સમુદ્રાન્તિકે - 12 Dhruv Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

  • જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

    આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,...

  • ક્રોધ

    क्रोधो मूलमनर्थानां  क्रोधः संसारबन्धनम्। धर्मक्षयकरः क्रोधः...

શ્રેણી
શેયર કરો

સમુદ્રાન્તિકે - 12

સમુદ્રાન્તિકે

ધ્રુવ ભટ્ટ

(12)

દૂરથી એક દેખાતો શ્યાલબેટ ખરેખર તો ત્રણ ટુકડામાં વહેંચાયેલો છે. મુખ્ય ટાપુની પૂર્વમાં નાની ખાડી પછી બીજો નાનો ટાપુ છે. તેના પર દીવાદાંડી, ક્વાર્ટર્સ અને લીલા રંગનાં, દરગાહનાં બે મકાનો છે. ત્રીજો ટુકડો પેલા બંને ટાપુની ઉત્તરે એકાદ કિલોમીટર દૂર ખડકરૂપે, દેખાય છે. પેલા બંને ટાપુ કરતાં આ ત્રીજો ટાપુ થોડો ઊંચો છે. બેટની પાસે ન હોત તો તેને હું માત્ર ખડક કહેત એટલો નાનો. એકદમ સીધા ઊભા ખડકનું મથાળું સપાટ છે. લંબચોરસ શિલા કોઈએ સંભાળપૂર્વક ગોઠવી હોય તેમ દરિયાની થપાટો ઝીલતી ઊભી છે. પચાસેક ફૂટ પહોળો અને એથી બમણો લાંબો ખડક ભૂતકાળમાં કદાચ મુખ્ય ટાપુનો જ ભાગ હશે.

‘આ સામે પડ્યો, ઈ બેટ. ઓલ્યા નાના બેટ માથે પીરની દરગાહ છે. વાંહે દીવાદાંડી.’ જે દેખાતું હતું તેનો પરિચય કરાવતાં ક્રિષ્નાએ કહ્યું. ‘ખાડી ખાલી હોય તંયે દરગાયે હાલીને જવાય. નીકર હોડી ઊતરવી પડે.’

‘પેલા નાના ટાપુ પર જવાય છે?’

ક્રિષ્નો પળ-બેપળ કંઈ બોલ્યો નહીં. પછી શઢ સંકેલવા ઊભો થતાં બોલ્યો. ‘ઈ ટાપુ નથ. ભેસલો છે. ન્યાં હોડી નો લાગે.’

‘ભેસલો? એટલે શું?’ મેં પૂછ્યું.

‘ભેસલાપીર કે’વાય’ ક્રિષ્ના બોલી રહે ત્યાં સુધીમાં તો હોડી ટાપુના કિનારે રેતીમાં છીતી ગઈ.

અહીં રેતી એકદમ ઝીણી છે. તેને ધૂળ ન કહેવાય એટલું જ બાકી ધૂળ જેવી જ ઝીણી રેતના ઢગલા પર અમે ઊતર્યા. પગ કાંડા સુધી રેતીમાં ખૂંચી ગયા.

‘રેતી બહુ છે અહીં તો.’ મેં પરાણે ચાલવાનો પ્રયત્ન કર્યો.

‘આ રેતી નો કેવાય પણો કેવાય આને. આ બેટ સાથે રેતી ક્યાંય નો જડે.’ ક્રિષ્નાએ કહ્યું અને ખડકો પર રમતા બે-ચાર કિશોરોને સાદ કરીને બોલાવ્યા. ‘સમાણ કાઢી લ્યો નાવડામાંથી. દાંડીયે પોગાડજો.’

‘તે વાંધો સું છે? આંય કોઈ નો અડે.’

પણાનો પટ પચાસ સાઠ ડગલાં પહોળો હતો; પણ એ પાર કરતાં દમ નીકળી ગયો હોય તેવું લાગ્યું. ખડકાળ કિનારો આવ્યો ત્યાં હું બેઠો. પેલા કિશોરો સામાન લેવા હોડી તરફ જતા હતા તેમણે ક્રિષ્નાને પૂછયું, ‘તું કે’તો હો તો હોડી જ દરગાયે લગાડીને સામણ મૂકી દંઈ.’ નાનકડા છોકરાએ ટાપુના ટંડેલને ‘તું’ કહીને બોલાવ્યો એ મેં નોંધ્યું.

ખડકો ચડીને અમે બેટની ભૂમિ પર પગ મૂક્યો. લાલાશ પડતી માટી અને પથરાળ જમીન પર ડગ માંડતા અમે પૂર્વના નાના ટાપૂ તરફ ચાલ્યા. ખાડી ત્યારે ખાલી થઈ ગઈ હતી. અમે મોડા થયા હતા. સમયસર આવ્યા હોત તો હોડી આ ખાડીમાં છેક દીવાદાંડીની લગોલગ લાગત. અત્યારે હોડી દરગાહથી દૂર દરિયામાં ઊભી છે. પેલા કિશોરો કેડ સમાણા પાણીમાં ચાલીને મારો સામાન કિનારે લાવી મૂકે છે.

અમે દીવાદાંડી પર પહોંચ્યા તો ચાર-પાંચ યુવાનો ઓટલા પર બેઠેલા જોયા. મને આવતો જોતાં તેઓ ઊભા થઈને મારી તરફ આવ્યા.

‘હું નિખિલ,’ એક યુવાને પોતાનો પરિચય આપ્યો. ઘણે સમયે મેં જાણે કોઈક પરિચિત - સમું નામ સાંભળ્યું. પરિચિત પહેરવેશ જોયો, પરિચિત વર્તન જોયું. મારું મન આનંદિત થઈ ઊઠ્યું. મેં ઉમળકાથી નિખિલનો હાથ હાથમાં લીધો. ક્રિષ્ના મને ત્યાં જ મૂકીને નીચે દરગાહ તરફ ગયો.

‘હું એસ્ટેટબંગલે રહું છું,’ મેં મારી ઓળખ આપી.

‘અમે મોટા બંદરેથી આવ્યા. આ સૌમિલ ત્યાં પોર્ટ ઑફિસર છે.’ નિખિલે બીજા યુવાનનો પરિચિય કરાવ્યો. ‘અને આ બંને મારા મહેમાનો છે. બોટ આ તરફ આવતી હતી એટલે બેટ પર ફરવા આવ્યા.’ મેં બાકીના યુવાનો સાથે હાથ મેળવ્યા. અને સૌમિલને કહ્યું, ‘આટલી નાની ઉંમરે પોર્ટ સંભાળવા જેવી સિદ્ધિ બદલ અભિનંદન.’

અમે આગળ કંઈ વાત કરીએ ત્યારે પહેલાં દીવાદાંડીના ક્વાર્ટરમાંથી એક વધુ યુવાન બહાર આવ્યો. ‘હલો, ડૉક્ટર.’ તેણે નિખિલને કહ્યું. ‘હું તૈયાર છું. નીકળીએ હવે.’ પછી તે મારી તરફ ફર્યો. ‘આ ક્વાર્ટર મારું જ છે અને હું એકલો છું. તમે ઇચ્છો તેટલું રહી શકશો. ચોકીદાર બધું કરે છે એટલે કોઈ વાતની ચિંતા નથી.’

‘તમે મને કહો છો?’ મેં શંકા વ્યક્ત કરી.

‘તમને જ તો. તમારી વ્યવસ્થા કરવાનો સંદેશો બે દિવસ પહેલાં ભરવાડ આપી ગયો છે. બંગાળી બાબાના મહેમાન તે તમે જ ને?’

‘હા, હું જ.’

‘આ બધું તમારું જ માનજો, હું તમારી સાથે રોકાત પણ મારે મોટાબંદરે જવાનું છે. સાહેબ સાથે.’ તેણે સૌમિલ તરફ સંજ્ઞા કરતાં કહ્યું , ‘અમે બેટના માણસો માટે થોડી પ્રવૃતિ વિચારીએ છીએ. એક ફિલ્મ શો ગોઠવ્યો છે. થોડું શિક્ષણ જેવું પણ કંઇક કરીશું.’

‘સારી પ્રવૃતિ કરો છો.’ મેં કહ્યું.

‘આ તો હજી પ્રયોગ છે. બધાને ગમશે તો વારે વારે આવું કંઈક કરીશું. આ ડૉક્ટર ભારે ઉત્સાહી છે.

હું બેટ પરથી, ચોકીદારને મોકલું છું. દયારામ નામ છે. તે બધું જ કરશે.’ વાત પૂરી થતાં તે બધા ગયા. ક્રિષ્ના નીચે દરગાહ પર ગયો હતો તે પાછો આવ્યો, ‘દરગાયે રે’વું હોય તોય વાંધો નથ. ને આંય દયારામ હાર્યે રે’વું હોય તો ય વાંધો નથ. હું બેટ માથે જાઉં, સાંજુકનો આવીસ.’ કહી ક્રિષ્ના પણ ગયો. પેલા કિશોરો મારો સામાન લાવ્યા અને ક્વાર્ટરના પગથિયે સામાન મૂકીને ચાલતા થયા.

ક્રિષ્ના મને એકલો છોડીને જતો રહ્યો તે કરતાં તે મને સાથે લઈ ગયો હોત તો વધુ ગમત. હું આસપાસ થોડું ફર્યો. દીવાદાંડી પાછળના સમુદ્રતટ પર ઊતર્યો. ભરતી પૂર્ણ રીતે ઊતરી ગઈ હતી. ખાબોચિયામાં ભરાઈ રહેલા નાના નાના સમુદ્રજીવો જોતાં મેં ફર્યા કર્યું. એકાદ ક્લાકે ઉપર આવ્યો ત્યાં ઊંચો પડછંદ ભરાવદાર શરીરવાળો માણસ ક્વાર્ટરને સાંકળ વાસતો હતો.

‘દયારામ?’ મેં પ્રશ્નાર્થ સ્વરે તેને બોલાવ્યો.

‘બોલો સા’બ કહેતો તે મારી પાસે આવીને ઊભો, ‘ખાવામાં સું બનાવવું છ?’

‘કંઈ નહીં, ચા બને તો બનાવી આપો.’

‘આંય બધું બને. મોટા મોટા સાયેબું આંય જ રેય છ. બધું રાખવું પડે.’ તે ચા બનાવવા ક્વાર્ટરમાં ગયો. હું બહાર રેતીમાં પગ લંબાવીને દરિયા તરફ જોતો બેસી રહ્યો.

ચા પીને મેં લંબાવ્યું. ઉજાગરો, મુસાફરીનો થાક અને નીરવ શાંતિએ મને નિદ્રામાં ખેંચી લીધો. જાગ્યો ત્યારે ચાર વાગવા આવ્યા હતા. દરગાહ પર જઈને ફકીરને મળવાની ઇચ્છા થઈ. પગથિયાં ઊતરીને નીચેની કેડી પર થોડું ચાલીએ એટલે દરગાહે પહોંચાય. દરગાહ પરનાં તમામ મકાનો સાવ ખુલ્લાં હતાં. ફકીરનું પોતાનું મકાન પણ સાવ ખુલ્લું. પણ દરગાહ પર કોઈ હતું નહીં. આસપાસ ક્યાંક ગયો હશે માની હું થોડી વાર બેઠો. ત્યાં ક્રિષ્નાની હોડી કિનારે દેખાઈ

‘બેટ માથે જાવું છે?’ ક્રિષ્નાને પૂછ્યું. અને તે દરગાહને પગે લાગ્યો.

‘આ ફકીરબાપુને મળી લઈએ એટલે જઈએ.’

‘ઈ તો બેટ માથે ગ્યો છે. રાત્યે આવસે.’

આવું સાવ ખુલ્લું ફટાક ઘર મૂકીને જનારો માણસ મને સમજાયો નહીં, ‘આ બધું ઉઘાડું મૂકીને?’

તે વાંધો સું છ? આંય કોઈ નો અડે.

મને યાદ આવ્યું કે કવાર્ટરને પણ તાળું નથી. માત્ર સાંકળ વસાય છે. મને થોડી નવાઈ લાગી.

‘ચાલો.’ હું ક્રિષ્ના સાથે નીકળી પડ્યો.

આખા ટાપુને ફરીને અમે એકાદ કલાકે ડક્કા પર પહોંચી ગયા. માણસોની અવર-જવર અહીં ઘણી છે. ડક્કાથી દૂર સુધી માછીમારોનાં ઘાસનાં ઝૂંપડાં અને બહાર સુકાતી માછલીઓની વાસથી બેટનું આખું દૃશ્ય, આખું વાતાવરણ જુદા જ પ્રકારનું લાગતું હતું. ડક્કા પર પાકા મકાનમાં બંદરકચેરી અને એક તરફ વાયરલેસ ઑફિસ.

‘તું અહીં રહે છે?’ મેં ક્રિષ્નાને પૂછ્યું.

‘ના, અંદર, બેટ માથે રઈ છેં.’ તેણે મને વાયરલેસ ઑફિસથી આગળ દોર્યો. અહીં નાનકડી ગલી આસ-પાસ નાનાં પાકાં મકાનો અને ગલીને છેડે પોસ્ટ ઑફિસ. ઓહ, છેલ્લે પોસ્ટ ઑફિસ જોયાને પણ કેટલો સમય થઈ ગયો! મને મારી દશા પર સહેજ હસવું આવ્યું. મેં ક્રિષ્નાનો હાથ પકડ્યો, ‘ચાલ, અહીં વધુ રોકાઈશ તો હું પણ ખારવો થઈ જઈશ.’

ઢોળાવ ચડીને અમે મથાળે આવ્યા. અહીંથી ટાપુનું ગામ જમણી તરફ રહી જાય છે. ડાબી તરફ ખેતરો, વાડીઓ, પણ વૃક્ષ વગરનો વિસ્તાર.

‘ખારવો થઈને તું બેટ માથે કેમ રહે છે?’ મેં અધૂરી વાતનો તંતુ સાંકળતાં પૂછ્યું, ‘તું ક્યાં ખેડુ છે?’

મારા લાંબા વસવાટે હું આ પ્રજાની એક ખાસિયત જાણી શક્યો છું. આમાંના જે માનવીઓ દરિયા પર નભે છે તે ભૂમિ સાથે સંબંધ નથી રાખતા. જે ભૂમિ પર જીવે છે તે દરિયાથી દૂર રહે છે. એક પ્રદેશમાં, એક સાથે જ જીવવા છતાં એક-બીજાના ક્ષેત્રમાં કોઈ વસવાટ નથી કરતું. લગભગ જળચર-સ્થળચર જેવી આ જીવનશૈલી સૈકાઓથી ચાલી આવતી હશે.

ક્રિષ્ના જેવો ઉભયચર જીવ ભાગ્યે જ પાકતો હશે.

‘ખારવો ગણો તો ખારવો, ખેડુ ગણો તો ખેડુ. બધી કિસ્મતની વાત છે.’ કહીને તે હસ્યો.

‘તો તો તારું ઘર જોવું પડશે,’ મેં મનની ઇચ્છા વ્યક્ત કરી.

‘લેઈ જઈસ ને, તું ને ઘર નો બતાવું તો કેને બતાવું?’ ક્રિષ્નાએ રસ્તા પર પડેલા કાંટાનું ઝાંખરું એક તરફ કરતાં કહ્યું. ‘પાછો વયો જા ઈ પેલાં ઘેર લઈ જઈસ.’

બેટની વચ્ચોવચ પસાર થતાં અમે દરિયાના બીજા કિનારા પર ઊતરી આવ્યા. શંખલા, છીપલાં, રંગ-બેરંગી પથ્થરોનો અઢળક ખજાનો. ક્રિષ્ના બાળક જેવી ઉત્સુકતાથી બધું ઉઠાવી લાવતો અને મને બતાવતો ચાલ્યો. ખાડામાં પુરાઈ રહેલા કરચલા, તારા માછલી અને જળઘોડા તેણે મને બતાવ્યા. અશ્વ જેવું મુખ અને માછલી જેવો દેહ ધરાવતા નાના જળઘોડા જોઈને ચેસની રમતના ઘોડાનું પ્યાદું યાદ આવે. ચાલતાં ચાલતાં અમે દીવાદાંડીની સામેના કિનારા પર આવ્યા. સવારે અહીંથી જ ખાડી ઊતરીને અમે આવેલા. અત્યારે પણ ખાડી ખાલી છે. બપોરે ભરતી આવીને ઓટ વળી ગઈ.

‘ખાડી ઊતરી જાય.’ અંદાજ કાઢતાં ક્રિષ્નાએ કહ્યું

‘પણ તારે ઘરે જવાનું?’

‘કાલે વે’લો લેવા આવીસ. અટાણે પાછા જાસું તો રાત પડી જાસે.’

‘ભલે, તો તું તારે જા. હું દીવાદાંડી પાસે પહોંચી જઈશ.’

‘આયાં ખાડી ભરાવા મંડી. હું મૂકી જાઉં તને.’

અમે ઉતાવળે ખાડી પસાર કરી. સામે કિનારે પહોંચી તરત એ જ ઝડપે ક્રિષ્ના પાછો વળી ગયો. સંધ્યા નમવા આવી હતી. દાંડીનો દીવો ચમકવા માંડ્યો. હું ક્વાર્ટર પર ગયો. દયારામ ઓટલા પર બેઠો હતો તે ઊભો થઈ ક્વાર્ટરમાં ગયો.

***