Chintanni Pale - Season - 3 - 32 books and stories free download online pdf in Gujarati

ચિંતનની પળે - સીઝન - 3 - 32

ચિંતનની પળે

કૃષ્ણકાંત ઉનડકટ

  • 32 - સારી જિંદગી માટે સુંદર કલ્પનાઓ કરો!
  • જીવન હશે તો કોઈ દી’ જીવન બની જશે, દિલમાં યકીન રાખ, યકીનન બની જશે.

    આવ્યો છે ખાલી હાથ, જવાનો છે ખાલી હાથ, ધનવાન ક્યાં હતો કે તું નિર્ધન બની જશે?

    શયદા

    જિંદગી સારી છે કે ખરાબ? ઉપાધી છે કે આનંદ? અજંપો છે કે ઉત્સાહ? રોકિંગ છે કે શોકિંગ? તમે તમારી જિંદગી વિશે શું માનો છો? કેવી જિંદગી હોય તો ગમે? દરેક વ્યક્તિના દિલમાં પોતાની જિંદગી વિશેની કલ્પનાઓ હોય છે. મનમાં જિંદગીની એક ફ્રેમ તો તૈયાર જ હોય છે, આપણે બસ એ ફ્રેમ માટે જિંદગીનું ચિત્ર બનાવવાનું હોય છે. ઘણી વખત આ ચિત્ર આપણી ધારણા મુજબનું નથી થતું ત્યારે આપણે દુઃખી થઈએ છીએ. ચિત્રના રંગો આપણી મરજી મુજબના હોય તો આપણને બધુ સારું લાગવા માંડે છે. દરેક વખતે ચિત્ર આપણી મરજી મુજબનું થાય એ જરૂરી નથી. ઘણી વખત રંગ હોય છે ત્યારે પીંછી નથી હોતી અને ઘણી વખત પીંછી હોય છે ત્યારે રંગો પાતળા પડી જતાં હોય છે. આપણે બસ ફરિયાદો કરતાં રહીએ છીએ કે આપણી મરજી મુજબનું ચિત્ર થતું નથી.

    જિંદગીનું ચિત્ર આપણી ધારણા મુજબનું નથી થતું તેનું એક કારણ એ હોય છે કે આપણને ઉછીના લીધેલા રંગો જ સારા લાગતા હોય છે. બીજાના રંગો જ શ્રેષ્ઠ લાગતા હોય છે. આપણે આપણા રંગોનો ઉપયોગ જ નથી કરતા. તમારા રંગોથી જ તમારું ચિત્ર સુંદર થવાનું. સુખ અને આનંદ ઉછીનો ન મળે, એનું સર્જન તો માણસે પોતે જ કરવું પડે છે.

    સતત એવા વિચાર કરો કે જિંદગી ખૂબસૂરત છે, સુખ મારી નજીક જ છે, મારે ખુશ રહેવું છે. આપણે એવા વિચારો તો કરીએ છીએ પણ પછી એ અવસ્થામાં લાંબો સમય રહી શકતા નથી. બીજાં બધાં પરિબળો આપણને તરત જ અસર કરવા લાગે છે. કોઈક એક ન ગમતો શબ્દ બોલે છે અને આપણું મગજ છટકી જાય છે, કોઈ જરાક અમથું ખોટું વર્તન કરે એટલે આપણને એ વ્યક્તિ નક્કામી લાગવા માંડે છે. આપણે એવું વિચારવા માંડીએ છીએ કે આપણું ધાર્યું કંઈ થતું જ નથી. આપણે ક્યારેય એવું વિચારતાં જ નથી કે આપણે ખોટું જ ધાર્યું હતું. તમે ખોટું ધારી લો છો અને પછી એવું જ ઇચ્છો છો કે એ મુજબ થાય. જે થાય છે એ જ સાચું છે અને એ જ જિંદગી છે એવું આપણે ક્યારેય ધારતાં નથી. બીજા લોકો પણ આપણે ધારીએ, આપણે ઇચ્છીએ અને આપણને ગમે એવું કરે તેવું આપણે માનવા લાગીએ છીએ. એવું થતું નથી અને ક્યારેય થવાનું પણ નથી કારણ કે બીજા લોકો બીજું અને એની ઇચ્છા મુજબનું ધારતાં હોય છે. બે વ્યક્તિની ધારણા એકસરખી જ હોય એવું જરૂરી નથી. થોડીક ધારણાઓ સરખી હોય શકે પણ બધી જ ધારણાઓ ક્યારેય સરખી નહીં હોવાની. આ મુદ્દે આપણે દુઃખી થઈએ તો તેમાં વાંક આપણો હોય છે પણ પોતાનો વાંક કાઢવો આપણને ગમતો જ નથી. આપણા વિચાર, આપણી કલ્પના, આપણી ઇચ્છા અને આપણી ધારણા ખોટી હોઈ શકે એ માનવા આપણે તૈયાર જ હોતા નથી. માણસ ઘણી વખત પોતે સારો થઈ શકતો નથી અને એટલે કહેતો ફરે છે કે જમાનો ખરાબ છે!

    આપણી જિંદગીનો સૌથી મોટો આધાર એના પર હોય છે કે આપણે જિંદગી વિશે કેવી કલ્પનાઓ કરીએ છીએ. તમે જેવી કલ્પના કરશો એવી જિંદગી બનશે. કલ્પના કરવામાં ખૂબ જ ધ્યાન રાખજો, કારણ કે કલ્પના સાચી પડતી હોય છે. માણસનું જીવન તેની કલ્પનાના આધારે જ ઘડાય છે.

    એક સફળ માણસને તેની સફળતાનું કારણ પૂછવામાં આવ્યું. તેણે કહ્યું કે, મેં મનથી નક્કી કર્યું હતું કે હું સફળ થઈશ. એટલે હું સફળ થયો. મતલબ કે મનથી નક્કી કરવાનું મોટું મહાત્મ્ય છે. નિષ્ફળ માણસને કોઇ તેની નિષ્ફળતાનું કારણ પૂછતાં નથી. જો પૂછીએ તો કદાચ એવું કારણ મળે કે તેને તેની સફળતા વિશે શંકા હતી. તેને ખુદને ભરોસો ન હતો કે તે સફળ થઈ શકશે કે કેમ? જેની કલ્પના જ શંકાસ્પદ હોય તેનું પરિણામ નિષ્ફળતામાં જ હોય.

    આપણે એવા ઘણા માણસ જોયા છે જે ધારતાં હોય એવું કરે. હું મારો બંગલો બનાવીશ, હું મારું એમ્પાયર ખડું કરીશ, હું સફળ બનીશ, એવો સતત વિચાર અને કલ્પના કરનાર જ અંતે સફળ થતો હોય છે. તમે વિચાર કર્યો છે કે તમારી કલ્પનાઓ કેવી છે?

    એક માણસે એવું કહ્યું કે, કુદરત તમારી કલ્પનાને સાચી પાડે છે પણ તેને ખબર નથી કે તમારી કલ્પના સારી છે કે ખરાબ. તમે વિચારો એ કલ્પના સાચી પડશે, કારણ કે વિચારોમાં મોટી તાકાત છે. સપના વિશે એવું મનાય છે કે રાતે આપણે જેવા વિચારો કરતાં કરતાં સૂઈએ એવું સપનું આવે. મતલબ કે ઊંઘમાં પણ આપણા વિચારો આપણને અસર કરે છે. આપણે જે વિચારીએ છીએ એ આપણા સબકોન્સિયસ માઈન્ડમાં જમા થતું રહે છે. સવાલ એ છે કે આપણે કેવા વિચારો કરીએ છીએ?

    તમારી કલ્પના જેટલી દૃઢ અને પ્રબળ હશે એટલી એ ઝડપથી સાકાર થશે. એ કલ્પના સારી પણ હોય અને ખરાબ પણ હોય. માણસ સતત એવું વિચારતો રહે કે મને છાતીમાં દુઃખે છે તો ધીમે ધીમે તેને છાતીમાં દુખવા લાગે છે. જે માણસ સતત સારું બનવાનું વિચારતો રહે છે એની જિંદગીમાં સારું જ બનતું રહે છે. આવી વ્યક્તિ જ્યારે કંઈક ખરાબ બને ત્યારે પણ એવું જ વિચારતી રહે છે કે, એ તો સ્વાભાવિક છે. બધું કંઈ આપણી ઇચ્છા મુજબ બનવાનું નથી. હા, સરવાળે જે બનશે એ સારું જ હશે.

    પરિસ્થિતિ કે સંજોગો બદલાય તો પણ તમારી કલ્પનાને નબળી પડવા ન દો. હાઈવે પર જતાં હોઈએ અને ડાયવર્ઝન આવે ત્યારે એવું જ વિચારવાનું હોય કે આ ડાયવર્ઝન પૂરું થવાનું છે અને ફરીથી હાઈવે શરૂ થવાનો છે. ડાયવર્ઝન પર ગયા પછી એવું જ વિચારીએ કે હવે આ ડાયવર્ઝન પૂરું જ નથી થવાનું તો એમાં આપણી જ મુર્ખાઈ છે. દરેક ડાયવર્ઝન એવું જ સાબિત કરે છે કે નજીકમાં કંઈ સારું બની રહ્યું છે. થોડા સમયમાં જ નવો પૂલ કે નવો માર્ગ બનવાનો છે પણ આપણે એવું વિચારતા નથી અને ડાયવર્ઝનને જ રોયા રાખીએ છીએ. આખા શરીરમાં એકાદ નાની ફોડકી થઈ હોય તો આપણે તેનું દુઃખ ગાયે રાખીએ છીએ, ફોડકી સિવાયનું આખું શરીર સુંદર અને સાજું છે તેની દરકાર આપણે કરતાં નથી. જિંદગીનો એક ખરાબ દિવસ યાદ રાખીને તેને વાગોળતા રહીએ તો બાકીના સારા દિવસો ક્યારેય યાદ આવતા નથી.

    માણસની તકલીફ એ છે કે એ સારા વિચારો ઓછા અને ખરાબ વિચારો વધુ કરે છે. જે થયું ન હોય એના વિશે વિચારો કરીને દુઃખી થાય છે.

    આવું થશે તો? કંઈ ખરાબ થશે તો? માણસ સારો સમય ખરાબ વિચારો કરીને બરબાદ કરે છે અને ખરાબ સમયમાં સારા વિચારો કરવાના પ્રયત્ન કરે છે. સારા સમયમાં સારા વિચારોની સૌથી વધુ જરૂર હોય છે, તો જ તમે સુખી હશો ત્યારે સુખી બની શકશો. ખરાબ વિચારો અને ખરાબ કલ્પનાઓ ટાળો અને જો નહીં ટાળો તો એ સાચાં પડી જશે. કંઈ જ ખરાબ નથી, બધુ જ સુંદર અને શ્રેષ્ઠ છે. જિંદગી પણ!

    છેલ્લો સીનઃ

    આપણને પરિસ્થિતિ જેવી હોય તેવી નહીં, પણ આપણે જેવા હોઈએ તેવી દેખાય છે.અનેઈસ નિન

    ***

    બીજા રસપ્રદ વિકલ્પો

    શેયર કરો

    NEW REALESED