ચિંતનની પળે - સીઝન - 3 - 41 Krishnkant Unadkat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચિંતનની પળે - સીઝન - 3 - 41

ચિંતનની પળે

કૃષ્ણકાંત ઉનડકટ

41 - ઘણાને દુઃખી થવામાં જ મજા આવતી હોય છે!

દર્દ પયદા કર, દવાનું પૂછ મા, એટલે કે તું ખુદાનું પૂછ મા,

નાવ જાવા દે ખુદાના નામ પર, તું સુકાનીને હવાનું પૂછ મા.

શયદા

દુઃખ શું છે એની જેને ખબર નથી એ માણસ સુખી છે, પણ સુખ શું છે એની જેને ખબર નથી એ માણસ ક્યારેય સુખી થઈ શકતો નથી. આપણને દુઃખી થવાની અને દુઃખી રહેવાની એટલી બધી આદત પડી ગઈ છે કે આપણે સુખી થવાનું જ ભૂલી ગયા છીએ. હકીકતે તો આપણે જેને દુઃખ કહેતા ફરીએ છીએ એ દુઃખ હોતું જ નથી, આપણે તેને પંપાળી અને પોષીને આપણામાં ધરાર જીવતું રાખીએ છીએ.

સુખી થવા માટે આપણને કારણ મળતું નથી અને દુઃખી થવા માટે આપણે કારણ શોધવું પડતું નથી! વાત વાતમાં આપણે બહુ સહેલાઈથી દુઃખી થઈ જઈએ છીએ. ઘણા લોકો તો એવા હોય છે જેને સુખ સદતું જ નથી, દુઃખી થવા માટે બહાનાની જ રાહ જોતાં હોય છે. ઘડીકમાં મૂડ ઓફ થઈ જાય છે. મગજ ઉપર ગુસ્સો સવાર થઈ જાય છે. ઘણા લોકો એવું કહેતા હોય છે કે યાર ક્યાંય મજા નથી આવતી! તેને પૂછીએ કે કેમ મજા નથી આવતી? તો એની પાસે કોઈ જવાબ હોતો નથી.

એવું નથી કે માણસ ક્યારેય દુઃખી ન થાય. દુઃખી થવું એ સ્વાભાવિક છે. જિંદગીમાં ઘણા પ્રસંગો એવા બનતા રહે છે કે માણસ ડિસ્ટર્બ થાય. કોઈના વર્તનથી આપણને ક્યારેક લાગી આવે છે. એણે મારી સાથે આવું કર્યું? આપણે માનતા અને ઇચ્છતા હોઈએ તેનાથી જુદું કોઈ કહે ત્યારે આપણે દુઃખી થઈ જઈએ છીએ. આપણે એ સ્વીકારી જ નથી શકતા કે આપણે જેને પ્રેમ કરીએ છીએ,આપણે જેને આપણા માનીએ છીએ એ એવું કંઈ કરે. આપણે એવું જ ઇચ્છતા હોઈએ છીએ કે આપણને ગમે એવું જ આપણા લોકો કરે. આપણને આપણો વાંક ક્યાંય દેખાતો જ નથી. દુઃખી આપણે થઈએ છીએ અને જવાબદાર બીજાને ઠેરવીએ છીએ.

દુઃખને બને એટલું ઝડપથી ખંખેરી નાખવું જોઈએ. આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે દુઃખને ભૂલતા નથી. દુઃખને યાદ કર્યે રાખીએ છીએ. એક ડોક્ટરે કહ્યું કે, ગૂમડાને ખોતરીએ નહીં તો ગૂમડું ઝડપથી મટી જાય. દુઃખનું પણ એવું જ છે. દુઃખને ખોતરવાનું બંધ કરો તો સુખ ઝડપથી પાછું આવી જશે. મોટા ભાગે તો આપણે જ દુઃખને છોડવા નથી ઇચ્છતા હોતા. આપણને ટેન્શનમાં, ઉપાધિમાં,ચિંતામાં અને હેરાન થવામાં મજા આવતી હોય છે. ટેન્શન વગરનું જીવન આપણને માફક આવતું નથી.

ઘણા લોકો એવા હોય છે જેની પાસે દુઃખી થવા માટે આખું લિસ્ટ હોય છે. એક ચિંતા ટળે ત્યાં એ બીજી શોધી કાઢે છે. પ્રશ્નને હલ કરવા માટે સવાલ ઊભા કરતા રહે એવા લોકોની આપણે ત્યાં કમી નથી. ઘણાને તો ફરવા જવાનું પણ ટેન્શન હોય છે. મજા આવશે કે નહીં? બધી વ્યવસ્થા બરાબર થઈ જશે કે નહીં? આપણને ફાવે એવું રહેવાનું અને ભાવે એવું ખાવાનું મળશે કે નહીં? મજા માટે એની તૈયારી જ નથી હોતી.

જિંદગીમાં દરેક વાતને અત્યંત ગંભીરતાથી લેવાની જરૂર જ હોતી નથી. મોટા ભાગની વાતોને હળવાશથી લેવી જોઈએ. દરેક વાતમાં વિચાર કરવો સારી વાત છે, પણ વધુ પડતો વિચાર પણ ઘણી વખત આખી વાતને ગૂંચવી નાખતો હોય છે.ઓવર થિકિંગ’ પણ જોખમી છે. જે વાત માટે જેટલું વિચારવાની જરૂર હોય એટલું જ વિચારવું જોઈએ. વધુ પડતા વિચારો પણ દુઃખી થવાનું એક કારણ છે.

એક શાયરે લખેલી ગઝલની પંક્તિ છે. બેનામ સા યે દર્દ, ઠહર ક્યું નહીં જાતા? જો બીત ગયા હૈ વો ગુજર ક્યું નહીં જાતા! જે વીતી ગયું છે એ ભૂલી જઈએ તો જ જિંદગીની મજા છે, પણ આપણે એવું નથી કરતા. સતત જૂની વાતોને યાદ કરીને દુઃખી થઈએ છીએ. ઘણા લોકોને તોબિચારા’ રહેવામાં જ મજા આવવા લાગે છે. કોઈ દયા ખાય, કોઈ સહાનુભૂતિ બતાવે તો એને સારું લાગે છે. કોઈ દયા ન ખાય તો પણ એ દુઃખી દુઃખી થઈ જાય છે. મારી તો કોઈને દયા જ નથી! મારા વિશે તો કોઈ કંઈ વિચારતું જ નથી! આવી વાત સાંભળીને એક ભાઈને તેના મિત્રએ કહ્યું કે તું કોનું વિચારે છે? તું તો તારું જ વિચારે છે કે તારા માટે કોઈ કંઈ વિચારતું નથી! તું તારી ચિંતામાંથી બહાર આવ.

સૌથી મોટી વાત એ છે કે માણસની સુખી થવાની તૈયારી હોવી જોઈએ. જેને સુખી થવું જ ન હોય તેને કોઈ સુખી કરી શકે નહીં. કોઈ માણસ આપણને દુઃખી કરી શકે, પણ સુખી તો આપણે આપણી જાતે જ થવું પડતું હોય છે અને તેના માટે સૌથી પહેલાં એવું માનવાની જરૂર છે કે હું દુઃખી નથી. હું સુખી છું અને હું સુખી થવા માટે જ જન્મ્યો છું. મને કોઈ દુઃખી કરી શકે નહીં. દુઃખને હું મારામાં ટકવા જ નહીં દઉં, પણ ના, આપણે સુખી થવું જ નથી હોતું, કારણ કે આપણને દુઃખમાં જ મજા આવવા માંડી હોય છે.

બીમાર અને બીમારી વિશે થયેલાં સંશોધનો એવું કહે છે કે જેનામાં સાજા થવાની ઇચ્છા જેટલી તીવ્ર હોય છે એ એટલી ઝડપથી સાજા થઈ જાય છે. માણસ બીમાર પડે ત્યારે એ ડોક્ટર પાસેથી દવા લ્યે છે. દવા ખાય ત્યારે એ એવું જ માને છે કે આ દવા ખાઈશ એટલે હું સાજો થઈ જઈશ. આવી માન્યતા જ માણસને સાજા થવાની પ્રેરણા પૂરી પાડે છે. બીમારી અને દુઃખ શારીરિક હોય છે તેના કરતાં ઘણા બધા અંશે માનસિક હોય છે. બે વ્યક્તિને એકસરખી જ ઈજા થઈ હોય છતાં એકને વધુ દર્દ થાય છે ને બીજાને ઓછું દર્દ થાય છે. કોઈના પગમાં ફ્રેક્ચર થાય તો એ બરાડા પાડે છે અને બીજાને એવું થાય તો સહન કરીને પણ હસતો રહે છે. કોઈ ઇન્જેક્શનની સોય જોઈને જ ધ્રૂજવા લાગે છે, તો કોઈ હસતા મોઢે ઇન્જેક્શન લઈ લ્યે છે. આ વાત જ બતાવે છે કે દુઃખ એ માણસની માનસિકતા કેવી છે તેના પર આધાર રાખે છે. એક માણસ સાધુ પાસે ગયો. તેણે સાધુને સવાલ કર્યો કે દુઃખ એટલે શું? સાધુએ કહ્યું કે, દુઃખ જેવું તો કંઈ હોતું જ નથી. આપણે જ અમુક પરિસ્થિતિને દુઃખ માની લેતા હોઈએ છીએ. આપણે આપણી જિંદગીના અને આપણા સુખના ચોક્કસ ખ્યાલો મનમાં બાંધી લઈએ છીએ અને તેમાં જરાકેય ફેરફાર થાય તો આપણે આપણી જાતને દુઃખી માનવા લાગીએ છીએ. દરરોજ રાતે નવ વાગ્યે સૂવાનો નિયમ બનાવી લઈએ છીએ અને પછી જે દિવસે નવ વાગ્યે સૂઈ ન શકીએ તે દિવસે દુઃખી થઈએ છીએ. તેનું કારણ એ જ હોય છે કે ક્યારેક મોડું થાય એવું સ્વીકારવા આપણું મન તૈયાર જ નથી થતું. સુખી થવા માટે એક યાદ રાખવા જેવી વાત એ છે કે ક્યારેય એવું ન માનવું કે બધં આપણે ધાર્યું હોય અને આપણે ઇચ્છયું હોય એ જ રીતે થાય, કારણ કે એવું નહીં થાય ત્યારે તમે દુઃખી થશો. ઊલટું એવું માનો કે આપણે ધારતા હોઈએ એવું થવાનું જ નથી, કારણ કે એ જ જિંદગી છે.

સુખ સહજ છે. દુઃખ અસહજ છે, પણ આપણે ઊંધું માનવા લાગ્યા છીએ. દુઃખને સહજ માનીએ છીએ અને સુખને અસહજ માનીએ છીએ. સુખ આપણને સદતું નથી અને દુઃખ આપણે છોડતા નથી. સુખ પાછળ ઘણા લોકો એટલા બધા દોડતા હોય છે કે એ દોડથી જ દુઃખી થાય. સુખ તો હોય જ છે. સુખને શોધવાનું હોતું જ નથી. માત્ર દુઃખને ખંખેરવાનું હોય છે. જેને સાચા અર્થમાં દુઃખ કહેવાય એવાં દુઃખ તો બહુ ઓછાં જ હોય છે. મોટા ભાગે તો આપણાં દુઃખ આપણે માનેલાં અને ઊભાં કરેલાં હોય છે અને આ દુઃખ સાથે આપણને એવું ફાવી ગયું હોય છે કે આપણને તેના વગર ઇઝી જ લાગતું નથી. યાર બહુ બિઝી છું, ખૂબ જ કામ છે, ઘણાં બધાં ટેન્શન છે, નવરાં જ નથી થવાતું. આવાં વાક્યો હવે દરરોજ સાંભળવા મળે છે. આપણે બધી જ વસ્તુને અને દરેક કામને ઉપાધિ ગણીને જ કરવા લાગ્યા છીએ. કોઈ કામ આપણને સહજ લાગતું જ નથી. જલ્દી જલ્દી બધું જ કરવામાં આપણે જીવવાનું જ ભૂલી ગયા છીએ. તમને ક્યારેય એવું લાગે છે કે તમે ઘણી બધી કારણ વગરની ચિંતા કરો છો? બસ આ ચિંતાઓ ખંખેરી નાખો, સુખ તો તમારી રાહ જોઈને જ બેઠું છે. સુખ તમારી અંદર પ્રવેશે એટલી મોકળાશ તો એને આપો.

છેલ્લો સીન :

જેઓ વધારેમાં વધારે ફરિયાદ કરે છે, એમના વિશે સૌથી વધારે ફરિયાદો હોય છે.મેથ્યુ હેનરી

***