Imandari no fuggo books and stories free download online pdf in Gujarati

ઈમાનદારી નો ફુગ્ગો...

રાત્રે ૧૧ વાગ્યાનો સમય હતો, મિત્રનો ફોન આવ્યો એટલે હું નોકરી પરથી છૂટીને સીધો રેસ્કોર્ષ પહોંચ્યો, લગભગ રાત્રીના પોણા અગિયાર વાગ્યા હતા. મને એટલે યાદ છે કે ત્યારે મારી પત્નીનો કોલ આવ્યો હતો. હું જેવો રેસકોર્ષ પહોંચ્યો એટલામાં જ મને ફોન આવ્યો હતો અને તેણે મને કહ્યું હતું કે, નેત્રા સૂઈ ગઈ છે. અને હવે હું પણ સૂઈ જાવ છું. ઘરે આવો એટલે ફોન કરજો તેવું એને મને કહ્યું હતું. મીઠાની રાહ જોઈને હું ૧૫ મિનિટ સુધી ઊભો રહ્યો. મધરાતના ૧૨ વાગી ગયા હતા. રસ્તા સૂમસામ થવા લાગ્યા હતા. બધા લોકો પોતાના ઘર તરફ જવા લાગ્યા હતા. વાહનોની અવરજવર ઓછી થઈ ગઈ હતી. એવામાં મારા ખભા પર અચાનક એક હાથ આવ્યો.
મે જોયુ તો એક યુવાન હાથમાં લાકડી લઈને ઊભો હતો. તેની લાકડી પર ફુગ્ગા લગાવેલા હતા. ચહેરાથી ગરીબ દેખાતો એ યુવાન ફુગ્ગા વેચતો હતો. એને જોઈને એવું લાગ્યું કે ફુગ્ગા વેચીને એ ઘર ચલાવતો હશે.
એના હાથમાં જે લાકડી હતી તેની પર લાગેલા કેટલાક ફુગ્ગામાંથી તો હવા પણ નીકળવા લાગી હતી. મે પેલા યુવાનને કહ્યું બોલ ભાઈ, શું થયું ? એણે કહ્યું કે, સાહેબ ફુગ્ગો ખરીદો ને.
મે કહ્યુ જો ભાઈ હમણા જ મારી પત્નીનો ફોન આવ્યો કે દીકરી સૂઈ ગઈ છે, તો પછી હું તારો ફુગ્ગો ખરીદીને શું કરું ?
મારી વાત સાંભળીને પેલો યુવક નીરસ ચહેરે બોલ્યો, સાહેબ મે સવાર થી કઈ જ ખાધું નથી. તમે મારી પાસેથી ફુગ્ગો ખરીદશો તો એ પૈસાથી હું ખાવાનું ખાઈશ અને પેટની ભૂખ શાંત કરીશ.
મને થોડી દયા આવી એટલે મે પેન્ટના ખિસ્સામાં હાથ નાખ્યો અને પાકીટમાંથી વીસ રૂપિયા પેલાં ભાઈના હાથ માં આપ્યા. પણ એને કહ્યું, સાહેબ મારો દીકરો પણ ભૂખ્યો છે. હું પહેલા એના પેટની ભૂખ શાંત કરીશ પછી હું જમીશ. એટલે મેં પાકીટમાંથી ચાલીસ રૂપિયા એને આપ્યા, પેલા ભાઇએ એ ચાલીસ રૂપિયા લીધા અને મને પેલી વીસની નોટ પાછી આપી. અને બે ફુગ્ગા મને આપ્યા.
મે કહ્યુ, ભાઈ મે પહેલા જ કહ્યું કે મારે ફુગ્ગા નથી જોઈતા, મારી દીકરી ઘરે સૂઈ ગઈ છે, હું ફુગ્ગા ઘરે લઈ જઈશ ત્યાં સુધી ગેસ પણ નીકળી જશે. મારે ફુગ્ગા નથી જોઈતા. તેમ કહી ને મે ફુગ્ગા આપી દીધા. પેલા ભાઇએ ફુગ્ગા પાછા લાકડી પર બાંધી દીધા અને થેલી માંથી મને ચાલીસ રૂપિયા પાછા આપી દીધા. મે કહ્યુ કે ભાઈ પૈસા રાખ એ કેમ મને પાછા આપે છે ? એને કહ્યું સાહેબ મહેનત ની કમાણી જોઈએ છે, ભીખ નહીં. તમે ફુગ્ગા લેશો તો જ હું પૈસા લઈશ.
મને થયું કે, આ કેવો ગાંડો માણસ છે. રાત પડી એ અને એનો છોકરો ભૂખ્યો છે અને આ ભાઈ ને ઈમાનદારીની પડી છે. એટલે મે કહ્યું, ભાઈ સોરી પણ આ ભીખ નથી એક નાના ભાઈ તરીકે આપુ છું, રાખી લે. પણ એને કહ્યું, હું હમણાં ભાઈ નહિ નાનો વેપારી છું.
બસ આ વાત સાંભળી અને મારા મનમાં તે વાત ઘર કરી ગઈ અને આખી જિંદગી આ વાત યાદ રાખીશ કે, "પરિસ્થિતિ કેવી પણ હોય, સમય કેટલો પણ ખરાબ ચાલતો હોય તો પણ સિદ્ધાંત કદી તોડવા નહિ"
અને મે એક સેકન્ડનો સમય બગાડ્યા વિના પેલા ભાઈને ચાલીસ રૂપિયા આપ્યા અને બે ફુગ્ગા લઈ લીધા. પેલા ભાઈ રાજી ખુશીથી હસતા મોઢે ત્યાંથી નીકળી ગયા. પણ એના ચહેરા પર જે સ્મિત હતું તે આજે પણ મને યાદ છે.
હું હજુ એ ભાઈનું નામ નથી જાણતો. પણ ઈમાનદારી નો ફુગ્ગો મને બરોબર યાદ રહેશે.
(અવિસો)

બીજા રસપ્રદ વિકલ્પો