64 સમરહિલ - 32 Dhaivat Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

64 સમરહિલ - 32

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - 32

પોતે કણસી રહ્યો છે તેનો હવે તેને આછેરો અંદાજ આવતો હતો પણ તેનાંથી આંખ ઊઘડતી ન હતી. પાંપણો પર જાણે વજનિયાં લટકાવ્યા હોય તેવો ભાર વર્તાતો હતો. તેણે અસંબદ્ધ રીતે હાથ ઊંચકીને આંખ સુધી લઈ જવાની કોશિષ કરી પણ હાથ ક્યાંક અટવાયેલો હતો. ક્યાં અટવાયો હતો? વિલિઝના સ્ટિઅરિંગમાં ફસાઈ ગયો હતો? ઊંટના નાકના ફોંયણામાં પરોવેલી રાશ લબડતી હતી અને તેમાં…

તેની બંધ પાંપણોની ભીતર રેતીનો તોફાની વંટોળિયો ઘૂમરાટે ચડયો હતો. માથા પરથી ગોળીઓના સનકારા ફૂંકાતા હતા. રાઉસ થતા એન્જિનની ઘરઘરાટી, રેતીના સરકણા ઢાળ પર મરડાતા ટાયરની ચિચિયારી, 'થડ્..થડ્' અવાજ સાથે વિલિઝના હુડમાં ભોંકાતી બુલેટ, દેમાર ધસી આવતા ઊંટના બિહામણા ગાંગરાટા... એ ભાગવા મથતો હતો અને…

તેનાંથી ઊભા ય થવાતું ન હતું. આંખો ખૂલતી ન હતી. હાથ ઊંચકાતો ન હતો અને બંધ પાંપણોની ભીતર જાતભાતના અવાજોનો કોલાહલ અને દૃશ્યોની ભૂતાવળ નાચતી હતી.

કોઈક તેના કાન પાસે બોલતું હતું, 'મેવાતીલાલ... મેવાતીલાલ... મેરી આવાજ સુનાઈ દેતી હૈ?'
- પણ ભીતર ચાલતી ગોળીઓની સનસનાટી, ઊંટોના ગાંગરાટા, આંખો ભરી દેતી રેતીની ડમરી અને કારમી ચીસો વચ્ચે તેને સંભળાતું ન હતું. સંભળાતું હતું તો સમજાતું ન હતું. સમજાતું હતું તો પ્રતિક્રિયા આપવાનું સૂઝતું ન હતું.

વળી કોઈકે તેને ઢંઢોળ્યો. 'છપ્પનસિંઘ... આંખો ખોલ...' કોઈક તેના કાનમાં કહી રહ્યું હતું. તીણો, પાતળો, ઝાલરના રણકાર જેવો અવાજ... બંધ પોપચાં તળે તેની આંખો ઘડીભર સળવળી ગઈ હતી.
'એ હોશમાં આવી રહ્યો છે... બટ ઈટ વિલ ટેક સમ ટાઈમ' કોઈક તેના પર ઝળુંબીને કહી રહ્યું હતું. કોઈક તેના બાવડા પર ચૂંટી ખણતું હતું. તેને એ અનુભવાતું હતું પણ દિમાગમાં સમાંતરે દોડતા દૃશ્યોની હારમાળામાં બધી ભેળસેળ થઈ જતી હતી.

વધુ કેટલોક સમય એ તંદ્રામાં ભીંસાતો રહ્યો. બંધ આંખોના અંધારા તળે રેગિસ્તાનનો ધખતો સુરજ આથમતો જતો હતો. વિલિઝ પર ગોળીઓ છૂટતી જતી હતી. તેની લગોલગ હંકારતા ઊંટસવારો હાંકોટા નાંખતા તેને રોકવા મથતા હતા અને એ…

- અચાનક ઝાટકા સાથે તેની બોઝીલ આંખો ખૂલી ગઈ.

આંખોમાંથી પાણી ઝમતું હતું પરંતુ લૂંછવા માટે એ હાથ ઊંચકી શકતો ન હતો. છાતી માથે પ્લાસ્ટર ઓફ પેરિસની કલાત્મક કોતરણી વચ્ચે નકશીદાર ફેન્સી પંખો ફરતો હતો. તેના મનમાં હજુ ય રેગિસ્તાનની લ્હાયનો દઝારો વર્તાતો હતો પણ શરીરને ખાસ્સી ઠંડક અનુભવાતી હતી. ઘડીક ખુલ્લી આંખે સ્તબ્ધતાપૂર્વક એ શરીર અને મનનો તાલમેલ સાધતો રહ્યો.

આંખોની કીકી ધીમે ધીમે સ્થિર થઈ એટલે ગરદન ઘૂમાવ્યા વગર તેણે ફક્ત આંખો ફેરવીને ઓરડાનું નીરિક્ષણ કરવા માંડયું. પીઓપીની બિછાત તળેથી આંખને વાગે નહિ એ રીતે પનપતી મધ્યમ રોશની, બારીઓ પર ઢંકાયેલા જાંબલી રંગના જાડા પડદાં, સામે વોર્ડરોબને અઢેલીને પડેલો મોટો સોફો, સોફા પાસે પડેલી ટિપોય પર સિગારેટનું કેસ અને એશ-ટ્રે, ધીમા અવાજે ઓરડામાં શીતળતા લહેરાવતું એરકન્ડિશનર…

પોતે ઝડપાઈ ગયો હતો? વિચારમાત્રથી તેનું હૈયું થડકી ઊઠયું. તેણે ફરીથી આસપાસ નજર દોડાવી. ના, આ હોસ્પિટલનો કમરો ન હોઈ શકે. ફર્નિચરની સ્ટાઈલ, દિવાલોનો પેઈન્ટ અને પડદાનો કલર જોતાં આ કોઈક હોટેલનો રૃમ જ હોઈ શકે. ટેબલ પર સિગારેટનું કેસ પડયું હતું. એશ-ટ્રેમાં બુઝાવેલી સિગારેટમાંથી હજુ ય આછકલો ધૂમાડો વર્તાતો હતો.

મતલબ કે, ઓરડામાં ય બીજું ય કોઈક હતું. હમણાં સુધી હતું. કોણ તેને અહીં લાવ્યું હશે? તેનો હાથ કેમ ઊંચકાતો ન હતો? પગ કેમ ભારેખમ લાગતા હતા? તેને કોઈએ બાંધ્યો હતો? તેણે જરાક ગરદન ઘૂમાવી અને તે છળી ઊઠયો.

તેના જમણાં હાથના પ્હોંચામાં બટરફ્લાય મારફતે નળી ખોસેલી હતી અને સ્ટેન્ડ પર ગોઠવેલા બાટલામાંથી પીળા રંગનું પ્રવાહી એ નળી વાટે તેની નસોમાં પસાર થતું હતું. જમણાં પગને ખેંચીને સ્હેજ ઊંચો બાંધ્યો હતો અને તેના પર ભૂરા રંગનું પ્લાસ્ટર વિંટળાયેલું લાગતું હતું. ડાબો હાથ મજબૂત પાટા વડે કમર સાથે બાંધેલો હતો. હવે તેને ખ્યાલ આવતો હતો કે તેના બાવડામાંથી, જમણાં પગની પીંડીમાંથી તીવ્ર લવકારા ઉપડી રહ્યા હતા. ભયના ફફડાટ તળે તેણે ફરીથી આંખો મીંચી દીધી.
હવે તે ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યો હતો, પણ એ સ્વસ્થતા હવે તેને બહુ જ અકારી લાગતી હતી કારણ કે, અહીં આવતા પહેલાંની એક-એક પળ તેના દિમાગમાં રિવાઈન્ડ થવા માંડી હતી.

***

ત્વરિતે તેને કવર ફાયર આપ્યું એટલે છપ્પને વિલિઝ તરફ દોટ મૂકી હતી. એ તરફ લપકવા જતા બીએસએફના આદમીઓ પાકિસ્તાનીઓ ફેંકેલા ગ્રેનેડથી બચવા જમીન સરસા લપાઈ ગયા હતા. એ વિલિઝની સીટમાં ગોઠવાયો ત્યારે અપાર તંગદીલી વચ્ચે ય ઢુવાઓ પરથી બેફામ દોડી રહેલા ઊંટના ગાંગરાટાથી તેનું ધ્યાન એ તરફ ખેંચાયું હતું. તેણે એ દિશામાં અછડતી નજર નાંખી અને ઈગ્નિશનમાં ચાવી ખોસી એ જ વખતે વિલિઝની પાછળની દિશાએથી બંદૂકના ધડાકા થવા માંડયા હતા.

પરિહારે બોલાવેલી ઊંટસવારોની બીજી કુમક એ દિશાએથી આવી પહોંચી હતી. કુમકનો નાયક એ જ આદમી હતો, જેને જોઈને ત્વરિત તેને દુબળી ધારીને વહેમાયો હતો અને પછી તેણે કેશાવલી મંદિરનો રસ્તો પૂછ્યો હતો. પરિહારે તેને ચેકપોસ્ટથી મંદિર તરફના રસ્તે ફંટાતા કેડા પર ચોકી માટે ગોઠવ્યો હતો. વોકીટોકીથી સજ્જ એવા દસેક ઊંટસવાર છેક લાઈન ઓફ કન્ટ્રોલ સુધી પથરાયેલા હતા અને પરિહારનો આદેશ મળ્યો કે તરત અહીં કેશાવલીના ખુબરામાં ધસી આવ્યા હતા.

વિલિઝ જીપમાં આવેલા આદમીને તેણે જ રસ્તો બતાવ્યો હતો એટલે એ આદમી વગર કહ્યે સ્થિતિ પારખી ગયો. બિકાનેર કેમલ કોર્પ્સના ચુનંદા ઊંટસવારોએ તરત ડાબે-જમણે અને વચ્ચે એવું ફોર્મેશન રચી નાંખ્યું અને વિલિઝ પર હલ્લો આદર્યો.

ડાબે-જમણેના અસવારો ત્યાં જ થંભીને એકધારૃં ફાયરિંગ કરતા રહે અને વચ્ચેની ટુકડી જીપ તરફ, છત્રી તરફ ધસી જાય એવો તેમનો વ્યુહ એટલો આબાદ હતો કે પાકિસ્તાનીઓ સહિત ત્વરિત-છપ્પન દરેક દિશાએથી ઘેરાઈ જાય અને અડધી જ કલાકમાં ખુબરાનો જંગ સમાપ્ત થઈ જાય.
પણ એ દિવસે કોઈનું નસીબ કોઈને સાથ આપવાના મિજાજમાં ન હતું.

ઊંટસવારો વિલિઝ સ્ટાર્ટ કરી રહેલા છપ્પનને નિશાન બનાવે એ જ વખતે ઢુવાઓ પર થયેલા બોમ્બ વિસ્ફોટમાં ઘવાયેલા ત્રણેક ઊંટ માતેલા બનીને છત્રી તરફ દોડયા હતા. એક ઊંટને પેટમાં મોટું ભગદાળું પડી ગયું હતું. બીજાનો પગ લંગડાતો હતો. ત્રીજા ઊંટનું મોં બોમ્બની જીવલેણ કરચોથી અડધું છુંદાઈ ગયું હતું.

ત્વરિત પાસે પૂરતું એમ્યુનિશન હતું. છપ્પન પાસે ફક્ત એક જ ગન અને કદાચ એક-બે સ્પેર મેગેઝિન્સ હોવા જોઈએ એમ ધારીને ત્વરિતે એવો વ્યુહ વિચાર્યો કે, છપ્પન વિલિઝ સ્ટાર્ટ કરે એટલી વારમાં પોતે પીઠ પાછળથી ફાયરિંગ કરી રહેલા અને ગ્રેનેડ ફેંકી રહેલા લોકો (પાકિસ્તાનીઓ) પર સતત ફાયરિંગ કરીને તેમને પાછા હડસેલી દે.

છપ્પન વિલિઝ તરફ દોડયો એટલે ત્વરિત સ્હેજ પાછળની તરફ ખસ્યો. તેણે બેય હાથે પિસ્તોલ ચલાવીને પાકિસ્તાનીઓને આડશ લેવાની ફરજ પાડી. ત્વરિત જીપ તરફ દોડે એ વખતે જીપમાંથી છપ્પન ફાયરિંગ કરે એવી તેમની ગણતરી વચ્ચે છપ્પને જીપ સ્ટાર્ટ કરીને ગન હાથમાં લીધી એ વખતે…

* પોતાના આદમીઓની થઈ રહેલી ખુવારીથી ગિન્નાયેલા ઘાયલ પરિહારે પોતાના દર્દની પરવા કર્યા વગર છત્રીની જમણી દિશાએથી હલ્લો કર્યો. તેમના એકધારા ફાયરિંગથી પાકિસ્તાનીઓએ છત્રીના ઓટલાની બીજી આડશ તરફ ખસવું પડયું.

* ઉસ્માનઅલીએ ખુબરાના પ્રવેશના રસ્તે આવતી ઊંટસવારોની કુમક જોઈ. એક આદમીને જીપમાં ગોઠવાતો જોયો. તેમના તરફ ફાયરિંગ કરીને બીજા આદમીને ય એ દિશાએ ભાગવાની ફિરાકમાં ભાળ્યો અને પરિહારનો કાફલાએ એકધારી બંદૂક ચલાવી નાંખી. એટલે મરણિયા બનેલા ઉસ્માને દરેક દિશાએ ગ્રેનેડ ઉછાળવાનો ઈશારો કરી દીધો. હવે આ જંગમાં ગ્રેનેડ બ્લાસ્ટથી સર્જાઈ શકતી અંધાધૂંધી એ તેમના માટે બચવાનો એકમાત્ર રસ્તો હતો.

ઉસ્માનના આદમીઓએ ગ્રેનેડ ફેંક્યા એ જ ઘડીએ ઢુવાઓ પરથી દોડતા બેફામપણે ગાંગરી રહેલા ઊંટોએ ત્વરિતને અડફેટે લીધો. સામે ધસી આવતા અસવાર વિહોણા, લોહીથી લથપથ અને વિકૃત અવાજે ગાંગરાટા નાંખતાં ઊંટને જોઈને ત્વરિત ઘડીક ઓજપાયો. કાશ્મીરની સર્દ, સોહામણી હવામાં ઉછરેલા તેણે જિંદગીમાં કદી રણના વહાણ તરીકે ઓળખાતા આ પ્રાણી સાથે પનારો પાડયો ન હતો.
પહેલાં તો એ ઊંટના ધસારાથી થોડો ખસ્યો પરંતુ બોમ્બના ધડાકાને લીધે ઊંટ વધુ ભૂરાયા થયા અને છેવટે ત્રણેય ઊંટની વચ્ચે ત્વરિત ફસાયો. પગની ઈજાને લીધે લંગડાતું એક ઊંટ કારમી ચીસ નાંખીને અચાનક ગડથોલિયું ખાઈને નીચે ફસકાયું. તેની પછડાટથી ડઘાયેલો ત્વરિત પાછા પગે ભાગવા ગયો અને એ રીતે પાછળથી ધસમસતા બીજા ઊંટની અડફેટે ચડયો.

ઊંટની પ્રકૃતિથી તદ્દન અજાણ ત્વરિતને લાગ્યું કે એ તેના પર હુમલો કરશે એટલે નીચે સુધી લબડતી રાશ ખેંચીને તેણે ઊંટને હડકારવાની કોશિષ કરી એ સાથે ઊંટે ભયાનક ગાંગરોટો નાંખીને સીધું ત્વરિત પર જ પડતું મૂક્યું. બોમ્બની કરચોએ એ ઊંટનું મોં છૂંદી નાંખ્યું હતું. એમાં ત્વરિતે રાશ ખેંચી એટલે ઊંટના છુંદાયેલા ફોયણાંમાં ભયાનક પીડા ઉપડી.

ત્વરિત પર ઝીંકાયેલા ઊંટે પારાવાર પીડા તળે લાંબી ગરદન આઠ-દસ વખત આમ-તેમ ઝકઝોરી એમાં રાશ વચ્ચે ત્વરિતનો હાથ બહુ બૂરી રીતે વિંટળાઈ ગયો. વજનદાર ઊંટના ભાર તળેથી ચસકવાના પ્રયાસમાં તેનો એક પગ ઊંટની પીઠ પર બાંધેલા કાઠાના છેડે મજબૂત લોખંડના મજેઠમાં ફસાયો.

અચાનક ઊંટ બેઠું થયું. ત્વરિતના વજનને લીધે ખેંચાતી રાશ અને રાશના ખેંચાવાથી છુંદાયેલા મોંમાં થતા અપાર દર્દથી ભૂરાયું બન્યું અને આડેધડ ચકરાવા માર્યા પછી ત્વરિતને પાડી દેવાની કોશિષમાં તેણે ઢુવાઓની દિશામાં આંધળી દોટ મૂકી દીધી.

ભયાનક અવાજે ચીસો નાંખતું, ઢુવાઓ તરફ દેમાર ઝડપે ભાગી રહેલું ઊંટ અને ઊંટની પીઠ પર એક હાથ, એક પગ વડે ફસાઈને વિવશપણે લટકતો, છૂટવાના હવાતિયા મારતો ત્વરિત.…

એ જોઈને જાણે કોઈએ કાળજે ધગધગતો સળિયો પરોવી દીધો હોય તેવી કારમી ચીસ છપ્પનથી નંખાઈ ગઈ.

પોતે શું કરવું તેની અવઢવમાં એ ઘડીક પૂતળાની માફક સ્થિર થઈ ગયો હતો, પણ તેની એ સ્તબ્ધતા લાંબી ચાલે તેમ ન હતી.

(ક્રમશઃ)