સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું
64 સમરહિલ
લેખકઃ ધૈવત ત્રિવેદી
પ્રકરણ - 41
વહેલી સવારે પહોંચેલો રાઘવ સીધો જ લાલગઢ ઓફિસ પહોંચી ગયો હતો. પરિહારની સુચનાથી ફાતિમા અને ચંદાને તેની સામે લાવવામાં આવી હતી. એકધારી રોકકળ કરી રહેલી એ બંને ઓરતોએ ત્વરિતનો સ્કેચ ઓળખી બતાવ્યો એટલે રાઘવને રાહત થઈ હતી.
બેય છોકરીઓને ત્વરિતે કવર તરીકે જોડે રાખી હોઈ શકે એવા તેના અંદાજમાં ઝુઝારે પણ સંમતિ આપી હતી. બપોરે સાડા અગિયાર વાગ્યે બીએસએફનું હેલિકોપ્ટર ડેરા સુલ્તાનખાઁ કેમ્પના હેલિપેડ ખાતે લેન્ડ થયું ત્યારે કમાન્ડન્ટ પરિહાર રાઘવને સત્કારવા હાજર હતો.
કેશાવલી મંદિરે પહોંચીને રાઘવે ઘટના સ્થળનું નીરિક્ષણ કર્યું ત્યારે તેના મોંમાંથી ય ડચકારો નીકળી ગયો. આવી વેરાન જગ્યાએ આટલું ફાયરિંગ થાય, હેન્ડગ્રેનેડ બ્લાસ્ટ થાય, આટલી ખુવારી થાય અને ત્વરિત કૌલ તેમાં સંડોવાયેલો હોય એ કલ્પના માત્રથી તેના હાથની મુઠ્ઠીઓ સખ્તાઈથી બિડાઈ જતી હતી. સાલો, મળ્યો ત્યારે તો કેવી વિદ્વતાથી વાતો કરી રહ્યો હતો!
પરિહાર વર્ણન કરતો ગયો તેમ રાઘવ મનોમન પોઝિશન નોંધતો ગયો. પાકિસ્તાની ઘૂસણખોરો અને બીએસએફના જંગમાં મૂર્તિ ચોરવા આવેલી ટોળકી અકારણ જ ફસાઈ પડી હશે એવો પરિહારનો તર્ક તેને ય ગળે ઉતર્યો હતો પણ આવા જંગમાંથી ય એ લોકો છટકી શક્યા એ તેના માનવામાં આવતું ન હતું.
કેશાવલીનું મુખ્ય મંદિર સલામત હતું પણ ભોંયરામાં એક મૂર્તિનો ગોખલો આખો ય કોરાઈ ગયો હતો. પરિહાર કહેતો હતો કે ભોંયરામાં પ્રવેશેલા માણસે માંડ અડધી કલાકમાં મૂર્તિ ઊઠાવી હોવી જોઈએ. રાઘવે પોતાની રીતે એ દરેક સ્થળના ફોટા પાડયા. કોરાયેલી મૂર્તિ નીચે દિવાલમાં કોતરેલા મંત્રના ય ફોટા લીધા. બપોરે સુરજ માથા પર હતો ત્યારે બીએસએફના ઊંટ તૈયાર થઈ ચૂક્યા હતા.
વહેલી સવારથી જ પરિહારે રેગિસ્તાનની ત્રણે દિશામાં પગીઓને રવાના કરી દીધા હતા. રાત્રે ઊઠેલા વંટોળને લીધે પગેરું શોધવામાં નિષ્ણાત આદમીઓને ખાસ્સી તકલીફ પડી હતી પરંતુ બપોર થતા સુધીમાં મરેલા ઊંટનો મૃતદેહ મળી આવ્યો હતો. ઊંટના કાઠડા પરનો તમામ સામાન ગાયબ હતો એટલે ઘાયલ ઊંટની સાથે કોઈ આદમી હોવાની શંકા ય મજબૂત બની હતી.
આગળ ગયેલા પગીઓ દિશા ચિંધતા ગયા તેમ રાઘવ, પરિહાર, ઝુઝારનો કાફલો આગળ ધપતો ગયો. છેક મોડી સાંજે આખરે લાઈન ઓફ કન્ટ્રોલની દિશાએ અઢી-ત્રણ કિલોમીટર દૂર ઢુવાના ઢાળ પર ફસકાઈ પડેલો એક આદમી લોકેટ થયો હતો.
એ ત્વરિત જ હતો. વિકૃત ચહેરો, તરડાઈ ગયેલું શરીર, ચાઠા પડીને વકરી ગયેલા ઘાવ, હોશોહવાસ વગરની હાલત અને તેમ છતાં છાતી સાથે મુશ્કેટાટ બાંધેલી મૂર્તિ…
રાઘવને કમકમાટી છૂટી ગઈ હતી. આખરે આ કમઠાણ છે શું?
***
જો રાઘવ-પરિહારને થોડુંક જ મોડું થયું હોત તો ઈજા, આઘાત, રેગિસ્તાનની લૂ અને પાણી વિના વલખતા ત્વરિતે ત્યાં જ છેલ્લા શ્વાસ લઈ લીધા હોત. ફટાફટ તેને પહેલાં કેમ્પ અને પછી હેલિકોપ્ટર મારફત બિકાનેર આર્મી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.
રાતભર જાગીને રાઘવ-પરિહારે પોતપોતાની સ્થિતિ સ્પષ્ટ કરી. પરિહારે બીએસએફના દરેક કમાન્ડને અજાણ રાખીને આ ઓપરેશન પાર પાડયું હતું. તેને અલબત્ત સફળતા મળી હતી પરંતુ પોતાના જવાનોની ખુવારી માટે જવાબ આપવો મુશ્કેલ હતો. એ સંજોગોમાં લાપતા આદમીઓનો ઉલ્લેખ કરીને એ વધુ ભેરવાવા માંગતો ન હતો.
લાપતા આદમીઓને પાકિસ્તાનીઓ સાથે કોઈ કનેક્શન નથી તેની ખાતરી થઈ ગયા પછી તેણે એ વિશે ચૂપકીદી રાખવાનું નક્કી કર્યું. ત્વરિત, ફાતિમા, ચંદા સહિત એ આખો મામલો હવે રાઘવનો હતો અને જ્યાં સુધી છેલ્લી કડી હાથ ન લાગે ત્યાં સુધી રાઘવ પણ ચોપડે ચડાવીને મામલો ચગાવવા માંગતો ન હતો.
આખરે બેયે પોતપોતાના હિતમાં એકબીજાને સહકાર આપીને મૌન રાખવાનો નિર્ણય કર્યો હતો.
***
'ગુડ મોર્નિંગ છપ્પન બાદશાહ...'
છપ્પનની આંખ ઊઘડી ત્યારે એ ઓરેન્જ જ્યુસનો ગ્લાસ હાથમાં લઈને ઊભો હતો, 'જોકે અત્યારે બપોરનો દોઢ વાગ્યો છે પણ તું ઘસઘસાટ ઊંઘતો રહ્યો એટલે મેં તને જગાડયો નહિ...'
છપ્પને ચકળવકળ આંખે ચારે તરફ જોઈ લીધું. એ જ કમરો, એ જ માહોલ. ફક્ત દુબળીએ ડ્રેસ ચેન્જ કર્યો હતો. લાઈટ સેફ્રોન શેડનો લિનન શર્ટ અને ઓફ્ફ વ્હાઈટ કલરના ટ્રાઉઝરમાં એ હાઈપ્રોફાઈલ એક્ઝિક્યુટિવ જેવો લાગતો હતો.
'હાઉ ડૂ યુ ફિલિંગ નાવ?'
'ઓકે...' પોતે આટલું બધું ઊંઘ્યો તેનો અચંબો છપ્પનના અવાજમાં વર્તાતો હતો.
'ડોન્ટ બોધર એન્ડ ડોન્ટ ટોક મચ.. ડોક્ટર સવારે આવી ગયા છે. તને હજુ સાજાં થતાં બે દિવસ લાગશે બટ, આઈ એમ સોરી માય ડિઅર, આપણે અત્યારે જ અહીંથી નીકળી જવું પડશે'
'કેમ? કંઈ...'
'ઈટ્સ હાઈ એલર્ટ એટ બિકાનેર... ઓફિશ્યલ એનાઉન્સમેન્ટ નથી થયું પણ એટલે જ મને વિચિત્ર લાગે છે. આપણે ગફલતમાં ન રહેવું જોઈએ. ડોન્ટ વરી, મેં બધી તૈયારી કરી રાખી છે...'
'હાઈ એલર્ટ શા માટે અને ઓફિશ્યલ એનાઉન્સમેન્ટ શેનું?'
એ એવા જ સપાટ ચહેરે તેને જોયા કર્યો. પછી હળવેથી તેની પાસે ખસીને કપાળ પર હાથ મૂક્યો, 'ફાઈન, તને હવે સ્હેજે ય ટેમ્પરેચર નથી'
'અરે, હેલ વિથ માય ટેમ્પરેચર... હું પૂછું છું તેનો જવાબ આપ ને' પથારીમાં રહેવાની પોતાની વિવશતા અને આ માણસની જાડી નિંભરતાથી છપ્પન બેહદ અકળાયો.
'શાનો જવાબ?'
'કેમ, તું બહેરો છે? મારી ભાષા સમજતો નથી? મંગળ ગ્રહ પરથી પ્રગટયો છે? સાલા, મેં તને સીધી રીતે પૂછ્યું કે હાઈ એલર્ટ શેનો છે, ક્યા એનાઉન્સમેન્ટની તું વાત કરે છે, શા માટે આપણે બીજે શિફ્ટ થવાનું છે... અને તું...' ઓરેન્જ જ્યુસનો ગ્લાસ ફગાવવાનું છપ્પનને મન થઈ આવ્યું હતું.
'ધારો કે હું તને કહી દઉં તો પણ...' ત્રાટક કરતો હોય તેમ એ છપ્પનની આંખમાં જોઈ રહ્યો, 'તું કંઈ ફરક પાડી શકવાનો છે?'
'તોય મને જે અસર કરે છે એ વાત મારે જાણવી તો પડશે ને?'
'અને ન કહું તો?'
તેનું વાક્ય પૂરું થાય એ પહેલાં ઉશ્કેરાટથી હાંફતા છપ્પને જ્યુસ ભરેલો ગ્લાસ જોરથી તેના તરફ ફેંક્યો. ગ્લાસ ફેંકવા માટે છપ્પનનો હાથ ઊંચકાયો કે તરત નીચા નમીને તેણે ઘા તો ચૂકાવી દીધો પણ ભીંત સાથે અથડાઈને કાચના ટૂકડા ચારેતરફ વેરાઈ ગયા અને જ્યુસના છાંટા તેના કપડા પર પણ ઊડયા.
ચહેરાની એક રેખા બદલ્યા વગર તૂટેલા કાચના ટૂકડા એ જોતો રહ્યો પછી છપ્પનની સામે જોયું. બાથરૃમમાં જઈને ડાઘ પર થોડું પાણી લગાવ્યું અને બાથરૃમના બારણામાંથી જ બોલવા માંડયો,
'ત્વરિત પકડાઈ ગયો છે. બેહદ ખરાબ હાલતમાં અહીંથી માંડ એક કિલોમીટર દૂર આર્મી હોસ્પિટલમાં છે. પોલિસ અને બીએસએફનું કમ્બાઈન્ડ ઓપરેશન છે અને એકેએક હોટેલ આજે રાતે ચેક થશે...' છપ્પનના ચહેરા પર ઉપસી આવેલી ભયની રેખાઓ ભણી આંગળી ચિંધીને તેણે ઉમેર્યું, 'બોલ, મેં બધું જ કહી દીધું. તારાથી કંઈ થઈ શકે તેમ છે?'
છપ્પન સ્તબ્ધ ચહેરે જોઈ રહ્યો. એ પૂછવા જ જતો હતો કે તને આ બધી કેવી રીતે ખબર પડી? ત્યાં વધુ એક વખત, જાણે છપ્પનનો ચહેરો વાંચતો હોય તેમ તેણે સપાટ સ્વરે પૂછાયા પહેલાં જ જવાબ વાળી દીધો, 'હું એકલો નથી...!!'
***
આર્મી હોસ્પિટલમાં મોટાભાગે ઘાયલ જવાનોને જ સારવાર આપવામાં આવે પરંતુ પરિહારની ખાસ ભલામણથી ત્રીજા માળે એક સ્પેશ્યલ રૃમમાં ત્વરિતને રાખવામાં આવ્યો હતો. તેને જડબામાં મસ્ક્યુલર રપ્ચર ડિટેક્ટ થયું હતું. ત્રીજી પાંસળીમાં ય ઈજા હતી. એ સિવાય સિવિઅર ડિહાઈડ્રેશનને લીધે ઓક્સિડેશન ઝડપી બની ગયું હતું અને નર્વ્ઝ સિસ્ટમ કોલોપ્સ થવા માંડી હતી. સમયસર એ મળી આવ્યો હતો એટલે આઉટ ઓફ ડેન્જર હતો.
ડોક્ટર પાસેથી વિગતો જાણ્યા પછી રાઘવે ચોવીસ કલાકમાં પહેલી વખત હાશકારો અનુભવ્યો હતો.
મોડી રાત સુધી તે હોસ્પિટલમાં રોકાયો. ત્વરિતને હોશમાં આવતા હજુ ખાસ્સી વાર હતી પરંતુ તેને મનમાં કંઈક અંદેશો થયા કરતો હતો.
કંટાળીને રાત્રે સાડા અગિયાર વાગ્યે તે નીકળ્યો. કમ્પાઉન્ડમાં ત્રણ-ચાર ગાડીઓ પાર્ક થયેલી હતી. દરવાજાની સામેના રસ્તા પર થોડોઘણો ટ્રાફિક હતો. ઝાંપા પાસે ઊભેલા ચોકિયાત ગપાટા હાંકી રહ્યા હતા.
રાઘવે હોસ્પિટલ કમ્પાઉન્ડમાંથી ડાબી તરફના રસ્તે બીએસએફ ગેસ્ટહાઉસ ભણી કદમ ઉપાડયા.
એ વખતે તેણે ગરદન ઘૂમાવીને જોયું હોત તો, ઝાંપામાંથી 'ઢગ્..ઢગ્..ઢગ્..ઢગ્' અવાજ સાથે અંદર પ્રવેશેલા એનફિલ્ડ બુલેટ મોટરસાઈકલને તેણે જરૃર જોયું હોત.
(ક્રમશઃ)