સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું
64 સમરહિલ
લેખકઃ ધૈવત ત્રિવેદી
પ્રકરણ - 47
રાઘવનો ચહેરો જોઈને જ સતર્ક થઈ ગયેલા ઝુઝારને હવે વધુ સુચનાની જરૃર ન હતી. બે જ મિનિટમાં તૈયાર થઈને તે બહાર નીકળ્યો અને સાતમી મિનિટે તો બીએસએફ પાસેથી મેળવેલી ઓલિવ ગ્રીન જીપ્સી ટોપ ગિઅરમાં આવી ગઈ હતી.
'સીધી જ જવા દે..' રાઘવ એક કાન પર મોબાઈલ ધરીને બેઠો હતો અને બીજા કાનમાં ખોસેલા બ્લ્યુ ટૂથ પર આંગળી દબાવીને ધ્યાનપૂર્વક કશુંક સાંભળતો જતો હતો. બ્લ્યુ ટૂથમાંથી થોડી-થોડી વારે આછો અવાજ આવતો હોવાનું ઝુઝારને લાગતું હતું પરંતુ બીજા કાને ધરેલા મોબાઈલમાં રાઘવ કશું બોલતો ન હતો. આ શું જફા છે એ ઝુઝારને સમજાતું ન હતું પણ રાઘવના હાવભાવ જોઈને તે સમજી શકતો હતો કે ખરાખરીની ઘડી આવી રહી છે.
એક વાર તેમણે ખોટો ટર્ન લઈ લીધો. દોઢ-બે કિલોમીટર આગળ જઈને રાઘવે યુ-ટર્ન મારવાની સુચના આપી. એક જગ્યાએ બ્રેક મારીને ગાડી સાઈડ પર રાખવા કહ્યું. દસેક મિનિટ પછી ફરીથી ગાડી ઉપાડવા ઈશારો કર્યો. એ સતત રસ્તો બતાવતો જતો હતો એટલે ઝુઝારને સમજાયું કે બ્લ્યુ ટૂથમાં કોઈક તેને ગાઈડ કરી રહ્યું છે.
લગભગ બે કલાકની આડીઅવળી દડમજલ પછી ગજનેર ગામના પાટિયાની ડાબી તરફ કાચી કેડીએ ગાડી વળી એટલે રાઘવે ફરીથી બ્રેક મારવા ઈશારો કર્યો. નીચે ઉતરીને તેણે કોઈકની સાથે વાત કરી. અંદર આવીને તેણે મોબાઈલ ડેશબોર્ડ પર મૂક્યો. કાનમાંથી બ્લ્યુ ટૂથ પણ કાઢી નાંખ્યું. ચેસ્ટ બેલ્ટમાંથી એક ગન ખેંચી અને તેનું મેગેઝિન ખોસ્યું અને સ્વસ્થ ચહેરે ઝુઝારને કહ્યું, 'આપણે જેમની જરૃર છે એ લોકો અહીંથી અડધા કિલોમીટર દૂર જમણી બાજુએ એક ખેતરમાં છે... લેટ્સ મૂવ કેરફૂલી.'
થોડેક સુધી ગાડી લઈ જઈને સડકથી સ્હેજ દૂર લીમડાના એક ઝાડ નીચે જીપ્સી પાર્ક કરી બંને થોડુંક આગળ ચાલ્યા. હવે ખેતરના ઢેફાં શરૃ થતા હતા. કેડીની સમાંતરે બાવળના ઝુંડની પાછળ હારબંધ લીંબુડી, દાડમડી વાવેલો બાગ હતો. બાગની પછવાડે ઢળતી સાંજના સુરજનો તડકો પહેરીને હિલોળાતું રાઈનું ખેતર હતું અને રાઈના છોડની અડાબીડ પીળાશથી ઝળહળતું હતું સિમેન્ટના પીઢિયા પર પતરા જડીને બનાવેલું બેઠા ઘાટનું એક મકાન...
રાઘવે ઊંડો શ્વાસ લઈને નિર્ણય લીધો...
- જે ખરેખર તેણે લેવા જેવો ન હતો.
***
રાઘવે કઈ રીતે પ્લાન બનાવ્યો તેનો ફ્લેશબેકઃ
કેડો દબાવવા માટે રાઘવે અપનાવેલો તરીકો બેશક લા-જવાબ હતો. બીજો કોઈપણ ઓફિસર આટલી સલૂકાઈથી મૂળ સુધી પહોંચી શક્યો ન હોત.
ડિંડોરીની ચોરીની તપાસ કરતી વખતે રાઘવનો પ્લાન બહુ સ્પષ્ટ હતો. એ આખી ગેંગને ઝબ્બે કરવા માંગતો હતો, પણ જે સિફતથી જૂની-જર્જરિત મૂર્તિ ઊઠાવાઈ હતી એથી રાઘવના દિમાગમાં કશીક ઘંટડી વાગી હતી. દુર્ગાશંકર શાસ્ત્રીએ વામપંથી મૂર્તિનો ઉલ્લેખ કરીને તેની જિજ્ઞાાસા વધુ ભડકાવી હતી અને હવે અહીં ખુબરાના જંગમાં થયેલા ભીષણ ફાયરિંગ, બે ભેદી વ્યક્તિની બેહદ ચબરાક હાજરી, ગમે ત્યારે ગમે ત્યાં ટપકીને ઓચિંતી અલોપ થઈ જતી છોકરી…
એક પોલિસ ઓફિસરની ઉત્સુકતામાં હવે માનવસહજ કુતુહલ પણ ભળ્યું હતું. જોકે એ કુતુહલ એટલું વજનદાર હતું કે તેના ભાર તળે રાઘવની ઊંઘ હરામ થઈ ગઈ હતી.
ત્વરિતના રૃમમાં અજાણી છોકરી લેડી ડોક્ટરના સ્વાંગમાં આવી એ સાથે જ તેનું મન હાઈ એલર્ટ પર મૂકાઈ ગયું હતું. ઝુઝારનો ફોન આવ્યો ત્યારે એ ઘડીક સ્તબ્ધ બની ગયો હતો પરંતુ પછી આ ઘટનામાં જ તેને આખી ગેંગ સુધી પહોંચવાની તક દેખાઈ એ સાથે તેણે પ્રયત્નપૂર્વક પોતાનો ઉશ્કેરાટ શાંત પાડયો હતો અને ઠંડા કલેજે પ્લાન ઘડી કાઢ્યો હતો.
રાઘવને એ પ્લાન માસ્ટરસ્ટ્રોક જેવો લાગ્યો હતો.
આઈપીએસની ટ્રેનિંગ વખતે તેને શીખવવામાં આવ્યું હતું કે, દરેક ઘટનાનો એક હેતુ હોય છે અને એ હેતુથી કોઈકને ફાયદો થતો હોય છે. ફાઈન્ડ આઉટ બેનિફિશિયરી. જે ગુનેગાર હશે તે તેની પ્રકૃત્તિથી વિરોધી વર્તન કરશે. ધીમેથી બોલવાની તેને આદત હશે તો એ મોટેથી બોલવા લાગશે. ઝડપથી ચાલવાની ટેવવાળો માણસ ગુનો કર્યા પછી ધીમો પડી જશે. તેના અવાજ, ચહેરાની રેખાઓના બદલાવ, આંખોના હાવભાવમાં તેની ગભરામણ દેખાઈ આવશે.
આ લક્ષણોના આધારે હાઈ, એવરેજ એન્ડ લો એવી ત્રણ કેટેગરીમાં ત્રણ શકમંદ પસંદ કરો અને તેમને છુટો દૌર આપો. પોતાના પર શંકા નથી ગઈ એવી ખાતરી થયા પછી ત્રણ પૈકી જે ખરેખર સંડોવાયેલો હશે તેની વર્તણુંકમાં અચાનક ફરક આવશે. એ અકારણ હસતો રહેશે, ખુશમિજાજ અથવા હેલ્પિંગ અથવા માયાળુ બની જશે. આ તેની ગભરામણ ઘટવાનો તબક્કો છે. પછીના તબક્કામાં વધુ પડતા આત્મવિશ્વાસમાં આવીને તે કંઈક ભૂલ કરી બેસશે.
બસ, એ ભૂલનો છેડો પકડો અને મૂળ ગુનેગાર સુધી પહોંચો.
કલ્પ્રિટ લોજિક એન્ડ ક્રિમિનલ સાયકોલોજીના ક્લાસમાં ભણેલા આ એક-એક લેસનને રાઘવ બ્રહ્મવાક્યની શ્રદ્ધાથી ઉપયોગમાં લેતો હતો. રીઢા પોલિસ અફસરો માટે શરૃઆતમાં રાઘવની આવી બધી પધ્ધતિ મજાકનો વિષય બની રહેતી પરંતુ પોતાની સ્ટાઈલને દૃઢતાપૂર્વક અનુસરીને રાઘવે પોતાનો ક્રાઈમ ડિટેક્શન રેશિયો ૭૦ પરસન્ટ અપ સાબિત કર્યો ત્યારે તેની પીઠ પાછળ થતા ખિખિયાટા બંધ થઈ ગયા હતા.
હોસ્પિટલ પહોંચીને તેણે પહેલાં તો મનોમન સિચ્યુએશનની કલ્પના કરી. એકપણ શબ્દ બોલ્યા વગર હોસ્પિટલની વ્યવસ્થા, કાર્યપધ્ધતિ, નાઈટસ્ટાફની જવાબદારી વગેરે વિગતો મેળવી હતી.
પેશન્ટ જે ફ્લોર પર હોય એ જ ફ્લોર પર તેના કેસ પેપર્સ રહે તેવી વ્યવસ્થા છતાં એ છોકરી ઉપર આવી ત્યારે જ તેનાં હાથમાં ત્વરિતની ફાઈલ હતી. મતલબ કે, સ્ટાફમાંથી જ કોઈક તેને સહાયતા કરી રહ્યું હતું. ૨૨-૨૪ની એક છોકરીના હાથે હટ્ટોકટ્ટો જવાન જે રીતે મ્હાત થયો એ જોઈને પહેલાં તો તેણે એ જવાનને જ શંકામાં દાયરામાં લીધો પણ એ જવાન કેસ પેપર્સની હેરાફેરી ન કરી શકે.
છોકરીએ ફ્લોર પર આવીને જેમને ધમકાવ્યા એ સ્ટાફમાં એક મેલ નર્સ, એક ફિમેલ નર્સ અને એક કમ્પાઉન્ડર હતા. ફ્લોર ઈનચાર્જ મેટ્રન એ વખતે કોઈ પેશન્ટને નેબ્યુલાઈઝિંગ કરાવી રહી હતી. રાઘવે એક-એકને અલગ બોલાવીને છોકરી ઉપર આવી એ પહેલાંની સ્થિતિ વિશે માહિતી કઢાવી એ સાથે તેને ખ્યાલ આવ્યો કે છોકરી ઉપર આવી તેની પાંચ જ મિનિટ પહેલાં મેટ્રન ઊભી થઈને રૃમ નંબર ૩૬૮માં પેશન્ટને નેબ્યુલાઈઝિંગ કરાવવા ગઈ હતી.
પેશન્ટ તરફથી કોઈ ઈમરજન્સી કોલ હતો નહિ. છાતીમાંથી, શ્વાસનળીમાંથી કફ કાઢવાની આ પ્રક્રિયા માટે મેટ્રને પોતે જ જવું પડે એ જરૃરી હતું નહિ અને એ રૃમ ત્વરિતના રૃમથી કાટખૂણે વળતી બાજુની લોબીમાં હતો.
રાઘવના રડારમાં તરત હાઈ રેન્જમાં એ મેટ્રન ફિટ થઈ ગઈ હતી.
પછી પૂછપરછના દરેક તબક્કે મેટ્રન પરની તેની શંકા દૃઢ બનતી ગઈ. વહેલી સવારે તે જ્યારે ઝુઝાર સાથે ચાની કિટલી પર બેઠો હતો ત્યારે મેટ્રનને તેણે સ્કોર્પિયોની પાછળ ગલીમાં વળતાં અને થોડી વાર પછી મેઈન રોડ પર આવતાં જોઈ એ સાથે તેને પાક્કી ખાતરી થઈ ગઈ હતી. હવે એ સ્કોર્પિયો સુધી પહોંચવાનું હતું.
એ દિવસે તેણે પાક્કાપાયે આયોજન કરી નાંખ્યું. ઝુઝારના સ્વભાવથી એ માહિતગાર હતો અને આવા પ્લાનિંગમાં ઝુઝારને પણ અંધારામાં રાખીને તે નૈસર્ગિક ક્રમમાં જ ઘટનાઓ થવા દેવા માંગતો હતો.
તેની ગણતરી બહુ સ્પષ્ટ હતી. એ લોકોને ત્વરિતથી પણ વધારે મૂર્તિમાં જ રસ હોય અને ત્વરિતને ઊઠાવવા કરતાં મૂર્તિ ઊઠાવવી વધુ આસાન પણ રહે. હવેની ધાપ મૂર્તિ માટે જ હશે તેમ ધારીને તેણે બીએસએફ યુનિટમાંથી એક બટન સેન્સર મેળવ્યું અને મૂર્તિ ઊઠાવતી વખતે ખરેલાં પોપડાના પોલાણમાં સેન્સર છૂપાવી દીધું. હવે એ મૂર્તિ જ્યાં જશે એ જગ્યાની ચાડી ખાવાની હતી.
મેટ્રન સિવાય હોસ્પિટલની આસપાસ પણ ગેંગના કોઈ મળતિયા હોય તેમ ધારીને બપોરે મૂર્તિ સાથે તેણે બધે લટાર મારી અને પછી મૂર્તિ ત્વરિતના રૃમમાં તરત નજરે પડે એ રીતે મૂકી. ત્વરિત હોશમાં આવ્યો હોય તો પણ આજે એ ખાસ બોલી નહિ શકે એવી તેની ધારણાથી વિપરિત ડઘાયેલો ત્વરિત વગર પૂછ્યો બોલવાના મૂડમાં હતો.
તેની કેફિયત સાંભળીને, દુબળી નામના ભેદી પાત્ર વિશે જાણીને, ત્વરિતની ભૂમિકા ઉત્સુકતાથી દોરાયેલા એક સ્કોલરની જ હોવાનું અનુભવીને તે મનોમન ચોંકતો જતો હતો. એ દુબળી ત્વરિત વિશે તમામ વિગત મેળવી ચૂક્યો હતો એટલું જ નહિ, ડેરા સુલ્તાનખાઁની મૂર્તિ ઓળખવાની જવાબદારી પણ ત્વરિતના માથે તેણે આબાદ નાંખી દીધી હતી.
ગભરાયેલો, હેબતાયેલો ત્વરિત બોલતો જતો હતો પરંતુ તેને સાંભળવાનો ડોળ કરી રહેલા રાઘવના મનમાં સપાટાભેર ગણતરીઓ મંડાવા લાગી હતી.
જો ખરેખર ત્વરિત કહે છે તેમ જ હોય તો, એ ભેદી આદમી આટલું જાણી ચૂકેલા ત્વરિતને પણ રેઢો ન મૂકી દે. પોતે જો જરાક ઢીલ આપે તો શક્ય છે કે એ મૂર્તિની સાથે ત્વરિતને પણ ઊઠાવવાની કોશિષ થાય. તેને પાક્કી ખાતરી હતી કે પોતે અહીં બેઠો છે એટલી વારમાં એકાદ વાર એ મેટ્રન અંદર આવશે જ.
- અને એ આવી પણ ખરી.
બસ, રાઘવને ખાતરી થવા માટે એ પૂરતું હતું. તેણે તરત બીજો પ્લાન પણ અમલમાં મૂકી દીધો. મેટ્રન સાંભળે એ રીતે સ્કિન ગ્રાફ્ટિંગ અને સિવિલ હોસ્પિટલની હૂલ મારી દીધી. એમ કરીને તેણે જુગાર જ ખેલ્યો હતો. મેટ્રન કોઈક રીતે આ ઈન્ફર્મેશન પાસ કરશે જ એવી તેની ધારણા હતી.
રાઘવ માટે મૂંઝવણ એ હતી કે ઊઠાવેલી મૂર્તિ અને ત્વરિતને બે અલગ અલગ જગ્યાએ લઈ જવાય તો પોતે ત્વરિતનો કેડો કઈ રીતે દબાવશે? અગાઉ મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર કંપનીના ઓફિસર સાથે થયેલી વાત તેને યાદ આવી, 'અગર મોબાઈલ ચાલુ હૈ તો હમ ઉસે આસાની સે ટ્રેસ કર સકતે હૈ...'
- અને તેણે એક જ સેકન્ડમાં નિર્ણય લઈ લીધો અને ત્વરિતને કહી દીધું, 'તારા હાથમાં મસ્ક્યુલર ઈન્જરી છે એ માટે પ્લાસ્ટર પણ કરવું પડશે...' પછી બસ, એક સાદા મોબાઈલની વ્યવસ્થા કરવાની હતી અને ડોક્ટરને સાધવાનો હતો.
રાઘવને એ પોતાનો માસ્ટરસ્ટ્રોક લાગતો હતો પણ દુબળી કઈ ચીજ છે એ તેને હવે ખબર પડવાની હતી.
(ક્રમશઃ)