોઈક દાદા આવે છે. ઘેર મમ્મી-પપ્પા ન હોવાથી મીત એ દાદા સાથે બેસે છે. ત્યારે દાદા પોતાના ભૂતકાળની વાતો કરે છે. સલાહ પણ આપે છે કે."છોકરો જ્યારે 20 વર્ષનો થાય ત્યારે પોતાની જાતે પૈસા કમાતો થઇ જવો જોઈએ. જેથી બાળકના માતા-પિતાને મદદ કરી શકે."
બસ આ જ વાક્ય હતું કે જેને મીતની જીંદગીની અંદર પરિવર્તન લાવી દીધું. મીત હવે ભણવા લાગ્યો.
પણ તરુણાવસ્થાની અંદર પ્રેમ પણ ક્યાં નથી હોતો?
બારમા ધોરણ ની શરૂઆત થઈ ગઈ અને નવા વિદ્યાર્થીઓની એન્ટ્રીઓ પણ થઈ ગઈ. એ જ વખત ક્લાસમાં એક સરસ પતંગિયા થી પણ સૌમ્ય છોકરી ની એન્ટ્રી થાય છે.જેનું નામ છે ફોરમ. જેવી શાળામાં તે પોતાની સ્કુટી ને પાર્ક કરે છે ત્યારે તેની સ્કુટી ની બાજુમાં જ મીત ની બાઇક પડેલી હોય છે. મીત તેના પર બેઠેલો હોય છે. ફોરમ પૂછે છે "ધોરણ 12 નો વર્ગખંડ ક્યાં છે?" મીત તો ખુશ થઈ ગયો. તેણે તો ઉત્સાહ માં કહ્યું," હું બારમા ધોરણમાં ભણુ છું ચલો તમને વર્ગખંડ બતાવું."
ફોરમ કહે છે," શું તમે તમે કરો છો હું ઘરડી થોડી છું મને તું જ કહેવાનું."
મીત તો આ શબ્દ નો જ દીવાનો થઇ ગયો. પછી ફોરમના રૂપની વાત જ શું કરવી મારે?
પોતાની પરંપરા પ્રમાણે મીત આ વખતે ફોરમ માટે પણ નાસ્તો લઈ આવે છે. પોતાના બધા મિત્રો સાથે મળાવે છે. ને શરૂઆત થઈ જાય છે મિત્રતાની.
ફોરમ ની સાથે સાથે મિત્રતા એટલી ગાઢ થઈ ગઈ કે હવે સપનામાં પણ મીત ના ફોરમ આવવા લાગી..
પણ ફોરમ દર વખતે મીત ને કહેતી કે "ભણવામાં ધ્યાન આપ."પણ મીત ને તો એમ જ લાગતું હતું કે તેની દુનિયા છે ફોરમ.
એમ કરતા પહેલી પરીક્ષાનું રીઝલ્ટ આવે છે.મીત બે વિષય માં નાપાસ થયો છે. આવું જાણતા જ મીતના મમ્મી પપ્પા તેને લડવાને બદલે તેને પ્રેમથી સમજાવે છે. સાથે ભણવામાં પણ ધ્યાન આપજે તેવું કહે છે. પણ જ્યારે ફોરમ ને ખબર પડે છે ત્યારે ફોરમ મીત ને લડે છે. તેને સાથ આપવાની જગ્યાએ તેને તરછોડે છે. કહેવાય છે "વ્યક્તિને સુખ ત્યારે જ મળે છે જ્યારે તે ઠોકરો ખાય."મીત ને ઠોકર વાગી સાથે ફોરમે પણ સાથ છોડ્યો.. તે રાત્રે મીત ને વાસ્તવિક દુનિયા નું ભાન થયું. કે જિંદગીમાં માત્ર પૈસા મહત્વના નથી પણ સ્વાભિમાન પણ મહત્વનું છે, સન્માન પણ મહત્વનું છે. તે રાત્રે તે ખૂબ રડે છે કે ફોરમે તેને છોડી દીધો. બીજી બાજુ તે એવો પણ વિચાર કરે છે કે ફોરમ સાથે તો મિત્રતા જ હતી જો એક મિત્રતા તૂટવાથી હું એટલો નિરાશ થવું છું તો આગળ જતાં જિંદગીમાં કંઈક ન કરું તો હું કેટલો નિરાશ થઈશ? ભલે ફોરમ જેવી સુંદર છોકરી તેને નહીં મળે પણ ભગવાને તો કોઈ છોકરી તેના માટે રાખી જ હશે,તેને એક વાક્ય પણ યાદ આવે છે, "જોડીયો તો સ્વર્ગમાં રચાતી હોય છે, બસ માનવી તો અહીંયા તેને ઉત્સાહપૂર્વક ઉજવે છે."સાથે વિચાર પણ કરે છે કે હું ખરાબ પરિણામ લાવ્યો છતાં પણ મારા મમ્મી પપ્પા મને લડ્યા નથી પણ મને સતત પ્રોત્સાહન જ આપ્યું છે. માટે મારે મારા મમ્મી પપ્પા ના સપના પુરા કરવા જ પડશે. નક્કી કરે છે ગમે તે થઈ જાય હું બારમા ધોરણની વાર્ષિક પરીક્ષા માં 85 ટકા તો લાવીશ જ.
કહેવાય છે ને કે લક્ષમાં તાકાત હોય ને તો માનવી પર્વતને પણ ચીરી શકે છે આ તો માત્ર પરીક્ષા જ હતી. તે ખૂબ મહેનત કરે છે તનતોડ મહેનત કરે છે. ફોરમ ભલે તેને ન બોલતી હોય તેને હવે કોઈ ફરક પડતો નથી કારણકે તેનું ધ્યેય માત્ર પરીક્ષા છે. પરીક્ષાનો સમય પણ આવી જાય છે ને વેકેશન પણ પડી જાય છે. પરિણામ પણ આવી જાય છે. બધા પોતાનું પરિણામ લઇને જોતા હોય છે ત્યારે મીત ને ફોરમ મળે છે.ફોરમ કહે છે," મીત પાસ થયો કે નહિ?, તું તો લાગે આજે પણ બે વિષય માં નાપાસ થયો હઈશ." મીત કશું બોલતો નથી કારણ કે મિતે ધારેલું તેના કરતાં પરિણામ અલગ જ હતું.
પ્રાર્થના સભા મા બધા અત્યારે ઉપસ્થિત છે. બધા રાહ જોઈ રહ્યા છે કે પહેલો નંબર કોનો આવે અને કોને ઈનામ મળે? આખી શાળામાં બીજો નંબર ફોરમનો આવે છે. ફોરમ ગરબા સાથે પોતાની ટ્રોફી લે છે અને પોતાની વિનિંગ સ્પીચ આપતા કહે છે," જિંદગીમાં કંઈક બનવું હોય મહેનત કરવી પડે. ને બે વિષયમાં નાપાસ થવાવાળા વ્યક્તિ કશું કરી ન શકે. વિદ્યાર્થીમિત્રો મારે તમને સલાહ છે કે એવા મિત્રો સાથે રહેજો કે જે હોશિયાર હોય નહીં કે જે ડફોળ હોય."
હવે વાળો આવે છે પ્રથમ નંબર નો. ત્યારે માઈક માંથી એલાઉન્સ થાય છે શાળામાં પ્રથમ નંબર આવનાર વિદ્યાર્થી છે મીત.તેને માત્ર શાળામાં જ પ્રથમ નંબર નહીં પણ બોર્ડમાં પણ પ્રથમ નંબર મેળવ્યો છે અને તે પણ 98 ટકા સાથે.
આ સાંભળતા ફોરમ ની ખુશી ચહેરા પર થી જતી રહે છે.મીત સ્ટેજ ઉપર જાય છે પોતાના પ્રથમ નંબરની ટ્રોફી લે છે ને કહે છે,
" મારા વ્હાલા મિત્રો, હું જ્યારે અગિયારમા ધોરણમાં હતો ત્યારે મને લાગતું હતું કે જીંદગીની અંદર પૈસા મહત્વના છે. પણ મારા એક મિત્ર એ મને એ સાબિત કરી આપ્યું કે માત્ર પૈસા નહીં પણ સન્માન ની પણ જરૂર છે.હંમેશા પોતાના મા-બાપને સાથ ચોક્કસથી આપજો કારણ કે હું જ્યારે નાપાસ થયો ત્યારે મારા માતા-પિતા જ મારી સાથે હતા અને તેમણે મને સતત પ્રોત્સાહન આપ્યું હતું. બાકી હું મારી જિંદગી પ્રત્યે અને ભવિષ્ય પ્રત્યે સભાન નહોતો. પણ આજે મને ખુશી છે કે હું જિંદગીને માણી રહ્યો છું. મારી સફળતાની પ્રત્યેક ક્ષણોમાં મારા માતા-પિતાના આશીર્વાદ અને તેમના સપના છે. જિંદગી ની અંદર મેં નકારાત્મકતા પણ જોઈએ છે. એકવાર શું નાપાસ થઈ ગયા લોકોએ સંબંધ પણ તોડી નાખ્યો.તે દિવસે હું ખૂબ હેરાન થયો માનસિક રીતે.પણ તે દિવસે મારી પાસે કોઈ જવાબ નહોતો.તે દિવસે રાત્રે મારી સાથે માત્ર હું જ હતો.તે દિવસે મને સ્વામી વિવેકાનંદજી નું વાક્ય યાદ આવ્યું,"દિવસ માં એક વખત પોતાની જાત સાથે વાત કરી લેજો,પછી એમ ન કહેતા કે દુનિયાના મહાન વ્યક્તિ સાથે વાત કરવાનો મોકો હતો પણ વાત ના થઇ." બસ તે જ દિવસ થી મેં મારી જાત સાથે વાત કરવાનું શરૂ કરી દીધું.ને આજે હું અહીંયા છું.
વધારે કઈ કહેતો નથી પણ એટલું આત્મવિશ્વાસ થી ચોક્કસ કહીશ.." I am Hero Of the beautiful World."
તાળીઓ નો અવાજ જ સૂચવે છે કે મીત ની સફળતા કેટલી મોટી હતી ?
સમગ્ર પોગ્રમ પૂરો થયો.મીત પોતાની કાર માં બેસવા જાય છે,ત્યારે ફોરમ આવે છે ને કહે છે," મીત મને માફ કરી દે.હું ભૂલી ગઈ હતી કે માણસ ગમે ત્યારે આગળ આવી શકે છે.મારે તને સાથ આપવો જોઈતો હતો એક મિત્ર તરીકે.મારી પાસે શબ્દો નથી. પણ હા આઈ લવ યુ મીત "
મીત કહે છે ," ફોરમ હું તને મારી ખાસ મિત્ર માનતો હતો,સાથે હું તને પ્રેમ પણ કરતો હતો.આટલી નાની ઉંમરે પ્રેમ ની વાત કરવી મને યોગ્ય લાગતી ન હતી.પણ તારે તે વખતે મને સાથ આપવો જોઈતો હતો."
આટલું કહી મીત પોતાની કાર તરફ જવા જાય છે,ત્યારે તેની મમ્મી આવે છે ને કહે છે," બેટા,મીત આ ઉંમરે ભૂલ ના થાય તો ક્યારે થાય? ચલ માની લે ફોરમે તને સાથ ના આપ્યો.પણ જો તે વખતે તેણે એવું ના કર્યું હોત તો તું શું તારી જાત સાથે વાત કરતો ખરો?"ને બેટા ફોરમ, તું ટેન્શન ના લે.મીત તારો મિત્ર ચોક્કસ થી રહેશે.ને રહી વાત મીત અને તારા પ્રેમની તો હજુ વાર છે.તમે પહેલાં કરીઅર બનાવો.પછી હું તારા ઘરના ને વાત કરીશ."
એટલા માં ફોરમ ના ઘરના પણ આવે છે, ને મીત ની મમ્મી ની વાત સાચી હોવાનું કહે છે.
ત્યારબાદ બધા ખુશ થઈ જાય છે ને મીત અને ફોરમ બંને એકબીજાના ફરી મિત્ર બની જાય છે.
ફોરમ કહે છે," મીત, I am heroine Of the Beautiful World."
મીત હવે ગર્વ થી કહે છે, " I am Hero Of the Beautiful World."