સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું
64 સમરહિલ
લેખકઃ ધૈવત ત્રિવેદી
પ્રકરણ - 38
નાસી ગયેલા બે આદમી, સ્નાઈપર રાઈફલ ચલાવીને છોડાવી ગયેલો એક આદમી અને મંદિરમાંથી ફાયર કરીને નાસી ગયેલી છોકરી…
લાપતા થયેલા આ ચાર લોકોને પરિહારે રેકર્ડ પર લેવાનું ટાળ્યું. પકડાયેલા પાકિસ્તાનીઓની પણ તેણે અદ્દલ લશ્કરી ઢબે પૂછપરછ કરી લીધી. તેમણે અલાદાદને પોતાના સ્થાનિક મળતિયા તરીકે ઓળખી બતાવ્યો પરંતુ ન ઝડપાયેલા ચાર લોકો કોણ હતા એ વિશે તેમની પાસેથી ય કોઈ માહિતી મળી ન હતી. ફાતિમા-ચંદાને પરિહારે તેમની સામે ધર્યા ત્યારે ય તેમણે નકાર ભણ્યો.
એ ભેદી ચાર જણા કોણ હતા તે જાણવા માટે હવે ફાતિમા-ચંદા જ ઉપયોગી હતા. કારણ કે, તેઓ જેમની સાથે આવ્યા હતા એ આદમી (ત્વરિત) લાપતા હતો. ફાતિમા-ચંદા કોણ છે એ જાણી શકાય તો લાપતા આદમીઓની ઓળખ પણ થઈ શકે. સતત રોકકળ કરતી, હેબતાયેલી આ બંને સ્ત્રીઓએ રાજનંદગાંવની કુખ્યાત ગલીનું એડ્રેસ આપ્યું એટલે શક્ય તેટલી ઝડપે તેની ખરાઈ કરવા પરિહારે તાબડતોબ બંદોબસ્ત કર્યો.
બિકાનેરથી આવેલા હેલિકોપ્ટરે છેક એલઓસી સુધી ત્રણ રાઉન્ડ મારી લીધા પણ સાંજ ઢળી રહી હતી એટલે ઓવરવ્યૂ સ્પષ્ટ મળતો ન હતો. હેલિકોપ્ટરમાં જ ઘાયલોને બિકાનેર મોકલવાની વ્યવસ્થા થઈ અને ફાતિમા-ચંદાને ય મોકલી આપ્યા. તેમના ફોટા પાડીને તાત્કાલિક છત્તીસગઢ પોલિસને મોકલવાના હતા.
અણધારી ખુવારી થઈ હતી એટલે પરિહાર માટે હાઈકમાન્ડને જવાબ આપવાનું ય અઘરું પડવાનું હતું. તેમાં આ ચાર આદમીઓ ભેદી રીતે લાપતા હોવાનો ઉલ્લેખ આવે તો પોતાના પર માછલા ધોવાય એ નક્કી હતું. એ ચાર આદમીઓની ભાળ ન મળે ત્યાં સુધી પરિહારે મૌન રાખવાનું નક્કી કર્યું અને પકડાયેલા શસ્ત્રો, આદમીઓની કેફિયતના આધારે રિપોર્ટ તૈયાર કરીને હાઈકમાન્ડને મોકલી આપ્યો.
ઊંટની સંખ્યાનો ય મેળ ખાતો ન હતો. રેગિસ્તાન ભણી ભાગેલા ઘાયલ ઊંટને ય શોધવાનું હતું. મોડી રાત સુધી તેમણે જાતે સર્ચ પાર્ટીમાં સામેલ થઈને ખુબરાની આસપાસના ઢુવાઓનો એક ચકરાવો મારી લીધો. સગડ શોધવામાં માહેર ગણાતા સ્થાનિક પગીઓને સવારે મોકલવાનો નિર્ણય લઈને તેમણે કેમ્પ ઢાળ્યો ત્યારે દૂર રેગિસ્તાનમાં ધૂળની બેફામ ડમરી ચડી હતી. અંધારી રાતને વધુ બિહામણી બનાવતા પવનના તોફાનનો એ સંકેત હતો. પરિહારને ખબર ન હતી પણ એ જ ઘડીએ કેમ્પથી ક્યાંય દૂર અંધારી રાતે આવા તોફાનથી તદ્દન અપરિચિત ત્વરિત વિવશપણે બ્હાવરો બનીને રેગિસ્તાનમાં આથડી રહ્યો હતો.
શરીરથી થાકેલા, ઘાયલ અને મનથી ગુંચવાયેલા પરિહાર ગ્લાસમાં રેડાતા રમના ઘેરા, કથ્થાઈ રંગને એકધારો જોઈ રહ્યા અને પછી એક શ્વાસે ગટગટાવી ગયા.
બહારના અને અંદરના તોફાનને ખાળવા માટે અત્યારે તેમની પાસે આ એક જ રસ્તો બચ્યો હતો.
***
એ જ ઘડીએ બિકાનેરની એ હોટેલના બંધ, શીતળ, આહ્લાદક ઓરડામાં જૂદું જ તોફાન ઘેરાઈ રહ્યું હતું.
ત્વરિત વિશે જાણ્યા પછી છપ્પનનો ઉચાટ વધ્યો હતો પણ એ સાલો સ્વસ્થતાપૂર્વક સોફા પર બેસીને કશુંક વાંચતો રહ્યો. ટીવી પર લોકલ ચેનલ પણ તેણે સર્ફ કરી જોઈ. તેનું વર્તન બહુ જ શાલીન હતું. એ તેને હેલ્પ કરતો હતો. લટકાવેલા પગને આરામ મળે એ રીતે ઓશિકાની દિશા બદલી આપતો હતો, ઓઢવાનું સંકોરતો હતો, પણ છપ્પન કંઈપણ પૂછે તેના જવાબમાં એક જ વાક્ય કહેતો હતો, 'ફિકર મત કર... સબ ઠીક હો જાયેગા'!
અચાનક દરવાજો નોક થયો ત્યારે ફરીથી છપ્પનની તંદ્રા તૂટી હતી. ટેબલ પર પ્લેટ, બાઉલ, ગ્લાસ પાથરીને વેઈટર ગયો પછી તેણે છપ્પનના બેડ નજીક ટેબલ ખસેડયું હતું અને તેને ચમચી વડે થોડા દાળ-ભાત ખવડાવ્યા. ઓરેન્જ જ્યુસના કાર્ડપેકમાં સ્ટ્રો નાંખીને તેની સામે ધરી અને એ પોતે ખાવા બેઠો.
છપ્પન સતત તેનું નીરિક્ષણ કરતો હતો. અત્યાર સુધીમાં આ આદમી જેટલી વાર મળ્યો હતો એ દરેક પ્રસંગ તેને યાદ આવી રહ્યો હતો અને દરેક વખતના તેના હુલિયા સાથે હવે તે મનોમન તેને સરખાવી રહ્યો હતો.
એકવાર આસામના જોરહત પાસેથી મૂર્તિ ચોરીને તે ગૌહાતી એક્સ્પ્રેસમાં પાછો ફરી રહ્યો હતો. પૂર્ણિયા સ્ટેશન પર તેની આંખ ઊઘડી. ચા વેચતા એક ફેરિયાને ડબ્બામાં જોઈને તેણે ચા મંગાવી. ફેરિયાએ ચા આપીને હળવેથી સ્મિત વેરતા પૂછી લીધું હતું, 'કઈસન હો છપ્પન બાદશાહ?'!
યવતમાલની ગુફાઓમાં વિદેશી ટુરિસ્ટ તરીકે એ તેની સામે આવી ગયો હતો. ગીરના જંગલમાંથી મૂર્તિ ચોરીને તે નીકળ્યો અને અગાઉથી મળેલી સુચના મુજબ જુનાગઢ પહોંચીને એ દાતારનો ડુંગર ચડતો હતો ત્યારે દૂર ચરિયાણમાં ઘેટાં-બકરાં ચરાવી રહેલા ગોવાળને તેણે જોયો હતો. દાતાર પીરની જગ્યાએ ક્યાંય સુધી એ બેઠો રહ્યો. સાંજ ઢળી અને કોઈ આવ્યું નહિ એટલે કંટાળીને તે નીચે ઉતરવા લાગ્યો. બરાબર ત્યારે જ ગોવાળનો સ્વાંગ ફગાવીને એ હાજર થઈ ગયો અને આથમતી સાંજે ગિરનારના વેરાન ખૂણે પૈસા ભરેલો થેલો ધરીને મૂર્તિ ઊઠાવી તે ચાલતો થઈ ગયો હતો.
છપ્પને પોતે ય અનેક વખત વેશપલટા કર્યા હતા. એ ય ચહેરો બદલવામાં માહેર હતો પણ તેને જે તાજુબી હતી એ આ માણસના સ્ટ્રોંગ ફોલોઅપની હતી. હરએક જગ્યાએ એ હંમેશા તેનાંથી બે ડગલાં આગળ જ રહ્યો હતો.
અહીં ખુબરામાં પણ…
ખુબરાના વિચારમાંથી તેને ગોળીઓનું ધમાસાણ યાદ આવ્યું અને તેમાંથી ત્વરિત…
'કેટલાં વાગ્યા?' છપ્પને ક્ષીણ અવાજે પૂછ્યું. તે કોઈપણ રીતે વાત આગળ વધારવા માંગતો હતો.
'કેમ, તારે કંઈ ઓફિસ-બોફિસ જવાનું છે?' તેણે લેપટોપમાંથી નજર પણ ઊંચક્યા વગર ટોળમાં જવાબ વાળી દીધો.
'ત્વરિત અત્યારે ક્યાં હશે એ વિચારું છું...' છપ્પનના અવાજમાં મક્કમતા હતી.
'તો સીધા બોલ દે ના...' તેણે ગરદન સ્હેજ ઊંચી કરી છપ્પનની આંખમાં જોઈને કહ્યું. તદ્દન ભાવશૂન્ય ચહેરો, સ્થિર આંખો, કોઈ આરોહ-અવરોહ વગરનો સપાટ અવાજ, 'કેટલા વાગ્યા એમ પૂછે છે તો શું ઘડિયાળમાંથી ત્વરિત પ્રગટવાનો છે?' તે અકળાયો હતો, મજા લેતો હતો કે હળવાશભેર કહેતો હતો? છપ્પનને અંદાજ આવતો ન હતો.
'સીધુ પૂછું છું તો તું જવાબ નથી આપતો... ફિકર મત કર... ફિકર મત કર એમ જ કહ્યા કરે છે' છેવટે છપ્પને મ્યાન ફગાવી જ દીધું.
'ક્યા ફરક પડેગા...' તેણે ખોળામાંથી લેપટોપ નીચે ટેબલ પર મૂક્યું, સલુકાઈભેર પગ લંબાવ્યા અને બંને હાથ માથા પાછળ બાંધ્યા, 'ચલ, સૂન લે... ખુબરામાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ અને ઘુસણખોરો વચ્ચેના જંગમાં અજાણતા જ તમે બેઉ ફસાઈ ગયા હતા. અત્યારે રાતના પોણા બાર થયા છે, ત્વરિત રેગિસ્તાનમાં ક્યાંક ગાયબ છે, આપણને શોધવા માટે બીએસએફનો કમાન્ડન્ટ હડકાયા કૂતરાની જેમ ભૂરાયો થયો છે અને ડેરા સુલ્તાનખાઁનું આખું રેગિસ્તાન ઉલેચાવી રહ્યો છે, બીએસએફનું એક હેલિકોપ્ટર ડેરાનો રાઉન્ડ મારીને હમણાં જ રીટર્ન થયું છે, લગભગ અડધી કલાક પહેલાં જ...' આટલું કહીને તે ઊભો થયો. છપ્પનના બેડ પાસે કમર પર હાથ ટેકવીને ઊભો રહ્યો અને તેની આંખમાં આંખ પરોવીને ઉમેર્યું, 'આવું હું ચોક્સાઈપૂર્વક કહી શકું છું કારણ કે, આપણે બીએસએફના લાલગઢ હેડ ક્વાર્ટરથી ફક્ત દોઢ કિલોમીટર દૂર જ છીએ.'
છપ્પન સ્તબ્ધપણે તેને જોઈ રહ્યો. પ્લાસ્ટર ઓફ પેરિસથી મઢેલી સિલિંગની આડશમાંથી ફેંકાતી રોશનીના પીળા ઉજાસમાં તેનો ચહેરો વધુ ફિક્કો લાગતો હતો. દાઢી-મૂછ કદી ઉગ્યા જ ન હોય તેમ તેની હડપચી પર પુરુષસહજ લાલાશની જગ્યાએ નરી કુમાશ વર્તાતી હતી. તેના હાથ પાતળા હતા. કમર માંડ ૩૨ ઈંચની હશે. ઊંચાઈ કદાચ પાંચ ફૂટ ચાર કે પાંચ ઈંચ... છપ્પને તેના માથાની સમાંતરે દિવાલ ભણી જોઈને અંદાજ માંડયો.
'વજન ૫૪ કિલો, હાઈટ પાંચ ફૂટ ચાર ઈંચ. દિમાગને વધારે કષ્ટ ન આપ. વાળ-આંખનો રંગ હું બદલતો રહું છું. અત્યારે જે છે એ પણ સાચો નથી. મારા વાળ ભુખરા છે અને આંખ કથ્થાઈ છે... અબ ઔર કુછ?'
છપ્પનની આંખો ફાટી ગઈ. તેણે ઊંચાઈને અંદાજ મેળવવા દિવાલ ભણી આંખ ફેરવી એટલા માત્રથી તે પામી ગયો કે હું તેનું બારીક નીરિક્ષણ કરી રહ્યો છું?
'ક્યા કહા મૈંને?' તેણે છપ્પનની આંખો પર હળવો હાથ ફેરવ્યો, 'દિમાગ કો જ્યાદા જોર મત દે. હું તારી આંખ જોઈને જ વાંચી શકું છું કે તારા મનમાં શું ચાલી રહ્યું છે...'
તે મજાક કરી રહ્યો છે, પોતાને ડારી રહ્યો છે કે સાચે જ એ તેના મનમાં ચાલતા વિચારોને પુસ્તકના પાનાની માફક આગોતરા જ વાંચી લે છે? છળી ઊઠેલા છપ્પનથી હવે જીભ ઉપડતી ન હતી.
'તને છે એથી ય વધારે ત્વરિતની ફિકર મને છે' વગર પૂછ્યે હવે તે બોલી રહ્યો હતો એટલે છપ્પન પોતાની જાત પર શક્ય તેટલો કાબૂ રાખીને સાંભળી રહ્યો, 'મારે સૌથી વધુ જેની જરૃર છે એ મૂર્તિ તેની પાસે છે... બટ ડોન્ટ બોધર... વી વીલ કેચ હિમ '
'કેવી રીતે?' છપ્પનના મનમાં સવાલ ઝબક્યો પણ જેવો સવાલ ઊભો થયો એ ભેગો જ તેણે ડામી દીધો અને શૂન્યવત્ત તેની સામે જોતો રહ્યો.
'તું એ ચિંતા છોડ. ત્વરિત તો તેની જાતે જ આપણા સુધી આવી જશે. જલ્દી સાજો થઈને કામ પર લાગી જા...'
'ત્વરિત વગર હું હવે એક ડગલું ય માંડવાનો નથી...' છપ્પને હતી એટલી હિંમત એકઠી કરીને કહી દીધું એ સાંભળીને સોફા ભણી ઉપાડેલા કદમ અટકાવીને એ પાછો ફર્યો. છપ્પનને હતું કે પોતાના આવા જવાબથી એ ઉશ્કેરાશે, પણ તેના ચહેરો એવોને એવો સપાટ હતો.
'ઓહ્હો...' તેની આંખોમાં થોડીક શરારત આવીને જતી રહી... અથવા છપ્પનને એવું લાગ્યું, 'ચાર દિવસમાં તો ગહેરી દોસ્તી થઈ ગઈ... અચ્છી બાત હૈ'
'તારે જે માનવું હોય તે માન પણ હવે તારે મને કહેવું જ પડશે કે તું કોણ છે, આ મૂર્તિઓનું તું શું કરે છે એ બધુ જાણ્યા વગર હું હવે એકપણ મૂર્તિ ચોરવાનો નથી... એક મૂર્તિના તું પાંચ કરોડ, દસ-પંદર કરોડ આપે તો પણ...'
'કેમ, ત્વરિત એથી ય વધુ આપવા તૈયાર થયો છે?'
'ના, પણ ત્વરિતને મળ્યા પછી મને આ મૂર્તિની વિશેષતા સમજાઈ છે...'
'અચ્છા? ઐસા ક્યા હૈ ઈસ મેં?'
'એ તારે મને કહેવાનું છે...'
'મને તો ફક્ત એટલી ખબર છે કે, મેં હજુ શરૃઆત કરી છે...'
આ માણસ કોઈ રીતે દાવમાં નહિ જ આવે એમ ધારીને છપ્પને છેલ્લો પાસો ફેંકી દીધો, 'પણ હવે મને ખબર છે કે આ મૂર્તિ વામપંથી છે...'
તે ધારદાર નજરે તેના હાવભાવ નિરખી રહ્યો. તેને હતું કે વામપંથી શબ્દથી તેની આંખોમાં ચમકારો આવશે, ચહેરાની રેખાઓ ય કદાચ બદલાશે. તેને બદલે એ પોતે જ જાણે મૂર્તિ હોય તેમ સ્થિર નજરે, સપાટ ચહેરે છપ્પનની સામે જોતો રહ્યો. તેની મક્કમતાથી ડઘાયેલા છપ્પનથી અનાયાસે જ તેના ડાબા-જમણાં હાથ ભણી જોવાઈ ગયું... ક્યાંક આ ભેદી દુબળી પોતે જ જીવતી-જાગતી વામપંથી મૂર્તિ તો નથી ને?!
'હો સકતા હૈ, તો?'
'હો સકતા હૈ નહિ, હૈ...' હવે છપ્પન કોઈપણ રીતે આરપારના મિજાજમાં આવી રહ્યો હતો, 'ત્વરિત મૂર્તિઓનો એક્સપર્ટ છે. તે બરાબર જાણી ચૂક્યો છે કે આવી મૂર્તિઓ ચોરાવવા પાછળ તારો હેતુ શું છે'
'શું છે મારો હેતુ?'
'એ ત્વરિત જાણે છે'
'શું જાણે છે ત્વરિત?'
'એ ત્વરિતને જ પૂછ ને'
'ક્યાં છે ત્વરિત?'
'ઓહ યાર... મુજે તંગ મત કર...' છપ્પનને માથા પટકવાનું મન થઈ આવ્યું, 'તેં જ તો કહ્યું કે એ રેગિસ્તાનમાં અટવાયો છે...'
'યહી તો...' પહેલી વાર એ ખડખડાટ હસ્યો, 'એ જ હું કહું છું કે, જેને ખબર હોવાનું તું કહે છે તેને અત્યારે તો પોતે ક્યાં ઊભો છે એ ય ખબર નથી અને મારી સામે સૂતેલા તને તો કશી જ ખબર નથી. તો ફિર ક્યોં દિમાગ કો જોર દેતા હૈ? જલ્દી સાજો થઈ જા. આપણે હવે વહેલીતકે વારંગલ, આંધ્રપ્રદેશ જવાનું છે...' એકીટશે તાકી રહેલા છપ્પન તરફ તેણે સ્મિત કર્યું, 'મૈંને કહા ના, અભી તો મૈંને શુરુઆત કી હૈ. આ છેલ્લી મૂર્તિ છે. મારૃં અસલી કામ પછી શરૃ થવાનું છે...'
છપ્પનનું ઓઢવાનું સરખું કરીને તેણે લાઈટ બુઝાવી દીધી એ સાથે આછકલા અજવાસમાં ઓરડો ઢબુરાઈ ગયો.
- પણ છપ્પનના મગજમાં શી વાતે ય બત્તી થતી ન હતી, આ દુબળી સાલો છે કોણ?
(ક્રમશઃ)