Featured Books
શ્રેણી
શેયર કરો

રેઈકી ચિકિત્સા - 4 (રેઈકી નો ઈતિહાસ)

4. રેઈકી નો ઈતિહાસ

રેઈકી નો ઈતિહાસ આજે તો દંતકથા બની ગઈ છે. જે રેઈકી માસ્ટર પાસેથી રેઈકી ના વિધાર્થીને મૌખિક રીતે મળી રહી છે. પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિના સંશોધક ડૉ. મિકાઓ ઉસુઈ છે. તેઓ અઢારમી સદીના અંતમાં જાપાનના ક્યોટો શહેરની એક નાની ક્રિશ્ચિયન યુનિવર્સિટીમાં પ્રોફેસર અને હેડ હતા.

સામાન્ય રીતે રેઈકી સેમિનારમાં રેઈકીની શોધ ક્યાંથી થઇ એ બાબતે એમ કહેવામાં આવે છે કે રેઈકીની શોધ ડૉ. મિકાઓ ઉસુઈ એ કરેલી. વાસ્તવમાં આ વાત સત્ય નથી લાગતી. આ વિદ્યા અતિ પ્રાચીન છે જે અનાદિ કાળ થી ગુરુ શિષ્ય પરંપરાથી ચાલી આવી છે.

રામાયણમાં એક પ્રસંગનો ઉલ્લેખ છે કે ભગવાન રામચંદ્રજી એ અહલ્યા ને સ્પર્શ કર્યો અને પત્થરમાં થી સંપૂર્ણ સ્ત્રી બની ગઈ. હકીકતમાં અહલ્યાના સ્નાયુઓ જકડાઈ જવાથી તેનું શરીર કડક પત્થર જેવું થઇ ગયું હતું. હલન ચલન થઇ શકતું ન હતું. ભગવાન રામચંદ્રજી એ અહલ્યા ને સ્પર્શ કરીને પ્રાણ શક્તિનો સંચાર કર્યો અને અહલ્યા ના શરીરમાં પ્રાણ ઊર્જાનો સંચાર થયો તેથી અહલ્યા પત્થરમાં થી સંપૂર્ણ સ્ત્રી બની ગઈ. આ વિદ્યા કુળગુરુ વશિષ્ઠે ભગવાન રામચંદ્રને શિખવી હતી. કાળક્રમે ભગવાન બુદ્ધે આ વિદ્યાનો ઉપયોગ કર્યો. ત્યારબાદ, ઈશુ ખ્રિસ્તે આ વિદ્યાનો ઉપયોગ કરી રોગીઓને સજા કર્યા. ડૉ. મિકાઓ ઉસુઈ એ આ લુપ્ત થયેલ વિદ્યા નું ભારતમાં તિબેટમાં આવી કમળસૂત્ર નામના ગ્રંથ માં લખેલી આ પ્રાચીન વિદ્યા ઉપર ગહન સંશોધન કરીને સંસ્કૃત ભાષામાંથી જાપાનીઝ કાંજી ભાષામાં લખાણ લખ્યું અને આ વિદ્યાને જાપાનીઝ નામ રેઈકી આપી તેનો પ્રચાર પ્રસાર કર્યો. આધુનિક યુગમાં રેઈકી ના પ્રચાર પ્રસાર કરવામાં ડૉ. મિકાઓ ઉસુઈ નું મહત્વનું યોગદાન છે.

એક દિવસ કેટલાક વિધાર્થીઓ સાથેની ચર્ચા દરમિયાન ડૉ. ઉસુઈ ને પૂછવામાં આવ્યું કે તેઓ બાઈબલ ને અક્ષરશ: મને છે? ત્યારે એમણે હા પાડી. ત્યારે એ વિધાર્થીઓએ એમને ઈશુ ખ્રિસ્તની સ્પર્શ ચિકિત્સા દ્વારા રોગ મુક્તિ આપવાની યાદ અપાવી અને કહ્યુ કે, “મે જે કર્યું છે તેનાથી તમે ઘણું વધારે કરી શકશો. જો આમ હોય તો અત્યારે ઇશુની જેમ સ્પર્શ ચિકિત્સાથી સારવાર કરતા ચિકિત્સકો આજે દુનિયામાં કેમ નથી?” જો આ સાચું હોય તો મહેરબાની કરી અમને પણ આનું જ્ઞાન આપી આ રીત શીખવો. ડૉ. ઉસુઈ સ્તબ્ધ બની ગયા. જાપાનની પ્રથા પ્રમાણે હેડ પ્રોફેસર ના હોદ્દા ઉપર આ બધા સવાલોના જવાબ આપવા બંધાયેલા હતા. તેજ દિવસે તેમણે પોતાના હોદ્દા ઉપરથી રાજીનામું આપી દીધું અને આ સ્પર્શ ચિકિત્સા જ્ઞાનની પ્રાપ્તિ મેળવવા કટિબદ્ધ થયા.

તેમના મોટાભાગના શિક્ષકો ખ્રિસ્તી હતા અને અમેરિકન હતા તેથી તેઓ અમેરિકા ગયા અને શિકાગો યુનિવર્સિટીની ધાર્મિક પાઠશાળામાં અભ્યાસની શરૂઆત કરી. અહી તેમને સ્પર્શ ચિકિત્સા અંગે કોઈ જ્ઞાન પ્રાપ્ત થયું નહીં તેથી તેમણે બીજી જગ્યાએ પોતાની શોધ કરવાનું નક્કી કર્યું.

ડૉ. ઉસુઈ જાપાન પરત ફર્યા અને તેમને માલુમ પડ્યું કે ભગવાન બુદ્ધ પણ આ ચિકિત્સાનો ઉપયોગ કરતા હતા તેથી તે ઝેન મઠના બૌદ્ધ સાધુના સંપર્કમાં આવ્યા. તેઓએ ડૉ. ઉસુઈને આ કાર્યમાં મદદ કરવા પ્રોત્સાહિત કર્યા. પરંતુ અહી પણ તેમને જાણકારી પ્રાપ્ત થઇ નહીં કારણકે અહી અધ્યાત્મિક જીવન અને આત્માની ઉન્નતિ વિષેજ વધારે પડતું જ્ઞાન આપવામાં આવતું હતું. એટલે ત્યાંથી ચીન ગયા અને ચીની ભાષા શીખી. ત્યાંના ધર્મ પુસ્તકો અને શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. ત્યાં પણ જોઈતી માહિતી ના મળી એટલે તેઓ ભારતમાં આવ્યા. અહી તેમને સંસ્કૃત ભાષાનો અભ્યાસ કર્યો અને પ્રાચીન ગ્રંથોમાંથી આ સ્પર્શ ચિકિત્સાને લગતી ઘણી બધી જાણકારી મેળવી. પછી તેઓ તિબેટ ગયા અને ત્યાં ‘કમલ સૂત્ર’ નામના ગ્રંથનો અભ્યાસ કર્યો અને તેમને જોઈતી માહિતી પ્રાપ્ત થઈ. પરંતુ આ માહિતીનો ઉપયોગ કરવા માટે જરૂરી શક્તિ પ્રાપ્ત થઇ નહીં.

તેઓ તેમના મઠાધિશ મિત્ર પાસે એ શક્તિનો ખરેખર ઉપયોગ કેવી રીતે કરી શકાય તેની સલાહ લેવા જાપાન પરત ફર્યા. તેઓ બંન્નેએ ધ્યાન કરવાનું શરૂ કર્યું અને એ મંતવ્ય ઉપર આવ્યા કે ડૉ. ઉસુઈ કુરીયમા પર્વત ઉપર જઈ 21 દિવસનો ઉપવાસ અને ધ્યાન કરવું. આથી તેઓ 21 પથ્થર ભેગા કરી ઉત્તર દિશા તરફ મોઢું કરી એક સારી જગ્યાએ બેસીને તેઓ ધ્યાન કરવા લાગ્યા. રોજ સવારે ધ્યાનમાંથી પરવારી એક પથ્થર ફેકી દેતા હતા. પરંતુ 20 દિવસ પૂરા થયા છતાંય કંઈ ચોક્કસ જ્ઞાન કે વિદ્યાની પ્રાપ્તિ થઇ નહીં.

21મા દિવસે વહેલી સવારે બ્રહ્મમુહુર્તમાં સુદ એકમના દિવસે જયારે ઉસુઈ તેમના છેલ્લા પથ્થરને શોધતા હતા ત્યારે ઘણુંજ અંધારૂ હતું ત્યારે પોતાની જ્ઞાન પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી અને એજ વખતે તેમને આકાશમાં એક તેજસ્વી પ્રકાશનો પૂંજ તેમની તરફ આવતો દેખાયો. ઉસુઈ તેમની તરફ ધસી આવતા આ પ્રકાશપૂંજને જોઈ પ્રથમ તો ગભરાઈ ગયા અને ઊઠીને નાસી જવાનો વિચાર કર્યો. પરંતુ તેમને થયું કે કદાચ તેમની છેલ્લી પ્રાર્થનાના સંદર્ભમાં આ કંઈ બની રહ્યું છે. તેથી તેઓ સ્વસ્થ થઇ ગયા. આ તેજસ્વી પ્રકાશ પૂંજ તેમના કપાળમાં આજ્ઞાચક્રમાં પ્રવેશી ગયો. તેઓ અર્ધનિંદ્રાની સ્થિતિમાં ચાલી ગયા. પછી અસંખ્ય રંગીન પરપોટા દેખાયા અને એ બધા ચમકતા સફેદ પરપોટા બની ગયા અને દરેકમાં થ્રી ડી ઈમેજ માં સંસ્કૃતમાં એક એક સોનેરી મૂળાક્ષરો દેખાયા જેની નોંધ તેઓ લઇ શક્યા. જયારે જાગ્યા ત્યારે પ્રભાત થઇ ચૂક્યું હતું અને તેમનામાં ચેતનાશક્તિનો સંચાર થયો. 21 દિવસના ઉપવાસ પછી પણ એમનામાં નવજુવાન જેવી શક્તિ અને સ્ફૂર્તિ આવી ગઈ. આ એમનો સવારનો પ્રથમ ચમત્કારિક બનાવ હતો.

ડૉ. ઉસુઈને જે કંઈ પ્રાપ્ત થયું હતું તેના આનંદ અને ઉત્સાહમાં પર્વત ઉપરથી દોડતા દોડતા નીચે ઉતારવાનું શરૂ કર્યું અને ઉતાવળમાં તેમને ઠેસ વાગી. તેમના અંગૂઠામાંથી લોહી નીકળવા લાગ્યું. તેમણે અંગૂઠાને પકડી લીધો. થોડીજ વારમાં દુઃખાવો તેમજ લોહી નીકળતું બંધ થઇ ગયું અને સંપૂર્ણ સજા થઇ ગયા. આ સવારનો બીજો ચમત્કારિક બનાવ હતો. પર્વત ઉપરથી નીચે આવી રસ્તાની બાજુમાં આવેલ હોટેલમાં તેઓ ગયા અને ખૂબજ ભૂખ લાગી હોવાથી તેઓએ પૂરા નાસ્તાનો ઓર્ડર આપ્યો. ડૉ. ઉસુઈનો સાધુનો પોષક અને વધી ગયેલ દાઢી જોઇને હોટલ માલિકને લાગ્યુકે તેઓ ઉપવાસ અને ધ્યાન કરતા હોવાથી માલિકને લાગ્યુ કે તેઓ ધ્યાન કરતા હોવાથી ડૉ. ઉસુઈને ભારે ખાણું લેવાને બદલે સાદો હલકો ખોરાક લેવાનું કહ્યું. પરંતુ ઉસુઈએ ના પાડી અને પૂરા નાસ્તાનો ઓર્ડર કર્યો. લાંબા ઉપવાસ કર્યા પછી પણ પૂરો નાસ્તો હજામ કરી ગયા ત્યારે તેમને ઘણું આશ્ચર્ય થયું. સવારનો આ ત્રીજો બનાવ હતો. વૃદ્ધ હોટલ માલિકની પૌત્રી કે જેણે ઉસુઈને નાસ્તો પીરસ્યો હતો તેને દાંતનો સખત દુઃખાવો હતો અને તેને લીધે ગાલ સૂજી ગયા હતા. ઉસુઈએ આ બાબતમાં મદદ કરવા કહ્યું અને તેમણે પોતાના બન્ને હાથ તેના મુખની બંન્ને બાજુએ રાખ્યા અને થોડી વારમાં તેના દાંતનો દુઃખાવો અને સોજો માટી ગયો. આ ચોથો ચમત્કારિક બનાવ હતો.

અહીંથી ડૉ. ઉસુઈ તેમના મિત્ર બૌદ્ધ સાધુને મળવા ગયા. તેઓ તેમની વૃદ્ધાવસ્થાને કારણે સાંધાના દુખાવાથી પીડાતા હતા. તેઓને સ્પર્શ દ્વારા ઉપચાર કરવાનું શરૂં કર્યું અને થોડા દિવસમાં આ બૌદ્ધ સાધુનો સાંધાનો દુઃખાવો દૂર થયો અને સ્વસ્થ થઈ ગયા. પોતાને મળેલ આ નવી ચમત્કારિક શક્તિનું શું કરવું તેની સલાહ પૂછી. આ બન્નેએ ફરી ધ્યાન કરવાનું શરૂ કર્યું અને છેવટે ક્યોટા શહેરના ભિક્ષુક ગૃહમાં જઈ કામ કરવાનું નક્કી કર્યું.

ડૉ. ભિક્ષુક ગૃહમાં જઈ ભિક્ષુકોને રેઈકી શક્તિના ઉપચાર દ્વારા મદદરૂપ થઈ તેમના જીવન સંસારમાં પાછા જઈ આળસુ ન રહેતાં સમાજમાં ભળી જાય અને સમાજને ઉપયોગી બને તે માટે પ્રયત્નો શરૂ કર્યા. ડૉ. મિકાઓ ઉસુઈ સાત વર્ષ સુધી ભિક્ષુકોને રેઈકી ઉપચાર આપી ઘણા ખરાને સંપૂર્ણ સ્વસ્થ બનાવી, સુઘડ અને સ્વચ્છ જિંદગી આપી તેઓના ઘરે મોકલ્યા. પરંતુ થોડા વર્ષો પછી તેઓ ફરીથી ભિક્ષુક ગૃહમાં પાછા આવવા લાગ્યા. ડૉ. મિકાઓ ઉસુઈએ આત્મખોજ કરી કે તેમનામાં કે ભીક્ષુકોમાં શું ખામી હતી કે તેઓ સારા માણસ બનવાનું છોડી દઈ ભિક્ષુકગૃહ માં પાછા આવવા લાગ્યા. ત્યારે તેમને ભાન થયું કે તેઓ ભીખારીઓને જવાબદારી શીખવવાનું અને ખાસ કરીને કૃતજ્ઞતા પ્રગટ કરવાનું ભૂલી ગયા. શરીરની શુદ્ધિ જેટલીજ આત્માની શુદ્ધિની પણ અગત્યતા છે તે તેમને જણાયું. તેમને અંતે જ્ઞાન થયુકે બે કારણોસર રેઈકીનો લાભ મળી શકતો નથી એક તો કોઈ પણ વસ્તુ માગ્યા વગર અથવા તો ઈચ્છા વગર સામેથી મળે છે તેનું જીવનમાં મહત્વ હોતું નથી અને બીજું, જે કોઈ પણ વસ્તુ મફતમાં મળી હોય તે લાંબો સમય ફાયદો આપતી નથી એટલે કે સમાજ આદાન-પ્રદાન ના નિયમોને આધારે ચાલે છે.

ત્યારબાદ, ડૉ. મિકાઓ ઉસુઈ એ ભિક્ષુકગૃહ છોડી દીધું. તેમણે જાપાનમાં રેઈકી શીખવવાનો નિર્ણય કર્યો. એમની સાથે જે યુવાનો તેમની સાથે આ જ્ઞાન પ્રાપ્ત કરવા જોડાયા તેમને ડૉ. ઉસુઈએ ધીમે ધીમે જ્ઞાન આપવાનું શરૂ કર્યું. અઢારમી સદીના અંત પહેલાં અને તેમના મૃત્યુના થોડા વખત પહેલાં સ્પર્શ ચિકિત્સા અને તેના શિક્ષણનું સર્વ જ્ઞાન તેમના પરમ શિષ્ય નૌકાદળના નિવૃત્ત અધિકારી ડૉ. ચુજીરો હયાશીને આપ્યું.

ડૉ. ચુજીરો હયાશીએ ટોકિયો શહેરમાં રેઈકીનું સર્વ પ્રથમ ઉપચાર કેન્દ્ર ખોલ્યું. 1935 માં હવાયો ટાકાટા નામની સ્ત્રી કે જે જાપાનીઝ હતી અને અમેરિકામાં પરણી હરિ અને જુવાનીમાંજ વિધવા બની હતી તે પોતાના રોગના ઉપચાર માટે ડૉ. હયાશીના ઉપચાર કેન્દ્રમાં આવી હતી અને સંપૂર્ણ રોગમુક્ત થઇ હતી. તે આ રેઈકી ઉપચાર પદ્ધતિથી ખૂબ પ્રભાવિત થઇ અને પોતે રેઈકી શીખવાનો નિર્ણય કર્યો. એ જમાનામાં પુરુષોનું પ્રભુત્વ હતું અને શ્રીમતિ હવાયો ટાકાટા રેઈકીના ક્ષેત્રમાં આગળ વધવું ખૂબજ અઘરૂં હતું પરંતુ નાસીપાસ થયા વગર દૃઢ નિશ્ચય અને મનોબળ થી અમેરીકાનાં સૌ પ્રથમ રેઈકી માસ્ટર બન્યાં.

ડૉ. હયાશી એક દિવ્ય દ્રષ્ટા હતા. તેમને અમેરિકા સાથેના યુદ્ધનો ખ્યાલ આવી ગયો હતો અને લડાઈની ભયંકરતા અને જાપાનના વિનાશની તેમને ખબર હતી. આ આવનાર લડાઈમાં તેમને ભાગ લેવો ના પડે તે માટે તેમણે પોતાનો દેહ છોડવાનું નક્કી કર્યું. શ્રીમતિ ટાકાટાને રેઈકીની પરંપરાનું રક્ષણ કરવાની જવાબદારી સોંપી અને યોગ્ય જાણકારીઓ આપીને તારીખ ૧૦ મી મે 1941 ના રોજ સંપૂર્ણ ધાર્મિક વિધિના પહેરવેશમાં અને મિત્રોની હાજરીમાં સભાનતા પૂર્વક ડૉ. હયાશીએ પોતાનો દેહ છોડી દીધો. શ્રીમતિ હવાયો ટાકાટા ડૉ. હયાશીની અંતિમ વિધિ પૂરી કરી હવાઈ ટાપુમાં રહેવા જતા રહ્યાં.

1941 માં શ્રીમતિ હવાયો ટાકાટા ગ્રાન્ડ માસ્ટર થઇ રેઈકીની બધી જવાબદારીઓ ઉપાડી લીધી. તેઓએ 1970 થી 1980 દરમિયાન 21 રેઈકી માસ્ટર્સ બનાવ્યા અને ડીસેમ્બર 1980 માં પોતાનો દેહ ત્યાગ કર્યો.

મૃત્યુ પહેલાં રેઈકી માસ્ટરો સાથે ચર્ચા-વિચારણા કર્યા પછી બે રેઈકી એસોસિઅશન બનાવ્યાં. એકનું નામ રેઈકી એલાયન્સ (A.R.A.) જેનો કાર્યભાર શ્રીમતિ હવાયો ટાકાટા ના પૌત્રી ફીલીસ ફ્યોરો મોટો સંભાળે છે અને બીજાનું નામ અમેરિકન ઇન્ટરનેશનલ રેઈકી એસોસિએશન (A.I.R.A) છે. જેના અધ્યક્ષ શ્રીમતિ બાર્બરા વેબર હતા.

શ્રીમતિ પોલા હોરાન નામના રેઈકી માસ્ટર 1989 માં ભારતમાં આવેલાં ત્યારે તેમના મિત્ર શ્રી ઉપેનભાઈ અને શ્રીમતિ અંજનાબેન ચોક્સીને ત્યાં આવેલા. અંજનાબેનની નાદુરસ્ત તબિયત શ્રીમતિ પોલા હોરાન ની સારવારથી સુધારી ગઈ અને જલ્દીથી સાજા થઇ ગયા. પ્રથમ સેમિનાર મુંબઈમાં સને 1989 માં થયો. અને જાન્યુઆરી 1991 માં અમદાવાદમાંથી શ્રી પ્રવીણભાઈ ડી. પટેલ (કે જેઓ મારા રેઈકી માસ્ટર છે) અને મુંબઈના શ્રીમતિ શ્યામલ દુબે સર્વ પ્રથમ રેઈકી માસ્ટર થયા. ત્યાર પછીથી અમદાવાદ અને દેશના જુદા જુદા શહેરોમાં રેઈકી ચિકિત્સાનો પ્રારંભ થયો.

મારું સદભાગ્ય છે કે મને ભારતના ખ્યાતનામ રેઈકી માસ્ટર્સ પાસેથી રેઈકી શીખવા મળી છે. મેં માસ્ટર્સ ડિગ્રી 2015 માં અમદાવાદમાંથી શ્રી પ્રવીણભાઈ ડી. પટેલ કે જેઓ મારા રેઈકી માસ્ટર છે તેમની પાસેથી લીધી.

રેઈકી પરંપરા:

1. ડૉ. મિકાઓ ઉસુઈ

2. શ્રીમતી ટકાતા

3. બાર્બરા વેબર રે

4. મૌરીન ઓ’ ટોલે

5. કાટે નાની

6. પૌલા હોરાન

7. બાર્બરા એસ ઝેપાન

8. પ્રવિણભાઈ પટેલ

9. હરિ મોદી