ત્રણ ચોર Sonu dholiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ત્રણ ચોર

ઉનાણો ખતમ થઈ ગયો છે, પણ હજુ વરસાદનો એક છાંટો ક્યાય સૌરાષ્ટ્રમાં પડ્યો નથી. વાવણી જેટલો પણ વરસાદ ક્યાય નથી થયો. અવારનું વર્ષ લગભગ દુકાળ જેવું જ જાશે એવી વાતો ઘણા લોકો કરે છે,પોર તો અમુક ગામ સંપર્ક વિહોણા થઈ ગયા હતા, એટલો વરસાદ સૌરાષ્ટ્રમાં પડી ગયો હતો, પણ અવાર તો કઇંક અલગ જ વાતાવરણ નજરે પડે છે. માનવીનું તો ઠીક પણ પશુ - પ્રાણીઓનું પુરતું થઈ રેય તોય ઘણુય.

અંધારી રાત છે વીરો દેવી પુંજક તેનાં ઝુંપડામાં પાછો ગયો અને નાના અવાજે તેની પત્નીને કહ્યું તારે હવે જવું નથી બટકો માંગવા?

નાથી જોરથી બોલી મેઘાનું પેેટતો ભરવા દયો પછી જાય જીવલી અને મેઘાાને લઈને.

માં મને બોવ ભુખ લાગી છે, તું ભાઈને પછી ધરાવજેને એમ જીવલી બોલી.

હે માતાજી, હાલ હવે એમ કહી થોડી ચિડાઈને, નાથી ઉભી થઈ બાજુમાંથી ટોપળી (તપેલી) અને નાની કીટલી લઈને.

અંધારું છે, ધીમે ધીમે જાજે વીરો બીડી પીતો પીતો બોલ્યો.

દેવી પુંજકના નેશડા જાજા નોતાં દસ - બાર હતા. અને ગામ પણ વધારે દુર નોતું. પાંચ - દસ મિનિટમાંતો ગામ આવી જાય. હવેતો થાંભલે - થાંભલે લાઈટ આવી ગઈ છે, એટલે વાંધો આવતો નથી. માણસોની અવરજવર પણ હોય છે.

માં આજ કેમ કોઈ નીકળતું નથી, આખા રસ્તામાં આપણે ત્રણજ છે.

ધીમીની બોલ મેઘો ઊઠી જાહે, એતો આજ થોડુ વધારે મોડુ થયુ છે એટલે.

મોડુ એટલે, કેટલું મોડુ થયુ હશે હે માં?

તારુ પૂછવાનું બોવ હો! સાળા અગિયાર થયા હશે. વાતાવરણની ટાઢક પરમાણે (પ્રમાણે).


માં ગામ આવી ગયું લાગે ટી.વીનો અવાજ આવે છે ઝાપામાંથી.

હા, એમ નાથી ધીમે થી બોલી.

માં ટી.વી. પર કોઈ બોલે છે.

હા, ઈ ભાષણ કરે છે, નાથી બોલી.

કોણ ? ( જીવલી ની વય કઈ એટલી બધી મોટી નોતી પણ એની માં કે 'તી અગિયાર વરહ(વરસ) ની થઈ તોય સમજણ ના આવી.

હાં, ઈ નરેન મોદી છે. એમ હળવેકથી નાથી બોલી.

ઈ શું કે' છે ?

કોઈ ગરીબ કુટુંબને ભૂખ્યા નઈ સુવા દેય એમ.

આપણે પણ ગરીબ છે ને માં ?

હા, કંટાળી ને નાથી બોલી.

આપણે પણ ભૂખ્યા નઈ સુવા દેય ?

ગામ આવી ગયું હવે તારું મોઢું બંધ રાખજે. બાકી કાઈલે (કાલે) તને નઈ લાવી. મેઘાને બીજા હાથ પર બદલી જે ઘર પર લાઈટ હજી બુજાણી નોતી ત્યાં બટકો માંગવા નાથી ઉભી ગઈ. એ બેન કાંઈ ખાવાનું નું હોય તો આપ, મારી માતાજી તારું ક્યારેય બગડવા નઈ દેય. (ઘરની અંદરથી કોઈ વળતો જવાબ નથી આવતો.) માં કાંઈ ખાવાનું વધ્યું હોય તો દે! ફરી વખત નાથી બોલી પણ કોઈ વળતો જવાબ નથી મળતો ઘરની અંદર થી. મારા બચ્ચા નાના છે, અને ભૂખ્યા પણ છે. અંદરથી ખૂબ જીણો અવાજ આવ્યો.

દરવાજો ખોલતા નઈ અત્યારે જમાનો ખૂબ ખરાબ ચાલે છે, અત્યારે જોઈ જાય પછી રાતે બધું લૂંટી જાય, એવી ટૂકળી ફરે છે એટલે આપણે સતર્ક રહેવું જોઈએ.


નાથી એજ પગલે પાછી બમણી જડપે પોતાના નેશડા તરફ ચાલવા માંડે છે. ગામના ઝાપે એજ ટી.વી. પર જૂનું ગીત વાગે છે,

"બદલ જાયે અગર માલી,
ચમન નહિ હોતા ખાલી".

આખા રસ્તે ત્રણેયના મોઢામાંથી એક શબ્દ નથી નીકળતો. ત્રણેય નેશડાની નજીક પહોંશવા આવી જાય છે,છેલ્લે નાથી બોલે છે, માક (માઈક)મા બોલવાથી કઈ ના થાઈ આવીને જોવ તો ખબર પડે કે કેટલા ચોર છે ને કેટલાં શાહુકાર. ત્રણેય નેશડાની અંદર જાય છે. દિવો ઓલવાઈ ગયો, અંધારું બધે ફેલાઈ ગયું. નેશડામાંથી ધીમાં ધીમાં અવાજે જીવલી ના ગળામાંથી સૂર નિકળિયા,

"બદલ જાયે અગર માલી,
ચમન હોતા નહી ખાલી".