સાપ સીડી - 2 Kamlesh K Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાપ સીડી - 2

પ્રકરણ ૨
ઝેર તો પીધા છે જાણી જાણી

સાધુને આમ તો ભૂખ અને તરસ પર નિયંત્રણ હતું, છતાં મધ્યાહનના સમયે પરમેશ્વરે પોતાના માટે અન્ન જળની વ્યવસ્થા કરી જ હશે તેવી શ્રદ્ધાને ફળતી જોઈ તેમના ચિત્તમાં પ્રસન્નતા વ્યાપેલી હતી. જો આ છોકરો ન આવ્યો હોત તો સાધુનો મૂળ ઈરાદો, સ્ટેશને ઉતર્યા બાદ, સ્ટેશન રોડ પર જ આવેલી પોતાના વર્ષો જુના પરિચિત મિત્ર એવા ગીધા ની એટલે કે ગિરધરભાઈ શોધ કરવાની હતી. ગીધો મળી જાય તો થોડી જૂની યાદો તાજી કરી, થોડી ઘણી આર્થિક સગવડ કરી, પોતાને ગામ રતનપર ઉપડી જવાનો હતો. સાધુને આ સ્ટેશન પરિચિત હતું. એના ભૂતકાળની યાદોમાં આ સ્ટેશનનો જે નકશો હતો તેમાં ઘણો ફેરફાર થઇ ગયો હતો. સ્ટેશન બહાર જુના સમયમાં ખુલ્લો પટ હતો અને બેએક ઝાડ હતા. રીક્ષાઓની કતાર લાગેલી રહેતી. તેના બદલે અત્યારે સ્ટેશન બહાર એક મોટા વર્તુળાકારમાં બગીચો હતો. ડાબે જમણે પાર્કિંગની વ્યવસ્થા હતી. બે ત્રણ લશ્કરી જીપો ત્યાં ઉભી હતી. તેમાં ટ્રેનમાંથી ઉતરેલા જવાનો ગોઠવાઈ રહ્યા હતા.
પેલા છોકરા પાછળ દોરવાયે જતો સાધુ આ બધું વટાવતો સ્ટેશન નજીકની સોસાયટી ના છેવાડે આવેલા સામાન્ય મકાનની બહાર અટક્યો જ્યાં સફેદ કપડાનો છાયો કરેલો હતો. છાયામાં, મકાનની દીવાલને અઢેલીને પાથરેલા ખાટલામાં બે-ચાર પુરુષો બેઠા હતા, બેએક વૃધ્ધો ખુરશીમાં બેઠા હતા, બેએક વૃદ્ધ મહિલાઓ આડા ખાટલા પર બેઠી હતી, બેએક બાળકો રમતા હતા. સાધુ ને જોઈ પુરુષો એ હાથ જોડતા 'રામ રામ' કર્યું અને સાધુ પેલા બાળકની પાછળ ડેલીમાં પ્રવેશી ગયો.
'આજે મારા પિતાના નાના ભાઈનું પિતૃ કાર્ય અમે કરી રહ્યા છીએ. ભગવાનની દયાથી મા'રાજ આપ વટેમાર્ગુ બની અમારે ત્યાં પધાર્યા છો. મે'રબાની કરી સુખેથી ભોજન ગ્રહણ કરો પ્રભુ...!'
બોલનાર પુરુષની આંખમાં ભોળપણ, શ્રદ્ધા અને સચ્ચાઈ હતી. અવાજમાં ભીનાશ હતી. મોટું કપાળ, વિનમ્રતાથી જોડેલા હાથ અને સાધારણ પેન્ટ ઉપર ઇન્સર્ટ વગર નો ઢીલો બુશકોટ પહેરેલા એ પુરુષની ઉંમર પંચાવન સાંઠની લાગતી હતી. સ્ટીલની થાળીમાં ચુરમાનો લાડુ, પૂરી, ગાંઠીયા, બટાટાનું શાક અને વાટકીમાં દાળ પીરસેલા હતા. બટાટાના શાક અને ચુરમાના લાડુમાં ભેળવાયેલો વિચિત્ર પદાર્થ સાધુ ની દિવ્ય દ્રષ્ટિમાં ઝડપાઈ ચૂક્યો હતો. સામે હાથ જોડી ભોજન લેવા વિનંતી કરી રહેલા પુરુષની નિર્દોષ આંખો કદાચ એની આ ઝહેરીલી ભેળસેળ અંગેની અજ્ઞાનતા સૂચવતી હતી.
સંસારની શરૂઆત જ ઝહેરથી થતી જોઈ સાધુ મનોમન મરક્યો. ગુરુઆજ્ઞા ન હોત તો પોતે ફરી સંસારીના સંપર્કમાં આવવાનો ન હતો. પણ ત્રિકાળ જ્ઞાની વિભૂતિ એવા ગુરુજીએ પોતાની સાધનાની સીડીના છેલ્લા પગથીયેથી આગળ વધતા પહેલા પોતાને નીચે જવા કહ્યું હતું.
"સંજીવ...જિંદગી સાપ સીડીની રમત જેવી છે. નાના બાળકો રમતા હોય છે ને... લાલ, પીળા ચોરસ ખાના દોરેલી, ક્યાંક સાપ દોર્યો હોય તો ક્યાંક સીડી... જો તમારા પાસા તમને સીડીના ખાનામાં લઈ જાય તો તમે સીધા ઉપરના પગથીયે પહોંચી જાઓ. જો સાપના ખાનામાં આવ્યા તો સીધા નીચે...
તું અત્યારે નવ્વાણું નંબરના ખાનામાં આવ્યો છે જ્યાં સાપનું મોં છે. તારે ફરી ત્રીજા ખાને જવું જ પડશે..."
સાધુને ગુરુજી સિદ્ધબાબાના શબ્દો સાંભરી આવ્યા. હજુ અઠવાડિયા પહેલા પોતે ગુરુજી સિદ્ધબાબાની સામે હતો. એ ઈશ્વરતુલ્ય વ્યક્તિત્વ, વિશાળ ભાલ, ગહેરી અને ચોખ્ખી આંખો, સફેદ વસ્ત્રો અને કાયમની શાંત મુખ મુદ્રા..
"સંસારનો એકાદ તાર તારી જોડે બંધાયેલો છે. જ્યાં સુધી એ નહિ છૂટે ત્યાં સુધી પરમ સમાધિના અનુભવથી તું વંચિત રહીશ.." ગુરુજી સિદ્ધબાબાએ શાંતિથી સમજાવ્યું હતું. પોતે એક ધ્યાને અનિમેષ જોઈ રહ્યો હતો ગુરુજીની સાગર સમી આંખોમાં... એ બુદ્ધની આંખો હતી, એ શિવની આંખો હતી...એમાંથી અમૃત ઝરતું હતું. સંસાર જ નહિ, બ્રહ્માંડની પેલે પાર જોઈ શકતી એ આંખોમાં જરાક અમથું, તસુભાર આશ્ચર્ય ત્યારે દેખાતું હતું.
"બેટા 'તુલસીના પાંદડે હરિ તોલાઈ ગયેલા' એ આનું નામ.. તારું મન, ચિત્ત, સમગ્ર અસ્તિત્વ વિરાટ બ્રહ્માંડમાં લીન થઇ જવા અનુકૂળ છે, સાધના દ્વારા તું સચેત અવસ્થામાં બ્રહ્મલીન થવા યોગ્ય થઇ ગયો છે. પરંતુ કોઈ એક બળ, મામુલી તાંતણો તને છોડી નથી રહ્યો...!" ગુરુજી આટલું બોલી સહેજ અટક્યા ત્યારે શિષ્ય સાધુ સંજીવને પણ નવાઈ અને જીજ્ઞાસા જન્મી હતી. એ તાંતણો એટલે શું? કોઈ પૂર્વ જન્મનું પાપ..? આ જન્મનો સબંધ..? કે કોઈ ત્રીજી જ શક્તિ ?
દૂર દૂર ભજવાઈ રહેલા દ્રશ્યને જોતા હોય તેમ ગુરુજી સિદ્ધબાબા બોલ્યા "એક વાર તારે તારા પૂર્વાશ્રમમાં જવું પડશે. તારા સંસારમાં... તારા ગામમાં... માતા-પિતા પાસે...જો તેઓ હોય તો...તેઓ ની કોઈ તૃષ્ણા હોય તો .... તેમને મળી...તેમની પાસેથી મુક્તિ મેળવીને જ તું સાધનાનો આ અંતિમ પડાવ પાર કરી શકીશ.."
"જમો મહારાજ..! અને યજમાન ની દીકરીના વિવાહના 'યોગ' રચાય એવા આશીર્વાદ આપો..." બહાર ખાટલે બેઠા બેઠા ઓશરીમાં જમવા બેઠેલા સાધુની તેજસ્વિતાને માપતા વૃદ્ધ જમનાફૈબાએ હાકલ કરી. "તમે જમો.. પછી જ ઘરના જમશે.." અને સાધુની તંદ્રા તૂટી. સન્યાસી ગુરુજીના અમૃતમય સાંનિધ્યમાં અલૌકિક શાતા અનુભવતો શિષ્ય સંજીવ ગાયબ થઇ ગયો અને સંસારી પરિવારના પિતૃ કાર્યમાં વટેમાર્ગુ તરીકે જમવા આવેલા સાધુની ભૂમિકામાં પોતે પટકાયો. માથે મોટાભાગના સફેદ વાળ, સહેજ ફાંગી આંખો, ચાંદલા વગરનું કપાળ અને સફેદ સાડલો પહેરેલા માજીની આંખ તેમનામાં રહેલા અજંપાની ચાડી ખાતી હતી.
ફઈબાને ખાતરી હતી કે સાધુના જમ્યા પછી જે આફત આ ઘર પર ઉતરી પડવાની છે તેની અસર તળે દિવસો સુધી આ ઘર અપશુકનિયાળ સાબિત થઈ જવાનું છે અને એટલે જ એમના શ્વાસોશ્વાસની ગતિ થોડી વધી..!
સાધુની તપસ્વી મન:સ્થિતિએ માજીના અવાજ પરથી, તેની ધ્રુજારી પરથી જ આખી ઘટનાનું અનુમાન કરી લીઘુ હતું.
"તમે ભોજન લીધું બા..?" સાધુએ માજીને પ્રશ્ન પૂછ્યો એટલે માજી ભીતરે ગૌરવાન્વિત થયા. આવો તેજસ્વી સાધુ પોતાને માન આપે એટલે મંત્ર-તંત્રના જાણકાર હોવાની પોતાની છાપને બહુ મોટું પ્રમાણ મળ્યું કહેવાય એ વાતે પોરસાતા માજીએ સાધુને જવાબ વાળ્યો.
"હોવે.. મા'રાજ ... હમણા જ જમ્યા.. જમતા જમતા મેં જ ટીકુડાને સ્ટેશને દોડાવ્યો હતો કે વિધિ મુજબ વટેમાર્ગુને જમાડવો પડે.." કહી ખાટલે જોર દઈ માજી ઉભા થયા અને હળવે હળવે ચાલતા ઓશરીમાં આવી સાધુની સામે, દીવાલને ટેકે બેઠા. થોડો શ્વાસ ચઢી ગયો. ત્યાં સુધીમાં સાધુએ થાળી ફરતે પાણીનું કુંડાળું કરી લાડુ, શાક, દાળ-ભાત ના બે-બે દાણા લઈ કુંડાળાની બહાર મુક્યા.
સાધુને તેડવા આવેલો ટીકુડો ક્યારનો સાધુની વર્તણુકને અચરજ ભરી નજરે નીરખી રહ્યો હતો. વટેમાર્ગુને શોધી લાવવાનું કામ પોતે સફળતાપુર્વક કર્યું હોવાનો આનંદ એની આંખમાં દેખાતો હતો. રસોડામાં રોટલી વણી રહેલી ઇલા પોતાના વિષે બહાર ચાલી રહેલી વાતનો દરેક શબ્દ કાન દઈને સાંભળી રહી હતી. લાલ-બ્લુ ફૂલડાં વાળા ડ્રેસની લીલી ઓઢણી ને કમર ફરતે વીટાળી ઈલાએ લોઢી હટાવી, રોટલીને ચીપિયાથી ગેસની જ્વાળા પર મૂકી અને રોટલી ફૂલી ને દડો થઇ ગઈ એટલે તરત જ તેને થાળીમાં મૂકી, ફરી લોઢી જ્વાળા પર મૂકી દીધી ત્યાં એના કાને ફૈબા ના શબ્દો પડ્યા...
"તમે જમી લેશો એટલે જો આ છત્રી, કપડાની જોડ, એક સો એકાવન રૂપિયા અને ચંપલની આ જોડી તમને આપવાની છે.." માજીએ સાધુને સંસારી લાલચો આપી.
"લઇ લઈશું બા....! આમ તો સાધુ જીવનમાં અમને આવી સંસારી વસ્તુઓનો મોહ નહિ, પણ હવે સંસારીના આગણે આવ્યો જ છું તો યજમાન પરિવારના તમામ દુ:ખ, ઝેર આરોગી સંતોષનો ઓડકાર લઈ.. ડાહી દીકરીના વિવાહ આડેની બધી જ અડચણો મારી હારે જ લેતો જઈશ..." કહી સાધુએ લાડુનો એક ટુકડો મોંમાં મુક્યો. જમનાફૈબાને સાધુની મર્માળુ વાત ચચરી ગઈ.
ઉંમરના આખરી પડાવો પસાર કરી રહેલા જમનાફૈબાને ખબર ન હતી કે સામે બેઠેલા સાધુનો એકેક કોળિયો જમનાફૈબાને સ્વર્ગની સીડી પર ચઢાવવાનો હતો કે પાપનો અજગર બની નર્કના અંધારિયા કૂવા તરફ આગળ લઇ જઈ રહ્યો હતો...!
===========