64 સમરહિલ - 50 Dhaivat Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

64 સમરહિલ - 50

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - 50

'યસ.. આઈ એમ પ્રોફેસર રાય...' ધડ્ડામ કરતો દરવાજો ખૂલ્યો અને વાવાઝોડાંની માફક અંદર પ્રવેશીને રાઘવ ભણી હાથ લંબાવતાં તેણે કહ્યું, 'ત્વરિત ઈઝ રાઈટ. હી વોઝ માય સ્ટુડન્ટ એટ બનારસ.

માયસેલ્ફ પ્રોફેસર નીલાંબર રાય...'

તેના ચહેરા પર ગુમાન હતું. આંખોમાં બેખૌફ મુસ્તાકી હતી અને બોડી લેંગ્વેજમાં અજીબ આત્મવિશ્વાસ.
સ્થિર નજરે રાઘવ તરફ તાકીને તેણે ઉમેર્યું, 'પ્રોફેસર ઓફ એન્શ્યન્ટ સ્કલ્પ્ચર એન્ડ એપિગ્રાફી...'
રાઘવે પહેલાં શેકહેન્ડ માટે લંબાયેલા તેના હાથ ભણી જોયું અને પછી તેની સામે જોઈને હસ્યો, 'આવી બંધાયેલી હાલતમાં શેકહેન્ડ કરવાનું મને નહિ ફાવે...'

'ઓહ યસ...' તેણે હાથ પાછો ખેંચ્યો અને છપ્પનની બાજુમાં ચારપાઈ પર રાઘવની નજીક બેઠો, 'આઈ એમ સોરી, પણ તારા હાથ તો હું છોડી શકું તેમ નથી..'

'ત્યાં સુધી મારાથી હાથ મિલાવવાનું ય શક્ય નથી..'

'જરૃરી ભી નહિ હૈ...' રાઘવની ચબરાકીને નજરઅંદાજ કરીને તરત તેણે જવાબ વાળ્યો અને એક-એક શબ્દ છૂટો પાડીને કહ્યું, 'એ-સી-પી રાઘવ માહિયા... આઈ સેઈડ, તમે અહીં આવ્યા નથી પણ હું તમને અહીં લાવ્યો છું, રાઈટ?'

'હાઉ?' રાઘવ પણ હવે હર હાલતમાં આ ઉસ્તાદ આદમીનો ભેદ પામવા તત્પર હતો, '... એન્ડ વ્હાય?'
'હાઉ...' તેણે પગ પર પગ ચડાવ્યો. હોઠ પર અંગૂઠો ફેરવ્યો. સ્હેજ ગરદન નમાવીને તિરછી નજરે જોયા કર્યું. રાઘવ સમજી શકતો હતો કે સામેના માણસની ઉત્સુકતા બેવડાવવાની આ સ્ટાઈલ હતી.

'યસ... તારી ઉત્સુકતા વધારવી હોય ત્યારે આવા પોઝ, આવી સ્ટાઈલ કામ લાગે જ...' રાઘવને વિશ્વાસ ન્હોતો પડતો. આ માણસ ખરેખર સામેની વ્યક્તિના મનમાં આગિયાની જેમ ઝબકી જતા વિચારને પકડી લેતો હતો?

'યસ્સ્સ્....' પ્રોફેસરે એ જ ઘડીએ બીજો ફટકો ય મારી જ દીધો, 'હું તારા વિચાર આબાદ પકડી શકું છું.

બટ ઈટ્સ ડિફરન્ટ થિન્ગ... અત્યારે તો તારા પહેલા સવાલનો જવાબ આપું. હું તને કેમ અને કેવી રીતે અહીં સુધી ખેંચી લાવ્યો, રાઈટ?'

એ કહી રહ્યો હતો રાઘવને, પણ તેને બરાબર ખબર હતી કે ઓરડામાં હાજર બીજા ત્રણેય ધ્યાનથી તેને સાંભળી રહ્યા હતા.

'એક મૂર્તિ ચોરાઈ તેની તપાસ કરતો છેક ડિંડોરીથી તું ડેરા સુલ્તાનખાઁ સુધી પહોંચ્યો એ માટે હું તને સલામ કરું છું, પણ એથી મને સમજાય છે કે તું છાલ છોડે એ માંહ્યલો અફસર નથી...' તેણે તારિફભરી નજરે રાઘવની સામે જોયું, 'અહીં હું તને ચકમો આપું તો તું હજુ ય મારો પીછો કરવાનો જ અને એ હવે મને પાલવે તેમ નથી..'

તેણે ઊંડો શ્વાસ લીધો. તેના ગોરા, સ્હેજ ફિક્કા ચહેરા પર મક્કમતા ઊભરી, 'ધ ગેઈમ ઈઝ જસ્ટ સ્ટાર્ટેડ એન્ડ આઈ કાન્ટ એલાઉ એનીબડી ટુ ડિસ્ટર્બ ઈટ...' અચાનક એ કમરમાંથી ઝુક્યો અને ઝાટકા સાથે રાઘવનો કોલર મજબૂત હાથે ખેંચ્યો, 'તું કે તારો કાનૂન તો શું, દુનિયાની કોઈ તાકાત મને મારા લક્ષ્ય તરફ જતો રોકી નહિ શકે, સમજ્યો?'

કપાળ પર ધસી આવેલા લિસ્સા, સીધા, ભુખરા વાળ આડેથી દેખાતી તેની આંખોમાં હિંસક પશુ જેવો ઉન્માદ છલકાતો હતો. શબ્દો તેના હતા પણ અવાજમાં કશુંક ગેબીપણું હતું. રાઘવ દિગ્મૂઢ થઈને જોતો રહ્યો.

'અત્યારે હું મારી જિંદગીના સૌથી વધુ મહત્વના વળાંક પર ઊભો છું... એન્ડ નાવ ઈટ્સ પોઈન્ટ ઓફ નો-રિટર્ન. હું અહીંથી પાછો ફરી શકું તેમ નથી. મને બરાબર ખબર છે કે, એક મૂર્તિ ચોરાઈ એટલે તેની તલાશ કરતો તું છેક અહીં સુધી પહોંચ્યો નથી પણ એક વામપંથી મૂર્તિની વાયકા સાંભળીને તને ઉત્સુકતા જાગી છે, રાઈટ?'

ફરીથી રાઘવ થીજી ગયો. આ માણસ સાલો એકએક ઝીણી-ઝીણી બાબતથી કેવી રીતે માહિતગાર છે? ઝુઝારને આખો તાયફો સમજાતો ન હતો પણ રાઘવના રિએક્શનને તે બારીકાઈથી જોઈ રહ્યો હતો. છપ્પન જાણે ખાખી વર્દી સાથે જિંદગીભર અનુભવેલી ફડકનું વેર વસૂલાતું હોય એવી ગમ્મતથી રાઘવને ચકિત થતો જોઈ રહ્યો હતો. ત્વરિત એકપણ અક્ષર બોલ્યા વગર હજુ ય એવી જ તાજુબીથી તેને જોઈ રહ્યો હતો.

દુબળીએ નજર ફેરવ્યા વગર જ સૌના મનોભાવ વાંચી લીધા, પછી છપ્પનની સામે જોઈને ગર્ભિત સ્મિત વેર્યું, 'હું એટલા માટે જ તને આ વાતથી દૂર રાખતો હતો. બિકોઝ આઈ નો, એકવાર આ વામપંથીના ચક્કરમાં પડે એ માણસ જિંદગીભર તેનાથી પોતાનો પીછો છોડાવી શકતો નથી...'

પછી રાઘવ તરફ આંગળી ચિંધીને ઉમેર્યું, 'યુ ઓલ્સો સીમ ટૂ બી ધેર એટ પોઈન્ટ ઓફ નો-રિટર્ન...હવે એક જ મૂર્તિ મારે જોઈએ છે અને એ આંધ્રપ્રદેશના વારંગલ પાસે છે. એ મળી જાય પછી હું નક્કી કરીશ કે મારે તારૃં શું કરવું. ફિલહાલ, તું મારો મહેમાન છે. મહેમાનની માફક રહીશ તો મહેમાનગતિ માણીશ..' પછી આગ ફેંકતી નજરે ઝુઝારની સામે જોઈને ઉમેર્યું, '... અને છટકવાની કોશિષ કરીશ તો છટક્યા પછી ય ઘરે જવાનું મન નહિ થાય...'

રાઘવે સવાલિયા નજરે તેની સામે જોયું એટલે તેણે ઠંડા કલેજે, ચહેરાની એકેય રેખા ચસકવા દીધા વગર સપાટ સ્વરે કહી દીધું, 'કારણ કે, ઘરે જઈને ઓળખાવા જેવો તું નહિ રહ્યો હોય...'

'ત્વરિત આવે તેની જ તું રાહ જોતો હતો ને?' અચાનક તેણે છપ્પનને કહ્યું એથી એ બધવાઈ ગયો, 'આ રહ્યો ત્વરિત અને સાથે આ બીજા બે મહેમાન પણ... બોલ, હવે તું તૈયાર છે?'

તેના અવાજમાં તાકિદ હતી અને આંખોમાં અંગારા જેવો દઝારો. તેનું વાક્ય પૂરું થાય એ પહેલાં જ છપ્પને હકારમાં ગરદન ધૂણાવી દીધી.

'વારંગલની એ સંકેત પ્રતિમા છે... શરીરના આઠ કોઠાને ચેતાઓ વડે મન સાથે સાંકળતી એ સંકેત પ્રતિમા..'

પછી તેણે ત્વરિત સામે જોયું અને ઉપહાસભર્યા અવાજે પૂછ્યું, 'કોઈ ટેક્સ્ટમાં વાંચ્યું છે તેં આ બધું? તાજુબી થાય છે ને કે ટેક્સ્ટ બુક્સમાં ય ભૂલાઈ ગયેલી આવી મૂર્તિઓ મેં ક્યાંથી અને કેવી રીતે શોધી?'

અચાનક તેનો અવાજ ઊંચકાયો, ચહેરાના હાવભાવ બદલાયા અને આંખોમાં ખુન્નસ ઊભરી આવ્યું, 'હવે યાદ કર મારા નામે ફરતા થયેલા જોક્સ... મારી ફિરકી ઊડાવતા કાર્ટુન્સ... મારી પીઠ પાછળ ખખડતા તમારા બધાના હાસ્યના એ ઠહાકા... માય ફૂટ... યુ ઓલ વેર સ્ટુપિડ... હું એ સાબિત કરવાની અણી પર છું કે મારી હાંસી ઊડાવનારા તમે બધા ગધેડા છો... હું જ સૌથી વધુ બુધ્ધિવાન છું...'

તેના બદલાયેલા અવાજમાં જાણે અગોચરમાંથી શબ્દો મૂકાતા હોય તેમ તેણે છત તરફ તાકીને બે હાથ પહોળા કર્યા અને બુલંદ અવાજે કહ્યું, 'સુમેધા અમૃતોક્ષિતઃ... અમૃત થકી અભિષેક પામેલો હું સંસારમાં સૌથી વધુ બુધ્ધિવાન છું...'

બધાના દિગ્મૂઢ ચહેરાની પરવા કર્યા વગર એ બહાર નીકળ્યો અને ધડ્ડામ અવાજ સાથે બારણું બંધ કર્યું ત્યારે ઓરડાના સૂનકારા વચ્ચે હજુ ય તેનો અવાજ પડઘાઈ રહ્યો હતો…

'સુમેધા અમૃતોક્ષિતઃ... હું સંસારમાં સૌથી વધુ બુધ્ધિવાન છું... હું સંસારમાં...'

***

સૌના દિમાગને ઝકઝોરીને દુબળી બહાર નીકળ્યો એ પછી ક્યાંય સુધી દરેક અબૂધપણે એકમેકને નિરખતા રહ્યા હતા. છેવટે રાઘવે ત્વરિતને પૂછ્યું હતું, 'કોણ છે આ માણસ?'

ત્વરિત ઘડીક ચૂપ રહ્યો હતો. દરેક આંખો પોતાના પર આતુરતાભેર મંડાયેલી છે તે અનુભવીને તેણે ઊંડો નિઃશ્વાસ નાંખ્યો હતો. ડિંડોરીના દેવાલયમાં તેણે એ દિવસે જવા જેવું ન હતું. ગયો જ હતો તો એ મૂર્તિ પર થયેલા માર્કિંગ જોવા જેવા ન હતા. માર્કિંગ પણ જોઈ જ લીધા હતા તો પછી…

તેની નિયતિ ખબર નહિ, તેને ક્યાં ખેંચી રહી હતી... તેણે ફરીથી નિઃશ્વાસ નાંખીને ગરદન હલાવ્યા કરી.
'એ નીલાંબર રાય છે... બનારસ હિન્દુ યુનિવર્સિટીનો પ્રાચીન શિલ્પશાસ્ત્ર અને તામ્રપત્રો વગેરેનો વિદ્વાન પ્રોફેસર અને રિસર્ચ ગાઈડ...' તેણે ધીમા અવાજે બોલવાનું શરૃ કર્યું કે તરત સૌના કાન સરવા થયા.

રાઘવને બંધનને લીધે જકડાઈ રહેલા સ્નાયુઓનું દર્દ વિસરાઈ ગયું, ઝુઝારને ઓલ્ડ મોન્કની તલબ ભૂલાઈ ગઈ અને છપ્પનના મગજમાં અઢી વર્ષનો આ આદમી સાથેનો પનારો સડસડાટ દોડી ગયો.
'વિદ્વાન યાને સ્કોલર યાને એક્સપર્ટ.. આથી વિશેષ બીજો કોઈ શબ્દ મને સૂઝતો નથી એટલે એ જ શબ્દ વાપરી રહ્યો છું. અધરવાઈસ, આઈ શૂડ સે.. હી ઈઝ અ જિનિયસ... ગોડ ગિફ્ટેડ.' હવામાં તાકીને ત્વરિતે બોલવાનું શરૃ કર્યું. તેની આંખો સામે તેનો આખો અભ્યાસકાળ ફિલ્મની પટ્ટીની જેમ ભજવાતો જતો હતો.

'ફોટોગ્રાફિક મેમરી. ભલભલાં પ્રાધ્યાપકો જ્યાં થાપ ખાઈ જાય ત્યાં આ માણસ પાના નંબર સાથે આખાને આખા રેફરન્સ બોલી નાંખતો. આંતરરાષ્ટ્રીય સ્તરે તેના સંશોધનો અને તર્કો બહુ જ આદરપૂર્વક જોવાતાં હતાં. ખાસ કરીને ઈસ્વીસનના પ્રથમ સૈકાના શિલ્પો તેમજ શૈવશાસ્ત્રમાં એ માસ્ટર કહેવાતો.

પણ જેટલો અભ્યાસુ, જેટલો વિચક્ષણ એટલો જ સનકી... એકવાર તેની પીન ચોંટી જાય પછી સરળતાથી ઉખડે નહિ અને કઠણાઈ એ કે તેની પીન ક્યાંક ને ક્યાંક ચોંટેલી જ હોય. એટલે તે વિદ્યાર્થીઓમાં મજાકનું સાધન પણ બનતો...'

'શૈવમત, લકુલિશ, કાપાલિકના અભ્યાસમાં એ એટલો તન્મય થઈ ગયો હતો કે અંગત જિંદગીમાં પણ સ્વભાવે સનકી અને દેખાવે અઘોરી જેવો થઈ ગયો હતો.

'પણ આ લકુલિશ અને કાપાલિક એટલે?' રાઘવ નોટપેડ વગર પણ મનોમન મુદ્દાઓ નોંધતો હોય તેમ તરત પૂછી બેઠો.

'શિવઉપાસના એટલે કે શૈવમતના એ અલગ અલગ ફાંટા છે. સ્થાપિત શૈવમત લકુલિશ અને કાપાલિકને વામપંથી ગણે છે. એ વામમાર્ગિય ઉપાસનાની પધ્ધતિઓ બહુ જ ગૂઢ અને રહસ્યમય રાખવામાં આવી છે અને એવું ય કહેવાય છે કે સંસારીઓ માટે એ ત્યાજ્ય છે.'

'આજે હું તેને આવા સફાઈદાર સ્ટાઈલિશ કપડાંમાં જોઉં છું તેનું મને અપાર આશ્ચર્ય છે પરંતુ મેં જે નીલાંબર રાયને જોયો છે એ તો બેહદ લઘરો હતો. દિવસો સુધી એકના એક કપડાં પહેરે, ન્હાવા-ધોવાના ય ઠેકાણાં નહિ. દિવસ-રાત પોતાની ચેમ્બરમાં બેસીને વાંચ્યા જ કરે. એટલો બધો ધૂની કે, એકવાર એ યુરિન પાસ માટે ટોઈલેટમાં હતો અને ત્યાં કશોક વિચાર આવ્યો તો એ જ હાલતમાં ક્લાસમાં દોડી આવ્યો અને વિદ્યાર્થીઓને થોમસ બ્યુલર અને જીન મેક્કેઈનની થિયરી શા માટે ખોટી છે એ ભણાવવા માંડયો!'

'તેની તમામ સનક અને આવા ધૂનીપણાં છતાં એ વિદ્યાર્થીઓમાં ભારે લોકપ્રિય હતો. એ ભેજાંગેપ ચક્રમ હતો પણ તેના વિષયમાં મહાભેજાંબાજ હતો. એવુંય કહેવાતું કે તે કેટલીક અઘોરી સાધના કરે છે અને વારંવાર આસામના જંગલોમાં અને એવી બધી ભેદી, નિર્જન જગ્યાએ જતો રહે છે. ઈન શોર્ટ, બનારસ હિન્દુ યુનિવર્સિટનું એક એવું કરેક્ટર હતો જેનાં વિશે સૌથી વધુ ગોસિપિંગ થતું અને છતાં તેના વિશે સાચી ખબર ભાગ્યે જ કોઈને હતી.'

બહાર ઝરમર વરસાદ પડવો શરૃ થઈ ગયો હતો. સિમેન્ટ પતરાં પર પડતાં ફોરાની તડતડાટી ક્રમશઃ વેગ પકડી રહી હતી. નિર્જન ખેતરની પેલે પાર શિયાળની કારમી લારી પડઘાતી હતી. સન્નાટા વચ્ચે ફૂંકાતા વરસાદી પવનની લહેરખીમાં આમતેમ હિલોળાતા રાઈના છોડ બિહામણા આકારો ખડા કરતા હતા. લીંબુડી અને દાડમડીના ઘેરાવા તળે ઊડાઊડ કરતા તમરાંનો અવાજ ખેતરના નિર્જન સન્નાટામાં લય પૂરતો હતો.

- અને ઓરડામાં સૌની નજર ત્વરિત પર મંડાયેલી હતી.

અચાનક દરવાજો ફરીથી એવી જ રીતે ધડ્ડામ કરતો ખુલ્યો. એક ટેબલ ખસેડતો એ અંદર આવ્યો. મકાનમાં બીજું કોઈ હોય એવું કળાતું ન હતું અને આ રસોઈ કોણે તૈયાર કરી, બહારથી લાવવામાં આવી તો કોણ લાવ્યું તેનો કોઈ અંદાજ આવતો ન હતો. છાપરેથી કૂદેલી પેલી રણચંડી જેવી છોકરી કોણ હતી અને પછી ક્યાં ગઈ તેનો ય કોઈ અણસાર મળતો ન હતો. એકપણ અક્ષર બોલ્યા વગર તેણે રાઘવ અને ઝુઝારના હાથ ખોલ્યા અને ત્વરિતની સામે અછડતી નજર ફેંકીને એ જતો રહ્યો.

ટેબલ પર પડેલાં બાઉલમાંથી પ્રસરતી સોડમમાં ઓરડો ઘેરાતો જતો હતો. મકાઈની રોટી, ફ્લાવરનું શાક, કાળા અડદની દાળ, સ્ટિમ્ડ રાઈસ, માખણના ચોસલા, ફૂદીનાની ચટણી અને ઝુઝાર માટે ખાસ ઓલ્ડ મોન્કની બોટલ…

પણ કોઈને ખાવાનું સૂઝતું ન હતું અને ઝુઝાર પણ પીવાનું વિસરી ગયો હતો. સૌની આંખોમાં વંચાતી આતુરતા પારખીને ત્વરિતે ફરીથી શરૃ કર્યું.

'એક ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં તેણે એક અત્યંત રસપ્રદ રિસર્ચ પેપર રજૂ કર્યું, જેના વિશે મહિનાઓથી એ બેહદ ઉત્સાહિત હતો. એ રિસર્ચ પેપરમાં તેણે કમ્પ્યૂટર, ઈન્ટરનેટ, મોબાઈલ એપ્લિકેશન્સ, બ્લ્યુ ટૂથ, વેબ ચેટિંગ જેવા તમામ અત્યાધુનિક ડિવાઈસના રેફરન્સ ટાંક્યા અને પછી સૈધ્ધાંતિક રીતે એવું સાબિત કરવાનો પ્રયત્ન કર્યો કે આ કહેવાતું આધુનિક વિશ્વ હજુ પણ પ્રાચીન વિદ્યાઓની સરખામણીએ ઘણું પાછળ છે.'

'એટલે?' ઉત્સુકતાથી ફાટાફાટ થતો રાઘવ પૂછ્યા વગર ન રહી શક્યો.

'અત્યારે આપણે ડેટા ટ્રાન્સફર કે મેઈલિંગ કે ઈન્ટરનેટ શેઅરિંગથી પ્રભાવિત છીએ પરંતુ પ્રાચીન કાળમાં એવી એવી વિદ્યાઓ હતી જે આજે આપણને જાદુઈ લાગે. આજની સંપર્ક ક્રાંતિ ખરેખર તો મશીન યાને કમ્પ્યૂટર યાને ડિવાઈસ બેઝ્ડ છે. પ્રાચીન કાળમાં તો એવી ટેલિપથી બે વ્યક્તિના માનસ વચ્ચે પણ સર્જાઈ શકતી.'

'એટલે? હજુ ય મને સમજાયું નહિ...' રાઘવ તેની વધુ નજીક ખસ્યો. છપ્પન અને ઝુઝાર પણ તાજુબીભરી આંખે સમજવાનો પ્રયાસ કરતા હતા.

'આપણે બંને આપણાં મોબાઈલમાં બ્લ્યુ ટૂથ ઓન કરીએ એટલે બ્લ્યુ ટૂથના માધ્યમથી આપણે એક-બીજાના મોબાઈલમાં રહેલો ડેટા શેઅર કરી શકીએ, બરાબર? નીલાંબર રાયનો મત એવો હતો કે, આજથી હજારો વર્ષ પહેલાં કેટલીક એવી વિદ્યાઓ હતી જેને લીધે બે માણસના દિમાગ વચ્ચે આ પ્રકારનું ડેટા શેઅરિંગ શક્ય બનતું હતું.'

'નીલાંબરે તેના રિસર્ચ પેપરમાં સૈધ્ધાંતિક રીતે એવું સાબિત કરવાનો પ્રયાસ કર્યો કે કર્ણપિશાચિની, પ્રહસ્તલંબ, દીર્ઘાનુસાર જેવી વિદ્યાઓ વિશે સાવ અછડતો ઉલ્લેખ પ્રાપ્ય છે પરંતુ પ્રાચીન ભારતીય વિજ્ઞાને આવી કુલ ૬૪ વિદ્યાઓ તૈયાર કરી હતી. તેના ફૂલટાઈમ સિલેબસ હતા. આજે આપણે ઈન્ફર્મેશન ટેક્નોલોજીના યુગમાં એવું માનીએ છીએ કે અત્યારે મનુષ્ય તેના જ્ઞાનની ચરમસીમાએ પણ છે. દુનિયાએ આજે ભલે તરક્કી કરી હોવાનું લાગે, પરંતુ જો આ વિસરાઈ ગયેલી, ખોવાઈ ગયેલી વિદ્યાઓ, તેનાં શાસ્ત્રોને સમજી શકાય તો દુનિયાએ પ્રગતિની નવી વ્યાખ્યા બાંધવી પડે.'

'નીલાંબરના આ સંશોધનની દુનિયાભરમાં જબ્બર ઠેકડી ઊડી. પ્રાચીન શાસ્ત્રોના જગતભરના વિદ્વાનોએ પૂછેલા પ્રશ્નોના એ સ્હેજેય સંતોષકારક જવાબો ન આપી શક્યો અને બેહદ હાંસીપાત્ર ઠર્યો. આમ પણ તેની છાપ ધૂની, ચક્રમ અને ભેજાંગેપ તરીકેની તો હતી જ, તેમાં આ નિષ્ફળતા ભળી.'

'પછી તો બેવકૂફી અને શેખચલ્લીપણાના પર્યાય તરીકે તેની બહુ મજાકો ઊડી. આજે આપણે રજનીકાંત કે આલિયા ભટ્ટના નામે વોટ્સએપ પર જોક્સ શેઅર કરીએ છીએ એવી જ હાલત બનારસ હિન્દુ યુનિવર્સિટી પૂરતી તેની થઈ અને તેના નામના જોક્સ ફરતા થઈ ગયા. દિવાલો પર, ક્લાસરૃમના બ્લેક બોર્ડ પર તેના બેહદ ભદ્દા અને બેરહેમ ખીલ્લી ઊડાવતા કાર્ટુન્સ દોરાવા લાગ્યા. કેમ્પસમાં એ પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ વચ્ચે સતત મજાક, મશ્કરી, ઉપહાસ અને ઉપાલંભનું કારણ બનવા માંડયો..'

'એ પછી એક દિવસ અચાનક એ ગાયબ થઈ ગયો. આમ તો એ ઘણીવાર ગાયબ થઈ જતો અને પંદર-વીસ દિવસે કે મહિને-દોઢ મહિને અચાનક ટપકી પડતો પણ આ વખતે ગયો એ ગયો... ચાર-પાંચ વર્ષથી એ ક્યાં છે, શું કરે છે તેની કોઈને ખબર ન હતી અને આજે અચાનક મેં તેને અહીં આ હાલતમાં જોયો...'

'પણ પછી? પછી શું થયું?' હવે ઝુઝારને ય ચટપટી ઉપડી હતી.

'બસ, આટલી જ મને ખબર છે. હવે તો ખબર નહિ...' ત્વરિતે ઊંડો શ્વાસ છોડીને શરીરને તંગ કર્યું. તેના ચહેરા પર ઉત્સુકતા, તણાવ, ચિંતા અને ઉન્માદના મિશ્ર ભાવ હતા. તેણે કોઈની સામે જોયા વગર બોઝિલ આંખો બીડી દીધી અન્યથા, દરેકના ચહેરા પર એ એવા જ ભાવો જોઈ શક્યો હોત.

કમરમાં ક્યાંય સુધી મૌન પ્રસરેલું રહ્યું. રાઘવ દિવાલને અઢેલીને અવશપણે ગરદન ધૂણાવતો રહ્યો. ઝુઝારે ઓલ્ડ મોન્કનું ઢાંકણ ખોલીને ત્રણ-ચાર મોટા ઘૂંટડા ગળા હેઠે ઉતાર્યા અને પછી એય હવામાં આંગળી વડે ચિતરામણ કરતો ઝોંકે ચડી ગયો. છપ્પન સૂનમૂન થઈને છતને તાકતો રહ્યો અને મનોમન વારંગલના વિચારો કરતો રહ્યો.

બહાર વરસાદનો વેગ વધ્યો હતો પણ નિયતિના અદૃશ્ય હાથે તેની વાછટ આ ચારેયના ચહેરા પર વિંઝાતી હતી.

(ક્રમશઃ)