ચિંતનની પળે
કૃષ્ણકાંત ઉનડકટ
37 - પોતાનાથી ભાગીને કોઈ ક્યાંય જઈ ન શકે
સાવ ખોટાં કારણો બતલાવ ના, આંસુ અમથાં આંખમાં તું લાવ ના,
ખીલવાની એક મોસમ હોય છે, તું અકાળે ખુદને કરમાવ ના.
– ફિલિપ ક્લાર્ક
જિંદગીની સૌથી મોટી ખાસિયત એ છે કે ક્યારેય એ સીધી લીટીમાં ચાલતી નથી. ચડાવ-ઉતાર, અપ-ડાઉન એ જિંદગીની પ્રકૃતિ છે. માણસે જિંદગી સાથે અનુકૂલન સાધવું પડે છે. જિંદગી ક્યારેક આપણાથી આગળ નીકળી જાય છે અને ક્યારેક પાછળ રહી જાય છે. માણસે જિંદગીને પકડી રાખવી પડે છે. જિંદગીની સાથે રહેવું પડે છે અને દરેક સંજોગોમાં જિંદગી જીવવી પડે છે.
પ્રકૃતિ એટલે શું? પ્રકૃતિ એટલે માણસનો પોતાની સાથેનો વ્યવહાર. દરેક માણસ પોતાની પ્રકૃતિ મુજબ વ્યવહાર કરે છે. માણસ ભલે બીજા લોકો સાથે વર્તન કરતો હોય પણ સરવાળે તો એ પોતે કેવો છે એ જ બહાર આવતું હોય છે. માણસ પ્રકૃતિને ઘડે છે કે પ્રકૃતિ માણસને ઘડે છે? હકીકતે તો બંને એકબીજાને ઘડતાં હોય છે. માણસની બદલવાની તૈયારી હોય તો પ્રકૃતિ બદલી શકે છે. કેટલાંક લોકોને મળીએ ત્યારે આપણને એવો વિચાર આવે છે કે આ માણસમાં કેટલું બધું પરિવર્તન આવી ગયું! સંજોગો માણસને બદલાવી નાખતા હોય છે. બહુ ઓછા માણસો એવા હોય છે જે સંજોગોને બદલાવી શકે છે.
માણસનું મનોબળ કેવું છે એ ત્યારે જ ખબર પડે છે જ્યારે એના સંજોગો બદલાય છે. સારા સંજોગોમાં સારા રહેવું બહુ જ આસાન છે, ખરાબ સંજોગોમાં પણ સારા રહેવું, સમર્થ રહેવું અને સજ્જ રહેવું એ મનોબળ છે. ઘણી વખત એવું સાંભળીએ છીએ કે એ માણસ તો સાવ ભાંગી ગયો છે, તૂટી ગયો છે. માણસ તૂટતો નથી, એ તો આખેઆખો હોય છે એનું મનોબળ તૂટી જતું હોય છે.
દરેક માણસના જીવનમાં એક વખત તો એવો સમય આવે જ છે જ્યારે તેને બધું નિરર્થક લાગે છે. કોઈ જ વાતનો કોઈ મતલબ લાગતો નથી. કોઈ જ વાતમાં રસ પડતો નથી. બધું જ મૂકી દેવાનું અને ભાગી જવાનું મન થાય છે. હકીકતે તો માણસ આવું વિચારીને પોતાનાથી જ ભાગતો હોય છે. પોતાનાથી ભાગીને માણસ ક્યાંય ન જઈ શકે. પોતાનાથી ભાગવાનો જે પ્રયાસ કરે છે એ પોતાનામાં જ ક્યાંક ખોવાઈ જાય છે અને પછી પોતાને જ મળતો નથી.
એક મનોચિકિત્સકે કહ્યું કે, ડિપ્રેશન શું છે? ડિપ્રેશન બીજું કંઈ જ નથી પણ માણસ પોતે જ પોતાના રસ્તા પરથી ભટકી જાય છે. પોતે જ ક્યાંક અટકી જાય છે. એક શૂન્યવકાશ પોતાની આજુબાજુમાં રચી દે છે અને પછી એ પોતાના પડછાયાને પણ ઓળખી શકતો નથી. હતાશા એ આજના સમયનું સૌથી મોટું આક્રમણ છે. માણસ જરાકેય ધ્યાન ચૂકે કે તરત જ તેને હતાશા ઘેરી વળે છે. નાની નાની વાતમાં માણસ હતાશ થઈ જાય છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે બધાને ઝડપથી બધું મેળવી લેવું છે. સુખ અને સફળતા પણ. બધું જ પકડી રાખવું છે અને બધું પકડી રાખવાના પ્રયાસમાં જ માણસ પોતે જ પોતાના હાથમાંથી છૂટી જાય છે.
એક કાર્ડિયોલોજિસ્ટ હતો. તેની પાસે આવતા બધા જ લોકોની સારવાર કરતાં પહેલાં તે કાર્ડિયોગ્રામ કાઢે. કાર્ડિયોગ્રામ મશીનમાંથી જે પટ્ટી નીકળે તેને ધ્યાનથી જુએ. કાર્ડિયોગ્રામની રેખાઓ જોઈને કહે કે આ જ જિંદગી છે. ઉપર અને નીચે, જો આ લીટી સીધી થઈ જાય તો? તો શ્વાસ ખૂટી જાય. જિંદગી પણ કાર્ડિયોગ્રામની રેખાની જેમ જ ચાલવાની છે. પણ એ અપ-ડાઉનની પણ એક મર્યાદા છે, એ મર્યાદા જો છૂટી તો હાર્ટ તૂટે છે.
જિંદગી એના ક્રમમાં જ ચાલે છે. બાળક જન્મ પછી ધીમે ધીમે વિકાસ પામે છે. પહેલાં ભાંખોડિયાં ભરે, પછી ચાલતા શીખે અને પછી દોડવા લાગે. કોઈ બાળકને સીધો દોડ મૂકતા જોયો છે? એ જ બતાવે છે કે કંઈ જ સીધેસીધું મળતું નથી. સફળતાનો પણ એક ક્રમ છે. સુખ પણ સમજથી જ આવે છે. સુખ મેળવવા સમજ કેળવવી પડે. જે જિંદગીના ક્રમને અને કર્મની ગતિને અતિક્રમી જવા જાય છે એ ઝડપથી પછડાય છે અને પછી હાંફી જાય છે, થાકી જાય છે.
એક માણસ સંત પાસે ગયો. સંતને પૂછયું કે નિરાશા શા માટે આવે છે? સંતે કહ્યું કે માણસને માપવા માટે. દુનિયામાં એક પણ માણસ એવો નહીં હોય જે ક્યારેય નિરાશ થયો ન હોય. માણસ નિરાશામાંથી કેવી રીતે બહાર આવે છે તેના પરથી તેની સજ્જતાનું માપ નીકળે છે. જે માણસ ક્યારેય નિરાશ નથી થતો તે ઉત્તમ છે પણ જે માણસ નિરાશામાંથી બહાર આવીને પાછો સક્ષમ બને છે એ શ્રેષ્ઠ છે. જે ક્યારેય પડયો જ નથી તેને ઊભું કેમ થવાય તેની સમજ પડતી નથી, જે માણસ પડીને ઊભો થાય છે એને જ ઊભા થયા પછી ઊભા રહેવાની શક્તિની સમજ પડે છે. નિરાશા સ્વાભાવિક છે, એ આવવાની જ છે. તમે તેમાંથી કેવી રીતે બહાર આવો છો એના પરથી જ તમારી સક્ષમતા નક્કી થતી હોય છે.
ધર્મયુદ્ધ વખતે અર્જુન હતાશ થઈ ગયા હતા. બધો જ મોહ છૂટી ગયો હતો. આ સમયે જ ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું કે તારું કર્મ જ તને હતાશામાંથી બહાર લાવશે. અર્જુને કહ્યું કે મારી સામે ધર્મયુદ્ધમાં મારાં જ સ્વજનો છે, તેને મારીને મને રાજ કે સ્વર્ગ મળી જાય તો પણ એનો શું મતલબ છે? ભગવાન શ્રીકૃષ્ણે ત્યારે કહ્યું હતું કે, જેમના માટે શોક કરવો યોગ્ય નથી એના માટે તું શોક કરે છે. તું તારું કર્મ કર. તારા આવા નિરાશાજનક વર્તનના કારણે તને જે લોકો સન્માનની દૃષ્ટિથી જોતા આવ્યા છે એની દૃષ્ટિમાં તું તુચ્છતાને પામીશ, જે લોકો તને સન્માનથી જુએ છે એ જ લોકો તને ભયના કારણે યુદ્ધથી વિમુખ થઈ ગયો એવું માનશે.
આ જ વાત જિંદગીની દરેક નિરાશામાં લાગુ પડે છે. નિરાશામાંથી જે બહાર નથી આવતો એને જ લોકો હારેલો જુએ છે. નિરાશાથી ભાગો નહીં પણ નિરાશાનો સામનો કરો. નિરાશામાંથી બહાર આવે છે તેને જ લોકો સન્માનથી જુએ છે. દાખલાઓ એવા જ લોકોના અપાય છે જે લોકો સંજોગો સામે લડયા છે.
તમારી નિરાશા તમારી સફળતાનું કારણ બનવી જોઈએ. એક વખતની હાર એ હાર નથી પણ હારી ગયા પછી પાછું લડવા માટે તૈયાર ન થવું એ હાર છે. જ્યાં સુધી લડવાની તૈયારી છે ત્યાં સુધી જ જીતવાની શક્યતા છે. કોઈ પણ સંજોગોમાં હતાશ ન થવું એ જ જિંદગી છે. બધું જ મૂકી દેવું સહેલું છે. નાનાં બાળકોને તમે રમતાં જોયાં છે. ઘણી વખત કોઈ બાળક હારતું હોય તો એ આખી બાજી વિખેરીને ફેંકી દે છે. આપણે નથી રમતાં એમ કહીને એ ઊભા થઈ જાય છે. બાજી ફંગોળી દેવાથી જીતી જવાતું નથી. બાજી ફંગોળી દેવી તેના કરતાં તો રમીને હારવામાં ગૌરવ છે. ભાગેડુ વૃત્તિ એટલે બાજીને ફંગોળીને ઊભા થઈ જવું. જેને હારવાનો ભય હોય એ જ આવું કરે, હાર પહેલાં જ આવું કરીને ઘણા લોકો જીતની શક્યતા પર પૂર્ણવિરામ મૂકી દેતા હોય છે.
સંઘર્ષથી હારો કે થાકો નહીં. જિંદગીના પડકારોને ઝીલો. તમારી જીત માટે સૌથી પહેલાં તો તમે જ તમારી જાત સાથે હોવા જોઈએ. તમારી પરિસ્થિતિમાંથી માત્ર તમે જ તમારી જાતને બહાર લાવી શકો. જેનામાં પોતાની તાકાત છે તેને બીજાની મદદની જરૂર ઓછી પડે છે. જરૂર હોય છે માત્ર પોતાને ઓળખવાની. દરેક વ્યક્તિમાં એટલી શક્તિ હોય છે કે એ દરેક હારને જીતમાં પલટાવી શકે, દરેક હતાશાને ઉત્સાહમાં ફેરવી શકે. તમારી જાતને જીતવાનો મોકો તો આપી જુઓ!
છેલ્લો સીન
નિરાશાનો ગૂઢ ધક્કો બુદ્ધિને શૂન્ય કરી દે છે, જેવી રીતે લકવા શરીરને. – ગ્રેવિલ
***