બુધવારની બપોરે - 44 Ashok Dave Author દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બુધવારની બપોરે - 44

બુધવારની બપોરે

(44)

પાણી-પુરી ના ભાવે?....તો તમે ગુજરાતી નથી!

હું સમજણો થયો ત્યારથી આજ દિન સુધી વરસાદ વિનાની આવી કોરીધાકોડ સીઝન કદી જોઇ નથી. (‘હું સમજણો થયો’, એ મારી અંગત માન્યતા છે!) આખું ચોમાસું ગયું અને એક બાળોતીયું ભીનું થાય એટલા નાનકડા એક ઝાપટાંને બાદ કરતા પૂરા ચોમાસામાં વરસાદ જ નહિ? અને એ ય, પૂરૂં ભારત વરસાદથી ઝાકમઝોળ છે, ત્યારે? મુંબઇમાં વરસાદ તો જાણે બાપાનો માલ હોય, એટલું (અને બહુ વધારે પડતું) દર ચોમાસે પડે રાખે છે. આપણે ત્યાં ‘વરસાદ આયો?’ પૂછીએ છીએ ને મુંબઇમાં ‘વરસાદ ગયો કે નહિ?’ પૂછાય છે. રામ જાણે, અમદાવાદમાં જ ક્યા પાપીઓ રહે છે કે, પૂરા શહેરમાં નામ પૂરતો ય વરસાદ નહિ. કોઇને રીબાવી રીબાવીને મારવો હોય તો ગિફ્ટમાં એને છત્રી કે રૅઇનકોટ આપો. આખો શિયાળો ગયો, કોઇએ સ્વૅટર પહેરેલું જોયું? શિયાળા કે ચોમાસાને અમદાવાદ સાથે લેવા-દેવા જ નથી. અમેરિકા-ઈંગ્લૅન્ડથી ભાઇ-ભાભી આપણા માટે ક્યારેય છત્રી કે રૅઇનકોટ લેતા આવે છે? સાલું, અમદાવાદના તો ઘણા બાથરૂમોમાં ય પાણી આવતું નથી, ત્યાં વરસાદનું તો ક્યાંથી આવે? એક ગુજરાતી રૂઢીપ્રયોગ તો સદીઓથી બંધ થઇ ગયો છે કે, ‘ઢાંકણીમાં પાણી લઇને ડૂબી મરવું’. પણ આ સીઝનમાં તો આવા આપઘાતો કરનારાઓને ય કોઇ ચાન્સ નહિ!

છેલ્લા બે-ચાર વર્ષોમાં જન્મેલા બાળકો મોટા થાય ત્યારે વર્ષો પહેલા શહેરના કોઇ વરસાદનો ફોટો બતાવીને સમજાવવું પડશે કે, ‘જો બેટા....આને વરસાદ કહેવાય!’

આવી અછતને કારણે જ અમદાવાદમાં કવિ-શાયરો પાકતા નથી. જેટલા છે, એમાંના એકેએ અમદાવાદના વરસાદ વિશે કાંઇ લખ્યું નથી. હા, શાયર બન્યા એટલે વરસાદ વિશે લખવું તો પડે, કાળઝાળ ઉનાળાના બફારા વિશે કોઇએ લખ્યું હોવાનું જાણમાં નથી. અલબત્ત, વાચકો કવિઓને સમજી શક્યા નથી. આ લોકો વાસ્તવવાદી હોવાથી વગર વરસાદે બે ટીપાં ય ન લખે. કાગળ ભીંજાવા જેટલો તો મેહૂલો પડવો જોઇએ ને?

વરસાદ ફૅઇલ જવાથી મોટો ફાયદો ખાણીપીણીની લારીવાળાઓને થયો હતો કે, ગ્રાહકો હવે હવાઇ ગયેલી મસાલા-પુરી કે ભીનાં ઢોંસાની બૂમો તો નહિ મારે. ખાનારાઓ ય ખુશ હતા કે, અમદાવાદમાં બધું મળે, હવાઇ ગયેલું કશું ન મળે!

‘‘ભૈયાજી.....યે પાણી-પુરી તો હવાઇ ગયેલી હૈ....દૂસરી દો, ના...’’ એવી ફરિયાદ હવે કોઇ કરતું નથી. એક તો વરસાદ નહિ, ને બીજું પાણી-પુરીના ખુમચાઓ સરકારે બંધ કરાવી દીધા. હવાઇ ગયેલી તો હવાઇ ગયેલી, પાણી-પુરી માટે આપણને પૂરૂં માન.....ક્યારેય ફરિયાદ નહિ કરવાની. પણ ભૈયાઓ એવી પાણી-પુરી આવતા ચોમાસા સુધી રાખી ન મૂકે, એ માટે સરકારે એની બધી લારીઓ ઉપર છાપા માર્યા. ભ’ઇ, બટાકા સડેલા હતા કે પાણી ગટરવાળું હતું, એની ગુજરાતીઓને ફિકર નહોતી. ‘દસની ચાર’ના ભાવે પચ્ચાસ ઠોકી જઇએ ત્યારે મન કાંઇ હળવું થાય. ‘ત્યાંથી’ આવેલા બ્રધર અને ભાભી અમદાવાદની પાણી-પુરી ખાવાની રાહ જોતા આવ્યા હોય, પણ એમના દેશમાં ચોખ્ખાઇ બહુ, એટલે મિનરલ-વૉટરની બૉટલથી પહેલા હાથ ધોઇ લે, પછી પહેલી પકોડી મ્હોંમાં મૂકે. એ વાત જુદી છે કે, કેટલાક ભૈયાઓ તો નવરા ઊભા હોય ત્યારે ગમે ત્યાં હાથ ઘસીને એ હાથે પાણી-પુરી ખવડાવે ને ગ્રાહિકાઓને એની કદી પરવાહ કે વેદના ન હોય.

રામ જાણે, દારૂની માફક પાણી-પુરી ઉપરે ય સરકાર શું ખફા થઇ ગઇ કે, ગુજરાતણોને ભૂખી રહેવાના કારમા દહાડા આવ્યા. અમદાવાદનું આખું લૉ-ગાર્ડન સાફ થઇ ગયું, જ્યાં પાણી-પુરી જેવી અનેક ખાણી-પીણીઓ મળતી હતી....સાલું, હવે આ બધું ઘેર જઇને ખાવાના દહાડા આવ્યા ને? બીજું બધું તો આવડે, પણ પકોડી ઘેર બનાવતા ન ફાવે. સુઉં કિયો છો? વણી વણીને અધમૂવા થઇ જઇએ, તો ય એમના જેવી તો ન ફૂલે. એ બધું તો ઠીક છે, પણ ૪૦-૫૦ પકોડીઓ ખાઇ લીધા પછી ફ્રીમાં મસાલા-પુરી ઘેર તો કોણ આપવાનું હતું?

સદીઓ પહેલા પડી ગયેલા વરસાદની માફક બાળકો મોટા થશે ત્યારે પપ્પાઓ એ સ્મારકો પણ બતાવાશે કે, ‘જો બેટા....હાલમાં જ્યાં પબ્લિક-ટૉયલેટ દેખાય છે....ત્યાં પહેલા ચમન પાણી-પુરીવાળો ઊભો રહેતો હતો. તારા મમ્મી-ડૅડી, દાદા-દાદી....બધા ચમનની પાણી-પુરીઓ ખઇખઇને મોટા થયા છે...ના, ચમન મરી નથી ગયો. એક ગોઝારી સાંજે અમદાવાદના મ્યુનિસિપાલિટીના સાહેબોએ ચમનને રંગે-હાથ...રંગે-બટાકા કે રંગે-ગટર પકડ્યો, ત્યારે ખબર પડી કે, ગુજરાતભરના મોટા ભાગના પકોડીવાળાઓ સડેલા બટાકા-ચણા કે કોથમિરમાંથી મસાલા બનાવીને ખવડાવતા હતા. ગુજરાતણો શાક-સબ્જી લેવા જાય ત્યારે એક એક બટાકું જોઇ જોઇને પાછું કાઢે કે, એકે ય સડેલું આવી ન જાય. ઘેર આર-ઓ પ્લાન્ટનું જ પાણી પીએ, પણ પકોડીવાળા જીવાતવાળું પાણી બનાવે તો એમાં ફક્ત સ્વાદ જ જોવાનો. કહે છે કે, જે સ્થળે ભૈયો ઊભો હોય, ત્યાંથી એના માટલામાં બીજું પાણી ભરવા માટે ક્યાંથી લાવે છે, એ જરા નજર દોડાવી જુઓ તો ચોંકી જવાય. પાંચકૂવા પાસે એક પકોડીવાળો રીતસર જાહેર-મૂતરડીમાંથી પાણી ભરી લાવી માટલામાં નવું પાણી બનાવતો ઝડપાયો હતો. મસાલેદાર પાણી તો દસ-પંદર ઘરાકો પછી ખૂટી જાય ત્યારે નવું પાણી લાવવું તો પડે ને? એ પાણી ક્યાંથી લાવો છો, એ સવાલ ભૈયાને કોઇ પૂછતું નથી. થૅન્ક ગૉડ કે, સૉશિયલ-મીડિયા ઉપર અમદાવાદના પાણી-પુરીવાળાઓના રહેઠાણો ઉપર જઇને વીડિયો ઉતારી ત્યારે ખબર પડી કે, ખદબદતી જીવાતો, માખીઓ અને કાદવ-કીચડવાળા વાસણોમાં એ લોકો પકોડીનો લોટ ગુંદે ને એની પકોડી બનાવે. હાથમાં પ્લાસ્ટિકના મોજાં પહેરીને પકોડી ખવડાવતો ભૈયો ચોખ્ખો લાગે, પણ મસાલો ગુંદતી વખતે એણે હાથ ધોયા છે, એની ક્યાંથી ખબર પડે?

મામલો ફક્ત પાણી-પુરી પૂરતો મર્યાદિત નથી રહેતો....લારી-ગલ્લા ઉપર મળતી તમામ વાનગીઓ તો ઠીક, ખુદ એ લારી-ગલ્લા કેટલા ચોખ્ખા છે, એ જાણવા જઇએ તો સાલું ત્યાંથી કાંઇ ખવાય નહિ! આપણે તો ‘દેખવું ય નહિ ને દાઝવું ય નહિ’વાળી સ્ટાઇલને કારણે ચોખ્ખાઇ-ફોખ્ખાઇમાં ના પડીએ. યસ. મોંઘુ તો મોંઘુ, પણ સ્ટાર હોટેલોના કિચનમાં લશ્કરી ચોખ્ખાઇને કારણે ભાવ ભલે વધારે આપવો પડે, પણ સફેદ-બટલર કૅપ પહેર્યા પછી મહારાજના માથાનો વાળ આવવાની તો ફિકર નહિ! દુનિયાભરની સમૃધ્ધ હોટેલોમાં કૂક (રસોઇયા)ને માથે કૅપ (ટોપી) પહેરવી ફરજિયાત છે અને તે પણ વ્હાઇટ જ. વ્હાઇટ એટલા માટે કે, નાનકડો ડાઘો ય પકડાઇ જાય.

આના ઉપરથી એક કામ થઇ શકે. ખાણીપીણીના બધા લારી-ગલ્લાવાળાઓ માટે ગુજરાતભરમાં ફરજીયાત એક સફેદ યુનિફૉર્મ બનાવી દેવાય. માથે હોટલના કૂક જેવી સફેદ ટોપી તો જોઇશે જ! એ બધા માટે ચોખ્ખું પાણી ફરજીયાત બનાવવા, ખાણીપીણીમાં એમણે પાણી ક્યાંથી લીધું/વાપર્યું છે, એનું બૉર્ડ ગ્રાહક વાંચી શકે, એ પહેલી શરત. તમામ ખાણીપીણીવાળાઓ ગ્રાહકે વાપરી લીધેલી ડિશ એકની એક ડૉલમાં બોળીને ‘સાફ’ કરીને નવા ગ્રાહકને આપે છે, એ શું કામ ચલાવી લેવાય? હૉસ્પિટલો કે દવાખાનાઓ બાયો-વેસ્ટ (દવાવાળો કચરો) જે તે ડૉક્ટરો કે હૉસ્પિટલોની જવાબદારી છે, તો એ જ કાયદો લારીગલ્લાવાળાઓને કેમ લાગુ ન પડે? બધું એંઠુજુઠું ક્યાં નાંખે છે ને કેવો ગંદવાડ ઊભો થાય છે, એ પણ મ્યુનિ.વાળાઓ કેમ ન જુએ? બહુ સ્વાભાવિક છે કે, લારીનો તમામ માલ તો વેચાઇ જવાનો નથી, તો વધેલો માલ એ ઘેર લઇ જઇને બીજે દિવસે પાછો લાવવાનો છે, જેની ગ્રાહકને ક્યારેય ખબર પડવાની નથી. યસ. આ કાયદો ફરજીયાત બનાવી શકાય કે, રાત્રે ઘેર પાછા જતા તમામ લારીગલ્લા કે દુકાનોવાળાએ વધેલો પૂરો માલ નાશ કરવો પડશે. બધી સાવચેતીઓ રાખવાની અપેક્ષા ગ્રાહકો પાસેથી ન રખાય....સુઊં કિયો છો?

હવે ચિંતા એક જ પીણાંની રહે છે.....પાણી-પુરીની માફક સરકારે છાનોમાનો મળતો’તો એ શરાબ પણ બંધ કરાવી દીધો......હવે જમાનો ‘‘શિકંજી’’ વેચનારાની લારીઓનો આવવો જોઇએ.

સિક્સર

- અરે પટેલ સાહેબ.....અત્યારે અહીં નડિયાદના હાઇ-વે ઉપર ક્યાંથી?

- અરે ભ’ઇ, મારે તો અમદાવાદના સી.જી.રોડ ઉપર ગાડી પાર્ક કરવી હતી...પોલીસવાળા, ‘અહીં નહિ....

આગળ જાઓ’ કહી કહીને મને અહીં સુધી લાંબો કરી દીધો છે....વડોદરા સુધીમાં કદાચ પાર્કિંગ મળી જાય ને?

-------