મર્ડર@રિવરફ્રન્ટ - 27 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મર્ડર@રિવરફ્રન્ટ - 27

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:27

રિવરફ્રન્ટ સિરિયલ કિલરને પકડવાની કોશિશમાં લાગેલી રાજલ એ તર્ક પર પહોંચે છે કે સિરિયલ કિલરનો નવો શિકાર મિસ અમદાવાદ કોમ્પીટેશનમાં વિજેતા બનેલી નિત્યા મહેતા છે..આ તરફ સિરિયલ કિલર નિત્યા નાં કિડનેપિંગ ને અંજામ આપવાનું સંપૂર્ણ પ્લાનિંગ કરી બેઠો હોય છે..ત્યાં રાજલ નિત્યા નો નંબર હાથમાં આવતાં જ એને કોલ લગાવે છે.

સાંજનાં છ વાગી ગયાં હોવાથી નિત્યા પોતાની ઓફિસ ને લોક કરી વિશાલ ફળદુ એટલે કે સિરિયલ કિલરનાં કહ્યાં મુજબ એને મળવા માટે નીકળી જાય છે..રાજલ જ્યારે નિત્યા ને કોલ કરે છે એજ ક્ષણે એ લિફ્ટમાં હોય છે એટલે એ જાણીજોઈને રાજલનો કોલ ઇગ્નોર કરે છે..કેમકે એને ખબર હોય છે કે ત્યાં સરખી વાત નહીં થઈ શકે.

રાજલ નિત્યા નાં કોલ રિસીવ ના કરવાના કારણે ગુસ્સામાં આવી બબડી..

"અરે આ પણ કોલ નથી ઉપાડતી.."આટલું કહી રાજલ બીજીવાર નિત્યા ને કોલ લગાવે છે પણ આ વખતે નિત્યાનો કોલ વ્યસ્ત આવે છે..કેમકે નિત્યા લિફ્ટમાંથી બહાર નીકળી પેસેજમાં આવતાં જ રાજલનાં એ અજાણ્યાં નંબર પર કોલ લગાવી રહી હોય છે.

એટલામાં એ સિરિયલ કિલર નિત્યા પોતાને મળવા નીકળી કે નહીં એ જાણવા હેતુથી નિત્યાને કોલ લગાવે છે..જેથી રાજલનાં ત્રીજી વખત નાં પ્રયાસમાં પણ નિત્યા મહેતાનો ફોન વ્યસ્ત આવે છે..સિરિયલ કિલર જોડે વાત થયાં બાદ નિત્યા ઉતાવળમાં પોતાનો ફોન પર્સમાં મૂકી પોતાની ગાડીમાં બેસી નીકળી પડે છે સરદાર પટેલ રિંગરોડ પર આવેલી હોટલ ગ્રીન ગાર્ડન તરફ.

"મેડમ,શું થયું..?"રાજલનાં પાંચમા પ્રયાસ પછી પણ નિત્યા દ્વારા કોલ રિસીવ ના થતાં રાજલનો વ્યગ્ર ચહેરો જોઈ સંદીપે સવાલ કર્યો.

"ઓફિસર,આ નંબર પહેલાં વ્યસ્ત આવતો હતો અને હવે કોઈ કોલ રિસીવ નથી કરતો..મને લાગે છે કંઈ ના બનવાનું બન્યું હશે.."રાજલનાં ચહેરા પર આટલું બોલતાં ઉચાટ હતો.

"તો મેડમ,આપણે સીધાં નિત્યા મહેતાની ઓફિસનાં એડ્રેસ પર પહોંચી જઈએ તો..કેમકે એની ઓફિસ અહીંથી પંદર મિનિટ દુરી પર જ છે.."સંદીપે કહ્યું.

"તો જલ્દી ચલો..હવે રાહ જોવાનો કોઈ મતલબ નથી.."રાજલ પોતાની પોલીસ હેટ માથે ચડાવતાં બોલી.

પાંચ મિનિટમાં તો રાજલ અને એની ટીમ પોલીસ જીપમાં બેસી નિત્યા મહેતાની પાંજરાપોળ સ્થિત યુનિવર્સલ એડ એજન્સી તરફ જવા નીકળી પડ્યાં હતાં.આખરે નિત્યા અત્યારે કઈ હાલતમાં હશે એ વિચારવાથી રાજલનું બ્લડપ્રેશર હાઈ હતું એ વાત નક્કી હતી.

**********

આ તરફ પોતાનાં પર્સમાં પડેલાં મોબાઈલની રિંગ સાંભળ્યાં બાદ પણ નિત્યા જાણીજોઈને એને અવગણી રહી હતી..કારણ એક જ હતું કે એનાં માટે અત્યારે સિરિયલ કિલર દ્વારા ઉભી કરાયેલી જાળનાં એ પચીસ લાખ ની ડીલની વાત વધુ મહત્વની અને અગત્યની હતી.રાજલનાં નિત્યા ને કોલ કરવાનાં પ્રયત્નો ચાલુ જ હતાં પણ નિત્યા ફોનની રિંગ સાંભળ્યાં બાદ પણ કોલ રિસીવ ના કરી પોતાની જ જાન સાથે રમી રહી હતી.

જ્યાં રાજલ નિત્યા ની ઓફિસ હતી એ કોમ્પ્લેક્સમાં પ્રવેશી ત્યાં નિત્યા ઈસ્કોન સર્કલ સુધી પહોંચી ગઈ હતી..રાજલ ફટાફટ સીડીઓ ચડી ત્રીજા માળે આવેલી નિત્યા ની ઓફિસ જોડે પહોંચી તો એ જોઈ એ હતાશ થઈ કે નિત્યા ની ઓફિસ તો લોક હતી.

"મેડમ એક તો નિત્યા કોલ નથી ઉપાડતી કોઈનો અને હવે એની ઓફિસ પણ બંધ..આખરે એ પોતાનાં ઘરે તો નહીં હોય ને..?"મનોજ બોલ્યો.

મનોજની વાત સાંભળી રાજલે પોતાનાં હાથનું દબાણ માથાં ઉપર આપી થોડું વિચારીને કહ્યું.

"ઓફિસર સંદીપ તુરંત આઈ.ટી ડિપાર્ટમેન્ટ ને જાણ કરી નિત્યાનાં મોબાઈલ ને ટ્રેક કરાવ..જલ્દી ફાસ્ટ.."

રાજલનો આદેશ મળતાં જ સંદીપે તાત્કાલિક આઈ.ટી હેડ સુકેતુનો નંબર ડાયલ કર્યો..બે રિંગ વાગતાં જ સુકેતુ એ સંદીપનો કોલ રિસીવ કરી લીધો એટલે સંદીપે પોતાનો પરિચય આપતાં કહ્યું.

"Hello, હું પોલીસ ઇન્સ્પેકટર સંદીપ વાત કરું છું..નવરંગપુરા પોલીસ સ્ટેશનમાંથી..એસીપી રાજલ દેસાઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે તમારે એક નંબર ની લોકેશન ટ્રેસ કરવાની છે.."

"હા તો જલ્દી નંબર મને મેસેજ કરી દો..હું જેવું કંઈ ટ્રેસ થાય એ સાથે જ મેડમ ને કોલ કરું.."સુકેતુ પણ એક્શનમાં આવતાં બોલ્યો.

"Ok હું મેસેજ કરું છું..પણ જેમ બને એમ જલ્દી કરજો.."આટલું કહી સંદીપે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો.

"શું કહ્યું સુકેતુ એ..?"સંદીપ નાં કોલ કટ કરતાં જ અધીરાઈથી રાજલે સવાલ કર્યો.

"એ બસ થોડીવરમાં નંબર ની લોકેશન ટ્રેસ થતાં જ તમને કોલ કરશે.."સંદીપ બોલ્યો.

આ દરમિયાન એ લોકો નીચે પાર્કિંગમાં જ્યાં જીપ પડી હતી ત્યાં પહોંચી ગયાં હતાં..રાજલની સાથે મોજુદ સંદીપ,મનોજ અને ગણપતભાઈ પણ આગળ શું થશે?નિત્યા બચી જશે કે નહીં.?એ વિચારી ચિંતિત હતાં.

એટલામાં રાજલનાં ફોનની રિંગ વાગી..સુકેતુ નો કોલ હશે એવી ગણતરી એ રાજલે મોબાઈલ ખિસ્સામાંથી બહાર કાઢ્યો..અને રાજલનું એ વિચારવું સાચું પડ્યું કેમકે સુકેતુ નો જ કોલ હતો..રાજલે ફોન રિસીવ કરતાં જ સીધો સવાલ કર્યો.

"હા તો ઓફિસર એ નંબર ટ્રેસ થયો કે નહીં..?"

"હા મેડમ,એ નંબર અત્યારે ટ્રેસ થઈ ગયો છે .હાલ એની લોકેશન ઇસ્કોન થી બોપલ તરફ જતાં રસ્તા પર છે..અને એ સતત આગળ વધી રહી છે..શાયદ જેની જોડે મોબાઈલ છે એ કોઈ વેહિકલમાં છે.."સુકેતુ પોતાની સામે રહેલાં મોનીટર તરફ નંબર ની લોકેશન દર્શાવતાં રેડ ડોટ ને જોતાં બોલ્યો.

"દિલીપ જલ્દી ગાડી ને ઈસ્કોન થી બોપલ રોડ તરફ ભગાવ.."જીપમાં બેસતાં જ જીપનાં ડ્રાઈવર દિલીપ ને હુકમ કરતાં રાજલ બોલી.

દિલીપ જીપ ને સ્ટાર્ટ કરે એ પહેલાં તો મનોજ,સંદીપ અને ગણપતભાઈ પણ જીપમાં ફટાફટ ગોઠવાઈ ગયાં..આ સાથે જ શરૂ થઈ ગઈ સિરિયલ કિલર પહેલાં એનાં ટાર્ગેટ સુધી પહોંચવાની રામાયણ..સુકેતુ નાં કહેવા મુજબ રાજલ દિલીપને જીપ કઈ તરફ લઈ જવી એનો આદેશ આપી રહી હતી..જેને અનુસરતો દિલીપ પણ પુરપાર વેગે જીપને હંકાવી રહ્યો હતો..ફરીવાર વિકટીમ કોણ છે એની ખબર પોતાને પડી ત્યારે સહેજ મોડું થઈ ગયું હોવાનો અહેસાસ રાજલને થઈ રહ્યો હતો.

સૌથી વધુ ગુસ્સો તો રાજલને એ વાતનો આવી રહ્યો હતો કે નિત્યા મહેતા આટલી બધી વાર કોલ કરવાં છતાં કોલ રિસીવ નહોતી કરી રહી.

"મેડમ એ નંબર બે મિનિટ માટે અટક્યો હતો બોપલ બ્રિજ નીચે..પણ હવે એ ફરીવાર આગળ વધી રહ્યો છે..સરખેજ તરફ.."સુકેતુ નંબર ની લોકેશન બદલાઈ રહી હતી એ મુજબ બોલી રહ્યો હતો.

દિલીપ પણ ત્યાં સુધી પોલીસ જીપ ને શિવરંજની સુધી પહોંચાડી ચુક્યો હતો..સુકેતુ ની વાત સાંભળી રાજલે દિલીપ ને ઈસ્કોન જવાં ને બદલે હવે સીધું જ સરખેજ તરફ જતાં રસ્તે જવા કહ્યું..અને રાજલની સલાહ માની દિલીપે જીપ ને લેફ્ટ સાઈડ ઘુમાવી.રાજલ નું મન અત્યારે જીપ નાં ટાયરથી પણ વધુ ઝડપે ભાગી રહ્યું હતું..કેમ કરી નિત્યા ને એ સિરિયલ નાં હાથમાં આવે એ પહેલાં બચાવવી એ અત્યારે સૌથી મોટો પ્રશ્ન બની ગયો હતો.

સુકેતુ નાં કહ્યાં મુજબ રાજલ દિલીપ ને એ તરફ જવા આદેશ તો આપી રહી હતી..છતાં એને સતત એક ભય હતો કે ક્યાંક નિત્યા પણ હરીશ ની જેમ પોતાની પહેલાં એ સિરિયલ કિલરનાં હાથમાં ના આવી જાય..ક્યાંક એ સિરિયલ કિલરે તો નિત્યા ને ત્યાં મળવા માટે નહોતી બોલાવી..?કેમકે નિત્યા નું ઘર તો એ તરફ હતું નહીં તો ઓફિસથી નીકળી નિત્યા એ તરફ જઈ રહી હતી તો એનું કોઈ વ્યાજબી કારણ તો હોવું જ જોઈએ.

"મેડમ..એ નંબર અત્યારે હોટલ ગ્રીન ગાર્ડન જોડે જઈને અટક્યો છે..બે મિનિટ થી એની લોકેશન સરદાર પટેલ રિંગ રોડ પર આવેલાં ગ્રીન ગાર્ડન રેસ્ટોરેન્ટ જોડે સ્થિર છે.."સુકેતુ નંબર નું લોકેશન સ્થિર થતાં બોલ્યો.

"ઓફિસર સંદીપ જલ્દી ગૂગલ મેપમાં સર્ચ કરો હોટલ ગ્રીન ગાર્ડન,સરદાર પટેલ રિંગરોડ.."ગરદન ઘુમાવી સંદીપ ને આદેશ આપતાં બોલી.

આ દરમિયાન દિલીપે આડા-અવળા રસ્તામાંથી પોલીસ ની જીપને નીકાળી સરદાર પટેલ રિંગ રોડ પર લાવીને ઉભી કરી દીધી હતી..અને હવે એ સંદીપ નાં હોટલ નું લોકેશન ક્યાં છે એ બોલવાની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો.

"સરખેજ-સાણંદ સર્કલથી જમણી તરફ..450 મીટર નાં અંતરે હોટલ ગ્રીનગાર્ડન આવેલી છે.."ગુગલ મેપ ખોલી હોટલની લોકેશન જોઈને સંદીપ ઊંચા અવાજે બોલ્યો.

સંદીપ ની વાત સાંભળી રાજલે દિલીપ તરફ જોયું અને ડોકું હલાવી દિલીપને એ તરફ જીપને લઈ જવાનો ઈશારો કર્યો..આ સાથે જ દિલીપે એક્સીલેટર પર પગ રાખ્યો અને જીપ ને સરખેજ હાઈવે ની ડાબી તરફ ભગાવી મુકી.

આ તરફ સુકેતુ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું હતું કે એ નંબર મુવ થાય છે જરૂર પણ એ ગ્રીનગાર્ડન રેસ્ટોરેન્ટ ની નજીક જ છે..અહીં જીપમાં બેસેલો સંદીપ નિત્યા નાં કોલ ના ઉપાડવા છતાં એને કોલ કરવાની કોશિશ કરી રહ્યો હતો..ક્યાંય એ કોલ ઉપાડી લે અને એને બચાવી લેવાનો એમનો પ્રયત્ન એળે ના જાય..સંદીપને હતું કે નિત્યા આ વખતે પણ કોલ રિસીવ નહીં જ કરે અને એ કોલ કટ કરવાં જતો હતો ત્યાં સામેથી નિત્યા નો અવાજ આવ્યો.

"Hello, કોણ બોલો છો તમે..?અને આ શું માંડ્યું છે..આટલી બધી વખત કોલ કરવાનું કોઈ કારણ..લાગે છે પોલીસ ફરિયાદ કરવી પડશે ."નિત્યા ગુસ્સામાં હોય એવું લાગી રહ્યું હતું.

નિત્યા નો અવાજ સાંભળી સંદીપે ખુશ થઈ મોબાઈલનાં સ્પીકર પર હાથ મૂકી મોબાઈલ રાજલની સમક્ષ ધરતાં ધીરેથી કહ્યું.

"મેડમ,નિત્યા મહેતા.."

સંદીપ ની વાત સાંભળી ચમકીને સંદીપ તરફ જોયું અને પોતાનો મોબાઈલ સાઈડ માં રાખી સંદીપ જોડેથી મોબાઈલ લઈ લીધો અને એને કાને ધરતાં કહ્યું.

"Hello મિસ નિત્યા,હું એસીપી રાજલ વાત કરું છું..અને તમારો જીવ જોખમમાં છે.."

"What.. મારો જીવ જોખમમાં..સાચું બોલો તમે કોણ છો?"રાજલની વાત સાંભળી ચિંતિત સ્વરે નિત્યા બોલી.

"મેડમ,હું એસીપી રાજલ જ વાત કરું છું..અને તમારો જીવ જોખમમાં છે..એ હું કેમ કહી રહી છું એ વિશે તમને પછી વિગતે કહીશ પણ તમે જલ્દીથી લોકો ની જ્યાં ભીડ હોય ત્યાં જઈ ઉભાં રહો."નિત્યા ને સલાહ આપતાં રાજલ બોલી.

રાજલની આ વાત નો નિત્યા કોઈ પ્રતિભાવ આપે એ પહેલાં રાજલને ફોન માં કંઈક વિચિત્ર અવાજ સંભળાયો..જેમાં કોઈ જાણે તકલીફમાં કરાહતું હોય એવો દબાતો અવાજ હતો.

"હેલ્લો.. હેલ્લો..નિત્યા..નિત્યા..."રાજલ એ વિચિત્ર અવાજ સાંભળી જોરજોરથી ચિલ્લાવા લાગી.

અચાનક નિત્યા નાં ફોનમાંથી કોઈકનું અટ્ટહાસ્ય સંભળાયું અને પછી નિત્યા નો ફોન સ્વીચ ઓફ થઈ ગયો..જેનો મતલબ રાજલ સમજી ગઈ હતી અને એ હતો નિત્યા નું કોઈએ કિડનેપિંગ કરી લીધું હતું અને એ કરનાર સિરિયલ કિલરનું જ એ અટ્ટહાસ્ય હતું.

"ઓફિસર,નિત્યા નું કિડનેપિંગ થઈ ચૂક્યું છે.."હતાશ સ્વરે પોતાનાં સહકર્મચારીઓને ઉદ્દેશીને રાજલ બોલી.

પોતાનો મોબાઈલ ફોન કાને ધરતાં ની સાથે જ રાજલને સુકેતુ ની વાત સંભળાઈ જે વિશે એ પહેલાં જ જાણી ચુકી હતી.

"મેડમ..એ નંબર સ્વીચ ઓફ થઈ ગયો છે.."

"મને ખબર છે ઓફિસર..હું પછી વાત કરું..તમારી મદદ માટે આભાર.."આટલું બોલી રાજલે ફોન કટ કરી દીધો.

*********

ગ્રીન ગાર્ડન રેસ્ટોરેન્ટ જોડે પોતાની કાર પાર્ક કરી નિત્યા કારમાંથી હેઠે ઉતરી..કાર ને લોક કરી એ રોડ ક્રોસ કરી સામેની બાજુ આવીને ઉભી રહી ત્યારે 7 વાગવામાં બે મિનિટ વાર હતી..નિત્યા એ પોતાની ઉપર આવેલાં વિશાલ એટલે કે સિરિયલ કિલરનાં નંબર પર કોલ કરી પોતે ત્યાં પહોંચી ગઈ છે એની માહિતી આપી દીધી..નિત્યા એ જોયું કે એને બે નંબર પરથી કુલ મળી 21થી વધુ કોલ આવ્યાં હતાં..પણ અત્યારે પોતાની ડીલ ફાઈનલ કરવાની ઉતાવળમાં નિત્યા એ એ વાત ને અવગણી દીધી.

નિત્યા નાં ત્યાં પહોંચ્યાંની ત્રણ મિનિટમાં તો એક સિલ્વર કલરની કાર એની જોડે આવીને ઉભી રહી..જેનો કાચ નીચે ઉતારી સિરિયલ કિલરે ડોકું બહાર નીકાળી નિત્યા ને ઉદ્દેશીને કહ્યું.

"નિત્યા મહેતા...?"

"હા અને તમે mr. વિશાલ...?"નિત્યા એ સ્મિત સાથે કહ્યું.

"હા..આવો બેસો કાર માં.."કારની બીજી તરફનો દરવાજો ખોલી એ સિરિયલ કિલર બોલ્યો.

એની વાત સાંભળી વગર વિચારે નિત્યા એની બાજુમાં આવીને બેસી..એ જેવી કારમાં બેસી એ સાથે જ સંદીપનો કોલ આવ્યો..સંદીપ જોડે અને પછી રાજલ જોડે થયેલી વાત ને સાંભળી રહેલો સિરિયલ કિલર સમજી ચુક્યો હતો કે રાજલ ને નિત્યા એનો હવે પછીનો ટાર્ગેટ છે એની ખબર પડી ગઈ છે..માટે એજ ક્ષણે એને સમયસુચકતા વાપરી ક્લોરોફોર્મ વાળો રૂમાલ નિત્યા નાં મોં પર બળપૂર્વક રાખી દીધો..અને બીજી જ ક્ષણે નિત્યા બેહોશ થઈને એની બાજુની સીટ પર ઢળી પડી.

પોતાની ડીલ ફાઈનલ કરવાની ઉતાવળ અને સતત આવી રહેલાં કોલ ની અવગણના અત્યારે નિત્યા માટે જાન નું જોખમ નોતરી લાવી હતી.એ અત્યારે સિરિયલ કિલર ની કારમાં બેહોશ હતી અને હવે રાજલ કે પોલીસ ની ટીમ ગમે તેવી કોશિશ કરી લે છતાં એને શાયદ બચાવી નહોતાં જ શકવાનાં એ નક્કી હતું.

ચહેરા એક શૈતાની ચમક સાથે એ સિરિયલ કિલરે ફટાફટ પોતાની કારને ભગાવી મુકી પોતાનાં બંગલા તરફ..જ્યાં એ નિત્યા ને એની ઈર્ષા નાં પાપની સજા આપવાનો હતો..!!

★★★★

વઘુ આવતાં ભાગમાં.

સિરિયલ કિલર નિત્યા ને કેમ મારવાં માંગતો હતો.?રાજલ નિત્યા મહેતાને બચાવી શકશે..?કોણ હતો એ સિરિયલ કિલર..?ગિફ્ટ બોક્સમાં આવતી અલગ-અલગ રંગની રિબિનનું રહસ્ય શું હતું .?આ સવાલોનાં જવાબ મેળવવાં જાણતાં રહો આ દિલધડક નોવેલ મર્ડર@રિવરફ્રન્ટનો નવો ભાગ.આ નોવેલ મંગળવારે અને શુક્રવારે પ્રસારિત થાય છે.

જેમ-જેમ નોવેલ આગળ વધશે એમ નવાં રહસ્યો આપ સમક્ષ આવતાં જ રહેશે..તમે તમારું મગજ કસવાનું શરૂ કરી દો..અને તમારાં મંતવ્યો whatsup નંબર 8733097096 અને એપ પર મેસેજ કરીને જણાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture,રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

~જતીન.આર.પટેલ (શિવાય)