બુધવારની બપોરે
(46)
ફાધર-મધરને કાઢો
આજ સુધી વૃધ્ધ મા-બાપને ઘરમાંથી હાંકી કાઢવાના પેંતરાઓવાળી પચાસ સ્ટોરીઓ તમે વાંચી હોય. ચારમાંથી ત્રણ દીકરા બદમાશ હોય, ચોથો ય આમ તો હોય જ, પણ એનામાં થોડી માનવતા વગેરે-ફગેરે હોય...પણ બદમાશીમાં એ પેલા ત્રણેનો બાપ થાય એવો હોય.
અમારી વાઇફો એકબીજા સાથે સીધી પણ ડોહા-ડોહીને કાઢવાના મામલે એ લોકો અમને ય સારા કહેવડાવે એવી વનેચર જેવી.
એ વાત જુદી છે કે, ઘરમાંથી આવી જૂની પસ્તી અને કાટમાળ કાઢવામાં એ ચારે ય નો અનુભવ અને આવડત વારસામાં લેતી આવી હતી. એ લોકોએ એમના ફાધર-મધરોને કાઢી મૂકેલા, એમાંથી તો અમને પ્રેરણા મળી. ભ’ઇ, સોબત સારી તો સારૂં શીખવાનું મળે! આ તો એક વાત થાય છે.
અમારા આઠે ય નો ઈરાદો એક જ....ડોહા-ડોહીને ઘરમાંથી કાઢો! સવાર પડે, એમની પાછળ એવું પડી જવાનું કે સાંજ સુધીમાં બન્ને દરવાજાની બહાર હોવા જોઇએ! દરવાજા ય મોટા કરાવ્યા, તો ય જતા નહોતા, એ જુદી વાત છે. અમે ચારે ય ભાઇઓએ જુદાજુદા મંદિરોની માનતા માની હતી કે, ડોહા ઉપડે તો બસ્સો નારીયેળ ચઢાવીશું, બન્ને સાથે જાય તો ૪૦૦-નારીયેળ, મહિનામાં એક વાર ઘર પાસેના મંદિરે ચાલતા જઇ આવવાની માનતા માની, શુક્રવારે સૅન્ડવિચ નહિ ખાઇએ અને શ્રી માતા ચામુંડાના હવનમાં, ‘ખાઇ જા, ખાઇ જા...ખાઇ જા’ની ધૂન ઢોલક-તબલાં-ખંજરી સાથે સપ્તાહમાં એક વાર રાખવા માંડ્યા. ધરમના કામમાં ઢીલ નહિ કરવાની.
પણ ભોગ લાગ્યા’તા કે, ડોહા-ડોહીને ઉકલી જવાનું તો ઠીક, ખાંસી-ઉધરસો ય નહોતી ઉપડતી. ઘણા ડાબ્બા રેલવે-યાર્ડમાં વર્ષો સુધી પડ્યા રહે છે, જેમનો કોઇ ઉપયોગ હોતો નથી, પણ કઇ કમાણી ઉપરે રેલવેવાળા વર્ષો સુધી એમને જાળવી રાખે છે, એની ખબર ન પડે. હશે.......અમારી જેમ એ બિચારાઓની ય કોક મજબુરી હશે ને!
લોકલાજને કારણે પ્રારંભમાં તો અમે અમારા બાપને ‘કાકા’ કહેતા, એમાંથી કાળક્રમે ‘કાકો’ થયું. પછી અમે ભાઇઓએ નિવૃતિ સમયનું છેલ્લું પ્રમોશન આપીને એમને ‘ડોહા’ બનાવ્યા....પણ સરકારી કારકુનોમાં તો એટલી લાજમર્યાદા ય હોય છે કે, રીટાયર થઇ ગયા પછી ભૂલેચૂકે ય ઑફિસ બાજુ આંટો ય નહિ મારવાનો! આ તો બન્ને ઘરની બહાર જ ન જાય....આખરે, સંસ્કાર નામની ય કોઇ ચીજ હોય છે.
મધર આમ પાછી સશક્ત એટલે વાસણ-કપડાં તો આખા ઘરના એકલે હાથે પતાવી દે. પણ બે દહાડે રોજ, ‘આ મારી કમરો દુઃખે છે....ઢીંચણનો વા લાગે છે....દાંત એક જ હતો એ વળી ગળાની મહીં ક્યાંક પડી ગયો. ‘હવે મારાથી નથી થતું’....એ એનો રોજનો કકળાટ. સાલું સુવાનું ભોંય પર છતાં કૅડો શેની રહી જાય, એ સમજાતું નહોતું. અડધી રાત્રે ઠંડી બહુ વાતી હતી ને લાદી ઠંડીગાર, એમાં તો ડોસી ત્રીજાની વાઇફના પલંગ ઉપરનો બેમાંથી એક બ્લાન્કૅટ ઉઠાવી લાવી, એમાં તો ચરણાએ (એ ભાભીનું નામ છે) માજીને જે સીધી કરી છે, જે સીધી કરી છે....‘ડોસી, તમે હવે નહાવા કેવા જાઓ છો, એ હું જોઉં છું....ટુવાલ આપીશ તો નહાશો ને!’
મુશ્કી બીજા ભાઈની વાઇફનું નામ. એણે તરત સાઇન કરી આપી, ‘હા હા ચરણા....આવાઓને પાછા અડધી રાત્રે ઠંડા લાગતા હોય...જો તો ખરી, અલી!’
હું તો જાહેરમાં સવા અબજની વસ્તી સામે એકરાર કરી લઉં છું કે, મારૂં મારી વાઈફ સજની પાસે મારૂં કાંઇ ઊપજતું નથી. એમાં વળી શરમ શેની? એક વાર રાત્રે અઢી-ત્રણ વાગે ‘પી ને’ ઘેર આવ્યો હતો, તે એમ કહોને, રૂમનો દરવાજો તો ખોલ્યો! ૪૦-મિનીટ એના પગના ગોટલા અને પાની દબાવી આપ્યા, એટલે ગુસ્સો અને આપણો નશો ખતમ! ઝાઝી માથાકૂટ જ નહિ કરવાની! થોડી ‘ચઢી’ હતી એટલે પગને બદલે બ્લાન્કેટનો ડુચો દબાવતો રહ્યો.....ગળું દૂર પડે!
આમ તો અમારે આઠ બૅડ-રૂમનો બંગલો. ચાર-ચાર ઉપરના માળે. લિફ્ટ ખરી ને! ઉપર-નીચે બબ્બે મોટા
ડ્રૉઇંગ-રૂમ. ઘરમાં પિયાનો કોઇને વગાડતા તો જાવા દિયો, કઇ બાજુ બેસીને સાંભળવાનો હોય, એની ય ખબર નહિ, પણ સૌથી નાનાની વાઈફ કિયારાએ ન્યુ ઑર્લિયન્સની એક શૉપમાં જોયો તો તે પૅક કરાવી દીધો. પર્શિયન કાર્પૅટ લાવવા મારાથી મોટો શિવાન ખાસ દુબાઇ બે વાર જઇ આવ્યો. છોકરાઓ તો બધાને બબ્બે-તત્તણ, એટલે એ લોકો માટે ઘરમાં જ ‘કિડ્ઝ વર્લ્ડ’.
હું કે સજની-મારી પત્ની ખોટા ખર્ચામાં ન માનીએ એટલે અમારા માટે ઍશ્ટન માર્ટિન, બુગાટી, ફૅરારી અને જગુઆર કાફી હતી. આજકાલ મોંઘવારી કેટલી છે, ભ’ઇ....બહુ ગાડીઓ લવાય જ નહિ! બંગલાની ચારે બાજુ ગાર્ડન ને માળીને રહેવાની ઝૂંપડી.....મને બધું કહી બતાવવાની આદત નહિ, પણ માળીની રૂમો ય ઍસીવાળી. ઓહ, જસ્ટ યૂ ટૅલ મી....‘પાપા જીદ લઇને બેઠા છે કે, મને બંગલામાં ન રાખવો હોય તો માળીની રૂમમાં-એની સાથે પડ્યો રહીશ.’
લલ્લુ જેવા બાપ મળ્યા કહેવાય ને! માળીનું બૈરૂં નહિ જોવાનું? ડોહાની હાવ હટી ગઇ છે. કાલ ઉઠીને માળણ ડોહા ઉપર ‘મી ટુ’નો આરોપ મૂકી દે તો, સાલી અમારીઓ તો છે ય એ બધી જતી રહે!
કાકાને બહુ સમજાવ્યા-ધમકાવ્યા કે, આખી જીંદગી તો નડ્યા છો....હવે તો અમને ભાઇઓને શાંતિથી રહેવા દો....’
એ વાત જુદી છે, ડોહાએ વર્ષે ૨,૮૦૦-કરોડનો ધમધમતો બિઝનૅસ અમને ભાઇઓને કોઇ લખાણપટ્ટી વિના આપી દીધો હતો. ‘હવે મારી ઉંમર થઇ....હવે તમે સંભાળો...’
ડોહો આમ તો ગુજરાતનો સૌથી વિરાટ વેપારી હતો પણ બધું અમને ચારે ભાઇઓને નામે લખી આપ્યું. એ વાત જુદી છે કે, એ પછી તો વૈશ્વિક બજારમાં ય કેટલી મંદી આવી અને અમારો બિઝનૅસ ૮૦-કરોડનો માંડ થઇ ગયો. ફેરારીઓ, પર્શિયન-કાર્પેટો કે બંગલાનું અડધું કમ્પાઉન્ડ વેચી નાંખ્યું. શું કરવો છે આટલા વિરાટ વૈભવને! આ તો મુશ્કી અને ચરણા લાસ-વેગાસના કસિનોમાં મારા બન્ને ભાઇઓ શિવાન અને ઢીચુક (એ એનું લાડનું નામ છે...સાચું નામ તો ડોહાએ ‘કર્મણ્યપ્રસાદ’ રાખ્યું હતું. ડોહો દસે દિશાઓથી નડ્યો હતો....આવા નામો રખાતા હશે?) સાથે ‘રૂલેટ’ રમવા બેઠી (ઘણા ઉચ્ચાર ‘રૂલે’ કરે છે, તે ખોટો છે.), એમાં ૫૦-હજાર ડૉલર્સ હારીને આવી. આ બાજુ, અમારા બંગલે સાલી ’રેડ’ પડી, એમાં ૨૫-૩૦ કરોડ નાંખવા પડ્યા. શેરબજાર તો કોને ફળ્યું છે, તે અમને ફળે? એમાં ય દોઢસો કરોડમાં નહાયા....! ઘરમાં એક ડોહા-ડોહીને કારણે આખું ફૅમિલી બર્બાદ થઇ રહ્યું હતું, પણ એમના બાપનુ (એટલે કે, અમારા દાદાનું) શું જતું હતું? હાળા, આવા ડોસલા-ડોસલીઓ જીવે ય બહુ લાંબુ!
ભ’ઇ, હાલત એવી આવી કે, અમે ચારે ય ભાઇઓ ફૅમિલી સાથે ભાડાંના મકાનમાં રહેવા આવી ગયા. બૅડરૂમો કોઇ નહિ. બસ, એક ડૉર્મિટરી જેવા રૂમમાં બધા પથારી કરીને સુઇ રહીએ. ડોહા-ડોહી તો નૅચરલી બહાર વરંડામાં જ હોય ને!
મારી વાઇફ સજનીને પગનો વા હતો અને ડૉક્ટર તો કહેતા હતા કે, ઢીંચણ બદલાવવાના થયા છે. પણ ડોહાના પાપે અમારી પાસે તો હવે ફૅમિલી-ડૉક્ટરને ચૂકવવાના સો-બસ્સો રૂપિયા ય નીકળે એમ નહોતા. ડોસીને કંઇક સ્વાર્થ હશે, તે રોજ અડધી રાત સુધી સજનીના ઘૂંટણ ઉપર માલિશ કરીને જ વરંડામાં સુવા જાય.
સૌથી નાનકડો ભાઇ નંદન અને તેની વાઈફ કિયારા હતા સ્માર્ટ. એ ડોહાનું અમારી જેમ ખુલ્લેઆમ અપમાન ન કરે. એમના દેખતા તો બન્ને બા-બાપુજી જેવા સન્માન્નીય ઉદબોધનોથી બોલાવે. અમને કોઇને આવી ચાંપલાશપટ્ટી
ગમે નહિ, પણ નંદુડો ય એના દાવમાં રમતો હતો. ‘પપ્પા-પપ્પા’ કરીને ડોહા પાસેથી વાત કઢાવી લીધી કે, અમારાથી છાનુંછપનું એમણે કાંઇ બચાવી રાખ્યું છે?
એ તો એની વાઈફ કિયારા શોધી લાવી કે, ડોહાને ઘણી વાર આપણા ઘર પાસેની બૅન્કમાં આવતા-જતા જોયા છે. ડોહાને પૂછી જોયું પણ એમા કાંઇ બતાવે? એ તો આ લોકોનો ય બાપ હતો! ‘ઓહ ન્નો...ડોહા તો આપણા ય બાપ નીકળ્યા...!’ આવા આઘાત સાથેનું આશ્ચર્ય ત્યારે નીકળ્યું કે, વરંડામાં ડોહાની છુપાવી રાખેલી પોટલી ખોલી ત્યારે ખબર પડી કે, આવતી ૨૩-મી જાન્યુઆરીએ ડોહાની....આઇ મીન, ફાધરની કોઇ આઠ-દસ ફિક્સ-ડીપોઝિટો પાકે છે, જેનું મૂલ્ય બધું મળીને કોઇ રૂ.૬૬-કરોડ થાય છે......મ્મ્મ્માઆઆઆ....ય ગૉડ! ડોહો તો...આઇ ઍમ સૉરી, પિતાશ્રી તો ગજબનો ચાલુ માણસ નીકળ્યો...આઇ મીન, નીકળ્યા! ઓહ...આહ...ઉફ્ફ.....માય ગૉડ...ફાધરે
આટલી મોટી રકમ બચાવીને રાખી હતી ને આપણને સાલી ખબર નહિ?
‘‘સાલાઓ, જુઓ હવે....ફાધરે આપણી જાણ બહાર આપણા માટે કેટલું બધું બચાવીને રાખ્યું છે....?’’ મેં કીધું.
‘‘ને....આપણે મમ્મીજી પાસે આપણા પગ દબાવતા હતા....હું ય મૂઇ કેવી સ્ટુપ્પિડ હતી?’’ મારી વાઈફ સજનીએ ગૂન્હો કબુલ કર્યો.
‘‘ઓહ નો...આવો તો કોઇ બાપ...સૉરી, આવા તો કોઇ પિતાશ્રી નહિ થાય!’’ ઢીચુકને નામે ઓળખાતો કર્મણ્યપ્રસાદ લગભગ તો રોઇ પડવાની તૈયારીમાં હતો.
‘‘મુશ્કી....આપણે બન્ને કસિનોમાં પચ્ચા હજાર ડોલર્સ હારી આવ્યા, પણ ‘પપ્પાજી’ તો જો...! એ જાણતા જ હશે કે, ખરાબ દિવસો આવશે ત્યારે એમની આ જ બધી ઍફ.ડી.ઓ કામમાં આવવાની છે.’’
‘‘ના ચરણા ના. હવે હું પપ્પાજી અને મમ્મીજીને મારૂં મોંઢું બતાવી નહિ શકું....આઇ ઍમ સૉરી, તમે બધા મળી લેજો. હું જ કેવી પાપી છું...!’’
‘‘અરે નાલાયકો....કોઇ એ તો વિચારો કે, ૫૦-કરોડના બંગલામાંથી આપણે અહીં ડૉર્મિટરીવાળા ભાડાંના મકાનમાં આવી ગયા.....થૅન્ક ગૉડ....સૉરી થૅન્ક પૂજ્ય શ્રી.જદુનાથજી કેશવજી પાઠક....આઇ મીન, આપણા બધાના ય બાપ....કે ભલે છાનુંમાનું ય આપણાથી બચાવીને આટલું રાખ્યું તો આજે ભિખારી થતા રહી ગયા....’’
‘‘રાઇટ...’’ મોટા ભાઈ તરીકે મેં બધાના ખભા ભેગા કરીને પાસે બોલાવ્યા.
‘‘ધ્યાનથી સાંભળો. પપ્પાજી મૉમને લઇને ક્યાંક બહાર ગયા લાગે છે. હવે સમજી જજો ડોબાઓ. હવે કોઇ એમને ‘ડોહા-ડોહા’ ના કરતા. ‘પિતાજી’ બોલવામાં હ્રસ્વ-દીર્ઘની ભૂલ પડે એવી હોય તો ‘પપ્પાજી’ કહીને એમને પગે લાગજો. ડોસીને--------ફફફફ....સૉરી, મૉમજીને ઉંચકીને અહીં હિંચકે બેસાડવાની અને---’’
‘‘શું ઢેફામાંથી ઉચકીને બેસાડવાની?’’ મુશ્કીએ વાંધો ઉઠાવ્યો. એ તો તરત ખબર પડી જાય કે, અચાનક આ લોકોનું વર્ત્ન બદલાઇ કેમ ગયું? આપણે તાબડતોબ ધડાકો કરવાને બદલે ધીમે ધીમે આગળ વધો અને---’’ ચરણા બોલતી હતી, એને વચમાં કાપીને મારી વાઈફ સજનીએ સલાહ વધારી, ‘‘યસ...ચરણા ઈઝ રાઇટ....પાપા-મૉમને ખબર પડવી નહિ જોઇએ કે આપણને ખબર પડી ગઇ છે....આપણે ઉતાવળો નથી કરવી....યાદ છે મુશ્કી, આવી જ ઉતાવળ કરવામાં લાસ વેગસના કસિનોમાં મેં ના પાડી હતી છતાં તેં ૨૫-હજાર ડૉલર્સનો દાવ લગાવ્યો....ગયા ને બધા?’’
ઢીચુક અબ્રાહમ લિન્કન આખા અમેરિકાને સલાહ આપતા હોય, મુઠ્ઠી વાળીને મક્કમતાથી બોલ્યો, ‘આઇ ઍગ્રી વિથ સજનીભાભી...પણ મારૂં એક સજેશન છે...’’ એક સામટો સાતે સાત જણાનો ઘાંટો સંભળાયો, ‘‘બોલ બોલ’’.
‘‘ડૅડીના બધું મળીને ૬૬-કરોડ રૂપીયા આવે છે. આપણે ચાર ભાઇઓ છીએ. ૬૬-ને ચારે ભાગીએ એટલે એક એકને ભાગે ૧૬-૧૬ કરોડ આવશે, એમાં બે કરોડ ટૅક્સ-ફૅક્સના ગણીએ તો ૧૬-૧૬ કરોડ કોઇ નાની રકમ તો ના કહેવાય ને?....અરે ભ’ઇ, બાજુની લારીમાંથી કોઇ બસ્સો ગ્રામ ચોળાફળી મંગાવો યાર....ભૂખ લાગી છે...એને કહેજે, ચટણી વધારે નાંખે...એ શિવાન, યાર...પૈસા તુ આપી દેને...મારી પાસે ફકત ૧૭-રૂપીયા જ પડ્યા છે.’’
‘‘કોનું કામ છે, ભ’ઇ?’’ દરવાજાની બહાર જોધપુરી સફેદ કોટ અને ઝૂલતા સાફાવાળા સરદારજીને જોઇને નંદને ઊંચા અવાજે પૂછ્યું.
‘‘સા’બ....યે હૉટૅલ ડોલ્ફિન સે આપ કો કિસીને મૅસેજ ભેજા હૈ...યે રહા કવર...!’’ કાચી સેકંડમાં તો કાફલો ઘટનાસ્થળે ભેગો થઇ ગયો. ‘‘ખોલ ખોલ....આટલી મોટી ફાઈવ-સ્ટાર હૉટેલમાંથી આપણા માટે મૅસેજ? ખોલ ખોલ...’’
હજી ચાર-છ મહિના પહેલા એ જ હોટલના આ જ સરદારજીને હૉટલની બહાર નીકળતી વખતે હજાર-હજારની ટીપ આપતા હતા, આજે એની પાસેથી ‘દસના છુટ્ટા છે?’ પૂછવાનો વારો આવ્યો, પણ ફિકર નહિ. હવે તો ડોહાની----સૉરી સૉરી, પપ્પાની ઍફ.ડી.ઓ છુટે છે ને..નો પ્રોબ્લેમ...!’
કાગળ કોઇ સરકારી વકીલનો હતો, જેનો સરળ અનુવાદ એ થતો હતો કે, ‘શ્રી.જદુનાથજી કેશવજી પાઠક’ની તમાં મિલ્કત, રોકડા, બૅન્ક-ડીપોઝીટો અને ઘરેણાં એક માત્ર એમની પત્ની રાજીબેન જદુનાથ પાઠક અને જદુનાથજીની એકલાની છે, જેમાં એમના પુત્રો કે અન્ય કોઇનો લાગો-ભાગો નથી. કોઇએ આ અંગે જદુનાથજીનો સંપર્ક કરવાની કોશિષ પણ કરવી નહિ.’ નીચે કૉર્ટનો સિક્કો.
આઠે આઠ જણા સહમી ગયા. રડે તો ખરા જ. ચીસો ય થોડી ઘણી ખરી. મ્યુનિસિપાલિટીની બસમાં બેસીને બધા હૉટેલ ડૉલ્ફિન પહોંચ્યા. બધાના મ્હોં ઉપર સાચા આંસુ અને હાથ ખરેખર જોડેલા હતા. કિયારાને તો રડતા ય પરફૅક્ટ આવડતું હતું....તમને સાચું જ રડતી હોય એવું લાગે.
માથે લાલ રંગના સાફા સાથે શ્રી,જદુનાથજી એમના સ્વીટના ડ્રૉઇંગ-રૂમમાં શહેનશાહી ખુરશી પર બિરાજમાન હતા. મમ્મીને તો આવી ભારે સાડીમાં પહેલી વાર જોયા.
પછી તો આ કહાની આવનારા સાત મહિના ચાલી હતી. જદુનાથે એમની મિલ્કતમાંથી છોકરાઓને એક રૂપીયો ય આપ્યો નહિ. જેને નોકરી મળી જાય, એને ઠીક છે, બાકી વહુઓએ મમ્મી રાજીબેનના રોજ પગ દબાવવા આવવાનું. એક કલાકના છ રૂપીયા મળશે. ન જોઇતા હોય તો બીજી નોકરી શોધી લેવાની.
એ આઠે આઠને જદુનાથજીએ સડકો પર ફરતા કરી દીધા, પણ એ બધાના બાળકોને પોતાની સાથે રાખ્યા.....ફક્ત એટલું શિક્ષણ આપવા કે, સુખસાહ્યબી વખતે તમે તમારા માબાપને નહિ રાખો, એ બધું તમારા બાળકો મૂંગા મૂંગા બધું જોયે રાખે છે. એમને ખબર છે ને એમને એ સંસ્કાર મળ્યા છે કે, સગા મા-બાપને કેવી રીતે રખાય...! મોટા થઇને પરણીને એ જ બાળકો એમના મા-બાપને એ જ ટ્રીટમૅન્ટ આપે છે, જે વર્ષોથી એ નજર સામે જોતા આવ્યા છે.
સ્વર્ગ અને નર્ક જેવું ઉપર આકાશમાં કાંઇ નથી.....બધું અહીં ને અહીં જ છે. એક નાનકડા ઘરમાં મા એના ૪-૫ બાળકોને એના લૅવલની જાહોજલાલીથી સાથે રાખતી. એ જ ૪-૫ બાળકો પરણ્યા પછી એક મા ને હડધૂતીથી ય સાથે નથી રાખતા....વૃધ્ધાશ્રમમાં ઠેબાં ખવડાવવા મોકલી આપે છે. ભ’ઇમાં દમ ન હોય ત્યારે નણંદ એની નવી આવેલી ભાભીને થાય એટલી હેરાન કરે છે....એ જાણતી નથી કે, એને ય કોઇની ભાભી બનવા જવાનું છે...!
-------