Abhaydan books and stories free download online pdf in Gujarati

અભયદાન

અમદાવાદ શહેરનું નહેરુનગર બસસ્ટેશન
રાત્રીના ૧૦:૦૦ વાગ્યા છે. ૧૮ વર્ષનો અભય વોલ્વો બસમાં બેઠો છે. અભયનું હૃદય ખૂબ ઝડપથી ધડકી રહ્યું છે, જાણે કે આજે તે ચંદ્ર પર પગ મુકનાર અવકાશયાત્રી હોય તેમ તેને લાગી રહ્યું છે.

વોલ્વો બસ ૧૦:૧૫ વાગે ઉપડીને અભયને હાશ થઈ જાણે હવે મારુ સપનું પૂરું થશે.

અભય શાહ શહેરના નામાંકિત ઉદ્યોગપતિ શશીકાંત શાહનો એકનો એક પુત્ર. અભયને કોઈ વાતનું ઓછું ન હતું, પણ પિતાનો વધુ પડતો પ્રેમ અને કાળજી તેને ન ગમતી. ૧૮ વર્ષની વયે પણ તેને એકલા ક્યાંય જવાની પરવાનગી ન હતી.

વોલ્વો બસમાં બેઠો બેઠો અભય એજ વિચારી રહ્યો છે, આ ચમત્કાર કેવી રીતે બની ગયો? અભય આજે પિંજરામાંથી છૂટેલાં પંખીની જેમ આનંદિત છે.

બસ અમદાવાદની બહાર પહોંચી ગયી, શહેરનો ટ્રાફિક ઓછો થઈ ગયો છે. પણ, અભય વિચારોના ટ્રાફિકમાં ફસાઈ ગયો. આજે શું બની ગયું? તેની ખબર જ ના પડી.

પપ્પાને શું થયું હતું આજે?

આજરોજના બધા બનાવો યાદ કરવા લાગ્યો. સવારે પપ્પા આવીને એકદમ મને કહ્યું,"અભય! આજે રાત્રે તારે સોમનાથ-દીવના પ્રવાસે જવાનું છે. એ પણ એકલા."

ઘરમાં તો જાણે ધરતીકંપ આવ્યો હોય તેમ બધાં મારા પિતાનો ચહેરો જોઈ રહ્યા હતાં, ત્યાંજ પપ્પા એ બીજું વાક્ય મૂક્યું," બાકીની વાતો અભય આવે પછી."

૫૦૦૦/- રૂપિયા અને બસની ટિકિટ આપી ને શશીકાંત નહેરુનગર બસસ્ટોપ પર અભય છોડીને ચાલ્યા ગયા.

અભયને આજે ઊંઘ આવે તેમ તો ન હતી પણ આજે વિચારોમાં ને વિચારોમાં આંખો મીંચાઈ ગયી.
સવારે ૬:૩૦ વાગે બસ ડ્રાઈવર બુમ પડે છે ,"એ ચાલો બધાં, સોમનાથ આવી ગયું."
અભય જે સપનું આખી રાત જોતો હતો તે પૂરું થવાનું હતું. તે એકદમ ઉભો થઇ ગયો.
બસસ્ટોપ પર ઉતર્યા પછી શું કરવું તેને ખબર જ ક્યાં છે?

અભયે પોતાના ફોનનો ઉપયોગ કરી ને આજુબાજુથી હોટલ શોધીને પોતાનો ઉતારો કર્યો. એક કલાક પછી અભય તૈયાર થઈ ગયો. હવે, સોમનાથ ભગવાન અને સોમનાથનો દરિયા કિનારો જોવા અભય અધીરો બની ગયો છે. તે ફટાફટ નાસ્તો કરીને મંદિરની દિશામાં નીકળી ગયો.

સોમનાથ મંદિરના પ્રાગણમાં પહોંચતાની સાથે અભય ખરેખર અભય બની ગયો. જે એકલા ફરવા જવાની બીક હતી તે ભાગી ગયી. સોમનાથ ભગવાનના દર્શન કરી અભયને તો આજે નવીન પ્રકારની ઉર્જાનો અનુભવ થવા લાગ્યો. મંદિરના ગર્ભગૃહમાં દરિયાનો અવાજ આવી રહ્યો છે. એકદમ શાંતિ વચ્ચે ઠંડી હવા અને દરિયાનો અવાજ, અદભુત અહેસાસ. અભય કંઈક સમય તો મંદિરમાં બેસી રહયો. પછી, દરિયાના દર્શન કરવા માટે અભય મંદિરના પ્રાગણની દક્ષિણ બાજુ ગયો.
"ઓહો! શું નઝારો છે?" અભયના મોંમાં થી ઉદગારો નીકળી પડ્યા.
દરિયાનું પાણી જ્યારે મંદિરના ખડકો સાથે અથડાવાથી સફેદ દૂધ જેવું ફીણ થાય છે. અભયે પોતાના ફોટા પાડવાના ચાલુ કર્યા. સમુદ્રની હવાથી અભયના વાળ આમતેમ ઉડે છે. કલાક પછીથી અભય મંદિર બહારના બઝારમાં આવ્યો. બઝારની દુકાનોમાં ભગવાનની મૂર્તિ, શિવલિંગ, લાલ-કાળા દોરા, હાથના કડાં, શંખ-કોડીયો-છીપલાં જોવા મળે છે.

હવે, અભયને ભૂખનો અહેસાસ થવા લાગ્યો. અભય આમતેમ ફરતો ફરતો એક નામચીન ભોજનાલય સુધી પહોંચી ગયો.
દાળભાત, રોટલી, શાક,અને છાશનું જમણ જમીને અભયને હાશ થઇ.

હજી ૧૨:૦૦ વાગ્યા છે. હવે, શું કરવું? તે વિચારતા વિચારતા અભય હોટેલ સુધી પહોચી ગયો. શું કરવું અહીં રહેવું કે દીવ નીકળી જવું? તે નક્કી કરવામાં તેનું મન દિગ્ધતામાં પડી ગયું. આજે નક્કી તેને કરવાનું છે, પિતાએ નહીં.

હોટેલના રિસેપ્શન પર પહોંચી અભય બોલ્યો,

" અહીંથી દીવ કેટલું થાય."
"૭૦ કી.મી."
"ત્યાં જવા અત્યારે કાંઈ વાહન મળશે?"
"સાહેબ, અહીંથી કદાચ સીધું વાહન ના મળે પણ બાયપસ હાઈવેથી ઉના, અને ઉનાથી દીવ." રિસેપ્શન ઉપર બેસેલ ભાઈ બોલ્યા."

બસ, અભય આ જ વાતની રાહ જોતો હોય તેમ તેને તરત જ હોટેલ છોડવાનો નિર્ણય રિસેપ્શન પર કહી દીધો.

અભય પોતાની બેગ લઇને હાઈવે જવા નીકળ્યો. હાઈવેથી ઉના જવા માટે વાહન ની શોધ કરવા લાગ્યો. એટલામાં ખાનગી વાહન અભય સાથે આવીને ઉભું રહ્યું.

ડ્રાઇવર બોલ્યો," સાહેબ, ક્યાં જવું છે"?
અભય- "ઉના"
"ચાલો, આ વાહન ત્યાં જ જશે."
"ભાડું"
"૭૦ રૂપિયા"
"સારું"
અભય તે વાહનમાં બેસી ગયો.

ગાડીમાં ત્રણ-ચાર ગામડાનાં બૈરાંઓ વાહનમાં પહેલાથી જ બેસેલા હતાં. ડ્રાઇવરની પાસે તેનો કોઈ દોસ્ત બેઠેલો છે, જેની જોડે પોતાના ગામની વાત કરી રહ્યો છે.

અભય પોતાના ફોનમાં ગીતો સાંભળવા માંડ્યો. દોઢેક કલાક પછી કોડીનાર આવવાનો સમય થઈ ગયો હતો.

ડ્રાઈવરનો મિત્ર પણ વચ્ચે ક્યાંક ઉતરી ગયો, વચ્ચે વચ્ચે મુસાફર આવ્યા ને ગયા. ડ્રાઈવર પણ પોતાની ગાડીમાં ગુજરાતી ગીતો સાંભળી રહ્યો છે. અભયના મનમાં એક વિચાર આવ્યો,"લાવ ને ડ્રાઈવરને પૂછી લઉ."

"ડ્રાઈવર ભાઈ, આ દીવ જાવા માટે ઉના જવું જરૂરી છે? નકશામાં તો ઉનાથી પાછું આવવાનું બતાવે છે. તો શું ઉનાથી જ જવાય દીવ કે પછી વચ્ચેથી કોઈ રસ્તો ખરો?" અભય બોલ્યો.
"ભાઈ, તમે લોકો તો બહારથી ફરવા આવ્યા છો તો તમને તો આજ રસ્તો દેખાય પણ અહીંના અમે સ્થાનિક લોકોતો કોડીનાર થઈ કોટડા ગામ અને ત્યાંથી ખાડી બોટ દ્વારા પાર કરી સામે વનાકબારા. વનાકબારાથી સ્થાનિક બસમાં દીવ." ડ્રાઈવર બોલ્યો.

આગળ વાતનો દોર ચાલુ રાખતાં ડ્રાઈવર બોલ્યો," ભાઈ, ખાડી બોટમાં પાર કરવાથી મઝા પણ બહુ આવે છે, સમય પણ બચે છે."

અભય તો ડ્રાઈવરની વાતથી જ રોમાંચ અનુભવવા લાગ્યો.

"સારું! મને કોડીનાર ઉતારજો. જ્યાંથી કોટડા જવાનું વાહન મળે ત્યાંજ ઉતારજો." અભય બોલ્યો.

થોડીવારે, અભય કોડીનારમાં એક છકડામાં બેઠો છે, કે જ્યાં પેલા ડ્રાઈવરે ઉતાર્યો હતો.

છકડો દસ મિનિટ પછી ઉપડ્યો. આજુબાજુના નાના નાના ગામડાઓ આવવા લાગ્યાં, અભયતો હમણાં કોટડા આવશે, હમણાં આવશે તેમ કરતો કરતો બેસીને આજુબાજુનાં લીલાંછમ ખેતરો જોવા લાગ્યો. છકડામાં બેસેલ બૈરાઓ અલગ અલગ ગામડાંનાં છે પણ એકબીજાને નામથી ઓળખે છે, તે જોઈને અભયને આશ્ચર્ય થયું.

થોડીવારે અભયથી ના રહેવાયું ને બોલ્યો," કેટલીવાર લાગશે, કોતડાની." છાકડા વાળો જવાબ આપે તે પહેલાં સામે ની સીટ પર બેસેલ એક ૨૨વર્ષની સ્ત્રી બોલી," હાજી અડધો કલાક લાગશે."
અભયની નઝર પેલી મહિલા પર ગઈ. પાતળા બાંધાવાળી, શ્યામ રંગવાળી એ જેના ખોળામાં એક મહિનાનું છોકરું છે.

અભયે વાત ચાલુ કરી.
"તમારે ક્યાં જવાનું છે?"
"વનાકબારા" સ્મિત સાથે પેલી સન્નારી બોલી.
વણાકબારા નામ સાંભળીને અભય હાશ અનુભવી. ચાલો, હવે કોઈક તો છે આ નવા સફરમાં.
"તમે દીવ જાવ છો?"
"હા. અને તમે ઘરે?"
"હા, કોડીનાર ગયા હતાં, મારા છોકરાંની તબિયત સારી ન હતી તેથી ડોક્ટરને બતાવા ગયાં હતાં." મહિલા બોલી.
અભય તો આ સાંભળીને અવાક બની ગયો. "આ લોકોને ડૉક્ટરની મૂલાકાત કરવા એટલું મોટું અંતર કપવું પડે છે." અભય વિચારોએ ચઢી ગયો.


આખો છકડો લગભગ ખાલી થઈ ગયો, હવે થોડાં થોડાં કરચલા ઉછેર કેન્દ્રો દેખાવા લાગ્યાં. નાનાં નાનાં છાપરાઓ દેખાવા લાગ્યાં. થોડીવારે દરિયાની મહેક આવી ને અભયને રાહત થઈ. છકડાવાળા એ બધાં મુસાફરોને જયાંથી બોટ ફેરીઓ જાય ત્યાંજ ઉતાર્યા. અભયે છકડા વાળા ને ભાડું ચૂકવીને સામેની ફેરી બોટમાં બેસી ગયો. ત્યાં પણ પેલી સ્ત્રી તેનાં બાળકને લઇને પહેલેથી જ બેસી હતી. અભયે થોડું સ્મિત આપી ને બોટમાં બેસી ગયો.

થોડીવારે બોટનું એન્જિન ચાલું થયું ને બોટ તેના માર્ગમાં આગળ ચાલી. સામે બહુજ પ્રમાણમાં પાકા ઘરો દેખાય રહ્યા છે. અભય અંદાજો લગાવી લે છે આજ વણાકબારા.

દસ મિનીટમાં તો બોટ વણાકબારા પહોંચી ગયી. પેલી સ્ત્રીને બોટમાંથી બહાર આવવામાં અભયે મદદ કરી.

"આવી ગયું તમારું ઘર"
"હા"
"અહીંથી બસસ્ટેશન કેમ કરીને જવાશે?" અભય બોલ્યો.
"અહીંથી સીધા સીધા જાસો એટલે પોસ્ટ ઓફિસ આવશે, અને ત્યાંથી જમણી બાજુ સીધા સીધા જાસો તો બસસ્ટેશન."

અભય આભાર માનીને ચાલ્યો. થોડી વારે બસસ્ટેશન પહોંચ્યો. નાની બસ તૈયાર ઉભી હતી. અભય બસમાં જઈ ને બેસી ગયો. થોડીવારે બસ ચાલી દીવ જવા. લીલાંછમ માર્ગ વચ્ચે તો અભય ખોવાઈ ગયો. "કેવું મનોહર દ્રશ્ય છે?" મનમાં ને મનમાં અભય રાજી થાય છે.

વીસ મિનિટ પછી બસ દીવ પહોંચી ગઈ. અભય બસસ્ટેશન પર ઉતરી ગયો.

"હવે શું કરવું?" અભય મનમાં વિચારવા માંડ્યો.

ઘડિયાળમાં હજી ૪:૩૦ વાગ્યાં છે. ચાલો થોડું બજારમાં આંટો મારી લઉં એ વિચારથી અભય દીવના બજારમાં ટહેલવા માંડ્યો.

ટહેલતા ટહેલતા અભય "રોકાણ" નામનાં ગેસ્ટહાઉસે આવીને ઉભો રહ્યો.

અભય ગેસ્ટ હાઉસમાં બીજાદિવસે સવારે ૧૦:૦૦વાગે ચેકઆઉટની શરતે ૩૦૦ રૂપિયામાં રહેવા માટેનો બંદોબસ્ત કરી લીધો. રૂમમાં પહોંચી અભય હાથ પગ ધોઈને આરામ કરે છે. વીસ પચ્ચીસ મિનીટ પછી અભયને થયું ચાલ ને ક્યાંક ફરવા જઉં હજી તો મારી પાસે સમય છે. રૂમમાંથી બહાર નીકળી ને અભયે અહીં આસ પાસ ના જોવાલાયક સ્થળની માહિતી મેળવી. નજીકમાં જ એકાદ કિલોમીટર ના અંતરે દીવ નો પ્રખ્યાત કિલ્લો આવેલો છે તે માલુમ પડતાં અભય ને અત્યારે જ કિલ્લાની મુલાકાત લેવા માટે નીકળી પડ્યો. એક રીક્ષા ભાડે કરી ને અભય કિલ્લા તરફ નીકળી પડ્યો. થોડી વારે રીક્ષા કિલ્લા ના પ્રવેશ દ્વાર આગળ આવી ને ઉભી. અભયે એકાદ કલાક કિલ્લો નિહાળ્યો. શાંત દરિયો અને સુમસાન કિલ્લો જાણે કેટલા ઇતિહાસ છુપાવીને બેઠા હોય તેમ લાગી રહયા છે.

સુરજ આખાં દિવસ ના થાક પછી ઘરે જઈ રહ્યો છે તેમ અભય ને પણ પુરા દિવસ નો થાક લાગી રહ્યો છે. તે પણ રૂમ તરફ પ્રયાણ કરે છે. રસ્તા માં તે જમીને રૂમ પર જવું તે વિચારે એક હોટેલ માં રાત્રી ભોજન માટે જાય છે. અહીંની હોટેલોમાં વેજ - નોનવેજ ભોજન મળે. અભયે એક સેન્ડવીચ અને એક પિઝા ખાઈને રૂમ તરફ નીકળી પડ્યો. રસ્તામાં 'ટુ વ્હીલર ભાડે મળશે' એવી જાહેરાત અભયે જોઈને તેના ઉપરના મોબાઇલ નંબર નોંધી લીધા.

રાત્રે અભયને પુરા દિવસ ના થાકથી ક્યારે ઊંઘ આવી ગઈ તેની તેને પણ ખબર ના પાડી.

સવારે ૮:૦૦ વાગે અલાર્મ વાગ્યું. અભયને તો બે દિવસ થી પોતાની મરજીથી જીવવાની મજા પડી ગઈ. અભય એકાદ કલાક માં નાહી ને તૈયાર થઈ ગયો.

૯:૩૦ સુમારે અભય નાસ્તો કરી, હોટેલવાળાને બિલના નાણાં આપીને તૈયાર થઈ ગયો આગળની મુસાફરી કરવા.

અભયે આગળથી વિચારી રાખેલ કે એક ટુ વ્હીલર લઇને ફરવું. તરત જ પોતાના મોબાઈલમાંથી ભાડે ટુ વ્હીલરવાળા ભાઈ ને ફોન કરીને એકટીવા મંગાવી લીઘું. જરૂરી દસ્તાવેજની આપ-લે પછી અભયે એકટીવા લઇ ને પેટ્રોલ અને હવા ભરાવી લીધી.
હવે, અભય આજે ક્યાં ક્યાં ફરવાનું છે તે ગૂગલ મેપ પાર જોઈ ને એકટીવા ભગાડવા માંડ્યો. સેન્ટ પોલ ચર્ચ, ગંગેશ્વર મહાદેવ, ચક્રધર બીચ, જલંધર બીચ, શેલ સંગ્રહાલય, આઈ એન એસ ખુકરી, ગુફાઓ જોવા માંડયો.

હવે, સૂર્ય મધ્યાહન પર પહોંચ્યો છે. લગભગ બધાજ જોવાલાયક સ્થળ જોવાઈ ગયા છે. હવે ખાલી નાગોઆ બીચ જવાનું બાકી હતું. અભયને ભૂખ લાગી છે તે એક હોટેલ માં જઈ ને જમવાનું નક્કી કરે છે.

૧:૦૦ વાગે નાગોઆ બીચ પર અભય પહોંચે છે. પોતાનો સામાન લોકરમાં મૂકી ને અભય દરિયામાં નાહવા જાય છે. સમુદ્રનું શીતળ જળ અભયને રોમાંચિત કરી રહ્યું છે. આજે તો અભય કોઈ પણ રોકટોક વગર નહાવાની મજા માણી રહ્યો છે.
૪:૪૫ સુમારે અભય નગર બાજુ જવાનું નક્કી કરી ને એકટીવા દીવ શહેર બાજુ નીકળી પડે છે.

૬:૦૦ વાગે દીવથી અમદાવાદની બસ માં અભયનું બુકિંગ શશીકાંત પહેલાથી જ કરી રાખેલું.

નાસ્તો અને બઝાર જોતા જોતા અભય બસ સ્ટેશન સુધી પહોચી ગયો. બસ સ્ટેશન પરથી એકટીવાવાળાને ફોન કરી ને એકટીવા પરત આપી દીધું.

અભય હવે ઘર વિશે વિચારવાનું ચાલુ કરી દીધું.

"પપ્પા ને શું થયું કે મને જીવન માં પહેલી વખત એકલો મોકલ્યો એ પણ આટલે દૂર."

થોડીવારે બસ પણ આવી પહોંચી. અભય પોતાની સીટ પર ગોઠવાઈ ગયો....

સવારે ૭:૩૦વાગે અભય અમદાવાદ ઉતરી ગયો. શશીકાંત અભયને ટાઇમસર લેવા આવી ગયા.

અભય ઘરનો દરવાજો ખખડાવ્યો, સુલોચના શાહ દરવાજો ખોલ્યો.

અભયને જોઈને માતા પ્રેમથી ગળે વળગી ગઈ.

અભય, શશીકાંત અને સુલોચના પોતાના રોજબરોજના કાર્ય પતાવીને નાસ્તા માટે ડાઈનીંગ ટેબલ પર બેસી ગયા....

શશીકાંતે પોતાનું મૌન તોડયું.

"બે દિવસ પહેલા મારા શિક્ષક ઉમાકાન્ત મહેતા મારી ઓફિસ આવેલા. અમારી વચ્ચે થોડી વાતો થઈ જેવી કે આજનું ભણતર, આજના વિદ્યાર્થીઓ, વગેરે... પછી તેમને મને એક વાત કરી જેના મારા મન પર ખૂબ અસર થઈ. તેમને મને કહ્યુકે શશીકાંત આજના માતાપિતા બાળકોને વધુપડતી સુવિધા આપીને તેમના બાળકોને અપંગ બનાવી રહ્યાં છે. જરૂર કરતાં વધારે હંમેશા નુકશાન પહોંચાડે છે. બાળકોને પોતાના નિર્ણય લેવા દેતા નથી. સ્વનિર્ભર નથી બનાવતાં. દરેક નિર્ણય માતાપિતા લે છે. અરે, કોઈક જગ્યા એ એકલા જવા પણ દેતા નથી."

એક ઊંડો શ્વાસ લઈ શશીકાંત આગળ બોલ્યા,"સુલોચના ખરેખર આપણે પણ અભયને અપંગ બનાવી દીધો હતો. સ્કૂલ, ટ્યૂશન કલાસમાં પણ તેને એકલા જવા નથી દીધો. એટલે જ મેં એકદમ અભયને એકલો દીવ મોકલ્યો. જો, સુલોચના આપણો અભય ક્યારેય આપણા ઘર બહાર એકલો નથી ગયો તે એકલો દીવ અને સોમનાથ ફરીને આવ્યો. હવે, અભય મોટો થઈ ગયો છે. આજથી અભય તું એકલો જઇ શકે અને તારે પોતાના નિર્ણય લેવા માટે તું આઝાદ છે."

અભય અને સુલોચનાની આંખોમાં આંસુ આવી ગયા. બંને ઉભા થઈ ને શશીકાંત ને વળગી પડ્યાં.

ખરેખર, આજે અભયનું નામ અભય સાકાર થયું...............

બીજા રસપ્રદ વિકલ્પો