સમુદ્રાન્તિકે
ધ્રુવ ભટ્ટ
(22)
‘કોઈનું ગાડું મળશે?’ વરાહસ્વરૂપ પહોંચતાં જ અમે વાહનની તપાસ શરૂ કરી.
વીસેક ઘરના નાનકડા ગામમાં ગોપા આતાને શોધતાં વાર ન થઈ. તેણે તરત ગાડું જોડ્યું. ગામ બહાર નીકળ્યા. ‘કાં ઓચિંતું પટવે જાવાનું થ્યું.?’ તેણે બળદોને પસવારતાં પૂછ્યું.
‘ત્યાં અવલના ઘરે જવું છે.’ મને ભાન થયું કે અવલના ભાઈનું નામ, ઠામ, ઠેકાણું કંઈ જ મેં પૂછ્યું નથી.
‘તે અવલ ક્યાં પટવે રેય છ?’ ગોપો આતો પાછળ ફરીને અમારી સામે જોતાં બોલ્યો. મેં તેને આખોએ બનાવ ટૂંકમાં કહ્યો. ડોસાના મુખ પર ચિંતા સળવળી પણ તરત તેણે કહ્યું:
‘વિષ્ણાને કાંય નો થાય. હાદાભટ્ટનું વંશ. ઈને સું થવાનું છ?’ પછી બળદોને ડચકારતાં આગળ બોલ્યો, ‘ને માથે અવલ જેવી સતીમા બેઠી છ. ઈનો કોઈ ભો નો રાખવો. મટી જાસે બધું.’
‘દાદા, સાપ કંઈ હાદાભટ્ટને ન ઓળખે’ પરાશરે કહ્યું.
‘તમતમારે જુઓને. આ ઢાંઢા હમણેં પટવે પૂગાડી દેસે.’ ગોપાએ પરાશર સામે જોતાં કહ્યું. ‘જીવની જેમ રાખ્યા છ બેયને. કોઈ દી પૂંછડુંય આમળ્યું નથ.’
હું આડા સાથે પીઠ ટેકવીને બેઠો હતો. મેં પૂછ્યું. ‘આતા, તમે હાદા ભટ્ટને જોયેલો?’
નાનપણે દીઠેલો. આ અવલનો વર તે વેળાએ આ વિસ્ના જેવડો.’ ગોપો આતો બોલ્યો. ‘પટવે રેતો’તો. ઈના ગ્યા પછી ગોરાણી અવલવાળી વાડીએ રે’વા વઈ આવી. ઈ તો હજી હમણાં લગણ જીવી. આવરદા લાંબી બાઈની.’
‘કહે છે, કેશો ભટ્ટ સાધુ થઈ ગયા?’
‘બન્યું’તું તો એવું’ ગોપા આતાએ રસ્તા પર નજર રાખતાં જવાબ દીધો. ‘કેશો રે’તો પટવાવાળી વાડીએ. આ અવલનો ભાઈ ખેડે છ ઈ વાડીએ કેશોની ભગતી.’ ડોસાએ વાત શરૂ કરી. ‘હાદા ભટ્ટને એક છોડી. પરદેશ, મારવાડ વરાવી’તી. ઈની જાન આવવાની હતી. પણ પટવામાં પાણીની ટાણ્ય. તે હાદાએ જાનને બેટ માથે રાખવાનું ગોઠવ્યું. ઈ વેળા કેશો આવ્યો હાદા પાંહે. કેય, ‘મોટાભાય, જાનને વાડીયે રોકો. કૂવો ખાલી નથ.’ ’
‘પછી.’
‘હાદાયે તો પાણી મૂક્યું’તું કે પટવાની વાડીએ ઈ પગ નો મૂકે. પણ જાન વાડીયે રેય તો કાંઈ વાંધો નો’તો.’
ગાડું અચાનક પથ્થર પર અથડાયું હોય તેમ પછડાયું. ‘ધીરે બાપલા ધીરે’ ગોપાએ બળદોને ઉદ્દેશીને કહ્યું. પછી વાત આગળ ચાલી. ‘ચૈત્રર-વઈસાખ મઈનો. માણાં બધું વયું ગ્યું ગુજરાત મજૂરીયે. પાણી સીંચવાવાળું કોઈ મળે નંઈ. ને ઈ વખતની જાનું મોટી. ઈને થૈ રે એટલું પાણી સીંચે કોણ?’
‘પછી બેટ પર જાન રોકી?’
‘ના રે, કેશો કેય સીંચવાની ચિંતા નો કરતા. મારો હડમાનડાડો લાગ રાખશે.’
‘પછી વરસાદ આવ્યો?’ મને આવી કોઈ દંતકથાની આશા હતી.
‘વૈસાખ મઈને વરસાદ ક્યાંથી હોય? હડમાનજી કેશાને સપનામાં આવીને કઈ ગ્યા’તા ‘ભગત, તારા ભાઈને ઘેર માંડવો છે. પાણી કૂવા બારું હું લાવી દઈશ. વાડીમાં માણાં હશે ન્યાં લગણ કૂવા પાંહેની કૂંડી ખાલી નંઈ થવા દઉં.’ ’
પરાશર મારા સામે જોઈને હસ્યો. ગોપાને ખ્યાલ આવી જતાં તે ગિન્નાયો. ‘તમીં નો માનો. અમીં તો નજરે જોયા છ ઈ બધાંને.’
‘ના, ના, દાદા હું કંઈ કહેતો નથી. તમ તમારે જાવા દ્યો’ પરાશરે કહ્યું
‘તે હું જાવા દઉં છ એવું લાગે છ? હાદોભટ્ટ મારો સગો થાય છ? તે મારે જાવા દેવાની વાત્યું કરવી પડે? આતો આ સાયેબે પૂછ્યું ઈ વાતે મારે કેવાનું થ્યું. બાકી મારે સું છ?’
‘દાદા, તમે એની ચિંતા ન કરો. એ તો મહેમાન છે. તમતમારે વાત ચાલુ રાખો’ મેં કહ્યું.
‘જાન તો આવી વાડીયે રોકાણી. કેશો વયોગ્યો ગામના મંદિરમાં રે’વા. ઈને જાજાં જણ હોય ન્યાં ફાવે નંઈ.’
‘હં’ મેં હોંકારો ભણ્યો.
‘આંય હાદાયે જાનવાળાને હાથ જોડી જોડીને કીધું’તું કે જાન પાછી વળે તંયે વાડીએ કોઈ કાંઈ ભૂલીને નો જાતા. પણ આદમી કોને કે છ? જાણી જોઈને કે ભૂલથી પણ કોકનું પંચીયું કૂવાને આડ લટકી રયું ને જાન તો વઈ ગઈ.’
‘પછી’
‘બીજે દી રાત્યે કેશાને સપનામાં દાદો દેખાયો કેય ‘એલા તને ચેતવ્યો’તો તોય મારી દસા કરી? આમ જો મારો વાંહો. પાણી સારી સારીને છોલાઈ ગ્યો છ.’
‘ભારે થઈ’ મેં ડોસાની વાતમાં સૂર પુરાવ્યો.
‘ઈ ને ઈ ઘડીયે કેશો વાડીએ ગ્યો. વાડીએ તો કૂંડી ઊભરાય ને રેલમ છેલમ. કેશાયે આડી માથેથી પંચીયું લઈ લીધું ને અડધી રાત્યે હાદાભટ્ટને અવાજ દીધો. હાદાયે ડેલી ખોલી ને કેશાયે પંચીયું સામું ધર્યું. કાંય બોલવા જેવું તો હતું નંઈ. સું થ્યું છ ઈ હાદો સમજી ગ્યો. પાડોસના બે-તૈણ જણ જાગ્યા ને આવીને ઊભાર્યા.
ગોપાએ ગાડું રોક્યું. નીચે ઊતરીને પૈડામાં કંઈક તપાસ્યું પછી પાછો આવીને ગાડે બેઠો. આગળ ચાલતા કહે:
‘હાદોભટ્ટ મોટોભાય થાય. વળી એણે કેશાને જિંદગી પાલવ્યો’તો તોયે ઈવડો ઈ ઉઠીને કેશાને પગે પડ્યો. ‘ભગત ભૂલ તો બીજા કોઈની નંઈ. મારી. હવે તું દેય ઈ સજા ભોગવી લઈસ.’
મને નૂરભાઈ યાદ આવ્યો. હાદાભટ્ટને તે ‘આપણી સમજ બહારનો’ ગણે છે. મને નૂરાની માન્યતા સાચી લાગી. આ વ્યવહાર પાછળની પરસ્પરની સમજણ, લાગણી અને એક-બીજાનો વિચાર કરવાની વૃત્તિ કેટલી ઊંચી હશે તેનું માપ કાઢવું તે સામાન્ય માણસની સમજ બહારનું જ ગણાય.
‘પછી તો કેશો કેય ‘આગના આપો. હવે લોકવચાળે રે’વું નંઈ ગમે. ડુંગર પાર ઊતરી જાવું છ.’ પણ હાદો કેય ‘મારાથી આગના કેમ દેવાય? તને હારે લાવનારી તારી ભાભી છેય. ઈ કેય એમ કર્ય.’ ’
‘પછી? ગોરાણીએ કેશાને રોક્યો?’
‘એણે તો ઉપરથી વયો જાવા દીધો. ‘જીનું મન સંસારમાં નથ્ય ઈને પરાણે રોકીને સુકામ કોચવું. જા ભાઈ. કઈને ઊભી રઈ.’
‘કેશાની પત્ની હતી ને.’ મેં કહ્યું.
‘રતનવહું. ઈ ભેગી નો ગઈ. પણ કેશો ગ્યો ઈના છો મઈનામાં ઈણે દેહ પાડી નાખ્યો.’
‘કંઈ બાળકો?’
‘કેશાને તો કાંય નો’તું. હાદાને દીકરી માથે એક છોકરો હતો. આ અવલનો સસરો. પણ ઈ તો આ અવલનો વર જલમ્યો ઈ વેળામાં જ મરી ગ્યો તો. અવલના વરને તો હાદાએ મોટો કર્યો. ઈ હતો જુવાનજોધ. ને આ અવલ પરણીને આવી’તી ઈ હતી.’
‘પછી?’
‘ભાય વયોગ્યો, છોકરો તો હતો નંઈ. છોકરાની વહુ પિયેર જઈને રેતી. હાદાથી નો જીરવાણું તે બે-તૈણ વરહે ઈય ગ્યો પરભુના ધામમાં. વાહે ર્યા ઉમાગોરાણી, આ અવલને ઈનો વર.’
‘હં’ મેં કહ્યું અવલ હાદા ભટ્ટના પૌત્રની પત્ની છે. સરાકારી નામે બોલાતી આ વિશાળ જાગીરની માલિકણ. તે ખ્યાલથી મારા મનમાં અવલનું આખું ચિત્ર બદલાઈ ગયું.
‘અવલનો વર હતો જુવાન ઈ ઊભો થ્યો કેશાવાળું ખેતર ખેડવા. કેય ‘ખેતરેય ખેડું ને હવેલીય નામે કરું. કાકાને તો વંશ ર્યો નથી. પછે સું છે?’
‘સાચી વાત છે. હવેલી પણ તેની જ ગણાય ને!’
‘ઈ તો મલક જાણે છ. કાંય નોંધણી નો’તી થઈ ને કોઈ માલીપા રે’તું નંઈ. અંગરેજના ટેમથી આ સરકારી ચોપડે ગઈ. બાકી આમ તો મલક આખો જાણે છ કે હવેલી હાદાભટ્ટની છે.’ ગોપાએ કહ્યું.
‘તો પછી?’
‘ઈ જ વાત છે. માણાં જીવ જાય ન્યાં લગી સાચને વળગી રેય છ. છોકરો કેય હું ‘પટવાવાળું ખેડું.’ ને ઉમાગોરાણી કેય ‘તારા દાદાયે મારી નજરે પાણી મૂક્યું કે પટવાના ખેતરે ઈના વંશનું હળ નંઈ ફરે. ઈનું વચન તોડે ઈ મારો કોઈ સગો નંઈ.’ ’
‘પછી’ હવે પરાશરને પણ વાતમાં રસ પડવા માંડ્યો.
‘છોકરે માન્યું નંઈ, હળ જોડ્યાં. ઓલીપા ઉમાગોરાણી ગાડે બેઠી. પટવેથી નીકળીને આંય અવલવાળી વાડીયે આવીને રઈ. ઊપજ વગરની વાડીએ. કેય ‘ધૂળ ખાઈને જીવીસ. પણ દાદાનું વચન તોડ્યું ઈની હાર્યે નૈં રઉં.’ ’
‘ને અવલ?’
‘ઈય વાંહે નીકળી. ઈના મનમાં એમ કે ‘હું અસ્ત્રીની જાત છવ. ધણીને સું કઉં?’ પણ આદમી પોતાનું વચન તોડે તો અસ્ત્રી ઈ પાળે ને આદમીના પાપ એટલાં ઓછાં થાય. ઈય આવીને ઈની વડસાસુ હાર્યે રોટલા ખાઈને પડી રઈ પણ કોઈ દી પટવે નો ગઈ.’
‘તો પટવાનું ખેતર હવે અવલનો ભાઈ કેમ ખેડે છે?’ મેં પૂછ્યું.
અવલનો વર ડુંગરના મેળે ખોવાઈ ગ્યો છ. ખેતર ને ભાઈને કાંય ખેડવા નથ દીધું, ભાગે દીધું છ. ભાઈનો ભાગ ભાઈ લેય ને કેશાનો ભાગ મંદિરમાં ખેરાત કરે છ. આવી કસદાર જમીન ખેડે નંઈ તો નિહાકો પડે ધરતીમાતાનો. ઈને ખેડ્યા વગર મૂકી થોડી રખાય છ? છોકરો મામા-મામી પાંહે રઈને ભણે છ.’ ગોપાએ વાત પૂરી કરતાં કહ્યું, ‘ધરમી માણાંને જીવવું તલવારની ધાર્યે હોય છ. આપણા જેવું થોડું છ?’
થોડી પળો શાંતિમાં વીતી. ગોપો ઘડીએ ઘડીએ ‘હાલો મારા બાપ. આ રહ્યું પટવા.’ કરતો બળદો સાથે વાતો કરતો રહ્યો. થોડી વારે અમે કેશાભટ્ટની વાડીએ પહોંચી ગયા.
અવલનો ભાઈ તો સરવણ પાસેથી સમાચાર મળતાં જ દરિયા પટ્ટીના માર્ગે વરાહસ્વરૂપ જવા નીકળી ગયો હતો. કદાચ તે બેટ પર જ અવલ સાથે થઈ ગયો હશે. અથવા પાછળ બીજો મછવો લઈને જશે.
‘એ પહોંચી જશે, ગમે તેમ કરીને પણ ભેગા થઈ જશે’ ગૃહિણીએ કહ્યું.
મેં ઘરનું અવલોકન કર્યું. અવલ કરતાં સુખી. ખારાપાટના છેવાડે સારી અને પાછી કૂવાવાળી જમીન. અડધી આવક પર આ કુટુંબ નભે છે. બાકીની અડધી આવકનો લેનાર સાધુવેશ ક્યાંક ફરતો હશે, કે કદાચ આ જગતમાં નહીં હોય, એને નામે ભૂખ્યાઓને દાન કરાય છે.
આ બધા કોઈક જુદી જ જીવનરીતિના અંશો છે. કદાચ આપણે તેને મુર્ખ ગણવા પ્રેરાઈએ. આજથી બે વર્ષ પહેલાં આ કથા મેં જાણી હોત તો હું પણ તેને મૂર્ખાઈ ગણત; પરંતુ આજે, સંપત્તિ પ્રત્યે મોહ હોવો તે અક્કલનું કામ છે અને તેવું ન હોવું તે મુર્ખાઈ છે એવું શા માટે મનાય છે; તે હવે મને સમજાતું નથી.
***