બુધવારની બપોરે
(36)
બૉડી મસાજના ગૅરફાયદા
મને તેલ-માલિશનો બહુ શોખ છે.....કોઇને કરી આપવાનો નહિ, કરાવવાનો. દેખાવમાં લાગુ છું કે નહિ, તેની તો ખબર નથી, પણ હું કોઇ ધંધાદારી માલિશવાળો નથી. ચંપીના આ શોખને કારણે મને શહેરભરના તેલ-માલિશવાળાના બચ્ચે-બચ્ચા ઓળખે છે.
કહે છે કે, ગમે તેટલો થાક લાગ્યો હોય, બે પૅગ મારવાથી અથવા બૉડી-મસાજ કરાવવાથી ઉતરી જાય છે. થાક અહીં ગુજરાતમાં લાગ્યો હોય ને પૅગ મારવા મુંબઇ ના જવાય. પણ થાકેલા શરીર ઉપર ઘેર બેઠા મસાજ કરાવવાથી શરીર હળવું ફૂલ થઇ જાય છે.
રોજ તો પોસાય નહિ, પણ મને ચંપી કરાવવાનો ભારે ડોડળીયો છે. નદીના પટ ઉપર કોઇ અજગર લાંબો થઇને પડ્યો હોય, એવો હૅન્ડસમ જમીન પર ચત્તા સુઇને મસાજ કરાવતા હું લાગતો હોઇશ, એવું મેં ઘણીવાર માન્યું છે. એ વાત જુદી છે કે, મને આવો પડેલો જોઇને બધા આવું નથી માનતા. મને હલ્યાચલ્યા વિનાનો જમીન પર ચત્તોપાટ પડેલો જોઇને ઘણા એવું પૂછી બેસે છે, ‘‘...કાઢી ક્યારે જવાના છે?’’
મારી માન્યતા શહેનશાહી હોય. પર્શિયન કાર્પેટ ઉપર લાંબા થઇને ખુલ્લા બદને પડ્યો પડ્યો હું માલિશ કરાવતો હોઉં, ત્યારે લુધિયાણાના મહારાજાધિરાજ એમના જનાનખાના (રાણીવાસ)માં બે ઘડી નહાવા-ધોવા આવ્યા હોય, એવું મનોહર અને તનોહર દ્રષ્ય લાગે. જો કે, કબુલાત એટલી પણ કરી લઉં કે, કોઇ પુરૂષ માણસ મને અડકે, એ આજે ય ગમતું નથી અને મસાજ કરી આપવા માટે આપણી પાસે શોભે એવી સ્ત્રીઓ મળતી નથી. ભારતમાં આ જ અછતને લીધે મસાજ-કલાનો વિકાસ થઇ શક્યો નથી, એ કેટલા દુઃખની વાત છે. પેલા ફિલ્મી ગીત જેવું મારૂં સર ચકરાતું નથી કે નથી મારૂં દિલ ડૂબી જતું. પણ આવા રઈસી શોખ પાળવા હોય તો થાઇલૅન્ડ જવું પડે.
આ થાઇલૅન્ડ પરથી યાદ આવ્યું. અમારી સાથે મુંબઇનો એક સ્ટેજ-આર્ટિસ્ટ પાલેકર હતો....(અટક બદલી છે.) એ મુંબઇથી ફ્લાઇટમાં રઘવાયો થતો હતો. ફ્લાઈટમાં ય બબ્બે મિનિટે મને ધીમા છપછપ અવાજે કહે, ‘‘એ ડાવે....(મારી અટકનો ઉચ્ચાર એ આવો કરતો હતો.)....ડાવે, સુન ના....વહાં બૅંગકૉક મેં મસાજ બૉ’ત મસ્ત હોતા હે....લડકીયાં કરતી હે....તુ ક્યું ના-ના-ના-ના બોલે જા રહા હે? ચલ ના, યાર!’
સૌજન્ય ખાતર આગળની ઘણી ઘટનાઓ કાપી નાંખી સ્ટોરીના સનસનાટીભર્યા ઍન્ડની વાત કરૂં.
બૅંગકૉકમાં એને કંપની આપવા અમારામાંથી તો કોઇ સાથે ન ગયું. અને કોઇ સાથે નહોતું એનો લાભ લઇને એ કોઇ સસ્તા પાર્લરમાં ગયો. મસાજ કરી આપનારી ૬-૭ થાઇ છોકરીઓ એને બતાવવામાં આવી. રાજા નળ દમયંતિ સ્વયંવરમાં પધાર્યા હોય એમ પાલેકરે એક સુંદર છોકરી પસંદ કરી. નાનકડા રૂમમાં જઇને ખુશ થતો મસાજ-ટૉવેલ પહેર્યો ને રાહ જોતો આંખ મીંચીને ઊંધો સુઇ ગયો, ત્યાં જ એના બરડા પર ભારેભરખમ બે વિરાટકાય પંજા મૂકાયા.
એ ફૌલાદી પંજા કોઇ સાડા છ ફૂટનો ઉઘાડો ટુવાલ પહેરેલા હબસીના હતા. આટલા પૈસામાં તો આવું જ આવે ને? કાળીયાએ ભાડા પ્રમાણે પાલેકરનો ૩૦-મિનિટ મસાજ કર્યો. થાઈલૅન્ડથી પાછા આવ્યાના ચોથા મહિના સુધી પાલેકરના ફોન આવતા રહ્યા, ‘‘ડાવે.....અભી ભી પૂઉરા બાડી દુખ રહા હૈ.....યાર, મર જાના લેકીન થાઇલૅન્ડ મેં મસાજ મત કરવાના....’’
કેટલાક તો શરીર દુઃખવાને કારણે માલિશ કરાવવા બેસી...આઇ મીન, સુઇ જાય છે. હું એમને કોઇ તગડા હાથે માલિશ કરાવી આવવાની સલાહ આપતો હોઉં છું. આમાં ખાસ કાંઇ કરવાનું હોતું નથી (આપણે). સફેદ ટુવાલ વીંટાળીને કાર્પેટ પર ઊંધા સુઇ જવાનું. ચંપીવાળો આપણી પીઠ ઉપર ઘોડો થઇને બેસી જાય અને ફરસાણની દુકાને મહારાજ લાકડાના પાટીયા ઉપર પૂરા વજનથી ચણાના લોટનો લૂવો હાથના પંજાથી પૂરૂં વજન ઘસીને ફાફડા ઉતારતો હોય, એમ ઉસ્તાદ આપણા તેલવાળા બરડા ઉપર વારાફરતી બન્ને હાથ, રસોડાની લાદી ધોવાની હોય એમ ઘસતો જાય. એ પોતાની પાસે ઑલિવ તેલની બાટલી રાખે. એમાં પાછા એના હાથ પછાડીને આપણા બરડા ઉપર ભેદી અવાજોના સટાકા બોલાવતો જાય, એની તો લજ્જત કંઇ ઓર છે.
ભરચક યુવાની અમે ખાડીયામાં ગૂજારી છે. સમી સાંજોએ પોળને નાકે ઊભા રહીને રોજ ચક્ષુપૂજનો કર્યા પછી રાત્રે માણેક ચૉક ફાફડા અને ચા પીવા જવાનો ક્રમ હોય. રાત્રે ફૂવારા જઇને સૅન્ટ્રલ સિનેમાની સામેની બંધ દુકાનોના ઓટલે લૂંગીવાળા તેલ-માલીશવાળા બેઠા હોય. ગ્રાહકને ઊંધો સુવડાવ્યો હોય ને એના બૉડી ઉપર માલીશવાળો હથેળીઓના શક્તિશાળી પ્રહારો વડે ધબાધબ્બ બોલાવતો હોય, એ અમારા માટે મનપસંદ રિધમ હતી. કહે છે કે, એક વાર બૉડી-મસાજ કરાવો, પછી એની આદત પડી જાય છે. રોજ કરાવવી પડે. શરીર હળવું ફૂલ થઇ જાય, એ વાતે ય સાચી.
ભલે એ જમાનામાં આઠ આઠ આનામાં (અડધો રૂપીયો) પેલો ચંપી કરી આપતો, પણ એ ય રોજ તો મોંઘુ પડે ને? પૈસા બચાવવા મેં તેલમાલિશવાળાને બે-ચાર વાર ઑફર કરી જોઇ હતી કે, ૫૦-ટકા ડિસકાઉન્ટ ન આપે તો આપણે બન્ને વારાફરતી એકબીજાની ચંપી કરી આપીએ....હિસાબ બરોબર! એ ખાસ કાંઇ સમજ્યો નહિ, એમાં વાત પડતી મૂકાઇ.
આખરે એક કાળોભઠ્ઠ તેલમાલિશવાળો મળી ગયો. હાઇટ-બૉડી વેસ્ટ ઈન્ડીઝથી લઇ આવ્યો હશે. મારા ઘરમાં બેડરૂમમાં એક ચટ્ટાઇ પર ઊંધો સુવડાવ્યો. મારા શરીર પર એણે કોઇ તેલ ચોપડ્યું, મોંઢા ઉપર પણ.....
‘સા’બ...આજ ઘર મેં કોઇ નહિ હૈ? આજ આપ અકેલે?’
ઘરના બધા સાંજે આવવાના હતા, એ પણ મેં એને કીધું....
કોઇ ૩-૪ કલાક પછી હું ભાનમાં આવ્યો ને બાઘા બનીને ચારે તરફ જોયું તો ઉપડે નહિ, એ ચીજોને બાદ કરતા તમામ ઘરવખરી એ ખાલી કરી ગયો હતો.
આટલી મોંઘી તેલમાલિશ તો લુધિયાણાના મહારાજાધિરાજે પણ કરાવી નહિ હોય!
.....હું રોજ રાત્રે હાથમાં સરસીયાના તેલની બાટલી લઇને, ‘‘માલિશ....તેલ માલિશ....ચંપીઇઇઇ...’ બોલતો બોલતો પાનકોર નાકાની દુકાનોના ઓટલે જવાનો છું!
સિક્સર
મુખ્યમંત્રી શ્રી.વિજય રૂપાણી કાઠીયાવાડી લહેજામાં ઈંગ્લિશ બોલે છે, એનો એક જ ઉપાય છે....‘ઈંગ્લિશ લહેજામાં આપણું કાઠીયાવાડી બોલવા માંડે’........
હા, પણ ‘હાંકે રાખો...’ ને ઈંગ્લિશમાં કેવી રીતે બોલશે?
-----