ટહુકો - 33 Gunvant Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટહુકો - 33

ટહુકો

સમજુ વાચક એ જ ખરો વિવેચક

( 2/2/2015)

ઈંગ્લેન્ડના જાણીતા ગણિતશાસ્ત્રી ચાર્લ્સ બેબેજ સાહિત્યના રસિયા હતા. એમને કવિ ટેનિસનનું કાવ્ય ધ વિઝન ઓફ સીન વાંચ્યું. કાવ્ય વાંચીને એમણે કવિ ટેનીસનને પત્ર લખ્યો:

બીજી બધી રીતે સારી એવી તમારી કવિતામાં બે પંક્તિ આ પ્રમાણે છે:

પ્રત્યેક ક્ષણે માણસ મરે છે,

પ્રત્યેક ક્ષણે માણસ જન્મે છે.

ગણિતશાસ્ત્રીએ પછી લખ્યું: એટલું તો સ્પષ્ટ છે કે આ વાત સાચી હોય તો પૃથ્વીની વસતી એકસરખી જ હોત. વાસ્તવમાં આવું નથી. પૃથ્વી પર મરણપ્રમાણ કરતા જન્મપ્રમાણ થોડુંક વધારે છે. નવી આવૃત્તિમાં એ બે પંક્તિ નીચે મુજબ હોઈ શકે:

પ્રત્યેક ક્ષણે માણસ મરે છે અને

પ્રત્યેક ક્ષણે ૧. ૦૬ માણસ જન્મે છે.

સાચું પૂછો તો આ વાત પણ બરાબર નથી. સાચો આંકડો દશાંશ અપૂર્ણાંકમાં એટલો તો લાંબો છે કે એને હું પંક્તિમાં સમાવી શકું એમ નથી, પણ મને લાગે છે કે ૧. ૦૬ કવિતામાં ચાલી જશે...

કવિ ટેનિસનને ખ્યાલ પણ નહિ હોય કે પોતાની કવિતાને એક વિખ્યાત ગણિતશાસ્ત્રી આ હદે તાણી જશે. જે સાહિત્યકાર પોતાના સમજુ વાચકની અક્કલને ઓછી આંકે છે એ કાળક્રમે ભૂંસાઈ જાય છે. કવિને અને એકમાત્ર કવિને જ અમર થવાનો અધિકાર છે. અનુભવે મને એક વાત સમજાણી છે, સમજુ વાચક જેવો બીજો વિવેચક કોઈ નથી. ઇતિશ્રી વાચકદેવેભ્ય નમ:

મનુભાઈ પંચોળી(દર્શક)ની શતાબ્દીનું વર્ષ ચાલી રહ્યું છે. એમને હાથે જીવનના પાઠ ભણેલો એક સુજ્ઞ વાચક વડોદરામાં રહે છે. એ છે:પ્રતાપ પંડ્યા. કોઈ પ્રાથમિક શિક્ષક ક્યાં પહોંચી શકે એનો અંદાજ આદરણીય મોરારિબાપુએ સમાજને આપી દીધો. પ્રતાપભાઇએ અમરેલી પંથકમાં પ્રાથમિક શાળામાં કામ કર્યું. એમની દીકરી મનીષા અમેરિકામાં એપલ કમ્પ્યુટરની કંપનીમાં ખૂબ ઊંચો હોદ્દો સંભાળે છે. દીકરી તો વહાલનું સરોવર!પ્રતાપભાઈએ પરિવારની સમૃદ્ધિ પુસ્તક પરબ જેવી મનગમતી પ્રવૃત્તિમાં વહેતી કરી છે. એ એનઆરઆઈ ખરા, પણ જુદી માટીના!દીકરીને ત્યાં અમેરિકા જાય ત્યારે ગુજરાતી સમાજને પુસ્તકો પહોંચાડવાનું મિશન ચાલુ રાખે. પોતે સુજ્ઞ વાચક એટલે ગમે એવા ચાલુ પુસ્તકો ન ખપે. તેજસ્વી અને ઓજસ્વી શિક્ષક કેવો હોય?એ પ્રતાપ પંડ્યા જેવો હોય. મળવા જેવા માણસ!

દર્શકને હાથે ઘડાયેલા બીજા પુસ્તકપ્રેમી સજ્જનનું નામ

છે:પ્રવીણભાઈઠક્કર. લોકભારતી(સણોસરા)માં મારે એક વાર પ્રવચન કરવા માટે જવાનું થયું ત્યારે પ્રવીણભાઈનો પરિચય થયેલો. એ નિવૃત્ત થયા, પરંતુ પુસ્તકપ્રેમી ક્યારેય આળસ ન મરડે!પ્રવીણભાઈ વાંચે છે અને પુસ્તકો સાચા વાંચકોને પહોંચે એ માટે મિશનરી બનીને સમયને શણગારે છે. સાચો શિક્ષક કદી નિવૃત્ત નથી થતો.

વડોદરામાં આચાર્ય વાડીભાઈ પટેલ ૮૦ વર્ષના થયા છે. આર્થિક રીતે સુખી છે. આચાર્ય તરીકે સક્રિય હતા ત્યારે પણ ટટ્ટારતા જાળવી રાખેલ. નિવૃત્તિ રળિયામણી બની રહી છે, કારણકે ઘેરબેઠાં ટેલિફોન પર પુસ્તક પરબ ચલાવે છે. એ સુજ્ઞ વાચક છે આથી એમની સેન્સરશિપ વટાવી શકે એવા જ પુસ્તકો યોગ્ય પરિવારોમાં પહોંચાડે છે. જરૂર પડે તો જાતના પૈસા જોડે છે. ૮૦ વર્ષે નખમાંય રોગ નથી એથી હજી વીસ વર્ષ સુધી વાંધો નહીં આવે. ઉત્સાહનો ફુવારો એટલે વડીભાઈ પટેલ!

તમે જો જયંતી નાઈને મળો તો ખાસ કોઈ છાપ ન પડે. ઊંચા પ્રકારનું સાહિત્ય વાંચવા માટે કોઈ એવોર્ડ હોય તો જયંતિભાઇને એ અવશ્ય મળે. ગમતું પુસ્તક અચૂક ખરીદે અને ક્યારેક લોકોને ઘરે જઈને આપી આવે. કવિ ઉમાશંકર જોશીનું સંસ્કૃતિ બંધ પડ્યું ત્યારે ગ્રાહકોને લવજમની બાકીની રકમ પાછી મોકલેલી. એ રકમ સાથે પત્ર પણ લખેલો. જયંતીભાઈ સંસ્કૃતિ મગાવતા એથી એમને પણ કવિનો પત્ર ગયેલો. કવિ સુરેશ દલાલે ઉત્તમ કવિતાઓનો સંગ્રહ પ્રકાશિત કર્યો હતો. એ કાવ્યસંગ્રહમાં એક કવિતા જયંતિ નાઈની પણ હતી. ક્યારેક મને પણ જયંતીભાઈ જૂનું કે અલભ્ય પુસ્તક હોય તે પહોંચાડે છે. જો જયંતી નાઈ બ્રિટનમાં રહેતા હોત તો!તો જરૂર એ કવિ ટેનિસનના ઘરે પહોંચી ગયા હોત. સુજ્ઞ વાચક એ જ ખરો વિવેચક!

એક્સ - રે

દરેક યુવક પુસ્તક વાંચે અને

એનો મંત્ર કે નિચોડ શોધી એને

ચારિત્રમાં ધારણ કરે.

એનું નામ ખરું વાંચન અને એ ઉદ્દેશ

સફળ કરી શકે એવી સંસ્થા હોય

તે જ ખરું પુસ્તકાલય.

- સર પ્રભાશંકર પટ્ટણી

નોંધ: ઋષિતુલ્ય કેળવણીકાર સદગત નાનાભાઈ ભટ્ટના સુપુત્ર ભરતભાઈ નાનાભાઈ ભટ્ટનું સુંદર પુસ્તક કેળવણી - સાધનાનો ' સા ' પ્રગટ થવાનું છે

***