સમુદ્રાન્તિકે - 23 Dhruv Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સમુદ્રાન્તિકે - 23

સમુદ્રાન્તિકે

ધ્રુવ ભટ્ટ

(23)

પરાશર આવ્યો તે સમયે જ આ બધું બની ગયું તેથી હું તેને ક્યાંય લઈ જઈ ન શક્યો. બંગાળીની મઢીએ ભજન સાંભળવા પણ અમે ન જઈ શક્યા. એકાદ ચાંદની રાત્રે રબ્બરની હોડીમાં દરિયે તો જઈ શકાત. પણ એ હોડી રહી ગઈ મછવામાં. કંઈ ન થઈ શકયું અને પરાશર ચાલ્યો ગયો.

શ્યાલબેટ મારા માટે અધૂરા પ્રશ્નોનો બેટ સાબિટ થયો છે. પહેલી વખતે ભેસલાનું રહસ્ય અને પેલા થાપડાના ખલાસીઓનું શું બન્યું હશે? તે જાણ્યા વગર નીકળી ગયો. આ વખતે વિષ્ણોની ચિંતા લઈને નીકળી જવું પડ્યું.

અવલ હજી આવી નથી. માઈલો વેરાનમાં હું અને પગી એકલા છીએ. જૂના દસ્તાવેજો ભેગા કરવા લખાપટ્ટી કરવાનું કર્યું છે. વિષ્ણો બચી ગયો છે તે સમાચાર પટવાથી પસાયતો આપી ગયો છે. અવલ હવે આજ-કાલમાં આવશે.

વરસાદ ખેંચાઈ ગયો છે, જૂન મહિનો પૂરો થવા આવ્યો પણ આકાશમાં ભેજનું નામનિશાન નથી. આજે બંગાળીને ત્યાં જવાનું મન થાય છે ત્યાં જ બાટી શેકી નાખીશું.

સરવણ ટપાલે ગયો અને હું મઢી તરફ ચાલ્યો. આજે જે કેડી પર હું કબીરાને દોરું છું, ત્યાં થોડાં વર્ષો પછી વાહનો દોડતાં થશે. મારું મન વિચારે ચડી ગયું. ખેરાના મુખીને બસ પકડવા સાત-આઠ માઈલ ચાલવું નહીં પડે.

જે જે વસ્તુઓનો સમાવેશ આધુનિક માનવી ‘સુખ’માં કરે છે તેમાંની મોટા ભાગની વસ્તુઓ અહીં હાજર હશે.

નહીં હોય માત્ર આ ધૂળ ઉડાડતો ખારો પાટ, એના ખાલીપો, આ નિર્જન રમ્ય સાગરતટ, પરીઓ અને કિન્નારોને રમવા આવવાનાં છૂપાં સ્થાનો, અને આ આકાશની પરમ પારદર્શકતા. ભલા! જે માનવી વિકાસ અને સમૃદ્ધિની ઈચ્છા કરે, તેને આટલી નાનકડી કિંમત તો ચૂકવવી જ પડે ને!

આ રમ્ય જગતને હચમચાવી નાખવા પહેલો ઘા કરનાર તો હું જ છું. બંગાળીના શબ્દો યાદ કરું છું ‘જો નયા બનેગા, એક દિન વહ ભી નષ્ટ હોગા.’

અંતે તો બધું જ નાશ પામવાનું છે, અને ફરી પાંગરશે. કોઈ હાદોભટ્ટ કોઈ અવલ, કોઈ બેલી, કોઈ નૂરોભાઈ બધા ફરી ફરીને આવશે, જશે. આ પ્રક્રિયા અનંતકાળ ચાલ્યા કરશે. કોઈ પણ માણસે એકની એક પળ બીજી વખત ભાળી છે ખરી? મઢીએ પહોંચ્યો ત્યાં સુધી મારી વિચારધારા ચાલ્યા કરી.

મઢી પર શામજી મુખી પણ બેઠો હતો.

‘એ રામ રામ મુખી’ મેં કહ્યું. અને બાવાજીને હાથ જોડ્યા.

‘આવો સાહેબ’ મુખીએ ઊભા થઈને સામે આવતા કહ્યું, ‘પરાશભાય આવ્યા’તાને કાંઈ ખબરેય નો પડી? પાછા ગ્યા તંયે બસમાં જોયા.’ મને આશ્ચર્ય થયું ‘મુખી, તમે પરાશરને ક્યાંથી ઓળખો?’ આટલે દૂર પરાશરને નામથી જાણનાર કોઈ હોઈ શકે તે મારી કલ્પનામાં પણ ન હતું.

આ ચોથી સાલ મજૂરીયે ગ્યા’તાં તંયે આ પરાશભાયના કારખાના પાંહે જ રોડનું કામ હાલતું’તું. રાત્યે ઈમના દરવાજે જ પડી રે’તા. પાણી પીવાજાંઈ તો આ માણાં ના નો પાડે. સંધાયને આવવા દે કારખાનાની માલીપા. હવે ઈમને કેમ ભૂલાય?’ મુખીએ કહ્યું.

રોડ બાંધવાની મજૂરી કરતા મજૂરોને મેં જોયાં છે, એ કંગાળ, કાળા ડામરવાળા હાથ, ઓઝપાઈ ગયેલા ચહેરાઓ. રાત્રે રસ્તાની બાજુમાં જ પડી રહેતા માનવજીવોમાં કોઈ ગામનો મુખી, પચીસ સાંતી જમીનનો ધણી પણ હશે તેની કલ્પના પણ કોને આવે?

મારું ચિત્ત ઢંઢોળાઈ ગયું. શામજી પોતાના ભાગે આવેલી બંને ભૂમિકા આટલી સ્વાસ્થતાપૂર્વક શી રીતે નિભાવી શકે છે? શું થતું હશે તેના મનમાં જ્યારે તે મુકાદમની ગાળો ખાતો, રસ્તા પર ડામર પાથરતો હશે ત્યારે! એક જ જીવનમાં, અરે લગભગ દર વર્ષે બબ્બે વિભિન્ન પરિસ્થિતિઓ વચ્ચે પણ તે કેટલી સરળતાથી, સ્વાભાવિકતાથી જીવી શકે છે?

આ શક્તિ ક્યાંથી આવે છે? તે વિચારું છું તો મનમાંથી ઉત્તર મળે છે. ‘પ્રકૃતિ પાસેથી.’ મેં અનુભવ્યું છે કે જે માણસ પ્રકૃતિની નિકટ રહે છે તેને પ્રકૃતિ પોતાના મૂળભૂત ગુણોનું દાન કરે છે. સ્વાભાવિકતા, નિર્દંભીપણું, અભય અને જેવા છીએ તેવા દેખાવા જેટલી સરળતા.

બંગાળીને ત્યાં અમે ઘણું રોકાયા. બંગાળીએ ગીતો ગાયાં. મુખીએ પણ ભજન સંભળાવ્યું. વરસાદ ખેંચાઈ જશે તો શું થશે! તેવી ચિંતા કરી તો બાવો કહે. ‘નહીં, બરસાત જરૂર આવેગી, જોરોંસે આવેગી.’

રાત પડવા આવી ત્યારે અમે ઊઠ્યા. બાવો છેક નીચે સુધી અમને મૂકવા આવ્યો. પછી કહે. ‘દેખ મુખી એક બાત માન, તેરે ગાંવમેં જો બચ્ચે હેં ઈનકો થોડે દિન હવેલી ભેજ દે. ઔર મવેશિયોં કો બાંધના નહીં. ઐસે હી ખુલા છોડ કે રખના.’

‘કેમ?’ મને બાવો આવી વ્યવસ્થા ગોઠવે તે નવું લાગ્યું.

‘ક્યો?’ છોકરે લોગ બંગલેમેં રહેગા તો તુઝે કોઈ તકલીફ હૈ?’

‘ના, પણ ગાય-બળદોને કેમ છૂટાં રાખવાનાં?’ મેં પૂછ્યું.

‘સુન, ડરાતા નહીં હું. લેકીન યે અપને અનંતમહારાજ હૈ ન? યે દરિયા દો-તિન દિનસે ઠીક તરહસે બાતે નહીં કરતે. લગતા હૈ મહારાજ શાયદ! તૂફાન કર દેંગે.’

મને બાવાજીની વાત ગળે ન ઊતરી. તે ધૂની છે, થોડું બબડી લે તો તેની ગાયો તે બડબડાટ સમજતી હશે. પણ ‘યે અનંત મહારાજ!’ છટ્ઠ. મેં કંઈ ગંભીરતા ન માની. જોકે ખેરામાં દશ-વીસ બાળકો હશે તે બધાં ભલે થોડા દિવસે બંગલે રહી જાય. મને શો વાંધો હોય?

‘ઠીક હૈ. મુઝે કોઈ આપત્તિ નહીં’ મેં હિન્દીમાં જવાબ આપ્યો અને કબીરાને બંગલા તરફ દોડાવી મૂક્યો.

***