મર્ડર@રિવરફ્રન્ટ - 40 છેલ્લો ભાગ Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મર્ડર@રિવરફ્રન્ટ - 40 છેલ્લો ભાગ

મર્ડર@રિવરફ્રન્ટ 40 છેલ્લો ભાગ

આદિત્ય રાણા જ સિરિયલ કિલર છે એ વાત જાણ્યાં બાદ રાજલ આદિત્ય ને પકડવા માટે એનાં છુપા બંગલે પહોંચે છે..પણ ત્યાં સુધી આદિત્ય ત્યાંથી ફરાર થઈ ચૂક્યો હોય છે..રાજલને આદિત્ય જ રિવરફ્રન્ટ સિરિયલ કિલર છે એ તરફ ઈશારો કરતાં ઘણાં સબુતો બંગલા પરથી મળી આવે છે.આદિત્ય એ મુકેલું એક ગિફ્ટબોક્સ પણ રાજલને મળી આવે છે જેની ઉપરથી રાજલને ખબર પડી જાય છે કે આદિત્ય નો નવો શિકાર કોઈ મેષ રાશિ ધરાવતું વ્યક્તિ હશે અને એની હત્યા ને આદિત્ય સરદાર બ્રિજ આસપાસ અંજામ આપશે.

સાંજે રાજલની આંખ ખુલી ત્યારે છ વાગી ગયાં હતાં..હવે બીજાં છ કલાક બાદ પોતાનો રિવરફ્રન્ટ સિરિયલ તરીકે પંકાયેલા આદિત્ય રાણા જોડે મુકાબલો થવાનો હતો એ યાદ આવતાં જ રાજલ રોમાંચિત થઈ ઉઠી..આજે તો કંઈપણ કરી આદિત્ય ને જીવતો કે મરેલો પોતે પકડીને જ રહેશે એવાં મક્કમ નિર્ધાર સાથે રાજલે પોતે કઈ રીતે આદિત્ય ને માત આપશે એ દિશામાં વિચારવાનું શરૂ કરી દીધું.

ત્રણેક કલાકની નીંદર બાદ રાજલને ઘણું સારું લાગી રહ્યું હતું.. છતાં જે થોડીઘણી સુસ્તી રહી ગઈ હતી એ દૂર કરવાં રાજલે શંકરભાઈ જોડે એક કડક આદુ મસાલાવાળી ચા મંગાવી..ચા ની દરેક ચુસકી સાથે રાજલનું મગજ પણ વધુ ગતિમાં દોડવા લાગ્યું..પોતાને મળેલાં ગિફ્ટબોક્સ ની અંદર જે લેટર મળ્યો એ વિશે રાજલે કોઈને કોઈ જાતની વાત ના કરી.

આદિત્ય રાણા જ રિવરફ્રન્ટ સિરિયલ કિલર છે એ ન્યૂઝ દરેક ન્યૂઝચેનલ પર પ્રસારિત થઈ ચુક્યાં હતાં.આદિત્ય નાં નામે પોલીસ તંત્ર દ્વારા લુકાઆઉટ નોટિસ જાહેર કરાઈ હતી..શહેરભરની પોલીસ ને આદેશ આપવામાં આવ્યો કે જો આદિત્ય ક્યાંય પણ નજરે ચડે તો એની ધરપકડ કરવાં પ્રયત્ન કરવો અને જો એ આત્મસમર્પણ ના કરે તો શૂટ એન્ડ સાઈટ નો ઓર્ડર પણ જાહેર કરવામાં આવ્યો હતો.

ગૌતમ મિત્રા દ્વારા આદિત્ય નાં ખુફિયા બંગલો પરથી મળેલી વસ્તુઓનું એક્ઝેમાઇન કરીને જે રિપોર્ટ તૈયાર કરાયો એમાં ઘણી વસ્તુઓ સ્પષ્ટ હતી જે ઈશારો કરતી હતી કે આદિત્ય જ રિવરફ્રન્ટ સિરિયલ કિલર છે..કેમિકલ બોટલમાં મળેલી આંગળીઓ પણ આદિત્ય નાં આગળનાં ચાર વિકટીમની આંગળીઓ સાથે મળતી આવી..નિત્યા નાં શરીરમાંથી મળેલું નેચરલ મરક્યુરી પણ આદિત્ય નાં રૂમમાં રાખેલાં ફ્રીઝમાંથી મળેલાં પોઇઝન મરક્યુરી સાથે મેચ થતું હતું.

આ ઉપરાંત બંગલેથી એક સ્નાયાપર ગન અને બુલેટ પણ મળી હતી..આ બુલેટ જેવી જ બુલેટથી ડીસીપી રાણા પર જીવલેણ હુમલો થયો હોવાની વાત ફોરેન્સિક રિપોર્ટમાં બહાર આવી..હવે કોઈ કાળે એવું બનવું શક્ય નહોતું કે આદિત્ય પોતાની જાતને બેગુનાહ પુરવાર કરી શકે..જો આદિત્ય પકડાઈ જાય તો પણ એને ફાંસી ની સજાથી ઓછી સજા મળે એ અસંભવ હતું.

રાજલે સંદીપ ને કોલ કરી ડીસીપી રાણા ની તબિયત અને સુરક્ષાનાં સંદર્ભમાં થોડાં સવાલાત કરી લીધાં..જેનાંથી સંતુષ્ટિ મળતાં રાજલ પુનઃ એ દિશામાં મનોમંથન કરવાં લાગી કે આદિત્ય સાથે કઈ રીતે એ મુકાબલો કરીને એનાં નવાં શિકારને બચાવી શકશે.

***********

આટઆટલી હત્યાઓ કર્યાં બાદ આદિત્ય જરૂર પડે તો પોતાની હત્યા કરતાં પણ નહીં અચકાય એ રાજલને ખબર હતી..એટલે પોતાની સુરક્ષા માટે રાજલે બુલેટપ્રુફ જેકેટ પોતાનાં યુનિફોર્મ ની અંદર બાંધી દીધું..પોતાની સર્વિસ રિવોલ્વર પર રાજલને પૂરતો ભરોસો હતો એટલે રાજલે એ સર્વિસ રિવોલ્વરથી જ કામ લેવાનું મન બનાવી લીધું..સર્વિસ રિવોલ્વર ને લોડ કરી રાજલે રિવોલ્વર ને પોતાનાં શૂઝ માં ભરાવી દીધી..અને એક બીજી રિવોલ્વર લઈને એને રિવોલ્વર પોકેટમાં મૂકી દીધી.

રાતનું જમવાનું પૂર્ણ કરી રાજલ એકલી પોતાની કેબિનમાં જ બેસી રહી..આ દરમિયાન આખાં અમદાવાદ ની પોલીસ બમણાં જોશ સાથે આદિત્ય રાણા ને પકડવા મથી રહી હતી..કેમકે અત્યારસુધી ફક્ત નામ ધરાવતાં સિરિયલ કિલરનો ચહેરો પણ લોકો સમક્ષ ઉઘાડો પડી ગયો હતો.

રાતનાં અગિયાર વાગતાં ની સાથે જ રાજલ કોઈને કંઈપણ કીધાં વગર પોતાની બુલેટ લઈને સરદાર બ્રિજ જવા નીકળી પડી..સરદારબ્રિજ જમાલપુરનાં એ વિસ્તારમાં આવેલો હતો જ્યાં રાજલે દાદા રામપુરીનાં આતંકનો ખાત્મો કરી શાકભાજી અને ફળફળાદી વેંચતા ગરીબ લોકો પર ઉપકાર કર્યો હતો.પ્રથમ વખત અહીં જ રાજલે અમદાવાદમાં હાકલ કરી હતી કે પોતે જ્યાં હશે ત્યાં ના ગુનો રહેશે ના ગુનેગાર.

આ જ મકસદ સાથે રાજલ જોશ અને હોશથી તરબતર થઈને નીકળી પડી હતી આદિત્ય નો મુકાબલો કરવાં..રાજલ ઈચ્છત તો એકલી જવાંનાં બદલે અન્ય પોલીસ ની મદદ પણ લઈ શકત..પણ આ એસીપી રાજલ હતી જેને ભગવાનથી પોતાની જાત ઉપર વધુ વિશ્વાસ હતો..એટલે જ આદિત્ય નો પડકાર સ્વીકારી કોઈ માસુમ ની જીંદગી બચાવવા રાજલ માથે કફન બાંધી નીકળી પડી હતી.

*********

"કેમ છો સર..હવે તબિયત કેવી છે..?"રાતની દવાઓ અને ઈન્જેકશન ડીસીપી રાણા ને આપીને જેવાં ડોકટર નીકળ્યાં એ સાથે જ સંદીપે ડીસીપી રાણા નાં પલંગ જોડે ખુરશી રાખી એમાં સ્થાન જમાવતાં કહ્યું..મનોજ પણ ત્યાં હાજર હતો

"હવે સારું છે ઓફિસર..પણ આ શરીર નું દુઃખ મારાં મનનાં દુઃખ આગળ કંઈપણ નથી.."સાવ નંખાઈ ગયેલાં અવાજે રાણા એ કહ્યું.

"હું સમજું છું સાહેબ..કે આટલાં મોટાં અધિકારી તરીકે તમારું નામ અને રૂતબો ઘણો મોટો છે..એવામાં તમારાં જીવવાનાં સહારા સમાન તમારાં દીકરા નું સિરિયલ કિલર હોવું..અને એમાં પણ તમારી જાન નું દુશ્મન હોવું એ તમારાં દિલને કેટલી ઠેસ પહોંચાડી રહ્યું હશે.."ડીસીપી રાણા ને દિલાસો આપતાં સંદીપ બોલ્યો.

"આદિત્ય પકડાયો કે નહીં..?"દવાની અસરનાં લીધે ડીસીપી રાણા બપોરથી જ ઘોર નિંદ્રામાં હોવાથી એમને આદિત્ય સાથે શું થયું એની ખબર નહોતી એટલે એમને સંદીપ ને સવાલ કર્યો.

"આદિત્ય હજુ પણ ફરાર છે..રાજલ મેડમ જ્યારે આદિત્યની મોબાઈલ લોકેશનનાં આધારે એનાં બંગલા પર પહોંચ્યા ત્યારે એ ત્યાંથી ફરાર થઈ ચૂક્યો હતો..બંગલા ઉપરથી આદિત્ય જ રિવરફ્રન્ટ સિરિયલ કિલર છે એ તરફ ઈશારો કરતાં ઘણાં સબુત મળી આવ્યાં છે..શહેરભરની પોલીસ આદિત્ય ને શોધી રહી છે એટલે નજીકમાં એ જેલનાં સળિયા પાછળ હશે એ નક્કી છે.."સંદીપ ડીસીપી નાં સવાલનો જવાબ આપતાં બોલ્યો.

"મારાં જ કર્મો નું આ પરિણામ છે જેને આદિત્ય ને આવો બનાવી લીધો..મારું પોતાનું જ લોહી મારું લોહી રેડવા તૈયાર થયો એ એક બાપ તરીકે સૌથી વધુ પીડાદાયક બાબત છે.."ડીસીપી રાણા એ કહ્યું.

"સર,તમે ધીરજ રાખો અને મગજ ઉપર આટલું જોર ના આપો.."મનોજે કહ્યું.

થોડાં સમયની ચુપ્પી બાદ ડીસીપી રાણા એ સંદીપ તરફ જોઈને પૂછ્યું.

"રાજલ ક્યાં છે..?"

"એતો ખબર નથી..પણ સાંજે એમનો કોલ આવ્યો ત્યારે પોલીસ સ્ટેશનમાં જ હતાં.."સંદીપ બોલ્યો.

"તું અત્યારે કોઈને કોલ કરી પૂછજે કે રાજલ ક્યાં છે...?"ડીસીપી રાણા એ સંદીપ ને કહ્યું.

ડીસીપી ની વાત સાંભળી સંદીપે ગણપતભાઈ ને કોલ લગાવી રાજલ ક્યાં હતી એ પૂછ્યું..જવાબમાં ગણપતભાઈ એ જણાવ્યું કે રાજલ હમણાં જ કોઈને કંઈપણ કહ્યાં વગર બુલેટ લઈને નીકળી ગઈ છે..સાથે ગણપતભાઈ એ જણાવ્યું કે રાજલ આવી ત્યારે એનાં જોડે એક એવું જ ગિફ્ટબોક્સ હતું..જેવું આગળ પણ દર વખતે આદિત્ય દ્વારા હત્યા કરવામાં આવનાર વિકટીમની લાશ જોડેથી મળતું હતું.

ગિફ્ટબોક્સ વાળી વાત સાંભળતાં જ સંદીપનાં મનમાં એક વિચાર ઝબકયો..એને તાત્કાલીક ગણપતભાઈ ને એ ગિફ્ટબોક્સમાં કઈ કઈ વસ્તુઓ મોજુદ છે એ જણાવવા કહ્યું..જવાબમાં ગણપતભાઈ એ ગિફ્ટબોક્સ અત્યારે એક હરણનું પોસ્ટર અને નારંગી રીબીન હોવાંની માહિતી આપી..આટલું જાણ્યાં બાદ સંદીપે કોલ કટ કરીને આ વિશે મનોજ અને ડીસીપી રાણા ને જણાવ્યું.

"ઇન્સ્પેકટર, નારંગી રીબીન એટલે 6 નંબર નો બ્રિજ..એટલે કે જમાલપુર નો સરદાર બ્રિજ..અને હરણનું પોસ્ટર એટલે કે મેષ રાશિ..મતલબ આદિત્ય પોતાનાં નવાં શિકારને અંજામ આપશે એ સ્થળ હશે સરદાર બ્રિજ ની નજીકનો વિસ્તાર અને શિકાર ની રાશિ હશે મેષ..એટલે કે એનું નામ શરૂ થશે અ, લ કે ઈ ઉપરથી.."મનોજ ગિફ્ટબોક્સમાં મળેલી વસ્તુઓ નો કલુ ઉકેલતાં બોલ્યો.

"મને લાગે છે એસીપી મેડમ કોઈને કહ્યાં વગર જ આદિત્ય ને પકડવા સરદાર બ્રિજ ગયાં હોવાં જોઈએ.."તણાવમાં આવી સંદીપ બોલ્યો.

સંદીપ અને મનોજ વચ્ચે થઈ રહેલી ચર્ચા સાંભળી રહેલાં ડીસીપી રાણા કંઈક યાદ આવતાં બોલ્યાં.

"આદિત્ય નો નવો શિકાર રાજલ છે.."

"શું કહ્યું.?આદિત્ય નો નવો શિકાર રાજલ મેડમ છે..પણ કઈ રીતે એવું બની શકે..કેમકે મેડમ ની રાશિ તો તુલા છે અને આદિત્ય નો નવો શિકાર હશે એની રાશિ મેષ હશે.."ડીસીપી રાણા ની વાત સાંભળી વિસ્મય સાથે સંદીપ બોલ્યો.

"ઓફિસર,મારે એક વાર રાજલ જોડે વાત થઈ હતી ત્યારે વાતવાતમાં એને જણાવ્યું કે એનું રાશિ પ્રમાણે નામ અન્નપૂર્ણા પાડવામાં આવ્યું હતું..પણ રાજલનાં પિતાજી ને રાજલ નામ વધુ પસંદ હતું તો સ્કૂલમાં એડમિશન કરાવતી વખતે એમને રાજલનું નામ અન્નપૂર્ણા ને બદલે રાજલ કરી દીધું..અને મેં આ વિષયમાં આદિત્ય ને પણ કહ્યું હતું કે રાજલની અને તારી રાશિ એક છે પણ એ કેટલી બહાદુર છે..અને તું કેટલો ડરપોક.."આદિત્ય જો નવો શિકાર રાજલ છે એ વિશે ચોખવટ કરતાં ડીસીપી એ કહ્યું.

"તો તો આપણે જલ્દી થી રાજલ મેડમની મદદ માટે જવું જોઈએ.."ડીસીપી રાણા ની વાત સાંભળી સંદીપ વ્યગ્ર સ્વરે બોલ્યો.

"હા તો હવે જલ્દી નીકળીએ..ક્યાંક એવું ના થાય કે આપણે પહોંચીએ એ પહેલાં મેડમને કંઈ થઈ જાય.."મનોજ ચિંતિત સ્વરે બોલ્યો.

"હું પણ તમારી સાથે આવું છું..આદિત્ય ભલે મને પોતાનો બાપ ના માને પણ હજુપણ એ મારો દીકરો છે..અને રાજલ પણ મારી દીકરી સમાન છે..તો આ વિકટ પરિસ્થિતિમાં મારું પણ ત્યાં જવું જરૂરી છે.."ડીસીપી રાણા બોલ્યાં.

"પણ સાહેબ..તમારું સ્વાસ્થ્ય હજુ એટલું યોગ્ય નથી કે તમે બહાર જઈ શકો..તમે ચિંતા ના કરો અમે મેડમ ને કંઈપણ નહીં થવા દઈએ.."મનોજ ડીસીપી રાણા તરફ જોઈને બોલ્યો.

"ના ઇન્સ્પેકટર, હું તમારી સાથે આવું છું..આ મારો ઓર્ડર છે..તમારાં ડીસીપી નો ઓર્ડર.."મક્કમ સ્વરે ડીસીપી રાણા એ કહ્યું.

ડીસીપી રાણા ની જીદ સામે ઝૂકી જતાં સંદીપ બોલ્યો.

"સારું સર,તમે પણ ચલો અમારી સાથે.."

ત્યારબાદ ડોકટર ને મળીને ડીસીપી સાહેબને પોતાની સાથે લઈ જવાની રજા મેળવી સંદીપ અને મનોજ ડીસીપી રાણા ની સાથે જીપમાં બેસી નીકળી પડ્યાં જમાલપુર સ્થિત સરદાર બ્રિજ તરફ.

*************

રાતનાં બાર વાગી ચુક્યાં હતાં પણ રાજલ ની નજરે હજુ સુધી આદિત્ય ચડ્યો નહોતો..રાજલ ની બાજ નજર ચારેતરફ ફરીને આદિત્ય ને શોધી રહી હતી..અત્યારે રાજલ સરદાર બ્રિજની નીચે બુલેટ પાર્ક કરીને હાથમાં પોતાની રિવોલ્વર લઈને આમથી તેમ આંટા મારી રહી હતી.રિવરફ્રન્ટ સિરિયલ કિલરનાં ખૌફ નીચે ભયનાં ઓથાર નીચે જીવતાં શહેરીજનો રાતે ઘર બહાર નીકળવાનું ટાળી રહ્યાં હોવાથી ટ્રાફિક સાવ નહીંવત જેવો હતો.

રાજલ આદિત્ય નાં આવવાની રાહ જોઈને કંટાળી ગઈ હતી અને એટલે જ રાજલ બુલેટ પર બેસી બ્રિજની ઉપર તરફ જતી હતી ત્યાં એનાં માથામાં કોઈએ જોરથી લાકડી ફટકારી..આ પ્રહાર એટલો જોરદાર હતો કે રાજલ બુલેટ પરથી ઉછળીને જમીન પર નીચે પડી ગઈ..અને એનું બુલેટ દૂર જઈને પછડાયું.

રાજલનું માથું દર્દથી ફાટી રહ્યું હતું અને માથે પડેલાં ઘા માંથી લોહી પણ વહી રહ્યું હતું..રાજલે મહાપરાણે હિંમત એકઠી કરી ઉપરની તરફ નજર કરી તો એને જોયું કે આદિત્ય હાથમાં એક લાકડી લઈને ઉભો હતો..રાજલ કરાહતાં કરાહતાં બોલી.

"આદિત્ય..તું આ બધું સારું નથી કરી રહ્યો.."

રાજલ ની વાત સાંભળી આદિત્ય કમરથી નીચે ઝૂકી પોતાનો ક્રૂર ચહેરો રાજલનાં ચહેરા જોડે લાવીને બોલ્યો.

"ઓહ..તો હવે તું મને સમજાવીશ કે સારું શું અને ખોટું શું..તે મારાં અને ડીસીપી ની વચ્ચે આવીને બહુ મોટી ભૂલ કરી છે અને એની સજા તને મળીને જ રહેશે.."

"તારે મારી સાથે જે કરવું હોય એ કર..પણ બીજાં કોઈ માસુમ નું લોહી મહેરબાની કરીને ના રેડતો.."રાજલ હાથ ની કોણીનાં બળે ઉભી થતાં બોલી.

"મેં કોઈ માસુમ ની હત્યા કરી જ નથી..પહેલાં મેં જેની હત્યા કરી એ ખુશ્બુ શહેરમાં હવસ અને વાસના નું દુષણ ફેલાવી રહી હતી..મયુર ને ફક્ત ખાવાની પડી હતી..વનરાજ એનાં આળસુપણાનાં લીધે નાનાં-મોટાં ગુના કરતો,હરીશની પૈસાની લાલચે એનાં મિત્ર ભરત નો ભોગ લીધો હતો,નિત્યા મહેતાંની ઇર્ષાનાં લીધે પણ બે લોકોની કારકિર્દી દાવ પર લાગી ગઈ,હવે વાત કર ડીસીપી રાણા ની તો એનાં અભિમાન નાં લીધે મારી માં એ પોતાની જીંદગી તડપી તડપીને વિતાવી..બોલ આમાંથી કોઈ માસુમ હતું ખરું..?"રાજલનો ચહેરો જડબાંનાં ભગથી પકડી એને બળપૂર્વક ઉભી કરતાં આદિત્ય બોલ્યો.

"માન્યું કે આ બધાં એ નાનો મોટો અપરાધ કર્યો પણ એની સજા મોત તો ના જ હોય..અને જે કંઈપણ હોય તારે એમને કોઈને સજા આપવાનો કોઈ અધિકાર નથી.."રાજલ દર્દમાં હોવાં છતાં સત્ય નો સાથ આપતાં મક્કમ અવાજે બોલી.

"હા તો એસીપી અન્નપૂર્ણા..તને ખબર છે મારો હવે પછીનો શિકાર કોણ છે..?"રાજલને અન્નપૂર્ણા નામથી બોલાવતાં આદિત્ય લુચ્ચું હસતાં બોલ્યો.

આદિત્યનાં મોંઢે પોતાને અન્નપૂર્ણા કહેવાતાં જ રાજલ સમજી ગઈ કે આદિત્ય નો હવે પછીનો શિકાર એ જ છે..આદિત્ય પોતાને મારી નાંખે એ પહેલાં એનો ખાત્મો કરવાં રાજલે પોતાનાં બૂટ માં છુપાવેલી રિવોલ્વર બહાર કાઢી અને આદિત્ય પર ચલાવવા જતી હતી ત્યાં તો આદિત્ય એ ખૂબ ચપળતાથી પોતાનાં પેન્ટમાં રાખેલી છરી રાજલનાં હાથ પર ઉગામી દીધી..આ છરી નો ઘા એટલો તીવ્ર હતો કે રાજલની ચીસ નીકળી ગઈ અને એની રિવોલ્વર હાથમાંથી નીચે પડી ગઈ.

આદિત્ય એ એક જોરદાર લાત રાજલનાં પેટ ઉપર મારી એને ભોંયભેગી કરી દીધી..રાજલ બીજાં હાથે પોતાનાં રિવોલ્વર પોકેટમાંથી રિવોલ્વર બહાર નિકાળે એ પહેલાં તો આદિત્ય એ રાજલનાં હાથ ઉપર જોરથી લાત મારી..રાજલ દર્દથી ચિલ્લાઈ રહી હતી પણ આદિત્ય ને તો આ બધું કરવામાં અનેરો આનંદ આવી રહ્યો હતો..એને રાજલની બીજી રિવોલ્વર પણ પોતાનાં હાથમાં લઈ લીધી..રાજલની એક રિવોલ્વર આદિત્ય જોડે હતી અને બીજી એનાંથી દસ ડગલાં દૂર.

"એસીપી રાજલ દેસાઈ..સૌથી બહાદુર મહિલા ઓફિસર..અને અત્યારે આ હાલતમાં..મને બહુ દયા આવી રહી છે તારી.."રાજલની તરફ પીઠ ફેરવી વિરૂદ્ધ દિશામાં જોતાં આદિત્ય બોલ્યો.

"તું જે કરવાં માંગે એ કરી લે..પણ વધુ સમય તો તું પણ આઝાદ નહીં રહી શકે.."રાજલ આવેશમાં આવી બોલી.

"તું મારી ચિંતા ના કરીશ..તારી ચિંતા કર.."આટલું કહી આદિત્ય પોતાનાં શરીર ને ઘુમાવી રાજલની તરફ ખુન્નસ સાથે જોતાં બોલ્યો..એનાં હાથમાં રહેલી રિવોલ્વર અત્યારે રાજલની તરફ મંડાયેલી હતી..રાજલ સમજી ચુકી હતી કે એનું મોત હવે નજીક છે એટલે રાજલે આંખો બંધ કરી લીધી આવનારાં મોત નાં સ્વાગત માટે.

અચાનક એક ગોળી નો ધડાકો થયો અને આદિત્ય ની ચીસ વાતાવરણમાં ગુંજી વળી..રાજલે આ સાંભળી નજર ઊંચી કરી તો આદિત્યની છાતીમાંથી લોહી નીકળી રહ્યું હતું..પોતાની ઉપર ગોળી કોણે ચલાવી એ જોવાં આદિત્ય એ ગરદન ઘુમાવી તો ત્યાં ડીસીપી રાણા હાથમાં રિવોલ્વર લઈને ઉભાં હતાં..એમની રિવોલ્વરમાંથી હજુપણ ધુમાડો નીકળી રહ્યો હતો..જે સાબિતી આપતો હતો કે ડીસીપી એ જ પોતાનાં દીકરા આદિત્ય પર ગોળી ચલાવી હતી.મનોજ અને સંદીપ પણ ડીસીપી રાણા ની જોડે મોજુદ હતાં.

ડીસીપી ને જોતાં જ આદિત્ય નાં ચહેરા પર સ્મિત પથરાઈ ગયું..આદિત્ય એ દર્દથી તરડાયેલાં ચહેરા સાથે ડીસીપી તરફ જોયું અને પોતાની રહીસહી હિંમત એકઠી કરી પોતાની રિવોલ્વરમાંથી ડીસીપી રાણા પર ગોળી ચલાવવા જતો હતો ત્યાં રાજલે ચપળતા વાપરી પોતાની દૂર પડેલી રિવોલ્વર ઉપાડી એમાંથી ઉપરાઉપરી બે બુલેટ આદિત્ય ઉપર ફાયર કરી એનું ઢીમ ઢાળી દીધું.

"આદિત્ય..બેટા.."ડીસીપી રાણા ઊંચા અવાજે આટલું કહી આદિત્ય ની લાશ ને વળગીને રડવા લાગ્યાં.

થોડો સમય ડીસીપી રાણા એ દિલનો ભાર હળવો કરી લીધો એટલે રાજલે એમની જોડે જઈને સાંત્વનાં આપતાં કહ્યું.

"ડીસીપી સાહેબ..હું તમારું દુઃખ સમજુ છું..પણ આદિત્ય કાનૂન નો ગુનેગાર હતો..એને જે સજા મળી છે એ એનાં કર્મોનાં લીધે છે..અને શું થઈ ગયું કે તમારો દીકરો નથી રહ્યો..હજુ પણ તમારી આ દીકરી જીવે છે.."

રાજલની વાત સાંભળી ડીસીપી ની આંખો હરખથી ઉભરાઈ આવી અને એમને રાજલને છાતી સરસી ચાંપી લીધી.રાજલને પણ ગંભીર ઈજાઓ પહોંચી હોવાનાં લીધે એને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી.

બીજાં દિવસે દરેક ન્યૂઝ ચેનલ અને ન્યૂઝપેપર ની હેડલાઈન હતી.

"અમદાવાદ શહેરને પોતાનાં ડરનાં ઓથાર નીચે જીવવા મજબુર કરનાર રિવરફ્રન્ટ સિરિયલ કિલર નું મોત..ડીસીપી રાણા નો પુત્ર આદિત્ય રાણા જ રિવરફ્રન્ટ સિરિયલ કિલર હોવાની પૃષ્ટિ..ડીસીપી રાણા દ્વારા જ પોતાનો પુત્ર સિરિયલ કિલર છે એની માહિતી પોલીસને આપવામાં આવી ને પોતાની ફરજ પ્રત્યે ની વફાદારી નું દ્રષ્ટાંત પૂરું પાડવામાં આવ્યું..અને છેલ્લે એસીપી રાજલ ને રિવરફ્રન્ટ સિરિયલ કિલર નો કેસ પોતાનો જીવ દાવ પર મૂકી સોલ્વ કરવાં બદલ ધન્યવાદ.."

એક અઠવાડિયા પછી રાજલ ને હોસ્પિટલમાંથી છુટ્ટી આપવામાં આવી..આ દરમિયાન વિનય મજમુદાર ને પણ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી..હોસ્પિટલમાંથી રજા મળ્યાનાં દસ દિવસ બાદ રાજલ ફરીથી જોઈન થઈ ગઈ પોતાની ડ્યુટી પર..ફરીથી આ શહેરને ગુના અને ગુનેગારથી મુક્ત કરવાં..!!

★★★★★★

સમાપ્ત

તો દોસ્તો આ સાથે જ આ નોવેલને અહીં પૂર્ણ જાહેર કરું છું..દરેક ભાગમાં નવો ટ્વિસ્ટ ધરાવતી આ નવલકથા ને સર્વે વાંચકોનો જે પ્રેમ મળ્યો એ બદલ આપ સૌનો આભાર.વાંચક મિત્રો સતત મારાં whatsup નંબર 8733097096 પર મેસજ કરી મને પ્રોત્સાહન આપી રહ્યાં હતાં..જે બદલ દિલથી એમનો આભાર માનવો ઘટે.

નજીકમાં આપ સૌ ની રિકવેસ્ટ પર એક નવી જ થીમ પર આધારિત હોરર સસ્પેન્સ ફિક્શન લખવાં જઈ રહ્યો છું..તો આમ જ વાંચતાં રહો અને તમારો પ્રેમ તથા પ્રોત્સાહન આપતાં રહો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture,રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

પ્રેમ-અગન

~જતીન.આર.પટેલ (શિવાય)