ધોની : જેનું મૌન પણ દુશ્મનોને ખૂંચે

"સ્પીકટાઇમ ~ જયદેવ પુરોહિત"

~  ~  ~  ~    ~  ~  ~  ~

?ધોની : જેનું મૌન પણ દુનિયાને ખૂંચે?

ક્યારેક એવું પણ બને કે ચાહો "અંતિમ નિર્ણય" ને ત્યાં એક નવી શરૂઆત નીકળે, દુશ્મનનોના મોંઢેથી "ઓહહહ" અને મિત્રોના મુખેથી "વાહહ..." નીકળે.

વર્લ્ડકપમાં હાર થઈ ને ધોની પર પ્રહાર થવા લાગ્યા હતાં. પોતપોતાના ઘરની ગરમ ખીચડી છોડી બધા ધોનીની નિવૃત્તિ ગરમ કરવા લાગ્યા. સલમાન ખાન લગ્ન કયારે કરશે એ સવાલ પણ ફિક્કો લાગે એ રીતે ધોની પર આક્રમણ થયું. છેલ્લી વનડે સિરીઝમાં એ મેન ઓફ ધ સિરીઝ બન્યો હતો એ ટીકાકારો કેમ ભૂલી ગયા? અણીદાર પ્રહારો કરવામાંથી નવરાશ મળે અને તર્ક કરવાની ફુરસદ મળે તો વર્લ્ડકપની બધી મેચ રિવાઈન્ડ જરૂર કરવી. પછી આપમેળે કહેશો કે, "હે ધોની! એક તું હી સહારા, એક તું હી ભરોસા..." 

ભસતા કૂતરાઓ સામે પથ્થરમારો કરી પોતાની એનર્જી બરબાદ ન કરાય પરંતુ ત્યાં એક પ્રેમથી બિસ્કિટનું પેકેટ ખુલ્લું મૂકી દેવાય. એટલે એ સચવાય રહે. આ વાત ધોની જેવા પાકેલા વ્યક્તિત્વો પાસેથી શીખવા જેવી ખરી. ખાસ કરીને સોશિયલ મીડિયાના દર્દીઓને. આટલાં પ્રહારો, આટલી ટીકાઓ થઈ છતાં ધોનીએ પોતાના સોશિયલ એકાઉન્ટ્સ પર એકપણ મેસેજ નથી કર્યો. લાસ્ટ પોસ્ટ એની "6 may" ની છે. એ દુનિયાને પોતાના જીવનમાં એન્ટ્રી નથી આપતો. બોલને વાલે થક જાયેંગે....!!

ધોની ક્રિકેટર તો અનાયાસે બની ગયો, આર્મીમાં જવાના સપના એમણે જોયા હતાં. પણ ક્રિકેટની સિદ્ધિઓને લીધે તેમને 2011માં લેફ્ટિનન્ટ કર્નલની માનદ રેન્ક આપવામાં આવી. એમના કપડાથી લઈ બાઈકસ, ટોપી, કિપિંગના ગ્લબ્ઝ વગેરે બધામાં એમનો આર્મી પ્રેમ છલકે છે. જે દેખાડો નથી. એમનું આજે પણ ફિટ શરીર આર્મી સ્પિરિટની દેન છે. હજી એ યુવા ક્રિકેટરોને સરળતાથી હંફાવી શકે છે. એજ વાત ટીકાકારોને ખૂંચે પણ છે. 
બધા રાહ જોઈને બેઠા હતા કે, ધોની નિવૃત્તિ વિશે કંઇક જાહેરાત કરશે. પણ ધોનીએ નવી જ સિક્સર ફટકારી. અને એવી સિક્સર કે લોકો એક ઝાટકે ચૂપ થઈ ગયા. ચેક એન્ડ મેટ. કોઈ રસ્તો ન બચ્યો ધોની વિશે ખરાબ બોલવાનો. 

ધોનીએ bcciને પોતાનો નિર્ણય કહી દીધો કે, "હું બે મહિના આર્મી કેમ્પમાં જવાનો છું અને નિવૃત્તિ વિશે મને પણ કંઈ ખબર નથી" અને દુશ્મની છાવણીમાં સન્નાટો પ્રસરી ગયો. ક્યાં કેટલું, ક્યાં કેવું અને કયારે બોલવું એ ધોની જેવા વિરલ વ્યક્તિઓ પાસેથી શીખવા જેવો ગુણ છે. લોકોને જે મસાલો જોઈતો હોય એ કયારેય ન આપો. ટીકાઓ થાય ત્યારે મૌન સૌથી મોટું શસ્ત્ર છે એ ફરી ધોનીએ સાબિત કર્યું. 

આની પહેલા પણ ધોનીએ ક્રિકેટમાંથી થોડી રજા લઈ 21 દિવસ જેટલો સમય કેમ્પમાં પસાર કર્યો હતો. ત્યાં જવાના ઘણા ફાયદા. એક તો જે લેફ્ટિનન્ટ કર્નલ બને એમને 2 મહિનાનો સમય ત્યાં આપવો પડે. માટે એ પણ થઈ જશે અને એ બે મહિનાની ડ્યુટીથી શરીર ફિટ પણ રહેશે. અને જે નિવૃત્તિની રાહ જોઈને બેઠા છે એમને હજી વધુ રાહ જોવી પડશે. આવા વ્યક્તિત્વો પાસેથી સાદગી અને નિર્ણય સેન્સ શીખી જઈએ તો આપણે પણ ઘણી મુસીબતોથી પહેલા જ બચી જઈએ. 

રહી વાત ક્રિકેટની તો, ધોનીની જરૂર ઇન્ડિયાને છે. વડીલ વિનાનું ઘર ઉત્સાહી હોય શકે પણ ઉત્કૃષ્ટ નહિ. અને કદાચ આ વર્લ્ડકપમાં ધોની કેપ્ટન હોત તો...પરિણામ અલગ હોત. 20-20 વર્લ્ડકપથી એન્ટ્રી કરનાર ધોની કદાચ એક્ઝિટ પણ 20-20 વર્લ્ડકપથી જ કરે એવું પણ બને. એમનું ટીમમાં હોવું સાથી પ્લેયરો માટે એનર્જી પેક છે. 
એ વાત ન ભૂલી શકીએ કે, ધોનીની લોકચાહના એમની ક્રિકેટ સ્કિલ નથી પરંતુ એમનું નિજી જીવન છે. એમનો સ્વભાવ, એમનો પ્રભાવ અને ભવિષ્યમાં એમનો અભાવ હંમેશા ધોનીને વધુ લોકપ્રિય બનાવશે. 

ધોની જેવા વ્યક્તિત્વ માણસોને અનુસરીને આધુનિક સમયમાં જીવવા જેવું છે. ખાસ તો મોબાઈલનો ઉપયોગ અને સોશિયલ એકાઉન્ટ્સ પર શું પોસ્ટ કરવું અને કઈ વાત ત્યાં ન કરાય એ સમજી જવું જ પોતામાં એક મહાનતા છે. જે ક્રિકેટરો એમની ટીકા કરી રહ્યા છે એ બધા કારકિર્દીમાં ધોનીથી બહુ પાછળ છે. અને સોશિયલ મીડિયા પરનો હેઠવાળો ધોની જેવા એકાગ્ર વ્યક્તિત્વને જરા પણ ડગમગાવી ન શકે. 

આવતા બે મહિના ધોની આર્મીમાં જશે એટલે નિવૃત્તિની ચર્ચા પર પૂર્ણવિરામ. જો ચાહા વો નહિ હુઆ ફિર  જો હુઆ ઉસે ચાહને લગે...!! 

વિચારો વધુ અને બોલો ઓછું આજ ગુરુ મંત્ર છે. અને જયારે બોલો ત્યારે બધા સ્તબ્ધ થઈ જવા જોઈએ. ધોની એક એવો યોદ્ધા કે જેમનું મૌન પણ ઘણાના ગળા કાપે. 
આ બાબતમાંથી માખણ કાઢી શકાય કે આક્રમણ કર્યા વિના પણ યુદ્ધ બહુમતીથી જીતી શકાય છે. 

લાસ્ટ વિકેટ

કોઈના ડગલાંમાં પગ ભરતો નથી,
હું મને ખુદને અનુસરતો નથી.(ખલીલ ધનતેજવી)

- જયદેવ પુરોહિત


***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Raj 4 માસ પહેલા

Verified icon

raval Namrata Verified icon 4 માસ પહેલા

Verified icon

Kishor M Vala 4 માસ પહેલા

Verified icon

Dhanji Chaudhari 4 માસ પહેલા

Verified icon

Gadhvi Aaspar 4 માસ પહેલા