Mrugdhaa - Paraag books and stories free download online pdf in Gujarati

મૃગધા - પરાગ

મુંબઈનું બોરીવલ્લી સ્ટેશન - ઘડીયાળમાં રાત્રીના ૯:૫૫ વાગ્યાં છે. પ્લેટફોર્મ નંબર ૪ ઉપરના રેલવે પુલ પરથી પચાસ વર્ષની વયે પહોંચેલી મૃગધા શાહ દાદર નીચે ઊતરી રહી છે. આમ, તો પચાસ વર્ષની ઉંમર પણ કાળી કીનારી વાળી ને રંગે ગુલાબી સાડી, આંખનું કાજળ અને કાન ઉપરની વાળની લટ એની ઉંમરને ચાલીસ જ બતાવે. એક હાથમાં સાડીનો પાલવ અને બીજા હાથમાં બેગ પકડીને મૃગધા પોતાના ફર્સ્ટ ક્લાસ એ.સી. ડબ્બાના ઇન્ડિકેટર નીચે આવીને ઉભી રહી. ત્યાં જ એકાએક જાહેરાત થઈ, "મુંબઇ સેન્ટ્રલથી આવનારી ને અમદાવાદ તરફ જતી ગાડી નંબર ૧૨૯૦૧ ગુજરાત મેલ સુપેરફાસ્ટ એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર ૪ ઉપર થોડીવારમાં આવશે.

ગાડીને હજી વાર લાગશે એમ વિચારીને મૃગધા આજુબાજુના લોકોનું અવલોકન કરવાં માંડી, કારણ કે આજ ચા વાળા, ભાજીયાવાળા, પ્લેટફોર્મ પરના કુલી વગેરેને પોતાની નવલકથાઓમાં સ્થાન આપતી હતી. મૃગધા લેખક હોવાથી તેની આ સહજવૃત્તિ બની ગઈ છે. ત્યાં જ ટ્રેનનો અવાજ આવવા માંડ્યો. ચહલપહલ શરૂ થઈ, લોકો પોતાનો ડબ્બો ક્યાં આવશે તેની ગડમથલમાં આમતેમ દોડવા માંડ્યાં. મૃગધા એકદમ શાંત અને સ્થિર ઉભી રહી છે. ગાડી ઉભી રહી, મૃગધા પોતાના ડબ્બામાં ચઢી. પોતાનો સીટ નંબર શોધતી શોધતી મૃગધા સીટ નંબર ૧૨ સુધી પહોંચી ગઈ. પોતાની બેગ મૂકી મૃગધા પોતાની સીટ પર બેસી ગઈ અને આજના બનાવોને યાદ કરવા માંડી. આજે ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા મૃગધાને તેની બેસ્ટ સેલર નવલકથા "પરિણીતા" માટે એવોર્ડ મળ્યો હતો. લોકોનું અભિવાદન, તાળીઓના ગળગળાટ, મુખ્ય મહેમાનની ખુશામત યાદ કરીને મૃગધાનો ચહેરો એકદમ ગુલાબી સ્મિતથી છલકાઈ ગયો. દિવસના બનાવો વિચારતાં વિચારતાં મૃગધાની નઝર સામેની સીટ પર સુતેલા સજ્જનની અનામિકા આંગળી પર પડી. તે આંગળી ઉપર પહેરેલી ચાંદીની વીંટી કે જેની અંદર એક દિલ છે તેમ PM અક્ષર લખેલ છે. આ વીંટીને જોતા જ મૃગધાની દશા બદલાઈ ગઈ, આંખો પહોળી થઇ ગઇ, હાથપગ ઢીલાં પડી ગયા, મોં સુકાઈ ગયું, હમણાં જ તે બેહોશ થઈ જશે તેમ તેને લાગવા માંડ્યું.

થોડીવારે મૃગધા સ્વસ્થ થઈ, સજ્જનની એ વીંટી ધ્યાનથી જોવાં માંડી. થોડીવારમાં એણે નક્કી કરી લીઘુંકે આ એજ વીંટી છે અને આ એજ વ્યક્તિ છે. મૃગધનું મન માનતું નથી. તે હજી પાક્કું કરવા માટે સજ્જનનો ચહેરો જોવા લાગી, પણ પેલા વ્યક્તિ ચહેરા પર રૂમાલ મૂકીને સુઈ રહ્યા છે અને તેમનો હાથ પણ ચહેરા પર છે. હવે તો એવું શું કરવું કે પેલી વ્યક્તિનો ચહેરો જોઈ શકાય તેવું મૃગધા વિચારી રહી છે. મૃગધા થોડી થોડી વારે પોતાનો ચહેરો રૂમાલથી સાફ કરી રહી છે, અને બોટલમાંથી પાણી પી રહી છે. આમ ને આમ એકાદ કલાક પછી પેલા સજ્જન પોતાના ચહેરા ઉપરથી રૂમાલ હટાવે છે.

પેલા સજ્જનનો ચહેરો જોવાની સાથે મૃગધા અસમંજસમાં પડી કે 'આ એજ છે કે બીજા?' હા આ એજ છે પણ આનો રંગ તો શ્યામ છે અને એનો રંગ તો સફેદ હંસ જેવો. આમ, મૃગધા ગડમથલમાં ફસાઈ. એટલામાં પેલા વ્યક્તિએ આખો ચહેરો મૃગધા બાજુ ફેરવ્યો. મૃગધાને હવે સંપુર્ણ ચહેરો દેખાય છે.

પેલા અપરીચિત વ્યક્તિનો ચહેરો જોઈને મૃગધનાં મોંમાંથી શબ્દો નીકળ્યાં, "પ....રા....ગ..."

પરાગ સોની...નામ હોઠ ઉપર આવતાની સાથે મૃગધાની આંખો ભીંજાઇ ગઇ, જીભથી પરાગ.. પરાગ... નામનું રટણ ચાલુ થયું. મૃગધા પરાગને જોઈ રહી છે,- શ્યામ વાન, સફેદ વાળ, બ્લ્યુ કલરનું શર્ટ, બ્લેક પેન્ટ, પેટ પર ચરબીનો થર. થોડીવાર પછી મૃગધાની આંખોમાં ગુસ્સો આવવા માંડ્યો. પરાગને જોઈ મૃગધા હવે ગુસ્સાથી ભરાઇ ગઈ, જાણે હમણાં જ તે કાલી સ્વરૂપ ધારણ કરશે. આટલા વર્ષે આ હાલતમાં, બહુ જ પ્રશ્નો અધૂરાં મૂકીને ગયેલો આ પરાગ સુઈ રહ્યો છે. મૃગધા હવે વ્યાકુળ બની ગયી, કેમ કરીને આ બેવફા જોડે જવાબો માંગુ તે વિચારી રહી છે.

એકદમ ગાડીના પેન્ટ્રીકારનો સેલ્સમેન રાત્રિભોજન લઈને આવ્યો. ભોજનની ડીશ લઈ મૃગધા ભોજન સામગ્રી તપાસવા લાગી. ભોજન તપાસતાં શાકમાં ખાલી પાણી, રોટલી વાસી અને કાચી લાગી. મૃગધા સમયસૂચકતા વાપરીને પેલા સેલ્સમેન પર વરસી.

"તમે લોકો યાત્રીઓને વાસી ભોજન આપો છો? રેલ્વેવાળા યાત્રીઓની સલામતી અને સ્વાસ્થ્યની દરકાર કરીયે છીએ એવી મોટી જાહેરાતમાં કરે છે. આ સ્વચ્છતા યાત્રીઓના ભોજનમાં?"

મૃગધાના મોટો અવાજથી પરાગની આંખો ખુલી. પરાગ આજુબાજુ શું બની રહ્યું છે તેનો અંદાજ લગાવવા લાગ્યો. મૃગધા હજી સુધી પેલા સેલ્સમેન પર વરસી રહી છે. મૃગધાની નઝર પરાગ પર ગઈ. મૃગધાએ જોયુંકે પરાગ જાગી ગયો છે હવે તેને પોતાની વાત પરાગને સંભળાય તેમ પેલા સેલ્સમેનને બોલવા લાગી.

"આ જગત જ એવું છે, કથની-કરનીમાં ફરક.
કહે શું અને કરે શું! મારી સહેલી ૨૫ વર્ષથી એક વ્યક્તિની રાહ જોઈ રહી છે, પેલા બેવફા માટે. જા અહીંથી" કહી સેલ્સમેનને જવાનો ઈશારો કર્યો.

સેલ્સમેન કાંઈ સમજ્યો ન સમજ્યો ને ચાલી નીકળ્યો. આ તરફ પરાગ પોતાના ચશ્માં સાફ કરતો કરતો મૃગધાને જોઈ રહ્યો છે. ચશ્માં આંખો ઉપર આવતાં પરાગે મૃગધાનો ચહેરો ૨૫ વર્ષ પછી પાછો જોયો. મૃગધાનો લાલઘૂમ ચહેરો અને આંખોમાં ક્રોધ જોઈ પરાગ આખી વાત પારખી ગયો. આજે આ મૃગધા ચંડીકા બની છે તે જાણતાં વાર ના લાગી.

પરાગ અને મૃગધા એકબીજાને જોઈ રહ્યા છે. ત્યાંજ ગાડી પાટાની બદલી કરે છે. એકદમ નીરવ શાંતિ વચ્ચે પરાગ બોલી ગયો. "મૃગધા"

મૃગધા ૨૫ વર્ષ પછી પરાગનાં મોંઢે પોતાનું નામ સાંભળીને પોતાના આસુંઓને રોકી શકતી નથી. પરાગ મૃગધાની નજીક આવીને આસું લુછવા માટે રૂમાલ આપ્યો. મૃગધા ગુસ્સામાં પરાગનો હાથ હડસેલી દે છે. પરાગ પોતાની સીટ ઉપર બેસી ગયો અને બોલ્યો,"મૃગધા હું તારો ગુનેગાર છું."

હવે મૃગધા વરસી,"નફ્ફટ, નાલાયક પરાગીયા... તે મારી આખી જિંદગી બગાડી. લગ્ન ના કરવાં હતાં તો કહેવું તો જોઈએને... હું ન હતી ગમતી તો કહેવું જોઈએને...સાલા બેવફા, તે મારી જિંદગી બગાડી..." બોલતાં બોલતાં મૃગધા એની સીટ ઉપર ફસડાઈ ગઈ.

પરાગ ખામોશ પોતાની હથેળીઓ મસળે છે ને મૃગધાનાં નિરાશ ચહેરાને જોઈ રહ્યો છે. મૃગધાને રડતી જોઈ પરાગની આંખો પણ ભીંજાઇ ગઈ. પરાગ પણ પોતાની આંખોને રૂમાલથી લૂછી રહ્યો છે.

ત્યાંજ મૃગધા બોલી,"લગ્ન કર્યા ને? છોકરા છે ને?"

પરાગે હકારમાં માથું હલાવ્યું. મૃગધાએ પોતાનો ચહેરો પરાગ તરફથી બીજી બાજુ ફેરવી લીધો. મૃગધાની આંખોમાંથી અવિરત આસુઓની ધારા વહી રહી છે.

પરાગ થોડી રાહત મેળવ્યા પછી ઉભો થયો ને બોલ્યો,"પરણેલો પણ છું ને કુંવારો પણ." આટલું બોલી ઉભો રહ્યો.

પછી મૃગધાનો પ્રશ્નાર્થ ચહેરો જોઈ પરાગ બોલ્યો,"મૃગધા આપણે બંને વિદ્યાનગરની આર્ટ કોલેજમાં લિટરેચરના વિદ્યાર્થી. આપણો પ્રેમ પાંગર્યો. ત્રણ વર્ષ દરમિયાન આપણે એકબીજા સાથે જીવવા મરવાનાં સોગંધ ખાધેલાં પણ કિસ્મતને કાંઈક બીજું જ મંજૂર હતું."

મૃગધા બોલી,"ચોખ્ખું બોલ, ગોળ-ગોળ વાત ના કરીશ."

"જ્યારે આપણું છેલ્લું વર્ષ પતાવીને ઘરે જતાં નક્કી કર્યું હતું કે આપણે આપણાં પ્રેમની વાત વડીલોને જણાવવાની, બરાબર ને." પરાગ બોલ્યો.

"હા."મૃગધા બોલી.

"બસ, આપણે બંને છુટા પડ્યાં. હું રાજકોટ અને તું અમદાવાદ." પરાગ બોલ્યો.

"ઘરે પહોંચ્યા પછી કિસ્મતે પોતાની કરામત બતાવી. મારો મોટો ભાઈ ગૌરાંગ કે જેના લગ્નને બે જ વર્ષ થયાં હતાં ને તેની પત્ની ગીતાનાં પેટમાં સાત મહિનાનો ગર્ભ હતો તેનો નોકરીથી આવતાં રસ્તામાં અકસ્માત થયો ને મેં મારો ભાઈ ગુમાવી દીધો. એ વાતાવરણમાં આપણાં પ્રેમની મંજૂરી હું શી રીતે લઈ શકું." પરાગ અટક્યો.

મૃગધાનો ચહેરો નરમ પડ્યો પણ આંખો હવે વધુ રડતી હતી. કદાચ હવે મૃગધા પરાગનું દુઃખ અનુભવવા લાગી.

"વિધવા ગર્ભવતી ભાભી ને લાચાર માતાપિતા જોઈ હું શું કરું તે સમજાતું ન હતું. મને થતું કે જો મૃગધા મારી પાસે હોત તો મને કાંઈક રસ્તો...ના મને સંભાળી લેત." પરાગ બોલ્યો.

ત્યાંજ એકદમ મૃગધા પોતાની સીટ ઉપરથી પરાગની સીટ ઉપર બેસીને બોલી,"બોલાવી તો જોવી હતી ને હું દોડી આવત તારી પાસે."

"મૃગધા, હજી કિસ્મતે પાસા નાંખવાનાં બાકી હતાં. મારા વડીલો અને ગીતાનાં વડીલોને ગીતા અને આવનાર બાળકની ચિંતા હતી. એક દિવસ અચાનક ગીતાનાં પપ્પા એ એક વાત મારા માતાપિતાને કહી, તેનાથી આપણાં પ્રેમનો અંત આવી ગયો. ગીતાનાં પિતાએ કહ્યું હતું કે આપણે પરાગ અને ગીતાનાં લગ્ન કરી દઈએ. આ વાત સાંભળી મારા માતાપિતા ખુશ થયાં કે હાશ ગીતા અને આવનાર બાળકને અનાથ નહીં જીવવું પડે. આ વાત સાંભળીને હું કપાઈ ગયો. સાત દિવસની ગડમથલ પછી માતાપિતાની ખુશીને ધ્યાનમાં રાખી મેં પણ સંજોગો સામે હથિયાર નાંખી દીધાં." પરાગે ઊંડો શ્વાસ લીધો.

" પરાગ પણ તારે મને કહેવું તો જોઈએ ને.." મૃગધા બોલી.

"શું કહું મૃગધા...શું કહું...એ કહું કે હું મજબૂરી સામે ઝૂકી ગયો હતો. મારા પ્રેમની સામે મારી જવાબદારી જીતી ગઈ. એટલે જ મેં નક્કી કર્યું, દયાને પાત્ર થયાં વગર નફરતની પાત્ર બનીશ તારી." પરાગે આંખો ઉંચી કરી વાત પૂરી કરી.

મૃગધાની આંખો હવે બંધનમુક્ત થઈ આસુંઓને વહેવાની પરવાનગી આપી. પોતાનું માથું પરાગના ખભે મૂકીને રડી રહી છે.

"પરાગ મેં તને બેવફા સમજીને નફરત કરી તેથી મને માફ કર. હું તારી મજબૂરી ના સમજી શકી. અરે, હું તો તને જ ના સમજી શકી. મેં કેવી રીતે માની લીધું કે મારો પરાગ આવી બેવફાઈ કરી શકે." મૃગધા બોલી.

થોડીવારે સુધી મૃગધા પરાગનાં ખભા ઉપર માથું મૂકીને શાંત મુદ્રામાં બેસીને પ્રેમનાં દિવસો યાદ કરી રહી છે. ત્યાં જ સુરત સ્ટેશને ગાડી પહોંચે છે. સુરત સ્ટેશનનાં પ્લેટફોર્મ પરનો અવાજ ડબ્બામાં સંભળાય છે.

મૃગધાને એકદમ વાસ્તવિકતાનો ખ્યાલ આવ્યો. આ પરાગ હવે તારો નથી મૃગધા - એવા વિચારથી મૃગધા ઉભી થઈને પોતાની સીટ ઉપર જઈને બેસી ગઈ. ગાડી સુરત સ્ટેશનથી રવાના થઈ. મૃગધા થોડીવાર પરાગને અને થોડીવાર બારીની બહારનો અંધકારને જોવા લાગી.

"ગીતા કેમ છે? બાળકો કેમ છે?" વાતનો દોર આગળ વધારતાં મૃગધા બોલી.

પરાગ પાણીની બોટલમાંથી એક ઘુંટડો ભરી બોલ્યો,"ગીતા મને પાંચ વર્ષ પહેલાં છોડી ગઈ. તેને કેન્સર હતું. બાળકમાં તો ભાઈની પુત્રી બસ...મૃગધા.."

"મૃગધા?" મૃગધા બોલી.

"હા...મૃગધા...ગીતાને આપણાં પ્રેમની ખબર પડી એટલે એણે પોતાની પુત્રીનું નામ મૃગધા રાખવા મને મનાવી લીધો." પરાગ બોલ્યો.

મૃગધાનાં મુખ પર આછું સ્મિત છવાઈ ગયું. પરાગ આગળ બોલ્યો," મૃગધાનાં છ માસ પહેલા લગ્ન થયાં. તે તેનાં પતિ સાથે અમેરિકા છે અને હું અહીં એકલો."

"મેં પણ તારી યાદમાં લગ્ન ના કર્યા. જાણે કોઈ દિવસ તું આવીશ એવી રાહમાં ૨૫વર્ષ નીકળી ગયાં."મૃગધા બોલી.

"પરાગ શું કરે છે જીવનમાં? શું કરે છે પૈસા માટે? નોકરી કે ધંધો?" મૃગધાએ ટીખળ કરી.

"પિતાનાં નિવૃતિનાં પૈસા અને ભાઈની બચત મેં ગીતા અને મૃગધા માટે વાપર્યું. મારો શોખ પૂરો કરવા નવલકથાઓ લખું છું." પરાગ બોલ્યો.

"નવલકથા? કંઈ નવલકથાઓ લખી છે તે બોલ?" મૃગધાને નવાઈ લાગી કે આજ સુધી તેને ક્યારેય કોઈ નવલકથામાં લેખક તરીકે પરાગ સોનીનું નામ વાંચ્યું ન હતું.

"મારા નામે નહિ, મારા ઉપનામ 'તિમિર' નામે નવલકથાઓ પ્રસિદ્ધ છે." મૃગધા બોલી.

મૃગધા તો આનંદ પામી ગઈ કારણકે પરાગની નવલકથાઓમાં જે દર્દ અને પ્રેમની અભિવ્યક્તિ હતી તે હૂબહૂ અનુભવતી હતી. મૃગધા નવલકથાઓનાં નામ લેવા માંડી જે પરાગ દ્વારા લખવામાં આવી હતી.

મૃગધા થોડું વિચારીને બોલી,"આજે સાહિત્ય પરિષદમાં તો તું આવ્યો જ હોઈશ ને?"

"ના, કેમ કે મારે આનાથી મહત્વનું કામ હતું." પરાગ બોલ્યો.

"શું" મૃગધા બોલી.

"મારે હોસ્પીટલ જવાનું હતું, તપાસ માટે." પરાગ બોલ્યો.

"તપાસ? શેની તાપસ? શું થયું છે તને?" મૃગધા બોલી.

"બ્લડકેન્સર" પરાગ નિરાશા સાથે બોલ્યો.

મૃગધા ની આંખો સામે અંધકાર છવાઈ ગયો.
"બ્લડકેન્સર" મૃગધાનાં હોઠ ફફડવા માંડ્યા. જાણે આખા આનંદમાં દુઃખનું વાતાવરણ છવાઈ ગયું.

"મૃગધા, બધી જવાબદારીમાંથી છૂટી ગયો. મને થયું કે હવે તારી યાદ સાથે જીવી લઈશ પણ આ કિસ્મતનું છેલ્લું પત્તુ મારા ઉપર હજી પણ ભારે પડ્યું. હવે તો મારો અંત અને આપણાં પ્રેમનો પણ અંત." પરાગ ભીની આંખો લૂછતાં બોલ્યો.

"પરાગ, ભલે કિસ્મતે આપણી સાથે રમત કરી. પહેલા તું એકલો હતો અને હવે હું તારી સાથે છું. આપણે બંને સાથે મળીને સંજોગો સામે લડીશું." એટલું કહીને મૃગધાએ પરાગનો હાથ પોતાના હાથમાં લીધો. તરત જ પરાગ પણ મૃગધાને ભેટી પડ્યો.

થોડાસમય પછી મૃગધા પરાગને લઈને લંડન ગઈ ત્યાં તેનો કેન્સરનો ઈલાજ થયો ને ત્યાં જ લગ્ન પણ કર્યા.

આજે પરાગ અને મૃગધા બંને સાથે મળીને નવલકથાઓ લખે છે. લેખકનું નામ હોય છે,
"મૃગધા પરાગ"


બીજા રસપ્રદ વિકલ્પો