ચિંતનની પળે - સીઝન - 3 - 38 Krishnkant Unadkat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચિંતનની પળે - સીઝન - 3 - 38

ચિંતનની પળે

કૃષ્ણકાંત ઉનડકટ

38 - કોઈ સંબંધ કાયમી ખતમ થતા નથી

પ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ? જીવવા માટે બહાનું જોઈએ,

એક જણ સાચું રડે તો બહુ થયું, મૌન ક્યાં આખી સભાનું જોઈએ?

ચિનુ મોદી

સંબંધો અનાયાસે બંધાય છે અને અકસ્માતે તૂટે છે. થોડાક સંબંધો વારસામાં મળે છે પણ મોટાભાગના સંબંધો માણસ પોતે સર્જે છે. આપણને ગમતા માણસો ધીમે ધીમે આપણી જિંદગીમાં પ્રવેશે છે અને ઘણા તો જિંદગીનો એક ભાગ બની જાય છે. માણસનો સ્વભાવ છે કે એને જે ચીજ ગમતી હોય તેની સાથે લાગણી થઈ જાય. ઘર,શહેર, અમુક વિસ્તાર, કોઈ દુકાનનો ઓટલો અને બીજી ઘણીબધી વસ્તુઓ એવી છે જે છોડતા માણસને જિંદગીનો એક હિસ્સો છૂટતો હોય એવું લાગે છે.

એક માણસની વતનથી દૂરના શહેરમાં બદલી થઈ. પ્રમોશન મળ્યું હતું તેની ખુશી હતી પણ શહેર છોડવાનું દુઃખ હતું. તેણે કહ્યું કે આ શહેર સાથે આખી જિંદગી જોડાયેલી છે. બધું જ પરિચિત છે. બધું જ પોતાનું લાગે છે. વતનની વાત નીકળે ત્યારે માણસ એવું બોલતો હોય છે કે આ મારું ગામ છે. ગામ કોઈનું હોતું નથી. માત્ર ગામમાં એક ઘર જ આપણું હોય છે, છતાં આખું ગામ આપણું લાગે છે. તેનું કારણ એ છે કે આપણું અસ્તિત્વ આખા નગર સાથે જોડાયેલું હોય છે. એ માણસ ગામ છોડતા પહેલાં ગામમાં ચક્કર મારવા નીકળ્યો. બધું છોડવાનું હતું. પાનના ગલ્લાએ ગયો ત્યારે થયું કે હવે અહીં પાછો ક્યારે આવીશ? દીકરીની સ્કૂલ જોઈને થયું કે હવે આ પણ બદલાઈ જશે. કરિયાણાની દુકાને વેપારી કેવો હસીને આવકારે છે! ધીમે ધીમે એ માણસ ગામની બહાર સ્મશાન પાસેથી પસાર થયો. સ્મશાનમાં એક ચિતા સળગતી હતી. આ દૃશ્ય જોઈને તે રીતસરનો રડી પડયો. આ જગ્યા સાથે પણ થોડોક નાતો છે. અહીં જ પિતાજીના અંતિમ સંસ્કાર કર્યા હતા. આ સ્મશાનની રાખમાં થોડીક રાખ અમારા વંશની પણ છે. હવામાં પિતાજીની ખૂશ્બુ છે. પિતાના અવસાન બાદ માએ કરેલી એક વાત યાદ આવી અને તે સુન્ન થઈ ગયો. માએ કહી રાખ્યું છે કે હું મરી જાઉં ત્યારે મારા અગ્નિસંસ્કાર આ જ સ્મશાનમાં કરજે, કારણ કે અહીંથી જ તારા બાપુજી ગયા છે. માણસ જાય પછી પગલાં તો નથી રહેતાં પણ કદાચ હવાનો કોઈ રસ્તો હશે, કદાચ અહીંની હવા જ મને તેની પાસે લઈ જશે!

પોતાને ગમતી કોઈ વસ્તુ તૂટી- ફૂટી જાય કે બગડી જાય તોપણ માણસને દુઃખ થાય છે. આપણી પેન, આપણો ફોન, આપણું વાહન અને બીજું ઘણું બધું આપણા સાથે એવી રીતે જોડાયેલું હોય છે કે એના વગર અસ્તિત્વ જ અધૂરું લાગે. આ બધી ચીજો તો નિર્જીવ છે. જો નિર્જીવ વસ્તુ છોડતા આવું થાય તો જીવતા જાગતા સંબંધો તૂટવાની વેદના તો થવાની જ છે. નિર્જીવ વસ્તુઓ સાથે તો માત્ર આપણી આદતો જોડાયેલી હોય છે. સજીવ વ્યક્તિ સાથે તો આપણા વિચારો, આપણું સુખ, આપણું દુઃખ અને આપણા વ્યવહારો જોડાયેલા હોય છે. એટલે જ નજીકના અને સાચા સંબંધોને તૂટવા દેવા ન જોઈએ.

આજથી તારા અને મારા સંબંધો પૂરા… એટલું કહી દઈએ એટલે એક ઝાટકા સાથે સંબંધ તૂટી જાય છે. જોકે, સંબંધ તૂટી જવાથી બધું છૂટી જતું નથી. બધું ભુલાઈ જતું નથી. જે ક્ષણો સાથે વિતાવેલી હોય છે એ અકબંધ હોય છે. એ સમય ભૂતકાળનો એક ભવ્ય હિસ્સો થઈ આપણી સાથે જોડાઈ ગયો હોય છે. માણસની પ્રકૃતિ છે કે જેને ભૂલવા મથીએ એ સતત યાદ આવતું રહે છે. કેટલાક પ્રસંગો, કેટલાક શબ્દો અને કેટલીક ઘટનાઓ ક્યારેય ભૂલી શકાતી નથી. આપણે ખરેખર તો કંઈ જ ભૂંસી શકતા નથી. ઘણી વખત તો એવું લાગે કે આપણે જે ભૂંસવા મથીએ છીએ એ ભૂંસીએ છીએ કે તેને ખોતરીને તાજું કરીએ છીએ?

જે સંબંધો ભૂલી શકાતા ન હોય તેને તાજા કરવાની એક તક આપવી જોઈએ. હા, બધા સંબંધો તાજા થઈ શકતા નથી પણ કેટલાક સંબંધો એવા હોય છે જેની પર થોડીક યાદો અને થોડાક શબ્દોના છાંટણા કરીએ તો એ સંબંધ સળવળીને પાછા બેઠા થઈ જતા હોય છે. ઘણી વખત તો માણસને માત્ર ઈગો જ નડતો હોય છે.

બે મિત્રો હતા. તેની વચ્ચે અણબનાવ બન્યો. દોસ્તી તૂટી. એ પછી પણ બન્ને એક-બીજાને ભૂલી શકતા ન હતા. દરેક નાની-નાની વાતોએ યાદ આવે. એ બન્ને વચ્ચે જ્યારે દોસ્તી હતી ત્યારે બન્ને સાથે ફિલ્મો જોવા જતા. જે વહેલો પહોંચી જાય એ રાહ જુએ. બન્નેની દોસ્તીની વાતો સાંભળીને એક સંબંધીએ એકને કહ્યું કે તું તારા મિત્રને આટલો બધો યાદ કરે છે, એનો મતલબ એ જ છે કે તું એને ભૂલી શક્યો નથી અને બીજો મતલબ એ છે કે તમારા વચ્ચે કંઈ તૂટયું જ નથી. એક વખત છેલ્લી ઘટના ભૂલીને પ્રયત્ન તો કરી જો. સંબંધ સાચો હશે તો પાછો જીવતો થઈ જશે.

એક સાંજે તેણે પોતાના મિત્રને એસએમએસ કર્યા. આજે હું ફિલ્મ જોવા જવાનો છું. કદાચ હું વહેલો પહોંચી જઈશ. પણ મને ખબર છે કે હવે કોઈ આવવાનું નથી. કોઈની રાહ જોવાની નથી. એમ જ તારી સાથેની ક્ષણો યાદ આવી ગઈ અને આ લખાઈ ગયું. બાય. સાંજે જ્યારે એ ટોકીઝ પર પહોંચ્યો ત્યારે તેનો મિત્ર એની રાહ જોતો હતો. તેણે કહ્યું કેજો હું તારાથી વહેલી પહોંચી ગયો. દોસ્ત,આપણે રાહ જ જોતા હોઈએ છીએ, માત્ર તક આપતા નથી. થેંક યુ કે તેં એક તક આપી.”

સંબંધો તોડવા બહુ જ આસાન છે. કંઈ જ વાર નથી લાગતી, પણ એ તૂટેલા સંબંધો સાથે જીવવાનું અઘરું છે. સતત કંઈક કમી લાગતી રહે છે. કોઈની ગેરહાજરી શૂન્યાવકાશ સર્જી દે છે. બધું જ ખાલી લાગે છે. બધા જ સંબંધો નક્કામા નથી હોતા. કેટલાક સંબંધો તૂટે પછી આપણને એવું લાગે છે જાણે મારી અને એની વચ્ચે કાળમીંઢ પથ્થરોની દીવાલ ચણાઈ ગઈ છે. મોટા ભાગે આપણે જેને દીવાલ માની લેતા હોઈએ છીએ એ દીવાલ હોતી જ નથી, માત્ર એક પડદો હોય છે. એવો પડદો જેને આંગળી અડાડતાં જ એ ખૂલી જાય છે. આપણો અહં આપણને આંગળી આગળ વધારતા રોકતો હોય છે. સંબંધને એટલા માટે પણ સજીવન થવાની તક આપવી જોઈએ, કારણ કે આપણને અફસોસ ન રહે કે મેં પ્રયત્ન નહોતો કર્યા. જો સંબંધ સાચો હશે તો સામેથી પ્રતિભાવ મળશે જ. સંબંધ સાચો નહીં હોય તો એટલીસ્ટ અફસોસ તો નહીં રહે.

એક પ્રેમી-પ્રેમિકા વચ્ચે ઝઘડો થયો. બ્રેકઅપ થઈ ગયું. એકબીજા સાથે અબોલા થઈ ગયા. છતાં બન્ને રાહ જોતાં રહેતાં કે તેનો ફોન આવે, મેસેજનો ટોન વાગે કે તરત એમ થાય કે તેનો મેસેજ હશે, રોડ પર જતી વખતે પણ નજર તેને શોધતી હોય, બન્ને પક્ષે મળવાની ઇચ્છા થતી હતી પણ કોઈ પહેલ કરતું નહોતું. પ્રેમીનો ઈગો મોટો હતો. છતાં પ્રેમિકા જાણતી હતી કે તેને મારા પર લાગણી તો છે જ. એક વખત તેને થયું કે અમારા વચ્ચે ખરેખર દીવાલ ચણાઈ ગઈ છે કે આ માત્ર ભ્રમ છે?

એક જગ્યાએ અનાયાસે જ બન્ને ભેગાં થઈ ગયાં. પ્રેમિકાએ કહ્યું, ચાલ, હવે મળી જ ગયાં છીએ તો થોડી વાર સાથે બેસીએ. તે બન્ને બેઠાં. સવાલ એ હતો કે વાત કોણ શરૂ કરે. અંતે વાતો થઈ. સૌથી પહેલાં જુદા પડતી વખતે થયેલા ઝઘડાની વાતો થઈ. પ્રેમીએ કહ્યું કે આપણી વચ્ચે હવે સખત દીવાલ રચાઈ ગઈ છે, એ તૂટે એવું નથી લાગતું. પ્રેમિકાને ખબર હતી કે આ માત્ર તેનો ઈગો છે અને તેને ઓગાળવો જરૂરી છે. પ્રેમિકાએ કહ્યું, ઓકે, ચાલ એમ માની લે કે આપણી વચ્ચે દીવાલ છે, પણ એક વાત યાદ રાખ દરેક દીવાલમાં કદાચ બારણું ન હોય પણ એક બારી તો હોય જ છે! પ્રેમીએ કહ્યું કે, જેલની દીવાલમાં બારી નથી હોતી! પ્રેમિકાએ કહ્યું, જેલ? જેલ છે જ ક્યાં? અને દીવાલ પણ ક્યાં છે? જેલ તો તેં તારી આસપાસ બનાવી લીધી છે. હું તો એકદમ મુક્ત ફિલ કરું છું. તારી સાથે ખુલ્લા દિલે વાત કરું છું. દીવાલ તો તેં રચી છે, એ પછી ઘરની હોય, જેલની હોય કે દિલની હોય. તારે જ તારી જેલમાંથી મુક્ત થવાનું છે. હા, જો તને હું યાદ આવતી ન હોય તો તું શા માટે આટલો સૂનમૂન રહે છે? શા માટે તારો જીવ ક્યાંય લાગતો નથી? તારું ‘આવારાપન’ જ બતાવે છે કે તું મને ભૂલી શક્યો નથી. તને શું નડે છે એ તને ખબર છે? તને તું જ નડે છે! થોડી વાર સન્નાટો છવાઈ ગયો. પ્રેમીને થયું કે વાત તો સાચી છે. પ્રેમિકાનો હાથ પકડીને એક જ શબ્દ કહ્યો, સોરી! એક ક્ષણમાં જાણે બધું જ બદલાઈ ગયું. મોટાભાગે માત્ર એક શબ્દથી જ ક્ષણો બદલાઈ જતી હોય છે! આપણે માત્ર કોશિશ જ નથી કરતા.

દરેક સંબંધ જાળવવા જેવા નથી હોતા. કેટલાક સંબંધો તૂટી જાય એમાં જ ભલાઈ હોય છે. સવાલ એ જ હોય છે કે કયા સંબંધ સાચા છે અને કયા સંબંધ ખોટા છે તેની પરખ હોવી! સંબંધો પારખવા બહુ સહેલા છે. આપણને એનો અણસાર અને અંદાજ મળી જ જતો હોય છે. જે સંબંધ તૂટયા પછી તમારા દિલમાં જીવતો હોય, જેનાં સ્મરણો વાતેવાતે તાજાં થઈ જતાં હોય અને જેમાં છેલ્લે સંબંધ તૂટવાની ઘટના સિવાય અફસોસ થયો હોય તેવું બીજું કંઈ જ ન બન્યું હોય તો સમજવું કે આ સંબંધ તૂટી ગયો છે મરી ગયો નથી. ઘણા સંબંધ તો માત્ર રાહ જ જોતા હોય છે. તમે તક તો આપી જુઓ. સંબંધો તોડીને ચાલ્યા ગયા પછી એક વખત પાછળ તો જોઈ જુઓ. જો સંબંધ સાચો હશે તો તમે જ્યારે પાછળ જોશો ત્યારે એ વ્યક્તિ તમારા પાછળ જોવાની જ રાહ જોતી હશે. લાગણીના સંબંધો બહુ તાજા હોય છે, હળવા હોય છે, આપણે જ તેને ભારેખમ બનાવી દેતા હોઈએ છીએ. જરાક હાથ લંબાવી જુઓ, જરાક સાદ આપી જુઓ. દરેક તૂટેલો સંબંધ આપણે માનતા હોઈએ છીએ એવો સખત નથી હોતો. કેટલાક તો માત્ર મીણના હોય છે, જેને ઓગળતા વાર નથી લાગતી, એટલા ખાતર પણ એક તક આપી જુઓ કે આપણને ખબર તો પડી જાય કે હવે એ સંબંધ પથ્થરનો બની ગયો છે કે હજુ મીણનો જ છે? મીણનો હોય તો ઓગાળી દો…

છેલ્લો સીન

લોકો કહે છે કે સમય બધું બદલી નાખે છે. વાસ્તવમાં તો તમારે જાતે જ એ બદલવું પડે છે.

-એન્ડી વોર્હોલ

***