64 Summerhill - 57 books and stories free download online pdf in Gujarati

64 સમરહિલ - 57

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - 57

ત્વરિતના સવાલનો જવાબ આપ્યા વગર તે ઊભો થયો. તૂટતા કદમે રાઘવ ભણી આગળ વધ્યો. તેની આંખો સજળ હતી. ગાલ પર ક્ષોભની ધૂ્રજારી હતી.

ઓરડામાં કારમી સ્તબ્ધતા ઘૂમરાતી હતી. દરેકના ચહેરા પર અજાયબ છળ જોયાનો પ્રચંડ આઘાત તરવરતો હતો. જડબુધ્ધિનો ઝુઝાર પણ ડોળા ફાડીને પ્રોફેસરના ક્ષીણ, ફિક્કા ચહેરાને તાકી રહ્યો હતો. ત્વરિત એટલી હદે બેબાકળો થઈ ગયો હતો કે પ્રોફેસરના પગમાં પડી જવા તત્પર બની ગયો હતો. પોતે કેટલાં વિરાટ અને દુષ્કર કામનો હિસ્સો હતો તેના અહેસાસથી છપ્પન મંત્રમુગ્ધ થઈ ગયો હતો.

ફક્ત બે ભાવ સ્થાયી હતા. હિરનના ચહેરા પરનો ઉશ્કેરાટ અને પ્રોફેસરના ચહેરા પરની ગ્લાનિ...

'મારી દીકરી, ઉજમ અને છપ્પનને જવા દે પ્લિઝ...' તેણે ધીમાં અવાજે ડૂસ્કું ભર્યું અને રાઘવની સામે નત મસ્તકે ઊભો રહી ગયો.

'બટ વ્હાય...??' ફાટી આંખે પ્રોફેસરને તાકી રહેલા રાઘવે પૂછી નાંખ્યું, 'વાંધો ક્યાં છે? તેં આટલું કર્યું છે યાર... તમે આટલું મથ્યા છે... તો હવે ક્યાં ભૂલ થઈ તારી? કેમ સરન્ડર થઈ જવાનું કહો છે?' પ્રોફેસરની અસલિયત જાણ્યા પછી બેહદ પ્રભાવિત થયેલો રાઘવ તું-તમેમાં અટવાઈ રહ્યો હતો.

'૬૪મી મૂર્તિ મેળવ્યા પછી મારી હામ તૂટી ગઈ છે...' તેના ગળે ડૂમો બાઝી રહ્યો હતો, 'મને હતું કે તમામ ૬૪ મૂર્તિ મળી જશે પછી હું મારો સિધ્ધાંત પ્રાયોગિક રીતે સાબિત કરી શકીશ પણ હવે શક્ય નથી...'

'પણ કેમ શક્ય નથી? પ્લિઝ ખુલીને બોલો...' બેબાકળો થયેલો રાઘવ લગભગ ચિલ્લાઈ ઊઠયો.

'કારણ કે, ૬૪ મૂર્તિ મેળવ્યા પછી જે પધ્ધતિ મળવાની મારી ધારણા હતી ખોટી ઠરી છે. મને તો કેવળ ૬૪ સૂત્ર મળ્યા છે અને એક સૂત્ર એક મોટા ગ્રંથનો હિસ્સો છે. મતલબ કે મારે હવે એવા ૬૪ ગ્રંથોની ભાળ મેળવવી પડે...'

'તો શું વાંધો છે, સર??' ત્વરિત રીતસર ભાવાવેશમાં આવીને ઊભો થઈ ગયો, 'કોઈ કલ્પી શકે એવું કામ તમે એકલેહાથે કર્યું છે તો હવે અમે તમારી સાથે છીએ. આપણે ૬૪ ગ્રંથોની ભાળ મેળવશું...'

'ઈટ્સ નોટ પોસિબલ..'

'બટ વ્હાય?'

'કારણ કે, તિબેટમાં છે...'

મધરાતે ગાઢ ઊંઘમાંથી ઊઠાડીને કોઈએ જાણે બળુકા હાથની રાઠોડી લપડાક ઠોકી દીધી હોય તેમ સૌના ચહેરા પર પ્રચંડ આઘાત વિંઝાયો હતો.

ત્વરિત બે ડગલાં પાછળ હટીને સોફા ચેર પર ફસકાઈ પડયો.

'છેક તિબેટ?' રાઘવના મોંમાંથી દબાયેલી ચીસ નીકળી ગઈ.

'પણ અચાનક કેમ તિબેટ?' ત્વરિતને સમજાતું હતું.

તેણે કશું બોલ્યા વગર ઊંડો નિઃશ્વાસ છોડયો. તેની ગરદન ઝૂકેલી હતી. પરાભવના અહેસાસથી તેના હાથ ખભામાંથી લૂઢકી પડયા હતા. તેણે કશું બોલ્યા વગર હિરનની સામે જોયું અને હિરન પણ કશો જવાબ વાળ્યા વગર રૃમની બહાર ગઈ. ચારેય જણા સમજ્યા વગર બાપ-દીકરીનું સાયુજ્ય જોઈ રહ્યા. પાછા ફરીને હિરને તેના હાથમાં એક પ્રતિમા થમાવી. છપ્પને ઊઠાવેલી છેલ્લી પ્રતિમા હતી.

'ધ્યાનથી જુઓ...' તેણે ઓરડાની વિશાળ બારીમાંથી આવતાં બપોરના મારકણા ઉજાસમાં પ્રતિમા ધરી, 'ત્વરિત આસાનીથી સમજી શકશે પણ તમારા માટે થોડું વિગતે સમજાવું. પ્રતિમા અનેક પ્રકારની હોય. કોઈ દેવી-દેવતાને તો આપણે જોયા નથી પરંતુ આપણે કલ્પના કરીને તેને માનવીય સ્વરૃપ આપ્યું હોય છે. પછી તેમાં આપણે ઓળખના પ્રતીકો મૂકીએ છીએ. જેમ કે, ખભા પર ધનુષ હોય તો શ્રીરામ, માથે મોરમુકૂટ હોય તો શ્રીકૃષ્ણ, માથા પર બીજચંદ્ર હોય તો શંકર. આપણે આપણા મનનો ભાવ પ્રતિમાઓ સાથે જોડીએ છીએ માટે ભાવ પ્રતિમા કહેવાય.'

'ભાવ પ્રતિમાથી આંખોને શાતા મળે અને મનને સુખદ્ અહેસાસ થાય. જ્યારે કેટલીક પ્રતિમા એવી હોય જે મનના વિકારને, હિંસા, ક્રોધ, રૃદન કે એવા નકારાત્મક ભાવને ચક્ષુ પ્રત્યક્ષ કરે... આંખની સામે ઉજાગર કરે માટે પ્રત્યક્ષ પ્રતિમા કહેવાય. ડેરા સુલ્તાનખાઁથી ઊઠાવેલી બિહામણી મૂર્તિ પ્રત્યક્ષ પ્રતિમા હતી.'

' ત્રીજો પ્રકાર છે, જેમાં મૂર્તિનો આકાર માનવીય છે પણ કોઈ દેવી-દેવતા નથી. તેનો ભાવ બિહામણો પણ નથી. પહેલી નજરે કલાત્મક શો-પીસ જેવી લાગતી આવી પ્રતિમાઓમાં ખરેખર તો કશોક સંદેશ અથવા કંઈક ભેદ છૂપાયેલો હોય છે. માટે આવી પ્રતિમા સંકેત પ્રતિમા અથવા સંદેશ પ્રતિમા કહેવાય છે. પ્રાચીન શિલ્પશાસ્ત્રે આવા અનેક પ્રયોગો કર્યા છે.'

' પ્રતિમા ધ્યાનથી જુઓ. અહીં વચ્ચે બે મૂર્તિ છે. એક સ્ત્રી અને એક પુરુષ અને તેમનાં ફરતી આઠ બીજી મૂર્તિઓ છે. દરેક મૂર્તિઓ ગૂંચળા જેવી કોતરણી વડે પરસ્પર સાથે જોડાયેલી છે.' પછી તેણે ઝુઝારની સામે પ્રતિમા ધરી, 'મને કહે, તને પ્રતિમામાં શું સમજાયું?'

ઝુઝારે આંખ ઝીણી કરીને જોયું, 'મને તો કંઈ ખાસ સમજાતું નથી. આમાં કોઈ ભગવાન તો નથી.'

'યસ્સ્સ...' તેના અવાજમાં ક્લાસ લઈ રહેલા પ્રોફેસરનો રણકો હતો, 'કારણ કે એકેય મૂર્તિના ખભે ધનુષ નથી માટે શ્રીરામ જેવી નથી લાગતી. મસ્તક પર બીજચંદ્ર નથી માટે શંકર પણ નથી. આપણાં મનમાં દૃઢ થઈ ગયેલું ઈશ્વરનું એકેય પ્રતિક અહીં નથી એટલે આપણને અમસ્તી, શોભા માટે બનાવેલા કલા-કારીગીરીના નમૂના જેવી લાગે છે.'

'વાસ્તવમાં, હજારો વર્ષ પહેલાંના વિદ્વાનોએ પ્રતિમા દ્વારા માનવ મનની સંકલ્પના અહીં મૂકી છે. આપણે હવે લેટેસ્ટ મેડિકલ સાયન્સ વડે બરાબર જાણીએ છીએ કે મગજના બે હિસ્સા છે, નાનું મગજ અને મોટું મગજ. અત્યંત બારિક ચેતાઓ અને ચેતાઓ વચ્ચે થતી રાસાયણિક ક્રિયાઓ વડે મગજનો આદેશ સંવેદના સ્વરૃપે શરીરના વિવિધ અંગોને પહોંચે છે.'

'હવે ફરીથી પ્રતિમા જુઓ. વચ્ચે રહેલાં સ્ત્રી અને પુરુષ નાના-મોટા મગજનું પ્રતીક છે. ફરતી આઠ મૂર્તિઓ શરીરના આઠ કોઠા છે. પ્રત્યેક કોઠો પોતે બીજા આઠ પેટામાં વહેંચાયેલો છે. ૬૪ કોઠામાં વહેંચાયેલું શરીર પ્રાચીન દેહશાસ્ત્રીઓની કલ્પના છે અને દરેક પર મગજનો અંકૂશ તેમણે સ્વીકાર્યો છે.'

'અગાઉની દરેક મૂર્તિ પર કોઈ મંત્ર કે સંકેત હતો, જે તેના અગાઉના કે પછીના ક્રમની મૂર્તિને સમજવાનો રસ્તો ખુલ્લો કરતો હતો. મારી ધારણા એવી હતી કે છેલ્લી મૂર્તિ સુધી પહોંચતા સુધીમાં હું કમ સે કમ ૬૪ વિદ્યાઓના મૂળભૂત આધાર સુધી પહોંચી શકીશ. પરંતુ મૂર્તિની લિપિઓ ઉકેલ્યા પછી હવે મને ખ્યાલ આવે છે કે હું જેને એક અભ્યાસક્રમ યાને ટોટલ સિલેબસ ગણતો હતો એવા તો કુલ ૬૪ સિલેબસ છે.'

'પણ તો તમે આટલું દુનિયાની સામે મૂકીને તમારા રિસર્ચને સાચું તો સાબિત કરી શકો ને?' રાઘવ હવે પ્રોફેસરના પ્રચંડ અહોભાવ તળે આવતો જતો હતો.

'ના... આઈ કેન અન્ડરસ્ટેન્ડ...' ત્વરિતના સ્વરમાં ગંભીરતા છવાયેલી હતી, 'આટલાથી હજુ પણ કશું સાબિત થતું નથી. સર કહે છે તેમ, આઈધર થિયરી ઓર પ્રેક્ટિકલ.. બેમાંથી કશુંક સાબિત થવું જોઈએ. નો ડાઉટ, જે કંઈ મળ્યું છે કલ્પનાશક્તિની બહારનું છે. ઈટ્સ રિઅલી શોકિંગ.. ભલે એકદમ સાચી દિશા તરફનો હોય, પણ હજુ તો રસ્તો છે તેમ મને લાગે છે. મંઝિલ કે મંઝિલનો અણસાર મેળવવાનો બાકી છે'

'તો હવે?' રાઘવે ઉતાવળભેર પૂછી લીધું.

રાઘવના સવાલથી ઓરડામાં ચૂપકીદી છવાઈ ગઈ. ત્વરિતે પણ માયુસ ભાવે અસહાયતાસૂચક ખભા ઉછાળી દીધા.

'તિબેટ એકમાત્ર વિકલ્પ છે...' બારીને અઢેલીને ઊભેલા પ્રોફેસરે શૂન્યાવકાશમાં તાકીને કહ્યું, '... અથવા તો હું ખોટો છું... હળાહળ ખોટો'

'પણ બધું તિબેટમાં છે એવું ખાતરીપૂર્વક કેવી રીતે કહી શકાય?'

'ખાતરીપૂર્વક કહી શકાય તેને નિયમ કહેવાય...' તે રાઘવ તરફ ફર્યો. હાથમાંની મૂર્તિ હિરનને સોંપી અને ઊંડો શ્વાસ લઈને ઉમેર્યું, 'સંશોધન તો ટ્રાયલ એન્ડ એરરમાંથી પસાર થતું રહે. તું ક્રાઈમ કઈ રીતે ડિટેક્ટ કરે છે?'

'પૂરાવાઓની એક પછી એક કડીઓ મેળવીને...'

'બસ તો, હું કરૃં છું. તું ક્રાઈમનું પગેરું મેળવે છે, હું ખોવાયેલા પૂરાતન સત્યનું પગેરું મેળવું છું.. બંનેમાં પધ્ધતિ તો એક છે'

'યુ મીન... છેલ્લી મૂર્તિમાં એવા કોઈ સંકેત છે જે તિબેટમાં કશું સૂચવતા હોય?'

'મૂર્તિમાં તો નથી પણ ઈતિહાસમાં છે..'

* * *

આશરે બે હજાર વર્ષ પહેલાં...

આજે જેને આપણે બિહાર પ્રાંત તરીકે ઓળખીએ છીએ વિસ્તારમાં પાંગરેલી નાલંદા વિદ્યાપીઠ સમગ્ર વિશ્વની શિક્ષણ પધ્ધતિને ભારતે આપેલી મહામોલી ભેટ ગણાય. નાલંદા વિદ્યાપછી આજની રેસિડેન્શ્યલ યુનિવર્સિટીનું આદ્ય સ્વરૃપ છે. શૈવમત ઉપરાંત જૈન અને બૌધ્ધ ત્રણેય વિચારધારાનો નાલંદામાં સમન્વય થતો હતો. દુનિયાભરમાંથી વિદ્યાર્થીઓ અહીં આવતાં હતાં અને ભારતના શ્રેષ્ઠતમ વિદ્વાનો અહીં ભણાવતા હતા.

હજાર વર્ષ સુધી અહીં જ્ઞાનનું સંવર્ધન થતું રહ્યું. દેશભરમાં ફેલાયેલો જ્ઞાનવારસો અહીં કેન્દ્રિત થતો રહ્યો અને તત્વજ્ઞાન, વિજ્ઞાન, ખગોળ, ગણિત અને વિવિધ વિદ્યાશાખાઓ અહીં પાંગરતી રહી. અહીંથી જ્ઞાન મેળવીને વિદ્યાર્થીઓ પોતાના વતનમાં જઈને પાઠશાળાઓ શરૃ કરતાં અને એમ નાલંદાથી પ્રગટેલી જ્યોત સમગ્ર ભારતવર્ષને ઉજાળતી રહી.

ઈસ્વીસન ૧૧૯૩.

કુત્બુદ્દિન ઐબકના આક્રમણે ભારતમાં તુર્ક સલ્તનતનો પાયો નાંખ્યો. ઐબકે દિલ્હી અને ગંગા-જમુનાના દોઆબ તરીકે ઓળખાતા વિસ્તાર પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને તેના બેહદ હિંસક સેનાપતિને ભારતીયતાના પ્રતીકોનું ભંજન કરવા મોકલ્યો.

તેનું નામ મુહમ્મદ ઈબ્ન બખ્તિયાર ખિલ્જી.

જંગાલિયતનો સાક્ષાત નમૂનો સમગ્ર ઉત્તર ભારતને ખેદાન-મેદાન કરતો નાલંદાને નિશાન બનાવવા ધસી આવ્યો ત્યારે નાલંદા વિદ્યાપીઠનો વ્યાપ તેની ચરમસીમાએ હતો.

૬૦૦ એકરમાં પથરાયેલું વિરાટ વિદ્યાસંકૂલ, ૧૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ, ૨૩૦૦ જેટલાં વિદ્વાનો અને ગણી શકાય એટલાં પુસ્તકો, હસ્તપ્રતો, ગ્રંથોથી છલકાતા સુઆયોજિત ગ્રંથાગારો.

ખિલ્જીના આક્રમણ વખતે માહોલમાં ભયાનક અરાજકતા હતી. નવી સત્તાને વ્હાલા થવાની હોડ જામી હતી. જાગીરદારોનો એક વર્ગ ખિલ્જીની ખુશામતમાં સ્પર્ધાએ ઉતર્યો હતો અને સામે ચાલીને બાતમીઓ આપવા માંડયો હતો. ભીરુતાની સમાંતરે સમર્પણ અને પ્રતિબધ્ધતાનો બીજો ઈતિહાસ આલેખાયો હતો.

આદ્ય શંકરાચાર્ય પ્રેરિત દશનામીઓ, એકદંડીઓ અને કૌંઢ્યોના આશ્રયદાતા એવા કૃષિક તરીકે ઓળખાતા રાજપૂત ખેડૂતોનો એક વર્ગ નાલંદા પર તોળાઈ રહેલા ભયનો સામનો કરવા તૈયારી કરી રહ્યો હતો.

ખિલ્જીની ૨૫,૦૦૦ની સેના ધસમસતી આગળ વધતી હતી ત્યારે નાલંદા વિદ્યાપીઠમાંથી બૌધ્ધ સાધુઓ, દશનામીઓ, એકદંડીઓ અને સ્થાનિક કૃષિક રાજપૂતોએ રાત-દિવસ એક કરીને વિદ્યાપીઠમાંથી પુસ્તકો, હસ્તપ્રતો ખસેડવા માંડી.

આખરે ખિલ્જી નાલંદા પહોંચ્યો. ભયાનક કત્લેઆમ ચલાવી તેણે. મળેલી બાતમીના આધારે સેંકડો દશનામીઓ, કૃષકોનો તેણે શિરચ્છેદ કર્યો. વિદ્યાના ધામમાં ભીષણ રક્તપાત ચાલ્યો. બરહેમ તોડફોડ કરીને પછી તેણે સમગ્ર ગ્રંથાગારને આગ ચાંપી દીધી. બૌધ્ધ સાધુઓ હજારો વર્ષથી સચવાયેલા જ્ઞાનને આમ ભસ્મીભૂત થતું જોઈને દ્રવી ઊઠયા તો જંગલી ખિલ્જીએ અસંખ્ય સાધુઓને ભડભડતી જ્વાળાઓમાં જીવતા ભૂંજી માર્યા.

ત્રણ મહિના સુધી ભડભડતી રહેલી નાલંદાની આગ કેવી વિકરાળ હશે? કેવો બહુમૂલ્ય જ્ઞાનવારસો તેમાં હોમાઈ ગયો હશે? કેટલી વિચક્ષણ વિદ્યાઓ તેમાં રાખ થઈ ગઈ હશે?

અહીંથી જે કંઈ બચ્યું બીજા ચારસો વર્ષ સુધી દેશભરમાં વેરવિખેર રખડતું રહ્યું. છેવટે બધો ગ્રંથાગાર જમ્મુ સ્થિત રઘુનાથ મંદિર પાસેના ભોંયરામાં ખડકી દેવાયો. ત્યાંથી જે કંઈ મળ્યું બધું સચવાયેલું છે પરંતુ જે ગાયબ થઈ ગયું તેનું મૂલ્ય આંકી શકાય તેમ નથી. રઘુનાથ ટેમ્પલમાંથી જ્ઞાનનો ખજાનો ક્યાં ગયો તેનું ઠેકાણું મળતું હતું એવામાં લગભગ પાંચ દાયકા પછી, ઈસ. ૧૯૩૪માં એક આકસ્મિક ચમત્કાર થઈ ગયો. જ્ઞાનની તરસ છીપાવવા માટે દેશભરમાં રખડયા કરતાં એક અલગારી આદમી ખજાનો શોધી આવ્યો.

તેનું નામ મહાપંડિત રાહુલ સાંકૃત્યાયન.

મૂળ તો ઉત્તરપ્રદેશના આઝમગઢ જિલ્લાના ખોબા જેવડાં ગામનો ગરીબ બ્રાહ્મણ. મૂળ નામ કેદારનાથ પાંડે. બાળપણથી તેના દિમાગમાં ઘંટી અને પગમાં ભમરો. જેટલું વાંચે એટલું ઓછું પડે અને જેટલું રખડે એટલી તેને સ્ફૂર્તિ ચડે. નવું-નવું જાણવાની, જોવાની, શીખવાની ખ્વાહિશમાં નવ વરસની ઉંમરે તેણે ઘર છોડયું. દેશભરમાં રખડી-રખડીને ૧૫-૧૭ ભાષાઓ શીખ્યો. સંસ્કૃત, માગધી, પાલી અને બૌધ્ધ ચિંતનમાં પારંગત થયો.

પ્રાચીન હસ્તપ્રતો તેનો પહેલો પ્રેમ. કહો કે, તેના માટે એવું પાગલપન કે કંઈપણ કરવા તત્પર હોય. ઈસ. ૧૯૩૪માં કાશ્મીરના અનંતનાગ ખાતે સદીઓ પૂરાણા સૂર્યમંદિરના ખંડેરો વિશે અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે એક બૌધ્ધ સાધુનો તેને ભેટો થયો. તેનું નામ ગેંદોન ચોફેલ.

રાહુલ સાંકૃત્યાયનને વળગેલો સંશોધનનો કીડો પારખીને તિબેટનો વતની ચોફેલ બેહદ પ્રભાવિત થયો. પ્રાચીન હસ્તપ્રતો, પૂરાતન લિપિઓ, સંકેતો, શિલ્પો વગેરેના રાહુલના અભ્યાસને જોઈને તેણે તિબેટમાં જોયેલી હસ્તપ્રતોની વાત કહેવા માંડી.

તિબેટ સ્થિત બૌધ્ધ મઠોમાં પોતાના અભ્યાસ દરમિયાન ચોફેલે અઢળક હસ્તપ્રતો ભરેલા વિશાળ ગ્રંથાગારો જોયા હતા અને આવા ગ્રંથાગારો તિબેટમાં અલગ અલગ અનેક મઠમાં હતા. પૈકી કેટલીય હસ્તપ્રતો ભારતથી આવેલી હોવાનું તેણે સાંભળ્યું હતું. લામાઓ તેનું જીવની જેમ જતન કરતા અને મુખ્ય લામાઓ સિવાય કોઈને તેનો અભ્યાસ સુધ્ધાં કરવાની પરવાનગી હતી. બધી તિલસ્મી વિદ્યાઓ કહેવાતી.

ચોફેલની વાતો સાંભળીને અઠંગ અભ્યાસુ અને એવા અઠંગ રખડુ તરીકે રાહુલની આંખો ચમકી. તેણે ચોફેલને તૈયાર કર્યો અને બંને ઉપડયા તિબેટ.

કંઈ આસાન તો હતું નહિ. માનવામાં આવે એવા સાહસની વાત છે. બેય જણાએ પગપાળા આખો હિમાલય પાર કરીને તિબેટ પહોંચવાનું નક્કી કર્યું. રાહુલે પોતાની ઓળખ બૌધ્ધ સાધુ તરીકેની રાખી અને ચોફેલ તો તિબેટિયન હોવા ઉપરાંત બૌધ્ધ સાધુ હતો . પારાવાર અડચણો અને બરફના જીવલેણ તોફાનો પાર કરીને દોઢ-બે મહિને તે બંને તિબેટ પહોંચ્યા.

તિબેટના નિવાસ દરમિયાન પોતાના જ્ઞાનથી રાહુલે લામાઓને ચકિત કરવા માંડયા. વૈદકમાં તે નિષ્ણાત હતો. હિમાલયની જડીબુટ્ટીઓ તે સાથે લેતો ગયેલો. તેની દવાઓ બનાવીને બિમારોની ચાકરી કરવા માંડી અને રીતે લામાઓનો વિશ્વાસ મેળવ્યો. ભારે અનુશાસન અને ગુપ્તતાથી છવાયેલા બૌધ્ધ મઠોમાં તેનો પગપેસારો વધ્યો એટલે ધીમેક રહીને તેણે ગ્રંથાગારો જોવાની ઈચ્છા વ્યક્ત કરી.

તેણે પાંચેક ગ્રંથાગારો જોયા અને તે આભો થઈ ગયો. જેના વિશે તેણે ફક્ત સાંભળ્યું હતું એવાં દુર્લભ પુસ્તકો, જેના વિશે કશી ગતાગમ સુધ્ધાં પડતી હોય, ઓળખી શકાતી હોય એવી બબ્બે હજાર વર્ષ પુરાણી લિપિઓમાં લખાયેલી હસ્તપ્રતો, તામ્રપત્રોના તોતિંગ સંપૂટો જોઈને તેનું મગજ ચકરાવે ચડી ગયું.

તો હજારો વર્ષની ભારતીય વિરાસત હતી. ભારત પર તેનો હક હોવો ઘટે પણ અહીં અજાણ્યા દેશમાં અજાણ્યા લોકો વચ્ચે તેનું એકલાનું તો કોણ સાંભળે?

તેણે પૂરાવા તરીકે કેટલીક હસ્તપ્રતો પોતાની સાથે લઈ જવાની માંગણી કરી. ચુસ્ત અનુશાસનમાં રહેતા બૌધ્ધ મઠ એવી અનુમતિ તો આપે શાનાં? રાહુલના વિદ્યાવ્યાસંગની કદર તરીકે આખરે લામાઓએ તેને ત્રણ દિવસમાં કરી શકે એટલી હસ્તપ્રતોની પ્રતિકૃતિ લઈ જવાની પરવાનગી આપી.

રાહુલને આટલું જોઈતું હતું. તો દિવસ-રાત જોયા વગર મચી પડયો. ખાવા-પીવાનું ટાળ્યું અને કુદરતી હાજતે જવાનું મોકૂફ કરીને એકધારો ચોટલી બાંધીને હસ્તપ્રતોના ઉતારા કરવા માંડયો. તેની આવી ધગશ જોઈને લામાઓ ખૂબ પ્રભાવિત થયા અને તેને વધુ પંદર દિવસની મુદત આપી.

છેવટે રાહુલ સાંકૃત્યાયન તિબેટથી નેપાળ થઈને ભારત પરત પહોંચ્યા ત્યારે તેમની સાથે 22 ખચ્ચર હતા અને દરેક ખચ્ચર ઉપર પોટલાંના પોટલાં બાંધીને તેમણે ઉતારેલી હસ્તપ્રતો ભરેલી હતી.

ભારત પરત ફરીને તેમણે કલકત્તા અને પટણા ખાતે ભારતીય વિદ્વાનો સમક્ષ હસ્તપ્રતોના ઢગલા ખડક્યા ત્યારે સૌ આશ્ચર્ય અને તાજુબીથી બેહોશ થવા જેવા થઈ ગયા હતા.

વખતે ચોધાર આંસુએ રડી રહેલા રાહુલે કહ્યું હતું કે, તમે સૌ હસ્તપ્રતો જોઈને પારાવાર આશ્ચર્ય પામો છો પણ મેં જે જોયું છે તેની સરખામણીએ તો સોયની અણીનું ટોપકું નથી. હું ખોવાયેલું જ્ઞાનધન પાછું લાવ્યો તેની તમને ખુશી થાય છે ત્યારે મને વાતનું રડવું આવે છે કે આપણે કેટલું બધું મૂલ્યવાન અને કદી સર્જી શકાય તેવું જ્ઞાનધન ગુમાવી દીધું છે!!

* * *

આટલી કેફિયત સાંભળીને સૌ દિગ્મૂઢ થઈ રહ્યા હતા ત્યારે ઉશ્કેરાટભેર ઝુઝારથી બોલાઈ ગયું, 'હાઁ, તો કા દિક્કત હૈ? હમ તિબેટ ચલેંગે...'

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED