કરણ સવારે વહેલો ઊઠીને લગભગ સવારના છ વાગ્યા હશે .સાંજે દફતરમા નાખેલી થેલી કાઢીને પોતાના ખિસ્સામા નાખી .પાછલા દરવાજાથી નિકળીને કોઈ ઉઠી ના જાય એટલા માટે શાનો માનો ગામના જાપા તરફ જાય છે . શિયાળાની સવારે છે , આમ પણ ગીરની ઠંડી એટલે કાળજા ઠારી દેય , પણ બાળપણમાં ઠંડી લાગે તો એ બાળપણ છેનું .કરણ ગામના ઝાંપે પહોંચી ને આમ તેમ જોઈ છે . અને થોડી વાર થતા થોડે દૂરથી એક તિણો અને બેપરવાહ અવાજ આવે છે .તે તેનો મીત્ર દુષ્યંત હતો , તે બન્ને એક જ ભેગા પાંચમા ધોરણ મા ભણે છે .આજે નિશાળે રજા હતી , મોટા બેન એમ કેતા હતા કે કાલે મકર સંક્રાંતિની રજા છે .સંક્રાંતિ એટલે શું તે દુષ્યંત ને ખબર નો હતી પણ આ દિવસે પતંગો ઉડે અને એના થી પણ વધારે ગામમા સવારેના પહોરમાં મમરાને' તલ ના લાડવા મળતા અને દુકાન વાળાં કોઇ તો ચોકલેટ પણ આપતા . એટલે આ વખતે તેણે તેના મિત્ર કરણને પણ બોલાવ્યો હતો .
કરણને જોઈને દુષ્યંત બોલ્યો આવી ગયો તું!
કરણ બોલ્યો ' હા ' .
થેલી તો લાવ્યો છે ને ? દુષ્યંત બોલ્યો .
કરણે કહ્યુ ' હા ' થેલી તો કાલે સાંજે જ બાપાની ચોરાયે દફતરમા નાખી લીધી હતી , બાપાને મે પૂછ્યુ તો તેણે ના પાડી દીધી કે આપણે ના જવાય .પણ તે કીધું એટલે આવી ગયો, આજ બોવ ઠંડી હતી તો પણ .એ બોવ સારું કર્યુ કરણ , આમ પણ બધા મોટા આપણને ગુલામ જેવા કરી દીધા છે એ લોકો કહે એમ જ કરવું બીજુ ના કરવું એવું થોડું કંઈ ચાલે , ચાલ હવે મારી ભેગો એમ દુષ્યંત બોલી આગળ ચાલવા માંડ્યો .તેની પાસળ કરણ પણ ચાલવા માંડ્યો .
ગામના બીજા બધા ટાબરીયા પણ થેલીઓ લઈને આમ તેમ દોટ મુકતા હતા, અને પોતાની થેલીઓ ભરતા હતા .અમુક ઘર ધણી એવા હોય કે ગોળના લાડવાનું દાન પણ કરવું છે અને છોકરાઓને વધારે પણ નથી દેવું .નાની એવી તપેલીમા મમરાના લાડવા લઈને દાન ધર્મ કરવા આવે , બે ત્રણ ટાબરીયાને દેય ત્યાં તો તપેલી પુરી થઈ જાય .પછી જે ટાબરીયાને લાડવાના મળ્યા હોઈ તે બીજી ગલીએ જાય .
કરણની થેલી અડધી જેટલી ભરાઈ ગઈ હતી .તેના કોમળ મુખ પર હાસ્ય ઠલવાતું હતુ અને ગોઠણ સુધી ચડ્ડી પહેરીને તે ગામના નવા નવા ઘરે જતો હતો , આજ સુધી પે ' લી ' વાર જ તે ગામમાં આટલો દુર આવ્યો હતો .નવી નવી ગલીયો અને નવા નવા ગામના લોકો ના ચહેરા જોતો જતો હતો .તેના મિત્ર દુષ્યંત સાથે મિત્રતા થઈ એને માત્ર હજી બે જ અઠવાડિયા થયા હતા .દુષ્યંત ભણવામાં ઠોઠ હતો , તે ભણવા જવા કરતા વધારે નદી કિનારે જ આંટા મારતો , એક દિવસ તો કરણને પણ ભેગો લઈ ગયો હતો , એતો એનો ગોપાલ કાકો તેને નદી કિનારે જોઈ ગયો , પછી ભાઈની સારી એવી ધોલાઇ થઈ ત્યારથી નિશાળનું મોઢુ જોવા વળગો , બાકી નિશાળની કિસ્મતમા દુષ્યંત ક્યાં હતો જ .કરણ દુષ્યંતની કોઇ વાતની ના ન કરતો , કારણ કે આખી નિશાળમા દુષ્યંત એક જ કરણનો મિત્ર હતો , જે હળી મળીને કરણ સાથે રહેતો . બીજા છોકરાઓ ખાલી બોલવા સુધી જ મિત્ર હતા .પણ દુષ્યંતે થોડા જ સમયમા કરણનું દિલ જીતી લીધુ .
દુષ્યંતને કરણ બન્ને મહાકાળી શેરીએ પહોંચ્યા , ત્યાં તેની સાથે ભણતો નરસિં સાથે બંનેનો ભેટો થઈ ગયો .નરસિં અને દુષ્યંત બંને કાકા બાપાના ભાઈઓ હતા .પણ નરસિં ભણવામા હોશિયાર હતો .કરણની અને નરસિંની બંનેની એક જ ભણવામા હરીફાઈ હતી .એક જેટલા જ બંનેને માર્ક આવતા , પણ હમણાં છેલ્લી સંસ્ક્રૂતની નાની પરીક્ષામા નરસિં કરણથી પાંચ માર્ક આગળ હતો .એટલે આજે કરણ સાથે વાત કરવામા તેને વાંધો નથી .
નરસિં બોલ્યો ' હજી રબારીવાળાની શેરી લેવાની છે .આવવું છે તમારે બંને ને ' ?
' હા તો હવે છેલ્લી એક શેરી લઈએ ' પછી કરણ ને પણ મોડુ થતું હશે , દુષ્યંત બોલ્યો .
ત્રણેય રબારીવાળા તરફ ગયા .
ત્યાં જતાં ગાય અને ભેંસની દુર્ગંધ આવતી હતી , ત્યાં જઈને બે ત્રણ ઘરે માંગીને પછી આગળ એક સોળ , સત્તર વર્ષની છોકરી ઉભી હતી , ત્યાં ત્રણેય ગયા .ત્રણેય પહેલા બીજા ટાબરીયા લાડવા લઈને ત્યાંથી નિકળ્યાં જ છે હજી .
તે છોકરીની મુખ મુદ્રા એક જ નજરમા જોતા ના ગમે , તેણે આખો ડ્રેશ અને ગળામા ચૂંદડી નાખી હતી .તેના વાળ ભુરા અને નાક થોડું લાંબુ હતુ અને તેની પાસેથી દુધની વાસ આવતી હતી .હાથમા મમરાના લાડવા લઈને તે અને તેની માં
આંગણાંમા ઉભી હતી .
ત્રણેય તેની નજીક ગયા , તો પેલી છોકરી કરણ સામે જોઈને મોઢુ બગાડીને બોલી ' તું તો સરકારી પાણીની ડંકી પાસે રહેશે ત્યાંથી જ આવે છે ને ' ?
કરણ ધીમા અવાજે બોલ્યો ' હા ' .
દુષ્યંત અને નરસિં કરણથી થોડા છેટે ઉભી ગયા .
પેલી બોલી ' તું છેટે રે જે હો' , તેની ' માં' તરફ મોઢું ફેરવીને તેની ' માં' ને બોલી , આ ટાબરીયું આંબેડકરના પુતળા વારી ગલીએથી આવે છે .
તેની માં ભડકીને બોલી ' હે એલા .... છેટો રે ..... હવે ક્યારેય આ ગલીને અપવિત્ર કરવા ના આવતો હો , ચાલ્યો જા પાછો, અહીં પાછો હવે ના આવતો ' . દુષ્યંત અને નરસિં તરફ જોઈ ને બોલી ' બેટા આ બાજુ થેલી કરો ', અને તેમા લાડવા નાખી ને બોલી , ' હવે આની ભેગા ના ફરતા હો , હવે જાવ હો .
તે બંને આંખો નીચી કરી ત્યાંથી ચાલ્યા ગયા .
કરણ ઊપર જાણે આભ પડ્યું હોય તેમ તે પાછા પગ કરી ત્યાંથી ચાલ્યો , તેણે એક મોટો ઉકરડો જોયો અને ત્યાં તેની થેલી નાખીને , ખાલી હાથે ઘર તરફ રવાના થયો .