એ ભાભી ઉઠો... એ ભાભી... સુભગ્ના સફાળી જાગી ઉઠી. થાક અને નીંદર અને કોઈ ભાભી કહી ઉઠાડે એવી ટેવ નહીં એટલે જાણે સપનું જોતી હોય એવું લાગ્યું. આમ તો વિકલ્પ એક જ કોઈ ભાઈ બહેન નહીં પણ જેને ન હોય એને ઘણાં હોય એમ વિકલ્પ ને કુલ સગા સબંધી ની મળી ને રાખડી બાંધતી ૧૦ બહેનો અને ૧૫ નાના મોટા ભાઈઓ. લગ્ન માં પહેરામણી માટે લીસ્ટ મંગાવ્યું ત્યારે આવડું લીસ્ટ આવેલ રક્ષિત ભાઈ તો કોઈ કસર છોડવા જ નહોતા માંગતા એટલે સારંગી બેન ના કહેવા પ્રમાણે જ બધું કર્યું. ઘર ના કાગળ ઉપર લોન લઈ લગ્ન નો તામ જામ કરેલ ત્યારે પણ સુભગ્ના ને એમ કહી ચૂપ કરાવેલ કે વહેવાર માં તને ન ખબર પડે તું નાની છો. બોલો એક તરફ થી ન સમજ પડે કહી નાની સમજી પણ ગૃહસ્થ જીવન શરૂ થઈ શકે એટલી પાછી સમજદાર. સુભગ્ના એ વિચાર્યું કે હવે વધુ આમાં કોઈ ફેર પડે એમ નથી. સારંગી બેન ના સ્ટેટ્સ મુજબ લગ્ન અને એની દરેક વિધિ કરવાની જ હતી. દેખ દેખાડો અને બીજા ને સારું લાગે તે માટે છોકરીના માતા પિતા પોતે પોતાના બૂઢાપા ની મૂડી ને વાપરી નાખતાં હોય છે. લોકો શું વિચારશે નો ડર દીકરી જન્મે ત્યારથી તે પરણાવ્યા પછી એને કરિયાવર માં આપતાં હોય છે. ભાભી ક્યાં ખોવાયા તૈયાર થઈ જાવ આજે લાપસી બનાવવાની છે. સુભગ્ના વિચારો માં થી બહાર આવી અને બાથરૂમ તરફ ગઈ. જાણે કોઈ અજાણ્યા ઘરમાં મહેમાન બની ને આવી હોય એવું લાગતું હતું. બ્રશ બેગમાંથી કાઢીને કરતાં કરતા વિચાર્યું કે લગ્નના દિવસે મા એ આપેલ શિખામણ કેમ કરી સાર્થક કરવી. વિભા એ સુભગ્ના ને સમજણ આપેલ કે દિકરા આજ થી તું તારા ઘરમાં જઈ રહી છો. હવે એ ઘરનું રહેણીકરણી, નિયમ અને રિવાજો તારે અપનાવવાના છે. મારા મા ને ત્યાં આમ હતું કે મારા પિયરમાં આવા રિવાજો હતાં તે ભૂલી નવેસર થી બધું અપનાવવાનું છે. પિયર અને સાસરીમાં જો પસંદગી કરવાની આવે તો સાસરા ને જે કરવાનું રહેશે. તારા પતિ ને પરમેશ્વર માનજે જેવી કેટલીય વાતો કરી હતી. લગ્ન તો બે વ્યક્તિ ના થાય જીવનમાં બદલાવ પણ બંને ના આવે છતાં બધી જ શિખામણ અને સમજણ વધુ એટલે કે કન્યા ને જ આપવામાં શા માટે આવે? ક્યારેય કોઈ વર ને શિખામણ આપી? વિચારતાં વિચારતા તૈયાર થઈ ગઈ. સવાલ નો જવાબ ન મળ્યો.. સારંગી બેન આવ્યા આજે લાપસી બનાવજે આપણે પહેલી રસોઈ છે તારી મદદ ની જરૂર હોય ત્યાં મહારાજ છે પણ બનાવવાની તો તારે જ છે આવડશે ને? હજી તો ૨૪ કલાક નહોતા થયાં પિયર નું પાનેતર ઓઢી સાસરા નું ઘરચોળું પહેરી ને ત્યાં તો સાસુમાં ના હુકમ શરૂ થઈ ગયાં. જી મમ્મીજી આમ તો આંટી કહેતી પણ સગાઈ થઈ એટલે જ સારંગી બેન નો વટહુકમ બહાર પડી ગયેલ કે મમ્મી કહેવાની ટેવ પાડી દયો. લાપસી બનાવવાની શરૂ કરી. જોઈતી સામગ્રી મહારાજે પ્લેટફોર્મ ઉપર હાજર રાખેલ. આમ તો ક્યારેય રસોડામાં બહુ જવાનું ન આવતું પણ સગાઈ નક્કી થઈ પછી વિભાએ કુકીંગ ક્લાસ આપવાના શરૂ કરી દીધા હતાં કે ચાઇનીઝ, પંજાબી કે સાઉથઇન્ડિયન સહિત દરેક વાનગી આવડી ગયેલ.
વિકલ્પ ક્યાં હતો શું કરતો હશે કંઈ ખબર નહીં. લગ્ન પછી પતિનો મોરલ સપોર્ટ ઘરમાં સેટ થવા બહુ કામ આવે પણ અહીં તો ક્યાંય વિકલ્પ જ નહી. લાપસી પીરસવા વડીલો પાસે લઈ જવામાં આવી ત્યારે ક્યાંય વિકલ્પ નજરે ચડ્યો નહીં. સુભગ્ના ને અજુગતું તો લાગતું હતું પણ પૂછે કોને? જે થતું હતું તે જોઈ રાખતી હતી. ફરી ૧૦ માંની એક નણંદ આવી ભાભી તમે જમી લ્યો પછી પાર્લર જવાનું છે રિસેપ્શન નું તૈયાર થવા. બસ મૂંગા મોઢે અનુસરવા સિવાય કોઈ વિકલ્પ જ ન હતો અને વિકલ્પ તો ક્યાંય દેખાતો જ ન હતો. પાર્લર માં સારંગી બેન પોતે સાથે આવેલ અને ત્યાં ના બહેન ને સૂચના આપી ગયેલ કે જોજો મારી વહુ ને એવી તૈયાર કરજો કે બધાં ની આંખો ફાટી જાય અને હા આ જે બધાં ઘરેણાં છે તે જ પહેરાવજો. સુભગ્ના ને આવું કંઈ ગમતું ન હતું પણ દીકરી ને ન ગમે એવું હોય તો ક્યાં ચાલતું તો હવે તો વહુ બની ન ગમે એવો શબ્દ જ ન હોવો જોઈએ. તૈયાર થઈ વિકલ્પ ગાડી સાથે આવી ગયો તેડવા સુભગ્ના ને એમ કે એકલા હશે તો કંઈ વાતો થશે પણ મોટી ગાડી માં કેટલાં લોકો અને સારંગી બેન ખુદ પણ આવ્યાં હતાં. પાર્ટી પ્લોટ એ ગાડી પહોંચી , પાર્ટી પ્લોટ ની જાક જમાળ અને આગતા સ્વાગત સુભગ્નાં ને મુંઝવણ આપતાં હતાં. મહેમાનો આવી ગયેલ . આટલાં બધાં લોકો માં સુભગ્ના ની નજર એનાં માતા પિતા અને પિયરના સભ્યોને જ શોધતી હતી. લગભગ ત્રણેક કલાક મહેમાનો ની અવર જવર રહી અંતે છેલ્લે ઘરનાં સાથે ફોટો પડાવવાના હતાં. વિભા અને રક્ષિત ભાઈ હવે મળવા આવ્યાં પણ આટલાં લોકો વચ્ચે દીકરી ની આંખમાં રહેલ દર્દ ન વાંચી શક્યા કાં દેખાય ગયેલ દુઃખ ને ઢાંકવાનો પ્રયત્ન કરતાં હતાં.(MMO) રિસેપ્શન માં માતા પિતા ને જોવાના સંતોષ સિવાય કંઈ મળતું નથી હોતું. ફરી બધું પતાવી ઘરે પહોંચ્યા અને સારંગી બેને કહ્યું કે થાકી હોઈશ જા તું આરામ કર , આવતી કાલે કુળદેવી ના દર્શન કરવા જવાનું છે અને સાથે છેડાછેડી છોડવાના છે એટલે કાલે પરણ્યા ની ચુંદડી પહેરજે. ફરી એ જ મહેમાનો ના રૂમમાં આવી બેઠી વિચારવા કે એક રૂમમાં રહેવાની મનાઈ હોય પણ એક બીજા સાથે વાત કરવાની . રિસેપ્શન માં પણ વિકલ્પ એના મિત્ર સાથે જ વાતો કરતો હતો. જાણે કોઈ નાટક ભજવાઈ રહ્યું હોય એવું જ લાગતું હતું. કપડાં બદલી સુવા પડી અને જાત જાત ના વિચારો વચ્ચે ક્યાં નીંદર આવી ગઈ તે ખબર જ ન પડી.
લે તૈયાર, હું તો કાકી ના કહેવાથી જગાડવા આવી હતી. સૂભગ્ના ની જેઠાણી બોલી. આજે વહેલી સવારે નીંદર ઉડી ગયેલ તો પછી સુવાનો અર્થ નહી વિચારી ને વહેલી જ તૈયાર થઈ ગઈ અને સારંગી ના આદેશ પ્રમાણે પરણ્યા ની ચુંદડી પહેરી હતી. આદેશ જ કારણ સારંગી બેનનો જે ટોન હોય તે કોઈ ને હુકમ દેતાં હોય તેવો જ હોય. બે દિવસમાં એક વખત પણ પ્રેમ થી બાજુમાં બેસી વાત તો દૂર રહી મળવા પણ ન હોતા આવ્યાં. વહુ સાસરે જ્યારે પરણી આવે એટલે પહેલી ફરજ વર ની આવે કે તે તેને પોતાના ઘર જેવું ફીલ કરાવે અને કોઈ અજાણ્યા ટાપુ માં નથી આવી ગઈ તેવું ન લાગે. પણ અહીં વિકલ્પ આગળ થી કોઈ આશા તો રખાય તેમ જ ન હતી. પણ બીજી ફરજ સાસુમા ની આવે કે વહુ ને એટલો પ્રેમ સન્માન અને સાથ શરૂઆત ના દિવસો માં જ આપે કે પિયર થી સાસરી માં સમાવવું સરળ બની જાય. એક કારણ સાસુ પાછળ મા લગાડીએ છીએ તે અને બીજું એક સ્ત્રી તરીકે તેણે પણ આ પરિસ્થતિ અનુભવી હોય એટલે પિયર છૂટ્યા નું દુઃખ પોતાના ઘરમાં આવ્યા ના સંતોષ સામે નાનું બની રહે તે જોવાની જવાબદારી હોય. પરંતુ સારંગી બેન પાસે તે આશા રાખવી જ ખોટી હતી. પોતાના વટ જાળવવા તે હમેંશા ભારમાં જ રહેતાં એટલે સુભગ્ના તો ડરતી કે ક્યાંક કોઈ ભૂલ થઈ ગઈ તો. સુભગ્ના એ તો લગ્ન પછી સરખું ઘર પણ નહોતું જોયું. હા સગાઈ પછી એક વખત ખરીદી માટે સુભગ્ના અમરેલી આવી હતી અને બે દિવસ રહી હતી. ત્યારે રૂમ આ જ હતો. હા અમસ્તો વિકલ્પ જે રૂમમાં રહે છે ત્યાં દેખાડવા સારંગી બેન લઈ ગયાં હતાં. પણ તે રૂમ ભવિષ્ય માં જેનો થશે તેવી સુભગ્ના ને એમ પણ ન હોતું પૂછ્યું કે તારે જો ફેરફાર કરવા હોય તો કહેજે. સુભગ્ના કોલેજ માં હતી તો બેહનપણી ઓ સાથે વાત કરતી ત્યારે એક અલગ સંસાર નું સપનું જોયું હતું. દરેક છોકરી ના શમણાં નું ઘર, વર અને વર સાથે જે વ્યક્તિગત જીવન જીવવાનું છે તેના શમણાં હોય. હા બહુ ઓછા ના સાકાર થતાં હોય તે પણ હકીકત જ છે.
જ્યારે સુભગ્ના ખરીદી માં આવી ત્યારે વિકલ્પ તાલીમ માટે બહાર ગામ ગયેલ અને છ મહિના ની સગાઈ માં બે કે ત્રણ વખત જ મળેલ તે પણ કોઈ ને કોઈ સાથે હોય. સુભગ્ના તૈયાર થઈ રૂમની બહાર પણ કેમ નીકળવું તે વિચારતી હતી. નવી નવી વહુ પાસે આશા ઓ એટલી હોય પણ વહુ જે આશા લઈ આવી હોય તેના પર નિરાશા જ ફળી વળતી હોય છે. ચાલો ભાભી તૈયાર ને નીચે ફોઈ બોલાવે છે. સુભગ્ના નીચે રૂમમાં ગઈ જ્યાં વિકલ્પ અને બીજા નાના મોટા સબંધી થઈ એક નાની બસ થાય તેટલાં લોકો હતાં. સુભગ્ના એ વિચાર્યું બાપ રે આટલાં લોકો ફરી, પણ લજ્જા તો સ્ત્રી નું ઘરેણું છે તે ન ઉતરવું જોઈ એટલે માથું નીચું રાખી ને બસ અનુસરવા નું જ હતું. ચાલો બસ આવી ગઈ. બધા ચાલવા લાગ્યા ત્યાં જ સારંગી બેન આવ્યાં ચાલો સુભગ્ના માતા નું મંદિર અહીં થી બે કલાક જેવું છે એટલે બપોરના ભોજન પહેલાં ઘરે આવી જશું. ત્યાં સુધી તારે કંઈ ખવાશે નહીં આ રિવાજ છે. આગલે દિવસે રિસેપ્શન માં એવું કંઈ ખવાયું ન હતું સુભગ્ના ને ભૂખ તો લાગી હતી, પણ રિવાજો સામે કોઈ સવાલ ન થાય વડીલો કહે તે મૂંગા મોઢે બસ પાલન કરવાનું રિવાજના કારણ પણ પૂછાય નહીં અને વિરોધ તો કરાય જ નહીં બાકી તમને ફાંસી દેવાની બાકી રહે. વિકલ્પ તો ચા નાસ્તો કરી ડાયનિંગ ટેબલ પર થી ઉઠી આવ્યો તે જોયું પણ સુભગ્ના માટે તો રિવાજ મુજબ મંદિર થી પરત આવી જ કંઈ ખાવા પીવાનું હતું.
બધા મીની બસમાં અંતાક્ષરી રમતાં ગીતો ગાતાં મંદિરે પહોંચ્યા, સામાન્ય રીતે નવદંપતી ને એક સીટમાં બાજુ બાજુમાં બેસાડવા માં આવે પણ વિકલ્પ પાછળ ની સીટ પર બેઠો અને સુભગ્ના ને સારંગી બેને બાજુમાં જ બેસાડી. મંદિર માં દર્શન સિવાય છેડાછેડી છોડવાના હતાં એટલે વર કન્યા ને બાજોઠ પર બેસાડી બહેનો એ ચાંદલો કર્યો આરતી ઉતારી અને છેડાછેડી છોડ્યા. સુભગ્ના વિચારતી હતી કે હજી સરખાં છેડા બંધાયા પણ નથી ત્યાં આ તો છોડી નાખ્યાં. રિવાજ પ્રમાણે બહેનો ને ગિફ્ટ આપવામાં આવી વડીલો ને પગે લાગી આશીર્વાદ લેવામાં આવ્યા અને બસ ફરી ઘર તરફ હંકરવામાં આવી.
ઘરે પહોંચી ને હનીમૂન માં જવાની તૈયારી કરવાની હતી. જમી ને ફરી ગેસ્ટ રૂમ તરફ જ સુભગ્ના ને જવાનું હતું કારણ સાંજે ગાડી મા અમદાવાદ અને અમદાવાદ થી બાલી ની ફલાઇટ હતી. સારંગી બહેન અમદાવાદ સુધી મુકવા જવાના હતાં જે પણ સુભગ્નાને અજુગતું લાગ્યું. જો કે પરણી ને આવી ત્યાર થી સામાન્ય તો કંઈ જ હતું જ નહી. આમ તો ઘરે થી જ બે અલગ બેગ કરેલ એટલે બહુ તૈયારી કરવાની હતી નહીં. સાંજે ગાડી આવી પહોંચી અને ફરી કો ડ્રાઈવર ની સીટમાં વિકલ્પ બેસી ગયો. મા દીકરો વહેવાર રિસેપ્શન માં કોણ શું આવ્યું વગેરે વગેરે અલક મલક ની વાતો કરતાં હતાં સુભગ્ના બધું સાંભળી રહી હતી કોઈ રીએકટ કરવાનો અર્થ ન હતો. કે ચર્ચા મા સામીલ થવા જેટલું કોઈ ને ઓળખતી ન હતી. એરપોર્ટ ઉતર્યા પછી ત્યાં ની દરેક પ્રક્રિયા પૂર્ણ કરી બને એકલાં દાખલ થયાં ત્યારે સુભગ્ના ને હાશ થઈ કે હવે વિકલ્પ અને તે બને એકલાં એક બીજા ને સમજવાની કોશિષ કરશે. ફલાઇટ ને હજી થોડો સમય હતો. વિકલ્પ તો જાણે નોર્મલ જ વર્તન કરતો હતો. સુભગ્ના ને સમજાતું ન હતું પણ થોડું લાગતું હતું કે સામાન્ય જે રીતે વિકલ્પ વર્તન કરે છે તેમાં અસામાન્ય વધુ દર્શાય છે. ફલાઇટ માં બેઠાં ને જ વિકલ્પે ફલાઇટ ના ફોબિયા ની વાત કરી કાનમાં હેન્ડ્સ ફ્રી ભરાવી આંખ બંધ કરી સૂઈ ગયો. સુભગ્ના બીજું શું કરે માટે બુક વાંચવા લાગી પણ વિચારો એનો પીછો છોડતાં ન હતાં. એની ક્યારે આંખ લાગી ગઈ ખબર જ ન પડી.
#ક્રમશ