64 સમરહિલ - 58 Dhaivat Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

64 સમરહિલ - 58

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - 58

અત્યાર સુધીમાં આજે પહેલી વાર ઝુઝારને દુબળો-પાતળો, ફિક્કો આદમી મહાભેજાંબાજ હોવાનું અનુભવાયું હતું. ક્યો શંકરાચાર્ય, ક્યો શ્રીધર અને બખ્શાલી એટલે કઈ બલા કશું તેને સમજાયું હતું પણ બે વ્યક્તિ એકબીજાને મળ્યા વગર, બોલ્યા વગર વાત કરી શકે તેનો ચમત્કાર નિહાળીને સ્તબ્ધ થઈ ગયો હતો.

'પ્લિઝ શટ અપ યાર... ' રાઘવે જરાક ગુસ્સૈલ અવાજે તેને વાર્યો, 'તિબેટ કંઈ તારા ગ્વાલિયરની શેરી નથી કે ચાલો તિબેટ બોલીએ એટલે પહોંચી જવાય'

'તો ફિર?' ઝુઝારના અવાજમાં, આંખોમાં, ચહેરા પર બધે ધોધમાર ઉતાવળ વરસતી હતી.

'તિબેટ જવું ઈમ્પોસિબલ છે...' નિઃશબ્દપણે બારી પાસે ઊભા રહીને વેનિશિયન બ્લાઈન્ડ્ઝની દોરી અકારણ ખોલ-બંધ કરી રહેલા પ્રોફેસરે કહ્યું. તેના સ્વરમાં પારાવાર ઘૂટન હતી.

'કશું ઈમ્પોસિબલ નથી...' ખાસ્સા સમય પછી પહેલી વાર હિરન બોલી અને છલાંગભેર નીલાંબર તરફ ધસી તેના ખભા પકડીને હચમચાવી નાંખ્યો, 'પ્લિઝ ડેડ... એમ હિંમત નથી હારવાની' તેણે નીલાંબરના ખભા પર વ્હાલપભેર બેય હાથ વિંટાળ્યા સાથે ટોપ ઊંચકાવાથી લો-વેસ્ટ જીન્સમાંથી દેખાતો તેની ગોરી, માંસલ કમરનો સોહામણો વળાંક ઓરડાની આંખો ઝુલાવી ગયો.

'નેપાળ થઈને કૈલાસ-માનસરોવર જવા માટેની પરમિટ મળી શકે' મનોમન વિકલ્પ શોધી રહેલા ત્વરિતે ઉતાવળા અવાજે કહી દીધું.

'બટ હુ ટોલ્ડ યુ કે મારે જે જોઈએ છે કૈલાસ કે માનસરોવરમાં છે?' પ્રોફેસરે ગરદન જરાક ફેરવીને કહ્યું. ઊંડી ઉતરી ગયેલી તેની આંખોમાં હતાશા ઘૂઘવતી હતી.

' સિવાય પણ એક રસ્તો છે...' રાઘવ પણ હવે ઊભો થઈ ગયો હતો, 'નેપાળથી આપણે ટુરિસ્ટ ગ્રુપમાં ભળી જઈએ અને જો એક સ્પેશિયલ પરમિટ મેળવી શકીએ તો તિબેટના કેટલાંક બીજા વિસ્તારોમાં જઈ શકીએ'

હિરને ધારદાર નજરે તેની સામે જોયું. સ્હેજ મોટી, ઘેરી, કથ્થાઈ આંખોમાંથી નર્યો તુચ્છકાર વરસતો હતો.

'અમારા આઈપીએસ ઓફિસર્સ માટે એવરેસ્ટ એક્સિપિડિશન યોજાતું હોય છે એટલે મને બરાબર ખબર છે' હિરનની નજરની પરવા કર્યા વિના રાઘવે મક્કમ અવાજે કહી દીધું.

'તેને એલિયન્સ પરમિટ કહે છે...' જાણે હુમલો કરવા ધસતી હોય તેમ તે રાઘવની તરફ ફરી. આવેગથી તેના ભરાવદાર સ્તનો થથરતા હતા અને થથરાટ તેના લૂઝ ટોપમાંથી સ્પષ્ટ વર્તાતો હતો, 'માઉન્ટ એવરેસ્ટની પરમિટ શિગાત્સે એરિયા કવર કરી શકે. સિવાય ઝેદાંગ, ગ્યાંગત્સે, ગારી, ઈંગચી એરિયાની એલિયન પરમિટ મળી શકે છે.'

પછી અચાનક તેનો અવાજ ઊંચકાયો, 'હું શું બેવકૂફ છું? ઈન્ટરનેટ પરથી આટલી સાદી ઈન્ફો મેળવતાં મને નથી આવડતું? તમે બેય હોંશેહોંશે ઓપ્શન્સ આપવા માંડયા છો બટ ડુ યુ નો ઈવન બેઝિક બી સી ડી ઓફ તિબેટ?' તેણે જીન્સના હિપ પોકેટમાંથી આઈફોન કાઢીને બેયની સામે ધરી દીધો, 'રાતભર મેં બધા ઓપ્શન્સ ચેક કરી લીધા છે... પિલગ્રિમ પરમિટ ઓર એલિયન પરમિટ... ચીને કબજો જમાવ્યા પછી તિબેટ જવા માટે બે પ્રકારની પરમિટ મળી શકે છે. ભારત સાથેના ચીનના ડિપ્લોમેટિક રિલેશન પણ તંગ છે એટલે કૈલાસ-માનસરોવરની યાત્રાએ જવા માટે હજાર લફરાંમાંથી પસાર થવું પડે છે તો ઈનસાઈડ તિબેટની પરમિટ મળવાનો તો સવાલ નથી'

'તિબેટમાં આપણે એક્ઝેક્ટ ક્યાં જવાનું છે ખ્યાલ છે?' ત્વરિત પણ હવે કંઈક રસ્તો કાઢવા બેહદ આતુર હતો.

' કશું સ્પષ્ટ નથી... કેટલાં સમય માટે ત્યાં રોકાવું પડશે ખબર નથી...' પ્રોફેસરે હતાશ સ્વરે કહ્યું, 'એટલે હું કહું છું કે માય ગેમ ઈઝ ઓવર... હવે બીજો કોઈ રસ્તો નથી...'

'મેં કહ્યું ને...' હિરને અચાનક ઊંચા અવાજે તાડુકીને કહ્યું, 'કિપ ફેઈથ ઈન મી... મેં કહ્યું એક માત્ર રસ્તો છે... જોખમી છે પણ...' ઘડીક ખચકાઈ, ગળા નીચે થૂંક ઉતારતી હોય તેમ તેની લાંબી, ગોરી, આબાદ તરાશેલી ગરદનનો નઢિયો જરાક ઊંચકાયો, '... હવે આખી જિંદગી જોખમી છે તો એક જોખમથી કંઈ તૂટી નહિ જવાય'

'પણ શું છે રસ્તો?' પૂછ્યું હતું ત્વરિતે પણ તેના અવાજમાં ઉત્સુકતા હરકોઈની સામેલ હતી.

ઘડીક તે નીલાંબરની તરફ જોઈ રહી. ઘડીક તેણે ચારેયના ચહેરા નીરખ્યા. આંખોમાં સાંગોપાંગ ઉતરી જાય તેવી ધારદાર નજરે તેણે દરેકના ચહેરા તલાશ્યા અને પછી બારીની બહાર તાકીને કહ્યું, 'જે રસ્તો રાહુલ અને ચોફેલે અપનાવ્યો હતો...'

'એટલે? યુ મિન...'

'યસ આઈ મિન ઈટ...' તેના હોઠ દૃઢતાથી બિડાયા, તેના જડબા તંગ થયા, ગોરા સિંદુરિયા ચહેરા પર ઉશ્કેરાટની લાલી તરી આવી અને તેણે મક્કમતાથી ઉમેર્યું, 'પગપાળા આખો હિમાલય પાર કરીને તિબેટ પહોંચવાનું છે...'

બહાર આકાશમાં મેઘાડંબર જામ્યો હતો. કાળાડિબાંગ વાદળોની ગડેડાટી વચ્ચે અટ્ટહાસ્ય કરી રહેલી નિયતી મુશળધાર વરસી જવા માથે ગાજી રહી હતી.

*** *** ***

બહાર આકાશમાં ઘેરાતા વાદળોનો ઘટાટોપ ઓઢેલી સાંજ બારી વાટે ઓરડામાં ડોકિયું કરી રહી હતી. આગલી રાતથી શરૃ થયેલો વિચારોનો કોલાહલ વકરીને હવે સૌના ચહેરા પર પારાવાર આતુરતા સ્વરૃપે મઢાઈ ગયો હતો.

વિશાળ કદની ખુલ્લી બારીમાંથી ઓરડામાં વિંઝાતી હવાની ઠંડક, આકાશમાં ગોરંભાયેલો મેઘ, ક્વચિત્ ઝબુકી જતી વીજળીના તેજલિસોટા અને વાતાવરણના આહ્લાદ વચ્ચે ઓરડામાં છટપટાઈ રહેલી બેચેની...

સૌ કોઈ તત્પર આંખે હિરનને તાકી રહ્યા છે અને દૃઢતાથી હોઠ ભીડેલી હિરન કમર પર બેય હાથ ટેકવીને બારીમાંથી ફૂંકાતી તેજ, સર્દ હવાની શીતળતા ચહેરા પર ઝીલી રહી છે.

તેની મોટી, ઘેરી, કથ્થાઈ આંખો બિડાયેલી છે. નર્યા પથ્થરમાંથી સુંદરતા કંડારતા શિલ્પીના ટાંકણાની માફક પવનના ફફડાટમાં તેના ભુખરા વાળ ચહેરા પર સોહામણો ભાવ તરાશી રહ્યા છે. છપ્પન તેનાં ઠાઠ, ઠસ્સા અને રૃઆબથી અંજાયેલો છે. ઝુઝાર હજુ તેનાં પ્રત્યે ગિન્નાયેલો છે. ત્વરિત મનોમન તેને અજબ લગાવથી જોઈ રહ્યો છે પણ રાઘવને હવે વધુ ડેન્જરસ લાગે છે.

સીધાસાદા અને ટિપિકલ ભણેશરી પ્રકારના પ્રોફેસરને છોકરીએ આટલા જોખમી અને લગભગ અશક્ય કામ માટે તૈયાર કર્યો. આખા ભારતમાં વેરવિખેર પથરાયેલી મૂર્તિઓ છોકરીએ બે-અઢી વર્ષમાં ઊઠાવી. છપ્પનસિંઘ જેવા રીઢા ચોરને પોતાના અસ્તિત્વ વિશે ગંધ સુધ્ધાં આવવા દીધી. ખુબરાના જીવલેણ જંગમાં તેણે આબાદ ગન પણ ચલાવી નાંખી અને હવે...

'તિબેટ જવાના ત્રણ રસ્તા છે...' અચાનક તંદ્રામાંથી બહાર આવી હોય તેમ ઊંડો શ્વાસ લઈને હિરને કહ્યું સાથે ઓરડાની સ્તબ્ધતા તૂટી, 'લેહ થઈને તિબેટમાં પ્રવેશ કરો અને જોંગી-લા ઘાટ ઓળંગીને ઝીદાંગના રસ્તે લ્હાસા પહોંચો.'

કોઈને હોંકારો દેવાના હોશ હતા પણ હિરન બારીની બહાર તાકીને જાણે સ્વગત બોલી રહી હતી, 'ઈટ વોઝ નોન એઝ સિલ્ક રૃટ. એક જમાનામાં ચીન અને યુરોપ વચ્ચે રેશમ અને અફીણનો વેપાર રસ્તે ચાલતો હતો, પણ હવે રૃટ મોસ્ટ ડેન્જરસ છે. કારગીલની ઘટના પછી ભારત-પાકિસ્તાન બંને છેક લેહ સુધી ચુસ્ત પહેરો ભરે છે અને ચીન રસ્તે યાત્રાળુ પરમિટ આપતું નથી.'

ઘડીક અટકીને તેણે પવનમાં ઊડાઊડ કરતાં વાળ પર હાથ પસવાર્યો. જરાક ઊંધી ફરી. સૌ કોઈ તેને તાકી રહ્યા છે તેની તેને બરાબર ખબર હતી પણ રાઘવ તેને ધારી-ધારીને નિરખી રહ્યો હતો.

'બીજો રસ્તો છે નેપાળ થઈને તિબેટમાં પ્રવેશવાનો, પણ રસ્તેથી માત્ર શિગાત્સે અથવા પિન્પાઈની પિલગ્રિમ પરમિટ મળી શકે, જે આપણા માટે નકામી છે. કારણ કે, સાલા ચીનકાઓ પરમિટમાં અપાયેલા રૃટથી એક દોરો ચસકવા દેતા નથી અને કૈલાસ, માનસરોવર કે એવરેસ્ટ આપણું ટાર્ગેટ નથી.'

'એમ તો તિબેટમાં આપણું ટાર્ગેટ ક્યાં કન્ફર્મ છે?' ત્વરિતે સહજ રીતે 'આપણું' કહીને પોતાની સામેલગીરી સ્પષ્ટ કરી દીધી એથી હિરનના ચહેરા પર સહેજ સ્મિત આવી ગયું.

'ટાર્ગેટ કન્ફર્મ છે પણ ૪૦-૫૦ જેટલાં બૌધ્ધ મઠ અને વિહારમાં પથરાયેલું છે. શક્ય છે કે આપણને જેની તલાશ છે ગ્રંથો કોઈ એક વિહાર કે મઠમાં સચવાયેલા હોય અને પણ શક્ય છે કે અલગ અલગ જગ્યાએ વહેંચાયેલા હોય.'

' પણ શક્ય છે ને કે એમાંનું કશું ત્યાં હોય?' રાઘવે અકારણ હિરનને કે પ્રોફેસરને ઉશ્કેરવા માટે સવાલ ખડો કરી દીધો.

'ના, શક્ય નથી...' અત્યાર સુધી નત મસ્તકે ખુરસીમાં બેઠેલો નિલાંબર ઝાટકા સાથે ઊભો થયો, 'આઈ એમ ડેમ્ન સ્યોર, જો ભારતમાં નથી તો તિબેટમાં છે.'

'એવું ખાતરીપૂર્વક કેવી રીતે કહી શકાય?'

'નંબર વન, રાહુલ સાંકૃત્યાયને લાવેલી હસ્તપ્રતો ઉપરાંત તેઓ લાવી શક્યા એવી કેટલીક હસ્તપ્રતોની સૂચિ દર્શાવે છે કે પ્રાચીન ગ્રંથોની આખી શ્રેણીઓ ત્યાં હોવી જોઈએ.'

'તો પછી તમે પહેલેથી તિબેટમાં તલાશી કરવાને બદલે અહીં કેમ ફિફાં ખાંડયા?'

'વોટ નોનસેન્સ?' પ્રોફેસર જવાબ આપે પહેલાં રાઘવના સવાલથી ઉશ્કેરાયેલો ત્વરિત કૂદી પડયો, 'પહેલાં તેમણે પ્રાચીન સંપર્કવિજ્ઞાનની હયાતિ છે એવું શોધ્યું. પછી હયાતિ ગોપનીય રાખવામાં આવી છે તેની ખાતરી મેળવી. અલગ અલગ સ્થળે છૂપાવાયેલી ૬૪ મૂર્તિઓમાં ગોપનીય વિદ્યાઓના સંકેતો મૂકાયા છે શોધ્યું. પછી તેમણે મૂર્તિઓના ઠેકાણા શોધ્યા અને આજે દોઢ હજાર વર્ષ પછી પણ મૂર્તિઓ અસ્તિત્વમાં છે તેની ખરાઈ કરી. હવે તમામ મૂર્તિઓ મેળવ્યા પછી ખબર પડે છે કે દરેક મૂર્તિઓમાંથી પ્રાપ્ત થતો સંકેત પોતે વિદ્યા નથી પરંતુ એક સળંગ વિદ્યાનો મણકો છે. મતલબ થયો કે એવા ૬૪ ગ્રંથો હોવા જોઈએ.'

'ઓહ... ઓકે, એગ્રી... ' રાઘવે હકારમાં ડોકું ધૂણાવ્યું, 'પરંતુ માત્ર રાહુલ સાંકૃત્યાયનના અહેવાલના આધારે બધું તિબેટમાં હોવાનું માની શકાય? રાહુલવાળી ઘટના ૧૯૩૮ની હોવાનું તમે કહો છો તો આટલાં વરસમાં બીજા કોઈને તિબેટ જઈને એવો પ્રયત્ન કરવાનું સૂઝ્યું?'

'હી ઈઝ રાઈટ...' રાઘવને ઉગ્રતાપૂર્વક જવાબ વાળવા જતા ત્વરિતને રોકીને હિરને વચ્ચે ઝુકાવ્યું, 'લેટ હીમ સ્પિક... તેના સવાલોથી તમારા સૌના દિમાગમાં પિક્ચર ક્લિયર થઈ શકે છે...'

'પહેલી વાત...' છેવટે પ્રોફેસરે પણ ઉશ્કેરાટ પર કાબૂ રાખીને સ્વસ્થ સ્વરે જવાબ વાળ્યો, 'રાહુલ સાંકૃત્યાયનને પણ દરેક ગ્રંથાગાર ચકાસવાની પરવાનગી મળી હતી. આમ છતાં તેમણે જે કેટલાંક ઉલ્લેખો કર્યા છે પ્રાચીન દેહશાસ્ત્ર, મનોશાસ્ત્ર, સંપર્કવિજ્ઞાનની હજારો વર્ષના ચિંતન, મનન અને અનુભવોના દોહન પછી રચાયેલી શ્રેણીઓનો નિર્દેશ કરે છે.'

'તારા બીજા સવાલનો જવાબ બહુ જાણીતો છે. બીજા વિશ્વયુધ્ધની સમાપ્તિ થવા આવી હતી વખતથી સામ્રાજ્યવાદી ચીને તિબેટ પર પોતાની હકુમતનો દાવો શરૃ કરી દીધો હતો અને તિબટ વિવાદાસ્પદ ગણાવા લાગ્યું હતું. તિબેટનું વાલીપણું ભારત પર શાસન કરી રહેલાં બ્રિટિશરો પાસે હતું પરંતુ વિશ્વયુધ્ધમાં આર્થિક પછડાટ ખાઈને બ્રિટન પોતે હવે દુનિયાભરમાં ફેલાયેલો પોતાનો પથારો સંકેલવા માંડયું હતું. ચીને લાગ પારખ્યો. નવા-નવા આઝાદ થયેલા ભારતની નેતાગીરી હજુ ઘરઆંગણે ઠીકઠાક કરવામાં વ્યસ્ત હતી ત્યારે ચીન તિબેટને ગળી ગયું. પછી આજ સુધી ચીન કોઈને પણ તિબેટમાં પ્રવેશવાની પરવાનગી ટાળે છે અને કોઈ મક્કમ કારણથી પરમિટ મેળવીને તિબેટમાં પ્રવેશતો દરેક પરદેશી ચીનની બાજનજર હેઠળ રહે છે'

'ઓહ માય ગોડ...' રાઘવના ચહેરા પર મૂંઝવણના ભાવ હતા, 'તો પછી એમ પણ બને ને કે બૌધ્ધ મઠના ગ્રંથાગારો પર હવે ચીનનો કબજો હોય? જો એવું હોય તો ત્યાંથી એક ચપતરું ઊઠાવવું મુશ્કેલ નહિ, અશક્ય બની જશે'

'સાવ નકારી શકાય પણ શક્યતા બહુ પાંખી લાગે છે...'

'કેમ પાંખી?'

'તિબેટિયનોના સર્વોચ્ચ ધર્મગુરુ દલાઈ લામાએ તિબેટ છોડયું પછી તિબેટમાં ધર્મવિગ્રહ થયો હતો. ત્યારથી ચીને તિબેટની કોઈપણ ધાર્મિક બાબતમાં માથું મારવાનું બંધ કર્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે તિબેટ પર પોતાના અધિકારને માન્યતા મળે માટે પણ ચીને બૌધ્ધ મઠને સ્વાયત્ત રાખ્યા છે અને દલાઈ લામા વખતે હતી સ્થિતિને જાળવી રાખી છે.'

'તો પછી...' રાઘવ એક પછી એક તર્ક લડાવતો જતો હતો પણ હવે સૌને તેના સવાલોમાં કશોક ઉજાસ ભળાતો હતો, '...એવું બને ને કે ગ્રંથોના અધ્યયન થકી બૌધ્ધ લામાઓ બધી વિદ્યાઓના જાણકાર બની ચૂક્યા હોય?'

'તેનો જવાબ છે હા અને ના...' પ્રોફેસરે રાઘવની આંખમાં આંખ પરોવી, 'હા એટલા માટે કે, બૌધ્ધ સાધુઓની ચમત્કારિક શક્તિઓના કેટલાંક સત્તાવાર ઉલ્લેખો બહુ જાણીતા છે. બીજા વિશ્વયુધ્ધમાં એક જર્મન નાગરિક ભારતની હદમાં બ્રિટિશરોના હાથે પકડાયો. બ્રિટિશ કેદમાંથી છટકીને પગપાળા આખો હિમાલય ઓળંગીને તિબેટ ભાગી ગયો. તેનું નામ હેનરિક હેરર. તિબેટમાં સાત વર્ષ રોકાયો અને તિબેટને આધુનિક બનાવવામાં તેણે બહુ મહત્વનું યોગદાન આપ્યું. હેનરિક હેરરે પણ બૌધ્ધ સાધુઓની વિશ્વાસ પડે તેવી શક્તિઓ વિશે ઉલ્લેખ કર્યો છે.'

'બીજું ઉદાહરણ છે ૧૯૬૧નું. લ્હાસાથી ઉત્તરે કુમબુમ નામના બૌધ્ધ મઠ પર હુમલો કરવા આવેલા દોઢ હજાર જેટલાં ચીની સૈનિકોને થોન્ડુપ નોરબુ નામના બૌધ્ધ સાધુએ મંત્રમુગ્ધ કરીને પૂતળાની માફક ઊભા રાખી દીધા હતા. બ્હાવરા બની ગયેલા સૈનિકો ભાન ભૂલીને એકબીજાની સામે ગોળીઓ ચલાવવા લાગ્યા હતા. સાધુ નજરના ત્રાટક વડે આવું કશુંક કરી રહ્યો છે એમ પારખી ગયેલા ચીનાઓએ છેવટે તેની પીઠમાં ગોળી મારી ત્યારે તેનું સંમોહન ખતમ થયું હતું. પછી ઉશ્કેરાયેલા લશ્કરે ૮૦ સાધુઓની હત્યા કરી નાંખી હતી. આખા વિશ્વમાં કત્લેઆમ સામે ઉહાપોહ થયો એટલે મહાખંધા ચીને સત્તાવાર રીતે ઘટના જાહેર કરવી પડી હતી.'

'માય ગ્ગ્ગોડ....' રાઘવના મોંમાંથી તાજુબીભર્યો ડચકારો નીકળી ગયો.

'આમ છતાં હું ખાતરીપૂર્વક કહું છું કે તિબેટિયન લામાઓ પણ તમામ ગ્રંથોનો પાર પામી શક્યા નથી. મેં જેમ એકાદ વિદ્યા સાવ ઉપરછલ્લી રીતે હસ્તગત કરી છે રીતે તેમણે બહુ બહુ તો બે-ચાર વિદ્યાઓનો અછડતો તાગ મેળવ્યો હોઈ શકે. કારણ કે, તેમની પાસે ગ્રંથો છે પરંતુ ગ્રંથોનો ક્રમ સમજવાની ચાવી અહીં છે, જે મેં મેળવી છે. મારી પાસે ચાવી છે પરંતુ તાળુ તિબેટમાં પડયું છે. જ્યાં સુધી તાળુ અને ચાવી બંને ભેગા થાય ત્યાં સુધી સદીઓથી ખોવાયેલા સત્યનો તાગ મળી શકે નહિ'

'તું કંઈક તિબેટ જવાના રસ્તાઓ વિશે કહી રહી હતી...' રાઘવ વધુ કંઈ સવાલ કરે પહેલાં ત્વરિતે હિરનને સીધું પૂછી લીધું. તેના અવાજમાં એવી ઉતાવળ હતી જાણે અબ ઘડી તિબેટ જવાનું હોય...

'એઝ આઈ સેઈડ, લેહ અને નેપાળના રસ્તા આપણાં માટે નકામા છે. ત્રીજો રસ્તો ભુતાન થઈને એલિયન પરમિટ વડે તિબેટ જવાનો છે. બહુ પ્રયત્નો કરીએ તો કદાચ પરમિટ મળી પણ જાય પરંતુ નિર્ધારિત રૃટ પર ડગલે ને પગલે આપણે પૂરાવા આપવાના થાય. વળી, ચીનાઓની નજર સતત મંડાયેલી હોય સંજોગોમાં આપણે ખાંખાખોળા પણ કરી શકીએ નહિ.'

'તો??'

'એક રસ્તો એવો છે જ્યાંથી તિબેટમાં પ્રવેશીએ તો કદાચ...' ઘડીક અટકી, તેના ચહેરા પર તીવ્ર સતર્કતાના ભાવ હતા. પહેલાં રાઘવ અને પછી ત્વરિતની સામે નજર માંડીને તેણે ઉમેર્યું, '... મને ખાતરી નથી પણ કદાચ આપણે ચીનાઓની આંખમાં ધૂળ નાંખી શકીએ'

'એટલે?' હવે રાઘવ પણ ભયસ્થાનને બરાબર પારખી રહ્યો હતો.

'અરુણાચલ પ્રદેશના તવાંગથી તિબેટ જવાનો એક રૃટ છે પરંતુ બહુ ડિફિકલ્ટ છે એટલે તેનો વપરાશ નથી...'

'હાહાહાહા...' રાઘવથી હસી પડાયું, ' ડિફિકલ્ટ છે તો તમારે રસ્તે જવું છે?'

'ચોરીછૂપીથી તિબેટમાં પ્રવેશવાનો એકમાત્ર રસ્તો છે...' હિરને ડારતી નજરે જોઈને જવાબ વાળ્યો.

'પણ રસ્તે સૌથી પહેલાં તો તમારે ભારતીય સીમા સલામત રીતે વટાવવી પડે. ઈન્ડો-ચાઈના બોર્ડર પર જઈને ઝાંપો ખોલ્યો કે તરત તિબેટ આવ્યું એવું તો શક્ય નથી ને? ફર્સ્ટ યુ વૂડ હેવ ટૂ ક્રોસ ઈન્ડિયન આર્મી. પછી તદ્દન અજાણ્યા અને પારાવાર જોખમી રસ્તાના જાણકારો જોઈશે. કેટલાંય દિવસો સુધીની મુસાફરી માટે પૂરતો સામાન પણ જોઈશે અને સામાન ઊંચકવા માટે માણસો જોઈશે. ઈટ્સ વેરી ડિફિકલ્ટ...' રાઘવે ખભા ઊંચકીને કહી દીધું, 'રાધર લેટ મી સે, ઈટ્સ ઈમ્પોસિબલ...'

'ડોન્ટ વરી... ત્રણ વર્ષ પહેલાં બધું પણ ડિફિકલ્ટ લાગતું હતું...' હિરને સ્હેજ પણ ઉશ્કેરાયા વગર ઠંડકથી તેની સામે જોયું, '... રાધર લેટ મી સે, ઈટ વોઝ ઈમ્પોસિબલ'

ઘડીક સ્મિતભેર સૌને તાકી રહી. તેની આંખોમાં કારમી ઠંડકનો દઝારો હતો. અચાનક તેનો મિજાજ બદલાયો અને રાઘવની સામે ધસી જઈને તેનું બાવડું ભીંસી નાંખ્યું, 'માઈન્ડ વેલ, ટાર્ગેટ ફક્ત ટાર્ગેટ હોય છે. તેને ઈઝી, ડિફિકલ્ટ કે ઈમ્પોસિબલ તો આપણે બનાવતાં હોઈએ છીએ...' મજબૂત એકવડિયા બાંધાના રાઘવ સામે વધારે બટકી, નાજુક લાગતી હતી પણ તેના આત્મવિશ્વાસની બુલંદીના બળે તેની ઓછી ઊંચાઈ ઊંચકાઈ જતી હતી, 'કોણ ટાર્ગેટ અચિવ કરવા જાય છે, કેવા હોંસલાથી પડકારને ઝીલે છે, કેટલાં ખંતથી તૈયારી કરે છે તેના આધારે તેં આપેલા ઈઝી, ડિફિકલ્ટ કે ઈમ્પોસિબલ એવા ટેગ નક્કી થાય.'

ધૂંધવાઈને તેણે દરેકની સામે જોયું, પછી એવી આગ જેવી જબાનમાં કહ્યું, 'જાવ બહાર નીકળો બધા અને દસ-બાર કે પંદર ફૂટ લાંબો જમ્પ મારો, જોઉં. તારા માટે ડિફિકલ્ટ છે. પિયક્કડ ઝુઝાર માટે ઈમ્પોસિબલ છે પણ કાર્લ લૂઈસ માટે ઈઝી છે'

'બહોત બોલતી હૈ રે...' પોતાનો ઉલ્લેખ આવ્યો એટલે ઝુઝારથી રહેવાયું. એક છોકરી પોતાને પરાસ્ત કરી જાય તેનો ધૂંધવાટ અને હવે આમ તોછડાઈથી સંભળાવ્યા કરે... ઝુઝારના દેહાતી ખૂનને શી વાતે માફક આવે તેમ હતું.

'હા... બહોત બોલતી હું...' અચાનક ઝુઝાર તરફ ઘૂમી. તેની ઘેરી કથ્થાઈ આંખોમાં તીવ્ર ઉન્માદ વ્યાપેલો હતો, 'ક્યૂંકિ બહોત કુછ કરકે તુમ્હારે સામને ખડી હું...'

(ક્રમશઃ)