સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું
64 સમરહિલ
લેખકઃ ધૈવત ત્રિવેદી
પ્રકરણ - 49
છપ્પને જોયું કે તેનો અવાજ સાંભળીને ત્વરિતના ચહેરા પર અજબ વિસ્ફાર તરી આવ્યો હતો. એ મહામુસીબતે પથારીમાંથી બેઠો થયો હતો અને જાણે મેઘલી રાતે અગોચર જગ્યાએ જીનાત જોયું હોય તેમ તેનું ડાચું ફાટી ગયું, આંખો પહોળી થઈ ગઈ અને ચહેરા પર આઘાતનું લખલખું પથરાઈ ગયું...
એ જ ઘડીએ…
વાદળમાં કશીક ગડડાટી થઈ હોય તેવો અવાજ આવ્યો. રાઘવ અને ઝુઝારે ઉપર જોયું. એ બંને કશું સમજે એ પહેલાં સિલિંગના મોભ પર ટેકવેલું સિમેન્ટનું વજનદાર છાપરું ઊંચકાયું. રાઘવે કંઈક પારખ્યું અને એ ત્વરાથી ખસવા ગયો, ઝુઝારને હજુ કશું સમજાય એ પહેલાં ઉપરથી કોઈ તેના પર જ ઝીંકાયું હતું અને આંખના પલકારે ઝુઝાર બહુ ખરાબ રીતે પછડાયો હતો.
છપ્પનના પલંગ પર લપકેલો રાઘવ ગરદન ઊંચકે કે પીઠ ફેરવે એ પહેલાં જ તેના બરડામાં કોણીનો બળકટ પ્રહાર થયો એ સાથે એ પણ ત્યાં બેવડો વળી ગયો. તેના મોંમાંથી ઊંહકારો નીકળે એ પહેલાં લમણે ગન તકાઈ ગઈ હતી. તેણે ગરદન ફેરવીને જોયું…
ઓવલ શેઈપનો ગોરો ચહેરો, કથ્થાઈ આંખો, લિસ્સા-સુંવાળા-સ્નિગ્ધ વાળ, ચુસ્ત ટી-શર્ટમાં હાંફતા ભરાવદાર ઉભાર અને…
હોઠમાંથી નીકળીને દાઢી સુધી પહોંચેલો લોહીનો રેલો લૂછતો દુબળી ઊભો થયો અને બેહદ ગુમાની નજરે રાઘવની સામે જોયું, 'વોટ આઈ સેઈડ... ધ ગેમ ઈઝ જસ્ટ સ્ટાર્ટેડ...'
એ વખતે હજુ પણ ત્વરિત ઊઘાડા મોંએ, ફાટી આંખે તેની સામે જોઈ રહ્યો હતો... તે બોલવા મથતો હતો, 'માય ગોડ... માય ગોડ... હું આ શું જોઈ રહ્યો છું?'
- પણ તેના ગળામાંથી અવાજ ન્હોતો નીકળતો.
થોડી મિનિટો પછીનું દૃષ્યઃ
આશરે ત્રણસો ચોરસ ફૂટનો ઓરડો, સળિયા જડેલી બે બારી, ગામઠી રીતથી બનેલું જોડિયા કમાડનું સાંકડું બારણું, પથ્થરની ઉબડખાબડ લાદી મઢેલી ઠંડી ફર્શ, બે દિવાલોને અડીને સામસામે ઢાળેલી બે ચારપાઈ અને એકબીજાથી ત્રણ-ચાર ફૂટના અંતરે હાથે-પગે મુશ્કેટાટ બંધાયેલા બે જણ…
લોખંડની પાતળી સાંકળ પર પ્લાસ્ટિકના છજા જેવા હોલ્ડરમાંથી બલ્બનું પીળુ અજવાળુ લટકી રહ્યું છે. જમણાં ખૂણે ગરદન ઝુકાવીને રાઘવ બેઠો છે. બેઠો છે એમ કહીએ તો એ ખોટું કહેવાય, તેણે ફરજિયાત એ રીતે બેસવું પડે તેમ છે. ઢીંચણ છાતી સુધી વાળીને બે હાથ ઢીંચણની નીચે ખેંચીને બાંધ્યા છે અને એ જ દોરડું લંબાવીને બેય પગ પણ બંધાયેલા છે. નજર વડે ભોંય ખોતરી રહેલો રાઘવ ચહેરો ઊંચકવાના મૂડમાં નથી, અન્યથા ચહેરા પર ખિન્નતા, આઘાત અને અચરજનું લિંપણ સ્પષ્ટ વાંચી શકાય તેમ છે.
તેની બરાબર સામેની ભીંતને ટેકો દઈને ઝુઝાર બેઠો છે, બિલકુલ એવી જ હાલતમાં. ઈટાવા-મેનપુરી કે ભીંડ-મુરૈના ઈલાકાનો એકે ય આદમી તેને આ હાલતમાં જોવાનો નથી એ માટે તે મનોમન ભગવાનનો પાડ માની રહ્યો છે. બાકી, ઝુઝારસિંઘ મલ્હાનની મુછે જિંદગીભર લટકેલા બધા જ લીંબું એકઝાટકે ઉતરી જાય.
એકધારી આ બીજી પછડાટથી તેને ભારે આઘાત લાગ્યો છે. પહેલી વાર એક સુકલકડી આદમીએ તેમને ઝબ્બે કર્યા. ચાલો, ત્યારે તો સમજી શકાય કે તેણે આબાદ ચાલાકી કરી હતી, પણ બીજી વાર... ઝુઝાર ડોકું ધુણાવી રહ્યો છે... બીજી વાર સાલી એ છોકરી છેક છાપરું કૂદીને તેની માથે પછડાઈ હતી અને ઓચિંતા પ્રહારથી પોતે હબકી ગયો હતો.
ઝુઝારની આંખોમાં શરમ છલકાઈ રહી છે. પછડાયા પછી ત્વરાથી ઊભા થઈને તેણે એ છોકરીને જોઈ હતી... બરાબર જોઈ હતી... ગોરીચીટ્ટી, ભરીભરી એ છોકરી... કથ્થાઈ રંગની મારકણી આંખો…
પીગળેલા મીણમાં સિંદુરનું એક ટીપું પડે પછી જે રંગછાયા ઊભરે એવા ગોરા-ગુલાબી, લિસ્સા ગાલ... કંઈક આઘાત, કંઈક આશ્ચર્ય અને વધારે તો એ છોકરીનું રૃપ... રઘવાયો ઝુઝાર મંત્રમુગ્ધ થઈને જોઈ રહ્યો હતો ત્યાં અચાનક જ તેના પેઢુમાં લાત પડી હતી અને એ બેવડો વળી ગયો હતો. એ છોકરીએ પલકવારમાં તેની મૂછે લટકતા લીંબુ ઉતારીને તેનું સરબત બનાવી તેને પીવડાવી દીધું હતું.
ઝુઝારનું મોં હજુય કટાણું થઈ રહ્યું હતું. સાલી... હાથમાં આવે તો હવે ભીંસી જ દઉં... મનોમન પારાવાર ઉશ્કેરાટ અનુભવતા ઝુઝારના ચસોચસ ભીંસાયેલા હાથમાં અજબ સંવેદન ઊભરાતું હતું.
રાઘવથી સ્હેજ નજીક, જાડી શેતરંજી પાથરેલી ચારપાઈ પર લેટેલો છપ્પન હજુ નક્કી નથી કરી શકતો કે સાંજ પછી ઝડપભેર બદલાયેલા ઘટનાક્રમથી તેણે ખુશ થવું કે દુઃખી થવું? એક બાજુ તેને મનોમન રાહત થાય છે. છેલ્લા અઢી વર્ષથી તે દુબળીના હાથે કાયમ, સતત પરાસ્ત થતો રહ્યો. છેવટે તેણે સ્વીકારી જ લીધું કે આ માણસની સામે પડવામાં કોઈ સાર નથી. તેમાં વળી ત્વરિતે તેને ચાનક ચડાવી એટલે એકધારી શરણાગતની મુદ્રામાંથી ઊભા થઈને તેણે ય છાતી ફૂલાવી દીધી હતી. દુબળીના પાતળા હાથની પાક્કી રસીદ જેવી અડબોથ ખાધેલા આ ત્રણેયની હાલત જોઈને મનોમન તેની નાલેશી ધોવાઈ રહી હતી.
અકારણ મિંચાતી તેની બંધ આંખોની ભીતર તેનો બાપ ગૂંગાસિંઘ તોફાની, રમતિયાળ સ્મિત વેરતો તેને વર્તાતો હતો. ત્વરિત તો ઠીક, રાઘવ જેવો પોલિસ અફસર ઉપરાંત ઝુઝાર જેવો ચંબલછાપ હથોડો ય તેની નજર સામે જે રીતે પટકાયો એ જોયા પછી છપ્પનની શરમ હવે સાવ ધોવાઈ ગઈ હતી.
બીજી તરફ, તેના હૈયાના કોઈ અગોચર ખૂણામાં ક્યાંક ફફડાટ પણ થતો હતો. ત્વરિતને મળ્યા પછી તેનું જોમ બેવડાયું હતું. એ સાથે હોય તો કદાચ દુબળીને દબોચી શકાય એવી તેને બંધાયેલી આશા ય આખરે વિફળ ગઈ હતી. હવે અગાઉની માફક ફરીથી દુબળીને સરન્ડર થઈ જવામાં જ તેને સાર વર્તાતો હતો.
બધાને જડબેસલાક બાંધી દરેકના વેપન, મોબાઈલ બધુ ઉપાડીને દુબળીએ રૃમ બંધ કર્યો ત્યારથી તે આંખો ખોલ-બંધ કરવા લાગ્યો હતો. બાપ ગૂંગાસિંઘનો આદેશ પણ હવે મળી ચૂક્યો હતો. હવે બસ, દુબળી બીજી વાર મોં-પાટ ચાલુ કરે એટલે તે નવી ચોરી માટે તૈયાર થઈ જવા તલપાપડ હતો.
તેણે આખરી વાર આશાભરી આંખે ત્વરિતની સામે જોયું.
ત્વરિત હજુ ય એવી જ હતપ્રભ આંખે, ફાટેલ મોંએ બીડાયેલા બારણાં ભણી તાકી રહ્યો હતો. છપ્પને ધારીને જોયું, તેને ત્વરિતની વિસ્ફારિત આંખોમાં પ્રચંડ આઘાતનો મૂઢ કરી દેતો સન્નાટો નીતરતો વર્તાતો હતો.
'શું જુએ છે એઈ...??' છપ્પને મોટેથી ઘાંટો પાડીને પૂછ્યું એ સાથે રાઘવ અને ઝુઝારનું ધ્યાન પણ છપ્પનની નજરના રસ્તે ત્વરિત તરફ ફંટાયું.
ઓરડામાં અચાનક ફાટી નીકળેલા આ ઘમાસાણ દરમિયાન ત્વરિત ભાનમાં આવી ચૂક્યો છે એવું કોઈનું ધ્યાન રહ્યું ન હતું.
'હેલ્લો ત્વરિત... તને કહું છું... એઈ.. ત્વરિત...' છપ્પનના દબાયેલા ઘાંટાની ય ત્વરિત પર કોઈ અસર થતી ન હતી એથી તેની ચારપાઈની નજીક બેઠેલા ઝુઝારે ઈસ પર ઢિંચણ અથડાવ્યો.
ત્વરિતે સામે જોયું. તેની આંખોમાં જાણે પારલૌકિક છળ જોયાનો આઘાત હતો. દરવાજા ભણી અવશપણે તકાયેલી આંગળી એમ ને એમ રાખીને તેણે ડઘાયેલા અવાજે પૂછ્યું, 'તું જેને દુબળી કહેતો હતો એ માણસ આ જ?'
છપ્પને હકારમાં ડોકું ધૂણાવ્યું.
ઘડીક ત્વરિત તેની સામે એવી જ સ્થિર નજરે તાકી રહ્યો. તેના જડબામાં જાણે કશુંક ચાવતો હોય તેમ થોડુંક હલનચલન થયું. તેની સ્તબ્ધ થઈને ચોંટી ગયેલી કીકીઓમાં જરાક સળવળાટ થયો. માની શકતો ન હોય તેમ તેણે જરાક ગરદન હલાવી.
રાઘવ તેની હાલત બરાબર અવલોકી રહ્યો હતો. તેણે ત્વરિતથી શક્ય તેટલા નજીક ખસીને તેની આંખમાં આંખ પરોવી, 'યસ ત્વરિત... તું કંઈક કહેવા માંગે છે... સ્પિક અપ... તારે શું કહેવું છે?... બોલી નાંખ... હેલ્લો ત્વરિત...'
તેનું જોઈને ઝુઝારે પણ કશી ગતાગમ વગર ત્વરિતની ચારપાઈને ઢિંચણ વડે ઝકઝોરવા માંડી ત્યારે ત્વરિતથી માંડ એટલું જ બોલાયું, 'હું એને ઓળખું છું... '
ઓરડામાં ભીંસાતી કારમી સ્તબ્ધતા વચ્ચે તેણે સિસકારા જેવા અવાજે કહ્યું, 'હી ઈઝ પ્રોફેસર રાય… પ્રોફેસર નીલાંબર રાય....'
(ક્રમશઃ)