સફર ( એક અજાણી મંજિલની ) - 14 Ishan shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સફર ( એક અજાણી મંજિલની ) - 14

(આપને અગાઉ જોયુ એમ લક્ષ્ય અને એના સાથીદારો માઈકલની પાછળ હવે ન્યૂયોર્ક આવવા નીકળે છે...હવે આગળ જોઈએ )



લગભગ રાતભરની મુસાફરી બાદ અમે સવારે ન્યૂયોર્ક પહોંચ્યા.અમારે તો માત્ર માઈકલ અને એના સાથીદારોનો પીછો જ કરવાનો હતો અને એથી વિશેષ અમે કંઇ કરી પણ શકીએ એમ નહોતુ કારણ કે અત્યાર સુધી એમને એવી કોઈ હરકત નહોતી કરી કે જે શંકા જન્માવતી હોય. અમે વિમાનમાંથી ઉતરીને ધીમે-ધીમે એમની પાછળ નીકળ્યા. ક્યાં આ આધુનિકતાને વરેલી દુનિયા ને ક્યાં પેલા એમેઝોનના જંગલો. જાણે એક જ ધરતી પર બે અલગ વિશ્વ ચાલી રહ્યા હતા. અમે માઈકલ અને એના સાથીદારો પાછળ મેટ્રો ટ્રેનમાં મુસાફરી શરૂ કરી.

સૌપ્રથમ અમે સેન્ટ્રલ પાર્ક ઉતર્યા. ન્યૂયોર્ક શહેરની મધ્ય-ઉત્તરમાં આવેલો આ પાર્ક ખૂબ સુંદર સ્થળ છે. આ પાર્ક અમેરિકામાં સૌથી વધુ મુલાકાતીઓ ધરાવતી જગ્યા છે. વળી ઘણી હોલીવૂડ ફિલ્મોનું પણ અહીં ફિલ્માંકન થયુ છે. માઈકલ અહી એક ગોરા વ્યક્તિને મળી રહ્યો હતો. આ વ્યક્તિ લગભગ ૬૦ વરસનો હશે,એણે લાંબો કાળો કોટ અને માથે કાળી ટોપી પેહરી રાખી હતી. લાંબી ધોળી દાઢી અને માથે કરચલીઓ પડેલી હતી પણ ચહેરા પરનુ તેજ તુરંત પામી જવાય એવુ હતુ.

અમારામાંથી તો કોઈ એણે ઓળખતુ નહોતુ પણ એલ એણે જોઈને જરા ચોંકી. થોડુ મગજ કસ્યા પછી એ બોલી ," આ તો મિ. આર્થર છે. આ કેલિફોર્નિયાની એક કૉલેજનો સામાન્ય પ્રોફેસર છે. જોકે હમણા એણે દાવો કર્યો હતો કે એણે હાયડ્રોજન બોમ્બ બનાવવાની રીત શોધી કાઢી હતી. પણ લોકો એમ જ માને છે કે એ પાગલ છે.એના આ દાવા પર લગભગ કોઈને ખાસ કંઇ ભરોસો નથી ." એણે કહ્યુ.


પણ એના આટલા કહેવાથી મારુ મગજ કામ પર લાગી ગયુ.એમ પણ બની શકે છે કે એણે ખરેખર હાયડ્રોજન બોમ્બ બનાવવાની રીત શોધી કાઢી હોય અને આ લોકો એની પાસે એ જ લેવા આવ્યા હોય. આ બોમ્બ બનાવવાની રીત અમેરિકા અને રશિયા સિવાય ખાસ બીજા કોઈ દેશો પાસે નહોતી. કેટલાય દેશો એણે શોધવા માટે મહેનત કરી રહ્યા છે એવુ મે સાંભળ્યુ હતુ. ખેર જો આની પાસે ખરેખર આવી કોઈ રીત હોય અને એ ખોટા હાથમાં જાય તો એ મહવિનાશ સર્જી શકે છે . માઈકલે ધીમેથી એક પોટલી આર્થર તરફ સરકાવી. પેલાએ ખોલીને જોયુ,એની આંખોની ચમકને હું સ્પ્ટતાપૂર્વક જોઈ શક્યો. પછી એણે માઈકલને એક કાળા રંગનો સુટકેસ આપ્યો અને ત્યાંથી ચાલતો થયો. મારી ઈચ્છા હતી કે આર્થરને પકડીને પૂછી લઉ પણ રખેને માઈકલ અને એના સાથીદારો સાવચેત થઇ જાય એટલે મેં પડતુ મૂકીને માઈકલનો પીછો કરવા માંડ્યો.

આ લોકો હવે સેન્ટ્રલ પાર્કથી ધીમે-ધીમે દૂર જઈ રહ્યા હતા. પાર્કથી લગભગ ૫ કિલોમીટર પછી કદાચ એક અલગ વિસ્તાર શરૂ થઈ રહ્યો હતો.જોઈને એમ લાગતુ હતુ કે શહેરના બાકીના વિસ્તારના પ્રમાણમાં આ ભાગ ઓછો વિકસિત હતો. મોટાભાગના ચહેરા પણ જાણે ભારતીયો અને આસપાસના પ્રદેશના લાગતા હતા. વિસ્તાર ખૂબ નાનો અને ગીચ હતો. જાણે એમ લાગતુ કે આપના દેશમાં જ ન ફરતા હોઈએ. એવામાં એકાદ ગલીમાં માઈકલ અને એના સાથીદારો ઘૂસ્યા. ગલી સાંકડી જ હતી. તેઓ એક ઘર પાસે આવીને ઊભા રહ્યા. ઘર તો જાણે ઘણા વરસોથી બંધ હોય એમ જણાતુ હતુ. જાણે અહીં કોઈ આવ્યુ જ નહોતુ. આવા ઘરમાં આ લોકો શા માટે જઈ રહ્યા હશે ? અમે કુતુહલતાપૂર્વક દૂરથી એમને જોઈ રહ્યા. તેમને ગેટ ખોલ્યો અને અંદર પ્રવેશ્યા. ઝાડી ઝાંખરાને હટાવતા મુખ્ય દરવાજા પાસે આવ્યા અને એણે બહારથી ખખાડ્યો.અમારા બધાના આશ્ચર્ય વચ્ચે થોડીવારમાં અંદરથી કોઈ ધીમેથી આવ્યુ એણે દરવાજો ખોલ્યો બધાને અંદર લીધાને તરત બંધ !! જાણે અહીં કોઈ આવ્યુ જ નહોતુ.

હવે અમે બરાબર અટવાયા હતા. આવા વિરાન ઘરમાં રહેતુ કોણ હશે અને માઈકલ અને એના સાથીદારો કેમ અંદર ગયા હશે !! સામે જ એક જર્જરિત હોટેલ દેખાતી હતી. ઘણા સમયથી કોઈ મરમ્મત કરાવી ન હોય એવી. અમે ત્યાં રહેવા માટે રૂમોની સગવડ કરી. આને આપને એક ધર્મશાળા જ કહી શકીએ. એક વૃદ્ધ અહીંની દેખરેખ કરી રહ્યા હતા. એમના સાથેની વાતચીત પરથી હું સમજી ગયો કે એ પણ અમારા જેમ એમ જ માનતા હતા કે સામેના ઘરમાં કોઈ રહેતુ નહોતુ. હું તો એ ઘર સામે આશ્ચર્યથી જોઈ રહ્યો.

( આવા વિરાન ઘરમાં કોણ રહેતુ હશે !! માઈકલ અને એના સાથીદારો અહીં કોને મળવા આવ્યા હશે ? મિ.આર્થર દ્વારા આમને શું આપવામાં આવ્યુ હશે ? વધુ આવતા અંકે ......)